કીમતી ભેટ આપીને ઈશ્વરે પ્રેમ પ્રગટ કર્યો
‘ન્યાયીપણાથી સર્વકાળના જીવનને અર્થે કૃપા રાજ કરશે.’—રૂમી ૫:૨૧.
૧, ૨. લોકો શાને કીમતી ભેટ ગણે છે? પણ સૌથી કીમતી ભેટ કઈ છે?
ઑસ્ટ્રેલિયાની મેલબર્ન યુનિવર્સિટીમાં ડૉ. ડેવિડ જે. વિલિયમ્સ, બાઇબલ અનુવાદક અને પ્રોફેસર છે. તેમનું કહેવું છે કે રોમન સામ્રાજ્યએ સ્થાપેલા નિયમો મનુષ્ય માટે એક કીમતી ભેટ છે, જે કાયમ માટે લાભદાયી છે. પણ બાઇબલ શીખવે છે કે ઈશ્વરે પ્રેમથી આપેલી ભેટ એ નિયમો કરતાં પણ ઘણી કીમતી છે. એ ભેટ દ્વારા આપણે તેમની નજરમાં ન્યાયી ગણાઈ શકીએ છીએ. તારણ મેળવી શકીએ છીએ. સદા માટે સુખી જીવન મેળવી શકીએ છીએ.
૨ ઈશ્વરે આપણને જે રીતે આ ભેટ આપી, એમાં તેમનો ન્યાય દેખાય આવે છે. રૂમીના પાંચમા અધ્યાયમાં પ્રેરિત પાઊલે આ બાબતોની ચર્ચા કાયદાની ભાષામાં કરી નહિ. એના બદલે તેમણે આ સુંદર ખાતરી આપી: ‘આપણને વિશ્વાસથી ન્યાયી ઠરાવવામાં આવ્યા છે, તેથી આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે ઈશ્વરની સાથે સમાધાન કરીએ.’ ઈશ્વરે પ્રેમને લીધે મનુષ્ય પર આ કૃપા બતાવીને અમુકને ન્યાયી ઠરાવ્યા છે. જેઓને ન્યાયી ઠરાવ્યા છે, તેઓ પણ ઈશ્વર માટે ગાઢ પ્રેમ કેળવે છે. પાઊલ એ લોકોમાંના એક હતા. એટલે તેમણે કહ્યું: ‘ઈશ્વરની શક્તિથી આપણા અંતઃકરણમાં ઈશ્વરનો પ્રેમ વહેવડાવવામાં આવ્યો છે.’—રૂમી ૫:૧, ૫.
૩. આપણે કયા સવાલોની ચર્ચા કરીશું?
૩ શા માટે ઈશ્વરે આ કીમતી ભેટ આપવી પડી? તે પોતાના ન્યાયના ધોરણ પ્રમાણે આ ભેટ કઈ રીતે આપી શક્યા જેથી સર્વને લાભ થાય? આ ભેટ મેળવવા લોકોએ શું કરવાની જરૂર છે? ચાલો આપણે આ સવાલોના જવાબ મેળવીએ અને જોઈએ કે ઈશ્વર કેટલા પ્રેમાળ છે.
ઈશ્વરનો પ્રેમ અને પાપ સામસામે
૪, ૫. (ક) યહોવાહે કઈ રીતે પોતાનો મહાન પ્રેમ બતાવ્યો? (ખ) રૂમી ૫:૧૨ને સારી રીતે સમજવા આપણે શું જાણવાની જરૂર છે?
૪ મનુષ્ય માટેના મહાન પ્રેમના લીધે, યહોવાહે એકાકીજનિત દીકરાને પૃથ્વી પર મોકલ્યા. એ વિષે પાઊલે કહ્યું: ‘આપણે જ્યારે પાપી હતા ત્યારે ખ્રિસ્ત આપણા માટે મરણ પામ્યા, એમ કરીને ઈશ્વરે પોતાનો પ્રેમ પ્રગટ કર્યો.’ (રૂમી ૫:૮) ‘આપણે જ્યારે પાપી હતા,’ આ શબ્દોનો વિચાર કરો. તો સવાલ થાય કે આપણામાં પાપ કઈ રીતે આવ્યું?
