“એવી રીતે દોડો કે એ ઈનામ તમને મળે”
કલ્પના કરો કે તમે ઉત્તેજિત લોકોથી ખીચોખીચ ભરેલા રમતગમતના સ્ટેડિયમમાં છો. રમતવીરો મેદાનમાં પરેડ કરે છે. લોકો પોતાના મનગમતા રમતવીરો આવે છે ત્યારે બુમાબુમ કરી રહ્યાં છે. ન્યાયાધીશો પણ નિયમ પ્રમાણે બધા રમે છે કે નહિ એ જોવા પોતાની જગ્યાએ ગોઠવાઈ ગયા છે. રમત ચાલુ થાય છે ત્યારે લોકો હાર-જીતની બુમો પાડે છે. છેલ્લે વિજેતાઓને તાળીઓના ગડગડાટથી અભિનંદન આપવામાં આવે છે!
તમે આધુનિક રમતોના સ્ટેડિયમમાં નહિ પણ લગભગ ૨૦૦૦ વર્ષ પહેલાના કોરીંથના ઈસ્થમસના સ્ટેડિયમમાં છો. અહીંયા છઠી સદી બી.સી.ઈ.થી ચોથી સદી સી.ઈ. સુધી દર બે વર્ષે ઈસ્થમિઅન રમતો રમવામાં આવતી હતી. ઘણા દિવસો સુધી ગ્રીસના લોકો રમતમાં તલ્લીન રહેતા હતા. એ કંઈ ફક્ત સાદી રમતગમત ન હતી. રમતવીરો ગ્રીકના લશ્કરી બળને ચિત્રિત કરતા હતા. વિજેતાઓને હિરો તરીકે ગણવામાં આવતા હતા. ઈનામમાં તેઓને ઝાડના પાંદડાંથી બનેલો મુગટ આપવામાં આવતો હતો. તેઓને ભેટો આપવામાં આવતી હતી અને સારી રીતે જીવન પસાર કરવા માટે શહેર તરફથી મોટું પેન્શન પણ આપવામાં આવતું હતું.
પ્રેષિત પાઊલ કોરીંથ નજીક રમાતી ઈસ્થમિઅન રમતોથી પરિચિત હતા. તેથી તેમણે રમતોને ખ્રિસ્તીઓના જીવન સાથે સરખાવી. દોડવીર, કુસ્તીબાજ અને બૉક્સરોના ઉદાહરણનો ઉપયોગ કરીને તેમણે સમજાવ્યું કે સારી તાલીમ, પ્રયત્ન અને ધીરજ રાખવાથી કેવું સારું પરિણામ આવે છે. નિઃશંક, ખ્રિસ્તીઓ પણ આ રમતો વિષે સારી રીતે પરિચિત હતા. અરે, તેઓમાંના કેટલાકે તો સ્ટેડિયમમાં બૂમો પણ પાડી હશે. તેથી તેઓ પાઊલના ઉદાહરણને તરત જ સમજી ગયા હશે. આપણા વિષે શું? આપણે પણ અનંતજીવન મેળવવા માટેની દોડમાં છીએ. પાઊલે રમતોના આપેલા સંદર્ભમાંથી આપણે કયા લાભ મેળવી શકીએ?
‘નિયમ પ્રમાણે હરીફાઈ કરવી’
પ્રાચીન રમતોમાં ભાગ લેવા માટેના નિયમો બહુ કડક હતા. જાહેરાત કરનાર દરેક ખેલાડીને પ્રેક્ષકો આગળ લાવીને પૂછતો: ‘શું આ વ્યક્તિએ કોઈ ગુનો કર્યો છે? શું તે લુંટારો, દુષ્ટ કે ચારિત્ર્યહિન છે?’ ગ્રીક પુરાતત્ત્વવિદ્યા પ્રમાણે “ખેલાડી જો કોઈ નામીચો ગુનેગાર હોય કે પછી એવાઓ સાથે [ગાઢ] સંબંધ ધરાવતો હોય તો તે રમતમાં ભાગ લઈ શકતો ન હતો.” વળી, રમતના નિયમો તોડનાર ફરી કોઈ વાર રમતોમાં ભાગ લઈ શકતો ન હતો.
