પ્રકરણ બે
શુદ્ધ અંતઃકરણ રાખવા શું કરશો?
“શુદ્ધ અંતઃકરણ રાખો.”—૧ પિતર ૩:૧૬.
૧, ૨. આપણને કેમ અંધારામાં ટૉર્ચની જરૂર પડે છે? ટૉર્ચની જેમ આપણું અંતઃકરણ કેવી રીતે મદદ કરે છે?
કલ્પના કરો કે તમારે રાતે અંધારામાં ચાલીને ક્યાંક જવાનું છે. તમે ખાડા-ખાબોચિયામાં પડી ન જાવ અને રસ્તો સારી રીતે જોઈ શકો એ માટે સાથે શું લેશો? ટૉર્ચ લેશો, ખરું ને! ટૉર્ચના પ્રકાશમાં તમે ધારેલી જગ્યાએ સલામત પહોંચી શકશો.
૨ જો તમારી પાસે ટૉર્ચ ન હોય, તો તમે રસ્તો બરાબર જોઈ નહિ શકો. કદાચ ઠોકર ખાઈને પડી જાવ અને વાગે પણ ખરું. અરે, અંધારામાં જીવ પણ જોખમમાં આવી પડે. અંધારામાં સહીસલામત ચાલવા ટૉર્ચની જરૂર છે તેમ, જીવનના ખરા માર્ગે ચાલવા મદદની જરૂર છે. એ માટે યહોવાએ આપણને અંતઃકરણની ભેટ આપી છે. (યાકૂબ ૧:૧૭) એને સારી રીતે કેળવીએ તો એ આપણને ખરા માર્ગે, જીવનને માર્ગે દોરશે. પણ જો નહિ કેળવીએ તો મોટી તકલીફો ઊભી થશે. ચાલો જોઈએ કે અંતઃકરણ શું છે અને એ આપણા માટે શું કરે છે. પછી એક-એક કરીને આ ત્રણ મુદ્દાઓ જોઈશું: (૧) અંતઃકરણ કઈ રીતે કેળવી શકાય? (૨) આપણે બીજાના અંતઃકરણનો વિચાર કેમ કરવો જોઈએ? (૩) સારી રીતે કેળવેલા અંતઃકરણથી આપણને કેવા લાભ થાય છે?
અંતઃકરણ શું છે? એ આપણા માટે શું કરે છે?
૩. અંતઃકરણ એટલે શું? એનાથી આપણે શું કરી શકીએ છીએ?
૩ ગુજરાતીમાં “અંતઃકરણ” એટલે પોતાના વિષે જ્ઞાન હોવું અથવા અંતરનો અવાજ. અંતઃકરણ માટે કોઈ વાર “અંતર,” “મન,” “હૃદય” અને “દિલ” જેવા શબ્દો પણ વપરાય છે. યહોવાએ ફક્ત મનુષ્યને જ અંતઃકરણ આપ્યું છે, જેની મદદથી આપણે પોતાને જાણી શકીએ છીએ. કઈ રીતે? અંતઃકરણ આપણાં વાણી-વર્તન, સ્વભાવ અને પસંદગીને તપાસીને ખરું-ખોટું પારખવા મદદ કરે છે. એ સારો નિર્ણય લેવા મદદ કરે છે અને કંઈક ખોટું કરવા જઈએ તો તરત ચેતવે છે. સારો નિર્ણય લીધો હોય તો અંતઃકરણ ખુશ થશે, પણ ખોટો નિર્ણય લીધો હશે તો એ ડંખ્યા કરશે.
૪, ૫. (ક) આદમ અને હવાને અંતઃકરણ હતું એની શું સાબિતી છે? અંતરનો અવાજ ન સાંભળવાને લીધે તેઓનું શું થયું? (ખ) અંતરનો અવાજ સાંભળીને ચાલ્યા હોય એવા લોકોના બે દાખલા આપો.
૪ યહોવાએ આદમ અને હવાને અંતઃકરણ સાથે ઉત્પન્ન કર્યા હતા. એની શું સાબિતી? પાપ કર્યા પછી તેઓ યહોવાનો અવાજ સાંભળીને સંતાઈ ગયા હતા. એ બતાવે છે કે તેઓનું અંતર ડંખ્યું હતું. (ઉત્પત્તિ ૩:૭, ૮) અફસોસની વાત કે ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ચૂક્યું હતું. તેઓ સંપૂર્ણ હતા અને ખરો નિર્ણય લઈ શકતા હતા. તોપણ તેઓએ જાણીજોઈને યહોવાની આજ્ઞા તોડી. હવે તેઓ માટે પાછા ફરવાનો કોઈ માર્ગ ન હતો.
