યહોવાહને મહિમા આપો
“ગૌરવ તથા સામર્થ્ય યહોવાહને દો. યહોવાહના નામને શોભતું ગૌરવ તેને આપો.”—ગીતશાસ્ત્ર ૯૬:૭, ૮.
યિશાઈનો પુત્ર દાઊદ, એક ઘેટાંપાળક હતો. આથી, બેથલેહેમ અને તેના આજુબાજુના ગામડાંઓમાં ઘેટાં ચરાવતા, દાઊદે કેટલીય વાર આકાશમાં જોયું હશે. એક કાળી ચાદર જેવા આકાશમાં અઢળક તારા જોયા હશે! તેથી, તેમણે ગીતશાસ્ત્રનું ૧૯મું ગીત લખ્યું ત્યારે, એ સર્વ યાદ કરતા કહે છે: “આકાશો ઈશ્વરનો મહિમા પ્રગટ કરે છે. ઈશ્વરના હાથના ચાતુર્યની અદ્ભુત કારીગરી તેઓ દર્શાવે છે. તેમ છતાં, તેઓનો સંદેશો સમગ્ર પૃથ્વીમાં પહોંચે છે અને પૃથ્વીના છેડાઓ સુધી તેઓની સાક્ષી સંભળાય છે.”—ગીતશાસ્ત્ર ૧૯:૧, ૪, IBSI.
૨ યહોવાહે ભવ્ય આકાશ બનાવ્યું છે. એ એક પણ શબ્દ ઉચ્ચાર્યા વિના રાત-દિવસ યહોવાહનો મહિમા જાહેર કરે છે. આખું વિશ્વ પણ યહોવાહને મહિમા આપે છે. પરંતુ, શું એટલું જ પૂરતું છે? ના, માણસોએ પણ યહોવાહને મહિમા આપવો જોઈએ. કેમ કે એક ગીતકર્તાએ પરમેશ્વરના ભક્તોને કહ્યું: “ગૌરવ તથા સામર્થ્ય યહોવાહને દો. યહોવાહના નામને શોભતું ગૌરવ તેને આપો.” (ગીતશાસ્ત્ર ૯૬:૭, ૮) યહોવાહ પર પ્રેમ રાખનારાઓ આ સલાહને ખુશીથી પાળે છે. તોપણ, યહોવાહને મહિમા આપવો એટલે શું?
૩ ફક્ત મોઢેથી યહોવાહને મહિમા આપીએ એ પૂરતું નથી. યશાયાહના દિવસોમાં ઈસ્રાએલીઓ યહોવાહને હોઠોથી જ માન આપતા હતા. તેઓ પૂરા મનથી મહિમા આપવામાં નિષ્ફળ ગયા. આથી, યશાયાહ દ્વારા યહોવાહે કહ્યું: “આ લોકો કહે છે કે તેઓ મારા લોક છે. પરંતુ તેઓ મને આધીન થતા નથી. તેઓની આરાધના હોઠ ફફડાવીને ઉચ્ચારેલા શબ્દોની જ છે.” (યશાયાહ ૨૯:૧૩, IBSI) તો પછી, આવી રીતે યહોવાહને મહિમા આપવાનો શું અર્થ? કેમ કે, યહોવાહને મહિમા આપવા તેઓએ પૂરા દિલથી તેમને પ્રેમ કરવો જોઈએ. યહોવાહ જ આખા વિશ્વને બનાવ્યું છે. તે એકલા જ સર્વશક્તિમાન અને પ્રેમના સાગર છે. તે જ આપણને તારણ આપી શકે છે. વળી, આખી પૃથ્વી પર તે એકલા જ આપણી ભક્તિને લાયક છે. (પ્રકટીકરણ ૪:૧૧; ૧૯:૧) જો આપણે આ સર્વ બાબતો માનીએ તો, આપણે પૂરા દિલથી તેમને મહિમા આપીશું.
