“બહુ ફળ આપો”
‘તમે બહુ ફળ આપો, અને એથી તમે મારા શિષ્ય થશો.’—યોહાન ૧૫:૮.
ઈસુ મરણ પામ્યા એ પહેલાંની સાંજ હતી. ઈસુએ તેમના શિષ્યોને ઉત્તેજન આપવા ખુલ્લા દિલથી વાતો કરી હતી. હવે અડધી રાત થઈ ગઈ હતી તોપણ, તે પોતાના અતિ વહાલા શિષ્યો સાથે હજુ વાત કરી રહ્યા હતા. પછી તેમણે શિષ્યોને બીજી એક જરૂરિયાત યાદ દેવડાવી: “તમે બહુ ફળ આપો, એમાં મારા બાપને મહિમા મળે છે; અને એથી તમે મારા શિષ્ય થશો.” (યોહાન ૧૫:૮) “બહુ ફળ આપો,” એનો શું અર્થ થાય છે? શું આપણે ઈસુના શિષ્ય તરીકે આ જરૂરિયાતને પૂરી કરીએ છીએ? ચાલો એ વિષે વધુ જાણવા આપણે એ રાતે થયેલી વાત પર થોડું વધારે ધ્યાન આપીએ.
૨ ઈસુએ શિષ્યોને એક દૃષ્ટાંતમાંથી ‘બહુ ફળ આપવા’ વિષેની સલાહ આપી હતી. તેમણે કહ્યું: “હું ખરો દ્રાક્ષાવેલો છું, અને મારો બાપ માળી છે. મારામાંની હરેક ડાળી જેને ફળ આવતાં નથી, તેને તે કાપી નાખે છે; અને હરેક ડાળી જેને ફળ આવે છે, તેને વધારે ફળ આવે માટે તે તેને શુદ્ધ કરે છે. જે વચનો મેં તમને કહ્યાં છે તે વડે તમે હવે શુદ્ધ થઈ ગયા છો. તમે મારામાં રહો, ને હું તમારામાં રહીશ. જેમ ડાળી વેલામાં રહ્યા વિના પોતાની મેળે ફળ આપી નથી શકતી, તેમ તમે પણ મારામાં રહ્યા વિના ફળ આપી શકતા નથી. હું તો દ્રાક્ષાવેલો છું, ને તમે ડાળીઓ છો; . . . તમે બહુ ફળ આપો, એમાં મારા બાપને મહિમા મળે છે; અને એથી તમે મારા શિષ્ય થશો. જેમ બાપે મારા પર પ્રેમ રાખ્યો છે, તેમ મેં પણ તમારા પર પ્રેમ રાખ્યો છે; તમે મારા પ્રેમમાં રહો. . . . જો તમે મારી આજ્ઞાઓ પાળો તો તમે મારા પ્રેમમાં રહેશો.”—યોહાન ૧૫:૧-૧૦.
૩ આ દૃષ્ટાંતમાં યહોવાહ માળી છે. દ્રાક્ષાવેલો ઈસુ ખ્રિસ્તને દર્શાવે છે અને ડાળીઓ તેમના શિષ્યોને બતાવે છે. શિષ્યો સંપીને ઈસુ સાથે રહે તો, તેઓને સારો બદલો મળવાનો હતો. તેઓ કઈ રીતે સંપીને રહી શકે એ વિષે ઈસુએ પછી કહ્યું: “જો તમે મારી આજ્ઞાઓ પાળો તો તમે મારા પ્રેમમાં રહેશો.” વર્ષો પછી, પ્રેષિત યોહાને પણ ખ્રિસ્તીઓને એ જ કહ્યું: ‘જે ખ્રિસ્તની આજ્ઞાઓ પાળે છે, તે તેમનામાં રહે છે.’a (૧ યોહાન ૨:૨૪; ૩:૨૪) તેથી, ઈસુના શિષ્યો તેમની આજ્ઞાઓ પાળીને તેમની સાથે સંપીને રહે છે. આમ કરવાથી તેઓ સારાં ફળો વિકસાવી શકે છે. પરંતુ આપણે જીવનમાં કેવા ફળો વિકસાવી શકીએ?
