જવાબદારી નિભાવવા માટે યહોવાહ વડીલોને શીખવે છે
“યહોવાહ જ્ઞાન આપે છે; તેના મુખમાંથી વિદ્યા તથા બુદ્ધિ નીકળે છે.”—નીતિવચનો ૨:૬.
૧, ૨. બાપ્તિસ્મા પામેલા ભાઈઓ કેમ મંડળમાં વધારે જવાબદારીઓ ઉપાડવા ચાહે છે?
નિક નામના ભાઈ સાત વર્ષથી વડીલ તરીકે સેવા કરી રહ્યા છે. તે કહે છે કે ‘મને વડીલની જવાબદારી મળી ત્યારે હું રાજીનો રેડ થઈ ગયો હતો. હું જોઈ શક્યો કે આ જવાબદારીથી હું યહોવાહની વધારે સેવા કરી શકીશ. તેમની ભલાઈ ને આશીર્વાદો માટે હું બહુ જ આભારી હતો. હું ચાહતો હતો કે મંડળના બધા ભાઈ-બહેનોને પૂરો સાથ આપું. જેમ બીજા વડીલોએ મને ખૂબ મદદ કરી હતી તેમ, મારે પણ તેઓને બનતી બધી મદદ કરવી હતી.’ પણ આ ખુશીના સમયે, નિકભાઈને અમુક ચિંતાઓ પણ હતી. તે કહે છે: ‘આ જવાબદારી મળી ત્યારે હું ત્રીસે હજુ પહોંચ્યો ન હતો. મને ચિંતા હતી કે મને બહુ કંઈ આવડતું નથી. મારું જ્ઞાન ને અનુભવ હજુ ઓછા છે. હું કઈ રીતે મંડળની સારી રીતે દેખભાળ કરી શકીશ?’
૨ યહોવાહ વડીલોને પસંદ કરે છે ત્યારે એ ભાઈઓને ખુશ થવાના ઘણાં કારણો છે. એફેસી મંડળના વડીલોને એક કારણ યાદ કરાવતા, પાઊલે ઈસુના શબ્દ ટાંકીને કહ્યું: “લેવા કરતાં આપવામાં વધારે ધન્યતા છે.” (પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૫) જ્યારે બાપ્તિસ્મા પામેલા ભાઈઓ સેવકાઈ ચાકર (મિનિસ્ટ્રિયલ સર્વન્ટ) કે વડીલની જવાબદારી ઉપાડે ત્યારે તેઓ અનેક રીતોથી યહોવાહ અને મંડળની સેવા કરી શકે છે. દાખલા તરીકે, સેવકાઈ ચાકરો વડીલોને સાથ આપે છે. તેઓ એવા મહત્ત્વના કામો કરે છે જે ઘણો સમય માંગી લે છે. આ ભાઈઓ યહોવાહ અને લોકો માટેના પ્રેમના લીધે આવી મહેનત કરે છે.—માર્ક ૧૨:૩૦, ૩૧.
૩. અમુક ભાઈઓ કેમ સેવકાઈ ચાકર કે વડીલની જવાબદારી સંભાળતા અચકાય છે?
૩ હવે એવા અમુક ભાઈઓ પણ છે જે સેવકાઈ ચાકર અને પછી વડીલની જવાબદારી સંભાળતા અચકાય છે. કેમ? કારણ કે તેઓને લાગે છે કે ‘એવું કામ મારાથી નહિ થાય.’ નિકભાઈની જેમ તેઓને લાગે કે ‘મને બહુ કંઈ આવડતું નથી તો હું કઈ રીતે મંડળની સારી દેખભાળ કરી શકીશ?’ જો તમે બાપ્તિસ્મા પામેલા ભાઈ હો, તો શું તમને આવું લાગે છે? એ સમજી શકાય કે તમને આવી ચિંતાઓ છે, કેમ કે યહોવાહ મંડળની દેખભાળ કરતા વડીલો પાસેથી હિસાબ લે છે. ઈસુએ કહ્યું: “જે કોઈને ઘણું આપેલું છે, તેની પાસેથી ઘણું માગવામાં આવશે; અને જેને ઘણું સોંપેલું છે, તેની પાસેથી વધારે માગવામાં આવશે.”—લુક ૧૨:૪૮.
૪. યહોવાહ કઈ રીતે વડીલોને મદદ કરે છે?
