રાજ્યની પુનઃસ્થાપના હાથવેંતમાં!
ઈસુ સ્વર્ગમાં ચઢી ગયા એના થોડા સમય પહેલા જ, તેમના અમુક શિષ્યોએ પૂછ્યું: “પ્રભુ, શું તું આ વેળાએ ઈસ્રાએલનું રાજ્ય ફરીથી સ્થાપન કરે છે?” ઈસુએ આપેલા જવાબ પરથી સ્પષ્ટ થતું હતું કે રાજ્ય આવવાને થોડો સમય લાગશે. એ સમયમાં તેમના શિષ્યોએ ઘણું કામ કરવાનું હતું. તેઓએ “યરૂશાલેમમાં, આખા યહુદાહમાં, સમરૂનમાં તથા પૃથ્વીના છેડા સુધી” ઈસુ વિષે પ્રચાર કરવાનો હતો.—પ્રેરિતોનાં કૃત્યો ૧:૬-૮.
એકામ થોડા દિવસો, સપ્તાહો કે મહિનાઓમાં પૂરું થવાનું ન હતું. તોપણ, અચકાયા વિના શિષ્યોએ તરત જ પ્રચારકાર્ય શરૂ કરી દીધું. પરંતુ, ફરીથી થનાર સ્થાપના વિષે તેઓનો રસ ઓછો થયો ન હતો. યરૂશાલેમમાં ભેગા થયેલા લોકોનાં ટોળાંને પ્રેષિત પીતરે આમ કહ્યું: “તમે પસ્તાવો કરો, ને ફરો, જેથી તમારાં પાપ ભૂંસી નાખવામાં આવે; અને એમ પ્રભુની હજૂરમાંથી તાજગીના સમયો આવે; અને ખ્રિસ્ત, જેને તમારે સારૂ ઠરાવવામાં આવ્યો છે, તેને, એટલે ઈસુને, તે મોકલે. દેવે જગતના આરંભથી પોતાના પવિત્ર પ્રબોધકોનાં મુખદ્વારા જે વિષે કહ્યું છે તે સઘળાની પુનઃસ્થાપના થવાના સમયો સુધી આકાશમાં તેણે એટલે ઈસુએ રહેવું જોઈએ.” (અક્ષરો અમે ત્રાંસા કર્યા છે.)—પ્રેરિતોનાં કૃત્યો ૩:૧૯-૨૧.
આ રાજ્યની ફરીથી સ્થાપના પરમેશ્વર યહોવાહના “તાજગીના સમયો” દરમિયાન થવાની હતી. એ બે ભાગમાં પૂરી થશે. પ્રથમ, આત્મિક રીતે સ્થાપના થવાની હતી, જે હાલમાં થઈ રહી છે. બીજી, પૃથ્વી પર જ્યારે પરમેશ્વરના હેતુ પ્રમાણે બધે જ સુખ શાંતિ હશે ત્યારે થશે.
રાજ્યની પુનઃસ્થાપનાની શરૂઆત
યરૂશાલેમના લોકોને પ્રેષિત પીતરે બતાવ્યું તેમ, ‘ઈસુએ સ્વર્ગમાં રહેવું જોઈએ.’ વર્ષ ૧૯૧૪ સુધી એમ થયું. ત્યાર પછી ઈસુએ પરમેશ્વરના નિયુક્ત રાજા તરીકે સત્તા લીધી અને રાજ કરવા લાગ્યા. એ સમય વિષે પીતરે ભાખ્યું હતું કે યહોવાહ પરમેશ્વર પોતાના દીકરા ઈસુને ‘મોકલશે,’ જેથી તે તેમના હેતુ પૂરા કરવા આગેવાની લે. બાઇબલ એ અહેવાલ વિષે સાંકેતિક ભાષામાં આમ કહે છે: “તેને [પરમેશ્વરના સ્વર્ગીય સંગઠનને] પુત્ર, નરબાળક, [ઈસુ ખ્રિસ્તના હાથમાં પરમેશ્વરનું રાજ્ય] અવતર્યો, એ સર્વ દેશના લોકો પર લોઢાના દંડથી રાજ કરશે.”—પ્રકટીકરણ ૧૨:૫.
પરંતુ, રાષ્ટ્રો ઈસુના રાજ હેઠળ રહેવા તૈયાર ન હતાં. તેથી, તેઓએ આજે યહોવાહના સાક્ષીઓ તરીકે ઓળખાતા પૃથ્વી પરના તેમના લોકો પર હુમલો કર્યો. ઈસુના પ્રેષિતોની જેમ, યહોવાહના સાક્ષીઓ અચકાયા વિના “ઈસુની સાક્ષીને વળગી” રહ્યાં. (પ્રકટીકરણ ૧૨:૧૭) તેથી, તેઓ સાચા ખ્રિસ્તીઓના કામ વિરુદ્ધ એક પછી બીજા દેશોમાં વિરોધ કરવા લાગ્યા. વર્ષ ૧૯૧૮માં, ન્યૂયૉર્ક, બ્રુકલિનમાં, વૉચટાવર સંસ્થાના આગળ પડતા સભ્યોને ખોટા આરોપો હેઠળ અદાલતમાં લઈ જવામાં આવ્યા અને તેઓને લાંબા સમયની જેલની સજા કરવામાં આવી. એ સમયે એવું લાગતું હતું કે, “પૃથ્વી પરનાં રહેનારાંઓને” સાક્ષી આપવાનું કાર્ય નિષ્ફળ જશે.—પ્રકટીકરણ ૧૧:૭-૧૦.