આ હકીકત આપણને પાઊલનું વાક્ય સમજવા મદદ કરે છે: “કોઈ અખાડામાં હરિફાઈમાં ઊતરે, તો નિયમ પ્રમાણે હરિફાઈ કર્યા વગર તેને ઈનામ મળતું નથી.” (૨ તીમોથી ૨:૫) એવી જ રીતે જીવનની હરીફાઈમાં દોડવા માટે આપણે બાઇબલમાં આપવામાં આવેલા પરમેશ્વરના ઉચ્ચ નૈતિક ધોરણો અને નિયમોને પાળવા જ જોઈએ. તેમ છતાં, બાઇબલ આપણને કહે છે: “માણસના મનની કલ્પના તેના બાળપણથી ભૂંડી છે.” (ઉત્પત્તિ ૮:૨૧) તેથી યહોવાહનો આશીર્વાદ અને અનંતજીવન મેળવવું હોય તો હરીફાઈમાં પ્રવેશ્યા પછી આપણે કાળજીપૂર્વક તેમના નિયમો પ્રમાણે ચાલવું જોઈએ.
તેમના નિયમ પ્રમાણે વર્તવા માટેની સૌથી મોટી મદદ પરમેશ્વર પ્રત્યેનો પ્રેમ છે. (માર્ક ૧૨:૨૯-૩૧) આવો પ્રેમ આપણને યહોવાહને ખુશ કરવા અને તેમની ઇચ્છા પ્રમાણે કરવા દોરી જશે.—૧ યોહાન ૫:૩.
‘દરેક જાતનો બોજો નાખી દો’
પ્રાચીન રમતોમાં દોડવીરો કોઈ પ્રકારના કપડાં કે ઘરેણાં પહેરતા ન હતા. ધ લાઈફ ઑફ ધ ગ્રીક્સ ઍન્ડ રોમન્સ પુસ્તક કહે છે, “દોડનાર વ્યક્તિએ બિલકુલ કપડાં પહેરવાનાં ન હતાં.” કપડાં ન પહેરવાથી ખેલાડીઓ સ્ફૂર્તિલા રહેતા અને સહેલાઈથી દોડી શકતા હતા. પરિણામે તેઓની શક્તિનો બગાડ પણ થતો નહોતો. પાઊલે હેબ્રી ખ્રિસ્તીઓને લખતી વખતે આ બાબત તેમના મનમાં હતી: “આપણે પણ દરેક જાતનો બોજો . . . નાખી દઈએ, અને આપણે સારૂ ઠરાવેલી શરતમાં ધીરજથી દોડીએ.”—હેબ્રી ૧૨:૧.
કેવા પ્રકારનો બોજો આપણને જીવનની હરીફાઈમાં દોડતા અટકાવી શકે છે? બિનજરૂરી ભૌતિક બાબતો કે જાહોજલાલીવાળું જીવન જાળવી રાખવાની ઇચ્છા આપણને દોડતા અટકાવી શકે છે. કેટલાક લોકો પૈસાને સલામતી અથવા સુખ મેળવવાના એક ઉદ્ભવ તરીકે જુએ છે. આ પ્રકારના “ભારથી” વ્યક્તિ દોડમાં ધીમી પડી શકે અને આખરે તે પરમેશ્વર તથા તેમની ભક્તિ વિષે વિચારવાનું બંધ કરી શકે છે. (લુક ૧૨:૧૬-૨૧) ઘણાને અનંતજીવન આવતા બહુ વાર લાગશે એમ લાગી શકે. એક વ્યક્તિ વિચારી શકે કે, ‘નવી દુનિયાને આવતા તો ઘણી વાર લાગશે, લાવ ત્યાં સુધી આ જગતમાં થોડો આનંદ-પ્રમોદ કરી લઉં.’ (૧ તીમોથી ૬:૧૭-૧૯) આવું ભૌતિકવાદી વલણ જીવનની હરીફાઈમાંથી સહેલાઈથી ફંટાઈ લઈ જઈ શકે અથવા એની શરૂઆત કરતા પહેલા જ અટકાવી શકે.
પહાડ પરના ભાષણમાં ઈસુએ કહ્યું: “કોઈથી બે ધણીની ચાકરી કરાય નહિ; કેમકે તે એક પર દ્વેષ કરશે, ને બીજા પર પ્રીતિ કરશે; અથવા તે એકના પક્ષનો થશે, ને બીજાનો તિરસ્કાર કરશે; દેવની તથા દ્રવ્યની સેવા તમારાથી કરાય નહિ.” ઈસુએ એ પણ કહ્યું કે યહોવાહ પ્રાણીઓ અને ફૂલ-ઝાડની પણ કાળજી રાખે છે અને માણસો તેમના માટે સૌથી મૂલ્યવાન છે. એ બતાવતા તેમણે કહ્યું: “માટે અમે શું ખાઈએ, અથવા શું પીઈએ, અથવા શું પહેરીએ, એમ કહેતાં ચિંતા ન કરો. કારણ કે એ સઘળાં વાનાં વિદેશીઓ શોધે છે; કેમકે તમારો આકાશમાંનો બાપ જાણે છે કે એ બધાંને તમને અગત્ય છે. પણ તમે પહેલાં તેના રાજ્યને તથા તેના ન્યાયીપણાને શોધો, એટલે એ બધાં વાનાં પણ તમને અપાશે.”—માત્થી ૬:૨૪-૩૩.
