યહોવાહની કૃપા પામીએ, અમર જીવીએ
“તું ન્યાયીને આશીર્વાદ આપશે; હે યહોવાહ, જાણે ઢાલથી તેમ મહેરબાનીથી તું તેને ઘેરી લેશે.”—ગીત. ૫:૧૨.
૧, ૨. એલીયાહે સારફાથની વિધવાને શું વિનંતી કરી? એલીયાહે તેને શાની ખાતરી આપી?
સારફાથની વિધવા અને તેનો દીકરો ભૂખ્યા હતા, પ્રબોધક એલીયાહ પણ ભૂખ્યા હતા. એ વિધવા ખાવાનું બનાવવાની તૈયારી કરતી હતી. એવામાં એલીયાહે તેની પાસે પાણી અને રોટલી માંગી. તે તેમને પાણી આપવા રાજી હતી. પણ ખોરાકમાં તેની પાસે “માત્ર માટલીમાં એક મુઠ્ઠી મેંદો, ને કૂંડીમાં થોડું તેલ” હતું. તેથી તેણે પ્રબોધકને જણાવ્યું કે પોતાની પાસે પૂરતું ખાવાનું નથી.—૧ રાજા. ૧૭:૮-૧૨.
૨ તોપણ એલીયાહે તેને કહ્યું: ‘પહેલાં મારે માટે તેમાંથી એક નાની રોટલી કરીને મારી પાસે અહીં લઈ આવ, પછી તારે માટે તથા તારા દીકરાને માટે કરજે. કેમ કે ઈસ્રાએલનો ઈશ્વર યહોવાહ એમ કહે છે, માટલીમાંનો મેંદો થઈ રહેશે નહિ ને કૂંડીમાંનું તેલ ખૂટી જશે નહિ.’—૧ રાજા. ૧૭:૧૩, ૧૪.
૩. આપણી સામે કયો મહત્ત્વનો સવાલ છે?
૩ પ્રબોધકના કહેવા પ્રમાણે વિધવા કરશે કે નહિ એનાથી પણ વધારે મહત્ત્વનો સવાલ ઊભો થયો હતો. શું એ વિધવા પોતાને અને પોતાના દીકરાને બચાવવા યહોવાહ પર ભરોસો મૂકશે? કે પછી તેમની કૃપા પામવાને બદલે ભૂખ મિટાવવાનું પસંદ કરશે? એવો જ સવાલ આપણા માટે પણ છે. શું આપણે યહોવાહની કૃપા પામવા કે પછી પોતાની જરૂરિયાતો મેળવવા પ્રયત્ન કરીએ છીએ? ઈશ્વર પર શ્રદ્ધા રાખવા અને તેમની ભક્તિ કરવા આપણી પાસે અનેક કારણ છે. ઈશ્વરની કૃપા શોધવા અને મેળવવા અનેક પગલાં લેવાની જરૂર છે.
‘મહિમા અને ભક્તિ પામવાને તમે જ યોગ્ય છો’
૪. આપણે કેમ યહોવાહની જ ભક્તિ કરવી જોઈએ?
૪ મનુષ્યો પૂરા દિલથી યહોવાહની ભક્તિ કરે એવી માંગ કરવાનો તેમને હક્ક છે. સ્વર્ગદૂતો પણ એકરાગે એ જ કહે છે: ‘ઓ અમારા ઈશ્વર મહિમા, માન તથા સામર્થ્ય પામવાને તમે જ યોગ્ય છો; કેમ કે તમે સર્વેને ઉત્પન્ન કર્યાં, અને તમારી ઇચ્છાથી તેઓ હતાં, ને ઉત્પન્ન થયાં.’ (પ્રકટી. ૪:૧૧) યહોવાહ વિશ્વના સર્જનહાર હોવાથી આપણે તેમની જ ભક્તિ કરવી જોઈએ.