૪ ઈસુ ખ્રિસ્તે બતાવ્યું કે આપણે કઈ રીતે પરમેશ્વરને મહિમા આપવો જોઈએ. તેમણે કહ્યું: “તમે બહુ ફળ આપો, એમાં મારા બાપને મહિમા મળે છે; અને એથી તમે મારા શિષ્ય થશો.” (યોહાન ૧૫:૮) આપણે કઈ રીતે ફળ આપી શકીએ? સૌ પ્રથમ, આપણે ‘રાજ્યની સુવાર્તાનો’ પૂરા દિલથી પ્રચાર કરવો જોઈએ. તેમ જ પરમેશ્વરનાં “અદૃશ્ય ગુણો” વિષે બીજાઓને જણાવવું જોઈએ. (માત્થી ૨૪:૧૪; રૂમીઓને પત્ર ૧:૨૦) વધુમાં આપણે લોકો સાથે અભ્યાસ કરીને તેઓને પરમેશ્વરના માર્ગમાં લાવવા મદદ કરીએ. જેથી, તેઓ પણ આપણી સાથે યહોવાહને મહિમા આપવામાં જોડાશે. બીજું કે, આપણે આપણા જીવનમાં પવિત્ર આત્માનાં ફળો કેળવીશું. અને પરમેશ્વરનાં મહાન ગુણોનું પણ અનુકરણ કરીશું. (ગલાતી ૫:૨૨, ૨૩; એફેસી ૫:૧; કોલોસી ૩:૧૦) આમ, રોજિંદા જીવનમાં આપણે યહોવાહને મહિમા આપીશું.
‘પૃથ્વીના છેડા સુધી’
૫ પાઊલે રૂમીઓના પત્રમાં ભાર આપતા કહ્યું કે સર્વ ખ્રિસ્તીઓએ પોતાના વિશ્વાસ વિષે બીજાઓને જણાવવું જોઈએ, જેથી તેઓ પણ પરમેશ્વરને મહિમા આપે. રૂમીઓના પત્રનો મુખ્ય વિષય છે કે, ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનારાઓને જ તારણ મળશે. દસમા અધ્યાયમાં પાઊલે કહ્યું કે ઈસુ ‘મુસાના નિયમનો અંત’ લાવ્યા હતા. તોપણ, તારણ મેળવવા માટે રોમના ઈસ્રાએલીઓ હજુ પણ મુસાના કરારને અનુસરતા હતા. તેથી, પાઊલે કહ્યું, “તમારા મુખે જો તમે કબૂલ કરો કે ઈસુ ખ્રિસ્ત મારા પ્રભુ છે, અને તમારા હૃદયમાં વિશ્વાસ કરો કે ઈશ્વરે ખ્રિસ્તને મરણમાંથી સજીવન કર્યા છે, તો તમે તારણ પામશો.” ત્યારથી ‘યહુદી અને બિનયહુદી વચ્ચે કોઈ પક્ષપાત નથી. સર્વનો ઈશ્વર એક જ છે, અને જે કોઈ માગે છે તે દરેકને તે તેમની સમૃદ્ધિમાંથી ભરપૂરપણે આપે છે. પ્રભુને નામે જે કોઈ વિનંતી કરશે તે તારણ પામશે.’—રોમન ૧૦:૪, ૯-૧૩ IBSI.
૬ પછી પાઊલે પૂછ્યું: “પરંતુ પ્રભુ પર વિશ્વાસ કર્યા વગર તેઓ કેવી રીતે તારણને માટે પ્રભુને વિનંતી કરશે? અને પ્રભુ વિષે સાંભળ્યા વગર તેઓ કેવી રીતે તેમના પર વિશ્વાસ કરશે? અને કોઈ કહે નહી ત્યાં સુધી તેઓ કેવી રીતે પ્રભુ વિશે સાંભળશે?” (રોમન ૧૦:૧૪, IBSI) ઈસ્રાએલીઓ વિષે પાઊલે કહ્યું, ‘સુસમાચાર સાંભળનાર દરેક જણ તેનો સ્વીકાર કરતા નથી.’ શા માટે? શું તેઓને સુસમાચાર સાંભળવાની તક મળી ન હતી? ના, એમ ન હતું. પરંતુ, તેઓમાં વિશ્વાસની ખામી હતી. એ પાઊલે ગીતશાસ્ત્ર ૧૯:૪ ટાંકીને બતાવ્યું. તેમણે એ કલમ સૃષ્ટિને નહિ પણ પ્રચાર કાર્યને લાગુ પાડી. તેમણે કહ્યું, “પૃથ્વીના છેડાઓ સુધી ઈશ્વરનું વચન સંભળાવવામાં આવ્યું છે.” (રોમન ૧૦:૧૬, ૧૮, IBSI) આખી સૃષ્ટિ યહોવાહને મહિમા આપે છે તેમ, પ્રથમ સદીના ખ્રિસ્તીઓએ “પૃથ્વીના છેડાઓ સુધી” લોકોને પરમેશ્વરના રાજ્યનો પ્રચાર કરીને તેમને મહિમા આપ્યો. પાઊલે કોલોસીઓને લખેલા પત્રમાં પણ જણાવ્યું કે ક્યાં સુધી સુસમાચાર ફેલાયા હતા. તેમણે કહ્યું કે શુભસંદેશ તો, “દુનિયામાં સર્વને પ્રગટ કરવામાં આવ્યો છે.”—કોલોસી ૧:૨૩, પ્રેમસંદેશ.
