વાચકો તરફથી પ્રશ્નો
એક ખ્રિસ્તી પત્ની છૂટાછેડા માટે પતિએ કરેલી કાર્યવાહીનો કેટલી હદ સુધી વિરોધ કરી શકે?
પરમેશ્વરે પ્રથમ માણસનું લગ્ન કરાવ્યું ત્યારે કહ્યું હતું કે પતિ-પત્નીએ એકબીજાને “વળગી” રહેવું. (ઉત્પત્તિ ૨:૧૮-૨૪) સમય જતા માણસજાત અપૂર્ણ બની અને એનાથી લગ્નજીવનમાં મુશ્કેલીઓ આવવા લાગી. પરંતુ પરમેશ્વર ઇચ્છે છે કે ભલે ગમે તેવી મુશ્કેલીઓ આવે તોપણ, પતિ-પત્નીએ એકબીજાને વળગી રહેવું જોઈએ. આ વિષે પ્રેષિત પાઊલે આમ લખ્યું: “પરણેલાંઓને હું આજ્ઞા કરૂં છું, હું તો નહિ, પણ પ્રભુ કરે છે, કે સ્ત્રીએ પોતાના પતિથી જુદા થવું નહિ. (પણ જો તે જુદી થાય તો તેણે ફરીથી પરણવું નહિ, અથવા તો પોતાના પતિની સાથે મેળાપ કરીને રહેવું); અને પતિએ પોતાની પત્નીનો ત્યાગ ન કરવો.”—૧ કોરીંથી ૭:૧૦, ૧૧.
આ શબ્દોથી જાણવા મળે છે કે અપૂર્ણ હોવાને કારણે ક્યારેક પતિ-પત્ની અલગ થવાનો નિર્ણય કરતા હોય છે. ઉદાહરણ તરીકે, પાઊલે કહ્યું કે જો પતિ-પત્ની છૂટા પડે તો તેમણે “ફરીથી પરણવું નહિ.” શા માટે? કારણ કે ભલે પતિ-પત્ની અલગ થયા હોય, પણ પરમેશ્વરની દૃષ્ટિમાં હજી પણ તેઓ પરણેલાં છે. પરંતુ પાઊલ એટલા માટે આમ કહી શક્યા, કેમ કે ઈસુએ લગ્ન માટે ચોક્કસ ધોરણ બેસાડ્યું હતું. તેમણે કહ્યું: “હું તમને કહું છું, કે વ્યભિચાર [ગ્રીકમાં, પોરનીયા]ના કારણ વગર જે કોઈ પોતાની સ્ત્રીને મૂકી દઈને બીજીને પરણે, તે વ્યભિચાર કરે છે.” (માત્થી ૧૯:૯) લગ્ન ફક્ત “વ્યભિચાર”ના આધારે જ શાસ્ત્રીય રીતે તૂટી શકે છે. તેથી પાઊલ જે કિસ્સાની વાત કરે છે એમાં પતિ-પત્ની બંનેમાંથી કોઈએ વ્યભિચાર કર્યો નથી. એ કારણે પતિ કે પત્ની અલગ થાય તોપણ તેઓ પરમેશ્વરની દૃષ્ટિમાં પરણેલાં જ રહે છે.
પછી પાઊલે બીજી એક પરિસ્થિતિ વિષે વાત કરી જેમાં પતિ કે પત્ની બંનેમાંથી કોઈ એક અવિશ્વાસી છે. પાઊલે આપેલી સલાહનો વિચાર કરો: “જો અવિશ્વાસી માણસ અલગ રહેવા માગે, તો તેને અલગ રહેવા દો; એવા સંજોગોમાં કોઈ ભાઈ કે બહેન બંધનમાં નથી; પણ દેવે આપણને શાંતિમાં તેડ્યાં છે.” (૧ કોરીંથી ૭:૧૨-૧૬) તો પછી જો કોઈ અવિશ્વાસી પતિ તેની પત્નીને છોડી દે કે કાયદેસરના છૂટાછેડા આપવા માગતો હોય તો, વિશ્વાસુ પત્ની શું કરી શકે?