‘ધીરજથી દોડો’
પ્રાચીન રમતોમાં બધી જ દોડની હરીફાઈ ટૂંકી ન હતી. ડોલીહોસ નામની દોડ ચાર કિલોમીટર લાંબી હતી. એમાં શક્તિ અને ધીરજની જરૂર હતી. આઈયસ નામના એક ખેલાડીએ ૩૨૮ બી.સી.ઈ.માં દોડમાં જીત મેળવી હતી. પ્રણાલિકા પ્રમાણે એ જણાવવા તે ત્યાંથી પોતે રહેતો હતો એ શહેર સુધી દોડ્યો હતો. એ દિવસે તે લગભગ ૧૧૦ કિલોમીટર દોડ્યો.
ખ્રિસ્તી દોડ પણ લાંબા અંતરની છે જે આપણી ધીરજની કસોટી કરે છે. આ દોડમાં ધીરજ રાખવાથી અંતે યહોવાહનો આશીર્વાદ અને અનંતજીવન મળશે. પાઊલે પણ આવી જ રીતે ધીરજ રાખીને દોડ પૂરી કરી હતી. તેથી તે પોતાના અંતિમ દિવસોમાં આમ કહી શક્યા: “હું સારી લડાઈ લડ્યો છું, મેં દોડ પૂરી કરી છે, વિશ્વાસ રાખ્યો છે. હવે મારે સારૂ ન્યાયીપણાનો મુગટ રાખી મૂકેલો છે.” (૨ તીમોથી ૪:૭, ૮) પાઊલની જેમ આપણે પણ દોડ ‘પૂરી કરવાની છે.’ આપણે આશા રાખી હોય એના કરતાં દોડ થોડી લાંબી લાગવાને કારણે ધીરજ ખૂટી જાય તો, આપણે ઈનામ મેળવી શકીશું નહિ. (હેબ્રી ૧૧:૬) એ જાણીને કેટલું દુઃખ થશે કે આપણે કિનારે આવીને ડૂબી ગયા!
ઈનામ
પ્રાચીન ગ્રીક એથ્લેટિક્સ હરીફાઈઓમાં વિજેતાઓને ઝાડના પાંદડાંથી બનેલો અને ફૂલોથી સજાવેલો મુગટ આપવામાં આવતો હતો. પેથિઅન રમતોમાં વિજેતાઓને લોરેલના પાનનો મુગટ આપવામાં આવતો હતો. ઑલિમ્પિક રમતોમાં તેઓ જંગલી જૈતુનના પાનનો મુગટ મેળવતા. ઈસ્થમિઅન રમતોમાં દેવદારના ઝાડનો બનેલો મુગટ આપવામાં આવતો હતો. બાઇબલના એક વિદ્વાને લખ્યું, “ભાગ લેનારાઓનો જુસ્સો વધારવા માટે, હરીફાઈ દરમિયાન તેઓ જોઈ શકે એ રીતે મુગટ અને ખજુરની ડાળીઓ સ્ટેડિયમમાં એક ટેબલ પર રાખવામાં આવતા હતા.” વિજેતા માટે મુગટ પહેરવો એ બહુમાનનું ચિહ્ન હતું. ઘરે પાછા ફરતી વખતે વિજેતા ખેલાડી રથમાં બેસીને આખા શહેરમાં સવારી કરતો હતો.
આ ધ્યાનમાં રાખીને પાઊલે કોરીંથીઓને લખ્યું: “હરીફાઈમાં બધા હરીફો દોડે છે પણ પ્રથમ ઇનામ તો માત્ર એક જ જણને મળે છે. તમે એવી રીતે દોડો કે તે ઇનામ તમને મળે. . . . વિનાશી ઇનામ મેળવવા માટે તેઓ આ સર્વ કઠિનતાઓમાંથી પસાર થાય છે. પણ આપણે તો અવિનાશી સ્વર્ગીય ઇનામને માટે આમ કરીએ છીએ.” (૧ કોરીંથી ૯:૨૪, ૨૫, IBSI; ૧ પીતર ૧:૩, ૪) કેવો તફાવત! પ્રાચીન રમતોમાં વિજેતાઓને આપવામાં આવતો મુગટ નાશ પામે છે જ્યારે જીવનની સ્પર્ધામાં દોડ પૂરી કરનારાઓને જે ઈનામ મળશે એ ક્યારેય નાશ પામશે નહિ.