આપણે પ્રગતિ કરી શકીએ
૪ દ્રાક્ષાવેલાના દૃષ્ટાંતમાં બધી ડાળીઓ ફળ આપી શકે છે. ફળ ન આપતી ડાળીઓને યહોવાહ “કાપી નાખે” છે. એમાંથી આપણે શું શીખી શકીએ? બધા શિષ્યોની જવાબદારી છે કે તેઓ એવી ડાળીઓ જેવા બને જેમાં પુષ્કળ ફળ ઊગે છે. એ ઉપરાંત, યહોવાહને પૂરો ભરોસો છે કે આપણે બધા એવી ડાળીઓ જેવા બની શકીએ છીએ. ભલે આપણા સંજોગો ગમે એવા હોય, જો આપણે ફળ પેદા કરવાની કોશિશ કરીશું તો, યહોવાહ જરૂર આપણને મદદ કરશે. તે કદી આપણને છોડી દેશે નહિ.—ગીતશાસ્ત્ર ૧૦૩:૧૪; કોલોસી ૩:૨૩; ૧ યોહાન ૫:૩.
૫ દ્રાક્ષાવેલાનું દૃષ્ટાંત બતાવે છે કે આપણે સત્યમાં પ્રગતિ કરવી જ જોઈએ. ઈસુએ કહ્યું: “મારામાંની હરેક ડાળી જેને ફળ આવતાં નથી, તેને તે કાપી નાખે છે; અને હરેક ડાળી જેને ફળ આવે છે, તેને વધારે ફળ આવે માટે તે તેને શુદ્ધ કરે છે.” (યોહાન ૧૫:૨) અહીંયા ઈસુ ફરીથી પોતાના શિષ્યોને “બહુ ફળ” આપવાની વિનંતી કરે છે. (કલમ ૮) હા, આપણે એવું ક્યારેય ન વિચારવું જોઈએ કે સત્યમાં મેં જે કંઈ મહેનત કરી છે એ બસ છે. એના બદલે, આપણે હંમેશાં એમાં પ્રગતિ કરવી જોઈએ. (પ્રકટીકરણ ૩:૧૪, ૧૫, ૧૯) આપણે કઈ બે બાબતોમાં પ્રગતિ કરવી જોઈએ? પહેલું, આપણે ‘પવિત્ર આત્માના ફળ’ વિકસાવવા જોઈએ. બીજું, પરમેશ્વરના રાજ્ય વિષે લોકોને શીખવતા રહેવું જોઈએ.—ગલાતી ૫:૨૨, ૨૩; માત્થી ૨૪:૧૪.
સદ્ગુણો વિકસાવો
૬ ‘પવિત્ર આત્માના’ ફળોમાં સૌથી પહેલું ફળ પ્રેમ છે. એ સદ્ગુણ વિકસાવવા માટે પરમેશ્વર આપણને પવિત્ર આત્મા આપે છે. દ્રાક્ષાવેલાનું દૃષ્ટાંત કહેતા પહેલાં ઈસુએ કહ્યું: “હું તમને નવી આજ્ઞા આપું છું, કે તમે એકબીજા પર પ્રેમ રાખો.” (યોહાન ૧૩:૩૪) ઈસુએ પોતાના મરણની આગલી રાતે શિષ્યોને વારંવાર એકબીજાને પ્રેમ બતાવવાનું યાદ દેવડાવ્યું હતું.—યોહાન ૧૪:૧૫, ૨૧, ૨૩, ૨૪; ૧૫:૧૨, ૧૩, ૧૭.
