પાઠ ૫૪
“વિશ્વાસુ અને સમજુ ચાકર” કોણ છે અને એ શું કરે છે?
ઈસુ ખ્રિસ્ત મંડળના શિર છે. (એફેસીઓ ૫:૨૩) આજે તે સ્વર્ગમાંથી રાજ કરે છે અને પૃથ્વી પર પોતાના શિષ્યોને માર્ગદર્શન આપે છે. કઈ રીતે? “વિશ્વાસુ અને સમજુ ચાકર” દ્વારા. (માથ્થી ૨૪:૪૫ વાંચો.) ઈસુએ પોતે એ ચાકરને જવાબદારી સોંપી છે, એટલે ચાકર પાસે અમુક હદ સુધી નિર્ણય લેવાનો અધિકાર છે. તોપણ એ ચાકર ખ્રિસ્તનું કહેવું માને છે અને ખ્રિસ્તના ભાઈઓની સેવા કરે છે. પણ સવાલ થાય: આ ચાકર કોણ છે? એ કઈ રીતે આપણી સંભાળ રાખે છે? ચાલો જોઈએ.
૧. “વિશ્વાસુ અને સમજુ ચાકર” કોણ છે?
યહોવાએ હંમેશાં કોઈ એક માણસ અથવા માણસોના નાના સમૂહ દ્વારા પોતાના લોકોને માર્ગદર્શન આપ્યું છે. (માલાખી ૨:૭; હિબ્રૂઓ ૧:૧) ઈસુના મરણ પછી પ્રેરિતો અને યરૂશાલેમના વડીલોએ ઈશ્વરના લોકોની આગેવાની લીધી. (પ્રેરિતોનાં કાર્યો ૧૫:૨) એવી જ રીતે, આજે વડીલોનો એક નાનો સમૂહ આગેવાની લે છે. એ સમૂહને ‘યહોવાના સાક્ષીઓનું નિયામક જૂથ’ કહેવામાં આવે છે. તે ઈશ્વરના વચન બાઇબલમાંથી આપણને ખોરાક આપે છે અને પ્રચારકાર્ય માટે માર્ગદર્શન આપે છે. એ સમૂહ જ ‘વિશ્વાસુ અને સમજુ ચાકર છે, જેને ઈસુએ જવાબદારી સોંપી છે.’ (માથ્થી ૨૪:૪૫ક) નિયામક જૂથના બધા જ સભ્યો પવિત્ર શક્તિથી અભિષિક્ત થયેલા ખ્રિસ્તીઓ છે. તેઓ પૃથ્વી પર જીવન પૂરું કર્યા પછી સ્વર્ગમાં જશે અને ખ્રિસ્ત સાથે રાજ કરશે.
૨. વિશ્વાસુ ચાકર કયો ખોરાક આપે છે?
ઈસુએ કહ્યું હતું કે વિશ્વાસુ ચાકર પોતાનાં ખ્રિસ્તી ભાઈ-બહેનોને ‘યોગ્ય સમયે ખોરાક આપશે.’ (માથ્થી ૨૪:૪૫ખ) એ ખોરાક શું છે? બાઇબલ દ્વારા મળતું માર્ગદર્શન. જેમ ખોરાક ખાવાથી પોષણ મળે છે અને તંદુરસ્તી સારી રહે છે, તેમ બાઇબલ દ્વારા મળતા ખોરાકથી આપણને બળ મળે છે. એ બળને લીધે આપણે યહોવાને વફાદાર રહી શકીએ છીએ અને ઈસુએ સોંપેલું કામ કરી શકીએ છીએ. (૧ તિમોથી ૪:૬) એ ખોરાક આપણને સભાઓ, સંમેલનો, મહાસંમેલનો, બાઇબલ આધારિત સાહિત્ય અને વીડિયો દ્વારા મળે છે. એ બધાની મદદથી આપણે ઈશ્વરની ઇચ્છા જાણી શકીએ છીએ અને તેમની સાથે આપણો સંબંધ મજબૂત કરી શકીએ છીએ.
વધારે જાણો
આપણને કેમ “વિશ્વાસુ અને સમજુ ચાકર,” એટલે કે નિયામક જૂથની જરૂર છે? ચાલો જોઈએ.
૩. યહોવાના લોકોએ વ્યવસ્થામાં રહીને કામ કરવું જોઈએ
યહોવાના સાક્ષીઓનું કામ વ્યવસ્થિત રીતે થાય, એ માટે ઈસુ નિયામક જૂથને માર્ગદર્શન આપે છે. ઈસુએ પહેલી સદીના ખ્રિસ્તીઓને પણ એવી જ રીતે માર્ગદર્શન આપ્યું હતું. વીડિયો જુઓ.
૧ કોરીંથીઓ ૧૪:૩૩, ૪૦ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:
યહોવા ચાહે છે કે તેમના સાક્ષીઓ વ્યવસ્થામાં રહીને કામ કરે. એવું આ કલમોથી કઈ રીતે જોવા મળે છે?
