પાઠ ૨૨
બીજાઓને યહોવાનો સંદેશો જણાવવા તમે શું કરી શકો?
બાઇબલમાંથી શીખતા જાઓ છો તેમ કદાચ તમને થાય, ‘હું જે શીખું છું એ મારે બીજાઓને પણ જણાવવું જોઈએ.’ સાચી વાત, એ બધાએ જાણવાની જરૂર છે. પણ કદાચ બીજાઓને એ જણાવતા તમને ડર લાગતો હશે. ચાલો જોઈએ કે તમે કઈ રીતે ડર દૂર કરી શકો અને બીજાઓને ખુશી ખુશી બાઇબલનો સંદેશો જણાવી શકો.
૧. તમે બાઇબલમાંથી શીખેલી વાતો કઈ રીતે સગાઓને અને દોસ્તોને જણાવી શકો?
ઈસુના શિષ્યોએ કહ્યું હતું: “અમે જે જોયું છે અને સાંભળ્યું છે, એ વિશે અમે ચૂપ રહી શકતા નથી.” (પ્રેરિતોનાં કાર્યો ૪:૨૦) ઈસુએ શીખવેલી વાતો શિષ્યોને એટલી ગમી ગઈ હતી કે એ તેઓ બધાને જણાવવા માંગતા હતા. શું તમને પણ એવું લાગે છે? જો એમ હોય, તો તક મળે ત્યારે તમારાં સગાં-વહાલાં અને દોસ્તોને ખુશખબર જણાવો. પણ એમ કરતી વખતે પ્રેમ અને આદરથી વાત કરો.—કોલોસીઓ ૪:૬ વાંચો.
વાતચીત શરૂ કરવા અમુક સૂચનો
તમારાં સગાં સાથે આ રીતે વાત શરૂ કરી શકો: “આ અઠવાડિયે મને એક સરસ વાત શીખવા મળી.” પછી બાઇબલમાંથી શીખેલી એ વાત તેમને જણાવો.
જો તમારો કોઈ મિત્ર બીમાર કે ચિંતામાં હોય, તો તેને બાઇબલની કલમ બતાવીને દિલાસો આપો.
જો તમારી સાથે કામ કરનારા લોકો તમારા હાલચાલ પૂછે, તો વાત વાતમાં તેમને જણાવો કે તમને બાઇબલ અભ્યાસમાંથી અથવા સભામાંથી શું શીખવા મળ્યું.
તમારા દોસ્તોને jw.org/gu વેબસાઇટ બતાવો.
તમારો બાઇબલ અભ્યાસ ચાલવાનો હોય ત્યારે બીજાઓને તમારી સાથે બાઇબલ અભ્યાસમાં બેસવા કહો અથવા બાઇબલમાંથી શીખવા કઈ રીતે jw.org/gu પર ફૉર્મ ભરવું એ શીખવો.
૨. શા માટે મંડળનાં ભાઈ-બહેનો સાથે મળીને ખુશખબર જણાવવી જોઈએ?
શું ઈસુના શિષ્યોએ ફક્ત પોતાનાં સગાઓ કે મિત્રોને જ ખુશખબર જણાવી હતી? ના, એવું ન હતું. બાઇબલમાં લખ્યું છે કે ઈસુ ‘જે જે શહેરમાં ગયા ત્યાં તેમણે પોતાના શિષ્યોને બબ્બેની જોડમાં મોકલ્યા.’ (લૂક ૧૦:૧) એ ગોઠવણથી તેઓ ઘણા લોકોને ખુશખબર જણાવી શક્યા. એટલું જ નહિ, સાથે મળીને ખુશખબર જણાવવાથી તેઓને ખુશી પણ થઈ. (લૂક ૧૦:૧૭) તમારા વિશે શું? શું તમે પણ મંડળનાં ભાઈ-બહેનો સાથે મળીને ખુશખબર જણાવવા માંગો છો? શું તમે એના પર વિચાર કરી શકો?
વધારે જાણો
શું તમે પ્રચાર કરતા ગભરાઓ છો? ચાલો જોઈએ કે તમે કઈ રીતે એ ડર દૂર કરી શકો. એ પણ જોઈએ કે ખુશખબર જણાવવાથી તમે કેવો આનંદ અનુભવશો.
૩. યહોવા તમને સાથ આપશે
અમુક લોકોને યહોવા વિશે વાત તો કરવી છે, પણ અચકાય છે, કદાચ ડર લાગે છે. તેઓને લાગે છે, ‘લોકો શું કહેશે? તેઓ મારી મજાક ઉડાવશે તો? ગુસ્સે થઈ જશે તો?’
તમે બાઇબલમાંથી જે શીખો છો, એ બીજાઓને જણાવતા શું તમને ડર લાગે છે? તમને કેમ એવું લાગે છે?
વીડિયો જુઓ. પછી નીચે આપેલા સવાલની ચર્ચા કરો.
એ યુવાન ભાઈ-બહેનોએ પોતાનો ડર દૂર કરવા શું કર્યું?
યશાયા ૪૧:૧૦ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:
જો બીજાઓને યહોવાનો સંદેશો જણાવતા ડર લાગે, તો કેમ પ્રાર્થના કરવી જોઈએ?