ઉત્સાહી સેવકો
૭ ઈસુ ખ્રિસ્તના મરણના લગભગ ૨૭ વર્ષ પછી પાઊલે કોલોસીઓને પત્ર લખ્યો. પરંતુ, આટલા ઓછા સમયમાં કઈ રીતે પ્રચાર કાર્ય કોલોસી સુધી ફેલાયું? પ્રથમ સદીના ખ્રિસ્તીઓ ઘણા ઉત્સાહી હતા અને યહોવાહે તેઓના ઉત્સાહને આશીર્વાદ આપ્યો. પોતાના શિષ્યો જોશીલા પ્રચારકો બનશે એ બતાવવા ઈસુએ કહ્યું: “શુભસંદેશાનો પ્રચાર પ્રથમ બધી પ્રજાઓમાં થવો જ જોઈએ.” (માર્ક ૧૩:૧૦, પ્રેમસંદેશ) એ ઉપરાંત, ઈસુએ આજ્ઞા આપી: “એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો; બાપ તથા દીકરા તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ; મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ.” (માત્થી ૨૮:૧૯, ૨૦) ઈસુ સ્વર્ગમાં ગયા પછી તેમના શિષ્યો એ પ્રમાણે કરવા લાગ્યા.
૮ ઈસવીસન ૩૩ પેન્તેકોસ્તના દિવસે ઈસુના શિષ્યો પર પવિત્ર આત્મા રેડવામાં આવ્યો. એ પછી તેઓ તરત જ પ્રચાર કરીને યરૂશાલેમના લોકોને “ઈશ્વરે કરેલાં મહાન કાર્યો” વિષે કહેવા લાગ્યા. તેઓના પ્રચારને લીધે “લગભગ ત્રણ હજાર માણસોએ” બાપ્તિસ્મા લીધું. શિષ્યોએ જાહેરમાં જોશથી પરમેશ્વરનો મહિમા કર્યો અને એના સારાં ફળો પણ મેળવ્યાં.—પ્રેષિતોનાં કાર્યો ૨:૪, ૧૧, ૪૧, ૪૬, ૪૭, પ્રેમસંદેશ.
૯ ખ્રિસ્તીઓનું કાર્ય બહુ જલદી જ ધર્મગુરુઓના ધ્યાન પર આવ્યું. પીતર અને યોહાન હિંમતથી લોકોને પ્રચાર કરતા હતા. તેથી, ધર્મગુરુઓએ તેઓને પ્રચાર બંધ કરવાની આજ્ઞા આપી. ત્યારે આ પ્રેષિતોએ કહ્યું: “અમે જે જે જોયું તથા સાંભળ્યું, તે કહ્યા વિના અમારાથી રહેવાય એમ નથી.” એ પછી પીતર અને યોહાનને ધમકી આપીને છોડી મૂકવામાં આવ્યા. તેઓએ તરત જ ભાઈબહેનો સાથે ભેગા મળીને યહોવાહને પ્રાર્થના કરી કે, “તારા સેવકોને તારી વાત પૂરેપૂરી હિંમતથી કહેવાનું સામર્થ્ય આપ.”—પ્રેરિતોનાં કૃત્યો ૪:૧૩, ૨૦, ૨૯.
