વધારે માહિતી
માથે ઓઢવું—ક્યારે અને શા માટે?
યહોવાની ભક્તિમાં બહેનોએ ક્યારે અને શા માટે માથે ઓઢવું જોઈએ, એ વિષે બાઇબલમાં માર્ગદર્શન આપેલું છે. એ આપણને સારા નિર્ણયો લેવા મદદ કરે છે. આવા નિર્ણયોથી પરમેશ્વરને માન મળે છે. યહોવાના એ માર્ગદર્શન વિષે, પાઉલે ૧ કરિંથી ૧૧:૩-૧૬માં લખ્યું છે. એમાં આપણને ત્રણ બાબતો ધ્યાનમાં રાખવાની સલાહ મળે છે: (૧) બહેનોએ શું કરતી વખતે માથે ઓઢવું જોઈએ. (૨) કેવા સંજોગોમાં માથે ઓઢવું જોઈએ. (૩) કયાં કારણોને લીધે માથે ઓઢવું જોઈએ.
બહેનોએ શું કરતી વખતે માથે ઓઢવું જોઈએ: પાઉલે જણાવ્યું કે પ્રાર્થના કરતી વખતે અને પ્રબોધ કરતી વખતે. (કલમ ચાર અને પાંચ) પ્રાર્થના એટલે ભક્તિભાવથી યહોવા સાથે વાત કરવી. પ્રબોધ કરવો આજે બાઇબલમાંથી શીખવવાને બતાવે છે. શું પાઉલ એમ કહેતા હતા કે પ્રાર્થના કરતી વખતે કે બાઇબલમાંથી શીખવતી વખતે, બહેનોએ હંમેશાં માથે ઓઢવું જોઈએ? ના, એવું નથી. એ તો બહેન કેવા સંજોગોમાં છે, એના પર આધાર રાખે છે.
બહેનોએ કેવા સંજોગોમાં માથે ઓઢવું જોઈએ: પાઉલ કુટુંબમાં અને મંડળમાં ઊભા થતા સંજોગોની વાત કરે છે. તે કહે છે: ‘સ્ત્રીનું શિર પુરુષ છે. જે કોઈ સ્ત્રી ઉઘાડે માથે પ્રાર્થના કે પ્રબોધ કરે છે, તે પોતાના શિરનું અપમાન કરે છે.’ (કલમ ત્રણ અને પાંચ) કુટુંબની ગોઠવણમાં “સ્ત્રીનું શિર પુરુષ છે,” એટલે કે યહોવાએ પત્ની પર પતિને અધિકાર આપ્યો છે. આ ગોઠવણને પત્ની માન આપે છે. તેથી, યહોવાએ પતિને સોંપેલી કોઈ પણ જવાબદારી તે પોતે ઉપાડવા નહિ લાગે. જો પતિની હાજરીમાં પત્નીએ કોઈનો બાઇબલ અભ્યાસ લેવો પડે, તો તેણે માથે ઓઢવું જોઈએ. એનાથી તે પોતાના પતિના અધિકારને માન આપે છે, પછી ભલે તે બાપ્તિસ્મા પામેલા હોય કે ન હોય.a પણ કોઈ મા બાપ્તિસ્મા પામેલા નાની ઉંમરના દીકરાની હાજરીમાં અભ્યાસ લે કે પ્રાર્થના કરે ત્યારે, તેણે શું કરવું જોઈએ? ત્યારે પણ તેણે માથે ઓઢવું જોઈએ. એવું નથી કે તે છોકરો કુટુંબનું “શિર” છે. પરંતુ, હવે તે મંડળમાં બાપ્તિસ્મા પામેલો ભાઈ હોવાથી, મા તેની જવાબદારીને માન આપે છે.
મંડળમાં શીખવવા વિષે પાઉલ આમ કહે છે: “આ વિષે કોઈ દલીલ કરવા માગે તો મારે એટલું જ કહેવાનું છે કે મંડળીમાં જાહેર પ્રાર્થના કે પ્રબોધ કરતા સ્ત્રીએ પોતાનું માથું ઢાંકવું જોઈએ. તમામ મંડળીઓ પણ આ બાબતમાં એવું જ માને છે.” (૧ કરિંથી ૧૧:૧૬, IBSI) મંડળમાં શિક્ષણ આપવાની જવાબદારી બાપ્તિસ્મા પામેલા ભાઈઓને સોંપવામાં આવી છે. (૧ તિમોથી ૨:૧૧-૧૪; હિબ્રૂ ૧૩:૧૭) યહોવા પોતાના ભક્તોની સંભાળ રાખવા ફક્ત ભાઈઓને જ વડીલો અને સેવકાઈ ચાકરો તરીકે પસંદ કરે છે. (પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૨૮) પરંતુ, કોઈ વાર એવું બને કે જે જવાબદારી બાપ્તિસ્મા પામેલા યોગ્ય ભાઈઓએ ઉપાડવાની હોય, એ બહેનોએ ઉપાડવી પડે. દાખલા તરીકે, પ્રચાર માટે રાખવામાં આવેલી સભા ચલાવવા બાપ્તિસ્મા પામેલા કોઈ યોગ્ય ભાઈ હાજર નથી. એવા સંજોગોમાં કોઈ બહેને સભા ચલાવવી પડે. અથવા તો બાપ્તિસ્મા પામેલા ભાઈની હાજરીમાં બહેને કોઈનો બાઇબલ અભ્યાસ લેવો પડે. આવા વખતે તે બહેન માથે ઓઢીને બતાવે છે કે ભાઈઓને મળતી જવાબદારી પોતે નિભાવી રહી છે.
