કોઈથી બે માલિકની ચાકરી કરાય નહિ
‘કોઈથી બે માલિકની ચાકરી કરાય નહિ. તમે ઈશ્વરની અને ધનની એક સાથે સેવા કરી શકતા નથી.’—માથ. ૬:૨૪.
૧-૩. (ક) આજે ઘણા લોકો પૈસેટકે કયા પડકારોનો સામનો કરે છે અને અમુક લોકો એનો ઉકેલ લાવવા શું કરે છે? (શરૂઆતનું ચિત્ર જુઓ.) (ખ) એવા સંજોગોમાં બાળકના ઉછેરને લગતી કેવી ચિંતાઓ ઊભી થાય છે?
મેરલીન કહે છે કે ‘મારા પતિ જેમ્સ, કામ પરથી દરરોજ બહુ થાકેલા આવતા. જોકે, તેમના પગારમાં ફક્ત અમારી રોજબરોજની જરૂરિયાતો જ પૂરી થતી.’a બહેન આગળ જણાવે છે, ‘હું ઇચ્છતી કે પૈસેટકે તેમને ટેકો આપું. તેમ જ, મારા દીકરા જીમી પાસે પણ તેના સ્કૂલના દોસ્તોની જેમ સારી વસ્તુઓ હોય.’ મેરલીન પોતાના બીજા સગાંઓને મદદ કરવા અને પોતાના ભાવિ માટે પણ પૈસા ભેગા કરી રાખવા ચાહતી હતી. તેના ઘણા મિત્રો વધુ કમાવવા માટે વિદેશ ગયા હતા. પરંતુ, મેરલીને પોતે વિદેશ જવાનું વિચાર્યું ત્યારે, તેના મનમાં અમુક મૂંઝવણો હતી. શા માટે?
૨ મેરલીનને બીક હતી કે તેને પોતાનું વહાલું કુટુંબ અને તેઓ ભક્તિમાં નિયમિત રીતે જે કરી રહ્યા હતા, એ બધું છોડીને જવું પડશે. છતાં, તેણે વિચાર્યું કે બીજાઓ પણ અમુક સમય માટે વિદેશ ગયા હતા અને તોપણ તેઓ યહોવાની ભક્તિમાં ટકી રહ્યાં. પરંતુ, તેને એમ પણ થયું કે શું તે વિદેશમાં રહીને ઇન્ટરનેટ દ્વારા પોતાના દીકરાનો ઉછેર ‘પ્રભુના શિક્ષણમાં’ કરી શકશે?—એફે. ૬:૪.
૩ મેરલીને માર્ગદર્શન માટે કેટલાકને પૂછ્યું. તેના પતિ જરાય ચાહતા ન હતા કે તે તેમનાથી દૂર જાય. છતાં, તેમણે જણાવ્યું કે પોતે મેરલીનને રોકશે નહિ. મંડળનાં વડીલો અને અમુક ભાઈ-બહેનોએ પણ તેને ન જવાની સલાહ આપી. જોકે, કેટલીક બહેનોએ તેને વિદેશ જવા આગ્રહ કર્યો. તેઓએ કહ્યું, ‘જો તું તારા કુટુંબને પ્રેમ કરતી હોઈશ, તો તું ચોક્કસ જઈશ. અને વિદેશમાં રહીને પણ તું યહોવાની ભક્તિ તો કરી શકે છે.’ આવી બધી મૂંઝવણો હોવા છતાં, મેરલીને કમાવવા માટે વિદેશ જવાનું નક્કી કર્યું. તેણે જેમ્સ અને જીમીને આવજો કહેતાં વચન આપ્યું: ‘હું, જલદી જ પાછી આવીશ!’
કુટુંબ પ્રત્યે જવાબદારીઓ અને બાઇબલ સિદ્ધાંતો
૪. ઘણા લોકો શા માટે વિદેશ જાય છે? તેઓ બાળકોની જવાબદારી કોને સોંપી જાય છે?
