શું તમે પરિપક્વ ખ્રિસ્તી છો?
પ્રેષિત પાઊલે લખ્યું, “હું બાળક હતો ત્યારે હું બાળકના જેવું બોલતો હતો, બાળકના જેવું વિચારતો હતો અને બાળકના જેવું સમજતો હતો.” સાચે જ આપણે પણ એક સમયે બાળકો હતા. પરંતુ, આપણે હંમેશ માટે બાળક રહ્યાં નહિ. પાઊલે કહે છે: “પુખ્તવયે મારા વિચારો પરિપક્વ થયા છે અને મેં બાળકની જેમ વર્તવાનું છોડી દીધું છે.”—૧ કોરીંથી ૧૩:૧૧, IBSI.
એવી જ રીતે દરેક ખ્રિસ્તી શરૂઆતમાં આધ્યાત્મિક રીતે બાળક હોય છે. પરંતુ સમય જતાં, “આપણે આપણા તારણ વિશે અને આપણા ઉદ્ધારકર્તા ઈશ્વરપુત્ર ખ્રિસ્ત વિશેના વિશ્વાસમાં સંપૂર્ણતાથી ભરપૂર” થઈ શકીએ છીએ. (એફેસી ૪:૧૩, IBSI.) આપણને ૧ કોરીંથી ૧૪:૨૦ સલાહ આપે છે: “ભાઈઓ, સમજણમાં બાળક ન થાઓ; પણ . . . પ્રૌઢ થાઓ.”
આજે મંડળમાં અને ખાસ કરીને ઘણી નવી વ્યક્તિઓ હોય એવા મંડળમાં પરિપક્વ ખ્રિસ્તીઓ પરમેશ્વર તરફથી એક આશીર્વાદ છે. પરિપક્વ ખ્રિસ્તીઓ મંડળને દૃઢ કરે છે. તેઓ સભાઓમાંથી જે કંઈ શીખે છે એને પોતાના જીવનમાં લાગુ પાડે છે.
શારીરિક વૃદ્ધિ આપોઆપ આવે છે. પરંતુ આધ્યાત્મિકતામાં વધવું હોય તો એ સમય અને પ્રયત્ન માંગી લે છે. તેથી પાઊલના દિવસોમાં અમુક ખ્રિસ્તીઓ વર્ષો સુધી યહોવાહ પરમેશ્વરની ભક્તિ કરતા હોવા છતાં, “આત્મિક સમજણમાં પરિપક્વ” થવામાં નિષ્ફળ ગયા. (હેબ્રી ૫:૧૨; ૬:૧, IBSI.) તમારા વિષે શું? તમે વર્ષોથી પરમેશ્વરની સેવા કરતા હોવ કે હમણાં જ સેવા કરવાનું શરૂ કર્યું હોય, પરંતુ તમે પ્રમાણિકપણે પોતાની ચકાસણી કરો એ જરૂરી છે. (૨ કોરીંથી ૧૩:૫) શું તમે એક પરિપક્વ ખ્રિસ્તી છો? જો ન હોવ તો, તમે કઈ રીતે એક પરિપક્વ ખ્રિસ્તી બની શકો?
“સમજણમાં પ્રૌઢ થાઓ”
આધ્યાત્મિક બાળક સહેલાઈથી ‘માણસોની ઠગાઈથી, ભ્રમણામાં નાખવાની કાવતરાં ભરેલી યુક્તિથી અને દરેક ભિન્ન ભિન્ન મતરૂપી પવનથી ડોલાં ખાઈને આમતેમ ફરે છે.’ તેથી પ્રેષિત પાઊલે સલાહ આપી: “પણ પ્રેમથી સત્યને અનુસરીને, ખ્રિસ્ત જે શિર છે, તેમાં સર્વ પ્રકારે વધીએ.” (એફેસી ૪:૧૪, ૧૫) પરંતુ વ્યક્તિ આમ કઈ રીતે કરી શકે? હેબ્રી ૫:૧૪ કહે છે: “પુખ્ત ઉમ્મરના છે, એટલે જેઓની ઇંદ્રિયો ખરૂંખોટું પારખવામાં કેળવાએલી છે, તેઓને સારૂ ભારે ખોરાક છે.”
