‘ઈશ્વરની શક્તિથી ઉત્સાહી થઈએ’
‘ઉદ્યોગમાં આળસુ ન થાઓ. ઈશ્વરની શક્તિથી ઉત્સાહી થાઓ. પ્રભુની સેવા કરો.’—રૂમી ૧૨:૧૧.
૧. ઈસ્રાએલીઓ શા માટે યહોવાહને અર્પણ ચઢાવતા હતા?
વર્ષોથી ઘણા ઈશ્વરભક્તો, યહોવાહને દિલથી પ્રેમ કરે છે. તેમના માર્ગદર્શન પ્રમાણે ચાલવા જીવનમાં ઘણું જતું કર્યું છે. એની યહોવાહ ઘણી કદર કરે છે. જૂના જમાનામાં ઈસ્રાએલીઓ યહોવાહને પ્રાણીઓ કે બીજી વસ્તુઓનું અર્પણ ચઢાવતા હતા. મુસાને આપેલા નિયમો પ્રમાણે, તેઓ પાપોની માફી મેળવવા અને યહોવાહનો આભાર માનવા અર્પણ ચઢાવતા હતા. આજે યહોવાહ ઇચ્છતા નથી કે આપણે પ્રાણીઓનાં અર્પણ ચઢાવીએ. પણ તે આપણી પાસેથી બીજા કશાની આશા રાખે છે. એ જાણવા આપણે રૂમીનો ૧૨મો અધ્યાય જોઈએ, જે પાઊલે રોમના ખ્રિસ્તીઓને લખ્યો હતો.
‘શરીરોનું જીવતું અર્પણ કરો’
૨. પાઊલે સમજાવ્યું તેમ આપણે જીવનમાં શું કરવું જોઈએ? શું કરતા રહેવાની જરૂર છે?
૨ રૂમી ૧૨:૧, ૨ વાંચો. યહુદી અને બીજી જાતિઓમાંથી બનેલા અભિષિક્ત ખ્રિસ્તીઓને પાઊલે પત્ર લખ્યો હતો. પત્રની શરૂઆતમાં જણાવ્યું કે વ્યક્તિ પોતાનાં કાર્યોથી નહીં, પણ ઈશ્વરમાં વિશ્વાસ રાખવાથી ન્યાયી ગણાશે. (રૂમી ૧:૧૬; ૩:૨૦-૨૪) બારમા અધ્યાયમાં પાઊલે સમજાવ્યું કે યહોવાહ માટે કદર બતાવવા આપણે જીવનમાં ઘણું જતું કરવું જોઈએ. એમ કરવું સહેલું નથી, કેમ કે આપણને વારસામાં ‘પાપ અને મરણ’ મળ્યા છે. (રૂમી ૮:૨) તેથી આપણે પોતાના ‘વલણમાં અને વિચારોમાં’ ફેરફારો કરતા રહેવાની જરૂર છે. (એફે. ૪:૨૩, IBSI) જીવનમાં આવા મોટા ફેરફારો કરવા, આપણને ઈશ્વરની મદદ અને શક્તિની જરૂર છે. સાથે સાથે આપણે ઘણી મહેનત કરવાની જરૂર છે. તેમ જ “બુદ્ધિપૂર્વક” એટલે કે સમજી-વિચારીને ફેરફારો કરવાની જરૂર છે. આમ કરીશું તો ‘જગતનું રૂપ નહિ ધરીએ.’ કેમ કે, જગતમાં લોકોના સંસ્કાર સારા નથી. લોકોના વિચારો અને મોજશોખ પણ ખરાબ છે.—એફે. ૨:૧-૩.
૩. યહોવાહ માટે આપણે શું કરીએ છીએ? અને શા માટે?
૩ પાઊલ આપણને ‘બુદ્ધિ’ એટલે કે સમજશક્તિ વાપરવા ઉત્તેજન આપે છે. એનાથી આપણે ‘ઈશ્વરની સારી તથા માન્ય તથા સંપૂર્ણ ઇચ્છા શી છે, તે પારખીએ છીએ.’ એટલે આપણે દરરોજ બાઇબલ વાંચીને મનન કરીએ છીએ. પ્રાર્થના કરીએ છીએ. મિટિંગોમાં જઈએ છીએ. ઈશ્વરનો સંદેશો ફેલાવીએ છીએ. ખરું કે વડીલો આપણને અમુક સલાહ-સૂચનો આપે છે. પણ તેઓ કહે છે એટલે નહિ, આપણે તો એ બધું યહોવાહ માટેના પ્રેમને લીધે કરીએ છીએ. એ બધી બાબતો કરતા રહેવા યહોવાહ આપણને શક્તિ આપે છે. એનાથી ખાતરી થાય છે કે આપણે ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કરીએ છીએ. (ઝખા. ૪:૬; એફે. ૫:૧૦) સાચા ખ્રિસ્તી તરીકે આપણે ઈશ્વરને પસંદ પડે એવું જીવન જીવીએ છીએ ત્યારે આનંદ અને સંતોષ મળે છે.