૪ યહોવા નથી ઇચ્છતા કે તેમના સેવકો ગરીબીને લીધે ભૂખે મરે. (ગીત. ૩૭:૨૫; નીતિ. ૩૦:૮) ઇતિહાસ બતાવે છે કે યહોવાના લોકો ભૂખમરો ટાળવા એક જગ્યાથી બીજી જગ્યાએ જતા. જેમ કે, યાકૂબે કુટુંબ ભૂખે ન મરે માટે પોતાના દીકરાઓને ઇજિપ્તમાં અનાજ લેવા મોકલ્યા હતા.b (ઉત. ૪૨:૧, ૨) આજે, મોટા ભાગના લોકો એટલે વિદેશ નથી જતા કેમ કે તેઓનું કુટુંબ ભૂખે મરી રહ્યું છે. બની શકે કે, તેઓમાંના કેટલાક મોટા દેવા નીચે દબાઈ ગયા છે. તો બીજા કેટલાક ફક્ત એ માટે જાય છે કે કુટુંબને થોડીક વધારે સુખ-સગવડ આપી શકે. આજના કથળતા અર્થતંત્રમાં પોતાના એ ધ્યેયો પૂરા કરવા તેઓએ કુટુંબથી દૂર જવું પડે છે. એમ કરવા મોટા ભાગે તેઓએ નાનાં બાળકોને બીજાઓ પાસે છોડી જવું પડે છે. દાખલા તરીકે, જો માતા વિદેશ જતી હોય તો બાળકોને પિતા પાસે અથવા બીજા મોટા દીકરા-દીકરી કે દાદા-દાદી કે પછી મિત્ર કે સગાં પાસે છોડી જવું પડે છે. ખરું કે, વિદેશ જતી વ્યક્તિને જીવનસાથી અને બાળકોને છોડી જતાં ઘણું દુઃખ થાય છે, પણ તેઓને લાગે છે કે એના સિવાય બીજો કોઈ રસ્તો નથી.
૫, ૬. (ક) ઈસુએ ખરી ખુશી અને સલામતી મેળવવા વિશે શું સમજાવ્યું? (ખ) ઈસુએ પોતાના શિષ્યોને કઈ બાબતો માટે પ્રાર્થના કરવા શીખવ્યું? (ગ) યહોવા આપણને કઈ રીતે આશીર્વાદો આપે છે?
૫ ઈસુના દિવસોમાં પણ ઘણા લોકો ગરીબ હતા. તેઓને પણ લાગ્યું હશે કે જો તેઓ પાસે વધારે પૈસા હોત તો પોતે સુખી હોત અને ભાવિ સલામત હોત. (માર્ક ૧૪:૭) પરંતુ, ઈસુ ઇચ્છતા હતા કે તેઓ પૈસામાં નહિ પણ યહોવામાં ભરોસો મૂકે, જેમના આશીર્વાદો સદા ટકે છે. પહાડ પરના ભાષણમાં તેમણે સમજાવ્યું કે ખરી ખુશી અને સલામતી ધન-દોલત કે પોતાના પ્રયત્નો પર આધારિત નથી. એ તો યહોવા સાથેની આપણી મિત્રતા પર આધાર રાખે છે.
૬ નમૂનાની પ્રાર્થનામાં ઈસુએ એમ ન શીખવ્યું કે આપણે એશઆરામ માટે પ્રાર્થના કરીએ. એને બદલે તેમણે ‘દિવસની આપણી રોટલી’ માટે પ્રાર્થના કરવા શીખવ્યું. તેમણે સાંભળનારાઓને સાફ જણાવ્યું કે ‘પૃથ્વી પર પોતાને માટે ધન ભેગું ન કરો. પરંતુ, તમે પોતાને માટે આકાશમાં ધન ભેગું કરો.’ (માથ. ૬:૯, ૧૧, ૧૯, ૨૦) આપણે પૂરો ભરોસો રાખી શકીએ કે યહોવા પોતાનાં વચનો પ્રમાણે આશીર્વાદો આપશે. એ આશીર્વાદોમાં તેમના સાથની જોડે જોડે એવી ખાતરી પણ મળે છે કે, તે આપણી જરૂરિયાતો પૂરી પાડશે. સાચે જ, ખરી ખુશી અને સલામતી મેળવવાની ફક્ત એક જ રીત છે. એ છે, આપણે ધન-દોલતમાં નહિ, પણ યહોવા પર ભરોસો રાખીએ.—માથ્થી ૬:૨૪, ૨૫, ૩૧-૩૪ વાંચો.