૪. વિશ્વાસુ ચાકર પ્રચારકામ માટે માર્ગદર્શન આપે છે
પહેલી સદીના ખ્રિસ્તીઓ માટે પ્રચારકામ સૌથી મહત્ત્વનું હતું. પ્રેરિતોનાં કાર્યો ૮:૧૪, ૨૫ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:
પહેલી સદીના ખ્રિસ્તીઓને પ્રચારકામ માટે કોણ માર્ગદર્શન આપતું હતું?
જ્યારે પિતર અને યોહાનને બીજા પ્રેરિતો પાસેથી અમુક માર્ગદર્શન મળ્યું, ત્યારે તેઓએ શું કર્યું?
નિયામક જૂથ માટે પ્રચારકામ સૌથી મહત્ત્વનું છે અને દુનિયાભરમાં એ કામ માટે તે માર્ગદર્શન આપે છે. વીડિયો જુઓ.
ઈસુએ જણાવ્યું હતું કે પ્રચારકામ ખૂબ મહત્ત્વનું છે. માર્ક ૧૩:૧૦ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:
નિયામક જૂથ માટે પ્રચારકામ કેમ ખૂબ મહત્ત્વનું છે?
આખી દુનિયામાં પ્રચારકામની ગોઠવણો કરવા આપણને કેમ “વિશ્વાસુ અને સમજુ ચાકર”ની જરૂર છે?
૫. વિશ્વાસુ ચાકર મંડળોને માર્ગદર્શન આપે છે
નિયામક જૂથ આખી દુનિયાનાં મંડળોને માર્ગદર્શન આપે છે. કયું માર્ગદર્શન આપવું, એ નિયામક જૂથ કઈ રીતે નક્કી કરે છે? ધ્યાન આપો કે પહેલી સદીમાં પ્રેરિતો અને વડીલોથી બનેલા નિયામક જૂથે કઈ રીતે માર્ગદર્શન આપ્યું. પ્રેરિતોનાં કાર્યો ૧૫:૧, ૨ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:
કયા વિષયને લઈને પહેલી સદીના અમુક ખ્રિસ્તીઓમાં વાદવિવાદ થયો?
એનો ઉકેલ લાવવા પાઉલ, બાર્નાબાસ અને બીજા અમુક ભાઈઓ કોની પાસે ગયા?
પ્રેરિતોનાં કાર્યો ૧૫:૧૨-૧૮, ૨૩-૨૯ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:
પહેલી સદીના નિયામક જૂથે નિર્ણય લેતા પહેલાં ઈશ્વરનું માર્ગદર્શન મેળવવા શું કર્યું?—કલમ ૧૨, ૧૫ અને ૨૮ જુઓ.
પ્રેરિતોનાં કાર્યો ૧૫:૩૦, ૩૧ અને ૧૬:૪, ૫ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:
નિયામક જૂથનો નિર્ણય સાંભળ્યા પછી પહેલી સદીના ખ્રિસ્તીઓએ શું કર્યું?
નિયામક જૂથની વાત માનવાને લીધે યહોવાએ તેઓને કયા આશીર્વાદો આપ્યા?
૨ તિમોથી ૩:૧૬ અને યાકૂબ ૧:૫ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:
આજે નિયામક જૂથ કોઈ નિર્ણય લેતા પહેલાં ઈશ્વરનું માર્ગદર્શન મેળવવા શું કરે છે?
અમુક લોકો કહે છે: “નિયામક જૂથ તો માણસોનું બનેલું છે અને તમે માણસોને પગલે ચાલો છો.”
શું તમે માનો છો કે નિયામક જૂથને ઈસુ દોરી રહ્યા છે? શા માટે?
આપણે શીખી ગયા
નિયામક જૂથ જ “વિશ્વાસુ અને સમજુ ચાકર” છે, જેને ઈસુ ખ્રિસ્તે જવાબદારી સોંપી છે. એ ચાકર આખી દુનિયાના સાક્ષીઓને માર્ગદર્શન આપે છે અને તેઓની શ્રદ્ધા વધારવા બાઇબલમાંથી જરૂરી ખોરાક આપે છે.
તમે શું કહેશો?
“વિશ્વાસુ અને સમજુ ચાકર”ને કોણે જવાબદારી સોંપી છે?
નિયામક જૂથ કઈ રીતે આપણી સંભાળ રાખે છે?
શું તમે માનો છો કે નિયામક જૂથ જ “વિશ્વાસુ અને સમજુ ચાકર” છે?
વધારે માહિતી
જુઓ કે નિયામક જૂથ કઈ રીતે પોતાનું કામ કરે છે.
“યહોવાના સાક્ષીઓનું નિયામક જૂથ એટલે શું?” (jw.org/gu પર આપેલો લેખ)
નિયામક જૂથ કઈ રીતે ધ્યાન રાખે છે કે, આપણી શ્રદ્ધા વધારવા અપાતો ખોરાક ભરોસાને લાયક છે? ચાલો જોઈએ.
ઈસુએ નિયામક જૂથના સભ્યોને જે કામ સોંપ્યું છે, એ વિશે તેઓને કેવું લાગે છે?
સભાઓ અને સંમેલનોથી કઈ રીતે ખબર પડે છે કે યહોવા નિયામક જૂથને માર્ગદર્શન આપી રહ્યા છે?