“જુદાં જુદાં વરદાન”
૪, ૫. ઈશ્વરે આપેલાં વરદાનો વડીલો કેવી રીતે વાપરવા જોઈએ?
૪ રૂમી ૧૨:૬-૮, ૧૧ વાંચો. પાઊલ સમજાવે છે કે “આપણને જે કૃપાદાન આપવામાં આવ્યું છે, તે પ્રમાણે આપણને જુદાં જુદાં વરદાન મળ્યાં છે.” પાઊલ આગળ જણાવે છે કે અમુકને ઉપદેશ કરવાનું અને અમુકને અધિકાર ચલાવવાનું વરદાન મળ્યું છે. મંડળના વડીલોને આ વરદાન મળ્યું છે. વડીલોએ આ જવાબદારી “ખંતથી” ઉઠાવવી જોઈએ.
૫ પાઊલે એમ પણ કહ્યું કે વડીલોએ શિક્ષકો તરીકેનું અને ‘સેવાનું કામ’ “ખંતથી” કરવું જોઈએ. જો આગળ-પાછળની કલમ જોઈએ, તો પાઊલ ‘એક શરીરની’ વાત કરે છે. એ શરીરને ખ્રિસ્તી મંડળ સાથે સરખાવવામાં આવ્યું છે. એટલે કહી શકાય કે ‘સેવાનું કામ’ ખ્રિસ્તી મંડળમાં થાય છે. (રૂમી ૧૨:૪, ૫) આ ‘સેવાનું કામ’ પ્રેરિતોનાં કૃત્યો ૬:૪માં જણાવેલા કામ જેવું જ છે. એ કલમમાં શિષ્યોએ જણાવ્યું: “અમે તો પ્રાર્થનામાં તથા પ્રભુની વાતની સેવામાં લાગુ રહીશું.” આજે વડીલો આ ‘સેવાનું કામ’ કેવી રીતે કરે છે? ઈશ્વરે આપેલાં વરદાનો વાપરીને વડીલો ભાઈ-બહેનોને ઉત્તેજન આપે છે. એમ કરવા તેઓ ભાઈ-બહેનોને મળે છે. પ્રાર્થનાપૂર્વક બાઇબલમાંથી પર્સનલ સ્ટડી કરે છે. તેમ જ, મંડળને બાઇબલમાંથી શીખવે છે અને માર્ગદર્શન આપે છે. આ બધું કરીને વડીલો ‘સેવામાં તત્પર રહે’ છે. વડીલોએ આ બધી જવાબદારી “ઉમંગથી” ઉપાડવી જોઈએ.—રૂમી ૧૨:૭, ૮; ૧ પીત. ૫:૧-૩.
૬. રૂમી ૧૨:૧૧માં આપેલી સલાહ કેવી રીતે પાળી શકીએ?
૬ રૂમી ૧૨:૧૧માં પાઊલ જણાવે છે: “ઉદ્યોગમાં આળસુ ન થાઓ; આત્મામાં [ઈશ્વરની શક્તિમાં] ઉત્સાહી થાઓ; પ્રભુની સેવા કરો.” જો સેવાકાર્યમાં આપણો ઉત્સાહ ઠંડો પડવા લાગ્યો હોય તો શું કરી શકીએ? પહેલા આપણે તપાસવું જોઈએ કે પર્સનલ બાઇબલ સ્ટડી નિયમિત કરીએ છીએ કે નહિ. બીજું, યહોવાહ પાસે શક્તિ માંગવા પૂરા દિલથી પ્રાર્થના કરતા રહીએ. આમ કરીશું તો આપણને ફરીથી ઉત્સાહી બનવા મદદ મળશે. (લુક ૧૧:૯, ૧૩; પ્રકટી. ૨:૪; ૩:૧૪, ૧૫, ૧૯) પહેલી સદીના ખ્રિસ્તીઓએ ઈશ્વરની શક્તિથી ‘તેમના મોટાં કામો વિષે બીજાઓને’ જણાવ્યું. (પ્રે.કૃ. ૨:૪, ૧૧) એવી જ રીતે, આપણે ‘ઈશ્વરની શક્તિથી ઉત્સાહી’ બનીને સેવાકાર્ય કરીશું.
