ઈસુની પ્રેમાળ પ્રાર્થનાની સુમેળમાં ચાલીએ
‘હે પિતા, તમે તમારા દીકરાને મહિમાવાન કરો, જેથી દીકરો તમને મહિમાવાન કરે.’—યોહા. ૧૭:૧.
૧, ૨. ઈસવીસન ૩૩નો પાસ્ખા પોતાના વિશ્વાસુ શિષ્યો સાથે ઊજવ્યા પછી ઈસુએ શું કર્યું?
ઈસવીસન ૩૩, નીસાન ૧૪ની એ મોડી સાંજ છે. ઈસુ અને તેમના શિષ્યોએ હમણાં જ પાસ્ખાપર્વનો આનંદ માણ્યો છે. એ પર્વ તેઓને યાદ કરાવે છે કે, ઈશ્વરે કઈ રીતે તેઓના પૂર્વજોને ઇજિપ્તની ગુલામીમાંથી છોડાવ્યા હતા. જોકે, ઈસુના વિશ્વાસુ શિષ્યો એના કરતાં મોટો ‘સનાતન છુટકારાʼનો અનુભવ કરવાના હતા. બીજે દિવસે (જે હજી નીસાન ૧૪નો દિવસ છે), તેઓના ગુરુને દુશ્મનો મારી નાખવાના હતા. પરંતુ, એ ક્રૂર કૃત્ય આશીર્વાદમાં બદલાઈ જવાનું હતું. વહેવડાવવામાં આવેલા ઈસુના લોહીના આધારે માણસજાતને પાપ અને મરણમાંથી છુટકારો મળવાનો હતો.—હિબ્રૂ ૯:૧૨-૧૪.
૨ એ પ્રેમાળ ગોઠવણને આપણે ભૂલી ન જઈએ માટે ઈસુએ પાસ્ખાપર્વની જગ્યાએ એક નવી વાર્ષિક ઉજવણીની શરૂઆત કરી. ઈસુએ ખમીર વગરની રોટલી લઈને ભાંગી અને પોતાના અગિયાર વિશ્વાસુ શિષ્યોમાં પસાર કરી. પછી કહ્યું: “આ મારું શરીર છે, તે તમારે માટે આપવામાં આવે છે; મારી યાદગીરીમાં આ કરો.” પછી તેમણે લાલ દ્રાક્ષદારૂનો પ્યાલો લઈને કહ્યું, “આ પ્યાલો તમારે માટે વહેવડાવેલા મારા લોહીમાંનો નવો કરાર છે.”—લુક ૨૨:૧૯, ૨૦.
૩. (ક) ઈસુના મરણ પછી કયો મોટો ફેરફાર થયો? (ખ) યોહાન ૧૭માં જણાવેલી ઈસુની પ્રાર્થના વિશે કયા સવાલોનો વિચાર કરીશું?
૩ ઈશ્વર અને ઈસ્રાએલીઓ વચ્ચેના જૂના નિયમ કરારનો જલદી જ અંત આવવાનો હતો. એના બદલે, ઈસુના અભિષિક્ત શિષ્યો અને યહોવા વચ્ચે નવો કરાર થવાનો હતો. ઈસુ ચાહતા ન હતા કે તેમના શિષ્યો એવા ઈસ્રાએલીઓ જેવા બને, જેઓ ઈશ્વરની ભક્તિમાં એક ન હતા અને જેઓને લીધે ઈશ્વરના પવિત્ર નામને કલંક લાગ્યું હતું. (યોહા. ૭:૪૫-૪૯; પ્રે.કૃ. ૨૩:૬-૯) ઈસુ તો એમ ચાહતા હતા કે ઈશ્વરના નામને મહિમા મળે એ રીતે તેમના શિષ્યો એકતામાં કામ કરે. એ માટે ઈસુ શું કરે છે? તે એક સુંદર પ્રાર્થના કરે છે, જેને વાંચવી દરેક વ્યક્તિ માટે એક લહાવો છે. (યોહા. ૧૭:૧-૨૬, લેખનું પહેલું ચિત્ર જુઓ.) આપણે જ્યારે એ પ્રાર્થના વિશે ચર્ચા કરીએ, ત્યારે આ સવાલો પર વિચાર કરીશું: “શું ઈસુની એ પ્રાર્થનાનો ઈશ્વરે જવાબ આપ્યો?” અને “શું હું એ પ્રાર્થનાની સુમેળમાં ચાલું છું?”