૫. ઈશ્વરનો પ્રેમ આપણને કેમ તેમની ભક્તિ કરવા પ્રેરે છે?
૫ યહોવાહની ભક્તિ કરવાનું બીજું એક કારણ પણ રહેલું છે. એ છે તેમનો આપણા માટેનો પ્રેમ. એની તોલે બીજું કંઈ ન આવી શકે. બાઇબલ જણાવે છે: ‘ઈશ્વરે પોતાના સ્વરૂપ પ્રમાણે માણસને ઉત્પન્ન કર્યું, ઈશ્વરના સ્વરૂપ પ્રમાણે તેણે તેને ઉત્પન્ન કર્યું; તેણે તેઓને નરનારી ઉત્પન્ન કર્યાં.’ (ઉત. ૧:૨૭) યહોવાહે માણસને ખરાં નિર્ણય લેવાની ક્ષમતા આપી છે. તેમ જ તેમની ભક્તિ કરવી કે નહિ એ પણ પસંદ કરવાનો હક્ક આપ્યો છે. યહોવાહે આપણને જીવન આપ્યું હોવાથી તે આપણા પિતા છે. (લુક ૩:૩૮) જેમ સારા પિતા બાળકોની બધી જરૂરિયાતો પૂરી કરે છે, તેમ આપણે સુખેથી જીવીએ એ માટે ઈશ્વરે બધું પૂરું પાડ્યું છે. ‘તે સૂરજને ઉગાવે છે’ અને “વરસાદ વરસાવે છે.” જેથી પૃથ્વી પર સુંદર વાતાવરણ રહે અને ભરપૂર અનાજ પાકે.—માથ. ૫:૪૫.
૬, ૭. (ક) આદમે મનુષ્યોને શેમાં ધકેલી દીધા? (ખ) જેઓ ઈશ્વરની કૃપા પામવા ચાહે છે તેઓ માટે ઈસુની ખંડણી કયા આશીર્વાદો લાવશે?
૬ યહોવાહે આપણને પાપની ગંભીર અસરોમાંથી પણ બચાવ્યા છે. જેમ એક જુગારી પોતાના સ્વાર્થ ખાતર ઘરમાંથી ચોરી કરે છે. એવી જ રીતે આદમે સ્વાર્થી બનીને પાપ કર્યું. આમ આદમે યહોવાહ સામે બંડ પોકારીને પોતાના બાળકોનું હંમેશ માટેનું સુખ છીનવી લીધું. પોતાના સ્વાર્થને ખાતર તેણે મનુષ્યોને અપૂર્ણતાની ગુલામીમાં ધકેલી દીધા. તેથી જ બધા માણસો બીમાર પડે છે, દુઃખી થાય છે અને છેવટે મરણ પામે છે. એ ગુલામીમાંથી છૂટવા ખંડણીની જરૂર ઊભી થઈ. યહોવાહે એ ખંડણી ચૂકવી, જેથી આપણે એ ખતરનાક ગુલામીમાંથી છૂટી શકીએ. (રૂમી ૫:૨૧ વાંચો.) ઈશ્વરની ઇચ્છા મુજબ ઈસુએ ‘ઘણા લોકની ખંડણીને માટે પોતાનો જીવ’ આપ્યો. (માથ. ૨૦:૨૮) જેઓ પર ઈશ્વરની કૃપા છે તેઓ બહુ જ જલદી એ ખંડણીથી આવતા આશીર્વાદો પામશે.
૭ આપણી ખુશી માટે યહોવાહે જે કર્યું છે એવું કોઈ જ કરી ન શકે. જો આપણે તેમની કૃપા મેળવીશું, તો જોઈ શકીશું કે તે કઈ રીતે દુઃખ-તકલીફો દૂર કરશે. જેઓ તેમને ‘ખંતથી શોધે છે તેઓને તે ફળ આપશે’ એવું આપણે દરેક અનુભવીશું.—હેબ્રી ૧૧:૬.