નમ્રતા કેળવીએ
૭. શા માટે આપણે નમ્ર રહેવું જોઈએ?
૭ રૂમી ૧૨:૩, ૧૬ વાંચો. આપણને ઈશ્વરની ‘કૃપાથી’ વરદાનો મળ્યાં છે. પાઊલ જણાવે છે: ‘આપણે જે કરીએ છીએ તે કરવાને ઈશ્વર શક્તિ આપે છે.’ (૨ કરિંથી. ૩:૫, ઈઝી ટુ રીડ વર્ઝન) તેથી, મંડળમાં જે કંઈ કરીએ, એનો જશ આપણે ન લેવો જોઈએ. આપણને જે લહાવો મળ્યો છે એ પોતાની આવડતથી નહિ, પણ ઈશ્વરના આશીર્વાદથી મળ્યો છે. (૧ કોરીં. ૩:૬, ૭) પાઊલે જણાવ્યું: “તમારામાંના દરેક જણને કહું છું, કે પોતાને જેવો ગણવો જોઈએ, તે કરતાં વિશેષ ન ગણવો.” એટલે આપણે નમ્ર રહેવું જોઈએ. પણ એનો અર્થ એ નથી કે સેવાકાર્યમાં આત્મવિશ્વાસ, સંતોષ અને આનંદ ગુમાવી દઈએ. આપણે ‘નમ્ર’ અને મર્યાદામાં રહીશું તો, પોતાના વિચારો બીજાઓ પર થોપી નહિ બેસાડીએ.
૮. આપણે કેમ ‘પોતાને બુદ્ધિમાન ન’ ગણવા જોઈએ?
૮ ઈશ્વરની ભક્તિમાં કોઈ કામ પૂરું કરવાનો જશ પોતાને આપીશું તો મૂર્ખતા કહેવાશે. એ કામ પૂરું કરનાર કે ‘વૃદ્ધિ આપનાર ઈશ્વર છે.’ (૧ કોરીં. ૩:૭) પાઊલે જણાવ્યું કે ઈશ્વરે મંડળમાં “દરેકને વિશ્વાસનું માપ વહેંચી આપ્યું છે.” એ કારણે મંડળમાં બધા નાનું-મોટું જે કંઈ કરે, એ વિશ્વાસથી કરે છે. તેથી આપણે પોતાને બીજાઓ કરતાં, મહાન ગણવા ન જોઈએ. પાઊલ આગળ જણાવે છે: “એકબીજા સાથે હળીમળીને રહો.” (રોમન ૧૨:૧૬, IBSI) બીજા એક પત્રમાં પાઊલ જણાવે છે: ‘પક્ષાપક્ષીથી કે અભિમાનથી કંઈ ન કરો, દરેકે નમ્ર ભાવથી પોતાના કરતાં બીજાઓને ઉત્તમ ગણવા.’ (ફિલિ. ૨:૩) બીજાઓ કોઈ ને કોઈ બાબતમાં આપણાથી ઉત્તમ છે. એટલે નમ્ર હોઈશું તો, ‘પોતાને જ બુદ્ધિમાન નહીં સમજીએ.’ એવું નહિ વિચારીએ કે મંડળમાં આગળ પડતો ભાગ લેવાથી જ આનંદ મળી શકે. અરે, ભાઈ-બહેનોના ધ્યાનમાં ન આવે, એવા નજીવા કામમાંથી પણ આપણને આનંદ મળી શકે.—૧ પીત. ૫:૫.
મંડળમાં સંપ
૯. શા માટે પાઊલ અભિષિક્ત ખ્રિસ્તીઓને શરીરના અવયવોનો દાખલો આપે છે?