૪ શું યહોવાહ એવું ચાહે છે કે મંડળના સેવકાઈ ચાકરો અને વડીલો કોઈ પણ મદદ વગર આ જવાબદારીઓ ઉપાડે? ના, જરાય નહિ. યહોવાહ તો પૂરતી મદદ આપે છે જેથી તેઓ ફક્ત જવાબદારીઓ નિભાવે જ નહિ, પણ ખરેખર એમાં સફળ થાય. છેલ્લા લેખમાં શીખ્યા તેમ, યહોવાહ તેઓને શક્તિ આપે છે. એનાથી તેઓ તેમના જેવા સદ્ગુણો બતાવી શકે. પરિણામે તેઓ મંડળની વધારે પ્રેમથી દેખભાળ કરી શકે. (પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૨૮; ગલાતી ૫:૨૨, ૨૩) યહોવાહ તેઓને જ્ઞાન ને બુદ્ધિ પણ આપે છે જેથી તેઓ સમજુ બને. (નીતિવચનો ૨:૬) તે આ બધું કઈ રીતે કરે છે? એનો જવાબ આ લેખમાં મળશે. આપણે ત્રણ રીતોથી જોઈશું કે યહોવાહ કઈ રીતે ભાઈઓને જવાબદારી ઉપાડતા શીખવે છે.
અનુભવી વડીલો તરફથી શિક્ષણ
૫. પીતર અને યોહાન કેમ જોરદાર ને કુશળ શિક્ષકો હતા?
૫ પીતર અને યોહાનનો કેસ યહુદી સાન્હેડ્રીન કોર્ટમાં ચાલતો હતો ત્યારે ભણેલા-ગણેલા ન્યાયાધીશોએ તેઓને “અભણ તથા અજ્ઞાન માણસો” ગણ્યા. ભલે આ બે શિષ્યો લખી-વાંચી શકતા હતા, પરંતુ તેઓ યહુદી ગુરુઓ પાસેથી ધર્મગ્રંથમાંથી કંઈ ભણ્યા ન હતા. તેમ છતાં, પીતર, યોહાન ને બીજા અનેક શિષ્યો જોરદાર શિક્ષકો હતા. એની સાબિતી એ હતી કે ઘણા લોકો તેઓનું શિક્ષણ સ્વીકારીને ખ્રિસ્તીઓ બન્યા હતા. આ સામાન્ય માણસો કઈ રીતે જોરદાર ને કુશળ શિક્ષકો બન્યા? પીતર અને યોહાનનું સાંભળીને યહુદી ન્યાયાધીશોએ તેઓને “ઓળખ્યા કે તેઓ ઈસુની સાથે હતા.” (પ્રેરિતોનાં કૃત્યો ૪:૧-૪, ૧૩) ખરું કે યહોવાહ તેઓને તેમની શક્તિથી મદદ કરતા હતા. (પ્રેરિતોનાં કૃત્યો ૧:૮) તોપણ એ દેખીતું હતું કે ઈસુએ આ શિષ્યોને તાલીમ આપી હતી. સત્ય વિષે કંઈ જ સમજી ન શકતા યહુદી ન્યાયાધીશો પણ એ જોઈ શક્યા. ઈસુ ધરતી પર હતા ત્યારે તેમના સાથીદારોને શિષ્યો બનાવવાનું કામ શીખવ્યું હતું. નવા શિષ્યો અને મંડળોની દેખભાળ કઈ રીતે કરવી, એ પણ શીખવ્યું હતું.—માત્થી ૧૧:૨૯; ૨૦:૨૪-૨૮; ૧ પીતર ૫:૪.
૬. ભાઈઓને શિક્ષણ આપવામાં ઈસુ અને પાઊલે કેવો દાખલો બેસાડ્યો?