નોંધ લો કે પુખ્ત લોકોની ઇંદ્રિયો અનુભવ કે બાઇબલ સિદ્ધાંતોને લાગુ પાડીને કેળવાયેલી હોય છે. તેથી, કોઈ પણ વ્યક્તિ એક જ રાતમાં પરિપક્વ થઈ જતી નથી; આધ્યાત્મિકતામાં પરિપક્વ થવા માટે સમયની જરૂર પડે છે. તમે વ્યક્તિગત અભ્યાસ અને બાઇબલની ગહન બાબતો સમજીને સહેલાઈથી આધ્યાત્મિક રીતે પરિપક્વ બની શકો. તાજેતરનાં ચોકીબુરજમાં ઘણાં ગહન વિષયો પર ચર્ચા કરવામાં આવે છે. પરિપક્વ ખ્રિસ્તીઓ આવા લેખો ‘સમજવામાં અઘરાં છે’ એમ કરીને એને ટાળશે નહિ. (૨ પીતર ૩:૧૬) એના બદલે તેઓ આ ભારે ખોરાકને પચાવવાનો પ્રયત્ન કરે છે.
ઉત્સાહી પ્રચારકો અને શિક્ષકો
ઈસુએ પોતાના શિષ્યોને આજ્ઞા આપી: “એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો; બાપ તથા દીકરા તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ; મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ.” (માત્થી ૨૮:૧૯, ૨૦) પ્રચારકાર્યમાં ઉત્સાહથી ભાગ લઈને પણ તમે તમારી આધ્યાત્મિકતામાં વધારો કરી શકો છો. તેથી ચાલો આપણે સંજોગો પરવાનગી આપે તેમ પ્રચારકાર્યમાં સહભાગી થવાનો પ્રયત્ન કરીએ.—માત્થી ૧૩:૨૩.
જીવનમાં આવતા દબાણો અવારનવાર પ્રચારકાર્યમાં સહભાગી થવાને પડકારમય બનાવી શકે. તોપણ, એક પ્રચારક તરીકે “યત્ન” કરીને તમે “સુવાર્તા”નું મહત્ત્વ બતાવી શકો. (લુક ૧૩:૨૪; રૂમી ૧:૧૬) આમ કરીને તમે “વિશ્વાસીઓને નમૂનારૂપ” બની શકો.—૧ તીમોથી ૪:૧૨.
પ્રમાણિકતા જાળવનારા
પરિપક્વ થવામાં પ્રમાણિકતા જાળવી રાખવાનો પણ સમાવેશ થાય છે. ગીતશાસ્ત્ર ૨૬:૧માં દાઊદ રાજાએ જાહેર કર્યું: “હે યહોવાહ, મારો ન્યાય કર, કેમકે હું પ્રામાણિકપણે વર્ત્યો છું.” પ્રમાણિકતાનો અર્થ નિષ્કલંક રહેવું થાય છે. પરંતુ આપણે અપૂર્ણ હોવાથી નિષ્કલંક રહી શકતા નથી. દાઊદે ઘણાં ગંભીર પાપો કર્યા હતા. તેમ છતાં, તેમણે ઠપકાને સ્વીકાર્યો અને પોતાના માર્ગમાં સુધારો કરીને બતાવ્યું કે તેમનું હૃદય હજુ પણ યહોવાહ પરમેશ્વર માટે સાચા પ્રેમથી ભરેલું છે. (ગીતશાસ્ત્ર ૨૬:૨, ૩, ૬, ૮, ૧૧) પ્રમાણિકતામાં પૂરા હૃદયથી સમર્પણ કરવાનો સમવેશ થાય છે. દાઊદે પોતાના પુત્ર સુલેમાનને કહ્યું: “તું તારા પિતાના દેવને ઓળખ, ને સંપૂર્ણ અંતઃકરણથી તથા રાજીખુશીથી તેની સેવા કર.”—૧ કાળવૃત્તાંત ૨૮:૯.
પ્રમાણિકતા જાળવી રાખવામાં “જગતનો” ભાગ નહિ બનવાનો સમાવેશ થાય છે, એટલે કે આપણે રાજકારણ અને યુદ્ધોથી દૂર રહેવું જોઈએ. (યોહાન ૧૭:૧૬) તમારે વ્યભિચાર અને કેફી દવાઓથી પણ દૂર રહેવું જ જોઈએ. (ગલાતી ૫:૧૯-૨૧) તેમ છતાં પ્રમાણિકતાનો અર્થ આ બધી બાબતોથી દૂર રહેવા કરતાં વધારે છે. સુલેમાને સલાહ આપી: “મરેલી માખીઓ ગાંધીના અત્તરને દુર્ગંધ મારતું કરી નાખે છે; તેવી જ રીતે થોડી મૂર્ખાઈ બુદ્ધિ તથા માનને દબાવી દે છે.” (સભાશિક્ષક ૧૦:૧) આમ, વિરુદ્ધજાતિની વ્યક્તિ સાથે મજાકમસ્તી કે નખરાં કરવા જેવી ‘થોડી મૂર્ખાઈભરી’ બાબતો ‘બુદ્ધિ તથા માનની’ શાખ બગાડી શકે છે. આથી તમારી બધી જ વર્તણૂકમાં ઉદાહરણરૂપ બની અને ‘દુષ્ટતાથી દૂર રહીને’ તમે પુખ્તતા બતાવી શકો.—૧ થેસ્સાલોનીકી ૫:૨૨.
