શું કરવેરો ભરવો જોઈએ?
મોટા ભાગના લોકોને કરવેરો ભરવો નથી ગમતું. તેઓને લાગે છે કે તેઓ કરવેરા તરીકે જે પૈસા આપે છે એનો ખોટો ઉપયોગ કરવામાં આવે છે. મધ્ય-પૂર્વ દેશના એક શહેરના લોકો કરવેરો ભરવા માંગતા ન હતા. તેઓનું કહેવું હતું: “અમે સરકારને બંદૂક ખરીદવા અમારા પૈસા નહિ આપીએ, જે અમારાં જ બાળકોને મારી નાખે છે.”
આ વિચારો કંઈ નવા નથી. ઘણા લોકો એવું જ માને છે. ભારતના નેતા મહાત્મા ગાંધીએ જણાવ્યું હતું કે તેમનું અંતઃકરણ તેમને કરવેરો ભરવાની ના પાડે છે. એનું કારણ જણાવતા તેમણે કહ્યું હતું: “જે કોઈ સીધેસીધી રીતે કે આડકતરી રીતે સેના ધરાવતા દેશને ટેકો આપે છે, તે પાપ કરે છે. જે કોઈ કરવેરો ભરીને એ દેશને ટેકો આપે છે, તે એ પાપનો ભાગીદાર બને છે.”
અમેરિકાના એક લેખક હેન્રી ડેવિડ થોરોએ પણ કરવેરો ભરવાની ના પાડી, કારણ કે એ પૈસાનો ઉપયોગ યુદ્ધમાં થતો હતો. તેમને લાગતું હતું કે જો લોકોના મને કોઈ કામ ખોટું હોય, તો નેતાઓએ તેઓને એ કામ કરવા દબાણ ન કરવું જોઈએ. એ વ્યક્તિનો પોતાનો નિર્ણય છે, જે તેણે પોતાના અંતઃકરણને આધારે લેવો જોઈએ.
કરવેરો ભરવો કે નહિ એ નિર્ણય યહોવાના સેવકો માટે મહત્ત્વનો છે. કારણ કે બાઇબલમાં સાફ સાફ જણાવ્યું છે કે તેઓનું અંતઃકરણ દરેક બાબતમાં સાફ હોવું જોઈએ. (૨ તિમોથી ૧:૩) બાઇબલ એ પણ જણાવે છે કે સરકારો પાસે કરવેરો માંગવાનો અધિકાર છે. બાઇબલમાં લખ્યું છે: “આપણે ઉચ્ચ અધિકારીઓને [માનવીય સરકારો] આધીન રહેવું જોઈએ, કેમ કે ઈશ્વર તરફથી ન હોય એવો કોઈ અધિકાર નથી. હમણાંના અધિકારીઓને ઈશ્વરે તેઓના સ્થાને મૂક્યા છે. એટલે તમારે તેઓને આધીન રહેવું જોઈએ. ફક્ત સજાના ડરને લીધે નહિ, પણ તમારાં અંતઃકરણને લીધે આધીન રહેવું જોઈએ. એ જ કારણે તમે કરવેરા ભરો છો. તેઓ ઈશ્વરે નીમેલા જનસેવકો છે અને એ કામમાં મંડ્યા રહે છે. એ સર્વને તેઓનો હક આપો: જે કર માંગે, તેને કર આપો.”—રોમનો ૧૩:૧, ૫-૭.
એ જ કારણને લીધે, પહેલી સદીના ખ્રિસ્તીઓ કરવેરો ભરનાર તરીકે ઓળખાતા હતા. કરવેરાના મોટા ભાગના પૈસા લશ્કર માટે વપરાતા હતા, તોપણ તેઓ એ ભરતા હતા. આજે યહોવાના સાક્ષીઓ પણ એવું જ કરે છે.a પણ સવાલ થાય: જે કામોને આપણે ટેકો નથી આપતા, એના માટે કરવેરો કેમ ભરવો? શું કરવેરો ભરતી વખતે આપણે આપણા અંતઃકરણનો વિચાર કરવો જોઈએ?