૯ રૂમી ૧૨:૪, ૫, ૯, ૧૦ વાંચો. અહીંયા પાઊલ અભિષિક્ત ખ્રિસ્તીઓને શરીરના અવયવો સાથે સરખાવે છે. આ ઉદાહરણથી પાઊલે સમજાવ્યું કે તેઓ ‘પોતાના શિર’ ઈસુ ખ્રિસ્ત સાથે સંપીને કામ કરે છે. (કોલો. ૧:૧૮) પાઊલે અભિષિક્ત ખ્રિસ્તીઓનું ધ્યાન દોર્યું કે જેવી રીતે અવયવો અલગ હોવા છતાં એક જ શરીરનો ભાગ છે, એવી જ રીતે તમે પણ ‘ઘણાં હોવા છતાં ખ્રિસ્તમાં એક શરીર’ જેવા છો. પાઊલે એફેસસના ભાઈ-બહેનોને જણાવ્યું કે “ખ્રિસ્ત જે શિર છે, તેમાં સર્વ પ્રકારે વધીએ; એનાથી આખું શરીર ગોઠવાઈને તથા દરેક સાંધા વડે જોડાઈને, દરેક અંગ પોતાની શક્તિ પ્રમાણે કાર્ય કર્યાથી, પ્રેમમાં પોતાની ઉન્નતિને સારૂ પોતાની વૃદ્ધિ કરે છે.”—એફે. ૪:૧૫, ૧૬.
૧૦. ‘બીજાં ઘેટાનાં’ સભ્યોએ કોને આધીન રહેવું જોઈએ?
૧૦ ખરું કે ખ્રિસ્તના શરીર વિષેનું ઉદાહરણ અભિષિક્તોને જ લાગુ પડે છે. આ ઉદાહરણમાંથી ‘બીજાં ઘેટાનાં’ સભ્યો પણ ઘણું શીખી શકે છે. (યોહા. ૧૦:૧૬) પાઊલ જણાવે છે કે યહોવાહે ‘સઘળાંને ઈસુના પગ નીચે રાખ્યાં, અને તેને સર્વ મંડળીના શિર તરીકે નિર્માણ કર્યો.’ (એફે. ૧:૨૨) ‘સઘળામાં’ બીજાં ઘેટાંનો પણ સમાવેશ થાય છે. યહોવાહે ‘સઘળી’ વસ્તુઓની દેખરેખ તેમના દીકરાને સોંપી છે. ઈસુએ ‘વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકરને સંપત્તિની’ દેખરેખ રાખવાની જવાબદારી આપી છે. બીજાં ઘેટાં એ ‘સંપત્તિનો’ ભાગ છે. (માથ. ૨૪:૪૫-૪૭) તેથી તેઓએ ઈસુને પોતાના શિર માનવા જોઈએ. તેમ જ, વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર અને તેઓની ગવર્નિંગ બૉડીને આધીન રહેવું જોઈએ. તેઓએ મંડળની દેખરેખ રાખતા વડીલોને પણ આધીન રહેવું જોઈએ. (હેબ્રી ૧૩:૭, ૧૭) આમ કરીને તેઓ એકરાગે યહોવાહની ભક્તિ કરે છે.
૧૧. એકરાગે ભક્તિ કરવામાં શું મદદ કરી શકે? પાઊલે બીજી કઈ સલાહ આપી?
૧૧ “પ્રીતિ જે સંપૂર્ણતાનું બંધન છે” એના આધારે પણ એકરાગે ભક્તિ કરવા મદદ મળે છે. (કોલો. ૩:૧૪) રૂમીના ૧૨માં અધ્યાયમાં પાઊલ જણાવે છે: ‘તમારો પ્રેમ ઢોંગ વગરનો હોય. તમારે ભાઈચારાની લાગણીથી એકબીજા પર પ્રેમ રાખવો જોઈએ.’ આ રીતે કરીશું તો, એકબીજા માટે માન વધશે. પાઊલ એ પણ જણાવે છે કે “માન આપવામાં પોતાના કરતાં બીજાને અધિક ગણો.” પણ આપણા પ્રેમને લીધે બીજાની ભૂલ છુપાવવી ન જોઈએ. પાઊલે પ્રેમ વિષે સલાહ આપતા જણાવ્યું: “જે ભૂંડું છે તેને ધિક્કારો; જે સારૂં છે તેને વળગી રહો.” એટલે મંડળને શુદ્ધ રાખવા બનતું બધું જ કરીએ.
ઉદાર બનીએ
૧૨. ઉદાર બનવામાં આપણે મકદોનિયાના ખ્રિસ્તીઓ પાસેથી શું શીખી શકીએ?
