સંપથી યહોવાહની ભક્તિ કરો
‘ઈસુ ખ્રિસ્તના પિતા ઈશ્વરની સ્તુતિ એક-રાગે ગાઓ.’ —રોમન ૧૫:૬, IBSI.
મંડળમાં આપણે હાથમાં હાથ મિલાવીને ચાલીએ છીએ. પણ એ સહેલું નથી. જેમ પાંચેય આંગળીઓ સરખી નથી, તેમ આપણે બધા એકબીજાથી અલગ છીએ. એટલે તકલીફો તો ઊભી થવાની જ. એ વખતે આપણે શું કરવું જોઈએ? પ્રેષિત પાઊલે પ્રથમ સદીના ખ્રિસ્તીઓને કહ્યું કે નાની ફરિયાદો મનમાં ભરીને ચાલ્યા કરવું જોઈએ નહિ. ચાલો આપણે જોઈએ કે કઈ રીતે એ જ સલાહ આપણને પણ લાગુ પડે છે.
સંપ ત્યાં જંપ
૨ પાઊલ જાણતા હતા કે મંડળમાં સંપ હોવો જોઈએ. પણ એ કંઈ સહેલી વાત નથી. (૧ કોરીંથી ૧:૧૧-૧૩; ગલાતી ૨:૧૧-૧૪) એટલે તેમણે વીસેક વર્ષ દરમિયાન જુદા જુદા મંડળોની મુલાકાત લીધી અને ભાઈ-બહેનોને એકબીજા સાથે હળી-મળીને રહેવાનું કહ્યું. (એફેસી ૪:૧-૩; કોલોસી ૩:૧૨-૧૪) રોમમાંના ખ્રિસ્તીઓને પાઊલે કહ્યું: ‘ધીરજ તથા ઉત્તેજનના ઝરા સમાન ઈશ્વર તમને સહાય કરશે જેથી તમે બધા સાથે મળીને એક અવાજે ઈશ્વર એટલે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતાની સ્તુતિ કરી શકશો.’ (રોમનો ૧૫:૫, ૬, પ્રેમસંદેશ) શું આપણે ખરેખર ‘એક અવાજ’ કે એક રાગથી ઈશ્વરની સ્તુતિ ગાઈ શકીએ?
૩ રોમના મંડળમાં પાઊલ ઘણાને ઓળખતા હતા. તેઓ બધા એકસરખા સ્વભાવના ન હતા. (રૂમી ૧૬:૩-૧૬) તોપણ પાઊલને બધા સાથે દોસ્તી હતી, કેમ કે તેઓ ‘ઈશ્વરના પ્રિય’ ભક્તો હતા. પાઊલે કહ્યું: “સૌ પ્રથમ હું તમ સર્વને માટે ઈસુ ખ્રિસ્તની મારફતે મારા ઈશ્વરનો આભાર માનું છું; કારણ, આખી દુનિયામાં તમારા વિશ્વાસની વાત જાહેર થઈ છે.” એ સાંભળીને ત્યાંના ભાઈ-બહેનો કેટલા ખુશ થયા હશે! (રોમનો ૧:૭, ૮, પ્રેમસંદેશ; રૂમી ૧૫:૧૪) પણ એવું ન હતું કે તેઓ વચ્ચે કદી ભેદભાવ ઊભા ન થતા. આપણા મંડળમાં પણ એમ જ બની શકે છે. આપણે બધા અલગ સ્વભાવના છીએ. એટલે મતભેદો તો ઊભા થવાના જ. પણ પાઊલની સલાહ પાળવાથી આપણે મંડળમાં શાંતિ જાળવી રાખીશું. આમ, આપણે પણ એક રાગે યહોવાહની ભક્તિ કરી શકીશું.