‘તમારા લોકો ખુશીથી તમારી સેવા કરશે’
૮. ઈશ્વરની ભક્તિ વિષે યશાયાહનું ઉદાહરણ આપણને શું શીખવે છે?
૮ ઈશ્વરની કૃપા મેળવવા આપણે રાજીખુશીથી તેમની ભક્તિ કરવી જોઈએ. એમ કરવા યહોવાહ કોઈને જબરદસ્તી કરતા નથી. યશાયાહના સમયમાં તેમણે પૂછ્યું કે ‘હું કોને મોકલું? અમારે માટે કોણ જશે?’ એ બતાવે છે કે તેમણે ઈશ્વરભક્તને પસંદગી કરવા દઈને માન આપ્યું. યશાયાહે કહ્યું કે “હું આ રહ્યો; મને મોકલ.” એ શબ્દોમાં રહેલા તેમના આનંદની કલ્પના કરો!—યશા. ૬:૮.
૯, ૧૦. (ક) આપણે કેવા વલણથી યહોવાહને ભજવું જોઈએ? (ખ) પૂરા ‘હૃદયથી’ આપણે યહોવાહની ભક્તિ કરીએ એ કેમ જરૂરી છે?
૯ દરેક માણસે પોતે પસંદ કરવાનું છે કે યહોવાહની ભક્તિ કરવી કે નહિ. યહોવાહ ઇચ્છે છે કે આપણે રાજીખુશીથી તેમની ભક્તિ કરીએ. (યહોશુઆ ૨૪:૧૫ વાંચો.) જેઓ કચવાતા મને કે દેખાડો કરવા ભક્તિ કરતા હોય, તેઓથી ઈશ્વર ખુશ થતા નથી. (કોલો. ૩:૨૨) જો આપણામાં દુન્યવી વલણ હશે, તો આપણે પૂરા ‘હૃદયથી’ ભક્તિ નહિ કરીએ અને એથી ઈશ્વરની કૃપા મળશે નહિ. (નિર્ગ. ૨૨:૨૯) યહોવાહ જાણે છે કે રાજીખુશીથી તેમની સેવા કરવામાં આપણું જ ભલું છે. તેથી મુસાએ ઈસ્રાએલીઓને જીવન પસંદ કરવા વિનંતી કરી કે ‘યહોવાહ તારા ઈશ્વર પર પ્રીતિ રાખ, તેની વાણી સાંભળ, ને તેને વળગી રહે.’—પુન. ૩૦:૧૯, ૨૦.
૧૦ ઈસ્રાએલના રાજા દાઊદે યહોવાહની ભક્તિમાં ગાયું: “તારી સત્તાના સમયમાં તારા લોક ખુશીથી અર્પણ થાય છે [સેવા કરશે]; પવિત્ર વસ્ત્ર પહેરીને, અને મળસકાના ગર્ભસ્થાનમાંથી નીકળીને તું આવે છે, તારી પાસે તારી યુવાવસ્થાનો ઓસ છે.” (ગીત. ૧૧૦:૩) આજે ઘણા લોકો માટે પૈસા કમાવા અને મોજશોખ કરવો એ જ જીવન છે. પણ જેઓ યહોવાહને પ્રેમ કરે છે તેઓ માટે ઈશ્વરની ભક્તિ સૌથી પહેલાં આવે છે. તેઓ ઈશ્વરનો સંદેશો ઉત્સાહથી ફેલાવીને બતાવે છે કે પોતાના જીવનમાં એ જ મહત્ત્વનું છે. તેઓને યહોવાહમાં પૂરો ભરોસો છે કે જીવન જરૂરિયાતો તે જ પૂરી પાડશે.—માથ. ૬:૩૩, ૩૪.
ઈશ્વરની કૃપા પામીએ એવા અર્પણો
૧૧. યહોવાહને બલિદાનો ચઢાવીને ઈસ્રાએલીઓ શાની આશા રાખતા?