૫ પરંતુ, બધા જ લોકો આદમ અને હવા જેવા ન બન્યા. ઘણા લોકોએ અપૂર્ણ હોવા છતાં અંતરનો અવાજ સાંભળ્યો. જેમ કે, અયૂબ સચ્ચાઈથી ચાલ્યા હોવાથી કહી શક્યા કે “મારા આયુષ્યમાં કોઈ પણ પ્રસંગ વિષે મારું મન મને ડંખતું નથી.” (અયૂબ ૨૭:૬) અયૂબ પોતાના અંતરનો અવાજ સાંભળતા, એ પ્રમાણે ચાલતા. એટલે જ તે પૂરા ભરોસાથી કહી શક્યા કે “મારું મન મને ડંખતું નથી.” હવે દાઉદનો દાખલો લો. એક વાર દાઉદે યહોવાના પસંદ કરેલા રાજા શાઉલનું અપમાન કર્યું. બાઇબલ જણાવે છે કે ‘એને લીધે દાઉદના મને તેને માર્યો.’ (૧ શમુએલ ૨૪:૫) દાઉદનું મન ડંખ્યું એનાથી તેમને લાભ થયો. એ પછી દાઉદને તક મળી તોય શાઉલનું અપમાન ન કર્યું.
૬. શું બતાવે છે કે યહોવાએ બધાને અંતઃકરણની ભેટ આપી છે?
૬ શું અંતઃકરણ ફક્ત યહોવાના ભક્તો પાસે જ છે? ના, એ તો સર્વ લોકો પાસે છે. પાઉલના આ શબ્દો વિચારો: ‘મોટા ભાગના લોકો પાસે નિયમશાસ્ત્ર નથી. તેઓ જ્યારે સ્વાભાવિક રીતે નિયમશાસ્ત્ર પ્રમાણે વર્તે છે, ત્યારે તેઓને નિયમશાસ્ત્ર ન હોવા છતાં તેઓ પોતે પોતાને માટે નિયમરૂપ છે. તેઓનાં અંતઃકરણમાં નિયમ લખેલો છે એ તેઓનાં કામ બતાવી આપે છે. તેઓની પ્રેરકબુદ્ધિ એ વિષે સાક્ષી આપે છે. તેઓના વિચાર પોતાને દોષિત અથવા નિર્દોષ ઠરાવે છે.’ (રોમનો ૨:૧૪, ૧૫) આ બતાવે છે કે દુનિયાના લોકો પાસે પણ અંતઃકરણ છે. તેઓ યહોવાના નિયમો કે સિદ્ધાંતો જાણતા ન હોવા છતાં, કોઈ વાર એ પ્રમાણે વર્તે છે.
૭. કોઈ વાર આપણું અંતઃકરણ કેમ ખોટે રસ્તે લઈ જઈ શકે છે?
૭ પરંતુ, કોઈ વાર અંતઃકરણ આપણને ખોટે રસ્તે લઈ જઈ શકે. ફરીથી ટૉર્ચનો વિચાર કરો. જો એની બેટરી ડીમ થઈ ગઈ હોય કે ઊતરી ગઈ હોય તો પ્રકાશ નહિ આપે અને આપણે રસ્તો બરાબર જોઈ નહિ શકીએ. આપણું અંતઃકરણ ટૉર્ચ જેવું છે. જો અંતઃકરણમાં બાઇબલના સિદ્ધાંતો બરાબર ઉતાર્યા નહિ હોય, તો આપણે પારખી નહિ શકીએ કે સારું શું ને ખરાબ શું. તેમ જ, જો આપણે સ્વાર્થી ઇચ્છાઓ પૂરી કરવા પાછળ પડી જઈશું, તો કદાચ આપણું અંતઃકરણ ખોટા રસ્તે લઈ જશે. એવું ન થાય એ માટે આપણે યહોવાની શક્તિની મદદ માગીએ. પાઉલે લખ્યું કે ‘મારું અંતઃકરણ ઈશ્વરની શક્તિમાં સાક્ષી પૂરે છે.’ (રોમનો ૯:૧) આપણે પણ કઈ રીતે ખાતરી કરી શકીએ કે આપણું અંતઃકરણ ઈશ્વરની શક્તિને આધીન રહીને કામ કરે છે? આપણું અંતઃકરણ બરાબર કેળવીને.