પત્ની તેના પતિની સાથે રહેવા ઇચ્છતી હોય શકે. પત્ની હજુ તેને પ્રેમ કરતી હોય અથવા બંનેની લાગણીમય અને જાતીય જરૂરિયાતોને ધ્યાનમાં રાખતી હોય અને એ પણ જાણતી હોય કે તેને પોતાને અને તેના બાળકોને ભૌતિક મદદની જરૂર છે. એટલું જ નહિ તેને એવી પણ આશા હોય કે સમય જતાં બધું થાળે પડી જશે અને તેનો પતિ વિશ્વાસુ બનશે. પરંતુ જો પતિ (કોઈ પણ શાસ્ત્રીય આધાર વિના) છૂટાછેડા માંગે તો, પાઊલે કહ્યું તેમ પત્ની “તેને અલગ રહેવા” દઈ શકે. આ જ બાબત, વિશ્વાસુ પતિને પણ લાગુ પડે છે જે લગ્ન વિષેના પરમેશ્વરના ધોરણોની અવગણના કરીને અલગ થવા માંગે છે.
આવી પરિસ્થિતિમાં, પત્ની પોતાનું તેમ જ પોતાનાં બાળકોનું રક્ષણ કરવાનું ઇચ્છી શકે. કઈ રીતે? આ માટે તે પોતાનાં બાળકોને પોતાની પાસે રાખીને તેઓને માતાનો પ્રેમ, નૈતિક તાલીમ અને પરમેશ્વરનું જ્ઞાન શીખવી શકે. (૨ તીમોથી ૩:૧૫) પરંતુ છૂટાછેડા લે તો તેના આ હક્કો સામે જોખમ ઊભું થઈ શકે છે. તેથી તે પોતાના આ હક્કોનું રક્ષણ કરવા કોઈ સારા વકીલ મારફતે યોગ્ય પગલાં લઈ શકે અને પતિ કુટુંબને ખાધાખોરાકી આપવા બંધાયેલો છે એ વાતની પણ ખાતરી કરી શકે. કેટલાક દેશોમાં, સ્ત્રી બાળકોને પોતાની પાસે રાખી શકે અને ખાધાખોરાકી મેળવી શકે એ માટે અમુક કાયદાકીય દસ્તાવેજો પર સહી કરે છે. પરંતુ એનો એવો અર્થ થતો નથી કે તે પોતે પણ છૂટાછેડા આપવા તૈયાર છે. બીજા દેશોમાં દસ્તાવેજમાં એવા શબ્દો વાપરવામાં આવ્યા હોય છે કે તે છૂટાછેડા આપવા માટે સહમત છે. આમ, જો તેના પતિએ વ્યભિચાર કર્યો હોય તો, પત્નીના સહી કરવાનો અર્થ એમ થાય કે તેણે તેના પતિનો ત્યાગ કર્યો છે.
ખરું કે સમાજ અથવા મંડળના મોટા ભાગના લોકો બધી હકીકતો જાણતા નથી, જેમ કે છૂટાછેડા શાસ્ત્રીય આધાર પર લેવામાં આવ્યા છે કે કેમ. તેથી બાબતો ત્યાં સુધી પહોંચે એ પહેલાં, પત્ની મંડળના પ્રમુખ નિરીક્ષક અને બીજા કોઈ વડીલને (મોટા ભાગે લેખિતમાં) જાણ કરે એ સારું છે. જેથી ત્યારે કે ત્યાર પછી એ વિષે કોઈ પ્રશ્ન ઊભો થાય ત્યારે વડીલો સાચી બાબત જાણતા હશે.
ચાલો આપણે ઈસુની વાત પર ફરીથી ધ્યાન આપીએ કે “વ્યભિચારના કારણ વગર જે કોઈ પોતાની સ્ત્રીને મૂકી દઈને બીજીને પરણે, તે વ્યભિચાર કરે છે.” જો પતિએ વ્યભિચાર કર્યો હોય, અને તેમ છતાં પત્ની સાથે રહેવા માગતો હોય તો પત્ની (ઈસુના ઉદાહરણમાંની નિર્દોષ વ્યક્તિ) નક્કી કરી શકે કે તે પતિને માફ કરીને તેની સાથે રહેવા માગે છે કે તેને છોડી દેવા માગે છે. જો પત્ની પતિને માફ કરવા તૈયાર હોય અને પતિ તરીકે તેનો સ્વીકાર કરવા માગતી હોય તો તે કંઈ ખોટું કરતી નથી.—હોશીઆ ૧:૧-૩; ૩:૧-૩.