૧૦ તેઓની પ્રાર્થના યહોવાહની ઇચ્છાની સુમેળમાં હતી અને યહોવાહે તેઓને આશીર્વાદ આપ્યો. પ્રેષિતોને જેલમાં પૂરવામાં આવ્યા ત્યારે, દૂત દ્વારા ચમત્કારિક રીતે તેઓને છોડાવવામાં આવ્યા. દૂતે તેઓને કહ્યું: “તમે જાઓ, અને મંદિરમાં ઊભા રહીને એ જીવન વિષેની સઘળી વાતો લોકોને કહી સંભળાવો.” (પ્રેરિતોનાં કૃત્યો ૫:૧૮-૨૦) પ્રેષિતોએ આજ્ઞા પાળી હોવાથી યહોવાહે તેઓને ભરપૂર આશીર્વાદો આપ્યા. તેઓએ પણ “નિત્ય મંદિરમાં તથા ઘેર ઈસુ તેજ ખ્રિસ્ત છે તે વિષે શિખવવાનું તથા પ્રગટ કરવાનું છોડ્યું નહિ.” (પ્રેરિતોનાં કૃત્યો ૫:૪૨) આપણે જોઈ શકીએ છીએ કે સખત વિરોધ હોવા છતાં, ઈસુના શિષ્યોએ પ્રચાર કરીને પરમેશ્વરને જાહેરમાં મહિમા આપ્યો.
૧૧ પછીથી, સ્તેફનને પથ્થરે મારી નાખવામાં આવ્યો. આમ, આખા યરૂશાલેમમાં સખત સતાવણી શરૂ થઈ. તેથી, પ્રેષિતો સિવાય બધા જ શિષ્યો યરૂશાલેમમાંથી બીજી જગ્યાઓએ જતા રહ્યા. શું તેઓ આ સતાવણીથી હતાશ થઈ ગયા? બિલકુલ નહિ! શાસ્ત્ર કહે છે કે: “જેઓ વિખેરાઈ ગયા હતા તેઓ સુવાર્તા પ્રગટ કરતા ચારેગમ ફર્યા.” (પ્રેરિતોનાં કૃત્યો ૮:૧, ૪) પ્રેરિતોનાં કૃત્યોના ૯મા અધ્યાયમાં આપણને જોવા મળે છે કે તાર્સસનો ફરોશી શાઊલ, ઈસુના શિષ્યોની સતાવણી કરવા દમસ્ક જઈ રહ્યો હતો. રસ્તામાં તેને ઈસુનું સંદર્શન થયું. ત્યાર બાદ, તે આંધળો થઈ ગયો. દમસ્કમાં અનાન્યા ચમત્કારથી શાઊલને સાજો કરે છે. શાઊલ પછી પાઊલ તરીકે ઓળખાયા. શાઊલ દેખતો થયો ત્યારે સૌથી પહેલાં શું કર્યું? આપણે વાંચીએ છીએ: “તરત જ તે સભાસ્થાનમાં ગયો. ત્યાં જઈને સુસમાચાર પ્રગટ કરવા લાગ્યો કે ‘ઈસુ એ જ ઈશ્વરપુત્ર છે.’” આમ, યહોવાહનો વધારે મહિમા થતો ગયો.—પ્રેષિતોનાં કાર્યો ૯:૨૦, IBSI.
સર્વએ પ્રચાર કાર્યમાં ભાગ લીધો
૧૨ પ્રથમ સદીના મંડળોમાં સર્વ ખ્રિસ્તીઓએ પ્રચાર કાર્યમાં ભાગ લીધો. એ વિષે ઇતિહાસકારો પણ સહમત થાય છે. દાખલા તરીકે, ચર્ચનો ઇતિહાસ નામના અંગ્રેજી પુસ્તકમાં ફિલિપ શાફે શરૂઆતના ખ્રિસ્તીઓ વિષે લખ્યું: “બધા જ ખ્રિસ્તીઓ મિશનરી હતા.” પાદરીઓના સેવા કાર્ય (અંગ્રેજી) પુસ્તકમાં ડબ્લ્યુ એસ. વિલ્યમ જણાવે છે: “મંડળની શરૂઆતથી જ સર્વ ખ્રિસ્તીઓ ઈસુ વિષે પ્રચાર કરતા હતા. ખાસ કરીને જેઓ જુદી જુદી ભાષા બોલી શકતા હતા, તેઓ ખૂબ ઉત્સાહી પ્રચારકો હતા. વળી, ઈસુએ એમ નહોતું કહ્યું કે પાદરી જેવા ભણેલા ગણેલા લોકોએ જ પ્રચાર કરવો જોઈએ.” ખ્રિસ્તીઓના વિરોધી સેલ્સુયસે લખ્યું: “ઊન વણનારાં, મોચી, દરજી અને ઓછું ભણેલાઓ પણ ઉત્સાહથી શુભસંદેશાનો પ્રચાર કરતા હતા.”