અંતઃકરણ કઈ રીતે કેળવવું?
૮. (ક) અમુક લોકો કઈ રીતે નિર્ણય લે છે? આપણે શું ધ્યાનમાં રાખવું જોઈએ? (ખ) સાફ અંતઃકરણ હોય એટલું જ કેમ પૂરતું નથી? (ફૂટનોટ જુઓ.)
૮ તમે કઈ રીતે નિર્ણય લો છો? તમે કદાચ કહેશો, ‘મારું મન કહે એમ કરીશ. જ્યાં સુધી એ ન ડંખે ત્યાં સુધી બધું બરાબર છે.’ પણ ચેતીને ચાલો, આપણું મન જે કહે એ હંમેશાં ખરું હોતું નથી. એ આપણને ભમાવી શકે છે. બાઇબલ કહે છે કે “હૃદય સહુથી કપટી છે, તે અતિશય ભૂંડું છે; તેને કોણ જાણી શકે?” (યર્મિયા ૧૭:૯) એટલે કોઈ પણ નિર્ણય લેવામાં હૃદય કે મન શું ચાહે છે એ જ મહત્ત્વનું નથી. પણ યહોવા શું ચાહે છે, તેમને શાનાથી ખુશી મળે છે એ મહત્ત્વનું છે.a
૯. યહોવાનો ડર રાખીને ચાલીશું તો આપણા કોઈ પણ નિર્ણય પર કેવી અસર પડશે?
૯ આપણું અંતઃકરણ બાઇબલ દ્વારા કેળવાયેલું હશે તો આપણે યહોવાના માર્ગદર્શન પ્રમાણે નિર્ણય લઈશું, પોતાની મરજી પ્રમાણે નહિ. ઈશ્વરભક્ત નહેમ્યાનો દાખલો લઈએ. તે યરુશાલેમના મોટા અધિકારી હતા. યહોવાના લોકો પાસેથી તે પોતાનો ખર્ચ અને કરવેરો માગી શકતાʼતા. પણ તેમણે એવું કર્યું નહિ. લોકો પર એવો બોજો નાખીને યહોવાને નારાજ કરવાની કલ્પના પણ તે કરી શકતા ન હતા. એટલે નહેમ્યા કહી શક્યા કે ‘ઈશ્વરના ભયને લીધે મેં એમ કર્યું નથી.’ (નહેમ્યા ૫:૧૫) આપણે પણ યહોવાથી ડરીને ચાલીએ, તેમને કોઈ રીતે નારાજ ન કરીએ. એમ કરીશું તો કોઈ પણ નિર્ણય લેતા પહેલાં, બાઇબલમાંથી તેમનું માર્ગદર્શન શોધીશું.
૧૦, ૧૧. શરાબ પીવાની બાબતે બાઇબલમાં કયા સિદ્ધાંતો છે? એ સિદ્ધાંતો પાળવા આપણે કેવી રીતે યહોવાની મદદ લઈ શકીએ?
૧૦ કઈ રીતે આપણું અંતર કોઈ નિર્ણય લેવા મદદ કરી શકે? માનો કે તમે એવી જગ્યાએ રહો છો જ્યાં શરાબ પીવાની છૂટ છે. અમુક પ્રસંગે કોઈ તમને શરાબ આપે તો શું કરશો? શરાબ પીવો કે નહિ એ નક્કી કરવા પહેલાં તો વિચારવું જોઈએ કે ‘બાઇબલના કયા સિદ્ધાંતો મને મદદ કરશે?’ મર્યાદામાં શરાબ પીવાની બાઇબલ મના કરતું નથી. શરાબ તો યહોવાએ આપેલી ભેટ છે. (ગીતશાસ્ત્ર ૧૦૪:૧૪, ૧૫) પણ જેઓ શરાબ પીને ચકચૂર બને છે અને ધમાલ કરે છે, તેઓને બાઇબલ દોષિત ગણે છે. (લૂક ૨૧:૩૪; રોમનો ૧૩:૧૩) બાઇબલ બેહદ શરાબ પીવાને વ્યભિચાર જેવાં પાપ સમાન ગણે છે.b—૧ કરિંથી ૬:૯, ૧૦.