૪ રોમના મંડળમાં યહુદી અને ગ્રીક ખ્રિસ્તીઓ હતા. (રૂમી ૪:૧; ૧૧:૧૩) ઈસુના મરણ બાદ, નિયમ કરાર નકામો બની ગયો. હવેથી યહોવાહની ભક્તિમાં તેઓએ નિયમ કરાર પાળવાનો ન હતો. તેઓએ તો ઈસુને પગલે ચાલવાનું હતું. ઘણા યહુદીઓ તરત જ એમ કરવા લાગ્યા. પણ અમુક હજુ જૂના રિવાજો પાળતા રહ્યા. (ગલાતી ૪:૮-૧૧) તોપણ તેઓ સર્વ ‘ઈશ્વરના પ્રિય’ ભક્તો હતા. સંપ જાળવી રાખવાથી તેઓ હજી એક રાગે ઈશ્વરની સ્તુતિ ગાઈ શકતા હતા. આજે પણ ભલે આપણા વિચારો અલગ હોય, તોપણ આપણે હળી-મળીને યહોવાહની ભક્તિ કરવી જોઈએ. કઈ રીતે? ચાલો આપણે પાઊલની સલાહ વિષે વધુ જાણીએ અને એ દિલમાં ઉતારીએ.—રૂમી ૧૫:૪.
“એકબીજાને ઉષ્માભર્યો આવકાર આપો”
૫ નિયમ કરાર પ્રમાણે, ડુક્કરનું માંસ ખાવું પાપ હતું. (લેવીય ૧૧:૭) પણ ઈસુના મરણના સાડા ત્રણ વર્ષ પછી, યહોવાહે પીતરને સંદર્શનમાં જણાવ્યું કે ખ્રિસ્તીઓ કોઈ પણ જાનવરનું માંસ ખાઈ શકે છે. (પ્રેરિતોનાં કૃત્યો ૧૧:૭-૧૨) તો પછી, રૂમીઓને પત્રમાં પાઊલે શા માટે લખ્યું કે, “કોઈનો વિશ્વાસ તો એવો છે કે તે બધુંએ ખાય છે, પણ કોઈ તો વિશ્વાસમાં નબળો હોવાથી શાકભાજી જ ખાય છે”? (રૂમી ૧૪:૨) અમુક હજી નિયમ કરાર પાળતા હતા. જ્યારે કે અમુક માનતા હતા કે ઈસુની કુરબાનીને લીધે નિયમ કરાર પાળવાની હવે કોઈ જરૂર ન હતી.—એફેસી ૨:૧૫, ૧૬.
૬ તોપણ અમુક યહુદીઓ હજી માનતા હતા કે નિયમ પ્રમાણે અમુક જાનવરોનું માંસ ખાવું ખોટું છે. અરે, એના વિચારથી પણ તેઓને ચીતરી ચડતી હતી. તેથી, બીજા યહુદી ખ્રિસ્તીઓને એવું માંસ ખાતા જોઈને તેઓને ખૂબ મનદુઃખ થયું. મંડળમાં ગ્રીક અને બીજી જાતિના ખ્રિસ્તીઓ પણ હતા. આ લોકો તો પહેલેથી જ ડુક્કરનું માંસ ખાતા હતા. તેથી તેઓ પણ મૂંઝાઈ ગયા કે, ‘આવું માંસ ખાવામાં શું વાંધો છે?’ હકીકત એ હતી કે આવું માંસ ખાવામાં હવે કંઈ ખોટું ન હતું. પણ કોઈએ બીજાનો વાંક કાઢવાની જરૂર ન હતી કે ‘તમે એવું માંસ ખાવ તો, તમે યહોવાહના આશીર્વાદો મેળવશો નહિ.’ ખરેખર, જો ભાઈ-બહેનોએ ધ્યાન રાખ્યું ન હોત, તો આ નાની વાતમાંથી મોટી તકલીફ ઊભી થઈ ગઈ હોત. પછી તેઓ યહોવાહની એક રાગે સ્તુતિ કરી શક્યા ન હોત.
