પ્રકરણ ૮૦
ઉત્તમ ઘેટાંપાળક અને ઘેટાંના વાડા
ઉત્તમ ઘેટાંપાળક અને ઘેટાંના વાડા વિશે ઈસુ જણાવે છે
ઈસુ યહુદિયામાં શીખવી રહ્યા હતા. તે હવે પોતાના સાંભળનારાઓનું ધ્યાન ઘેટાં અને ઘેટાંના વાડા તરફ દોરે છે, જે તેઓ સહેલાઈથી સમજી શકે એમ હતા. ઈસુએ ઉદાહરણ આપીને એ જણાવ્યું. યહુદીઓને દાઊદના શબ્દો યાદ આવ્યા હશે: ‘યહોવા મારા પાળક છે; તેથી મને કશી ખોટ પડશે નહિ. તે લીલાં બીડમાં મને સુવાડે છે.’ (ગીતશાસ્ત્ર ૨૩:૧, ૨) બીજા એક ગીતમાં દાઊદે પ્રજાને આમંત્રણ આપતા કહ્યું: ‘આપણા કર્તા યહોવાની આગળ ઘૂંટણિયે પડીએ. કેમ કે તે આપણા ઈશ્વર છે, આપણે તેમના ચારાના લોક છીએ.’ (ગીતશાસ્ત્ર ૯૫:૬, ૭) આમ, નિયમશાસ્ત્ર હેઠળ હતા એ ઇઝરાયેલીઓને લાંબા સમયથી ઘેટાંના ટોળા તરીકે રજૂ કરવામાં આવતા હતા.
આ ‘ઘેટાં વાડામાં’ હતાં, એટલે કે તેઓ મુસાના નિયમ કરાર હેઠળ જન્મ્યા હતા. જેઓ આ ગોઠવણનો ભાગ ન હતા, તેઓથી ઇઝરાયેલીઓ ભ્રષ્ટ ન થાય એ માટે, નિયમશાસ્ત્ર જાણે વાડ તરીકે રક્ષણ પૂરું પાડતું હતું. પણ, કેટલાક ઇઝરાયેલીઓએ ઈશ્વરના ટોળા સાથે ખરાબ વ્યવહાર કર્યો હતો. ઈસુએ કહ્યું: “હું તમને સાચે જ કહું છું કે ઘેટાંના વાડામાં જે કોઈ દરવાજામાંથી અંદર આવતો નથી, પણ બીજી કોઈ બાજુથી ચઢીને આવે છે, એ ચોર અને લુટારો છે. પણ, જે દરવાજામાંથી અંદર આવે છે એ ઘેટાંપાળક છે.”—યોહાન ૧૦:૧, ૨.
એ સાંભળીને લોકોએ મસીહ કે ખ્રિસ્ત હોવાનો દાવો કરનારાઓ વિશે વિચાર્યું હશે. એવો દાવો કરનારા તો ચોર અને લુટારા જેવા હતા. લોકોએ આવા ઢોંગીઓ પાછળ જવું ન જોઈએ. એના બદલે, તેઓએ “ઘેટાંપાળક” પાછળ જવું જોઈએ, જેમના વિશે ઈસુએ કહ્યું:
“દરવાન તેના માટે દરવાજો ખોલે છે અને ઘેટાં તેનો અવાજ સાંભળે છે. તે પોતાનાં ઘેટાંને નામ લઈને બોલાવે છે અને તેઓને બહાર દોરી જાય છે. પોતાનાં બધાં ઘેટાંને બહાર લાવ્યાં પછી, તે તેઓની આગળ ચાલે છે અને ઘેટાં તેની પાછળ પાછળ જાય છે, કારણ કે તેઓ તેનો અવાજ ઓળખે છે. કોઈ અજાણ્યા પાછળ તેઓ કદી જશે નહિ, પણ તેની પાસેથી દૂર નાસી જશે, કારણ કે તેઓ અજાણ્યાઓનો અવાજ ઓળખતા નથી.”—યોહાન ૧૦:૩-૫.
યોહાન બાપ્તિસ્મા આપનાર એ દરવાન જેવા હતા. તેમણે અગાઉ ઈસુની ઓળખ આપીને જણાવ્યું હતું કે નિયમશાસ્ત્ર હેઠળ જન્મેલાં ઘેટાં જેવા લોકોએ ઈસુની પાછળ જવાનું હતું. ગાલીલમાં અને યહુદિયામાં અમુક લોકોએ ઈસુનો અવાજ પારખી લીધો હતો. તે તેઓને બહાર ક્યાં ‘દોરી’ જશે? તેમને અનુસરવાથી શું ફાયદો થશે? ઉદાહરણ સાંભળનારા કેટલાકના મનમાં આવા સવાલો થતા હશે, કેમ કે “તેઓને સમજણ પડી નહિ કે તે શું કહી રહ્યા હતા.”—યોહાન ૧૦:૬.
