પ્રકરણ ૧૦૪
યહુદીઓ ઈશ્વરનો અવાજ સાંભળે છે—શું તેઓ શ્રદ્ધા બતાવશે?
ઘણા લોકો ઈશ્વરનો અવાજ સાંભળે છે
શાને આધારે ન્યાય થશે?
સોમવાર, નીસાન ૧૦ના રોજ ઈસુ મંદિરમાં હતા ત્યારે, ટૂંક સમયમાં થનાર પોતાના મરણ વિશે જણાવી રહ્યા હતા. ઈશ્વરના નામ પર એની કેવી અસર પડશે, એ વિશે ચિંતિત હોવાથી તેમણે કહ્યું: “હે પિતા, તમારું નામ મહિમાવાન કરો.” જવાબમાં, આકાશમાંથી એક જોરદાર વાણી સંભળાઈ: “મેં એ મહિમાવાન કર્યું છે અને ફરીથી એને મહિમાવાન કરીશ.”—યોહાન ૧૨:૨૭, ૨૮.
ત્યાં ઊભેલા લોકો મૂંઝવણમાં મૂકાઈ ગયા. અમુકને લાગ્યું કે તેઓએ ગર્જના સાંભળી. બીજા અમુકે કહ્યું: “દૂતે તેમની સાથે વાત કરી.” (યોહાન ૧૨:૨૯) હકીકતમાં, એ તો યહોવાનો અવાજ હતો, જે તેઓએ સાંભળ્યો. આ કંઈ પહેલી વાર મનુષ્યોએ ઈશ્વરનો અવાજ સાંભળ્યો ન હતો. ઈશ્વરે પહેલાં પણ ઈસુ વિશે આ રીતે વાત કરી હતી.
સાડા ત્રણ વર્ષ પહેલાં, બાપ્તિસ્મા આપનાર યોહાને ઈસુને બાપ્તિસ્મા આપ્યું ત્યારે, ઈસુ વિશે ઈશ્વરને આમ કહેતા સાંભળ્યા હતા: “આ મારો વહાલો દીકરો છે, જેને મેં પસંદ કર્યો છે.” ત્યાર બાદ, ઈસવીસન ૩૨ના પાસ્ખા પછી યાકૂબ, યોહાન અને પીતરની સામે ઈસુનું રૂપાંતર થયું હતું. એ વખતે આ ત્રણ શિષ્યોએ ઈશ્વરની વાણી સાંભળી હતી: “આ મારો વહાલો દીકરો છે, જેને મેં પસંદ કર્યો છે; તેનું સાંભળો.” (માથ્થી ૩:૧૭; ૧૭:૫) પરંતુ, આ ત્રીજી વખતે યહોવા એ રીતે બોલ્યા કે ઘણા લોકો સાંભળી શકે!
ઈસુએ કહ્યું: “આ વાણી મારા માટે નહિ, પણ તમારા માટે થઈ છે.” (યોહાન ૧૨:૩૦) એ વાણી ખાતરી આપતી હતી કે ઈસુ ખરેખર ઈશ્વરના દીકરા છે, તે જ આવનાર મસીહ છે.
વધુમાં, ઈસુ જીવનભર ઈશ્વરને વફાદાર રહ્યા. આમ, તેમણે મનુષ્યોને જીવનનો માર્ગ બતાવ્યો અને એ સાબિત કર્યું કે આ દુનિયાના શાસક, શેતાનનો વિનાશ થવો જ જોઈએ. ઈસુએ કહ્યું: “હવે, આ દુનિયાનો ન્યાય કરવામાં આવે છે; આ દુનિયાના અધિકારીને હવે કાઢી મૂકવામાં આવશે.” થોડા જ સમયમાં થનાર ઈસુનું મરણ કંઈ તેમની હાર નહિ, પણ જીત સાબિત થવાની હતી. કઈ રીતે? તેમણે સમજાવ્યું: “જ્યારે મને વધસ્તંભે જડશો ત્યારે હું દરેક પ્રકારના માણસોને મારી તરફ ખેંચીશ.” (યોહાન ૧૨:૩૧, ૩૨) વધસ્તંભનું મરણ સહીને ઈસુ લોકોને પોતાની તરફ ખેંચવાના હતા અને હંમેશ માટેના જીવનનો માર્ગ ખોલી દેવાના હતા.
ઈસુએ કહ્યું હતું કે તેમને “વધસ્તંભે” જડવામાં આવશે. એ સાંભળીને લોકોએ કહ્યું: “અમે નિયમશાસ્ત્રમાંથી સાંભળ્યું છે કે ખ્રિસ્ત કાયમ રહેશે. તો પછી, તમે કેમ કહો છો કે માણસના દીકરાને વધસ્તંભે જડવામાં આવશે? કોણ છે આ માણસનો દીકરો?” (યોહાન ૧૨:૩૪) તેઓ પાસે ઘણા પુરાવા હતા. અરે, તેઓએ ખુદ ઈશ્વરની વાણી સાંભળી હતી. તોપણ, મોટા ભાગના લોકો ઈસુને માણસના ખરા દીકરા, વચન અપાયેલા મસીહ તરીકે સ્વીકારવા તૈયાર ન હતા.
