બાઇબલનું દૃષ્ટિબિંદુ
પત્નીમય આધીનતા એનો શું અર્થ થાય છે?
દે વનો શબ્દ, બાઇબલ એફેસી ૫:૨૨માં જણાવે છે: “પત્નીઓ, જેમ પ્રભુને તેમ પોતાના પતિઓને આધીન રહો.” એનો ખરેખર શું અર્થ થાય છે? પતિ વગર વિચારે જે કંઈ માંગે એ દરેક બાબતને પત્નીએ તાબે થવું જ જોઈએ? શું તે કદી પણ પહેલ ન કરી શકે અથવા કદી પતિ કરતાં ભિન્ન મંતવ્યો ન ધરાવી શકે?
અબીગાઈલનો બાઇબલ અહેવાલ વિચારો. તે ડહાપણભરી રીતે વર્તી, પરંતુ એ તેના ધનવાન પતિ નાબાલની ઇચ્છા વિરુદ્ધ હતું. દાઊદ, જેને દેવે ઈસ્રાએલનો રાજા બનવા માટે પસંદ કર્યો હતો, તેના અનુયાયીઓએ નાબાલ સાથે રાખેલા સારા વ્યવહાર છતાં, નાબાલ “તેમના પર ઊતરી પડ્યો,” [“બૂમો પાડી તેઓને ધમકાવ્યા,” NW]. દાઊદ નાબાલની કૃતઘ્નતાથી ગુસ્સે થઈને તેને મારી નાખવા તૈયાર થયો. અબીગાઈલને સમજાયું કે તેનું આખું ઘરકુટુંબ ભયમાં હતું. તેણે દાઊદને નરમ પાડ્યો. કઈ રીતે?—૧ શમૂએલ ૨૫:૨-૩૫.
અબીગાઈલે દાઊદ પાસે કબૂલ્યું કે નાબાલ એક ‘બલીયઆલનો માણસ,’ [“નકામો માણસ” NW] હતો અને નાબાલે આપવાની મના કરી હતી એ સામગ્રી દાઊદને આપી. સામાન્ય રીતે, પતિ કે પત્ની પોતાના સાથીના દોષ જાહેર કરે એ ખોટું છે. શું અબીગાઈલ એ રીતે બોલવામાં અને વર્તવામાં બળવાખોર હતી? ના. તે નાબાલ તથા તેના ઘરકુટુંબનાં જીવન બચાવવા પ્રયત્ન કરી રહી હતી. એવો કોઈ અણસાર નથી કે તેને માનહાનિ કરવાની કે સ્વચ્છંદી બનવાની ટેવ હોય. તે નાબાલની મોટી મિલકતનો વહીવટ ચલાવવામાં જે રીતે મદદ કરતી હતી એના વિષે કઠોર નાબાલે પણ કોઈ અસંતોષ વ્યક્ત કર્યો ન હતો. પરંતુ આ કટોકટીમય સ્થિતિમાં, તેણે ડહાપણથી વર્તી પહેલ કરી. વધુમાં, બાઇબલ, અબીગાઈલે જે કર્યું એ વિષે સારું બોલે છે.—૧ શમૂએલ ૨૫:૩, ૨૫, ૩૨, ૩૩.
અબીગાઈલના દિવસના ઘણા સમય પહેલાં, એવા સમયો હતા જ્યારે કુટુંબવડાઓની પત્નીઓએ પોતાનાં દૃષ્ટિબિંદુ વ્યક્ત કર્યાં અને પોતાના પતિઓ ઇચ્છતા હતા એથી ભિન્ન પગલાં ભર્યાં. તોપણ, એ ‘પવિત્ર સ્ત્રીઓ જેઓ દેવ પર આશા રાખતી હતી,’ તેઓને એક ખ્રિસ્તી પત્ની માટે આધીનતાનો નમૂનો ગણવામાં આવી. (૧ પીતર ૩:૧-૬) દાખલા તરીકે, સારાહને જણાયું કે ઈબ્રાહીમનો પુત્ર ઈશ્માએલ તેઓના પુત્ર, ઈસ્હાક માટે જોખમરૂપ બન્યો હતો ત્યારે, તેણે નક્કી કર્યું કે ઈશ્માએલને કાઢવો જ જોઈએ. એનાથી ‘ઈબ્રાહીમને બહુ માઠું લાગ્યું.’ પરંતુ દેવે ઈબ્રાહીમને કહ્યું: ‘તારા દીકરાને લીધે તારે માઠું લગાડવું નહિ; જે સર્વ સારાહે તને કહ્યું છે, તેમાં તેનું સાંભળ.’—ઉત્પત્તિ ૨૧:૧૧, ૧૨.