૭ પાઊલ બીજો દાખલો આપે છે: “કોઈએક તો અમુક દિવસને બીજા કરતાં વધારે પવિત્ર ગણે છે, અને બીજો સર્વ દિવસોને સરખા ગણે છે.” (રૂમી ૧૪:૫ક) નિયમ કરાર પ્રમાણે સાબ્બાથના દિવસે યહુદીઓ કંઈ કામ ન કરતા, અરે, એ દિવસે તેઓ મુસાફરી પણ ન કરતા. (નિર્ગમન ૨૦:૮-૧૦; માત્થી ૨૪:૨૦; પ્રેરિતોનાં કૃત્યો ૧:૧૨) પણ ઈસુના મરણ પછી એ નિયમ પાળવાની કોઈ જરૂર ન હતી. પરંતુ, અમુક યહુદી ખ્રિસ્તીઓ હજુ પણ સાબ્બાથને પવિત્ર ગણતા. એટલે એ દિવસે તેઓ કોઈ કામ ન કરતા, મુસાફરી પણ ન કરતા. બસ યહોવાહની ભક્તિ જ કરતા રહેતા. શું આ ખોટું હતું? ના. પણ તેઓ બીજાઓને સાબ્બાથ પાળવા બળજબરી કરી શકે નહિ. એટલે સંપ જાળવી રાખવા, પાઊલે મંડળને આ સલાહ આપી: ‘દરેકે પોતપોતાના મનમાં ખાતરી કરવી’ જોઈએ.—રૂમી ૧૪:૫ખ.
૮ પાઊલે કહ્યું કે જેઓ હજુ નિયમ કરારમાં માનતા હતા, તેઓ સાથે ધીરજ રાખો. તેમણે કહ્યું: ‘તેવાઓ સાથે ગુસ્સામાં નહિ, પણ પ્રેમથી વાત કરો.’ જોકે, પાઊલે નિયમ કરાર પાળનારાને પણ સલાહ આપી કે ‘યહોવાહના કોઈ પણ ભક્તને મુસાનો નિયમ પાળવા બળજબરી ન કરો.’ પાઊલે લગભગ ૬૧ની સાલમાં હેબ્રીના પુસ્તકમાં લખ્યું કે મુસાનો નિયમ પાળવાની કોઈ જ જરૂર નથી. યહોવાહના આશીર્વાદો મેળવવા ખ્રિસ્તીઓએ હવેથી ઈસુ પર શ્રદ્ધા મૂકવાની જરૂર છે.—ગલાતી ૫:૧-૧૨; તીતસ ૧:૧૦, ૧૧; હેબ્રી ૧૦:૧-૧૭.
૯ આ બતાવે છે કે અમુક નિર્ણયો બાઇબલની વિરુદ્ધ જતા નથી. તોપણ એ મંડળમાં ભાગલા પાડી શકે છે. જેઓ સાબ્બાથે કામ કરતા હતા કે ડુક્કરનું માંસ ખાતા હતા, તેઓને પાઊલે પૂછ્યું: “તું પોતાના ભાઈને કેમ દોષિત ઠરાવે છે?” (રૂમી ૧૪:૧૦) પાઊલનું કહેવું હતું કે કોઈ ભાઈ કે બહેને એકબીજાનો ન્યાય કરવો જોઈએ નહિ. તેઓ પોતે જ બરાબર છે, એમ વિચારવું ન જોઈએ.—રૂમી ૧૨:૩, ૧૮.
૧૦ આના પર ભાર મૂકતા પાઊલે કહ્યું: “જેઓ બધું જ ખાય છે તેઓએ નહિ ખાનારને તુચ્છ ન ગણવા અને જેઓ નથી ખાતા તેમણે ખાનારને દોષિત ન ઠરાવવા, કારણ કે ઈશ્વરે તેઓને પોતાનાં બાળકો તરીકે સ્વીકાર્યા છે.” પાઊલે એ પણ કહ્યું: “જેમ ખ્રિસ્તે તમારો સ્વીકાર કર્યો છે, તેમ તમે પણ મંડળીમાં એકબીજાને ઉષ્માભર્યો આવકાર આપો.” (રોમન ૧૪:૩; ૧૫:૭, IBSI) પાઊલ કહેવા માગતા હતા કે ભાઈ-બહેનો નિયમ કરારને માને કે ન માને, એ બંનેની ભક્તિથી યહોવાહ ખુશ થાય છે. એ જ રીતે, ભલે ભાઈ-બહેનો અલગ નિર્ણય લે, આપણે તેઓ સાથે સંપીને રહેવું જ જોઈએ.