ઈસુએ જીવનમાં પ્રથમ રાખેલી બાબતો
૪, ૫. (ક) ઈસુએ પ્રાર્થનાની શરૂઆતમાં જે બાબત કહી, એમાંથી આપણે શું શીખી શકીએ? (ખ) ઈસુએ પોતાને માટે જે વિનંતી કરી એનો યહોવાએ કેવો જવાબ આપ્યો?
૪ ઈસુ પોતાના શિષ્યોને મોડી રાત સુધી ઈશ્વર વિશે શીખવે છે. એ પછી, આકાશ તરફ પોતાની આંખો ઊંચી કરતા પ્રાર્થના કરે છે: ‘હે પિતા, સમય આવ્યો છે કે તમે તમારા દીકરાને મહિમાવાન કરો, જેથી દીકરો તમને મહિમાવાન કરે. કારણ કે તમે સર્વ માણસો પર તેને અધિકાર આપ્યો છે, કે જેઓને તમે તેને આપ્યાં છે તેઓ સર્વેને તે અનંતજીવન આપે. જે કામ કરવાનું તમે મને સોંપ્યું છે એ પૂરું કરીને મેં તમને પૃથ્વી પર મહિમાવાન કર્યા છે. અને હવે, હે પિતા, જગત ઉત્પન્ન થયા અગાઉ તમારી સાથે જે મહિમા હું ભોગવતો હતો એ દ્વારા તમે હમણાં પોતાની સાથે મને મહિમાવાન કરો.’—યોહા. ૧૭:૧-૫.
૫ ધ્યાન આપો કે ઈસુએ પ્રાર્થનાની શરૂઆતમાં કઈ બાબતોનો ઉલ્લેખ કર્યો. તેમની મુખ્ય ચિંતા હતી કે, સ્વર્ગમાંના પિતાને મહિમા મળે. ઈસુએ આપેલી નમૂનાની પ્રાર્થનાની શરૂઆતમાં પણ એ જ બાબત જોવા મળે છે. તેમણે કહ્યું હતું, ‘તમારું નામ પવિત્ર મનાઓ.’ (લુક ૧૧:૨) ઈસુની બીજી ચિંતા શિષ્યોની જરૂરિયાતો વિશે હતી. તેમણે માંગ્યું કે ‘તેઓ સર્વેને તે અનંતજીવન આપે.’ પછી ઈસુએ પોતાના માટે માંગતા વિનંતી કરી કે ‘હે પિતા, જગત ઉત્પન્ન થયા અગાઉ તમારી સાથે જે મહિમા હું ભોગવતો હતો એ દ્વારા તમે હમણાં પોતાની સાથે મને મહિમાવાન કરો.’ યહોવાએ પોતાના વિશ્વાસુ દીકરાને એથી વિશેષ કંઈક આપ્યું. તેમણે ઈસુને બધા ‘દૂતો કરતાં વધારે ચઢિયાતું નામ’ આપ્યું.—હિબ્રૂ ૧:૪.
‘એકલા ખરા ઈશ્વરને ઓળખવું’
૬. હંમેશ માટેનું જીવન મેળવવા પ્રેરિતોએ શું કરવાનું હતું? આપણે કઈ રીતે ખાતરી રાખી શકીએ કે તેઓ એમ કરવામાં સફળ થયા?