૭. (ક) બાળકોનાં ઉછેરની જવાબદારી યહોવાએ કોને સોંપી છે? (ખ) માબાપે એ જવાબદારી શા માટે ઉઠાવવી જોઈએ?
૭ ‘ઈશ્વરના ન્યાયીપણાને શોધવાનો’ અર્થ શો થાય? યહોવા જે રીતે કુટુંબની જવાબદારીને જુએ છે એ રીતે આપણે પણ જોઈએ. મુસાના નિયમમાં સિદ્ધાંત હતો કે માબાપ પોતાનાં બાળકોને યહોવાની ભક્તિ કરવાનું શીખવે. (પુનર્નિયમ ૬:૬, ૭ વાંચો.) યહોવાને ખુશ કરવા ઇચ્છતા દરેક ઈશ્વરભક્તે એ સિદ્ધાંત પાળવો જોઈએ. ઈશ્વરે એ જવાબદારી દાદા-દાદી કે બીજા કોઈને નહિ, પણ માતા-પિતાને સોંપી છે. રાજા સુલેમાને લખ્યું, ‘મારા દીકરા, તારા પિતાની શિખામણ સાંભળ અને તારી માતાનું શિક્ષણ તજીશ નહિ.’ (નીતિ. ૧:૮) યહોવા ઇચ્છે છે કે કુટુંબ ભેગું રહે, જેથી બાળકોને માર્ગદર્શન આપવામાં અને શીખવવામાં માતા-પિતા બંને ભાગ લઈ શકે. (નીતિ. ૩૧:૧૦, ૨૭, ૨૮) પોતાનાં માબાપને યહોવાની નિયમિત ભક્તિ અને એ વિશે વાત કરતા જોઈને બાળકો પણ એમ કરવાં પ્રેરાય છે.
અણધાર્યાં પરિણામો
૮, ૯. (ક) માબાપ અને બાળકો કુટુંબ તરીકે સાથે રહેતાં નથી ત્યારે કુટુંબમાં મોટા ભાગે કયાં બદલાણો આવે છે? (ખ) માબાપ અને બાળકો સાથે ન રહેવાથી કેવું નુકસાન થાય છે?
૮ વિદેશ જાય એ પહેલાં વ્યક્તિઓ, એ તો પારખી લે છે કે કયાં જોખમો આવી શકે અને કેવા ત્યાગ કરવા પડશે. પરંતુ, બહુ ઓછા લોકો સમજી શકે છે કે કુટુંબથી દૂર થવાનો કેવો અંજામ આવશે. (નીતિ. ૨૨:૩)c મેરલીન ઘર છોડી વિદેશ ગઈ કે તરત તેને કુટુંબની યાદ સતાવવા લાગી. તેના પતિ અને દીકરાએ પણ એવું જ અનુભવ્યું. નાનકડો જીમી તેને પૂછ્યા કરતો કે ‘તમે મને શા માટે છોડી ગયા?’ મેરલીન અમુક જ મહિનાઓ માટે ગઈ હતી. પરંતુ, વર્ષો વીત્યાં એ દરમિયાન તેના કુટુંબમાં ચિંતાજનક બદલાણો આવ્યાં. જીમી હવે મેરલીન સાથે સાવ થોડી વાત કરતો અને મા પ્રત્યે તેની લાગણી ઓછી થઈ રહી હતી. મેરલીન દુઃખી થતાં જણાવે છે, ‘મારા પ્રત્યે હવે તેને પ્રેમ રહ્યો નથી.’
