તમે તકરાર કઈ રીતે હલ કરો છો?
આપણે દરરોજ જુદી જુદી વ્યક્તિઓને મળીએ છીએ. આપણે તેઓથી ઘણી વાર ખુશ અને નાખુશ પણ થઈએ છીએ. અને એ જ સમયે આપણા રોજિંદા જીવનમાં મતભેદો ઊભા થાય છે ત્યારે, અમુક વખત આપણા પર એની અસર થાય છે. ગમે તેવી તકરાર હોય, પરંતુ આપણે એને કઈ રીતે હલ કરીએ છીએ એની આપણા પર માનસિક, લાગણીમય અને આધ્યાત્મિક રીતે અસર પડે છે.
તકરાર કે ઝઘડાને હલ કરવામાં સફળતા મેળવીએ છીએ ત્યારે આપણને આનંદ થાય છે. એનાથી બીજાઓ સાથેના આપણા સંબંધ પણ સારા રહે છે. નીતિવચન કહે છે: “હૃદયની શાંતિ શરીરનું જીવન છે.”—નીતિવચન ૧૪:૩૦.
સાચે જ, “પોતાની જાત પર કાબૂ ન રાખનાર માણસ તૂટી પડેલા કોટવાળા નગરની જેમ રક્ષણ વિનાનો છે.” (નીતિવચન ૨૫:૨૮, IBSI.) આપણામાંથી કોણ એવું ઇચ્છશે કે પોતાના મગજમાં ખરાબ વિચારો આવે અને ખરાબ કામ કરીને પોતાને તથા બીજાઓને નુકસાન પહોંચાડે? આમ એવી વ્યક્તિઓ કરે છે જેઓ પોતાના ગુસ્સાને કાબુમાં રાખતી નથી. ઈસુએ પહાડ પરના ભાષણમાં કહ્યું કે આપણે પોતાની તપાસ કરવી જોઈએ. આમ કરવાથી આપણને કોઈની સાથે તકરાર હશે તો એ હલ કરવામાં પણ મદદ મળશે. (માત્થી ૭:૩-૫) આપણે જુદા જુદા વિચારો તથા પાર્શ્વભૂમિકાના લોકોની ટીકા કરવાને બદલે તેઓ સાથે મિત્રતા બાંધવા અને જાળવી રાખવા વિષે વિચારવું જોઈએ.
આપણી વર્તણૂક
તકરારથી દૂર રહેવા માટે એક વાત સમજવાની જરૂર છે કે આપણા વિચારો અને વર્તણૂક મોટે ભાગે ખોટા પણ હોય શકે છે. શાસ્ત્રવચન યાદ દેવડાવે છે, “સઘળાએ પાપ કર્યું છે, અને દેવના મહિમા વિષે સઘળા અધૂરા રહે છે.” (રૂમી ૩:૨૩) વધુમાં, નિર્ણાયકતા આપણને એ જોવામાં મદદ કરે છે કે સમસ્યા કોઈ બીજી વ્યક્તિએ નહિ પણ આપણે પોતે જ ઊભી કરી છે. આ બાબતને સમજવા માટે ચાલો આપણે યૂનાના ઉદાહરણનો વિચાર કરીએ.
પરમેશ્વરની આજ્ઞા પાળીને યૂના નીનવેહવાસીઓને પરમેશ્વરના ન્યાયકરણની ચેતવણી આપવા ગયા. પરિણામે, ચેતવણી સાંભળીને નીનવેહના લોકોએ પસ્તાવો કર્યો અને સાચા પરમેશ્વરમાં તેઓ વિશ્વાસ કરવા લાગ્યા. (યૂના ૩:૫-૧૦) લોકોનો પસ્તાવો જોઈને પરમેશ્વરને દયા આવી અને તેઓને માફ કરી દીધા. “તેથી યૂનાને ઘણું જ ખોટું લાગ્યું, ને તેને ક્રોધ ચઢ્યો.” (યૂના ૪:૧) શા માટે યૂનાને યહોવાહ પર ગુસ્સો આવ્યો? યૂનાને એવું લાગ્યું કે તેનું અપમાન થયું છે અને હવે તેની વાત પર કોઈ વિશ્વાસ નહિ કરે. તે યહોવાહની દયાની કદર કરવામાં નિષ્ફળ ગયો. યહોવાહે પ્રેમથી યૂનાને એક પાઠ ભણાવ્યો જેણે યૂનાને પોતાની વર્તણૂક બદલવા અને પરમેશ્વરની દયાને સમજવામાં મદદ કરી. (યૂના ૪:૭-૧૧) આનાથી ખબર પડે છે કે ભૂલ યૂનાની હતી અને તેણે પોતાની વર્તણૂકમાં સુધારો કરવાની જરૂર હતી.