જોકે, યહોવાની ભક્તિમાં બહેનોએ હંમેશાં માથે ઓઢવાની જરૂર નથી. જેમ કે, આપણી સભાઓમાં જવાબ આપતી વખતે; પતિ અથવા બાપ્તિસ્મા પામેલા ભાઈ સાથે પ્રચાર કરતી વખતે; અને બાપ્તિસ્મા નહિ પામેલાં પોતાનાં બાળકો સાથે અભ્યાસ કે પ્રાર્થના કરતી વખતે. ખરું કે બીજા સંજોગોમાં હજુ સવાલ ઊભા થઈ શકે. એ વિષે જો બહેને ચોકસાઈ કરવી હોય તો તે વધારે સંશોધન કરી શકે.b એ પછી પણ જો તે ચોક્કસ ન હોય અને લાગે કે તેણે માથે ઓઢવું જોઈએ, તો એમ કરવામાં કંઈ ખોટું નથી. દાખલા તરીકે, જેમ અહીંયા ચિત્રમાં બતાવ્યું છે.
બહેનોએ કયાં કારણોને લીધે માથે ઓઢવું જોઈએ: દસમી કલમ આપણને બે કારણો જણાવે છે: ‘દૂતોને લીધે અધિકારને આધીન થવાની નિશાની સ્ત્રીઓ પોતાને માથે રાખે.’ પહેલું કારણ છે, ‘અધિકારને આધીન થવાની નિશાની.’ એનો શું અર્થ થાય? મંડળમાં બાપ્તિસ્મા પામેલા ભાઈઓને યહોવાએ જે અધિકાર આપ્યો છે, એને માન આપવા બહેનો માથે ઓઢે છે. આમ, તેઓ બતાવે છે કે પોતે યહોવાને ચાહે છે અને તેમના સિદ્ધાંતોને વળગી રહેવા માગે છે. બીજું કારણ છે, “દૂતોને લીધે.” કોઈ બહેન માથે ઓઢે એનાથી શક્તિશાળી દૂતો પર શું અસર પડે છે?
સ્વર્ગમાં કે પૃથ્વી પર યહોવાના સંગઠનમાં જ્યારે કોઈ તેમની આજ્ઞાઓ પાળીને આધીન થાય, ત્યારે દૂતોને બહુ જ ખુશી થાય છે. આધીન રહેવામાં આપણા જેવા અપૂર્ણ માણસનો દાખલો જોઈને સ્વર્ગદૂતોને લાભ થાય છે. તેઓએ પણ યહોવાની ગોઠવણને આધીન રહેવાનું છે, જેમાં અગાઉ ઘણા દૂતો નિષ્ફળ ગયા હતા. (યહૂદા ૬) આજે કદાચ દૂતો એવા કિસ્સા પણ જુએ, જેમાં બાપ્તિસ્મા પામેલા કોઈ ભાઈ કરતાં કોઈ બહેન વધારે અનુભવી, જ્ઞાની અને હોશિયાર હોય. તોપણ, આ બહેન એ ભાઈને ખુશીથી માન આપીને આધીન રહે છે. અમુક કિસ્સામાં તો એ બહેન અભિષિક્ત હોય છે, જે આગળ જતા સ્વર્ગમાંથી ઈસુ સાથે રાજ કરશે. તેઓને એવી પદવી મળશે, જે દૂતો કરતાં પણ ઊંચી છે. આવી બહેનોને આજે આધીન રહેતા જોઈને, દૂતોને કેટલો આનંદ થતો હશે! ખરેખર, યહોવાને આધીન રહીને તેમની આજ્ઞાઓ પાળવાનો સર્વ બહેનોને સુંદર મોકો મળ્યો છે. બહેનો નમ્ર બનીને આધીન રહે છે ત્યારે, કરોડો વફાદાર દૂતો સામે સરસ દાખલો બેસાડે છે.
a જો પતિ સત્યમાં હોય, તો તેમની હાજરીમાં પત્ની મોટેથી પ્રાર્થના નહિ કરે. પરંતુ, પતિ કોઈ બીમારીને લીધે બોલી શકતા ન હોય, એવા સંજોગોમાં તેમની હાજરીમાં પત્ની મોટેથી પ્રાર્થના કરી શકે.
b વધારે માહિતી માટે ચોકીબુરજમાં જુલાઈ ૧૫, ૨૦૦૨ પાન ૨૬-૨૭ જુઓ.