૬ ઈસુ સજીવન થયા ત્યાર પછી પણ તે વડીલોને શીખવતા રહ્યા. (પ્રકટીકરણ ૧:૧; ૨:૧–૩:૨૨) દાખલા તરીકે, તેમણે પોતે પાઊલને પસંદ કરીને પોતાના માર્ગદર્શન હેઠળ ખાસ શિક્ષણ આપ્યું. (પ્રેરિતોનાં કૃત્યો ૨૨:૬-૧૦) પાઊલે આ શિક્ષણને બહુ જ કીમતી ગણ્યું. જે તે શીખ્યા એ બીજા વડીલોને પણ શીખવ્યું. (પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૧૭-૩૫) જેમ કે, તેમણે તીમોથી પાછળ ઘણી મહેનત કરી ને ઘણો સમય કાઢ્યો જેથી તે “શરમાવાનું કંઈ કારણ ન હોય એવી રીતે [ઈશ્વરનું] કામ કરનાર” બને. (૨ તીમોથી ૨:૧૫) તીમોથી ને પાઊલ વચ્ચે એક અતૂટ નાતો બંધાયો. થોડા સમય પહેલાં, પાઊલે તીમોથી વિષે આમ કહ્યું હતું: “દીકરો બાપની સાથે કામ કરે, તેમ તેણે સુવાર્તાના પ્રસારને સારુ મારી સાથે સેવા કરી.” (ફિલિપી ૨:૨૨) પાઊલ એવું ચાહતા ન હતા કે તીમોથી કે બીજી કોઈ પણ વ્યક્તિ તેમના પોતાના શિષ્યો બને. તે ઇચ્છતા હતા, અરે, મંડળોને ઉત્તેજન આપતા હતા કે “જેમ હું ખ્રિસ્તને અનુસરનારો છું, તેમ તમે મને અનુસરનારા થાઓ.”—૧ કોરીંથી ૧૧:૧.
૭, ૮. (ક) કયો અનુભવ બતાવે છે કે વડીલો ઈસુ અને પાઊલને અનુસરે ત્યારે સારા ફળો આવે છે? (ખ) વડીલોએ એવા ભાઈઓને ક્યારથી તાલીમ આપવી જોઈએ જે આગળ જતા સેવકાઈ ચાકર કે વડીલ બનશે?
૭ ઈસુ અને પાઊલની માફક, આજે અનુભવી વડીલો પણ બાપ્તિસ્મા પામેલા ભાઈઓને શિક્ષણ આપવા તરત જ પગલાં લે છે. આના ઘણા સારા ફળો આવે છે. ચાડભાઈનો વિચાર કરો. તે મોટા થતા હતા ત્યારે ફક્ત તેમની મા જ યહોવાહની ભક્ત હતી. છેલ્લાં બે-ત્રણ વર્ષમાં તેમને વડીલની જવાબદારી મળી. ચાડભાઈ કહે છે: ‘ઘણા અનુભવી વડીલોએ મને સત્યમાં પ્રગતિ કરવા ઘણી મદદ આપી છે. મારા પિતા યહોવાહના ભક્ત ન હતા. પણ આ વડીલોએ મારો એટલો ખ્યાલ રાખ્યો કે જાણે સત્યના માર્ગ પર તેઓ મારા પિતાઓ બન્યા. તેઓએ સમય કાઢીને મને શીખવ્યું કે પ્રચાર કઈ રીતે કરાય. હું વડીલ બન્યો ત્યારે એક વડીલે મને મંડળની જવાબદારી સારી રીતે નિભાવવા બહુ જ મદદ કરી.’
૮ ચાડભાઈનો અનુભવ શું બતાવે છે? એ જ કે ભાઈઓ સેવકાઈ ચાકરો કે વડીલો બનવા તૈયાર હોય, એના ઘણા સમય પહેલાથી અનુભવી વડીલો શિક્ષણ આપવા માંડે છે. કેમ? કારણ કે બાઇબલ આજ્ઞા આપે છે કે કોઈ ભાઈને સેવકાઈ ચાકર કે વડીલની જવાબદારી મળે, એના પહેલાથી તેઓના સંસ્કાર સારા હોવા જોઈએ. સાથે સાથે ઈસુનો દાખલો અનુસરવામાં સારી પ્રગતિ કરી રહ્યા હોવા જોઈએ. વધારે જવાબદારી મળતા પહેલાં, તેઓની “પ્રથમ પારખ થવી જોઈએ” કે તેઓ એ મેળવવા લાયક છે કે કેમ.—૧ તીમોથી ૩:૧-૧૦.
૯. અનુભવી વડીલોની કઈ જવાબદારી છે? શા માટે?