યૂનાની જેમ શું આપણે પણ બાબતો પ્રત્યે વલણ બદલવાની જરૂર નથી? પ્રેષિત પાઊલ સલાહ આપે છે: “માન આપવામાં પોતાના કરતાં બીજાને અધિક ગણો.” (રૂમી ૧૨:૧૦) પાઊલનો આમ કહેવાનો શું અર્થ થતો હતો? પાઊલ એમ કહેતા હતા કે આપણે પણ બીજા ખ્રિસ્તીઓ સાથે વાજબી રીતે વ્યવહાર કરવો જોઈએ અને તેઓને ઊંડું માન આપવું જોઈએ. એક વાત આપણે યાદ રાખવી જોઈએ કે દરેક વ્યક્તિ સ્વતંત્ર ઇચ્છા ધરાવે છે. પાઊલ કહે છે: “દરેક માણસને પોતાનો બોજો ઊંચકવો પડશે.” (ગલાતી ૬:૫) તેથી કોઈ વ્યક્તિ સાથે સંબંધ એકદમ બગડી જાય એ પહેલા આપણે પોતાની તપાસ કરવી ડહાપણભર્યું છે કે ક્યાંક આપણે આપણું વલણ બદલવાની જરૂર તો નથી ને! આપણે યહોવાહ પરમેશ્વરની જેમ વિચારવા અને પરમેશ્વરને પ્રેમ કરે છે તેઓ સાથે શાંતિપૂર્ણ સંબંધ બાંધવા ઘણી મહેનત કરવાની જરૂર છે.—યશાયાહ ૫૫:૮, ૯.
આપણો અભિગમ
વિચાર કરો કે એક રમકડાંને મેળવવા માટે બે બાળકો ખેંચાખેંચ કરે છે. તેઓ ગુસ્સામાં એકબીજાને કંઈક કહેતા પણ હોય છે. અને આવું ત્યાં સુધી ચાલે છે જ્યાં સુધી કોઈ એક જતું ન કરે અથવા તેઓમાંથી કોઈ જીતી ન જાય.
ઉત્પત્તિમાં આપણને ઈબ્રાહીમના ગોવાળિયા અને તેમના ભત્રીજા લોટના ગોવાળિયા વચ્ચે થયેલી તકરારનો અહેવાલ જોવા મળે છે. એ તકરારની ઈબ્રાહીમને ખબર પડે છે ત્યારે તેમણે પહેલ કરીને લોટને કહ્યું: “હવે મારી ને તારી વચ્ચે ને મારા તથા તારા ગોવાળિયાઓ વચ્ચે તકરાર થવી ન જોઈએ; કેમકે આપણે ભાઈઓ છીએ.” ઈબ્રાહીમ ઇચ્છતા ન હતા કે કોઈ પણ પ્રકારના ઝઘડાથી લોટ સાથે તેમનો સંબંધ બગડે. તેથી તેમણે શું કર્યું? ઈબ્રાહીમ લોટ કરતાં ઉંમરમાં મોટા હતા એટલે પ્રથમ પસંદગી કરવાનો હક્ક તેમનો હતો. પરંતુ તેમણે પ્રથમ પસંદગી લોટને આપી. લોટ ઇચ્છે ત્યાં જમીન લઈને પોતાના કુટુંબ અને ઘેટાંબકરાં સાથે રહી શકે એ માટે ઈબ્રાહીમે પરવાનગી આપી. લોટે સદોમ અને ગમોરાહની લીલોતરીવાળી જગ્યા પસંદ કરી. આમ ઈબ્રાહીમ અને લોટ શાંતિથી એકબીજાથી અલગ થયા.—ઉત્પત્તિ ૧૩:૫-૧૨.