૭ એ રાતે પીતર પણ ઈસુની સાથે હતા. તે બરાબર સમજ્યા હતા કે જેઓ ઈસુને પગલે ચાલે છે તેઓએ પણ પ્રેમ અને બીજા સદ્ગુણો બતાવવા જ જોઈએ. તેથી, વર્ષો પછી પીતરે ખ્રિસ્તીઓને સંયમ રાખવા અને એકબીજાને પ્રેમ બતાવવાનું ઉત્તેજન આપ્યું હતું. પછી તેમણે કહ્યું કે એવા ગુણો બતાવવાથી આપણે “ફળદાયી અને ઉપયોગી” થઈશું. (૨ પિતર ૧:૫-૮, IBSI) આપણા સંજોગો ભલે ગમે તે હોય, આપણે પવિત્ર આત્માના ફળો કેળવી શકીએ છીએ. તેથી, આપણે પ્રેમાળ, દયાળુ અને નમ્રતા જેવા ગુણો બતાવવા જ જોઈએ. કેમ કે, એવા ગુણો બતાવવા માટે આપણને કોઈ રોકશે નહિ. (ગલાતી ૫:૨૩) ચાલો, આપણે સદ્ગુણો બતાવીને ‘બહુ ફળ આપનારા’ બનીએ.
પ્રચારમાં મહેનત કરો
૮ જો આપણામાં પવિત્ર આત્માનાં ફળો હશે તો, ખરેખર આપણો સ્વભાવ સોના જેવો થશે. એ ઉપરાંત, આપણામાં પ્રેમ અને વિશ્વાસ જેવા સદ્ગુણો હશે તો, આપણે પૂરા દિલથી લોકોને યહોવાહ અને તેમના રાજ્ય વિષે શીખવીશું. પાઊલમાં પણ પ્રેમ અને વિશ્વસ જેવા સદ્ગુણો હતા, તેથી તેમને કહ્યું કે, “અમને પણ વિશ્વાસ છે, અને તેથી અમે બોલીએ છીએ.” (૨ કોરીંથી ૪:૧૩) પાઊલ વધારે સમજાવતા કહે છે કે, સત્ય વિષે બોલવાથી આપણે ‘દેવને સ્તુતિરૂપ યજ્ઞ, એટલે હોઠોના ફળનું અર્પણ’ કરીએ છીએ. (હેબ્રી ૧૩:૧૫) શું આપણે પ્રચારમાં બનતી મહેનત કરીએ છીએ?
૯ મહેનતના ફળ મીઠા હોય છે, પણ જો પ્રચાર કામમાં તમે શિષ્યો ન બનાવો તો, શું એનો અર્થ એમ થાય કે તમે મહેનત નથી કરી? (માત્થી ૨૮:૧૯) ના. જો એમ હોય તો, ઘણા ભાઈબહેનો નિરાશાની ખાઈમાં ડૂબી ગયા હોત. તેઓ વર્ષોથી એવા વિસ્તારમાં પ્રચાર કરે છે જ્યાં લોકો ભાગ્યે જ સાંભળે છે. એક રીતે એમ લાગી શકે કે તેઓ ઈસુના દૃષ્ટાંતમાંની નકામી ડાળીઓ જેવા છે જેમાં કોઈ ફળ ઊગતું નથી. પરંતુ, તેઓ ખરેખર ફળ આપતી ડાળીઓ જેવા છે! પણ કઈ રીતે?
સત્યના બી ફેલાવો
૧૦ એનો જવાબ આપણને ઈસુએ આપેલા ખેડૂત અને અનેક પ્રકારની જમીનના દૃષ્ટાંતમાં જોવા મળે છે. આ જવાબથી આપણા ઘણા ભાઈબહેનોને ખૂબ ઉત્તેજન મળે છે જેઓ, લોકો બહું સાંભળતા ન હોય એવા વિસ્તારમાં સેવા કરે છે. ઈસુએ કહ્યું કે બી પરમેશ્વરના રાજ્યનો સંદેશો છે અને જમીન વ્યક્તિનું હૃદય છે. તેથી, આપણે આ સત્યના બી લોકોના હૃદયમાં વાવવા જોઈએ. એનું પરિણામ શું આવી શકે? ઈસુએ કહ્યું કે અમુક બી “સારી ભોંયમાં પડ્યાં, તે ઊગ્યાં, અને તેને સોગણું ફળ આવ્યું.” (લુક ૮:૮) આમ, સત્યના બી લોકોના હૃદયમાં ઊગે કે નહિ, એ બીજી વાત છે. પણ મુખ્ય બાબત એ છે કે દરેક ખ્રિસ્તી, ખેડૂતની જેમ રાજ્ય સંદેશના બી વાવવા મહેનત કરે.