જુદા મનના છતાં એક દિલના
૧૧ પાઊલે રોમના ભાઈ-બહેનોને આ સલાહ આપી ત્યારે મંડળમાં ઘણા ફેરફારો થયા હતા. નિયમ કરાર નકામો બની ગયો હતો, કેમ કે ઈસુએ એક નવો નિયમ આપ્યો હતો. પણ અમુક ભાઈ-બહેનો હજુ નિયમ કરાર છોડી શકતા ન હતા. આજે મંડળમાં આવા મોટા ફેરફારો થતા નથી. પણ એના જેવી તકલીફો હજી ઊભી થતી હોય છે.
૧૨ દાખલા તરીકે, એક સ્ત્રી એવો ધર્મ પાળતી જેમાં તે ફક્ત સાદાં કપડાં જ પહેરતી. પછી તે યહોવાહની સાક્ષી બની. શું હવે પણ તે સાદાં જ કપડાં પહેરશે? બાઇબલ એવું કંઈ કહેતું નથી કે સ્ત્રીઓ મેક-અપ ન કરી શકે કે રંગબેરંગી કપડાં ન પહેરી શકે. તોપણ આ બહેન સાવ સાદાં કપડાં પહેરે છે જેથી પોતાનું મન ન ડંખે. પણ જો તે કહેવા માંડે કે ‘બધી બહેનોએ સાદાં કપડાં પહેરવા જોઈએ,’ તો એ ખોટું છે. જો મંડળની બહેનો તેને રંગબેરંગી કપડાં પહેરવાનું દબાણ કરે, તો તેઓ પણ ખોટું કરે છે.
૧૩ હવે એક માણસનો દાખલો લો. તેના ધર્મમાં શરાબ પીવાની મનાઈ છે. પછી તે યહોવાહનો સાક્ષી બને છે. બાઇબલ જણાવે છે કે દારૂડિયા ન બનવું, પણ લિમિટમાં શરાબ પીવામાં કંઈ ખોટું નથી. (ગીતશાસ્ત્ર ૧૦૪:૧૫) હવે એ ભાઈ નિર્ણય લે છે કે તે પીશે નહિ. જ્યારે બીજા ભાઈ-બહેનો શરાબ પીએ છે, ત્યારે તે ફરિયાદ કરતો નથી. તે પાઊલની આ સલાહ પાળે છે: ‘જે બાબતો શાંતિકારક છે એવી બાબતોની પાછળ આપણે લાગુ રહેવું.’—રૂમી ૧૪:૧૯.
૧૪ આવા તો અનેક સંજોગ દરરોજ ઊભા થઈ શકે. દાખલા તરીકે, ઘણા મંડળમાં અનેક નાત-જાતના લોકો હોય છે. તેઓ જુદી સ્ટાઈલના કપડાં પહેરશે, હેર-સ્ટાઈલ અલગ હશે. એમાં કંઈ ખોટું નથી.a ભલે ગમે તેવી સ્ટાઈલ હોય, આપણે બાઇબલના સિદ્ધાંતો પ્રમાણે ચાલીએ. બાઇબલ કહે છે કે આપણે એવા કપડાં ન પહેરીએ કે એવી હેર-સ્ટાઈલ ન રાખીએ જેનાથી શરમાવું પડે. (૧ યોહાન ૨:૧૫-૧૭) આપણે એવું કશું જ ન કરીએ જેનાથી યહોવાહનું નામ બદનામ થાય.—યશાયાહ ૪૩:૧૦; યોહાન ૧૭:૧૬; ૧ તીમોથી ૨:૯, ૧૦.