બીજાઓ સાથે શાંતિપૂર્ણ સંબંધ રાખવા માટે શું આપણે પણ ઈબ્રાહીમ જેવો આત્મા બતાવવા તૈયાર છીએ? તકરારને હલ કરવા માટે બાઇબલમાં આ ઉત્તમ ઉદાહરણ જોવા મળે છે. ઈબ્રાહીમે વિનંતી કરી: “મારી ને તારી વચ્ચે . . . તકરાર થવી ન જોઈએ.” આનાથી ખબર પડે છે કે ઈબ્રાહીમ શાંતિથી ઝઘડાને હલ કરવા ઇચ્છતા હતા. આવું વલણ રાખીને આપણે શાંતિથી તકરાર કે ગેરસમજને દૂર કરી શકીએ. ઈબ્રાહીમે લોટને આમ પણ કહ્યું: “આપણે ભાઈઓ છીએ.” શા માટે પોતાના ઘમંડને લીધે આવો સંબંધ બગાડવો? ઈબ્રાહીમે મહત્વની બાબત પર ધ્યાન આપ્યું. અને પોતાના ભત્રીજા લોટ સાથે પ્રેમથી વ્યવહાર કર્યો.
કયારેક તકરારને હલ કરવા માટે બીજાઓની મદદ લેવી પડે, પરંતુ આપણે જાતે એ તકરારને હલ કરીએ તો કેવું સારું! ઈસુ ખ્રિસ્તે કહ્યું કે ભાઈ-બહેનો સાથે શાંતિ રાખવા માટે આપણે પહેલ કરવી જોઈએ, અને જરૂર હોય ત્યારે ક્ષમા પણ માંગવી જોઈએ.a (માત્થી ૫:૨૩, ૨૪) આમ કરવા માટે નમ્રતા તથા દીનતાની જરૂર છે, પીતર કહે છે: “તમે સઘળા એકબીજાની સેવા કરવાને સારૂ નમ્રતા પહેરી લો; કેમકે દેવ ગર્વિષ્ઠોની વિરૂદ્ધ છે, પણ તે નમ્ર માણસો પર કૃપા રાખે છે.” (૧ પીતર ૫:૫) આમ, આપણે સાથી વિશ્વાસુઓ સાથે જે રીતે વ્યવહાર કરીએ છીએ એની અસર પરમેશ્વર સાથેના આપણા સંબંધ પર પડે છે.—૧ યોહાન ૪:૨૦.
ખ્રિસ્તી મંડળમાં શાંતિ જાળવી રાખવા માટે કદાચ આપણે કંઈક ત્યાગ પણ કરવો પડે. આપણને એ જોઈને કેટલો આનંદ થાય છે કે છેલ્લાં પાંચ વર્ષથી ઘણા બધા લોકો યહોવાહના સાક્ષી બન્યા છે. અને હવે તેઓ સાચી ઉપાસનાનો આનંદ માણે છે. આપણા વ્યવહારની આ ભાઈબહેનો સિવાય મંડળના બીજા ભાઈબહેનો પર પણ અસર પડે છે. તેથી આપણે પોતાની તપાસ કરવી જોઈએ કે આપણે કેવા પ્રકારના મનોરંજનમાં ભાગ લઈએ છીએ, આપણો શોખ શું છે, આપણી પ્રવૃત્તિઓ કેવી છે, કેવી નોકરી કરીએ છીએ, બીજાઓ આપણને કઈ દૃષ્ટિથી જુએ છે? શું આપણી બોલી અને કાર્યોથી કોઈ ગેરસમજ થઈ શકે, જેનાથી બીજાઓ ઠોકર ખાય?
પ્રેષિત પાઊલ આપણને યાદ અપાવે છે: “સઘળી વસ્તુઓ ઉચિત છે; પણ સઘળી ઉપયોગી નથી. સઘળી વસ્તુઓ ઉચિત છે; પણ સઘળી ઉન્નતિકારક નથી. કોઈએ માત્ર પોતાનું જ નહિ, પણ દરેકે બીજાનું હિત જોવું.” (૧ કોરીંથી ૧૦:૨૩, ૨૪) ભાઈબહેનો વચ્ચે પ્રેમ અને એકતા વધે એ માટે એક ખ્રિસ્તી તરીકે આપણે ધ્યાન રાખવું જોઈએ.—ગીતશાસ્ત્ર ૧૩૩:૧; યોહાન ૧૩:૩૪, ૩૫.
સાંત્વના આપતા શબ્દો
શબ્દોની સારી અસર પડી શકે છે. “માયાળુ શબ્દો મધ જેવા છે, તેઓ આત્માને મીઠા લાગે છે તથા હાડકાંને આરોગ્ય આપે છે.” (નીતિવચન ૧૬:૨૪) આ કહેવત ગિદઓનના બનાવમાં સાચી ઠરે છે. તેમણે એફ્રાઈમના લોકો સાથે પ્રેમથી વર્તીને ઝઘડાને ટાળ્યો હતો.