૯ કોઈ બાપ્તિસ્મા પામેલા ભાઈની પારખ થાય એ પહેલાં, તેમને નાની જવાબદારીઓ ઉપાડવા માટે શિક્ષણ તો મળવું જ જોઈએ. દાખલા તરીકે, જો કોઈ સ્ટુડન્ટને બહુ જ અઘરી પરીક્ષા આપવાની હોય. પણ ટીચરે તેને એ વિષય પર કંઈ એટલે કંઈ જ શીખવ્યું ન હોય, તો શું એ સ્ટુડન્ટ પાસ થશે? ના, મોટા ભાગે તે નાપાસ થશે. આ દાખલો બતાવે છે કે શિક્ષણ આપવું ખૂબ જ જરૂરી છે. જો ટીચર સારા હોય, તો તે ફક્ત વિષયને લગતી માહિતી જ નહિ શીખવે, જેથી સ્ટુડન્ટ પાસ થાય. તે એ પણ શીખવશે કે એ જ્ઞાન જીવનમાં કઈ રીતે લાગુ પાડી શકાય. એવી જ રીતે, સારા વડીલો બાપ્તિસ્મા પામેલા ભાઈઓને શિક્ષણ આપશે, જેથી ભાવિમાં મોટી જવાબદારી નિભાવવા માટે આ ભાઈઓ પાસે સારા ગુણો કે આવડત હોય. તેઓ આ શિક્ષણ ફક્ત એ જ કારણ માટે નથી આપતા જેથી એ ભાઈ સેવકાઈ ચાકર કે વડીલ બને. ના, શિક્ષણનું કારણ એ છે કે આ ભાઈઓ પણ મંડળની સારી દેખભાળ રાખી શકે. (૨ તીમોથી ૨:૨) હવે બાપ્તિસ્મા પામેલા ભાઈઓને પણ કંઈક કરવાની જરૂર છે. તેઓએ સખત મહેનત કરીને પ્રગતિ કરવી જોઈએ, જેથી તેઓ સેવકાઈ ચાકર કે વડીલ તરીકે સેવા કરી શકે. (તીતસ ૧:૫-૯) જ્યારે અનુભવી વડીલો રાજીખુશીથી આ ભાઈઓને મદદ કરે, ત્યારે તેઓ વધારે ઝડપથી પ્રગતિ કરી શકે છે.
૧૦, ૧૧. વડીલો કઈ રીતે ભાઈઓને હમણાંથી શિક્ષણ આપી શકે, જેથી તેઓને વધુ જવાબદારી મળી શકે?
૧૦ હવે પ્રશ્ન એ થાય કે અનુભવી વડીલો કઈ રીતે બીજા ભાઈઓને મંડળની જવાબદારી ઉપાડતા શીખવી શકે? સૌથી પહેલા તો એ ભાઈઓમાં રસ બતાવો. તેઓ સાથે નિયમિત રીતે પ્રચારમાં જાવ. તેઓ “સત્યનાં વચન સ્પષ્ટતાથી સમજાવનાર” બને એ માટે ખાસ શિક્ષણ ને મદદ આપો. (૨ તીમોથી ૨:૧૫) બીજું કે ભાઈઓને ઉત્તેજન આપો. સમજાવો કે મંડળની સેવા કરવાથી તેઓને કેટલો આનંદ મળી શકે; સત્યમાં પ્રગતિ કરવા માટે તેઓ કોઈ ધ્યેય રાખીને એને હાંસલ કરે છે ત્યારે કેટલો સંતોષ મળે છે. ત્રીજું કે પ્રેમથી ભાઈઓને ખાસ સૂચનાઓ આપો, જેથી તેઓ મંડળ માટે વધુ સારો દાખલો બેસાડી શકે.—૧ પીતર ૫:૩, ૫.