એવું પણ બની શકે કે વ્યભિચારી પતિ છૂટાછેડા માગતો હોય, પરંતુ પત્ની તેને માફ કરવા અને પતિ તરીકે સ્વીકારવા તૈયાર હોય. પરંતુ પત્નીએ, પતિએ છૂટાછેડા માટે કરેલી માંગ માટે પોતાના અંતઃકરણ અને સંજોગોના આધારે નિર્ણય લેવો જોઈએ. કેટલાક દેશોમાં છૂટાછેડાની કાર્યવાહીને કોર્ટમાં લઈ જવામાં આવે છે ત્યારે, પત્ની પતિએ છૂટાછેડા માટે કરેલી અરજી સાથે સહમત નથી એ દર્શાવતા દસ્તાવેજો પર સહી કરી શકે છે. એમાં તે બાળકોને પોતાની પાસે રાખીને ખાધાખોરાકી મેળવી શકે એવી જોગવાઈ હોય છે. પરંતુ અમુક દેશોમાં પત્ની છૂટાછેડાની કાર્યવાહીને કોર્ટમાં લઈ જાય તો, તેને કેટલાક એવા દસ્તાવેજો પર સહી કરવાનું જણાવવામાં આવે છે જેમાં ઉપયોગમાં લેવામાં આવેલા શબ્દોથી સાબિત થતું હોય કે પત્નીને છૂટાછેડા મંજૂર છે. અને આવા દસ્તાવેજો પર સહી કરવી એમ સૂચવે છે કે તે વ્યભિચારી પતિનો ત્યાગ કરે છે.
ગેરસમજ ટાળવા માટે આ બાબતમાં પણ, પત્ની વડીલોને લેખિત આપે એ જરૂરી છે કે, કયાં પગલાં લેવામાં આવ્યાં અને તેઓનું વલણ કેવું હતું. લખાણમાં તે એમ પણ જણાવી શકે કે, તે તેના પતિને માફ કરીને તેની સાથે પત્ની તરીકે રહેવા તૈયાર હતી. એનો અર્થ એ થશે કે તેની મરજી વિરુદ્ધ છૂટાછેડા લેવામાં આવી રહ્યા છે. તે પોતાના પતિને તરછોડવાને બદલે માફ કરવા તૈયાર હતી. આમ સ્પષ્ટ કર્યા પછી, તેણે ખાધાખોરાકી મેળવવા અને બાળકોને પોતાની પાસે રાખવા માટેના દસ્તાવેજો પર સહી કરવી પડે તોપણ એનો અર્થ એમ નહિ થાય કે તેણે પતિનો ત્યાગ કર્યો છે.a
છૂટાછેડા પછી પણ પતિને માફ કરીને તેની સાથે રહેવાની પત્નીની ઇચ્છા હોય ત્યાં સુધી તેઓ બીજી કોઈ વ્યક્તિ સાથે લગ્ન કરી શકતા નથી. પરંતુ નિર્દોષ પત્ની કે જે માફ કરવા તૈયાર હતી તેની માફી સ્વીકારવામાં ન આવે, અને પાછળથી તે પોતાના વ્યભિચારી પતિનો ત્યાગ કરવાનું ઇચ્છે તો બંને ફરીથી બીજાં લગ્ન કરી શકે. આમ, ઈસુએ બતાવ્યું તેમ નિર્દોષ લગ્નસાથીને આવો નિર્ણય કરવાનો હક્ક છે.—માત્થી ૫:૩૨; ૧૯:૯; લુક ૧૬:૧૮.
[ફુટનોટ]
a દરેક જગ્યાએ કાયદાઓ અને દસ્તાવેજો અલગ અલગ હોય છે. આથી છૂટાછેડાની શરતો માટેના દસ્તાવેજો પર સહી કરતા પહેલાં એ ધ્યાનથી સમજવું ખૂબ જરૂરી છે. કેટલાક દસ્તાવેજોમાં લખેલું હોય છે કે પતિ કે પત્નીને જે છૂટાછેડા લેવામાં આવી રહ્યા છે એ સામે કોઈ વાંધો નથી. આવા દસ્તાવેજો પર નિર્દોષ પતિ કે પત્ની સહી કરે તો એ લગ્નસાથીનો ત્યાગ કરવા બરાબર છે.—માત્થી ૫:૩૭.