પાઠ ૫૨
આપણે કેમ પહેરવેશ અને દેખાવનું ધ્યાન રાખવું જોઈએ?
દરેકને મનગમતાં કપડાં પહેરવાનું અને તૈયાર થવાનું ગમે છે. બાઇબલમાં એ વિશે અમુક સિદ્ધાંતો આપ્યા છે. જો આપણે એ પાળીશું, તો પોતાની પસંદનાં કપડાં પહેરી શકીશું અને યહોવાને પણ માન આપી શકીશું. ચાલો અમુક સિદ્ધાંતો જોઈએ.
૧. પહેરવેશ અને શણગાર વિશે આપણે કયા સિદ્ધાંતો ધ્યાનમાં રાખવા જોઈએ?
આપણે ‘મર્યાદા અને સમજદારી રાખીને શોભતાં કપડાં’ પહેરવાં જોઈએ અને ચોખ્ખા રહેવું જોઈએ. એમ કરીશું તો લોકો જોઈ શકશે કે આપણે સાચા “ઈશ્વરની ભક્તિ” કરીએ છીએ. (૧ તિમોથી ૨:૯, ૧૦) ચાલો આ ચાર સિદ્ધાંતો જોઈએ. (૧) આપણાં કપડાં “શોભતાં” હોવાં જોઈએ. તમે જોયું હશે કે આપણી સભાઓમાં ભાઈ-બહેનો ભાતભાતનાં કપડાં પહેરે છે અને જુદી જુદી સ્ટાઈલમાં વાળ ઓળવે છે. પણ તેઓના શણગારથી સાફ દેખાઈ આવે છે કે તેઓ યહોવાને માન આપે છે. (૨) આપણા પહેરવેશ અને શણગારમાં “મર્યાદા” હોવી જોઈએ. એટલે આપણે એવાં કપડાં નહિ પહેરીએ, જેનાથી લોકોનાં મનમાં ગંદા વિચારો આવે અથવા તેઓનું ધ્યાન આપણા તરફ ખેંચાય. (૩) આપણે “સમજદારી” રાખવી જોઈએ. રોજેરોજ નવી ફેશન આવે છે. પણ એનો અર્થ એ નથી કે આપણે આંખો મીંચીને એ ફેશન અપનાવી લઈએ. (૪) આપણા પહેરવેશ અને શણગારથી લોકોને દેખાઈ આવવું જોઈએ કે આપણે સાચા “ઈશ્વરની ભક્તિ” કરીએ છીએ.—૧ કોરીંથીઓ ૧૦:૩૧.
૨. કપડાં અને શણગારની પસંદગી કરતી વખતે આપણે કેમ ભાઈ-બહેનોનો વિચાર કરવો જોઈએ?
દરેકને પોતાની પસંદ પ્રમાણે કપડાં પહેરવાનું અને તૈયાર થવાનું ગમે છે. પણ આપણે વિચારવું જોઈએ કે આપણાં કપડાં અને શણગારથી ભાઈ-બહેનોને કેવું લાગશે. આપણે કોઈને ઠેસ પહોંચાડવા માંગતા નથી. એના બદલે, બાઇબલની આ સલાહ પાળવા મહેનત કરીએ છીએ: “આપણે પોતાના પડોશીનું ભલું કરીને તેને ખુશ કરીએ, જેથી તે દૃઢ થાય.”—રોમનો ૧૫:૧, ૨ વાંચો.
૩. આપણો પહેરવેશ અને દેખાવ જોઈને કઈ રીતે લોકોને યહોવા વિશે શીખવાનું મન થાય છે?
આપણે પ્રસંગ અનુસાર અલગ અલગ કપડાં પહેરીએ છીએ. એ શોભતાં અને વ્યવસ્થિત હોય એનું પણ ધ્યાન રાખીએ છીએ. પણ સભાઓ અને પ્રચારમાં જઈએ છીએ ત્યારે તો પહેરવેશ અને દેખાવનું ખાસ ધ્યાન રાખીએ છીએ. કેમ કે આપણે નથી ચાહતા કે લોકોનું ધ્યાન ઈશ્વરના સંદેશાથી ફંટાઈને આપણા પર જાય. એના બદલે, આપણે ચાહીએ છીએ કે આપણો દેખાવ જોઈને લોકોને ઈશ્વર વિશે શીખવાનું મન થાય અને ‘આપણા તારણહાર ઈશ્વરના શિક્ષણની સુંદરતા વધે.’—તિતસ ૨:૧૦.
વધારે જાણો
આપણે પોતાના પહેરવેશ અને દેખાવનું ધ્યાન રાખવું જોઈએ, જેથી બીજાઓ જોઈ શકે કે આપણે યહોવાના ભક્તો છીએ. એવું કઈ રીતે કરી શકીએ? ચાલો જોઈએ.