૧૩ આ જ બાબત આપણને પ્રેરિતોનાં કૃત્યોના અહેવાલમાં પણ જોવા મળે છે. ઈસવીસન ૩૩ પેન્તેકોસ્તમાં ખ્રિસ્તીઓ પર પવિત્ર આત્મા રેડવામાં આવ્યો. ત્યાર પછી બધા જ શિષ્યોએ જાહેરમાં પરમેશ્વરના મહાન કાર્યો જણાવ્યા. સ્તેફનના ખૂન પછી ખ્રિસ્તીઓ અલગ અલગ જગ્યાઓએ વિખેરાઈ ગયા હતા. તેઓએ જ્યાં ગયા ત્યાં પરમેશ્વરના રાજ્યનો પ્રચાર કર્યો. લગભગ ૨૮ વર્ષ પછી, પાઊલે ધર્મગુરુઓને નહિ, પણ હેબ્રીઓના સર્વ ખ્રિસ્તીઓને લખ્યું: “આપણે દેવને સ્તુતિરૂપ યજ્ઞ, એટલે તેનું નામ કબૂલ કરનારા હોઠોના ફળનું અર્પણ, નિત્ય કરીએ.” (હેબ્રૂ ૧૩:૧૫, IBSI) પાઊલે પ્રચાર કાર્ય વિષે કહ્યું: “જો હું સુવાર્તા પ્રગટ કરૂં, તો તેમાં મારે અભિમાન રાખવાનું કંઈ કારણ નથી, કેમકે એમ કરવું મારી ફરજ છે; અને જો હું સુવાર્તા પ્રગટ ન કરૂં, તો મને અફસોસ છે.” (૧ કોરીંથી ૯:૧૬) સાચે જ, પ્રથમ સદીના સર્વ ખ્રિસ્તીઓને પણ એવું જ લાગતું હતું.
૧૪ જોકે ખ્રિસ્તીઓને વિશ્વાસ હશે તો, તેઓ ચોક્કસ પ્રચાર કરશે. પાઊલે કહ્યું: “હૃદયથી વિશ્વાસ કરવાથી માણસ ઈશ્વર સાથે સીધા સંબંધમાં આવે છે, અને પોતાના મુખે બીજાંઓ સમક્ષ તારણની કબૂલાત કરે છે.” (રોમન ૧૦:૧૦, IBSI) શું ફક્ત અમુક લોકોને કે પાદરી વર્ગને જ પ્રચાર કરવાની જવાબદારી છે? બિલકુલ નહિ! બધા જ ખ્રિસ્તીઓએ ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ મૂકીને બીજાઓને એના વિષે જણાવવું જોઈએ. જો તેઓ એમ ન કરે તો, તેઓમાં ખરો વિશ્વાસ નથી. (યાકૂબ ૨:૨૬) પ્રથમ સદીના સર્વ વિશ્વાસુ ખ્રિસ્તીઓએ આવો વિશ્વાસ બતાવ્યો હોવાથી યહોવાહના નામને મહિમા મળ્યો.