૫ પાઊલ એના વિષે ટૂંકમાં આમ જણાવ્યું: “જેમ એક માણસથી જગતમાં પાપ પેઠું, ને પાપથી મરણ; અને સઘળાએ પાપ કર્યું, તેથી સઘળાં માણસોમાં મરણનો પ્રસાર થયો.” (રૂમી ૫:૧૨) આપણે આ સમજીએ એ પહેલાં બાઇબલમાંથી અમુક વિગતો જાણવાની જરૂર છે: ઈશ્વર સંપૂર્ણ છે. તેમણે પ્રથમ પુરુષ આદમ અને પ્રથમ સ્ત્રી હવાને ખામી વગરના બનાવ્યા. ઈશ્વરે તેઓને ફક્ત એક જ નિયમ આપ્યો. એ નિયમ તોડવાની સજા મોત હતી. (ઉત. ૨:૧૭) આ નિયમ પાળવો અઘરો ન હતો, તોપણ તેઓએ એ નિયમ જાણીજોઈને તોડ્યો. આમ તેઓએ નિયમ આપનાર તરીકે અને રાજા તરીકે યહોવાહને ઠુકરાવ્યા.—પુન. ૩૨:૪, ૫.
૬. (ક) આદમના સંતાનો પર કેમ મરણ આવ્યું? મુસાને આપેલા નિયમોને લીધે શું મનુષ્યની સ્થિતિમાં કંઈ ફેરફાર થયો? (ખ) વારસામાં પાપ મળ્યું છે એ સમજવા દાખલો આપો.
૬ ઈશ્વરની આજ્ઞા તોડીને આદમ અને હવા પાપી બન્યા. ત્યાર પછી તેઓ માબાપ બન્યા એટલે તેઓના સર્વ સંતાનોને પણ પાપનો વારસો આપ્યો. જોકે એ સંતાનોએ યહોવાહની આજ્ઞા તોડી ન હતી. (ઉત. ૨:૧૭) એટલે તેઓ એ આજ્ઞા તોડવાના દોષી ન હતા. ઉપરાંત તેઓને બીજા કોઈ નિયમો આપવામાં આવ્યા ન હતા, જેનાથી તેઓ દોષી સાબિત થાય. તોપણ તેઓને પાપનો વારસો મળ્યો. યહોવાહે ઈસ્રાએલી પ્રજાને મુસા દ્વારા નિયમો આપ્યા ત્યાર પછી જ તેઓને ખબર પડી કે તેઓમાં પાપ છે. ત્યાં સુધી મરણ અને પાપે રાજ કર્યું. (રૂમી ૫:૧૩, ૧૪ વાંચો.) સર્વમાં પાપ કઈ રીતે આવ્યું, એ સમજવા એક દાખલો લઈએ. ઘણા લોકોને માબાપ પાસેથી અમુક બીમારી વારસામાં મળે છે. અમુક બાળકોને એ બીમારી થાય છે તો અમુકને નથી થતી. પણ પાપ એ બીમારી જેવું નથી. સર્વને આદમ પાસેથી પાપ મળ્યું છે, એટલે આપણે મરણ પામીએ છીએ. શું પાપનો કોઈ ઇલાજ છે?
ઈસુ ખ્રિસ્ત દ્વારા યહોવાહે શું પૂરું પાડ્યું
૭, ૮. બે સંપૂર્ણ માણસોએ જે કર્યું, એના પરિણામમાં કયો આસમાન-જમીનનો ફરક છે?
૭ પ્રેમના આધારે યહોવાહે એક ગોઠવણ કરી, જેનાથી મનુષ્ય વારસામાં મળેલા પાપથી આઝાદ થઈ શકે. પાઊલે સમજાવ્યું કે એક સંપૂર્ણ માણસ દ્વારા એ શક્ય બનશે. એ માણસ આદમની જેમ સંપૂર્ણ હોવાથી તેને છેલ્લો આદમ કહેવામાં આવે છે. (૧ કોરીં. ૧૫:૪૫) આ બંને સંપૂર્ણ માણસોએ જે કર્યું, એના પરિણામમાં આસમાન-જમીનનો ફરક છે. કઈ રીતે?—રૂમી ૫:૧૫, ૧૬ વાંચો.