કરવેરો અને અંતઃકરણ—એકબીજા સાથે જોડાયેલાં
ધ્યાન આપો કે પ્રથમ સદીના ખ્રિસ્તીઓ જે કરવેરો ભરતા હતા, એના મોટા ભાગના પૈસા લશ્કરમાં વપરાતા હતા. તોપણ પોતાનું અંતઃકરણ શુદ્ધ રાખવા તેઓ કરવેરો ભરતા. જ્યારે કે ગાંધીજી અને થોરોને લાગતું હતું કે અંતઃકરણ શુદ્ધ રાખવા તેઓએ કરવેરો ન ભરવો જોઈએ.
પહેલી સદીના ખ્રિસ્તીઓ ફક્ત સજાથી બચવા માટે જ નહિ, પોતાના “અંતઃકરણને લીધે” પણ રોમનો ૧૩ની સલાહ પાળતા હતા. (રોમનો ૧૩:૫) એટલે જે રીતે કરવેરાનો ઉપયોગ થાય છે એ એક ખ્રિસ્તીને ગમતું ન હોય, તોપણ તેણે એ ભરવો જોઈએ, જેથી તેનું અંતઃકરણ સાફ રહે. એને સારી રીતે સમજવા, એ જાણવું જરૂરી છે કે અંતઃકરણ કઈ રીતે કામ કરે છે. અંતઃકરણ આપણા દિલનો અવાજ છે, જે આપણને ખરા-ખોટા વચ્ચેનો ફરક બતાવે છે.
થોરોએ પણ નોંધ્યું કે આપણા બધામાં એક અંદરનો અવાજ હોય છે. પણ આપણે એના પર હંમેશાં ભરોસો ન મૂકી શકીએ. આપણે ઈશ્વરની ઇચ્છા પ્રમાણે આપણું અંતઃકરણ કેળવવું જોઈએ, જેથી તેમની કૃપા મેળવી શકીએ. ઈશ્વર આપણાથી અનેક ગણા બુદ્ધિશાળી છે, એટલે આપણે સમયે સમયે પોતાના વિચારોમાં ફેરફાર કરવો જોઈએ અને તેમની જેમ વિચારવાનું શીખવું જોઈએ. (ગીતશાસ્ત્ર ૧૯:૭) એ જ કારણને લીધે, આપણે જાણવું જોઈએ કે માનવીય સરકારો વિશે ઈશ્વરને કેવું લાગે છે. ચાલો એ વિશે જોઈએ.
પ્રેરિત પાઉલે માનવીય સરકારો વિશે કહ્યું કે તેઓ “ઈશ્વરે નીમેલા જનસેવકો” છે. (રોમનો ૧૩:૬) એનો અર્થ થાય કે સરકારો વ્યવસ્થા જાળવી રાખે છે અને પોતાની પ્રજા માટે ભલાઈનાં કામો કરે છે. સૌથી ભ્રષ્ટ સરકાર પણ પોતાની પ્રજાને ટપાલ, શિક્ષણ, પોલીસ અને અગ્નિ શામક દળ (ફાયર બ્રિગેડ) જેવી સુવિધાઓ પૂરી પાડે છે. સરકારો અમુક વાર જે ખોટાં કામો કરે છે એ ઈશ્વરની નજર બહાર નથી. તોપણ તે એને ચાલવા દે છે અને ચાહે છે કે આપણે તેઓને માન આપીએ અને કરવેરો ભરીએ.
હમણાં માણસોનું રાજ છે, પણ એ ફક્ત થોડા સમય માટે જ છે. ઈશ્વર જલદી જ એ સરકારોને કાઢી નાખશે અને પોતાનું રાજ લાવશે. (દાનિયેલ ૨:૪૪; માથ્થી ૬:૧૦) સદીઓથી માણસોના રાજમાં આપણે બધાએ જે દુઃખ, યાતના અને ત્રાસ વેઠ્યાં છે, એને ઈશ્વર ખતમ કરી દેશે. પણ એ બધું થાય ત્યાં સુધી ઈશ્વર ચાહે છે કે આપણે અધિકારીઓનું કહ્યું કરીએ અને કરવેરો ભરીએ.
