પ્રકરણ ૧૦૩
મંદિરને ફરી શુદ્ધ કરે છે
માથ્થી ૨૧:૧૨, ૧૩, ૧૮, ૧૯ માર્ક ૧૧:૧૨-૧૮ લુક ૧૯:૪૫-૪૮ યોહાન ૧૨:૨૦-૨૭
ઈસુ અંજીરના ઝાડને શાપ આપે છે અને મંદિરને શુદ્ધ કરે છે
ઘણાને જીવન આપવા, ઈસુએ મરવું પડશે
યરીખોથી આવ્યા પછી, ઈસુ અને તેમના શિષ્યો ત્રણ રાત બેથનિયામાં રહ્યા. પછી, નીસાન ૧૦, સોમવારની વહેલી સવારે તેઓ યરૂશાલેમ જવા નીકળ્યા. ઈસુને ભૂખ લાગી હતી. એટલે, અંજીરનું ઝાડ જોઈને તે એની પાસે ગયા. પણ શું એના પર અંજીર હતા?
ત્યારે માર્ચ મહિનો પૂરો થવા આવ્યો હતો અને અંજીરની મોસમ તો જૂન મહિનામાં શરૂ થતી. છતાં, ઝાડ પર કમોસમી વહેલાં પાંદડાં ફૂટ્યાં હતાં. એટલે, ઈસુને લાગ્યું કે એના પર અંજીર પણ થયાં હશે. પણ તેમને એના પર કોઈ અંજીર મળ્યાં નહિ. પાંદડાંને લીધે ઝાડ પર અંજીર પણ હોય એવો ભાસ થતો હતો. એ જોઈને ઈસુએ કહ્યું: “તારા પરથી કોઈ કદી ફળ ખાશે નહિ.” (માર્ક ૧૧:૧૪) તરત જ અંજીરનું ઝાડ સુકાવા લાગ્યું. આ બનાવનો અર્થ શું થાય, એની સમજણ શિષ્યોને પછીના દિવસે મળવાની હતી.
થોડા જ સમયમાં, ઈસુ અને તેમના શિષ્યો યરૂશાલેમ પહોંચી ગયા. આગલી બપોરે તે મંદિરને જોવા ગયા હતા. હવે, તે ફરી મંદિરે ગયા. આ વખતે તેમણે અમુક કડક પગલાં પણ ભર્યાં. ત્રણ વર્ષ પહેલાં, ઈસવીસન ૩૦ના પાસ્ખા તહેવાર વખતે તેમણે જે કર્યું હતું, એવું જ આ વખતે કર્યું. (યોહાન ૨:૧૪-૧૬) “મંદિરમાં ખરીદ-વેચાણ કરી રહ્યા હતા” તેઓને તેમણે બહાર કાઢી મૂક્યા અને “નાણાં બદલનારાઓની મેજો અને કબૂતર વેચનારાઓની બેઠકો ઊંધી વાળી દીધી.” (માર્ક ૧૧:૧૫) શહેરના બીજા ભાગમાં જવા લોકો વસ્તુઓ લઈને મંદિરના આંગણામાંથી અવર-જવર કરતા હતા, કેમ કે એમાં ઓછો સમય લાગતો. ઈસુએ તેઓને ત્યાંથી આવતાં-જતાં અટકાવ્યા.
મંદિરમાં નાણાં બદલનારાઓ અને પ્રાણીઓ વેચતાં વેપારીઓ સામે ઈસુએ કેમ કડક પગલાં લીધાં? ઈસુએ કહ્યું: “શું એમ લખેલું નથી કે, ‘બધી પ્રજાઓ માટે મારું ઘર પ્રાર્થનાનું ઘર કહેવાશે’? પણ તમે એને લુટારાઓનું કોતર બનાવ્યું છે.” (માર્ક ૧૧:૧૭) ઈસુએ તેઓને લુટારાઓ કહ્યા, કેમ કે બલિદાન માટે પ્રાણીઓ ખરીદવા આવતા લોકો પાસેથી તેઓ પુષ્કળ પૈસા પડાવી લેતા હતા. ઈસુ તેઓના આવા વેપારને લૂંટ સમાન ગણતા હતા.
ઈસુએ મંદિરમાં જે કર્યું એની જાણ મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ અને આગળ પડતા આગેવાનોને થઈ. એટલે, તેઓ નવા જોમથી ઈસુને મારી નાખવાના પ્રયત્નો કરવા લાગ્યા. જોકે, તેઓ સામે એક મુશ્કેલી હતી. ઈસુની વાત સાંભળવા લોકોનું ટોળું તેમની આસપાસ જમા રહેતું હોવાથી, તેમને કઈ રીતે મોતને ઘાટ ઉતારવા એ તેઓને સમજાતું ન હતું.