૧૧ બાઇબલના એવા સિદ્ધાંતો જીવનમાં ઉતારીને આપણે અંતરને કેળવીએ છીએ. એ આપણને ખરું-ખોટું પારખવા મદદ કરે છે. દાખલા તરીકે, કોઈ પ્રસંગે શરાબ પીવો કે નહિ, એવો નિર્ણય લેતી વખતે આપણે આવા સવાલો વિચારીશું: ‘એ કેવો પ્રસંગ છે? શું એમાં લોકો પીને ધમાલ કરશે? શરાબ પીવા વિષે મને કેવું લાગે છે? શું હું શરાબ વગર ચલાવી શકું છું? શું દુઃખ-તકલીફો ભૂલી જવા હું શરાબ પીઉં છું? પીવામાં શું હું પોતાના પર કાબૂ રાખી શકું છું?’ બાઇબલ સિદ્ધાંતો પર વિચાર કરીને પોતાને આવા સવાલો પૂછીએ તેમ, આપણે પ્રાર્થનામાં યહોવાની મદદ પણ માંગીએ. (ગીતશાસ્ત્ર ૧૩૯:૨૩, ૨૪) આમ, આપણે યહોવાનું માર્ગદર્શન લઈને પોતાનું અંતઃકરણ કેળવીએ છીએ. તેમના સિદ્ધાંતો ધ્યાનમાં રાખીને સારા નિર્ણયો લઈએ છીએ. જોકે, નિર્ણયો લેતી વખતે બીજી એક બાબતનું પણ ધ્યાન રાખવું જોઈએ.
બીજાઓના અંતઃકરણનો વિચાર કરો
૧૨, ૧૩. બધાનાં અંતઃકરણ કેમ એકસરખાં હોતાં નથી? આપણે કોઈ પણ નિર્ણય લેતા પહેલાં બીજાઓનો કેમ વિચાર કરવો જોઈએ?
૧૨ જેમ પાંચેય આંગળીઓ એકસરખી નથી, તેમ બધાનાં અંતઃકરણ એકસરખાં હોતાં નથી. એકને કશાકમાં વાંધો પડે, જ્યારે કે બીજાને એમાં વાંધા જેવું કંઈ ન લાગે! શરાબનો જ દાખલો લઈએ. કોઈને લાગે કે મિત્રો સાથે થોડો શરાબ પીવામાં કંઈ ખોટું નથી, જ્યારે બીજા કોઈને એ ન ગમે. એક જ સંજોગમાં લોકો કેમ જુદું જુદું વિચારે છે? આપણે કોઈ પણ નિર્ણય લેતા પહેલાં બીજાઓનો કેમ વિચાર કરવો જોઈએ?
૧૩ લોકોના વિચારો અલગ હોવાનાં ઘણાં કારણો છે. તેઓ જુદા જુદા માહોલમાં મોટા થયા હોય છે. અમુકે કદાચ પોતાની ખરાબ આદત છોડવા એક સમયે ઘણા પ્રયાસો કર્યા હશે, જેમાં માંડ માંડ સફળતા મળી હોય. એટલે તેઓ ચેતીને ચાલતા હોય છે. (૧ રાજાઓ ૮:૩૮, ૩૯) જ્યારે શરાબની વાત આવે, ત્યારે કદાચ એવી વ્યક્તિનું અંતઃકરણ તેમને ટોકે. માનો કે મંડળના એવા કોઈ ભાઈ કે બહેન તમારે ઘરે આવ્યા છે. તમે શરાબ આપો અને તે પીવાની ના પાડે તો, શું તમે ખોટું લગાડશો? શું તમે એમ કહેશો કે ‘થોડું તો પીઓ, એમાં શું વાંધો છે?’ ના. ભલે તે તમને કોઈ કારણ જણાવે કે ન જણાવે, પ્રેમને લીધે તમે તેમનો વિચાર કરશો.
૧૪, ૧૫. પહેલી સદીમાં કઈ બાબતે ભાઈ-બહેનોના અંતઃકરણ એકસરખાં ન હતાં? પાઉલે કેવી સલાહ આપી?