૧૨ રૂમી ૧૨:૧૩ વાંચો. પાઊલે સલાહ આપી: “સંતોની જરૂરિયાતો પૂરી પાડો.” આજે આપણને ભાઈ-બહેનો માટે પ્રેમ હોવાથી તેઓ માટે બનતું બધું જ કરવું જોઈએ. આપણે ગરીબ હોઈએ તોપણ આપણાથી થઈ શકે એટલી મદદ કરીએ. મકદોનિયાના ખ્રિસ્તીઓ વિષે પાઊલે લખ્યું: “ઘણી મુશ્કેલીઓ અને આકરા સંજોગોમાં પણ તેઓ આનંદથી ભરપૂર હતા. અતિશય ગરીબાઈમાં પણ તેઓએ બીજાઓ માટે ઉદારતાપૂર્વક દાન આપ્યું. તેઓએ પોતાની શક્તિ ઉપરાંત આપ્યું. હું ખાતરીપૂર્વક કહું છું કે તેઓએ એ દાન મારી વિનંતીને લીધે નહિ પણ સ્વેચ્છાપૂર્વક ખુશીથી આપ્યું. વળી યરૂશાલેમના ખ્રિસ્તીઓને સહાયરૂપ થવાના આનંદમાં તેઓ સહભાગી થઈ શકે તે માટે તેઓએ એ દાન લઈ જવાનો અમને આગ્રહ કર્યો.” (૨ કરિં. ૮:૨-૪, IBSI) મકદોનિયાના ખ્રિસ્તીઓ ગરીબ હોવા છતાં, ઘણા ઉદાર હતા. તેઓએ યદૂદીઆના ભાઈ-બહેનોને મદદ કરવાનો એક લહાવો ગણ્યો.
૧૩. ‘પરોણાગત કરવામાં તત્પર રહેવામાં’ શાનો સમાવેશ થાય છે?
૧૩ પાઊલે સલાહ આપી કે “પરોણાગત કરવામાં તત્પર રહો.” ગ્રીક ભાષામાં “પરોણાગત” શબ્દ વાપરવાથી વ્યક્તિ સમજી જતી કે તેણે ‘પહેલ કરવી’ જોઈએ. બીજા એક બાઇબલ ભાષાંતરમાં આ કલમ આમ કહે છે: ‘મહેમાનોને જમાડવા સદા તત્પર રહો.’ (IBSI) અમુક વખતે આપણે બીજાઓને પ્રેમથી ઘરે બોલાવીને, જમાડીને મહેમાનગતિ બતાવીએ છીએ. એ ઘણું સારું કહેવાય. પણ આપણે બીજી ઘણી રીતે મહેમાનગતિ બતાવી શકીએ. દાખલા તરીકે, બીજાઓને જમાડી શકીએ એવા સંજોગો ન હોય તો, ચા-પાણી માટે બોલાવીને પણ મહેમાનગતિ કરી શકીએ.
૧૪. (ક) “પરોણાગત” કયા બે શબ્દોનો બનેલો છે? (ખ) સંદેશો જણાવતી વખતે આપણે કઈ રીતે પરોણાગત બતાવી શકીએ?
૧૪ ગ્રીક ભાષામાં “પરોણાગત” શબ્દ મૂળ બે શબ્દોનો બનેલો છે. “પ્રેમ” અને “અજાણી વ્યક્તિ.” આજે ઘણા ભાઈ-બહેનો અજાણી વ્યક્તિને મદદ કરવા બીજી ભાષા શીખે છે. એનાથી ભાઈ-બહેનો પોતાના વિસ્તારમાં બીજી ભાષા બોલતા લોકોને ઈશ્વરનો સંદેશો જણાવી શકે છે. આ રીતે પણ તેઓ અજાણ્યાને પરોણાગત બતાવે છે. ખરું કે આપણે બધા જ બીજી ભાષા શીખી શકતા નથી. તોપણ આપણે ગુડ ન્યૂઝ ફૉર પીપલ ઑફ ઓલ નેશન્સ પુસ્તિકાનો સારો ઉપયોગ કરી શકીએ છીએ. આમ આપણે બીજી ભાષા બોલતા લોકોને મદદ કરીએ છીએ. એ પુસ્તિકામાં ઘણી ભાષાઓમાં બાઇબલનો સંદેશો છે. શું તમને આ પુસ્તિકા વાપરીને લાભ થયો છે?