૧૧ કોઈ ભાઈને સેવકાઈ ચાકરની જવાબદારી મળે છે ત્યારે, એને સારી રીતે નિભાવવા વડીલો તેમને શિક્ષણ આપતા રહે છે. બ્રુસ નામના ભાઈ લગભગ ૫૦ વર્ષથી વડીલ છે. તે કહે છે, ‘કોઈ ભાઈ વડીલ બને ત્યારે હું તેમની સાથે વિશ્વાસુ અને બુદ્ધિમાન ચાકરના માર્ગદર્શનની ચર્ચા કરું છું. ત્યાર પછી અમે તેમની ખાસ જવાબદારીને લગતું માર્ગદર્શન વાંચીએ છીએ. તે બધું સમજી ન જાય ત્યાં સુધી હું તેમની સાથે એ જવાબદારી નિભાવવા મદદ કરું છું.’ જ્યારે સેવકાઈ ચાકરો અનુભવી બને ત્યારે તેઓ વડીલો સાથે ઉત્તેજન આપવા બીજા ભાઈ-બહેનોની મુલાકાત કરી શકે છે. આમ, વડીલ તેમને મંડળની દેખભાળ કરવા શિક્ષણ આપી શકે. બ્રુસભાઈ કહે છે: ‘હું સેવકાઈ ચાકરને મારી સાથે શેપર્ડિંગ કૉલમાં લઈ જાઉં છું ત્યારે, હું તેને કોઈ ખાસ કલમ પસંદ કરવામાં મદદ કરું છું જેનાથી વ્યક્તિ કે પરિવારને ઉત્તેજન ને વધુ પ્રેરણા મળે. જો સેવકાઈ ચાકરે ભાવિમાં મંડળની સારી દેખભાળ કરવી હોય, તો એ બહુ જ જરૂરી છે કે તે બાઇબલને એવી રીતે વાપરે જેથી એ વ્યક્તિના દિલ સુધી પહોંચે.’—હેબ્રી ૪:૧૨; ૫:૧૪.
૧૨. અનુભવી વડીલો કઈ રીતે નવા વડીલોને શિક્ષણ આપી શકે?
૧૨ જે ભાઈઓ નવા વડીલો હોય, તેઓ પણ વધુ શિક્ષણથી ઘણો લાભ મેળવી શકે છે. નિકભાઈ કહે છે: ‘મને ખાસ કરીને બે અનુભવી વડીલો તરફથી જે શિક્ષણ મળ્યું એ બહુ જ મદદરૂપ હતું. આ ભાઈઓને ખબર હતી કે અમુક કામો કઈ રીતે કરવા જોઈએ. તેઓ હંમેશાં મારા વિચારો સાંભળતા. પછી ભલેને એ તેઓના વિચારોથી સાવ અલગ હોય. તેઓ ભાઈ-બહેનો સાથે બહુ જ નમ્રભાવે ને માનથી વર્તતા. એ જોઈને હું પોતે ઘણું શીખી શક્યો. મંડળમાં કોઈ પણ તકલીફ ઊભી થતી કે પછી ઉત્તેજન આપવાનું હોય ત્યારે તેઓ હંમેશાં બાઇબલનો સારો ઉપયોગ કરતા. તેઓના દાખલાથી મારા પર બહુ જ સારી અસર થઈ.’
બાઇબલમાંથી શિક્ષણ
૧૩. (ક) અસરકારક વડીલ બનવા ભાઈઓ માટે શું જરૂરી છે? (ખ) ઈસુએ કેમ કહ્યું કે “મારો બોધ તો મારો પોતાનો નથી”?
૧૩ બાઇબલમાં નિયમો, સિદ્ધાંતો અને અનેક દાખલાઓ છે જેનાથી વડીલો “સર્વ સારાં કામ કરવાને સારુ તૈયાર” થાય. (૨ તીમોથી ૩:૧૬, ૧૭) જો કોઈ ભાઈ બહુ ભણેલા હોય, તો એનો અર્થ એ નથી કે તે મંડળની સારી દેખભાળ કરી શકશે. પણ જો તેની પાસે બાઇબલનું સારું જ્ઞાન હોય અને એનો સારો ઉપયોગ કરી શકે તો એ કુશળ વડીલ બનશે. આ હકીકત ઈસુના દાખલામાં જોવા મળે છે. તે તો બધું જાણતા હતા. બધું પારખી શકતા હતા. લોકોની દેખભાળ કરવામાં તેમના જેવા સમજુ અને જ્ઞાની ગુરુ આજ સુધી થયા નથી. આ બધી આવડત છતાં, તે યહોવાહના લોકોને શીખવતા ત્યારે પોતાના જ્ઞાન પર નભતા નહિ. તેમણે કહ્યું: “મારો બોધ તો મારો પોતાનો નથી, પણ જેણે મને મોકલ્યો તેનો છે.” ઈસુએ કેમ બધો જ શ્રેય યહોવાહને આપ્યો? કેમ કે તેમણે કહ્યું: “જે પોતાથી બોલે છે તે પોતાનો મહિમા શોધે છે.”—યોહાન ૭:૧૬, ૧૮.