આપણાં કપડાં અને દેખાવ બતાવી આપે છે કે આપણે અધિકારીઓને માન આપીએ છીએ કે નહિ. એ સાચું છે કે યહોવા દિલ જુએ છે, પણ આપણાં કપડાં અને દેખાવ એવાં હોવાં જોઈએ કે તેમને માન મળે
૪. આપણા દેખાવથી યહોવાને માન મળે છે
આપણે કેમ પોતાના દેખાવનું ધ્યાન રાખવું જોઈએ? એનું સૌથી મહત્ત્વનું કારણ કયું છે? ગીતશાસ્ત્ર ૪૭:૨ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:
આપણે યહોવાના નામથી ઓળખાઈએ છીએ. જો એ વાત યાદ રાખીશું, તો પહેરવેશ અને દેખાવને લઈને કેવો નિર્ણય લઈશું?
શું તમને લાગે છે કે સભાઓ અને પ્રચારમાં જઈએ ત્યારે, પહેરવેશ અને દેખાવનું ધ્યાન રાખવું જોઈએ? તમને એવું કેમ લાગે છે?
૫. પહેરવેશ અને દેખાવ વિશે કઈ રીતે સારો નિર્ણય લઈ શકીએ?
ભલે આપણાં કપડાં મોંઘાં હોય કે સસ્તાં હોય, આપણે ધ્યાન રાખીશું કે એ ચોખ્ખાં અને પ્રસંગ પ્રમાણે યોગ્ય હોય. ૧ કોરીંથીઓ ૧૦:૨૪ અને ૧ તિમોથી ૨:૯, ૧૦ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:
આપણે કેમ લઘરવઘર, ગંદાં અથવા પ્રસંગને યોગ્ય ન હોય એવાં કપડાં પહેરવાં ન જોઈએ?
આપણે કેમ ટાઇટ, અંગપ્રદર્શન કરતા કે જાતીય વાસના ભડકાવે એવાં કપડાં પહેરવાં ન જોઈએ?
ભલે આપણે મૂસાનું નિયમશાસ્ત્ર નથી પાળતા, પણ એનાથી યહોવાના વિચારો જાણી શકીએ છીએ. પુનર્નિયમ ૨૨:૫ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:
આપણે કેમ એવો પહેરવેશ અને શણગાર ટાળવો જોઈએ, જેના લીધે પુરુષ સ્ત્રી જેવો લાગે અને સ્ત્રી પુરુષ જેવી લાગે?
૧ કોરીંથીઓ ૧૦:૩૨, ૩૩ અને ૧ યોહાન ૨:૧૫, ૧૬ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:
આપણે કેમ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે આપણા દેખાવથી આજુબાજુના લોકોને અથવા મંડળનાં ભાઈ-બહેનોને ઠેસ ન પહોંચે?
તમારા વિસ્તારમાં લોકો કેવી સ્ટાઇલનાં કપડાં પહેરે છે અને કેવો શણગાર કરે છે?
શું તમને લાગે છે કે એમાંની અમુક સ્ટાઇલ યહોવાના ભક્તોને શોભા નહિ આપે? તમને એવું કેમ લાગે છે?
આપણે પ્રસંગ પ્રમાણે અલગ અલગ સ્ટાઇલનાં કપડાં પહેરી શકીએ છીએ અને એનાથી યહોવાને પણ માન મળે છે
અમુક લોકો કહે છે: “હું ગમે એવાં કપડાં પહેરું, મારી મરજી.”
શું તમને પણ એવું લાગે છે? શા માટે?
આપણે શીખી ગયા
જ્યારે આપણે પહેરવેશ અને શણગાર વિશે સારા નિર્ણયો લઈએ છીએ, ત્યારે યહોવાને અને બીજાઓને માન આપીએ છીએ.
તમે શું કહેશો?
યહોવા કેમ ચાહે છે કે આપણાં કપડાં અને શણગાર યોગ્ય હોય?
કપડાં અને શણગાર વિશે સારો નિર્ણય લેવા બાઇબલના કયા સિદ્ધાંતો મદદ કરે છે?
આપણો પહેરવેશ અને દેખાવ જોઈને કઈ રીતે લોકોને યહોવા વિશે શીખવાનું મન થાય છે?
વધારે માહિતી
તમારાં કપડાં જોઈને બીજાઓ તમારા વિશે શું વિચારે છે? આ લેખમાં વાંચો.
ટૅટુ કરાવતા પહેલાં એનાં પરિણામો વિશે વિચારવું કેમ જરૂરી છે? આ લેખમાં વાંચો.
બાઇબલના સિદ્ધાંતો પર ધ્યાન આપો, જે તમને દેખાવ વિશે યોગ્ય વલણ રાખવા મદદ કરશે.
એક સ્ત્રીએ ઈશ્વરની ભક્તિ કરવી હતી. પણ દરેકને પોતાની પસંદનાં કપડાં પહેરવાનો હક છે, એ વાત તેના ગળે ઊતરતી ન હતી. જાણો કે તેના વિચારો કઈ રીતે બદલાયા.
“પહેરવેશ અને શણગાર મારા માર્ગમાં કાંટા જેવા હતા” (સજાગ બનો!નો લેખ)