૬ ઈસુ પ્રાર્થનામાં એ પણ જણાવે છે કે હંમેશ માટેના જીવનની ભેટ મેળવવા આપણે શું કરવું જોઈએ. (યોહાન ૧૭:૩ વાંચો.) તે કહે છે કે આપણે ઈશ્વર અને ખ્રિસ્તને ‘ઓળખવાની’ જરૂર છે. એમ કરવા પ્રથમ તો આપણે યહોવા અને તેમના દીકરા વિશે વધારે શીખીએ. બીજું કે, આપણે જે કંઈ શીખીએ એને જીવનમાં લાગુ પાડીએ. પ્રેરિતોએ પણ એ બંને બાબતો પોતાના જીવનમાં કરી હતી. એ વિશે ઈસુએ પ્રાર્થનામાં કહ્યું હતું, “જે વચનો તેં મને આપ્યાં હતાં તે મેં તેઓને આપ્યાં છે; અને તેઓએ તે સ્વીકાર્યાં છે.” (યોહા. ૧૭:૮) પરંતુ, હંમેશાંનું જીવન મેળવવા પ્રેરિતોએ ઈશ્વરના શબ્દોનું મનન કરતા રહેવાનું હતું. તેમ જ, શીખેલી બાબતોને રોજબરોજના જીવનમાં લાગુ પાડવાની હતી. શું વિશ્વાસુ પ્રેરિતો પોતાના પૃથ્વી પરના જીવનના અંત સુધી એ બાબતો કરતા રહી શક્યા? હા. ચોક્કસ! આપણે એ ખાતરીથી કહી શકીએ છીએ કારણ કે, તેઓનાં નામ કાયમ માટે સ્વર્ગીય નવા યરૂશાલેમના પાયાના બાર પથ્થર પર લખવામાં આવ્યાં છે.—પ્રકટી. ૨૧:૧૪.
૭. ઈશ્વરને ઓળખવાનો શો અર્થ થાય? ઈશ્વરને ઓળખવું શા માટે મહત્ત્વનું છે?
૭ આપણને પણ હંમેશ માટેનું જીવન જોઈતું હોય, તો ઈશ્વરને ‘ઓળખવા’ જરૂરી છે. “ઓળખે” માટે જે ગ્રીક શબ્દ છે, એનું ભાષાંતર “ઓળખતા રહેવું જોઈએ” અથવા “ઓળખવાનું ચાલુ રાખીએ” એમ પણ થાય છે. એ બંને અર્થ બતાવે છે કે, ઈશ્વર વિશે સતત શીખતા રહીએ. ઈશ્વરને ઓળખવા ફક્ત તેમના ગુણો અને હેતુ વિશે જાણવું જ પૂરતું નથી. તેમની સાથે ગાઢ સંબંધ કેળવવો અને તેમના માટે પ્રેમ પણ બતાવવો જોઈએ. એવો જ પ્રેમ સાથી ભાઈ-બહેનોને પણ કરવો જોઈએ. બાઇબલ જણાવે છે કે જે “પ્રેમ કરતો નથી, તે ઈશ્વરને ઓળખતો નથી.” (૧ યોહા. ૪:૮) આમ, ઈશ્વરને ઓળખવાનો અર્થ થાય કે આપણે તેમની આજ્ઞા પાળીએ. (૧ યોહાન ૨:૩-૫ વાંચો.) યહોવાને ઓળખવું એ ખરેખર મોટો લહાવો છે! યહુદા ઈસકારીઓત એ લહાવો ગુમાવી બેઠો. આપણી સાથે એવું ન બને માટે ખાસ ધ્યાન રાખીએ. તેથી, ચાલો યહોવા સાથેનો કીમતી સંબંધ મજબૂત કરવા સખત મહેનત કરીએ. એમ કરીશું તો યહોવા આપણને હંમેશાંનું જીવન ભેટમાં આપશે.—માથ. ૨૪:૧૩.
‘તમારા નામની’ ખાતર
૮, ૯. પૃથ્વી પરની સેવા દરમિયાન ઈસુનું ખાસ લક્ષ્ય શું હતું? ઈસુએ કઈ ધાર્મિક માન્યતાઓનો વિરોધ કર્યો હશે?
૮ યોહાન ૧૭માં લખેલી પ્રાર્થના વાંચતા જણાય છે કે ઈસુને ફક્ત પોતાના શિષ્યો માટે જ નહિ, આપણા માટે પણ ઊંડો પ્રેમ છે. (યોહા. ૧૭:૨૦) જોકે, ઈસુને ફક્ત એ જ ચિંતા ન હતી કે આપણને તારણ મળે. તેમનું મુખ્ય લક્ષ હતું કે ઈશ્વરનું નામ પવિત્ર મનાવવામાં આવે અને એને મહિમા મળે, જે તેમણે પૃથ્વી પરની સેવા દરમિયાન સતત ધ્યાનમાં રાખ્યું. દાખલા તરીકે, પોતે પૃથ્વી પર શા માટે આવ્યા એ પહેલી વાર સમજાવતા ઈસુએ યશાયાના વીંટામાંથી વાંચતા કહ્યું: ‘પ્રભુ યહોવાની શક્તિ મારા પર છે. કારણ કે દીનોને ખુશખબર કહેવા યહોવાએ મને અભિષિક્ત કર્યો છે.’ એમાં કોઈ શંકા નથી કે એ કલમ વાંચતી વખતે ઈસુએ યહોવાના નામનો સ્પષ્ટ ઉચ્ચાર કર્યો હશે.—લુક ૪:૧૬-૨૧.