૮ પાઊલે લખ્યું, “જેવું પાપ છે તેવું કૃપાદાન છે એમ નથી.” આદમ પાપ માટે દોષી હતો. એટલે તેને મોતની સજા મળી. આ ગુના માટે તેની સાથે બીજાઓને પણ મરવું પડ્યું. પાઊલ આગળ જણાવે છે, “એકના પાપને લીધે ઘણા મરણ પામ્યા.” યહોવાહના ન્યાયી ધોરણ પ્રમાણે જેઓ પાપ કરે છે, તેઓને મોતની સજા મળવી જોઈએ. આદમે પાપ કર્યું એટલે તેને અને તેના સંતાનોને પણ મોતની સજા મળી. એ સંતાનમાં આપણો પણ સમાવેશ થાય છે. પણ ઈસુ આ માઠાં પરિણામને બદલી શકે છે, એ જાણીને આપણને દિલાસો મળે છે. આના લીધે શું થવાનું હતું? જવાબમાં પાઊલે કહ્યું: “સર્વ માણસોને જીવન મેળવવા ન્યાયી ઠરાવવામાં આવશે.”—રૂમી ૫:૧૮, NW.
૯. રૂમી ૫:૧૬, ૧૮ મુજબ ઈશ્વર માણસોને ન્યાયી ઠરાવે છે, એનો અર્થ શું થાય?
૯ આ કલમોમાં “ન્યાયી ઠરાવવા” (NW) માટે વપરાયેલ ગ્રીક શબ્દો પાછળ કયો અર્થ રહેલો છે? એ વિષે ડૉ. વિલિયમ્સ કહે છે: ‘સામાન્ય રીતે આ શબ્દો કાયદા માટે વપરાય છે. જ્યારે કે કલમના આ શબ્દોમાં કાયદાનો થોડોક જ રંગ જોવા મળે છે. આ શબ્દો એવું નથી બતાવતા કે વ્યક્તિમાં ફેરફાર થયો છે એટલે તેને ન્યાયી ઠરાવવામાં આવી છે. આ શબ્દોથી એવું દૃશ્ય ખડું થાય છે કે વ્યક્તિ અન્યાયી હોવાથી ઈશ્વરની અદાલતમાં આરોપી તરીકે ઊભો છે. ન્યાયાધીશ તરીકે ઈશ્વર તેના પક્ષમાં ફેંસલો કરે છે. અને તેને નિર્દોષ જાહેર કરે છે. આમ ઈશ્વર સાથેના તેના સ્થાનમાં ફેરફાર થાય છે.’
૧૦. ઈસુએ શું કર્યું, જેના દ્વારા મનુષ્યને ન્યાયી ઠરાવવામાં આવી શકે?
૧૦ અન્યાયી લોકોને નિર્દોષ ઠરાવવા અદલ ઇન્સાફ કરતા ‘આખી પૃથ્વીના ન્યાયાધીશે’ શું કર્યું? (ઉત. ૧૮:૨૫) તેમણે પોતાના એકાકીજનિત દીકરાને પૃથ્વી પર મોકલ્યા. ઈસુએ ઈશ્વરની ઇચ્છા પૂરું કરી. એ માટે તેમણે અનેક લાલચો, સતાવણી અને નિંદા સહેવી પડી. વધસ્તંભ પર મરણ પામ્યા ત્યાં સુધી ઈશ્વરને વળગી રહ્યા. (હેબ્રી ૨:૧૦) પોતાનો જીવ આપીને મનુષ્યને આદમથી મળેલા પાપ અને મરણના પંજામાંથી આઝાદ થવાની તક પૂરી પાડી.—માથ. ૨૦:૨૮; રૂમી ૫:૬-૮.
૧૧. ઈસુએ ચૂકવેલી કિંમત શાના બરોબર છે?