પારખશક્તિ જરૂરી
તો પછી, એક પત્ની આધીનતાના નામે અમુક બાબત કરવાનું દબાણ અનુભવે જે વિષે પોતે જાણતી હોય કે એ કરવું ઘણું જ બિનડહાપણભર્યું અથવા દૈવી સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરનારું છે, તો એ સારી બાબત નથી. અબીગાઈલ અને સારાહે કર્યું હતું તેમ, તે કોઈ અગત્યની બાબતમાં પહેલ કરે તો, પોતે અપરાધી છે એવું તેને ન લાગવું જોઈએ.
પત્નીમય આધીનતાનો એવો અર્થ થતો નથી કે એક પતિ ઇચ્છે એ દરેક બાબત સાથે પત્નીએ હંમેશા સંમત થવું જ જોઈએ. એનાથી શું ફરક પડે છે? ખરા સિદ્ધાંતો જોખમમાં હોય છે ત્યારે, તેણે પોતાના પતિ સાથે અસંમત થવું પણ પડી શકે. તેમ છતાં, તેણે હજુ પણ દૈવી આધીનતાનો પૂરેપૂરો આત્મા પ્રદર્શિત કરવો જોઈએ.
અલબત્ત, પત્નીએ કાળજી રાખવી જોઈએ કે તે સ્વેચ્છાએ, હેરાન કરવા, કે બીજા ખોટા ઇરાદાથી, પોતાના પતિની ઇચ્છાઓને ન ટાળે. અબીગાઈલ હતી તેમ, તે પારખશક્તિ ધરાવનાર, “ઘણી બુદ્ધિમાન” હોવી જોઈએ.—૧ શમૂએલ ૨૫:૩.
પતિ જવાબદારી ટાળે ત્યારે
પત્નીની દૈવી આધીનતાનો મુખ્ય ધ્યેય અને આત્મા, પતિને સહકાર આપીને તેના નિર્ણયોને ટેકો આપી, યહોવાહને ખુશ કરવાનો છે. પતિ આત્મિક રીતે પરિપક્વ હોય ત્યારે, એ બહુ જ સહેલું હોય છે. તે ન હોય તો, એ એક પડકાર બની શકે.
આ કિસ્સામાં, એક પત્ની કઈ રીતે પહોંચી વળી શકે? તે તેને ગંભીરતાપૂર્વક વિનંતી કરી શકે અથવા સૂચવી શકે કે કયો નિર્ણય કુટુંબને સૌથી વધારે લાભ કરશે. પત્ની તેને ‘સુકાન સંભાળવા દે’ તો, તે એ વિષે વધુ કુશળ બની શકે. પતિનો સતત વાંક કાઢતા રહેવાથી યોગ્ય આધીનતાનો આત્મા કચડાઈ જાય છે. (નીતિવચન ૨૧:૧૯) તોપણ, તેની યુક્તિથી કુટુંબની ભલાઈ સ્પષ્ટપણે જોખમમાં હોય તો, સારાહે કર્યું હતું તેમ, તે ખરા માર્ગની ભલામણ કરવાનું પસંદ કરી શકે.
પતિ એક અવિશ્વાસી હોય તો, પત્ની સમક્ષ આવતો પડકાર એથી પણ મોટો છે. પતિ તેને બાઇબલના નિયમોનું ઉલ્લંઘન કરવાનું ન કહે ત્યાં સુધી, તે હજુ પણ તેને આધીન હોવી જોઈએ. પતિ એમ કરે તો, એક ખ્રિસ્તી પત્નીનો પ્રત્યાઘાત શિષ્યો જેવો હોવો જોઈએ જ્યારે અદાલતે તેઓને દેવની આજ્ઞા તોડવાનું કહ્યું ત્યારે તેઓનો પ્રત્યાઘાત હતો: “માણસોના કરતાં દેવનું અમારે વધારે માનવું જોઈએ.”—પ્રેરિતોનાં કૃત્યો ૫:૨૯.