૧૧ યહોવાહે ઈસ્રાએલીઓને નિયમ કરાર આપ્યો હતો. એ મુજબ તેઓ ઈશ્વરની કૃપા મેળવવા માન્ય બલિદાનો આપતા. લેવીય ૧૯:૫ જણાવે છે: “તમે યહોવાહની આગળ શાંત્યર્પણોનો યજ્ઞ ચઢાવો, ત્યારે એવી રીતે તે ચઢાવવો કે તમે તેની આગળ માન્ય થાઓ.” લેવીયનું પુસ્તક આગળ બતાવે છે, “તમે ઉપકારાર્થાર્પણનો યજ્ઞ યહોવાહને ચઢાવો, ત્યારે તે એવી રીતે ચઢાવો કે તમે માન્ય થાઓ.” (લેવી. ૨૨:૨૯) જ્યારે ઈસ્રાએલીઓ વેદી પર માન્ય બલિદાન ચઢાવતા ત્યારે, એનો ધૂપ ઈશ્વર માટે “સુવાસિત” હતો. (લેવી. ૧:૯, ૧૩) તેઓએ રાજીખુશીથી ચઢાવેલા અર્પણોને તેમણે માન્ય કર્યા. (ઉત. ૮:૨૧) એ નિયમોમાંથી સિદ્ધાંત મળે છે જે આજે પણ લાગુ પડે છે. જેઓ માન્ય બલિદાન ચઢાવતા તેઓને યહોવાહ કૃપા બતાવતા. આજે તે કેવી ભક્તિ ચાહે છે? એ વિષે જીવનના બે પાસાનો વિચાર કરીએ. જેમ કે આપણા વાણી અને વર્તન.
૧૨. શું કરવાથી ‘શરીરનું અર્પણ’ ઈશ્વરની નજરે ધિક્કારપાત્ર ગણાશે?
૧૨ પ્રેરિત પાઊલે રૂમી મંડળને પત્રમાં આમ લખ્યું: ‘તમે તમારાં શરીરોનું જીવતું, પવિત્ર તથા ઈશ્વરને પસંદ પડે એવું અર્પણ કરો; એ તમારી બુદ્ધિપૂર્વક સેવા છે.’ (રૂમી ૧૨:૧) ઈશ્વરની કૃપા પામવા વ્યક્તિએ પોતાનું શરીર ચોખ્ખું રાખવું જોઈએ. જો વ્યક્તિ પોતાના શરીરને તમાકુ, સોપારી, ડ્રગ્સ અને વધુ પડતો દારૂ પીવા જેવી બાબતોથી ભ્રષ્ટ કરશે, તો તેની ભક્તિ ઈશ્વરની નજરે નકામી છે. (૨ કોરીં. ૭:૧) એ ઉપરાંત, “વ્યભિચારી પોતાના શરીરની વિરૂદ્ધ પાપ કરે છે.” એટલે એવા કોઈ પણ કામો કરનારની ભક્તિ યહોવાહ ધિક્કારે છે. (૧ કોરીં. ૬:૧૮) યહોવાહની કૃપા પામવા વ્યક્તિના ‘સર્વ આચરણ પવિત્ર’ હોવા જોઈએ.—૧ પીત. ૧:૧૪-૧૬.
૧૩. આપણે યહોવાહના ગુણગાન કેમ ગાવા જોઈએ?
૧૩ યહોવાહની ભક્તિમાં બીજું શું મહત્ત્વનું છે? એ છે આપણી વાણી. જેઓને યહોવાહ માટે પ્રેમ છે તેઓ હંમેશાં જાહેરમાં અને પોતાના ઘરમાં તેમના ગુણગાન ગાય છે. (ગીતશાસ્ત્ર ૩૪:૧-૩ વાંચો.) ગીતશાસ્ત્ર ૧૪૮–૧૫૦ વાંચો અને જુઓ કે એમાં યહોવાહના ગુણગાન ગાવા કેટલું ઉત્તેજન આપ્યું છે. તેથી ‘નેક જનો સ્તુતિ કરે તે ઘટિત છે.’ (ગીત. ૩૩:૧) ઈશ્વરનો સંદેશો જણાવવા વિષે ઈસુએ સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું. એનાથી તેમણે યહોવાહને મહિમા આપ્યો.—લુક ૪:૧૮, ૪૩, ૪૪.