૧૧ બાઇબલના બીજા એક પુસ્તકમાં પાઊલે ઈસુ વિષે કહ્યું, ‘સઘળાં માણસોના ઉદ્ધારને માટે જે ગુમાવ્યું હતું એની બરોબર કિંમત ચૂકવીને તેમણે પોતાનું જીવન અર્પી દીધું.’ (૧ તીમો. ૨:૬, NW) અહીં પાઊલે જ્યારે કહ્યું કે “જે ગુમાવ્યું હતું એની બરોબર કિંમત,” ત્યારે તે શું કહેવા માંગતા હતા? એ સમજવા ચાલો અમુક બાબતો વિચારીએ. આદમે તેના અબજો સંતાનોને પાપ અને મોતનો વારસો આપ્યો. એ ખરું છે કે જો ઈસુ એક પિતા બન્યા હોત, તો તેમના અબજો સંતાનો ખામી વગરના હોત.a એટલે અગાઉ સમજતા હતા કે આદમ અને તેના પાપી સંતાનોની બરોબરીમાં ઈસુ અને તેમના ખામી વગરના સંતાનો હોત. જોકે બાઇબલ એવું કંઈ કહેતું નથી કે ઈસુએ આપેલી કુરબાનીની કિંમતમાં તેમના જો સંતાનો થયા હોત તો તેઓનો પણ સમાવેશ થયો હોત. રૂમી ૫:૧૫-૧૯ સ્પષ્ટ રીતે જણાવે છે કે “એક માણસના” મોતથી મનુષ્યને ઉદ્ધાર મળશે. આ સાબિત કરે છે કે ઈસુનું ખામી વગરનું જીવન, આદમના ખામી વગરનાં જીવન બરોબર હતું. આ સમજણ આપણું ધ્યાન ફક્ત ઈસુ ખ્રિસ્ત તરફ દોરે છે. ઈસુના એક “ન્યાયી કૃત્યથી” સર્વ જાતિના લોકોને એક મફત ભેટ અને જીવન મેળવવાનો મોકો મળ્યો. આ ‘ન્યાયી કૃત્યʼમાં શું આવી જાય છે? ઈસુનું આખું જીવન જેમાં તેમણે યહોવાહનું કહેવું કર્યું અને મોત સુધી તેમને વળગી રહ્યા. (૨ કોરીં. ૫:૧૪, ૧૫; ૧ પીત. ૩:૧૮) તો પછી, ઈસુએ આપેલી કુરબાનીની કિંમતથી યહોવાહ કઈ રીતે આરોપીઓને નિર્દોષ ઠરાવે છે?
ઈસુની કુરબાનીને આધારે લોકોને નિર્દોષ ઠરાવવામાં આવે છે
૧૨, ૧૩. શા માટે યહોવાહે પ્રેરિતો અને બીજા ઈશ્વરભક્તોને ઈસુની કુરબાનીનો લાભ આપ્યો?
૧૨ યહોવાહે ઈસુએ આપેલી કુરબાનીની કિંમત સ્વીકારી. (હેબ્રી ૯:૨૪; ૧૦:૧૦, ૧૨) જોકે એના લીધે ઈસુના શિષ્યો અને પ્રેરિતોમાં જે ખામીઓ અને નબળાઈઓ હતી એ દૂર ના થઈ. ભલે તેઓએ બૂરા કામોથી દૂર રહેવા કોશિશ કરી, પણ કોઈ વાર નિષ્ફળ ગયા. શા માટે? કેમ કે હજુ તેઓમાં વારસામાં મળેલું પાપ હતું. (રૂમી ૭:૧૮-૨૦) તેઓની એ હાલત સુધારવા ઈશ્વરે કંઈક કર્યું. તેમણે ઈસુની કુરબાનીની ‘બરોબર કિંમત’ સ્વીકારી અને એમાંથી થતા લાભને પોતાના ભક્તો પર વરસાવ્યા.
૧૩ શા માટે યહોવાહે પ્રેરિતો અને બીજા ઈશ્વરભક્તોને ઈસુની કુરબાનીનો લાભ આપ્યો? કારણ કે સારા કામ કરીને તેઓ એ લાભ મેળવી શકતા ન હતા. એટલા માટે યહોવાહે ખૂબ દયા અને પ્રેમ બતાવીને તેઓને એ લાભ આપ્યો. તેઓને વારસામાં પાપ મળ્યું હતું, પણ યહોવાહે તેઓને નિર્દોષ ઠરાવ્યા. એ વિષે સ્પષ્ટ જણાવતા પાઊલે કહ્યું: “તમે કૃપાથી વિશ્વાસ દ્વારા તારણ પામેલા છો; અને એ તમારાથી નથી, એ તો દેવનું દાન છે.”—એફે. ૨:૮.