૯ ઈસુ પૃથ્વી પર આવ્યા એ પહેલાં, યહુદી ધર્મગુરુઓએ લોકોને ઈશ્વરનું નામ લેવાની મના કરી હતી. આપણે ખાતરીપૂર્વક કહી શકીએ કે ઈસુએ એવી શાસ્ત્ર વિરુદ્ધની માન્યતાઓનો વિરોધ કર્યો હશે. ઈસુએ ધર્મગુરુઓને કહ્યું, ‘હું મારા પિતાને નામે આવ્યો છું, પણ તમે મારો સ્વીકાર કરતા નથી. જો કોઈ બીજો પોતાને નામે આવશે, તો તેનો તમે સ્વીકાર કરશો.’ (યોહા. ૫:૪૩) પછી, ઈસુએ મરણના અમુક દિવસો પહેલાં મુખ્ય ચિંતા પ્રાર્થનામાં જણાવી: ‘પિતા, તમારા નામનો મહિમા પ્રગટ કરો.’ (યોહા. ૧૨:૨૮) આપણે આખી પ્રાર્થનામાં જોઈ શકીએ છીએ કે યહોવાના નામને મહિમા મળે એ જ ઈસુના જીવનનો મુખ્ય હેતુ હતો.
૧૦, ૧૧. (ક) પિતાનું નામ પ્રગટ કરવા ઈસુએ શું કર્યું? (ખ) ઈસુના શિષ્યો શા માટે યહોવાના નામને જાહેર કરી રહ્યા છે?
૧૦ ઈસુએ પ્રાર્થના કરી, ‘જગતમાંથી જે માણસો તમે મને આપ્યા છે, તેઓને મેં તમારું નામ પ્રગટ કર્યું છે. તેઓ તમારા હતા અને તમે તેઓને મને આપ્યા છે. અને તેઓએ તમારી વાત પાળી છે. હવેથી હું જગતમાં નથી, પણ તેઓ જગતમાં છે અને હું તમારી પાસે આવું છું. હે પવિત્ર પિતા, તમારું નામ જે તમે મને આપ્યું છે, એ નામ દ્વારા આપણા જેવા એક થવા માટે તેઓને સંભાળી રાખો.’—યોહા. ૧૭:૬, ૧૧.
૧૧ ઈસુએ પિતાનું “નામ પ્રગટ કર્યું” ત્યારે શિષ્યોને ફક્ત એનો ઉચ્ચાર શીખવ્યો નહિ. ઈસુએ તેઓને એ પણ જણાવ્યું કે ઈશ્વર કેવા છે, તેમનામાં કેવા અદ્ભુત ગુણો છે અને તે કેવી પ્રેમાળ રીતે પોતાના લોકો સાથે વર્તે છે. (નિર્ગ. ૩૪:૫-૭) ઈસુ હમણાં સ્વર્ગમાં રાજા છે અને પૃથ્વી પર યહોવાનું નામ જાહેર કરવામાં પોતાના શિષ્યોને મદદ કરે છે. તે શા માટે મદદ કરી રહ્યા છે? એ માટે કે આ દુષ્ટ જગતનો અંત આવતા પહેલાં શક્ય હોય એટલા લોકો શિષ્ય બને. અંતના સમયે યહોવા પોતાના વિશ્વાસુ સાક્ષીઓને બચાવશે ત્યારે, બધા જાણશે કે તેમનું નામ કેટલું મહાન છે!—હઝકી. ૩૬:૨૩.
‘જેથી જગત વિશ્વાસ કરે’
૧૨. જીવન બચાવનાર કાર્યમાં સફળ થવા આપણે કઈ ત્રણ બાબતો કરવી જોઈએ?