સુખ-દુઃખમાં ભાગીદાર બનીએ
૧૫. રૂમી ૧૨:૧૫માં આપેલી સલાહ ઈસુના જીવનમાં કઈ રીતે દેખાઈ આવે છે?
૧૫ રૂમી ૧૨:૧૫ વાંચો. આ કલમમાં પાઊલે આપેલી સલાહનો અર્થ થાય કે બીજાના સુખ-દુઃખમાં ભાગીદાર બનવું. એ માટે બીજાઓની લાગણીઓ સમજતા શીખવું પડશે. જો આપણે ‘ઈશ્વરની શક્તિમાં ઉત્સાહી’ હોઈશું તો, આપણી ખુશી અને હમદર્દી બીજાઓને બતાવીશું. દાખલા તરીકે, ઈસુના ૭૦ શિષ્યો ઈશ્વરનો સંદેશો જણાવીને પાછા ફર્યા ત્યારે તેઓ ઘણા ખુશ હતા. પછી તેઓએ પોતાના સારા અનુભવો ઈસુને જણાવ્યા. ઈસુ એ સાંભળીને ‘પવિત્ર આત્માથી હરખાયા.’ (લુક ૧૦:૧૭-૨૧) જ્યારે કે ઈસુનો મિત્ર લાજરસ ગુજરી ગયો ત્યારે તેમની “આંખોમાં આંસુ છલકાયાં.” આ બતાવે છે કે ઈસુ બીજાઓના સુખ-દુઃખમાં ભાગીદાર થયા.—યોહા. ૧૧:૩૨-૩૫.
૧૬. કઈ રીતે બીજાના સુખ-દુઃખમાં ભાગીદાર બની શકીએ? કોણે એ ખાસ કરવાની જરૂર છે?
૧૬ ઈસુની જેમ આપણે પણ બીજાના સુખ-દુઃખમાં ભાગીદાર બનવું જોઈએ. એટલે કોઈ ભાઈ કે બહેનના સુખમાં આપણે ખુશ થવું જોઈએ. તેમ જ, દુઃખમાં તેઓની પડખે ઊભા રહેવું જોઈએ. દાખલા તરીકે, કોઈના પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો હોય. તેનું મન હળવું કરવા આપણે તેના દિલની વાત ધ્યાનથી સાંભળીએ. અમુક વાર તેઓની વાત સાંભળીને આપણી આંખો ભરાઈ આવી શકે. (૧ પીત. ૧:૨૨) બીજાના સુખ-દુઃખમાં ભાગીદાર બનવાની પાઊલની સલાહ ખાસ કરીને વડીલોએ પાળવી જોઈએ.
૧૭. અત્યાર સુધી રૂમીના બારમા અધ્યાયમાંથી આપણે શું શીખ્યા? પછીના લેખમાં શું જોઈશું?
૧૭ આ લેખમાં આપણે રૂમીના બારમા અધ્યાયમાંથી અમુક કલમોની ચર્ચા કરી. એમાંથી આપણે શીખ્યા કે આપણે કેવા ઈશ્વરભક્ત બનવું જોઈએ. તેમ જ, ભાઈ-બહેનો સાથે કેવી રીતે વર્તવું જોઈએ. પછીના લેખમાં આપણે રૂમીના બારમા અધ્યાયની બીજી કલમો જોઈશું. એમાં જોઈશું કે દુનિયાના લોકો, વિરોધીઓ અને સતાવનારા માટે કેવું વિચારવું જોઈએ. તેઓ સાથે કેવી રીતે વર્તવું જોઈએ. (w09 10/15)
તમે સમજાવી શકો?
• ‘ઈશ્વરની શક્તિમાં ઉત્સાહી’ રહેવાની સલાહ કઈ રીતે પાળી શકીએ?
• શા માટે આપણે નમ્ર રહેવું જોઈએ?
• કઈ રીતે બીજાઓના સુખ-દુઃખમાં ભાગીદાર બનવું જોઈએ?
[પાન ૧૬ પર ચિત્ર]
આપણે કેમ યહોવાહની ભક્તિમાં આ બધી બાબત કરીએ છીએ?
[પાન ૧૮ પર ચિત્ર]
બીજી ભાષાના લોકોને કેવી રીતે ઈશ્વરનો સંદેશો જણાવી શકીએ?