ઈસુએ સમજાવ્યું: “હું તમને સાચે જ કહું છું કે ઘેટાં માટે હું દરવાજો છું. મારા બદલે જેઓ આવ્યા છે, તેઓ બધા ચોર અને લુટારા છે; પણ, ઘેટાંએ તેઓનું સાંભળ્યું નથી. હું દરવાજો છું; જે કોઈ મારા દ્વારા અંદર જાય છે તેનો બચાવ થશે અને તે અંદર આવશે ને બહાર જશે અને તેને ઘાસચારો મળશે.”—યોહાન ૧૦:૭-૯.
ચોક્કસ, ઈસુ કંઈક નવી વાત જણાવી રહ્યા હતા. તેમને સાંભળનારા જાણતા હતા કે, નિયમ કરાર સદીઓથી છે, એટલે એનો દરવાજો ઈસુ નથી. તેમનો કહેવાનો અર્થ એમ હતો કે, પોતે જે ઘેટાંને ‘બહાર દોરી’ લાવશે, એ બીજા વાડામાં જશે. એનું શું પરિણામ આવશે?
પોતાની ભૂમિકા વિશે ઈસુએ આગળ કહ્યું: “હું એ માટે આવ્યો, જેથી તેઓને જીવન મળે, હા, ભરપૂર જીવન મળે. હું ઉત્તમ ઘેટાંપાળક છું; ઉત્તમ ઘેટાંપાળક ઘેટાંને માટે પોતાનું જીવન આપી દે છે.” (યોહાન ૧૦:૧૦, ૧૧) અગાઉ ઈસુએ શિષ્યોને દિલાસો આપતા કહ્યું હતું: “ઓ નાની ટોળી, બીશો નહિ, કેમ કે તમારા પિતાએ તમને રાજ્ય આપવાનું મંજૂર કર્યું છે.” (લુક ૧૨:૩૨) આમ, ‘નાની ટોળીના’ લોકોને ઈસુ નવા વાડામાં લઈ જશે, જેથી તેઓને “જીવન મળે, હા, ભરપૂર જીવન મળે.” એ ટોળાનો ભાગ બનવું કેટલો મોટો આશીર્વાદ કહેવાય!
ઈસુએ ફક્ત એટલું જ જણાવીને વાત પૂરી ન કરી. તેમણે કહ્યું: “મારાં બીજાં ઘેટાં પણ છે, જે આ વાડાનાં નથી. તેઓને પણ મારે લઈ આવવાનાં છે, તેઓ મારો અવાજ સાંભળશે અને તેઓ એક ટોળું બનશે, તેઓનો એક ઘેટાંપાળક હશે.” (યોહાન ૧૦:૧૬) ‘બીજાં ઘેટાં, આ વાડાનાં નથી.’ એટલે કે, તેઓનો વાડો અલગ હશે. જેઓને રાજ્ય મળનાર છે, એ “નાની ટોળી”ના વાડાથી અલગ હશે. આ બે જાતના વાડાનાં ઘેટાંને મળનારા આશીર્વાદો જુદાં જુદાં હશે. છતાં, એ બંને વાડાનાં ઘેટાંને ઈસુથી ફાયદો થવાનો હતો. તેમણે કહ્યું: “પિતા મને પ્રેમ કરે છે, કારણ કે હું મારું જીવન આપું છું.”—યોહાન ૧૦:૧૭.
ટોળામાંથી ઘણા પોકારી ઊઠ્યા: “તેને દુષ્ટ દૂત વળગ્યો છે અને તે ગાંડો છે.” પણ, બીજાઓ ધ્યાનથી સાંભળી રહ્યા હતા અને ઉત્તમ ઘેટાંપાળક પાછળ જવા માંગતા હતા. તેઓએ કહ્યું: “દુષ્ટ દૂત વળગેલો માણસ આવી વાતો કરી શકે નહિ. શું કોઈ દુષ્ટ દૂત આંધળા લોકોને દેખતા કરી શકે?” (યોહાન ૧૦:૨૦, ૨૧) થોડા સમય પહેલાં, ઈસુએ જન્મથી આંધળા એક માણસને દેખતો કર્યો હતો. તેઓ એ બનાવ વિશે વાત કરતા હતા.