એ ઈનામ વિષે પ્રેષિત પાઊલે લખ્યું: “જ્યારે મુખ્ય ઘેટાંપાળક પ્રગટ થશે ત્યારે મહિમાનો કદી પણ કરમાઈ ન જનાર મુગટ તમને મળશે.” (૧ પીતર ૫:૪) શું આ જગતના કોઈ પણ ઈનામની સાથે અમરપણાનું ઈનામ, ઈસુ ખ્રિસ્ત સાથેના સ્વર્ગીય જીવનની સરખામણી સાથે થઈ શકે છે?
આજે, મોટા ભાગના ખ્રિસ્તીઓ દોડી રહ્યાં છે તેઓ સર્વને પરમેશ્વરે તેઓના આત્મિક દીકરાઓ નિયુક્ત કર્યા નથી અને તેઓને કંઈ સ્વર્ગીય આશા નથી. તેથી, તેઓ કંઈ અમરપણાંના ઈનામ માટે દોડી રહ્યાં નથી. પરંતુ, પરમેશ્વરે તેઓ માટે અજોડ ઈનામ રાખેલું છે. એ ઈનામ સ્વર્ગીય રાજ્ય હેઠળ બગીચા જેવી સુંદર પૃથ્વી પર અનંતજીવન છે. ઈનામ કોઈ પણ હોય, એક ખ્રિસ્તીએ એને મેળવવા સખત મહેનત કરવી જ જોઈએ. તેણે ઍથ્લેટિક્સ દોડવીર કરતાં પણ વધારે શક્તિ અને ઉત્સાહથી દોડવું જોઈએ. શા માટે? કેમ કે વચન ક્યારેય નિષ્ફળ નહિ જાય: “જે વચન તેણે આપણને આપ્યું છે તે એજ, એટલે સર્વકાળનું જીવન.”—૧ યોહાન ૨:૨૫.
જીવનની દોડમાં દોડનાર ખ્રિસ્તી સામે અજોડ ઈનામ રહેલું હોવાથી આ જગતના પ્રલોભનોને તેણે કઈ દૃષ્ટિએ જોવા જોઈએ? તેણે પાઊલની જેમ જ જોવા જોઈએ, જેમણે કહ્યું: “ખ્રિસ્ત ઈસુ મારા પ્રભુના જ્ઞાનની શ્રેષ્ઠતાને લીધે, હું એ બધાંને હાનિ જ ગણું છું; એને લીધે મેં સઘળાનું નુકસાન સહન કર્યું, અને તેઓને કચરો જ ગણું છું, જેથી હું ખ્રિસ્તને પ્રાપ્ત કરૂં.” પાઊલે કેટલી મહેનત કરી હતી! “ભાઈઓ, મે પકડી લીધું છે એમ હું ગણતો નથી; પણ એક કામ હું કરૂં છું, એટલે કે જે પછવાડે છે તેને વિસરીને અને જે અગાડી છે તેની તરફ ધાઈને, . . . ઈનામને વાસ્તે, નિશાનની ભણી આગળ ધસું છું.” (ફિલિપી ૩:૮, ૧૩, ૧૪) પાઊલ પોતાની આંખો સમક્ષ ઈનામને ધ્યાનમાં રાખીને દોડ્યા અને આપણે પણ એમ જ દોડવું જોઈએ.
આપણા માટે ઉત્તમ ઉદાહરણ
પ્રાચીન રમતોમાં વિજેતા ખેલાડીઓને ખૂબ સમ્માન આપવામાં આવતું હતું. કવિઓ તેઓ ઉપર કાવ્યો લખતા અને શિલ્પકારો તેઓની મૂર્તિઓ બનાવતા હતા. ઇતિહાસકાર વૅરા ઑવીવ્યા કહે છે કે, તેઓ “પુષ્કળ માન અને ખ્યાતિને પાત્ર ગણાતા હતા.” ભાવિ રમતવીરો તેઓને નમૂનારૂપ ગણતા હતા.