૧૧ તેથી, આ બાબતમાં પ્રચાર કામનું ફળ એ નથી કે આપણે નવા શિષ્યો બનાવીએ. એનો અર્થ એમ થાય છે કે આપણે યહોવાહના રાજ્ય વિષે બીજાઓને જણાવીએ. (માત્થી ૨૪:૧૪) હા, આપણે બધા કોઈ પણ સંજોગોમાં પરમેશ્વરના રાજ્યના ખુશ ખબર ફેલાવી શકીએ છીએ! ઈસુ એ જ દૃષ્ટાંતમાં એના વિષે વધુ સમજાવે છે.
પરમેશ્વરના મહિમા માટે બનતું બધું કરો
૧૨ ઈસુએ કહ્યું: ‘સારી ભોંય પર વાવેલા બીને ફળ લાગે છે, એટલે કોઈને સોગણાં, તો કોઈને સાઠગણાં, અને કોઈને ત્રીસગણાં લાગે છે.’ (માત્થી ૧૩:૨૩) અહીં ઈસુ કહેવા માગે છે કે બધાના સંજોગો જુદા જુદા હોય છે. તેથી તેઓ સત્યના બી કેટલા વાવી શકે એનું પ્રમાણ અલગ અલગ હોય છે. અમુક લોકો પાસે સત્યના બી વાવવાની ઘણી તકો હોય છે. તેઓ તંદુરસ્ત હોવાથી વધુ કરી શકે છે. પરંતુ, જો આપણે ઘરડા હોય કે બીમારીને લીધે પ્રચારમાં થોડું જ કરી શકતા હોય તો શું? અથવા આપણા જીવનના સંજોગો અઘરા હોય તો શું? યહોવાહ કંઈ એ જોતા નથી કે કોણ વધુ કરે છે અને કોણ ઓછું કરે છે. ના, જો આપણે આપણાથી બનતું બધું કરતા હોઈશું તો, યહોવાહ એનાથી ખુશ થાય છે. (ગલાતી ૬:૪) હા, આપણા દયાળુ પિતા યહોવાહ આપણને ફળ આપતી ડાળીઓ તરીકે જુએ છે. શા માટે? કેમ કે આપણે પૂરા દિલથી તેમની સેવા કરીએ છીએ.b—માર્ક ૧૨:૪૩, ૪૪; લુક ૧૦:૨૭.
૧૩ આમ, ભલે આપણા સંજોગો ગમે એવા હોય, આપણે બધા રાજ્યની ખુશખબરી ફેલાવી શકીએ છીએ. ભલે લોકો બહુ સાંભળે નહિ તોપણ આપણે હિંમત ન હારવી જોઈએ. કેમ કે, ઈસુએ કહ્યું: “તમે બહુ ફળ આપો, એમાં મારા બાપને મહિમા મળે છે.” (યોહાન ૧૫:૮) હા, આપણે પ્રચાર કરીએ છીએ એનાથી બધા લોકો આગળ યહોવાહનું નામ પવિત્ર મનાય છે. (ગીતશાસ્ત્ર ૧૦૯:૩૦) જો આપણે એ વિચાર મનમાં રાખીશું તો, ‘હંમેશાં સારા ફળ આપતા રહેવા’ પ્રેરાઈશું. (યોહાન ૧૫:૧૬, IBSI) યહોવાહની વફાદારીથી સેવા કરતી આશરે ૭૫ વર્ષની ઓનર કહે છે: “લોકો ન સાંભળે તોપણ સર્વોપરી પરમેશ્વરનું નામ જાહેર કરવું એક લહાવો છે.” ક્લોડિયો ૧૯૭૪થી પૂરા જોશથી યહોવાહ વિષે પ્રચાર કરે છે. તેને પૂછવામાં આવ્યું: તમારા વિસ્તારમાં બહુ ઓછા લોકો સંદેશ સાંભળે છે, તોપણ તમે શા માટે પ્રચારમાં લાગુ રહો છો? તેણે જવાબમાં યોહાન ૪:૩૪ના ઈસુના શબ્દો કહ્યા: “જેણે મને મોકલ્યો છે, તેની ઇચ્છા પૂરી કરવી, અને તેનું કામ પૂર્ણ કરવું, એ મારૂં અન્ન છે.” ક્લોડિયો આગળ કહે છે: “હું એક સેવક તરીકે મારા પ્રચાર કામને ખાલી શરૂ કરવા માગતો નથી, પણ ઈસુની જેમ એને સારી રીતે પૂરું કરવા માગું છું.” (યોહાન ૧૭:૪) દુનિયાભરના યહોવાહના સાક્ષીઓ પણ એમ જ વિચારે છે.—“ધીરજનાં ફળ મીઠાં છે,” બોક્સ પાન નં ૨૧ પર જુઓ.