મિદ્યાનીઓ સાથે લડાઈ કરવા એફ્રાઈમના લોકોએ મદદ માટે ગિદઓનને બોલાવ્યા. તેમ છતાં, લડાઈમાં સફળતા મેળવ્યા પછી એફ્રાઈમીઓએ ગિદઓન સાથે ઝઘડો કર્યોં. તેઓએ કહ્યું કે મિદ્યાનીઓ સાથે લડવા ગિદઓન અમને લઈને કેમ ગયો નહિ. બાઇબલ બતાવે છે: “તેઓએ તેને સખત ઠપકો દીધો.” અને ગિદઓને જવાબમાં કહ્યું: “તમે જે કર્યું છે તેના પ્રમાણમાં મેં તો શું કર્યું છે? એફ્રાઈમની દ્રાક્ષોનો સળો તે અબીએઝેરની દ્રાક્ષોના આખા ફાલ કરતાં શું સારો નથી? દેવે મિદ્યાનના ઓરેબ તથા ઝએબ સરદારોને તમારા હાથમાં સોંપ્યા છે; અને તમારા પ્રમાણમાં હું શું કરી શક્યો છું?” (ન્યાયાધીશ ૮:૧-૩) આમ કહીને ગિદઓને સમજી વિચારીને ઝઘડો કરવાનું ટાળ્યું. કદાચ એફ્રાઈમના લોકોમાં અભિમાન હતું અથવા તેઓ પોતાને વધુ મહત્વ આપતા હતા. ભલે તેઓ ગમે તેવા હોય, ગિદઓન તકરાર કે ઝઘડો ન કરીને શાંતિ લાવવામાં સફળ થયા. શું આપણે પણ તેમના જેવું કરી શકીએ?
અમુક લોકો બીજાઓનો ગુસ્સો આપણા પર ઉતારે છે. પરંતુ આપણે તેઓની લાગણીઓને અને વિચારોને સમજવાની જરૂર છે. કદાચ તેઓને ગુસ્સે કરવામાં આપણો પણ કંઈ ફાળો હોય. આપણી ભૂલ હોય તો શા માટે આપણે માફી માંગીને એને સ્વીકારવી ન જોઈએ? પ્રેમભર્યા શબ્દો આપણો સંબંધ સારો કરી શકે છે. (યાકૂબ ૩:૪) ઘણી વાર ઉદાસ લોકોને ફક્ત આપણા તરફથી દિલાસાની જરૂર હોય છે. બાઇબલ કહે છે: “બળતણ ન હોવાથી અગ્નિ હોલવાઈ જાય છે.” (નીતિવચન ૨૬:૨૦) હા, સમજી વિચારીને બોલેલા શબ્દો “ક્રોધને શાંત કરી દે છે” અને શાંતિ લાવે છે.—નીતિવચન ૧૫:૧.
પ્રેષિત પાઊલ સલાહ આપે છે: “જો બની શકે, તો ગમે તેમ કરીને સઘળાં માણસોની સાથે હળીમળીને ચાલો.” (રૂમી ૧૨:૧૮) એ સાચું છે કે આપણે બીજાઓની લાગણીને કાબૂમાં રાખી શકતા નથી, પરંતુ શાંતિ લાવવા આપણે બનતું બધુ જ કરી શકીએ છીએ. તેથી બીજાઓની અપૂર્ણતા જોવાને બદલે, આપણી અપૂર્ણતાને દૂર કરવાના હમણાંથી જ પ્રયત્નો શરૂ કરીને આપણે બાઇબલ સિદ્ધાંતો પ્રમાણે જીવવાનું શરૂ કરી દેવું જોઈએ. આપણે યહોવાહની ઇચ્છા પ્રમાણે તકરાર કે ઝઘડાને હલ કરીશું તો, હંમેશની શાંતિ અને સુખ મેળવીશું.—યશાયાહ ૪૮:૧૭.
[ફુટનોટ]
a ઑક્ટોબર ૧૫, ૧૯૯૯ના ચોકીબુરજમાં “હૃદયપૂર્વક માફ કરો,” અને “તમે તમારા ભાઈને મેળવી શકો છો,” લેખો જુઓ.
[પાન ૨૪ પર ચિત્ર]
શું આપણે દરેક બાબતોને આપણી રીતે જ હલ કરીએ છીએ?
[પાન ૨૫ પર ચિત્ર]
તકરાર હલ કરવા આપણી પાસે ઈબ્રાહિમનું ઉત્તમ ઉદાહરણ છે