૧૪, ૧૫. જેઓને ન્યાયી ઠરાવવામાં આવ્યા તેઓને કયું ઇનામ મળવાનું હતું? એ મેળવવા તેઓએ શું કરવાની જરૂર હતી?
૧૪ દરેક વ્યક્તિ પાપી છે, એટલે જીવનમાં અનેક ભૂલો અને પાપ કરે છે. કોઈ પણ વ્યક્તિ યહોવાહનો ભક્ત બને એ પહેલાં તેણે કેટલાંય પાપ અને ભૂલો કર્યા હશે. તેમ છતાં પ્રેમાળ યહોવાહ, ઈસુએ આપેલી કુરબાનીના આધારે વ્યક્તિના પાપ માફ કરવા તૈયાર છે. કેટલી અમૂલ્ય ભેટ! પાઊલે લખ્યું: “ઘણા અપરાધોથી [ન્યાયી ઠરવાનું, NW] કૃપાદાન” મળ્યું. (રૂમી ૫:૧૬) જે પ્રેરિતો અને બીજા ઈશ્વરભક્તોને ન્યાયી ઠરવાનું દાન મળ્યું, તેઓએ પૂરી શ્રદ્ધાથી યહોવાહની ભક્તિ કરતા રહેવાની જરૂર હતી. એમ કરવાથી તેઓને કયું ઇનામ મળવાનું હતું? “જેઓ કૃપા તથા ન્યાયીપણાનું દાન પુષ્કળ પામે છે, તેઓ એકથી, એટલે ઈસુ ખ્રિસ્તથી, જીવનમાં રાજ કરશે.” આદમના અપરાધથી મરણ આવ્યું જ્યારે કે ન્યાયી ઠરવાના કૃપાદાનથી જીવન મળે છે.—રૂમી ૫:૧૭; લુક ૨૨:૨૮-૩૦ વાંચો.
૧૫ જેઓને ન્યાયી ઠરાવવામાં આવે છે, તેઓ સ્વર્ગમાં ઈશ્વરના દીકરા બને છે. ઈસુની સાથે વારસાના ભાગીદાર બને છે. એટલે તેઓ સજીવન થઈને ઈસુ સાથે સ્વર્ગમાં “રાજ કરશે.”—રૂમી ૮:૧૫-૧૭, ૨૩ વાંચો.
ઈશ્વર સર્વને પ્રેમ બતાવે છે
૧૬. જેઓને ઈશ્વર ન્યાયી ગણે છે તેઓને કેવો આશીર્વાદ મળશે?
૧૬ બીજા ઘણા એવા વફાદાર ઈશ્વરભક્તો છે, જેઓ ખ્રિસ્ત સાથે સ્વર્ગમાંથી “રાજ” કરવાની આશા રાખતા નથી. તેઓની આશા એવા અનેક બીજા ભક્તો જેવી છે, જેઓ ખ્રિસ્ત પહેલાં થઈ ગયા. બાઇબલ મુજબ, તેઓ સુંદર પૃથ્વી પર હંમેશાં સુખ-ચેનમાં જીવવાની આશા રાખે છે. શું તેઓ હમણાં પણ ઈશ્વરની નજરમાં ન્યાયી ગણાવાની ભેટ મેળવી શકે? પાઊલે રૂમી મંડળને જે લખ્યું એ મુજબ આપણે “હા” કહી શકીએ છીએ!
૧૭, ૧૮. (ક) ઈબ્રાહીમની શ્રદ્ધાને લીધે ઈશ્વરે તેમને કેવા ગણ્યા? (ખ) શાના આધારે યહોવાહે ઈબ્રાહીમને ન્યાયી ગણ્યા?