શું ગાંધીજીની જેમ તમને હજી પણ લાગે છે કે કરવેરો ભરવો એ પાપ છે, કેમ કે એના પૈસા યુદ્ધમાં વપરાય છે? જો એમ હોય, તો આ દાખલાનો વિચાર કરો: જો એક વ્યક્તિ જમીન પર ઊભી રહીને એક વિસ્તાર જોશે, તો તે ફક્ત થોડોક જ ભાગ જોઈ શકશે. પણ જો તે ટેકરી પર ચઢીને એ વિસ્તાર જોશે, તો ઘણો બધો ભાગ જોઈ શકશે. એવી જ રીતે, જો યાદ રાખીશું કે ઈશ્વરના વિચારો કેટલા ઊંચા છે, તો પોતાના વિચારોમાં સહેલાઈથી ફેરફારો કરી શકીશું. પ્રબોધક યશાયા દ્વારા યહોવાએ કહ્યું હતું: “જેમ આકાશ પૃથ્વી કરતાં ઊંચું છે, તેમ મારા વિચારો તમારા વિચારો કરતાં ઊંચા છે. મારા માર્ગો ને તમારા માર્ગો વચ્ચે આભ-જમીનનો ફરક છે.”—યશાયા ૫૫:૮, ૯.
આપણા પર પૂરેપૂરો અધિકાર કોને છે?
ખરું કે, બાઇબલ શીખવે છે કે આપણે કરવેરો ભરવો જોઈએ. પણ એનો અર્થ એ નથી કે સરકારોને તેની પ્રજા પર પૂરો અધિકાર છે. ઈસુએ શીખવ્યું હતું કે ઈશ્વરે સરકારોને પૂરેપૂરો નહિ, પણ થોડો જ અધિકાર આપ્યો છે. જ્યારે એક માણસે ઈસુને પૂછ્યું કે શું તેઓએ રોમન સરકારને કર આપવો કે નહિ, ત્યારે ઈસુએ કહ્યું હતું: “જે સમ્રાટનું છે એ સમ્રાટને અને જે ઈશ્વરનું છે એ ઈશ્વરને આપો.”—માર્ક ૧૨:૧૩-૧૭.
સરકારો, એટલે કે ‘સમ્રાટ’ સિક્કાઓ અને ચલણી નોટો છાપે છે, એટલે તેઓને કર માંગવાનો પૂરો અધિકાર છે. પણ ઈસુએ કહ્યું હતું તેમ આપણું જીવન અને આપણી ભક્તિ ‘ઈશ્વરનાં’ છે, એટલે એ ઈશ્વરને જ આપવાં જોઈએ. જ્યારે સરકારો એવું કંઈક કરવાનું કહે જે ઈશ્વરના નિયમ વિરુદ્ધ હોય, ત્યારે યહોવાના ભક્તો ‘માણસોના બદલે ઈશ્વરની જ આજ્ઞા માને છે, કેમ કે તેઓના રાજા તો ઈશ્વર છે.’—પ્રેરિતોનાં કાર્યો ૫:૨૯.
આજે યહોવાના સેવકોને કદાચ એ ન ગમે કે કરવેરાના પૈસાનો કઈ રીતે ઉપયોગ થાય છે. પણ તેઓ સરકારોનો વિરોધ કરતા નથી કે કરવેરો ભરવાની ના પાડતા નથી. જો તેઓ એમ કરે, તો એનો એવો અર્થ થાય કે તેઓને ભરોસો નથી કે ઈશ્વર તેઓની બધી તકલીફો દૂર કરશે. એના બદલે, તેઓ ઈશ્વરની અને તેમના રાજ્યની રાહ જુએ છે. ઈસુએ સાફ સાફ કહ્યું હતું: “મારું રાજ્ય આ દુનિયાનું નથી.”—યોહાન ૧૮:૩૬.