૧૪ પ્રેરિત પાઉલે પણ જોયું કે પહેલી સદીના ખ્રિસ્તીઓના વિચારો અમુક બાબતે એકસરખા ન હતા. દાખલા તરીકે, એ સમયે મૂર્તિઓને ચઢાવેલું માંસ બજારમાંથી ખરીદીને ખાવામાં અમુક ભાઈ-બહેનોને વાંધો ન હતો. જ્યારે કે અમુકને એવો ખોરાક ખાવામાં સખત વાંધો હતો. (૧ કરિંથી ૧૦:૨૫) પાઉલને એવો ખોરાક ખાવામાં વાંધો ન હતો, કેમ કે આખરે તો યહોવા જ એ પૂરો પાડતા હતા. તે માનતા હતા કે સઘળો ખોરાક યહોવા તરફથી જ આવે છે. પાઉલ માટે તો મૂર્તિઓ નકામી હતી. પણ તે જાણતા હતા કે બધા તેમના જેવું વિચારતા ન હતા. અમુક ભાઈ-બહેનો યહોવાને ભજવા માંડ્યા એ પહેલાં, કદાચ મૂર્તિપૂજા કરતા હતા. એટલે એને લગતી કોઈ પણ ચીજથી તેઓને નફરત હતી.
૧૫ અમુક ખ્રિસ્તીઓના વિચારો અલગ હોવા છતાં, પાઉલે તેઓની લાગણીને માન આપ્યું. તેમણે કહ્યું કે બીજાની ‘નબળાઈ સહન કરવી અને પોતાની જ ખુશી પ્રમાણે ન કરવું, એ આપણી ફરજ છે. ખ્રિસ્ત પોતે પણ પોતાની મરજી પ્રમાણે કરતા ન હતા.’ (રોમનો ૧૫:૧, ૩) પાઉલ સમજાવતા હતા કે ઈસુની જેમ આપણે પણ પહેલા પોતાનો નહિ, બીજાઓનો વિચાર કરવો જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે ‘જો માંસ ખાવાથી કોઈ ભાઈ-બહેનને ઠોકર લાગતી હોય, તો હું એ ખાવાનું સાવ છોડી દઈશ.’ પાઉલ એ ખ્રિસ્તીઓ માટે કોઈ રીતે ઠોકરનું કારણ બનવા માગતા ન હતા, કેમ કે તેઓ માટે ઈસુએ પોતાનો જીવ આપી દીધો હતો.—૧ કરિંથી ૮:૧૩; ૧૦:૨૩, ૨૪, ૩૧-૩૩.
૧૬. અમુક બાબતે આપણને વાંધો હોય, પણ બીજાઓને વાંધો ન હોય તો કેમ તેઓની ટીકા ન કરવી જોઈએ?
૧૬ અમુક બાબતે આપણને વાંધો હોય, પણ બીજાઓને એમાં વાંધો ન હોય તો, તેઓની ટીકા ન કરવી જોઈએ. તેઓ પણ આપણી જેમ જ વિચારે એવી હઠ પકડવી ન જોઈએ. (રોમનો ૧૪:૧૦) આપણા અંતઃકરણથી પોતાનો જ ન્યાય કરીએ, બીજાઓનો નહિ. ઈસુના આ શબ્દો યાદ રાખીએ: “તમે કોઈને દોષિત ન ઠરાવો, એ માટે કે તમને કોઈ દોષિત ન ઠરાવે.” (માથ્થી ૭:૧) આપણું અંતઃકરણ કહે એમ બીજાઓ પણ કરે એવી હઠ પકડીશું તો, મંડળમાં તકરાર ઊભી થશે. એને બદલે, આપણે મંડળમાં પ્રેમ અને સંપ રાખવા બનતું બધું કરીએ.—રોમનો ૧૪:૧૯.
શુદ્ધ અંતઃકરણથી મળતા આશીર્વાદો
૧૭. આજે ઘણાના અંતઃકરણ કેવાં થઈ ગયાં છે?