૧૨ ઈસુએ શરૂ કરેલ પ્રચારકાર્ય પૂરું કરવાની આજ્ઞા તેમણે શિષ્યોને આપી હતી. તેથી, ઈસુએ પ્રાર્થના કરી કે જેમ ‘તમે મને જગતમાં મોકલ્યો છે, તેમ મેં પણ તેઓને જગતમાં મોકલ્યા છે.’ ઈસુ જાણતા હતા કે એ કામ પૂરું કરવા શિષ્યોને મદદની જરૂર પડશે. તેથી, ઈસુ પૃથ્વી પર હતા ત્યારે તેમણે શિષ્યોને પોતાની ખામીઓ સુધારવામાં મદદ કરી. એ જીવન બચાવનાર કાર્યમાં શિષ્યો સફળ થાય માટે ઈસુએ ત્રણ જરૂરી બાબતો પ્રાર્થનામાં જણાવી. પહેલી, તેમના શિષ્યો શેતાનના જગતનો ભાગ ન બને. બીજી, ઈશ્વરે આપેલાં નીતિ-નિયમો પ્રમાણે ચાલીને તેઓ શુદ્ધ જીવન જીવે. અને ત્રીજી, ઈસુએ આજીજી કરી કે જેમ તે અને પિતા એક મનના છે, તેમ શિષ્યો પણ સંપીને કામ કરે. તેથી, દરેકે વિચારવું જોઈએ કે, ‘શું ઈસુની એ ત્રણ અરજોની સુમેળમાં હું ચાલું છું?’ ઈસુને પૂરો ભરોસો હતો કે જો શિષ્યો એ પ્રમાણે કરશે તો લોકો તેમનો સંદેશો સ્વીકારશે.—યોહાન ૧૭:૧૫-૨૧ વાંચો.
૧૩. ઈસુની પ્રાર્થનાનો યહોવાએ પહેલી સદીમાં કઈ રીતે જવાબ આપ્યો?
૧૩ પ્રેરિતોનાં કૃત્યોનો અભ્યાસ કરવાથી જોવા મળે છે કે યહોવાએ ઈસુની એ પ્રાર્થનાનો જવાબ આપ્યો. પ્રથમ સદીના ખ્રિસ્તી મંડળમાં સર્વ પ્રકારના લોકો હતા. જેમ કે, યહુદી અને બીજી પ્રજામાંથી ખ્રિસ્તી બનેલા લોકો, ગરીબ અને ધનવાન, ચાકર અને તેઓના માલિકો, વગેરે. એવા મંડળમાં ફૂટ પડવાની પૂરેપૂરી શક્યતા હતી. છતાં, તેઓનો સંપ એવો હતો કે પાઊલે તેઓને શરીરના જુદા જુદા અંગો સાથે સરખાવ્યા, જેનું શિર ઈસુ હતા. (એફે. ૪:૧૫, ૧૬) શેતાનની સંપ વગરની દુનિયામાં આવી એકતા ફક્ત યહોવાની પવિત્ર શક્તિને લીધે જ શક્ય બને છે.—૧ કોરીં. ૩:૫-૭.
૧૪. આપણા સમયમાં ઈસુની પ્રાર્થનાનો યહોવાએ કઈ રીતે જવાબ આપ્યો છે?
૧૪ દુઃખની વાત છે કે પ્રેરિતોના મરણ પછી પરિસ્થિતિ બદલાઈ ગઈ. અગાઉથી કહેવામાં આવ્યું હતું તેમ, જૂઠા શિક્ષણે મંડળમાં પગ-પેસારો કર્યો. પરિણામે, ભાગલા પડ્યા અને જુદા જુદા પંથો ઊભા થયા. (પ્રે.કૃ. ૨૦:૨૯, ૩૦) પરંતુ, ૧૯૧૯માં ઈસુ અભિષિક્તોને જૂઠા ધર્મના બંધનમાંથી છોડાવીને ‘એકતામાં સાંકળતા બંધનʼમાં લાવ્યા. (કોલો. ૩:૧૪, ઈઝી-ટુ-રીડ વર્ઝન) તેઓએ એક મનના થઈને જે પ્રચારકાર્ય કર્યું એનું શું પરિણામ આવ્યું? “સર્વ દેશોમાંથી આવેલા, સર્વ કુળના, લોકના તથા ભાષાના” સિત્તેર લાખથી વધારે “બીજાં ઘેટાં” ઈશ્વરના અભિષિક્તો સાથે એક મનના થઈને યહોવાની ભક્તિ કરવા લાગ્યા. (યોહા. ૧૦:૧૬; પ્રકટી. ૭:૯) ઈસુએ કરેલી પ્રાર્થનાનો યહોવા તરફથી એ કેવો અદ્ભુત જવાબ છે! તેમની પ્રાર્થના હતી: ‘જગત જાણે કે તમે મને મોકલ્યો છે અને જેમ તમે મારા પર પ્રેમ રાખ્યો છે, તેમ તેઓના પર પણ પ્રેમ રાખ્યો છે.’—યોહા. ૧૭:૨૩.