ન્યાયી વ્યક્તિઓ
પરિપક્વ ખ્રિસ્તીઓ ન્યાયી હોય છે. એફેસી ૪:૨૪માં પ્રેષિત પાઊલ ખ્રિસ્તીઓને સલાહ આપે છે: “નવું માણસપણું જે દેવના મનોરથ પ્રમાણે ન્યાયીપણામાં તથા સત્યની પવિત્રતામાં સરજાએલું છે તે પહેરી લો.” ગ્રીક શાસ્ત્રવચનોમાં “ન્યાયીપણા”નો મૂળ અર્થ, પવિત્ર વિચારો અને આદરભાવ આપવો થાય છે. ન્યાયી વ્યક્તિ ધાર્મિક હોય છે; તે પરમેશ્વરની બધી આજ્ઞાઓ પાળે છે.
તમે કયા વિસ્તારોમાં આવુ ન્યાયપણું વિકસાવી શકો? એક રીત છે કે સ્થાનિક મંડળના વડીલોને સહકાર આપવો. (હેબ્રી ૧૩:૧૭) પરિપક્વ ખ્રિસ્તીઓ ઈસુ ખ્રિસ્તને મંડળના શિર તરીકે સ્વીકારીને દેવની મંડળીના અધ્યક્ષોને વફાદાર રહે છે. (પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૨૮) નિયુક્ત વડીલો પર શંકા કરવી અને તેઓનો અનાદર કરવો કેવું અયોગ્ય છે! તમારે “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” વર્ગ અને વખતસર આધ્યાત્મિક ખોરાક પૂરો પાડવા ઉપયોગમાં લેવામાં આવતા માધ્યમોને વફાદાર રહેવું જ જોઈએ. (માત્થી ૨૪:૪૫) આપણે ચોકીબુરજ અને એની સાથેના બીજા પ્રકાશનોમાંની માહિતીને વાંચીને લાગુ પાડવા તત્પર રહેવું જોઈએ.
કાર્યોથી પ્રેમ બતાવો
થેસ્સાલોનીકીના ખ્રિસ્તીઓને પાઊલે લખ્યું: “તમો સર્વે એકબીજા પર ઘણો પ્રેમ રાખો છો.” (૨ થેસ્સાલોનીકી ૧:૩) ઘણો પ્રેમ એ ખાસ કરીને આધ્યાત્મિકતામાં વધારો કરવાનું મહત્ત્વનું પાસુ છે. ઈસુ ખ્રિસ્તે યોહાન ૧૩:૩૫માં કહ્યું: “તમે એકબીજા પર પ્રેમ રાખો, તો તેથી સર્વ માણસો જાણશે કે તમે મારા શિષ્યો છો.” આવો ભ્રાતૃત્વ પ્રેમ લાગણીનો એક ઉભરો માત્ર નથી. વાઈન્સ એક્સપોઝીટરી ડિક્ષનરી ઑફ ઓલ્ડ ઍન્ડ ન્યૂ ટેસ્ટામેન્ટ વડ્ર્સએ અવલોક્યું: “કાર્યોથી પ્રેમ ઓળખાઈ શકે છે.” હા, કાર્યોથી પ્રેમ બતાવીને તમે પરિપક્વતામાં આગળ વધી શકો.
દાખલા તરીકે, રૂમી ૧૫:૭માં બાઇબલ આપણને કહે છે: “એકબીજાનો અંગીકાર કરો.” મંડળની સભાઓમાં આવનાર તમારા સાથી સાક્ષીઓ તેમ જ નવી વ્યક્તિઓનો ઉત્સાહથી અને ઉષ્માભર્યો આવકાર કરીને આપણે પ્રેમ બતાવી શકીએ. એકબીજાને ઓળખવાનો પ્રયત્ન કરો. બીજાઓના “હિત”માં રસ ધરાવો. (ફિલિપી ૨:૪) તમે પરોણાગત કરી શકો અને જુદી જુદી વ્યક્તિઓને તમારા ઘરે આવવાનું આમંત્રણ આપી શકો. (પ્રેરિતોનાં કૃત્યો ૧૬:૧૪, ૧૫) અપૂર્ણતાને કારણે કદાચ તમારા પ્રેમની કસોટી થઈ શકે, પરંતુ તમે શીખ્યા તેમ ‘પ્રેમથી સહન કરીને’ બતાવી શકો કે તમે પરિપક્વ છો.—એફેસી ૪:૨.