ફક્ત યહુદીઓ જ નહિ, યહુદી બનેલા લોકો પણ પાસ્ખાનો તહેવાર ઊજવવા ત્યાં આવ્યા હતા. તેઓમાં ગ્રીક લોકો પણ હતા, જેઓ તહેવારે ભક્તિ કરવા આવ્યા હતા. તેઓએ ફિલિપ પાસે આવીને ઈસુને મળવાની વિનંતી કરી. કદાચ તેઓ ફિલિપના ગ્રીક નામને લીધે તેમની પાસે આવ્યા હતા. ઈસુ સાથે મુલાકાત ગોઠવવી કે નહિ, એ વિશે ફિલિપ ચોક્કસ ન હતા. એટલે, તેમણે ખાતરી કરવા આંદ્રિયાને પૂછ્યું. પછી, તેઓ બંને ઈસુ પાસે ગયા, જે કદાચ હજુ મંદિરમાં જ હતા.
ઈસુ જાણતા હતા કે તેમણે થોડા દિવસોમાં મરવાનું છે. એટલે, આ કંઈ લોકોની જિજ્ઞાસા સંતોષવાનો કે તેઓમાં જાણીતા બનવાનો સમય ન હતો. તેમણે બંને પ્રેરિતોને આ ઉદાહરણ જણાવતા કહ્યું: “માણસના દીકરાને મહિમા પામવાનો સમય આવી પહોંચ્યો છે. હું તમને સાચે જ કહું છું કે જ્યાં સુધી ઘઉંનો દાણો માટીમાં પડીને મરે નહિ, ત્યાં સુધી એ એક જ દાણો રહે છે; પણ, જો એ મરે તો ઘણા દાણા આપે છે.”—યોહાન ૧૨:૨૩, ૨૪.
ઘઉંના એક દાણાનું કંઈ ખાસ મૂલ્ય હોતું નથી. છતાં, જો એને જમીનમાં રોપવામાં આવે અને એ “મરે,” તો એને ફણગો ફૂટે છે અને સમય જતાં એનાં કણસલાં પર પુષ્કળ દાણા ઊગે છે. એવી જ રીતે, ઈસુ એક સંપૂર્ણ માણસ હતા. તે પોતાના મરણ સુધી ઈશ્વરને વફાદાર રહ્યા એટલે ઘણાને ફાયદો થયો. જેઓ તેમની જેમ બીજાઓ માટે જીવ આપી દેવાની ભાવના રાખે છે, તેઓને ઈસુ દ્વારા હંમેશ માટેનું જીવન મળશે. ઈસુએ કહ્યું: “જે કોઈ પોતાનું જીવન વહાલું ગણે છે તે એને ગુમાવે છે, પણ જે કોઈ આ દુનિયામાં પોતાનું જીવન ધિક્કારે છે, તે હંમેશ માટેનું જીવન મેળવવા એને સલામત રાખશે.”—યોહાન ૧૨:૨૫.
ઈસુ ફક્ત પોતાનો જ વિચાર કરતા ન હતા. તેમણે કહ્યું: “જો કોઈ મારી સેવા કરવા ચાહે, તો તેણે મારી પાછળ ચાલવું અને જ્યાં હું છું, ત્યાં મારો સેવક પણ હશે. જો કોઈ મારી સેવા કરવા ચાહે, તો પિતા તેનો આદર કરશે.” (યોહાન ૧૨:૨૬) કેટલું મોટું ઇનામ! પિતા તરફથી આદર મેળવનારા લોકો ઈશ્વરના રાજ્યમાં ખ્રિસ્ત સાથે રાજ કરશે.
ઈસુએ પુષ્કળ દુઃખ અને પીડાદાયક મોત સહેવાનાં હતાં. એ ધ્યાનમાં રાખીને તેમણે કહ્યું: “હવે, હું બેચેન છું અને હું શું કહું? હે પિતા, મને આ ઘડીથી બચાવો.” પરંતુ, તે ઈશ્વરની ઇચ્છાને ટાળવા માંગતા ન હતા. એટલે, તેમણે ઉમેર્યું: “જોકે, એ માટે જ તો હું આ ઘડી સુધી આવ્યો છું.” (યોહાન ૧૨:૨૭) ઈશ્વરે જે કંઈ નક્કી કર્યું હતું, એ કરવા ઈસુ તૈયાર હતા. અરે, ઈશ્વરની ઇચ્છા મુજબ તે પોતાનું જીવન પણ બલિદાન તરીકે આપી દેવા તૈયાર હતા.