૯ માબાપ અને બાળકો કુટુંબ તરીકે સાથે રહેતાં નથી ત્યારે તેઓની અરસપરસની લાગણી અને સંસ્કારો પર ખોટી અસર પડે છે.d બાળકો જેટલા નાનાં હશે અને જેટલો લાંબો સમય માબાપથી દૂર હશે, એટલું તેઓને માટે વધારે નુકસાનકારક બનશે. મેરલીને જીમીને સમજાવ્યું કે તે જીમીના જ ભલા માટે તેનાથી દૂર ગઈ છે. પરંતુ, જીમીને હંમેશાં લાગતું કે તેની મમ્મીએ તેને તરછોડી દીધો છે. શરૂઆતમાં મેરલીન દૂર હોવાને લીધે જીમી તેનાથી રિસાઈ જતો. પરંતુ, સમય જતાં મેરલીન રજાઓ લઈને આવતી ત્યારે તેની હાજરી જીમીને ગમતી નહિ. માબાપથી દૂર રહેતાં બાળકોમાં જોવા મળે છે તેમ, જીમીને લાગતું કે હવે મમ્મીને પ્રેમ બતાવવાની કે તેમનું કહ્યું માનવાની કોઈ જરૂર નથી.—નીતિવચનો ૨૯:૧૫ વાંચો.
૧૦. (ક) બાળકોને સમય અને ધ્યાન આપવાને બદલે માબાપ ભેટ આપશે ત્યારે શું બનશે? (ખ) મમ્મી કે પપ્પા ઘરથી દૂર હોય ત્યારે કુટુંબમાં શાની ખોટ સાલે છે?
૧૦ મેરલીન જીમીથી દૂર હતી ત્યારે ઘણાં પૈસા અને ભેટ મોકલીને સંબંધ સુધારવાનો પ્રયત્ન કરતી. પણ તેને ખ્યાલ આવ્યો કે તે પોતે જ દીકરાને પોતાનાથી દૂર કરી રહી છે. તે એક રીતે શીખવી રહી હતી કે જીમીએ યહોવા અને કુટુંબ કરતાં પૈસાને વધારે પ્રેમ કરવો જોઈએ. (નીતિ. ૨૨:૬) દુઃખની વાત છે કે જીમી મમ્મીને કહેતો, ‘પાછા આવશો નહિ. બસ વસ્તુઓ મોકલતા રહેજો.’ મેરલીનને ભાન થયું કે પોતાના બાળકનો ઉછેર તે પત્રો, ફોન કે વિડીયો ચૅટિંગ દ્વારા કરી શકતી નથી. તે કહે છે, ‘ઇન્ટરનેટ પરથી તમારા બાળકને વહાલ કરવો કે રાત્રે સૂતા પહેલાં ચુંબન આપવું શક્ય બનતું નથી.’
૧૧. (ક) નોકરીને લીધે લગ્નસાથી જુદા પડે ત્યારે તેઓના લગ્ન પર કેવી અસર થઈ શકે છે? (ખ) મેરલીનને ક્યારે સમજાયું કે તેને કુટુંબ જોડે જ રહેવું જોઈએ?
૧૧ મેરલીનનો પોતાના પતિ જેમ્સ અને યહોવા સાથેનો સંબંધ પણ નબળો પડી રહ્યો હતો. ભાઈ-બહેનો સાથે તેની સંગત અને પ્રચારમાં સમય પણ ઓછો થતો ગયો. તે અઠવાડિયામાં એકાદ દિવસ જ એમાં ભાગ લઈ શકતી. ઉપરાંત, તેને નોકરી પર માલિકની સેક્સની માંગણીનો પણ સામનો કરવો પડ્યો. મુશ્કેલ સમયમાં પોતાનું લગ્નસાથી પાસે ન હોવાથી, મેરલીન અને જેમ્સ બંને કોઈ બીજાને પોતાની ઊંડી લાગણીઓ જણાવતાં. અરે, એ કારણે તેઓ લગભગ વ્યભિચાર કરી બેસવાનાં હતાં. મેરલીન જોઈ શકી કે ભલે તેણે કે તેના પતિએ વ્યભિચાર કર્યો નહિ, તોપણ તેઓનું લગ્ન ખતરામાં હતું. બાઇબલ જણાવે છે કે પરિણીત યુગલે એકબીજાની લાગણીમય અને જાતીય જરૂરિયાતો પૂરી કરવી જોઈએ. પરંતુ, દૂર હોવાથી તેઓ એકબીજાને પોતાના વિચારો જણાવી શકતાં નથી. પ્રેમભરી નજર, સ્મિત, કોમળ સ્પર્શ, વહાલ, ‘પ્રેમ’ કે પછી પરિણીત તરીકેની “પોતાની ફરજ” અદા કરી શકતાં નથી. (ગી.ગી. ૧:૨; ૧ કોરીં. ૭:૩, ૫) મેરલીન અને જેમ્સ પોતાના દીકરા સાથે મળીને યહોવાની ભક્તિ સારી રીતે કરી શકતાં ન હતાં. મેરલીન કહે છે, ‘એક મહાસંમેલનમાં મને શીખવા મળ્યું કે યહોવાના મહાન દિવસમાંથી બચવા, આપણા માટે કુટુંબ તરીકેની ભક્તિ નિયમિત કરવી ખૂબ જરૂરી છે. એ સમયે મને સમજાયું કે મારે ઘરે પાછા ફરવું જ જોઈએ. મારે કુટુંબ સાથે અને યહોવા સાથે સંબંધ ફરી મજબૂત કરવો જોઈએ.’