શુદ્ધ ભક્તિમાં આપણી સંપત્તિનો ઉપયોગ કરવો
પ્રાચીન સમયમાં પરમેશ્વરના દરેક લોકોએ યહોવાહના મંદિરનું પુનઃબાંધકામ કરવાની જવાબદારીને ટેકો આપ્યો ન હતો. તેથી આ બાબતે ઉત્તેજન આપવા પરમેશ્વરે હાગ્ગાય તથા માલાખી જેવા સેવકોને મોકલ્યા. (હાગ્ગાય ૧:૨-૬; માલાખી ૩:૧૦) આજે પરિપક્વ ખ્રિસ્તીઓ પોતાની સંપત્તિનો ઉપયોગ યહોવાહની ભક્તિ કરવામાં કરે છે. આવી વ્યક્તિઓનું અનુકરણ કરો. તમે યહોવાહના સાક્ષીઓના જગતવ્યાપી કાર્ય અને મંડળના કાર્ય માટે નિયમિતપણે “અમુક હિસ્સો અલગ” રાખી મૂકો. (૧ કોરીંથી ૧૬:૧, ૨) બાઇબલ વચન આપે છે: “ઉદારતાથી વાવે છે, તે લણશે પણ ઉદારતાથી.”—૨ કોરીંથી ૯:૬.
તમારી બીજી સંપત્તિ, સમય તથા શક્તિ પ્રત્યે આંખ આડા કાન ન કરો. “સમયનો સદુપયોગ” કરો. (એફેસી ૫:૧૫, ૧૬; ફિલિપી ૧:૧૦) તમારા કીમતી સમયનો વધારે સદુપયોગ કરવાનું શીખો. તમે રાજ્યગૃહનું સમારકામ અને બીજા નાનાં નાનાં કાર્યોમાં ભાગ આપીને યહોવાહની ભક્તિ કરી શકો. આમ તમારા સમય અને શક્તિનો સદુપયોગ તમારી પરિપક્વતાનો પુરાવો આપે છે.
પરિપક્વતામાં આગળ વધો!
એવા ભાઈબહેનો જેઓ ઉદ્યમી, જ્ઞાની અને ઉત્સાહી પ્રચારકો છે તથા પ્રમાણિક, પ્રેમાળ અને વફાદાર રહીને રાજ્ય કાર્ય માટે શારીરિક અને ભૌતિક રીતે સ્વેચ્છાથી ટેકો આપે છે તેઓ ખરેખર એક મહાન આશીર્વાદરૂપ છે. તેથી જ પ્રેષિત પાઊલે સલાહ આપી: “ખ્રિસ્ત વિષેનાં મૂળતત્ત્વોનો ઉપદેશ પડતો મૂકીને આપણે સંપૂર્ણતા સુધી આગળ વધીએ.”—હેબ્રી ૬:૧.
શું તમે પરિપક્વ ખ્રિસ્તી છો? કે પછી તમે અમુક રીતોએ આધ્યાત્મિકતામાં બાળક જેવા છો? (હેબ્રી ૫:૧૩) બાબત ગમે તે હોય પરંતુ તમે વ્યક્તિગત અભ્યાસ, પ્રચાકાર્ય કરવાનો અને તમારા ભાઈઓ પ્રત્યે પ્રેમ બતાવવાનો નિર્ણય કરો. પરિપક્વ વ્યક્તિઓ તરફથી આપવામાં આવતી શિસ્ત અને સલાહને સ્વીકારો. (નીતિવચન ૮:૩૩) ખ્રિસ્તી જવાબદારીઓને તમારો પૂરેપૂરો ટેકો આપો. ચાલો આપણે સમય અને શક્તિથી, “દેવના દીકરા પરના વિશ્વાસથી તથા તેના જ્ઞાનથી જે ઐક્ય થાય છે તે પ્રાપ્ત કરીએ.” અને એમ કરીને આપણે “પ્રોઢ પુરુષત્વમાં, એટલે ખ્રિસ્તની સંપૂર્ણતાની પાયરીએ” પહોંચી શકીશું.—એફેસી ૪:૧૩.
[પાન ૨૭ પર બ્લર્બ]
પરિપક્વ ખ્રિસ્તીઓ મંડળને દૃઢ કરે છે. તેઓ સભાઓમાંથી જે કંઈ શીખે છે એને લાગુ પાડે છે.
[પાન ૨૯ પર ચિત્રો]
પરિપક્વ વ્યક્તિઓ બીજાઓમાં વ્યક્તિગત રસ લઈને મંડળમાં શાંતિ અને એકતા જાળવવામાં ફાળો આપે છે