પ્રચાર કરો અને શીખવો
૧૪ ઈસુના દિવસોમાં સૌથી પહેલા યોહાન બાપ્તિસ્મકે પ્રચાર કામ શરૂ કર્યું હતું. (માત્થી ૩:૧, ૨; લુક ૩:૧૮) તેમનું મુખ્ય કામ ‘સાક્ષી આપવાનું હતું,’ જેથી સર્વ લોકો યહોવાહમાં ‘વિશ્વાસ મૂકે.’ (યોહાન ૧:૬, ૭) યોહાને જેઓને શીખવ્યું હતું તેઓમાંના કેટલાક ઈસુના શિષ્યો બન્યા હતા. (યોહાન ૧:૩૫-૩૭) આમ, યોહાને પોતે પ્રચાર કર્યો અને લોકોને શીખવ્યું હતું જેથી તેઓ શિષ્યો બને. ઈસુએ પણ પ્રચાર કર્યો અને લોકોને શિક્ષણ આપ્યું. (માત્થી ૪:૨૩; ૧૧:૧) તેથી, ઈસુએ પોતાના શિષ્યોને ફક્ત યહોવાહના રાજ વિષે પ્રચાર કરવાનું જ કહ્યું નહિ, પણ લોકોને શીખવવા પર વધારે ભાર મૂક્યો. આમ કરવાથી તેઓ પણ ઈસુના પગલે ચાલી શક્યા. (માત્થી ૨૮:૧૯, ૨૦) એ જ રીતે, આજે પણ આપણે લોકોને પ્રચાર કરવાનો છે અને તેઓને યહોવાહ વિષે શીખવવાનું છે.
૧૫ પાઊલે પહેલી સદીમાં પણ ઘણા લોકોને પ્રચાર કરીને શીખવ્યું હતું. તેથી યહોવાહની વાતો “કેટલાએકે માની લીધી, અને કેટલાએકે માની નહિ.” (પ્રેરિતોનાં કૃત્યો ૨૮:૨૪) આજે પણ આપણને એવું જ જોવા મળે છે. વિચાર કરો, કે દર અઠવાડિયે આખી દુનિયામાં લગભગ ૫,૦૦૦ લોકો યહોવાહનાં સાક્ષીઓ બને છે! એ સાચું છે કે મોટા ભાગના લોકો આપણું સાંભળતા નથી તોપણ, આ નવા ભાઈબહેનોને સત્ય વિષે ‘જે વાતો કહેવામાં આવી, એ તેઓએ માની છે’. પરંતુ તેઓએ શા માટે યહોવાહનો સંદેશો સ્વીકાર્યો છે? કારણ કે યહોવાહના સાક્ષીઓએ તેઓનું ધ્યાન રાખીને તેઓને પ્રેમ બતાવ્યો છે. જેમ નવા વાવેલા બીને વારંવાર પાણી પાવામાં આવે છે, તેમ સાક્ષીઓએ આ લોકોને વારંવાર સત્યનું પાણી પાયું છે. (૧ કોરીંથી ૩:૬) એના વિષે ચાલો આપણે અમુક અનુભવો જોઈએ.