૧૪, ૧૫. હોશીઆએ ઈસ્રાએલીઓને કેવા અર્પણો ચઢાવવા વિનંતી કરી અને યહોવાહે શું કહ્યું?
૧૪ આપણે યહોવાહની કૃપા પામવા ઉત્સાહથી તેમનો સંદેશો ફેલાવીએ છીએ. એ બતાવે છે કે તેમની ભક્તિ માટે આપણને કેટલો પ્રેમ છે. ચાલો ઈશ્વરભક્ત હોશીઆ વિષે વિચારીએ. ઈસ્રાએલીઓ મૂર્તિપૂજા કરતાં હોવાથી તેઓ યહોવાહની કૃપા ગુમાવી બેઠા. તેથી હોશીઆએ તેઓને પાછા ફરવાની વિનંતી કરી. (હોશી. ૧૩:૧-૩) તેમણે લોકોને કહ્યું કે યહોવાહને આમ વિનંતી કરો: ‘અમારા સર્વ પાપ નિવારણ કર, અને જે સારું છે એનો અંગીકાર કર; એમ અમે આખલાના અર્પણની જેમ અમારા હોઠોનું અર્પણ ચઢાવીશું.’—હોશી. ૧૪:૧, ૨.
૧૫ ઈસ્રાએલીઓના જમાનામાં આખલાનું બલિદાન સૌથી ઉત્તમ ગણાતું. આજે ‘આખલાના અર્પણની જેમ આપણા હોઠોનું અર્પણ’ શું બતાવે છે? એ જ કે યહોવાહની ભક્તિમાં જે કંઈ કહીએ તે દિલથી અને સમજી-વિચારીને હોય. જેઓ એવી ભક્તિ કરે છે તેઓ વિષે યહોવાહે કહ્યું: ‘હું ઉદારતાથી તેમના પર પ્રીતિ રાખીશ.’ (હોશી. ૧૪:૪) જેઓ યહોવાહની દિલથી ભક્તિ કરે તેઓનાં તે પાપ માફ કરશે, કૃપા બતાવશે અને તેઓ સાથે મિત્રતા બાંધશે.
૧૬, ૧૭. યહોવાહમાં શ્રદ્ધા હોવાને લીધે વ્યક્તિ સંદેશો ફેલાવવા માંડે છે ત્યારે યહોવાહને કેવું લાગે છે?
૧૬ બધાની આગળ યહોવાહના ગુણગાન ગાવા એ હંમેશા તેમની ભક્તિનો મહત્ત્વનો ભાગ છે. ગીતકર્તા માટે યહોવાહના ગુણગાન ગાવા ઘણું અગત્યનું હતું. તેથી તેમણે કહ્યું: “હે યહોવાહ, મારા મુખનાં રાજીખુશીથી આપેલાં અર્પણ સ્વીકાર.” (ગીત. ૧૧૯:૧૦૮) આજે આપણા સમય વિષે શું? આપણા સમયમાં પણ ઘણા લોકો યહોવાહના ગુણગાન ગાશે. એ વિષે યશાયાહ પ્રબોધકે આમ લખ્યું: ‘યહોવાહનાં સ્તોત્ર જાહેર કરશે, તેઓ માન્ય થઈ તેમની વેદી પર ચઢશે.’ (યશા. ૬૦:૬, ૭) આજે એ વચનો પૂરા થઈ રહ્યાં છે. લાખો લોકો ‘ઈશ્વરને સ્તુતિરૂપ યજ્ઞ, એટલે તેનું નામ કબૂલ કરનારા હોઠોના ફળનું અર્પણ’ કરે છે.—હેબ્રી ૧૩:૧૫.