૧૭ ખ્રિસ્તે અમુક ભક્તોને સ્વર્ગમાં જીવવાનો માર્ગ ખોલ્યો એની સદીઓ પહેલાં ઈબ્રાહીમ થઈ ગયા. યહોવાહે ઈસ્રાએલી પ્રજાને મુસા દ્વારા નિયમો આપ્યા એના ઘણા વર્ષો પહેલાં તે જીવ્યા હતા. (હેબ્રી ૧૦:૧૯, ૨૦) ઈબ્રાહીમના દાખલા વિષે ચર્ચા કરતા પાઊલ કહે છે: ‘પૃથ્વીના વારસ થવાનું વચન ઈબ્રાહીમને કે તેના વંશજોને નિયમ દ્વારા મળ્યું ન હતું, પણ વિશ્વાસના ન્યાયીપણા દ્વારા મળ્યું હતું.’ (રૂમી ૪:૧૩; યાકૂ. ૨:૨૩, ૨૪) આ બતાવે છે કે ઈશ્વરે ઈબ્રાહીમને ન્યાયી ગણ્યા હતા.—રૂમી ૪:૨૦-૨૨ વાંચો.
૧૮ ઈબ્રાહીમમાં વારસામાં મળેલ પાપ હતું, છતાં કઈ રીતે તેમને ન્યાયી ગણવામાં આવ્યા? (રૂમી ૩:૧૦, ૨૩) યહોવાહ ડહાપણથી ભરપૂર છે, એટલે તેમણે ઈબ્રાહીમની ગાઢ શ્રદ્ધા અને સારા કામો ધ્યાનમાં લીધા. તેમના વંશમાં વચનનું “સંતાન” આવશે એમાં ઈબ્રાહીમે પૂરો વિશ્વાસ રાખ્યો. એ સંતાન મસીહ એટલે ખ્રિસ્ત હતા. (ઉત. ૧૫:૬; ૨૨:૧૫-૧૮) ‘ઈસુ ખ્રિસ્તે’ આપેલી “ઉદ્ધાર”ની કિંમતના આધારે ન્યાયાધીશ યહોવાહ, ઈશ્વરભક્તોના પાપ માફ કરી શક્યા. આ રીતે ખ્રિસ્ત પહેલાં થઈ ગયેલા ઈબ્રાહીમ જેવા ઈશ્વરભક્તોને પાપોની માફી મળે છે. ભાવિમાં એવા ઈશ્વરભક્તોને સજીવન કરવામાં આવશે.—રૂમી ૩:૨૪, ૨૫ વાંચો; ગીત. ૩૨:૧, ૨.
ઈશ્વરની નજરમાં ન્યાયી ગણાવાનો મોકો
૧૯. યહોવાહે ઈબ્રાહીમને જે રીતે ગણ્યા, એમાંથી આપણને કેમ ઉત્તેજન મળવું જોઈએ?
૧૯ ઊંડા પ્રેમના લીધે યહોવાહે ઈબ્રાહીમને ન્યાયી ગણ્યા. એમાંથી આપણને ઘણું ઉત્તેજન મળવું જોઈએ. ઈબ્રાહીમ જે રીતે ન્યાયી ઠર્યા અને જેઓને ઈશ્વરની શક્તિ દ્વારા ‘ખ્રિસ્તની સંઘાતે વારસદાર’ થવા ન્યાયી ઠરાવ્યા એ બંનેમાં ફરક છે. જોકે “પવિત્ર થવા સારૂ તેડાએલાં”ની સંખ્યા થોડી છે અને ઈશ્વર તેઓને “દીકરા” તરીકે સ્વીકારે છે. (રૂમી ૧:૧; ૮:૧૪, ૧૭, ૩૩) ભલે ઈબ્રાહીમ દીકરા તરીકે નથી ગણાતા, પણ તેમને ‘ઈશ્વરના મિત્ર’ તરીકે ગણવામાં આવ્યા. અરે, ઈસુની કુરબાની અગાઉ ઈબ્રાહીમને આ લહાવો મળ્યો હતો! (યાકૂ. ૨:૨૩; યશા. ૪૧:૮) તો પછી આપણામાંના જેઓ સુંદર પૃથ્વી પર હંમેશ માટે જીવવાની આશા રાખે છે તેઓ વિષે શું કહી શકાય?