ઈસુએ અગાઉની જેમ પોતાને ફરીથી “પ્રકાશ” કહીને સંબોધ્યા. (યોહાન ૮:૧૨; ૯:૫) તેમણે ટોળાને અરજ કરી: “હજુ થોડી વાર સુધી પ્રકાશ તમારી વચ્ચે હશે. પ્રકાશ તમારી પાસે છે ત્યાં સુધી ચાલતા રહો, જેથી તમારા પર અંધકાર છવાઈ ન જાય . . . જ્યાં સુધી તમારી પાસે પ્રકાશ છે, ત્યાં સુધી પ્રકાશમાં શ્રદ્ધા રાખો, જેથી તમે પ્રકાશના દીકરાઓ બનો.” (યોહાન ૧૨:૩૫, ૩૬) એ પછી ઈસુ ત્યાંથી ચાલ્યા ગયા, કેમ કે નીસાન ૧૦ના રોજ તેમણે મરવાનું ન હતું. તેમણે તો નીસાન ૧૪, પાસ્ખા વખતે “વધસ્તંભે” જડાવાનું હતું.—ગલાતીઓ ૩:૧૩.
ઈસુના સેવાકાર્ય પર નજર નાખવાથી એ સ્પષ્ટ થાય છે કે યહુદીઓએ ઈસુમાં શ્રદ્ધા ન બતાવી, એમાં ભવિષ્યવાણી પૂરી થઈ રહી હતી. યશાયાએ ભાખ્યું હતું કે લોકોની આંખો આંધળી થઈ જશે અને હૃદય કઠણ થઈ જશે, જેથી તેઓ સાજા થવા પાછા ન ફરે. (યશાયા ૬:૧૦; યોહાન ૧૨:૪૦) હા, મોટા ભાગના યહુદીઓએ હઠીલા બનીને એ પુરાવાનો નકાર કર્યો કે ઈસુ જ વચન પ્રમાણે તેઓના તારણહાર છે, જીવન તરફ દોરી જતો માર્ગ છે.
નિકોદેમસ, અરિમથાઈનો યુસફ અને બીજા ઘણા અધિકારીઓએ “ઈસુ પર શ્રદ્ધા મૂકી” હતી. પરંતુ, શું તેઓએ પોતાની શ્રદ્ધા પ્રમાણે પગલાં લીધાં? કે પછી, સભાસ્થાનમાંથી કાઢી મૂકાવાનો ડર હોવાથી અથવા “માણસો તરફથી મળતું માન વધારે વહાલું” હોવાથી પોતાની શ્રદ્ધા જાહેર ન કરી?—યોહાન ૧૨:૪૨, ૪૩.
ઈસુએ પોતે જણાવ્યું કે તેમનામાં શ્રદ્ધા મૂકવામાં શું સમાયેલું છે: “જે કોઈ મારા પર શ્રદ્ધા રાખે છે, તે ફક્ત મારા પર જ નહિ, મને મોકલનાર પર પણ શ્રદ્ધા રાખે છે; અને જે કોઈ મને જુએ છે તે મને મોકલનારને પણ જુએ છે.” ઈશ્વરે ઈસુને જણાવ્યું હતું કે તે લોકોને સત્યનો સંદેશો શીખવે. ઈસુએ એમ જ કર્યું. એ સંદેશો એટલો મહત્ત્વનો હતો કે ઈસુએ જણાવ્યું: “જે કોઈ મારો સ્વીકાર કરતો નથી અને મારી વાતો પાળતો નથી, તેનો ન્યાય કરનાર એક છે. મેં કહેલી વાતો છેલ્લા દિવસે તેનો ન્યાય કરશે.”—યોહાન ૧૨:૪૪, ૪૫, ૪૮.
ઈસુએ છેવટે કહ્યું: “હું મારી પોતાની રીતે બોલ્યો નથી, પણ મને મોકલનાર પિતાએ મને આજ્ઞા આપી છે કે મારે શું કહેવું અને શું બોલવું. હું જાણું છું કે તેમની આજ્ઞા હંમેશ માટેનું જીવન છે.” (યોહાન ૧૨:૪૯, ૫૦) ઈસુ જાણતા હતા કે તેમનામાં શ્રદ્ધા મૂકનાર મનુષ્યો માટે તે થોડા જ સમયમાં બલિદાન તરીકે પોતાનું લોહી વહેવડાવી દેશે.—રોમનો ૫:૮, ૯.