૧૭ તમારા વિષે શું? શું તમે ઈશ્વરને માન્ય હોય એવી ભક્તિ કરો છો? જો એમ ન કરતા હોવ, તો શું તમે એ માટે પગલાં ભર્યા છે? શું તમે બધાની આગળ યહોવાહના ગુણગાન ગાઓ છો? તમારી શ્રદ્ધાને લીધે ઈશ્વરનો સંદેશો ફેલાવવાનું શરૂ કરશો ત્યારે, તમારી ભક્તિ “યહોવાહને પસંદ પડશે.” એ યહોવાહ માટે આખલાના અર્પણ કરતાં પણ વધારે ચઢિયાતી છે. (ગીતશાસ્ત્ર ૬૯:૩૦, ૩૧ વાંચો.) આપણે પૂરી ખાતરી રાખવી જોઈએ કે આપણી ભક્તિ અર્પણના ‘સુવાસની’ જેમ યહોવાહ માન્ય કરશે. અને આપણે તેમની કૃપા પામીશું. (હઝકી. ૨૦:૪૦-૪૨) એનાથી મળતા આનંદ જેવું બીજું કંઈ જ નથી.
‘યહોવાહ ન્યાયીઓને આશીર્વાદ આપશે’
૧૮, ૧૯. (ક) યહોવાહની ભક્તિ વિષે આજે લોકોને કેવું લાગે છે? (ખ) ઈશ્વરની કૃપા ગુમાવવાથી શું પરિણામ આવશે?
૧૮ આજે ઘણા લોકો માલાખીના સમય જેવું જ માને છે: ‘ઈશ્વરની સેવા કરવી એ નકામી છે; અમે તેના વિધિઓ પાળ્યા છે, તેથી શો લાભ થયો?’ (માલા. ૩:૧૪) તેઓને મન માલમિલકત સૌથી મહત્ત્વની છે. તેથી તેઓને લાગે છે કે યહોવાહ કદી પોતાનો હેતુ પૂરો કરી શકતા નથી. તેમના નિયમો આજે લાગુ નથી પડતા. તેઓ વિચારે છે કે સંદેશો ફેલાવવો એ કંટાળાજનક છે અને સમયની બરબાદી છે.
૧૯ આવા વિચારોની શરૂઆત એદન બાગથી થઈ. હવા પાસે સુંદર જીવન હતું અને ઈશ્વરની કૃપા હતી. શેતાને તેને એની કદર ન કરવા લલચાવી. આજે પણ શેતાન લોકોને લલચાવી રહ્યો છે કે ઈશ્વરની મરજી મુજબ જીવવાથી કંઈ મળવાનું નથી. આદમ અને હવાને હકીકત સમજાઈ કે ઈશ્વરની કૃપા ગુમાવવી એટલે મરણ. આજે જે કોઈ તેઓના પગલે ચાલે છે તેઓને પણ બહુ જલદી એ કડવું સત્ય સમજાશે.—ઉત. ૩:૧-૭, ૧૭-૧૯.
૨૦, ૨૧. (ક) સારફાથની વિધવાએ શું કર્યું અને એનું શું પરિણામ આવ્યું? (ખ) આપણે કેમ અને કઈ રીતે સારફાથની વિધવા જેવું વલણ કેળવી શકીએ?
૨૦ આદમ અને હવાની જેમ સારફાથની વિધવાએ નિર્ણય ન લીધો. એલીયાહના ઉત્તેજન આપતા શબ્દોથી પ્રેરાઈને તેણે રોટલી બનાવી અને પહેલાં ઈશ્વરભક્તને ખાવા આપી. પછી યહોવાહે પોતાનું વચન નિભાવ્યું. બાઇબલ આગળ જણાવે છે: ‘વિધવાએ, તેના દીકરાએ અને અલીયાહે ઘણા દિવસો સુધી ખાધું. યહોવાહ પોતાનું જે વચન એલીયાહ મારફતે બોલ્યા હતા તે પ્રમાણે માટલીમાંનો મેંદો થઈ રહ્યો નહિ, ને કુંડીમાંનું તેલ ખૂટી ગયું નહિ.’—૧ રાજા. ૧૭:૧૫, ૧૬.