૧૭ પિતરે લખ્યું કે “શુદ્ધ અંતઃકરણ રાખો.” (૧ પિતર ૩:૧૬) યહોવાની નજરે શુદ્ધ હોય એવું અંતઃકરણ એક મોટો આશીર્વાદ છે. પણ આજે ઘણાનાં અંતઃકરણ જાણે કે બહેર મારી ગયાં છે. પાઉલે કહ્યું હતું તેમ, એવા લોકોનાં “અંતઃકરણ ડમાએલાં છે.” (૧ તિમોથી ૪:૨) લાલચોળ ગરમ સળિયાથી ડામ દીધો હોય તો ચામડી ડમાઈ કે બહેર મારી જાય છે. એ જ રીતે, ઘણાના અંતઃકરણ બહેરાં થઈ ગયાં છે. એ તેઓને કંઈ ખોટું કરતા ચેતવતાં નથી કે ડંખતાં પણ નથી. ઘણાને લાગે છે કે એ તો સારું જ કહેવાય, ન આપણું અંતર ડંખે કે ન કોઈ અફસોસ થાય!
૧૮, ૧૯. (ક) અંતરનો અવાજ સાંભળવાથી કઈ રીતે આપણું જ ભલું થાય છે? (ખ) પસ્તાવો કર્યા પછી પણ આપણું અંતઃકરણ ડંખ્યા કરે તો શું કરવું જોઈએ?
૧૮ પરંતુ, હકીકત એ છે કે આપણું અંતઃકરણ ડંખે ત્યારે, એ જણાવે છે કે આપણે કંઈ ખોટું કર્યું છે. અંતરનો અવાજ સાંભળીને પસ્તાવો કરીએ તો, ભલે ગમે એવું ગંભીર પાપ હોય આપણને એની માફી મળી શકે છે. રાજા દાઉદનો વિચાર કરો. તેમણે ઘોર પાપ કર્યાં હતાં. પણ દિલથી પસ્તાવો કર્યો ત્યારે, તેમનાં પાપ માફ થયાં. દાઉદને પોતે કરેલાં પાપ માટે એટલી તો નફરત થઈ કે તેમણે યહોવાના નિયમો કદી નહિ તોડવાનું નક્કી કર્યું. એટલે જ તે અનુભવ કરી શક્યા કે યહોવા ભલા છે અને માફ કરવા તૈયાર છે. (ગીતશાસ્ત્ર ૫૧:૧-૧૯; ૮૬:૫) આપણે પસ્તાવો કરીએ અને માફી મેળવીએ, એ પછી પણ અંતઃકરણ ડંખ્યા કરે તો શું કરવું જોઈએ?
૧૯ માફી મેળવ્યા પછી પણ કોઈ વાર લાંબો સમય સુધી આપણું અંતર ડંખ્યા કરે છે, જેનો કોઈ ફાયદો નથી. જો એમ થાય તો પોતાને ખાતરી કરાવવી જોઈએ કે યહોવા આપણી બધી લાગણીઓ સારી રીતે જાણે છે. તે આપણને ખૂબ ચાહે છે અને દિલથી પસ્તાવો કરીએ તો માફી આપે છે. આપણે ઘણી વાર બીજાઓને આવું ઉત્તેજન આપીએ છીએ. આપણને પોતાને પણ આવા ઉત્તેજનની જરૂર છે. (૧ યોહાન ૩:૧૯, ૨૦) યહોવાની નજરે શુદ્ધ અંતઃકરણ અનમોલ છે. એનાથી આપણને જીવનમાં મનની શાંતિ, આનંદ અને સંતોષ મળે છે, જે આ દુનિયામાં ભાગ્યે જ મળે છે. આજે પણ યહોવાના ભક્તોમાં ઘણા એવા છે, જેઓએ પહેલાં ખોટાં કામો કર્યાં હતાં. હવે તેઓ યહોવાની માફી મેળવીને રાહત અનુભવે છે, શુદ્ધ અંતઃકરણથી યહોવાની ભક્તિ કરી શકે છે.—૧ કરિંથી ૬:૧૧.
૨૦, ૨૧. (ક) આ પુસ્તક આપણને કેવી રીતે મદદ કરશે? (ખ) યહોવાએ આપણને કઈ આઝાદી આપી છે અને એનો કેવો ઉપયોગ કરવો જોઈએ?