જોકે, અનુભવનો અભાવ તથા મર્યાદિત ડહાપણ હોવાને કારણે, સારો હેતુ ધરાવતા પતિઓ અને પત્નીઓ પણ પોતાની ભૂમિકાની બહાર પગલું ભરી શકે. પતિમાં વિચારણાનો અભાવ હોય શકે; પત્ની પોતાની પસંદગીઓનો કઠોરપણે આગ્રહ કરી શકે. શું મદદ કરી શકે? બન્ને માટે પોતાના વિષેની વિનયી દૃષ્ટિ મહત્ત્વની છે, કેમ કે “આપણે સઘળા ઘણી બાબતમાં ભૂલ કરીએ છીએ.”—યાકૂબ ૩:૨.
પત્ની પોતાની પ્રમાણિક પહેલ શાણપણથી વાપરે તો, ઘણા પુરુષો તેની કદર કરશે. અને તેઓ ભૂલ કરે ત્યારે બન્ને જણ માફી માગે તો, સહકારમાં વૃદ્ધિ થાય છે. યહોવાહ આપણી રોજિંદી ભૂલોને માફ કરે છે તેમ, આપણે પણ બીજાઓને માફ કરવા જોઈએ. “હે યાહ, જો તું દુષ્ટ કામો [“ભૂલો,” NW] ધ્યાનમાં રાખે, તો, હે પ્રભુ, તારી આગળ કોણ ઊભો રહી શકે? પરંતુ તારી પાસે માફી છે.”—ગીતશાસ્ત્ર ૧૩૦:૩, ૪.
“એકબીજાને આધીન રહો”
આપણા અરસપરસના સૌથી સારા હિતોમાં, શાસ્ત્રવચન સલાહ આપે છે: “ખ્રિસ્તનું ભય રાખીને એકબીજાને આધીન રહો.” એકબીજાને અરસપરસ પ્રેમાળ માન આપો; કદી અડચણ ઊભી ન કરો કે સ્પર્ધા ન કરો. શાસ્ત્રવચન કહેવાનું ચાલુ રાખે છે: “પત્નીઓ, જેમ પ્રભુને તેમ પોતાના પતિઓને આધીન રહો. કેમકે જેમ ખ્રિસ્ત મંડળીનું શિર છે, તેમ પતિ પત્નીનું શિર છે.”—એફેસી ૫:૨૧-૨૩.
પાઊલે એફેસી ૫:૨૧, ૨૨માં વાપરેલો ગ્રીક શબ્દ પોતાને આધીન કરવાનું સૂચન કરે છે, બળજબરીથી આધીન થવાનું સૂચન કરતું નથી. અને આધીનતા પ્રભુને કારણે છે, ફક્ત લગ્નના સુમેળ માટે જ નહિ. ખ્રિસ્તના અભિષિક્ત મંડળો પોતાને સ્વૈચ્છિક રીતે, આનંદપૂર્વક ખ્રિસ્તને આધીન કરે છે. એક પત્ની પોતાના પતિ માટે એમ જ કરે છે ત્યારે, લગ્ન સુખી તથા સફળ થાય એવી શક્યતા વધારે છે.
શાસ્ત્રવચન એમ પણ જણાવે છે: ‘દરેક [પતિ] જેમ પોતાના પર તેમ પોતાની સ્ત્રી પર ઉદારપણે પ્રેમ રાખે.’ (એફેસી ૫:૩૩; ૧ પીતર ૩:૭) પતિએ ધ્યાનમાં રાખવું જોઈએ કે તેણે પણ પોતાના શિરની આધીનતામાં રહેવું જોઈએ, કેમ કે બાઇબલ જણાવે છે: “દરેક પુરુષનું શિર ખ્રિસ્ત છે.” હા, પુરુષે ખ્રિસ્તના શિક્ષણને આધીન રહેવું જોઈએ. ત્યાર પછી ખ્રિસ્તે તેમના શિરને આધીન રહેવાનું છે: “ખ્રિસ્તનું શિર દેવ છે.” એમ, યહોવાહ સિવાય દરેકનું શિર છે. અને તે ખુદ પોતાના નિયમો પાળે છે.—૧ કોરીંથી ૧૧:૩; તીતસ ૧:૨; હેબ્રી ૬:૧૮.
ખ્રિસ્તી આધીનતા બંને જાતિ માટે સમતોલ અને લાભદાયી છે. એ લગ્નમાં સુમેળ તથા સંતોષ લાવે છે જે ફક્ત આપણા પ્રેમાળ ઉત્પન્નકર્તા પૂરા પાડી શકે છે.—ફિલિપી ૪:૭.