વ્યક્તિને પ્રેમ બતાવવાથી ફરક પડે છે
૧૬ બેલ્જિયમમાં એક યુવાન સાક્ષી કેરોલીન, પ્રચારમાં એક વૃદ્ધ સ્ત્રીને મળી. પણ તેણે સંદેશમાં કંઈ રસ બતાવ્યો નહિ. એ ઘરડી સ્ત્રીના હાથ પર પાટાપિંડી કરેલી જોઈને, કેરોલીન અને બીજી બહેને તેમને કંઈ મદદ કરવા પૂછ્યું. પણ તેમણે ના પાડી. બે દિવસ પછી, એ બહેનો ફરીથી તે માજીના ઘરે ગઈ અને તેમની તબિયત વિષે પૂછ્યું. કેરોલીન કહે છે, “માજીની તબિયત પૂછવાથી તેમને ખૂબ નવાઈ લાગી. તે જોઈ શક્યા કે અમે ખરેખર તેમની ચિંતા કરીએ છીએ. પછી તેમણે અમને ઘરમાં બોલાવ્યા અને અમારી સાથે બાઇબલનો અભ્યાસ શરૂ કર્યો.”
૧૭ અમેરિકામાં સેન્ડી નામની એક યહોવાહની સાક્ષી છે. તે લોકોને ખરેખર પ્રેમ બતાવે છે. દાખલા તરીકે, તે છાપામાં બાળકના જન્મની ખબર જુએ છે. પછી બાઇબલ વાર્તાઓનું મારું પુસ્તક સાથે લઈને માબાપને ઘરે મલવા જાય છે.c સેન્ડી તેઓની સાથે વાતચીત કરે છે અને સમજાવે છે: “તમારા બાળકને દરરોજ વાંચી સંભળાવવાથી તમારો બાળક સાથેનો પ્રેમ વધુ ગાઢ થશે.” પછી વાતમાં વાત નીકળે છે અને હું માતાને કહું છું કે, “આજકાલ બાળકોને ઉછેરવા સહેલી વાત નથી.” આમ કરવાને લીધે સેન્ડીએ એક માતા અને તેના છ બાળકો સાથે બાઇબલનો અભ્યાસ શરૂ કર્યો. હવે તેઓ બધા હળીમળીને યહોવાહની સેવા કરે છે. જો આપણે પ્રચાર કામમાં લોકોને પ્રેમ બતાવીશું તો, આપણી મહેનતના આવા સુંદર ફળ મળી શકે.
૧૮ હા, ભલે આપણે યુવાન કે વૃદ્ધ હોય, તંદુરસ્ત કે બીમાર હોય, આપણા પ્રચારમાં લોકો સાંભળે કે ન સાંભળે, આપણે બધા “બહુ ફળ” આપી શકીએ છીએ! પણ કઈ રીતે? એ માટે આપણે જીવનમાં પવિત્ર આત્માના ફળો, એટલે કે સદ્ગુણો વિકસાવી શકીએ. બીજું, પરમેશ્વરના રાજ્યની ખુશખબર ફેલાવવા આપણાથી બનતું બધું જ કરીએ. એ જ સમયે આપણે ‘ઈસુના વચનમાં રહેવાની’ અને ‘એકબીજા પ્રત્યે પ્રેમ બતાવવાની’ પણ જરૂર છે. હા, જો આપણે યોહાનના પુસ્તકમાં જણાવેલી આ મહત્ત્વની ત્રણ જરૂરિયાતોને પૂરી કરીશું તો, દિલથી કહી શકીશું કે ‘આપણે ખરેખર ઈસુના શિષ્યો છીએ.’—યોહાન ૮:૩૧; ૧૩:૩૫.
[ફુટનોટ્સ]
a ઈસુએ પોતાના શિષ્યો અને સ્વર્ગની આશા ધરાવતા બધા જ ખ્રિસ્તીઓ માટે દ્રાક્ષાવેલાની ડાળીઓનું દૃષ્ટાંત આપ્યું હતું. પરંતુ, એ દૃષ્ટાંતમાંથી આપણે બધા કંઈક શીખી શકીએ છીએ.—યોહાન ૩:૧૬; ૧૦:૧૬.
b મોટી ઉંમર કે ગંભીર બીમારીને કારણે ઘરમાં જ રહેતા હોય એવા ભાઈબહેનો પત્ર લખીને કે ટેલિફોનથી સાક્ષી આપી શકે. અથવા તેઓને મળવા આવતા લોકોને પ્રચાર કરી શકે.
c યહોવાહના સાક્ષીઓએ પ્રકાશિત કરેલ.