સારી સલાહ અને ખરાબ સલાહ
૧૨. કુટુંબથી દૂર રહેતા લોકોને બાઇબલની કઈ સલાહ આપવી જોઈએ?
૧૨ મેરલીનના પાછા ફરવાના નિર્ણય વિશે વ્યક્તિઓએ જુદા જુદા વિચારો જણાવ્યા. એ નિર્ણય વિશે, વિદેશમાં તેના મંડળના વડીલોએ તેની શ્રદ્ધા અને હિંમતનાં વખાણ કર્યાં. પરંતુ, જેઓ પોતે પણ લગ્નસાથી અને કુટુંબ છોડીને આવ્યા હતા તેઓએ સાવ જુદી જ સલાહ આપી. મેરલીનના સારા નિર્ણયને અનુસરવાને બદલે તેઓ કહેવા લાગ્યા, ‘જોજે, તું જલદી જ પાછી આવીશ કેમ કે તારું ગુજરાન ચાલશે નહિ!’ ઈશ્વરભક્તોએ આવી નિરાશ કરનારી વાતો કહેવી ન જોઈએ. એના બદલે “જુવાન સ્ત્રીઓને તેમના પતિ પર તથા બાળકો પર પ્રેમ” રાખવા અને પોતાના “ઘરનાં કામકાજ કરનારી” બનવા સલાહ આપવી જોઈએ, જેથી “પ્રભુની વાતની નિંદા ન થાય.”—તીતસ ૨:૩-૫ વાંચો.
૧૩, ૧૪. કુટુંબની ઇચ્છા કરતાં યહોવાની ઇચ્છાને પ્રથમ રાખવામાં શા માટે શ્રદ્ધા હોવી જરૂરી છે? દાખલો આપી સમજાવો.
૧૩ વિદેશમાં જઈને વસનારા ઘણા લોકો એવાં સમાજમાંથી આવે છે, જેમાં પરંપરા પાળવી અને કુટુંબની, એમાંય ખાસ તો માબાપની જવાબદારી લેવી સૌથી મોટી ફરજ ગણાય છે. એક ઈશ્વરભક્ત માટે એવી પરંપરાઓ કે કુટુંબની ઇચ્છાઓ વિરુદ્ધ જઈને યહોવાની ઇચ્છા પ્રમાણે કરવું, એ શ્રદ્ધાની એક કસોટી બને છે.