૧૫ પ્રથમ સદીના ખ્રિસ્તીઓને મંડળમાં અને બહાર ઘણી મુશ્કેલીઓ સહન કરવી પડી, તેમ છતાં યહોવાહે આશીર્વાદ આપ્યો અને શિષ્યોમાં ઘણો વધારો થયો. દાખલા તરીકે, પ્રેરિતોનાં કૃત્યોનો છઠ્ઠો અધ્યાય બતાવે છે કે હેબ્રી અને ગ્રીક બોલતા લોકોમાં મતભેદ ઊભો થયો. આ મતભેદ પ્રેષિતોએ થાળે પાડ્યો. આપણને વાંચવા મળે છે: “દેવની વાતનો પ્રચાર થતો ગયો, અને યરૂશાલેમમાં શિષ્યોની સંખ્યા ઘણી વધી ગઈ; ઘણા યાજકો પણ વિશ્વાસને આધીન થયા.”—પ્રેષિતોનાં કાર્યો ૬:૭.
૧૬ પછીથી, યહુદાહના રાજા હેરોદ આગ્રીપા અને તુર તથા સીદોનના લોકો વચ્ચે રાજકીય મુશ્કેલીઓ ઊભી થઈ. એ શહેરના લોકો શાંતિ માટે હેરોદ રાજાની ખુશામત કરવા લાગ્યા. તેથી, હેરોદ રાજાએ લોકો આગળ ભાષણ આપ્યું ત્યારે, ભેગા મળેલા ટોળાએ પોકાર કર્યો: “આ વાણી તો દેવની છે, માણસની નથી.” પરંતુ, હેરોદ આગ્રીપાએ “દેવને મહિમા આપ્યો નહિ.” તેથી, તરત જ યહોવાહના દૂતે હેરોદને એવી માંદગી આપી કે તે મરણ પામ્યો. (પ્રેરિતોનાં કૃત્યો ૧૨:૨૦-૨૩) માનવીઓ પર ભરોસો રાખનારા લોકો માટે કેવો શોક! (ગીતશાસ્ત્ર ૧૪૬:૩, ૪) પરંતુ, ખ્રિસ્તીઓ યહોવાહને જ મહિમા આપતા રહ્યા. આથી, આવી રાજકીય કટોકટીમાં પણ “દેવની વાત પ્રસરતી અને વૃદ્ધિ પામતી” ગઈ.—પ્રેરિતોનાં કૃત્યો ૧૨:૨૪.
પહેલાં અને આજે
૧૭ પ્રથમ સદીમાં, સર્વ ખ્રિસ્તીઓ ઉત્સાહથી યહોવાહને મહિમા આપતા હતા. બધા જ વિશ્વાસુ ખ્રિસ્તીઓએ રાજ્યનો સંદેશો ફેલાવવામાં ભાગ આપ્યો. પ્રચારમાં અમુક લોકોને સારું સાંભળનારા મળ્યા. તેથી, ખ્રિસ્તીઓએ તેઓને ઈસુએ આપેલી સર્વ આજ્ઞા શીખવી. (માત્થી ૨૮:૧૯) પરિણામે, મંડળમાં વૃદ્ધિ થઈ અને વધારેને વધારે લોકો દાઊદ રાજાની જેમ યહોવાહનો મહિમા આપવા જોડાયા. તેઓ સર્વએ આ શબ્દોનો પડઘો પાડ્યો: “હે પ્રભુ મારા ઈશ્વર, મારા પૂરા અંત:કરણથી હું તમારી સ્તુતિ કરીશ. હું સર્વદા તમારા નામને મહિમા આપીશ. કેમકે તમે મને પુષ્કળ પ્રેમ કરો છો!”—ગીતશાસ્ત્ર ૮૬:૧૨, ૧૩, IBSI.
૧૮ થીઓલોજીના પ્રોફેસર એલીસન એ. ટ્રાઈટ્સના શબ્દો વિચારવા જેવા છે. તેણીએ આજના કહેવાતા ખ્રિસ્તીઓને પ્રથમ સદીના ખ્રિસ્તીઓ સાથે સરખાવતા કહ્યું: ‘આજે ચર્ચમાં જનારાઓની સંખ્યામાં વધારો એટલા માટે થયો છે કે તેઓના બાળકો પણ તેઓ સાથે ચર્ચમાં જાય છે. તેમ જ, લોકો બીજે રહેવા જાય ત્યારે એ જગ્યાના ચર્ચમાં જતા હોવાથી વધારો થાય છે. પરંતુ, પ્રેરિતોનાં કૃત્યોમાં આપણને જોવા મળે છે કે પ્રથમ સદીમાં ખ્રિસ્તીઓએ લોકોને સત્ય શીખવ્યું હોવાથી વધારો થયો હતો.’ તો પછી, શું એનો અર્થ એમ થાય કે ઈસુએ કહ્યું હતું એ રીતે આજે સાચા ખ્રિસ્તીઓમાં વધારો થતો નથી? ના, એમ નથી. આજના ખ્રિસ્તીઓ પણ પ્રથમ સદીના ખ્રિસ્તીઓની જેમ પૂરા જોશથી પ્રચાર કરે છે અને ઉત્સાહથી પરમેશ્વરનો મહિમા કરે છે. કઈ રીતે? એ આપણે હવે પછીના લેખમાં જોઈશું.