કોઈને ઠોકર ખવડાવો નહિ
૧૫ પાઊલે કહ્યું કે આપણે જાણીજોઈને ભાઈ-બહેનોનું મનદુઃખ ન કરીએ. ભલે આપણે જે કરીએ એ ખોટું ન હોય, છતાં આપણે આ સલાહ પાળીએ: ‘માંસ ન ખાવું, દ્રાક્ષારસ ન પીવો, અને બીજી જે કોઈ બાબતથી તારો ભાઈ ઠોકર ખાય છે, તે ન કરવું.’ (રૂમી ૧૪:૧૪, ૨૦, ૨૧) પાઊલે એમ પણ કહ્યું: “આપણે જેઓ વિશ્વાસમાં દૃઢ છીએ, તેઓએ નિર્બળોના બોજ ઊંચકવામાં મદદ કરવી જોઈએ. આપણે પોતાનો જ વિચાર કરવો ન જોઈએ. એને બદલે, દરેકે પોતાનો ભાઈ વિશ્વાસમાં દૃઢ થાય તે માટે યત્ન કરવો કે જેથી તેનું હિત તથા તેની ઉન્નતિ થાય.” (રોમનો ૧૫:૧, ૨, પ્રેમસંદેશ) પ્રેમના લીધે આપણે એવું કંઈ ન કરીએ જેનાથી ભાઈ-બહેનોનું મન ડંખે. દાખલા તરીકે, આપણે લિમિટમાં શરાબ પી શકીએ. પણ જો કોઈ ભાઈ-બહેનને એ ન ગમે તો, તેની સામે જાણીજોઈને ન પીવું જોઈએ.
૧૬ હવે બીજો દાખલો લો. અમુક વિસ્તારમાં મોટા ભાગના લોકો અઠવાડિયાનો એક દિવસ સાબ્બાથ માને છે. શું આપણે જાણીજોઈને તેઓ સામે કામ કરીશું? ના, કેમ કે એનાથી તેઓને ખોટું લાગશે. એવું બની શકે કે આપણે પ્રચાર કરવા જઈએ ત્યારે તેઓ નહિ સાંભળે. હવે આનો વિચાર કરો. એક અમીર ખ્રિસ્તી ગરીબ દેશમાં કે વિસ્તારમાં પ્રચાર કરવા માટે રહેવા જાય છે. શું તેણે રાજાની માફક જીવવું જોઈએ? ના, તેણે ‘જેવા સાથે તેવા’ થઈ સાદું જીવન જીવવું જોઈએ. આ રીતે તે આસપાસના લોકોનું મનદુઃખ કરશે નહિ.
૧૭ હવે કલ્પના કરો: કદાચ તમે કારમાં જઈ રહ્યા છો. તમે છોકરાઓને રસ્તા પર રમતા જુઓ છો. ખરું કે રસ્તો રમવા માટે નથી, કાર માટે છે. એટલે શું તમે કાર ભગાવતા જ જશો? ના! તમે કાર ધીમી કરશો. એ જ રીતે આપણે એવું કંઈક કરીએ જેમાં કશું ખોટું નથી, પણ કોઈ ભાઈ કે બહેનને ન ગમે તો શું? તો તમે એમ કહેશો કે ‘એ મારી મરજી છે’? ના, પ્રેમને લીધે આપણે તેઓને ઠોકર ખવડાવીશું નહિ. (રૂમી ૧૪:૧૩, ૧૫) મંડળમાં શાંતિ જાળવી રાખવી વધારે મહત્ત્વની છે.
૧૮ પાઊલે ઈસુ વિષે કહ્યું: “ખ્રિસ્ત પોતે પણ પોતાની મરજી પ્રમાણે કરતો નહોતો; પણ લખ્યા પ્રમાણે તેને થયું, એટલે, ‘તારી નિંદા કરનારાઓની નિંદા મારા પર પડી.’” ઈસુએ આપણા માટે પોતાનો જીવ પણ આપી દીધો. તો શું મંડળમાં સંપ જાળવવા આપણે નાનો ભોગ ન આપી શકીએ? આપણા ભાઈ-બહેનોને ઠોકર ન લાગે એ માટે શું આપણે કંઈ પણ કરવા તૈયાર છીએ? ચાલો બીજાઓનો વિચાર કરીને આપણે ઈસુને પગલે ચાલીએ.—રૂમી ૧૫:૧-૬.