૨૦ શેતાની દુનિયાના આ છેલ્લા દિવસોમાં ઘણી મુશ્કેલીઓ આવે છે, જેમાં શુદ્ધ અંતઃકરણ રાખવું મુશ્કેલ બની શકે. આ પુસ્તક આપણને શુદ્ધ અંતઃકરણથી યહોવાની ભક્તિ કરવા મદદ કરશે. ખરું કે આમાં દરેક સંજોગ માટે બાઇબલના નિયમ કે સિદ્ધાંતની ચર્ચા થઈ નથી. તેમ જ, પોતાના અંતઃકરણ પ્રમાણે નિર્ણય લેવા ‘આમ કરો કે તેમ ન કરો,’ એવા કોઈ નિયમો પણ આપ્યા નથી. આ પુસ્તકનો મકસદ છે કે બાઇબલના સિદ્ધાંતો કઈ રીતે જીવનમાં લાગુ પાડવા, એ તમે શીખો. એનાથી યહોવાની નજરે ખરું-ખોટું પારખવા તમારું અંતઃકરણ કેળવાશે. પછી તમે અંતરનો અવાજ સાંભળીને, બાઇબલના સિદ્ધાંતો પ્રમાણે કોઈ પણ નિર્ણય લઈ શકશો. આ રીતે આપણે “ખ્રિસ્તનો નિયમ” પાળનારા થઈશું. એ નિયમ મૂસાના લેખિત નિયમો જેવો નથી, પણ એ તો સિદ્ધાંતો અને અંતઃકરણને આધારે જીવવા જણાવે છે. (ગલાતી ૬:૨) યહોવા આપણને નિયમોથી બાંધી દેવાને બદલે, કેટલી બધી આઝાદી આપે છે! જોકે, બાઇબલ જણાવે છે કે ‘તમારી આઝાદીનો ઉપયોગ ખોટાં કામ કરવા માટે ન કરો.’ (૧ પિતર ૨:૧૬, IBSI) એ આઝાદી તો યહોવાને આપણો પ્રેમ બતાવવાની સુંદર તક આપે છે.
૨૧ તમે યહોવા વિષે શીખવા માંડ્યા ત્યારથી જીવનના માર્ગે ચાલવાનું શરૂ કર્યું છે. એ માર્ગે ચાલતા રહેવા કોઈ પણ નિર્ણય લેતા પહેલાં યહોવાને પ્રાર્થના કરો. બાઇબલના સિદ્ધાંતો પર વિચાર કરીને, એને આધારે નિર્ણય લો. આમ કરતા રહેશો તો તમે ધીમે ધીમે પોતાના અંતઃકરણને ‘ખરું-ખોટું પારખતા’ કેળવશો. (હિબ્રૂ ૫:૧૪) બાઇબલ દ્વારા કેળવાયેલું અંતઃકરણ એક મોટો આશીર્વાદ છે. જેમ ટૉર્ચથી રસ્તા પર પ્રકાશ ફેલાય છે, તેમ બાઇબલથી કેળવાયેલું અંતઃકરણ રોજ-બ-રોજના જીવનમાં પ્રકાશ ફેલાવે છે. એ એવા નિર્ણયો લેવા મદદ કરે છે, જેનાથી યહોવા ખુશ થાય છે. યહોવાના પ્રેમની છાયામાં રહેવાની આ એક સુંદર રીત છે.
a સાફ અંતઃકરણથી કરેલાં કામો પણ ખોટાં હોઈ શકે. પાઉલનો દાખલો લો. તે ખ્રિસ્તી બન્યા પહેલાં, ઈસુના શિષ્યોની સતાવણી કરતા હતા. તેમની જેમ બીજા લોકો પણ શિષ્યોની સતાવણી કરતા. એવી સતાવણી કરતી વખતે તેઓનું મન ડંખતું ન હતું. તેઓ તો માનતા હતા કે પોતે ઈશ્વરની ઇચ્છા પૂરી કરે છે. પાઉલે કહ્યું, “જોકે હું પોતાને કોઈ પણ વાતમાં દોષિત જાણતો નથી, તોપણ એથી હું ન્યાયી ઠરતો નથી; પણ મારો ન્યાય કરનાર તે પ્રભુ [યહોવા] છે.” (૧ કરિંથી ૪:૪) એટલે આપણે ભલે સાફ અંતઃકરણથી કંઈક કરીએ, તોપણ ધ્યાન રાખવું જોઈએ કે યહોવાની નજરે એ બરાબર છે કે નહિ.—પ્રેરિતોનાં કૃત્યો ૨૩:૧; ૨ તિમોથી ૧:૩.
b ઘણા ડૉક્ટરોનું કહેવું છે કે દારૂડિયા લોકોએ શરાબની લત છોડવી હોય તો, જરા પણ પીવો ન જોઈએ.