પ્રાર્થનાની સુંદર સમાપ્તિ
૧૫. અભિષિક્તો માટે ઈસુએ પ્રાર્થનામાં કઈ ખાસ વિનંતી કરી?
૧૫ નીસાન ૧૪ની સાંજે ઈસુએ પોતાના શિષ્યો સાથે કરાર કર્યો. તેમણે પોતાના રાજ્યમાં તેઓને રાજ કરવાનો અધિકાર આપીને જાણે માન કે મહિમા આપ્યો. (લુક ૨૨:૨૮-૩૦; યોહા. ૧૭:૨૨) વખત જતા, જેઓ અભિષિક્ત થવાના હતા તેઓ માટે પ્રાર્થના કરતા ઈસુએ કહ્યું: ‘હે પિતા, હું એમ ચાહું છું કે જ્યાં હું છું ત્યાં જેઓને તમે મને આપ્યાં છે તેઓ પણ મારી પાસે રહે, જેથી મારો જે મહિમા તમે મને આપ્યો છે તે તેઓ જુએ. કારણ કે જગતનો પાયો નાખ્યા અગાઉ તમે મારા પર પ્રેમ રાખ્યો હતો.’ (યોહા. ૧૭:૨૪) અભિષિક્તોને મળેલું ઈનામ જોઈને બીજાં ઘેટાંના લોકો ઈર્ષા નહિ પણ ઘણો આનંદ અનુભવે છે. આજે પૃથ્વી પર સાચા ખ્રિસ્તીઓમાં એકતાની એ સૌથી મોટી સાબિતી છે.
૧૬, ૧૭. (ક) પ્રાર્થનાની સમાપ્તિમાં ઈસુ પોતે કઈ બાબત કરતા રહેશે એમ જણાવ્યું? (ખ) આપણે કઈ બાબત કરતા રહેવી જોઈએ?
૧૬ યહોવાના ભક્તો પોતાના ઈશ્વરને સારી રીતે ઓળખે છે અને સંપીને રહે છે. એ વાતની મોટા ભાગના લોકો જાણી જોઈને અવગણના કરે છે. કારણ, તેઓ ધર્મગુરુઓના હાથની કઠપૂતળી છે. ઈસુના સમયમાં પણ એવું જ હતું. તેથી, તેમણે આ શબ્દોથી પ્રાર્થના સમાપ્ત કરી: ‘હે ન્યાયી પિતા, જગતે તો તમને ઓળખ્યા નથી પણ મેં તમને ઓળખ્યા છે અને તમે મને મોકલ્યો છે, એમ તેઓએ જાણ્યું છે. મેં તેઓને તમારું નામ જણાવ્યું છે અને જણાવીશ, જેથી જે પ્રેમથી તમે મારા પર પ્રેમ રાખ્યો છે, એ તેઓમાં રહે અને હું તેઓમાં રહું.’—યોહા. ૧૭:૨૫, ૨૬.
૧૭ ઈસુએ સાચે જ પોતાના પિતાના નામને મહિમા આપ્યો છે. તે આજે મંડળના શિર તરીકે આપણને મદદ કરે છે, જેથી પિતાનું નામ અને હેતુ લોકોને જણાવી શકીએ. આપણે ખુશખબર જણાવીને અને શિષ્યો બનાવીને તેમની આજ્ઞા પાળીએ છીએ અને આધીન રહીએ છીએ. (માથ. ૨૮:૧૯, ૨૦; પ્રે.કૃ. ૧૦:૪૨) આપણો સંપ ટકાવી રાખવા ચાલો આપણે મહેનત કરતા રહીએ. એમ કરીને આપણે ઈસુની પ્રાર્થનાની સુમેળમાં ચાલીએ છીએ. પરિણામે, યહોવાના નામને મહિમા અને આપણને કાયમી સુખ મળશે.