શું તમને યાદ છે?
• આપણે કેવા પ્રકારના ફળો આપવા વધારે મહેનત કરવી જોઈએ?
• આપણે બધા શા માટે સત્યમાં પ્રગતિ કરી શકીએ છીએ?
• યોહાનના પુસ્તકમાં જણાવેલી કઈ ત્રણ જરૂરિયાતોની આપણે ચર્ચા કરી?
[અભ્યાસ પ્રશ્નો]
૧. (ક) ઈસુએ પોતાના શિષ્યોને કઈ જરૂરિયાત વિષે જણાવ્યું? (ખ) આપણે કયા પ્રશ્નોનો વિચાર કરવો જોઈએ?
૨. ઈસુએ ફળ વિષે કયું દૃષ્ટાંત આપ્યું હતું?
૩. ઈસુના શિષ્યોએ સારાં ફળ વિકસાવવા માટે શું કરવાનું હતું?
૪. યહોવાહ આપણી પાસેથી શું માંગે છે અને એ યહોવાહ વિષે શું બતાવે છે?
૫. (ક) આપણે પ્રગતિ કરવી જોઈએ એ વિષે ઈસુનું દૃષ્ટાંત શું શીખવે છે? (ખ) આપણે કઈ બે બાબતોમાં પ્રગતિ કરવી જોઈએ?
૬. ઈસુની કઈ આજ્ઞા પાળવાથી આપણે આત્માનું પહેલું ફળ વિકસાવી શકીએ?
૭. પીતરે કયું ઉત્તેજન આપ્યું કે જેથી આપણે પણ ઈસુ જેવા સુંદર ગુણો બતાવી શકીએ?
૮. (ક) પવિત્ર આત્માના ફળો વિકસાવવાથી આપણે શું કરવા તૈયાર હોઈશું? (ખ) આપણે કયા પ્રશ્ન પર વિચાર કરવો જોઈએ?
૯. પ્રચાર કામમાં તમે શિષ્યો ન બનાવો તો, એનો શું અર્થ થતો નથી?
૧૦. પ્રચારમાં બી વાવવાનો અર્થ શું થાય છે, અને એ ઈસુના દૃષ્ટાંતમાંથી કઈ રીતે જોવા મળે છે?
૧૧. પ્રચાર કામનું ફળ શું છે?
૧૨. શું બધા ખ્રિસ્તીઓ એકસરખા સત્યના બી વાવે છે? યહોવાહ શાનાથી ખુશ થાય છે?
૧૩. (ક) આપણે ‘સારા ફળ આપતા રહીએ’ એનું સૌથી મહત્ત્વનું કારણ શું છે? (ખ) બહુ ઓછા લોકો સાંભળતા હોય તોપણ પ્રચારમાં લાગુ રહેવા આપણને શું મદદ કરશે? (પાન નં ૨૧ પરનું બોક્સ પણ જુઓ.
૧૪. (ક) યોહાન બાપ્તિસ્મક અને ઈસુએ કયા બે કાર્યો કર્યા? (ખ) આજે આપણી કઈ જવાબદારી છે?
૧૫. પહેલી સદીની જેમ આજે પણ પ્રચાર કામમાં શું થઈ રહ્યું છે?
૧૬, ૧૭. આપણે પ્રચાર કામમાં લોકોને પ્રેમ બતાવીએ એ કેમ મહત્ત્વનું છે?
૧૮. (ક) શા માટે આપણે “બહુ ફળ” આપવાની જરૂરિયાતને પૂરી કરી શકીએ છીએ? (ખ) યોહાનના પુસ્તકમાં જણાવેલી કઈ જરૂરિયાતોને આપણે પૂરી કરવાની છે?