૧૪ ચાલો હવે, બહેન કેરીનનો વિચાર કરીએ. તે કહે છે, ‘જ્યારે મારા દીકરા ડેનનો જન્મ થયો ત્યારે હું અને મારા પતિ વિદેશમાં નોકરી કરતા હતાં અને થોડા જ સમય પહેલાં મેં બાઇબલ અભ્યાસ શરૂ કર્યો હતો. મારા કુટુંબમાં બધા ઇચ્છતા હતા કે, હું ડેનને મારાં મમ્મી-પપ્પા પાસે મોકલી દઉં. અને અમે પૈસેટકે સદ્ધર ન થઈએ ત્યાં સુધી તેને તેઓ પાસે જ રહેવા દઉં.’ કેરીને પોતાના દીકરાને જાતે જ ઉછેરવાની ઇચ્છા જણાવી ત્યારે તેના સગાં અને પતિએ તેને આળસુ કહીને મજાક ઉડાવી. બહેન આગળ જણાવે છે, ‘શરૂઆતમાં, હું શીખી તો હતી કે દીકરાના ઉછેરની જવાબદારી યહોવાએ અમને સોંપી છે. પરંતુ, એટલી સારી રીતે સમજતી ન હતી કે શા માટે તેને નાના-નાની પાસે મૂકવો ન જોઈએ.’ કેરીનના પતિ સત્યમાં ન હતા. તેથી, જ્યારે તે ફરી મા બનવાની હતી ત્યારે તેના પતિએ તેને ગર્ભપાત કરાવવાનું દબાણ કર્યું. અગાઉ કરેલા સારા નિર્ણયના લીધે કેરીનની શ્રદ્ધા મજબૂત થઈ હતી. એ કારણે બીજી વાર પણ તે યહોવાને ખુશ કરતો નિર્ણય લઈ શકી. હવે, કેરીન, તેના પતિ અને બાળકો ઘણાં ખુશ છે કે તેઓ જુદાં ન થયાં. જો કેરીને એક અથવા બંને બાળકોને બીજાઓ પાસે મોકલી દીધાં હોત તો પરિણામ કંઈક જુદું જ હોત.
૧૫, ૧૬. (ક) બહેન વિક્કીના ઉછેરનો અનુભવ જણાવો. (ખ) તે શા માટે પોતાની દીકરીને એ રીતે ઉછેરવા માંગતી ન હતી?
૧૫ વિક્કી નામની એક સાક્ષી બહેન પોતાનો અનુભવ જણાવે છે, ‘મારો ઉછેર અમુક વર્ષો સુધી મારાં દાદીના ત્યાં થયો. જ્યારે કે, મારાં માબાપે મારી નાની બહેનને તેઓની જોડે જ રાખી. સમય જતાં, જ્યારે હું માબાપ સાથે રહેવા આવી ત્યારે તેમનાં માટે મારી લાગણીઓ પહેલાં જેવી રહી નહિ. તેઓ સાથે મારી બહેન ખુલ્લા મને વાત કરી શકતી, પ્રેમથી ગળે મળતી અને તેઓ વચ્ચે ગાઢ સંબંધ હતો. જ્યારે કે, હું તેઓ સાથે હળવા-મળવાથી અચકાતી. મોટી થયા પછી પણ હું તેઓને મારાં દિલની લાગણીઓ જણાવી શકતી નહિ. મારી બહેને અને મેં મમ્મી-પપ્પાને ખાતરી તો આપી છે કે ઘડપણમાં તેઓની કાળજી લઈશું. પરંતુ, એ બધું હું ફક્ત એક ફરજ સમજીને કરીશ જ્યારે કે, મારી બહેન દિલથી કરશે.’
૧૬ વિક્કી આગળ જણાવે છે, ‘મારાં મમ્મી ઇચ્છે છે કે જેમ તેમણે મને તેમનાં મમ્મી પાસે ઉછેરવા મોકલી હતી, તેમ હું મારી દીકરીને તેમની પાસે મોકલી દઉં. પણ મેં તેમને ખોટું ન લાગે એ રીતે ના પાડી દીધી. યહોવા ઇચ્છે છે એ શિક્ષણમાં, હું અને મારા પતિ અમારા બાળકને જાતે ઉછેરવાં માંગીએ છીએ. હું જરાય ઇચ્છતી નથી કે મારી દીકરી સાથેનો મારો સંબંધ નબળો પડે.’ બહેન વિક્કી જોઈ શકી કે યહોવા અને તેમના સિદ્ધાંતોને બીજી બધી બાબતો અને કુટુંબીજનોની ઇચ્છાઓ કરતાં પ્રથમ મૂકવાથી જીવનમાં સફળ થવાય છે. ઈસુએ જણાવ્યું કે ‘કોઈથી બે માલિકની ચાકરી કરાય નહિ,’ એટલે કે, ઈશ્વરની અને ધનની સેવા એક સાથે થાય નહિ.—માથ. ૬:૨૪; નિર્ગ. ૨૩:૨.