શું તમે સમજાવી શકો?
• આપણે કઈ રીતે યહોવાહને મહિમા આપી શકીએ?
• પાઊલે ગીતશાસ્ત્ર ૧૯:૪ કોને લાગુ પાડી?
• વિશ્વાસ અને પ્રચાર કાર્ય કઈ રીતે એકબીજા સાથે જોડાયેલા છે?
• આપણે પ્રથમ સદીના ખ્રિસ્તીઓના ઉત્સાહ વિષે શું જોયું?
[અભ્યાસ પ્રશ્નો]
૧, ૨. કોણ યહોવાહને મહિમા આપે છે અને બીજા કોણે તેમને મહિમા આપવો જોઈએ?
૩. આપણે કઈ રીતે પરમેશ્વરને મહિમા આપવો જોઈએ?
૪. યહોવાહને મહિમા આપવા વિષે ઈસુએ શું કહ્યું અને આપણે શું કરવું જોઈએ?
૫. યહોવાહને મહિમા આપવા માટે પાઊલે સર્વ ખ્રિસ્તીઓને શું કરવાનું કહ્યું?
૬. પાઊલે ગીતશાસ્ત્ર ૧૯:૪ કોને લાગુ પાડી?
૭. ઈસુના કહ્યા પ્રમાણે ખ્રિસ્તીઓની શું જવાબદારી હતી?
૮, ૯. પ્રેરિતોનાં કૃત્યોનાં અહેવાલ પ્રમાણે ખ્રિસ્તીઓએ કઈ રીતે ઈસુની આજ્ઞા પાળી?
૧૦. ખ્રિસ્તીઓને કઈ સતાવણી સહન કરવી પડી? તોપણ તેઓએ શું કર્યું?
૧૧. પ્રથમ સદીના ખ્રિસ્તીઓએ પ્રચાર કાર્ય પ્રત્યે કેવું વલણ બતાવ્યું?
૧૨, ૧૩. (ક) શરૂઆતના ખ્રિસ્તીઓ વિષે ઇતિહાસકારોએ શું લખ્યું? (ખ) પ્રેરિતોનાં કૃત્યોનું પુસ્તક અને પાઊલના શબ્દો કઈ રીતે ઇતિહાસકારોના લખાણ સાથે સહમત થાય છે?
૧૪. વિશ્વાસ અને પ્રચાર કાર્ય કઈ રીતે એકબીજા સાથે જોડાયેલા છે?
૧૫, ૧૬. મુશ્કેલીઓ હોવા છતાં, પ્રચાર કાર્યમાં વધારો થયો એનું ઉદાહરણ આપો.
૧૭. પ્રથમ સદીમાં વૃદ્ધિ થયા પછી લોકો શું કરવા જોડાયા?
૧૮. (ક) પ્રથમ સદીના ખ્રિસ્તીઓ અને આજના કહેવાતા ખ્રિસ્તીઓમાં શું તફાવત જોવા મળે છે? (ખ) હવે પછીના લેખમાં શાની ચર્ચા કરવામાં આવશે?
[પાન ૮, ૯ પર ચિત્ર]
આકાશ હંમેશાં યહોવાહને મહિમા આપે છે
[ક્રેડીટ લાઈન]
Courtesy of Anglo-Australian Observatory, photograph by David Malin
[પાન ૧૦ પર ચિત્ર]
પ્રચાર કાર્ય અને પ્રાર્થના એકબીજા સાથે જોડાયેલા છે