૧૯ તો મંડળમાં સંપ રાખવા આપણે શું કરીશું? આપણે જોઈ ગયા તેમ બાઇબલ નિયમો ઉપર નિયમો આપતું નથી. ઘણી વાર એ ફક્ત સિદ્ધાંતો આપે છે. તેથી, આપણા વિચારોમાં મતભેદ તો હોવાના જ. તેમ છતાં, આપણે બધા એક રાગથી ભક્તિ કરી શકીએ છીએ. (૧ કોરીંથી ૧:૧૦) હવે આપણે બીજા લેખમાં ‘અજાણ્યા’ લોકો વિષે જોઈશું, જેઓ આપણો સંપ તોડવાની કોશિશ કરે છે. (યોહાન ૧૦:૫) પણ તેઓ ખરેખર કોણ છે? આપણે શું કરવું જોઈએ? ચાલો આપણે જોઈએ.
[ફુટનોટ]
a બાળકોના કપડાં અને હેર-સ્ટાઈલ વિષે માબાપે નક્કી કરવું જોઈએ.
જવાબ આપો
• બધાના વિચારો અલગ હોવા છતાં, મંડળમાં શા માટે સંપ છે?
• આપણે શા માટે એકબીજાનો વિચાર કરવો જોઈએ?
• આપણે કયા સંજોગોમાં પાઊલની સલાહ પાળવી જોઈએ? શા માટે?
[અભ્યાસ પ્રશ્નો]
૧. જ્યારે તકલીફો ઊભી થાય ત્યારે શું કરવું જોઈએ?
૨. મંડળમાં સંપ જાળવી રાખવા માટે પાઊલે કઈ સલાહ આપી?
૩, ૪. (ક) રોમના મંડળમાં કેવા ભાઈ-બહેનો હતા? (ખ) તેઓ શા માટે એક રાગે યહોવાહની ભક્તિ કરી શક્યા?
૫, ૬. રોમના મંડળમાં કયો મતભેદ ઊભો થયો?
૭. સાબ્બાથના દિવસ વિષે ભાઈ-બહેનોના વિચાર શું હતા?
૮. રોમના મંડળને પાઊલે કઈ કઈ સલાહ આપી?
૯, ૧૦. આપણે શું ન કરવું જોઈએ? શા માટે?
૧૧. પાઊલના જમાનામાં મંડળમાં કેવા ફેરફારો થતા હતા?
૧૨, ૧૩. મંડળમાં કયા સંજોગો ઊભા થઈ શકે જેમાં આપણે ધ્યાન રાખવું જોઈએ?
૧૪. પહેરવા-ઓળવા વિષે આપણે શું યાદ રાખવું જોઈએ?
૧૫. પોતાને મન ફાવે તેમ કરવાને બદલે આપણે કોનો વિચાર કરવો જોઈએ?
૧૬. આપણે શા માટે પડોશીઓનો વિચાર કરવો જોઈએ?
૧૭. ભલે આપણો હક હોય, છતાં શા માટે બીજાઓનો વિચાર કરવો જોઈએ?
૧૮, ૧૯. (ક) આપણે કઈ રીતે ઈસુને પગલે ચાલી શકીએ? (ખ) હવે પછીના લેખમાં આપણે શું જોઈશું?
[પાન ૯ પર ચિત્ર]
મંડળમાં સંપ જાળવી રાખવા માટે પાઊલની સલાહ ખૂબ મહત્ત્વની હતી
[પાન ૧૦ પર ચિત્ર]
સર્વ નાત-જાતના ભાઈ-બહેનો સંપથી યહોવાહની ભક્તિ કરે છે
[પાન ૧૨ પર ચિત્ર]
આ માણસને હવે શું કરવું જોઈએ?