છતાં, ૧૯૧૯માં વૉચટાવર સંસ્થાના આગળ પડતા સભ્યોને જેલમાંથી છોડવામાં આવ્યા. પછીથી, તેઓ વિરુદ્ધ મૂકેલા જૂઠા આરોપોથી, તેઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા. એ પછી તેઓએ સમય બગાડ્યા વગર તરત જ પૂરા જુસ્સાથી ફરીથી પ્રચારકાર્ય શરૂ કર્યું. ત્યારથી યહોવાહના લોકો ભવ્ય ધાર્મિક સમજણનો આનંદ માણી રહ્યા છે.
ઈસુ ખ્રિસ્તે પોતાના શિષ્યોને જે કામ સોંપ્યું હતું એ સર્વ દેશના લોકોને શીખવવા માટે ઘણો પ્રયત્ન કરવામાં આવ્યો છે. (માત્થી ૨૮:૨૦) અગાઉ જંગલી વર્તણૂકવાળા લોકોએ મોટા ફેરફાર કર્યા છે, એ જોવું કેટલું આનંદ પમાડે છે! તેઓએ “ક્રોધ,” “નિંદા” અને “મુખમાંથી નીકળતાં બિભત્સ વચન” જેવું જૂનું વર્તન દૂર કરીને નવું વ્યક્તિત્વ પહેર્યું છે, “જે નવું માણસપણું તેના ઉત્પન્ન કરનારની [પરમેશ્વર] પ્રતિમા પ્રમાણે તેના જ્ઞાનને અર્થે નવું કરાતું જાય છે.” આત્મિક અર્થમાં પ્રબોધક યશાયાહના શબ્દો આપણા સમયમાં પૂરા થઈ રહ્યા છે, “તે વખતે વરુ [વરુ જેવું વલણ બતાવનાર વ્યક્તિ] તથા હલવાન [નમ્ર વલણ બતાવનાર] સાથે રહેશે, ચિત્તો લવારા પાસે સૂશે; વાછરડું, સિંહ તથા માતેલાં ઢોર એકઠાં રહેશે; અને નાનું છોકરૂં તેઓને દોરશે.”—કોલોસી ૩:૮-૧૦; યશાયાહ ૧૧:૬, ૯.
હજુ આવનાર મોટા ફેરફારો!
રાજ્યની ફરીથી સ્થાપના થઈ હોવાથી આજે ભવ્ય ધાર્મિક વૃદ્ધિ થઈ છે. નજીકના ભાવિમાં આપણી પૃથ્વી પર મોટા મોટા ફેરફારો થશે. યહોવાહ પરમેશ્વરે આદમ અને હવાને એદન બાગમાં મૂક્યા ત્યારે પૃથ્વીનો ફક્ત નાનો ભાગ જ સુંદર બગીચો હતો. (ઉત્પત્તિ ૧:૨૯-૩૧) પરંતુ, જલદી જ આખી પૃથ્વી ફરી એદન બગીચા જેવી થશે. એમ થાય એ પહેલાં પૃથ્વી પર પરમેશ્વરનો અનાદર કરતા જૂઠા ધર્મોનો અંત આવવો જ જોઈએ. જો કે આ જગતની સરકારો જ એનો અંત લાવશે. (પ્રકટીકરણ ૧૭:૧૫-૧૮) ત્યાર પછી સરકારો, વેપારીઓ અને તેઓના સાથીદારોનો નાશ કરવામાં આવશે. છેવટે, પરમેશ્વરના દુશ્મન, શેતાન અને તેના અપદૂતોને હજાર વર્ષ સુધી નિષ્ક્રિય કરી દેવામાં આવશે. એ સમયે “અરણ્ય તથા સૂકી ભૂમી હરખાશે; વન આનંદ કરશે ને ગુલાબની પેઠે ખીલશે.” (યશાયાહ ૩૫:૧) ત્યારે આખી પૃથ્વી પર શાંતિ હશે. (યશાયાહ ૧૪:૭) તેમ જ મરણ પામેલા અગણિત લોકોને આ પૃથ્વી પર સજીવન કરવામાં આવશે. સર્વ લોકો ખંડણી બલિદાનમાંથી લાભ મેળવશે. (પ્રકટીકરણ ૨૦:૧૨-૧૫; ૨૨:૧, ૨) પૃથ્વી પર કોઈ આંધળું, બહેરું કે લંગડું નહિ હોય. “હું માંદો છું, એવું કોઈ પણ રહેવાસી કહેશે નહિ.” (યશાયાહ ૩૩:૨૪) ઈસુ ખ્રિસ્તના હજાર વર્ષના રાજ્ય પછી, શેતાન અને તેના અપદૂતોને થોડા સમય માટે છૂટા કરવામાં આવશે. છેવટે, તેઓનો હંમેશ માટે નાશ કરવામાં આવશે. ત્યાર પછી પૃથ્વી પર પરમેશ્વરના હેતુ પૂરા થશે.—પ્રકટીકરણ ૨૦:૧-૩.
હજાર વર્ષના સમયગાળા પછી, ફરીથી આખી પૃથ્વી સુંદર થઈ ગઈ હશે ત્યારે, “શ્વાસોચ્છ્વાસ લેનારાં સર્વ” યહોવાહની સર્વકાળ સ્તુતિ કરશે. (ગીતશાસ્ત્ર ૧૫૦:૬) શું તમે ત્યાં હશો? હા, તમે ચાહો તો, એમ થઈ શકે છે.