જાણવા જેવું
ઘણા સાક્ષીઓને શરૂઆતમાં લાગતું કે તેઓ ક્યારેય પ્રચાર નહિ કરી શકે. સર્ગીભાઈ સાથે એવું જ થયું. તેમને લાગતું કે તે કંઈ કામના નથી. એટલે તેમને બીજાઓ સાથે વાત કરવી અઘરું લાગતું. પણ પછી તે બાઇબલમાંથી શીખવા લાગ્યા. તે કહે છે: “મને ડર તો લાગતો હતો, તોપણ હું જે શીખતો એ બીજાઓને જણાવતો. હું જેમ જેમ લોકોને જણાવતો ગયો, તેમ તેમ મારો ડર દૂર થતો ગયો. એટલું જ નહિ, બીજાઓને મારી માન્યતાઓ જણાવવાથી મારી શ્રદ્ધા વધી.”
૪. આદર બતાવો
બીજાઓને બાઇબલનો સંદેશો જણાવતાં પહેલાં વિચારો કે તમે શું કહેશો. એ વિચારવું પણ જરૂરી છે કે તમે એ વાત કઈ રીતે પૂરા આદરથી કહેશો. ૨ તિમોથી ૨:૨૪ અને ૧ પિતર ૩:૧૫ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:
તમે કઈ રીતે બીજાઓ સાથે સમજી-વિચારીને અને આદરથી વાત કરી શકો?
કદાચ કુટુંબના અમુક સભ્યો કે મિત્રો તમારી સાથે સહમત ન થાય. એવા સમયે તમે શું કરી શકો? તમારે શું ન કરવું જોઈએ?
શું વધારે સારું રહેશે, તમારા વિચારો બીજા પર થોપી બેસાડવા કે પછી પ્રેમથી તેઓ સાથે ચર્ચા કરવી? તમને કેમ એવું લાગે છે?
૫. ખુશખબર જણાવવાથી ખુશી મળે છે
યહોવાએ ઈસુને ખુશખબર ફેલાવવાનું કામ સોંપ્યું હતું. ઈસુ માટે એ કામ કેટલું મહત્ત્વનું હતું? યોહાન ૪:૩૪ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:
પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ખોરાક ખાવાથી આપણે જીવતા રહીએ છીએ અને આપણને ખુશી મળે છે. ઈસુએ શા માટે ઈશ્વરની ઇચ્છા પૂરી કરવાને (જેમ કે, ખુશખબર જણાવવાના કામને) ખોરાક સાથે સરખાવી?
ખુશખબર જણાવવાથી તમને કેવી ખુશી મળશે?
અજમાવો
આપણી સભા પુસ્તિકાના અમુક ભાગ દ્વારા બતાવવામાં આવે છે કે વાતચીત કઈ રીતે શરૂ કરી શકાય. સભામાં જાઓ ત્યારે ધ્યાન આપો કે તમે એમાંથી શું શીખી શકો.
તમને શીખવનાર ભાઈ કે બહેનને પૂછો કે સભામાં વિદ્યાર્થી ભાગ આપવા તમારે શું કરવું જોઈએ. એ ભાગ આપવાથી તમારી હિંમત વધશે અને તમે બીજાઓને સારી રીતે ખુશખબર જણાવી શકશો.
આ ચોપડીમાં “અમુક લોકો કહે છે” અથવા “જો કોઈ પૂછે” ભાગ આપ્યો છે. એમાં લોકો સામાન્ય રીતે કેવા સવાલો પૂછે છે અથવા શું માને છે, એ જણાવ્યું છે. જો તમને કોઈ એવું પૂછે અથવા કહે, તો તમે કેવો જવાબ આપશો એની તૈયારી કરો.
જો કોઈ પૂછે: “કેવું ચાલે છે?”
તમે કઈ રીતે આ તકનો ઉપયોગ કરીને તેમને જણાવી શકો કે તમે બાઇબલમાંથી શું શીખ્યા?
આપણે શીખી ગયા
ખુશખબર જણાવવાથી આપણને ખુશી મળે છે અને વાતચીત શરૂ કરવી એટલું અઘરું પણ નથી.
તમે શું કહેશો?
બીજાઓને ખુશખબર જણાવવી કેમ જરૂરી છે?
ખુશખબર જણાવતી વખતે તમે કઈ રીતે બીજાઓને આદર બતાવી શકો?
જો ખુશખબર જણાવતી વખતે ડર લાગતો હોય, તો તમારે શું કરવું જોઈએ?
વધારે માહિતી
jw.org કોન્ટેક્ટ કાર્ડનો ઉપયોગ કરીને ખુશખબર જણાવવાની ચાર રીતો જાણો.
યહોવાનો સંદેશો જણાવવા કઈ ચાર બાબતો મદદ કરશે, એ જાણવા આ લેખ વાંચો.
“શું તમે માણસોને ભેગા કરવાનું કામ કરવા તૈયાર છો?” (ચોકીબુરજ, સપ્ટેમ્બર ૨૦૨૦)
બાઇબલના એક અહેવાલ પર ધ્યાન આપો. એનાથી આપણને ખુશખબર જણાવવા હિંમત મળશે, પછી ભલેને આપણે ઉંમરમાં નાના હોઈએ.
યહોવાને ભજતાં ન હોય એવાં સગાઓને તમે બાઇબલનો સંદેશો કઈ રીતે જણાવી શકો?
“સત્યમાં નથી એવાં સ્નેહીજનોનાં દિલ સુધી પહોંચીએ” (ચોકીબુરજ, માર્ચ ૧૫, ૨૦૧૪)