યહોવા આપણા પ્રયત્નો “સફળ” કરે છે
૧૭, ૧૮. (ક) ઈશ્વરભક્તો પાસે હંમેશાં કઈ પસંદગી રહેલી છે? (ખ) આવતા લેખમાં આપણે કયા સવાલોના જવાબ મેળવીશું?
૧૭ આપણા પિતા યહોવાએ વચન આપ્યું છે કે જો આપણે તેમનાં રાજ્યને અને ન્યાયીપણાને જીવનમાં પ્રથમ રાખીશું, તો તે આપણી જરૂરિયાતો પૂરી પાડશે. (માથ. ૬:૩૩) આમ, દરેક ઈશ્વરભક્ત પાસે હંમેશાં એક પસંદગી રહેલી છે. યહોવાએ વચન આપ્યું છે કે જીવનમાં ગમે તે પડકારો આવે બાઇબલ સિદ્ધાંતો સાથે તડજોડ કરવી ન પડે માટે તે “છૂટકાનો માર્ગ પણ રાખશે.” (૧ કોરીંથી ૧૦:૧૩ વાંચો.) આપણે ‘યહોવાની રાહ જોઈએ’ છીએ અને ‘તેમના પર ભરોસો રાખીએ’ છીએ. એટલે કે, પ્રાર્થનામાં તેમનું ડહાપણ અને માર્ગદર્શન માંગીને તેમની આજ્ઞા અને સિદ્ધાંતો પાળીએ છીએ. એમ કરીએ છીએ ત્યારે, ‘તે આપણને સહાય કરે છે.’ (ગીત. ૩૭:૫, ૭) યહોવાની જ સેવા કરીએ છીએ ત્યારે, તે આપણા પ્રયત્નોને ચોક્કસ આશીર્વાદ આપે છે. જો આપણે તેમને પ્રથમ મૂકીશું તો તે આપણાં જીવનને “સફળ” કરશે.—વધુ માહિતી: ઉત્પત્તિ ૩૯:૩.
૧૮ જુદાં રહેવાથી જે નુકસાન થયું, એને સુધારવા આપણે શું કરી શકીએ? કુટુંબથી દૂર થયા વગર એની જરૂરિયાતો કઈ રીતે પૂરી કરી શકીએ? તેમ જ, એ વિશે ખરો નિર્ણય લેવામાં બીજાઓને આપણે કઈ રીતે મદદ કરી શકીએ? એ સવાલોના જવાબ આવતા લેખમાં મેળવીશું.
a નામ બદલ્યાં છે.
b ઇજિપ્તની દરેક મુસાફરી દરમિયાન યાકૂબના દીકરાઓ ત્રણ અઠવાડિયાં કરતાં વધુ સમય પોતાના કુટુંબથી દૂર રહ્યા નહિ હોય. યાકૂબ અને તેમના દીકરાઓ ઇજિપ્તમાં રહેવા ગયા ત્યારે, પોતાની સાથે પત્નીઓ અને બાળકોને પણ લેતા ગયા.—ઉત. ૪૬:૬, ૭.
c ફેબ્રુઆરી ૨૦૧૩ના અવેક!માં લેખ “ઇમિગ્રેશન—ડ્રિમ્સ ઍન્ડ રિયાલિટીઝ” જુઓ.
d ઘણા દેશોમાંથી મેળવેલા અહેવાલો જણાવે છે કે જ્યારે કોઈ વિદેશમાં કામ કરવા લગ્નસાથી અને બાળકોને છોડીને જાય, ત્યારે ઘણાં કોયડા અને મુશ્કેલીઓ ઊભાં થાય છે. એમાં વ્યભિચાર, સજાતીય સંબંધ અથવા “ઈનસેસ્ટ” એટલે કે સગા લોહીના સંબંધની વ્યક્તિ જોડે જાતીય સંબંધ બાંધવા જેવા કોયડાનો સમાવેશ થાય છે. તેમ જ, બાળકોનું વર્તન બગડી શકે અને ભણતરમાં મુશ્કેલીઓ આવી શકે. જેમ કે, તેઓ ગુસ્સો, ચિંતા, નિરાશા જેવી લાગણીમાં કે પછી આત્મહત્યા કરવાના વિચારોમાં સપડાઈ શકે.