૨૦. ઈબ્રાહીમની જેમ ઈશ્વરના મિત્ર બનવા આપણે શું કરવાની જરૂર છે?
૨૦ “ઈસુ ખ્રિસ્તથી જે ઉદ્ધાર છે, તેની મારફતે” અમુક ખાસ ભક્તોને સ્વર્ગમાં જીવવા માટે “ન્યાયીપણાનું [મફત, NW] દાન” મળ્યું છે. પણ પૃથ્વી પર જીવવાની આશા રાખનારા એ ભક્તોમાંના નથી. (રૂમી ૩:૨૪; ૫:૧૫, ૧૭) તેમ છતાં, તેઓ ઈશ્વરમાં પૂરી શ્રદ્ધા રાખે છે અને તેમની દરેક ગોઠવણની કદર કરે છે. સારા કામોથી તેઓ પોતાની શ્રદ્ધા સાબિત કરે છે. જેમ કે ‘ઈશ્વરના રાજ્ય વિષે ઉપદેશ કરવો અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિષેની વાતોનો બોધ કરવો.’ (પ્રે.કૃ. ૨૮:૩૧) ઈબ્રાહીમને જેવી રીતે ન્યાયી ગણવામાં આવ્યા, તેવી જ રીતે આ ભક્તોને પણ યહોવાહ ન્યાયી ગણે છે. આ ભક્તોને ઈશ્વર સાથે મિત્રતા બાંધવાની એક ભેટ મળી છે. પણ આ ભેટ, અભિષિક્ત ભક્તોને મળેલા ‘મફતના દાનʼથી અલગ છે. તોપણ, એ હજી એક ભેટ કે દાન છે જેના માટે આ ભક્તો દિલથી આભાર માને છે.
૨૧. યહોવાહના અદલ ઇન્સાફ અને પ્રેમના લીધે આપણને શું લાભ મળે છે?
૨૧ શું તમે પૃથ્વી પર હંમેશાં સુખ-ચેનમાં જીવવા ચાહો છો? જરૂર તમે એની આશા રાખતા હશો. પણ એ યાદ રાખો કે આ સુંદર મોકો કોઈ રાજનેતા તરફથી મળ્યો નથી. એ તો વિશ્વના મહારાજા યહોવાહના હેતુના લીધે મળ્યો છે. પોતાનો હેતુ પૂરો કરવા યહોવાહે અનેક પગલાં લીધાં છે. તેમણે એ પોતાના અદલ ઇન્સાફના આધારે લીધાં છે. એમાં આપણે તેમનો મહાન પ્રેમ જોઈ શકીએ છીએ. એટલે પાઊલ કહી શક્યા: “આપણે જ્યારે પાપી હતા ત્યારે ખ્રિસ્ત આપણે સારૂ મરણ પામ્યો, એમ કરવામાં દેવ આપણા પર પોતાનો પ્રેમ પ્રગટ કરે છે.”—રૂમી ૫:૮. (w11-E 06/15)
[ફુટનોટ]
a સંતાનો વિષેની જૂની સમજણ માટે આ જુઓ: ઇન્સાઈટ ઓન ધ સ્ક્રીપ્ચર્સ ગ્રંથ-૨, પાન ૭૩૬ ફકરા ૪, ૫ અને માર્ચ ૧૫, ૨૦૦૦નું ચોકીબુરજ પાન ૪ ફકરો ૪.
તમને યાદ છે?
• આદમના વંશજોને વારસામાં શું મળ્યું? એનું શું પરિણામ આવ્યું?
• ઉદ્ધાર માટે શું પૂરું પાડવામાં આવ્યું? એ શાને બરોબર હતું?
• ન્યાયી ગણાવાની ભેટથી તમને કયો મોકો મળ્યો છે?
[પાન ૨૧ પર ચિત્ર]
સંપૂર્ણ પુરુષ આદમે પાપ કર્યું. સંપૂર્ણ પુરુષ ઈસુએ પોતાનું જીવન અર્પીને એની ‘બરોબર કિંમત ચૂકવી’
[પાન ૨૩ પર ચિત્ર]
ઈસુ દ્વારા આપણને ન્યાયી ગણવામાં આવી શકે. શું એ સુવાર્તા નથી!