૧૪. વડીલોએ શું કરવું જોઈએ જેથી તેઓ પોતાના વખાણ મેળવવાની પાછળ ન પડે?
૧૪ જે વડીલો યહોવાહને વળગી રહેવા માંગે છે, તેઓ પોતાના વખાણ ચાહતા નથી. તેઓ પોતાના વિચારો પ્રમાણે નહિ, પરંતુ બાઇબલમાંથી સલાહ કે ઉત્તેજન આપે છે. તેઓ પૂરી રીતે સ્વીકારે છે કે વડીલોની જવાબદારી, ભાઈબહેનોને “ખ્રિસ્તનું મન” સ્વીકારવા મદદ કરવાની છે. નહિ કે ભાઈ-બહેનો તેઓના વિચારો સ્વીકારે. (૧ કોરીંથી ૨:૧૪-૧૬) એક દાખલો લો. માની લો કે મંડળમાં એક પતિ-પત્નીને એક બીજા સાથે બનતું નથી. જો વડીલ વિશ્વાસુ અને બુદ્ધિમાન ચાકરનું સાહિત્ય અને બાઇબલમાંથી સલાહ આપવાને બદલે પોતાના વિચારો શીખવે તો કલ્પના કરો કે શું થઈ શકે. (માત્થી ૨૪:૪૫) તેમની સલાહ અયોગ્ય હોઈ શકે. કેમ કે તે પોતે બધું જાણતા નથી. અથવા સમાજના રીત-રિવાજોની અસર તેમની સલાહમાં હોઈ શકે. ખરું કે અમુક રીત-રિવાજો ખોટા નથી. વડીલમાં પણ ઘણું જ્ઞાન અને આવડત હોઈ શકે. તોપણ પોતાના વિચારો કે સમાજના રીત-રિવાજો શીખવવાને બદલે, ઈસુ અને યહોવાહના વિચારો વડીલો શીખવે છે ત્યારે, ભાઈ-બહેનોને વધારે લાભ થાય છે.—ગીતશાસ્ત્ર ૧૨:૬; નીતિવચનો ૩:૫, ૬.
“વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” તરફથી શિક્ષણ
૧૫. ઈસુએ ‘વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકરને’ કયું કામ સોંપ્યું હતું, ને તેઓની સફળતાનું એક કારણ શું છે?
૧૫ પીતર, યોહાન ને પાઊલ, ઈસુએ જણાવેલા ‘વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકરના’ સભ્યો હતા. આ ચાકરના ટોળામાં સર્વ ભાઈઓ અભિષિક્ત છે. એટલે યહોવાહે તેઓને ઈસુ સાથે રાજ કરવા પસંદ કર્યા છે. (પ્રકટીકરણ ૫:૯, ૧૦) દુનિયાના છેલ્લા દિવસોમાં ધરતી પર અભિષિક્ત ભાઈઓની સંખ્યા ઘટી રહી છે. તેમ છતાં દુનિયાનો અંત આવતા પહેલાં, ઈસુએ તેઓને ઈશ્વરની સરકાર વિષેની ખુશખબરી ફેલાવવાનું કામ સોંપ્યું હતું. એ કામ તો જગતભરમાં પૂરજોશથી ચાલી રહ્યું છે. તેઓ કેમ એટલા સફળ થયા છે? એનું એક કારણ છે કે “બીજાં ઘેટાં” એટલે યહોવાહના બીજા ભક્તો, તેઓને સાથ આપે છે. આ ભક્તોને શિક્ષણ આપવાથી તેઓ પણ પ્રચાર ને સત્ય શીખવવાનું કામ કરી શક્યા છે. (યોહાન ૧૦:૧૬; માત્થી ૨૪:૧૪; ૨૫:૪૦) આજે આ ભક્તો મોટા ભાગનું પ્રચાર કામ કરે છે.
૧૬. ચાકરનું ટોળું કઈ રીતે પસંદ કરેલા ભાઈઓને શિક્ષણ આપે છે?