[પાન ૨૧ પર બોક્સ/ચિત્ર]
ધીરજના ફળ મીઠા છે
જો યહોવાહના રાજ્ય વિષે કોઈ સાંભળતું ન હોય તોપણ આપણને પૂરા જોશથી પ્રચાર કરવા માટે શું મદદ કરી શકે? નીચે કેટલાક સૂચનો આપવામાં આવ્યા છે:
“પ્રચારમાં ભલે લોકો સાંભળે કે ન સાંભળે, ઈસુ આપણને સાથ આપે છે એ જાણીને મને ખૂબ જ ઉત્તેજન મળે છે.”—હેરી, ૭૨ વર્ષ; ૧૯૪૬માં બાપ્તિસ્મા લીધું.
“મને ૨ કોરીંથી ૨:૧૭માંથી હંમેશાં ઉત્તેજન મળે છે. એમાં કહે છે કે યહોવાહને અને ઈસુને ખબર છે કે આપણે પ્રચાર કરીએ જ છીએ. મારા પ્રભુ યહોવાહ અને ઈસુ પોતે મારી સાથે કામ કરે છે એ જાણીને મને ખૂબ આનંદ થાય છે.”—ક્લોડીઓ, ૪૩ વર્ષ; ૧૯૭૪માં બાપ્તિસ્મા લીધું.
‘સાચું કહું તો, મને પ્રચાર કરવાનું બહુ જ અઘરું લાગે છે. તોપણ, હું ગીતશાસ્ત્ર ૧૮:૨૯નો અનુભવ કરું છું, અને યહોવાહની મદદથી ગમે એ કરી શકું છું.’—ગેરટ, ૭૯ વર્ષ; ૧૯૫૫માં બાપ્તિસ્મા લીધું.
“જો હું પ્રચારમાં કોઈને એક કલમ બતાવી શકું તો, મને ઘણી ખુશી થાય છે. મને લાગે છે કે બાઇબલની કલમ જોવાથી તેઓના દિલમાં સારી છાપ પડશે.”—એલીનોર, ૨૬ વર્ષ; ૧૯૮૯માં બાપ્તિસ્મા લીધું.
“હું જુદી જુદી રજૂઆતોથી પ્રચાર કરવાનો પ્રયત્ન કરતો રહું છું. એવી ઘણી બધી રજૂઆતો છે જે વાપરતા પણ ખૂટતી નથી.”—પૉલ, ૭૯ વર્ષ; ૧૯૪૦માં બાપ્તિસ્મા લીધું.
“લોકો સાંભળતા નથી ત્યારે મને ખોટું નથી લાગતું. હું લોકો સાથે પ્રેમથી વાત કરું છું અને તેઓ જે કહે છે એને ધ્યાનથી સાંભળું છું.”—દાનિયેલ, ૭૫ વર્ષ; ૧૯૪૬માં બાપ્તિસ્મા લીધું.
“અમુક ભાઈબહેનોએ મને કહ્યું છે કે મારી મુલાકાતને લીધે તેઓ હવે યહોવાહના સાક્ષીઓ બન્યા છે. એ મને ખબર ન હતી કારણ કે મેં તેઓની મુલાકાત ઘણા વખત પહેલાં કરી હતી. પછી તેઓ બીજા કોઈ ભાઈબહેન સાથે બાઇબલ વિષે શીખવા લાગ્યા. હા, આ બતાવે છે કે શિષ્યો બનાવવામાં એક વ્યક્તિનો જ હાથ નથી, પણ બધા મદદ કરે છે.”—જ્યોન, ૬૬ વર્ષ; ૧૯૫૪માં બાપ્તિસ્મા લીધું.
તેઓની જેમ, તમને પ્રચાર કામમાં “ધીરજથી ફળ” આપવા શું મદદ કરે છે?—લુક ૮:૧૫.
[પાન ૨૦ પર ચિત્ર]
પવિત્ર આત્માના ફળો કેળવીને અને પરમેશ્વરના રાજ્યનો સંદેશો જાહેર કરીને આપણે બહુ ફળ આપીએ છીએ
[પાન ૨૩ પર ચિત્ર]
ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે “બહુ ફળ આપો.” એનો શું અર્થ થાય છે?