ખ્રિસ્તીઓ માટે સારું ઉદાહરણ બેસાડનાર “વિજેતા” કોણ છે? પાઊલ જવાબ આપે છે: “આપણે સારૂ ઠરાવેલી શરતમાં ધીરજથી દોડીએ. આપણે આપણા વિશ્વાસના અગ્રેસર તથા તેને સંપૂર્ણ કરનાર ઈસુની તરફ લક્ષ રાખીએ, કે જેણે પોતાની આગળ મૂકેલા આનંદને લીધે શરમને તુચ્છ ગણીને મરણસ્તંભનું દુઃખ સહન કર્યું, અને જે દેવના રાજ્યાસનની જમણી તરફ બેઠેલો છે.” (હેબ્રી ૧૨:૧, ૨) આપણે પણ જીવનની દોડમાં જીતવું હોય તો આપણા માટે સારું ઉદાહરણ બેસાડનાર ઈસુ ખ્રિસ્તને પગલે ચાલવાની જરૂર છે. આપણે બાઇબલમાંથી ઈસુએ આપેલા શિક્ષણને નિયમિત વાંચીને અને તેમને અનુસરવાની રીતોનું મનન કરીને એમ કરી શકીએ છીએ. આવા અભ્યાસથી આપણને ઈસુ ધીરજથી પરમેશ્વરને આજ્ઞાંકિત રહ્યા અને તેમણે વિશ્વાસના ગુણો પ્રદર્શિત કર્યા એ સમજવામાં મદદ કરશે. પોતે જે ધીરજ રાખી એના બદલામાં તેમણે પરમેશ્વરના આશીર્વાદ સાથે બીજા ઘણા લહાવાઓ પણ મેળવ્યા.—ફિલિપી ૨:૯-૧૧.
ઈસુનો સૌથી મહત્ત્વનો ગુણ પ્રેમ હતો. “પોતાના મિત્રોને સારૂ જીવ આપવો, તે કરતાં મોટો પ્રેમ કોઈનો નથી.” (યોહાન ૧૫:૧૩) આપણા દુશ્મનોને પણ પ્રેમ કરવાનું કહીને તેમણે “પ્રેમ”નો ગહન અર્થ બતાવ્યો. (માત્થી ૫:૪૩-૪૮) ઈસુ પોતાના સ્વર્ગીય પિતાને પ્રેમ કરતા હતા, એટલે જ તેમની ઇચ્છા પૂરી કરવામાં તેમણે આનંદ મેળવ્યો. (ગીતશાસ્ત્ર ૪૦:૯, ૧૦; નીતિવચન ૨૭:૧૧) આપણે પણ જીવનની દોડમાં સખત મહેનત કરીને સૌથી ઉત્તમ ઉદાહરણ બેસાડનાર ઈસુ ખ્રિસ્તને અનુસરવા જોઈએ. એનાથી આપણને પરમેશ્વર તથા પાડોશીઓને પ્રેમ કરવાનું અને પવિત્ર સેવા કરવામાં આનંદ માણવાનું ઉત્તેજન મળશે. (માત્થી ૨૨:૩૭-૩૯; યોહાન ૧૩:૩૪; ૧ પીતર ૨:૨૧) યાદ રાખો કે ઈસુએ આપણા માટે અશક્ય હોય એવી બાબતોની માંગણી કરી નથી. તેમણે આપણને ખાતરી આપી છે: “હું મનમાં નમ્ર તથા રાંકડો છું, ને તમે તમારા જીવમાં વિસામો પામશો. કેમકે મારી ઝૂંસરી સહેલ છે, ને મારો બોજો હલકો છે.”—માત્થી ૧૧:૨૮-૩૦.
ઈસુની જેમ આપણે પણ ધીરજથી અંત સુધી ટકી રહેવા આપણી આંખો ઈનામ સમક્ષ રાખવી જોઈએ. (માત્થી ૨૪:૧૩) આપણે નિયમો પ્રમાણે હરીફાઈ કરીશું અને દરેક જાતનો બોજો નાખી દઈને ધીરજથી દોડીશું તો આપણને વિજયી થતા કોઈ અટકાવી નહિ શકે. આપણો ધ્યેય આપણને આગળ વધારશે! એ આપણને જોશીલા બનાવે છે, કેમ કે એનાથી આપણામાં એવો આનંદ ઉભરાય છે જે જીવનના માર્ગ પર ચાલવું સહેલું બનાવે છે.
[પાન ૨૯ પર ચિત્ર]
ખ્રિસ્તી દોડ પણ લાંબા અંતરની છે જેમાં ધીરજની જરૂર છે
[પાન ૩૦ પર ચિત્ર]
ખેલાડીઓના મુગટથી ભિન્ન ખ્રિસ્તીઓ અજોડ ઈનામની રાહ જોઈ શકે
[પાન ૩૧ પર ચિત્ર]
અંત સુધી ધીરજ રાખનારા સર્વ માટે ઈનામ રહેલું છે
[પાન ૨૮ પર ચિત્રની ક્રેડીટ લાઈન]
Copyright British Museum