૧૬ આ ચાકરનું ટોળું કઈ રીતે સર્વને શીખવે છે? તેઓમાંથી અમુક વડીલોને આગેવાની લેવાની જવાબદારી મળી છે. આ વડીલોનું નાનું ગ્રૂપ, ગવર્નિંગ બૉડી તરીકે ઓળખાય છે. પણ આખું ટોળું વિશ્વાસુ ચાકરને રજૂ કરે છે. પ્રથમ સદીમાં આ નાનું ગ્રૂપ મંડળના ભાઈઓને ખાસ શિક્ષણ આપીને વડીલોની જવાબદારી આપતા. પછી આ વડીલો મંડળના ભાઈ-બહેનોને શિક્ષણ આપતા. (૧ કોરીંથી ૪:૧૭) આજે પણ એ પ્રમાણે જ ચાલે છે. ગવર્નિંગ બૉડીના વડીલો અમુક બીજા વડીલોને ખાસ શિક્ષણ આપે છે. પછી ગવર્નિંગ બૉડી વતી આ વડીલો, જગતભરના મંડળોના ભાઈઓને શિક્ષણ આપે છે. તેઓ પછી સેવકાઈ ચાકર કે વડીલની જવાબદારી પણ સોંપે છે. આ ઉપરાંત, ગવર્નિંગ બૉડીએ બ્રાંચ કમિટી, સરકીટ અને ડિસ્ટ્રીક્ટ ઓવરસીયર, વડીલો અને સેવકાઈ ચાકરો માટે ખાસ સ્કૂલની ગોઠવણ કરી છે. એમાં ભાઈઓ શીખવે છે કે તેઓ મંડળની સારી દેખભાળ કઈ રીતે કરી શકે. ગવર્નિંગ બૉડી પત્રો, ચોકીબુરજ અને ઓર્ગેનાઈઝ્ડ ટુ ડુ જેહોવાસ વીલ જેવા સાહિત્ય દ્વારા મંડળોને વધુ માર્ગદર્શન આપે છે.a
૧૭. (ક) ઈસુએ કઈ રીતે ચાકરના ટોળામાં તેમનો ભરોસો બતાવ્યો છે? (ખ) વડીલો કઈ રીતે બતાવી શકે કે તેઓ ચાકરના ટોળામાં ભરોસો મૂકે છે?
૧૭ ઈસુને આ ચાકરના ટોળા પર એટલો ભરોસો છે કે તેમણે તેઓને ‘બધી સંપત્તિના કારભારી ઠરાવ્યા છે.’ એટલે તેઓને ધરતી પર યહોવાહની ભક્તિ માટે સર્વ ચીજ-વસ્તુ, કામ ને વ્યક્તિઓની દેખભાળ સોંપી છે. (માત્થી ૨૪:૪૭) વડીલો ગવર્નિંગ બૉડીના માર્ગદર્શન મુજબ ચાલે છે ત્યારે, તેઓ બતાવે છે કે તેઓ ચાકરના ટોળા પર પૂરો ભરોસો રાખે છે. તો વડીલો કઈ રીતે મંડળમાં સંપ ફેલાવી શકે? એક તો તેઓ સર્વ ભાઈઓને શિક્ષણ આપી શકે. બીજું કે બાઇબલમાંથી તેઓ પોતે શીખી શકે. ને ત્રીજું, ચાકરના ટોળા તરફથી મળતું શિક્ષણ તેઓના જીવનમાં ઉતારે. યહોવાહે ભાઈઓને ખૂબ શિક્ષણ આપ્યું છે, જેથી તેઓ દરેકની સારી દેખભાળ કરી શકે. આ પ્રેમાળ મદદ માટે આપણે યહોવાહના કેટલા આભારી છીએ! (w06 5/1)
[ફુટનોટ]
a યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.
તમે કેવો જવાબ આપશો?
• અનુભવી વડીલો બીજા ભાઈઓને કઈ રીતે શીખવી શકે?
• વડીલો કેમ ભાઈ-બહેનોને પોતાના વિચારો શીખવતા નથી?
• વડીલો કઈ રીતે ચાકરના ટોળા પર ભરોસો બતાવે છે, અને શા માટે?
[પાન ૨૫ પર ચિત્ર]
વડીલો મંડળના યુવાન ભાઈઓને શિક્ષણ આપે છે
[પાન ૨૬ પર ચિત્ર]
‘વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર’ વડીલોને ખૂબ જ શિક્ષણ આપે છે