૨૧ સારફાથની વિધવાએ જે કર્યું એવું આજે બહુ ઓછા લોકો કરવા માંગે છે. તે વિધવાએ ઈશ્વર પર પૂરા દિલથી શ્રદ્ધા મૂકી અને યહોવાહે તેને મદદ કરી. આ અને બાઇબલના બીજા બનાવોમાંથી જોવા મળે છે કે યહોવાહ જ ભરોસાને યોગ્ય છે. (યહોશુઆ ૨૧:૪૩-૪૫; ૨૩:૧૪ વાંચો.) આજે યહોવાહના ભક્તોનું જીવન સાબિતી આપે છે કે ઈશ્વરની કૃપા છે તેઓને તે કદી તજી દેશે નહિ.—ગીત. ૩૪:૬, ૭, ૧૭-૧૯.a
૨૨. વિલંબ કર્યાં વગર ઈશ્વરની કૃપા પામવા પ્રયત્ન કરવો કેમ અગત્યનું છે?
૨૨ યહોવાહના ન્યાયનો “દિવસ આખી પૃથ્વી ઉપરના સર્વ વસનારા પર” બહુ ઝડપથી આવી રહ્યો છે. (લુક ૨૧:૩૪, ૩૫) એમાંથી છટકી શકાશે નહિ. ઈશ્વરે પસંદ કરેલા ન્યાયાધીશ ઈસુએ જે કહ્યું એની તોલે પૈસો કે માલમિલકત કદી આવી નહિ શકે: ‘મારા પિતાના આશીર્વાદિતો આવો, તમારે માટે જે તૈયાર કરેલું છે તેનો વારસો લો.’ (માથ. ૨૫:૩૪) હા, યહોવાહ પોતે ‘ન્યાયીઓને આશીર્વાદ આપશે; તે જાણે ઢાલની જેમ મહેરબાનીથી તેઓને ઘેરી લેશે.’ (ગીત. ૫:૧૨) શું આપણે ઈશ્વરની કૃપા મેળવવા પ્રયત્ન ન કરવો જોઈએ? (w11-E 02/15)
[ફુટનોટ્]
a માર્ચ ૧૫, ૨૦૦૫ ચોકીબુરજના પાન ૧૩, ફકરો ૧૫ અને ઑગસ્ટ ૧, ૧૯૯૭ ચોકીબુરજના પાન ૨૦-૨૫ જુઓ.
આપણે શું શીખ્યા?
• આપણી પૂરા દિલની ભક્તિ કેમ યહોવાહને જ મળવી જોઈએ?
• આજે યહોવાહ કેવી ભક્તિ સ્વીકારે છે?
• ‘આખલાના અર્પણની જેમ આપણા હોઠોનું અર્પણ’ શું બતાવે છે? એ કેમ યહોવાહને જ આપવું જોઈએ?
• ઈશ્વરની કૃપા પામવા આપણે કેમ પ્રયત્ન કરવો જોઈએ?
[પાન ૧૭ પર ચિત્ર]
એક માતાની આગળ ઈશ્વરભક્તે કેવી પસંદગી મૂકી?
[પાન ૧૯ પર ચિત્ર]
યહોવાહની ભક્તિમાં ‘હોઠોના અર્પણથી’ કેવા આશીર્વાદો મળે છે?
[પાન ૨૦ પર ચિત્ર]
યહોવાહમાં પૂરી શ્રદ્ધા હશે તો કદી નિરાશ નહિ થઈએ