બાઇબલની સલાહ પાળવાથી થતા ફાયદા
કરવેરો ભરવા વિશે જો તમે બાઇબલની સલાહ પાળશો, તો તમને ઘણા ફાયદા થશે. જેમ કે, નિયમો તોડનારને સરકાર સજા કરે છે. તમે એ સજાથી તેમજ પકડાઈ જવાના ડરથી બચી જશો. (રોમનો ૧૩:૩-૫) સૌથી મહત્ત્વનું તો, ઈશ્વર આગળ તમારું અંતઃકરણ સાફ રહેશે. તમે નિયમો પાળો છો એનાથી તેમને મહિમા મળશે. બની શકે કે, જેઓ કરવેરો ભરતા નથી અથવા કાળું-ધોળું કરે છે, તેઓની સરખામણીમાં તમારી પાસે ઓછા પૈસા બચે. પણ તમે ખાતરી રાખી શકો કે ઈશ્વર પોતાના વચન પ્રમાણે તેમના વફાદાર ભક્તોની સંભાળ રાખશે. બાઇબલના એક લેખક દાઉદે કહ્યું હતું: “એક સમયે હું યુવાન હતો ને હવે ઘરડો થયો છું. પણ મેં એવું જોયું નથી કે સચ્ચાઈથી ચાલનારને ઈશ્વરે ત્યજી દીધો હોય, કે પછી તેનાં બાળકો ભીખ માંગતા હોય.”—ગીતશાસ્ત્ર ૩૭:૨૫.
છેલ્લે, કરવેરો ભરવા વિશે બાઇબલની સલાહ સમજશો અને પાળશો, તો તમને મનની શાંતિ મળશે. આ દાખલાનો વિચાર કરો: ઘરમાલિક તમારા ભાડાના પૈસાથી જે કંઈ કરે છે, એ માટે સરકાર તમને જવાબદાર નથી ગણતી. એવી જ રીતે, કરવેરાના પૈસાથી સરકારો જે કંઈ કરે છે, એ માટે ઈશ્વર તમને જવાબદાર નથી ગણતા. દક્ષિણી યુરોપમાં રહેતા સ્ટેલવિયોભાઈનો વિચાર કરો. યહોવાના સાક્ષી બન્યા એ પહેલાં તે પોતાના દેશમાં થતા અન્યાય સામે લડતા હતા. પણ પછી તેમણે એમ કરવાના પ્રયત્નો છોડી દીધા. એ વિશે તેમણે જણાવ્યું: “મારે સ્વીકારવું પડ્યું કે માણસો આખી દુનિયામાં ન્યાય, શાંતિ અને એકતા લાવી શકતા નથી. ફક્ત ઈશ્વરનું રાજ્ય જ એમ કરી શકે છે.”
જો તમે ‘જે ઈશ્વરનું છે એ ઈશ્વરને આપશો,’ તો સ્ટેલવિયોની જેમ ખાતરી રાખી શકશો કે ઈશ્વર ન્યાય લાવશે. એ સમય બહુ જલદી આવશે, જ્યારે ઈશ્વર આખી દુનિયા પર ન્યાયથી રાજ કરશે અને માણસોના રાજમાં થયેલા અન્યાય, યાતના અને ત્રાસને દૂર કરશે.
[ફૂટનોટ]
a યહોવાના સાક્ષીઓ કરવેરો ભરે છે એ વિશે વધારે જાણવા ચોકીબુરજ, નવેમ્બર ૧, ૨૦૦૨, પાન ૧૩, ફકરો ૧૫ અને મે ૧, ૧૯૯૬, પાન ૧૭, ફકરો ૭ જુઓ.
[પાન ૨૨ પર બ્લર્બ]
ઈશ્વર આપણાથી અનેક ગણા બુદ્ધિશાળી છે, એટલે આપણે પોતાના વિચારોમાં ફેરફાર કરવો જોઈએ અને તેમની જેમ વિચારવાનું શીખવું જોઈએ
[પાન ૨૩ પર બ્લર્બ]
ઈશ્વરભક્તો કરવેરો ભરીને ઈશ્વર આગળ સાફ અંતઃકરણ રાખે છે. એટલું જ નહિ, તેઓ બતાવે છે કે પોતાની જરૂરિયાતો પૂરી કરવા તેઓ ઈશ્વર પર ભરોસો રાખે છે
[પાન ૨૨ પર ચિત્રો]
“જે સમ્રાટનું છે એ સમ્રાટને અને જે ઈશ્વરનું છે એ ઈશ્વરને આપો”
[ક્રેડીટ લાઈન]
Copyright British Museum