અભ્યાસ લેખ ૫૦
“મરણ પામેલા લોકોને કઈ રીતે જીવતા કરવામાં આવશે?”
“ઓ મરણ, તારો વિજય ક્યાં? ઓ મરણ, તારો ડંખ ક્યાં?”—૧ કોરીં. ૧૫:૫૫.
ગીત ૧ યહોવાના ગુણો
ઝલકa
૧-૨. અભિષિક્તોના સ્વર્ગના જીવન વિશે આપણે બધાએ કેમ જાણવું જોઈએ?
યહોવાના મોટા ભાગના લોકો પૃથ્વી પર હંમેશ માટે જીવવાની આશા રાખે છે. આપણી વચ્ચે કેટલાક અભિષિક્તો પણ છે, જેઓ સ્વર્ગના જીવનની આશા રાખે છે. અભિષિક્તોને જાણવું છે કે સ્વર્ગનું જીવન કેવું હશે. પણ એ વિશે બીજાં ઘેટાંના લોકોએ કેમ ધ્યાન આપવું જોઈએ? કારણ કે અભિષિક્તોને સ્વર્ગનું જીવન મળશે ત્યારે, પૃથ્વી પર હંમેશ માટે જીવવાની આશા રાખનાર લોકોને પણ આશીર્વાદો મળશે. ભલે આપણી આશા સ્વર્ગના જીવનની હોય કે પૃથ્વી પરના જીવનની પણ અભિષિક્તોને મળનાર જીવન વિશે આપણે જાણવું જોઈએ.
૨ સ્વર્ગના જીવન વિશે લખવા ઈસુના અમુક શિષ્યોને ઈશ્વરે પ્રેરણા આપી હતી. દાખલા તરીકે પ્રેરિત યોહાને લખ્યું: “હવે આપણે ઈશ્વરનાં બાળકો છીએ, પણ એ હજુ પ્રગટ થયું નથી કે આપણે કેવા હોઈશું. આપણે એ તો જરૂર જાણીએ છીએ કે જ્યારે તેમને પ્રગટ કરવામાં આવશે, ત્યારે આપણે તેમના જેવા હોઈશું.” (૧ યોહા. ૩:૨) એનાથી સમજાય છે કે અભિષિક્તોને ખબર નથી કે તેઓને સ્વર્ગમાં ઉઠાડવામાં આવશે ત્યારે કેવું જીવન મળશે. પણ તેઓને સ્વર્ગમાં જીવન મળશે ત્યારે તેઓ ખરેખર યહોવાને જોઈ શકશે. સ્વર્ગનું જીવન કેવું હશે એ વિશે બાઇબલમાં બધી માહિતી આપવામાં આવી નથી. પણ ૧ કોરીંથીઓ અધ્યાય ૧૫માં એ વિશે થોડું-ઘણું જણાવવામાં આવ્યું છે. એમાં બતાવ્યું છે કે ખ્રિસ્ત “બધી સરકારો, બધી સત્તાઓ અને બધા અધિકારોનો નાશ કરશે” ત્યારે અભિષિક્તો તેમની સાથે હશે. એ સમયે ખ્રિસ્ત “છેલ્લા દુશ્મન, મરણનું” નામનિશાન મિટાવી દેશે. છેલ્લે ઈસુ અને તેમના સાથીદારો યહોવાને આધીન થશે અને બધું તેમને સોંપી દેશે. (૧ કોરીં. ૧૫:૨૪-૨૮) એ કેટલો ખુશીનો સમય હશે!b
૩. (ક) પહેલો કોરીંથીઓ ૧૫:૩૦-૩૨ પ્રમાણે પાઊલે કઈ મુશ્કેલીઓનો સામનો કર્યો? (ખ) તે એ બધું કેમ સહી શક્યા?
૩ પાઊલને પૂરો ભરોસો હતો કે જો તે મરી જાય તોપણ તેમને પાછા ઉઠાડવામાં આવશે. એનાથી તેમને બધી મુશ્કેલીઓ સહેવા મદદ મળી. (૧ કોરીંથીઓ ૧૫:૩૦-૩૨ વાંચો.) તેમણે કોરીંથીઓના પત્રમાં લખ્યું: ‘હું રોજ મોતની છાયામાં જીવું છું. હું એફેસસમાં જંગલી પ્રાણીઓ સાથે લડ્યો છું.’ તે એફેસસના અખાડામાં પ્રાણીઓ સાથે લડ્યા એની વાત કરતા હોય શકે. (૨ કોરીં. ૧:૮; ૪:૧૦; ૧૧:૨૩) અથવા તે એવા યહુદીઓ અને બીજા દુશ્મનો વિશે વાત કરતા હોય શકે, જેઓએ તેમની સાથે “જંગલી પ્રાણીઓ” જેવું વર્તન કર્યું હતું. (પ્રે.કા. ૧૯:૨૬-૩૪; ૧ કોરીં. ૧૬:૯) ભલે ગમે એ હોય, પણ પાઊલે ઘણી તકલીફોનો સામનો કર્યો હતો. તેમને આશા હતી કે ભાવિમાં તેમને સુંદર જીવન મળશે.—૨ કોરીં. ૪:૧૬-૧૮.
૪. નવી દુનિયાના જીવનની આશાને લીધે કેટલાંક ભાઈ-બહેનો કેવી હિંમત બતાવી રહ્યાં છે? (પહેલા પાનનું ચિત્ર જુઓ.)
૪ આજે આપણે કપરા સમયમાં જીવી રહ્યા છીએ. આપણાં અમુક ભાઈ-બહેનો ગુનાનો ભોગ બન્યાં છે. બીજાં ભાઈ-બહેનો એવા વિસ્તારમાં રહે છે જ્યાં અવારનવાર યુદ્ધ થાય છે. એવી જગ્યાએ તેઓનું જીવન હંમેશાં જોખમમાં હોય છે. કેટલાંક ભાઈ-બહેનો એવા દેશોમાં રહે છે, જ્યાં આપણાં કામ પર અમુક નિયંત્રણ કે પછી પ્રતિબંધ છે. જીવનનું જોખમ કે જેલમાં જવાનો ડર હોવા છતાં તેઓ યહોવાની સેવામાં લાગુ રહે છે. તેઓએ આપણા માટે ખૂબ સરસ દાખલો બેસાડ્યો છે. ભલે પોતાનું જીવન ગુમાવવું પડે, પણ તેઓને ખાતરી છે કે યહોવા તેઓને નવી દુનિયામાં પાછા ઉઠાડશે. એ સમયે તેઓનું જીવન આજના કરતાં ઘણું સારું હશે.
૫. આપણે કઈ માન્યતાથી દૂર રહેવું જોઈએ?
૫ પાઊલના સમયમાં અમુકની ખોટી માન્યતા હતી. તેઓ માનતા કે, ‘જો મરણ પામેલા લોકોને ઉઠાડવામાં આવતા ન હોય, તો પછી “ચાલો આપણે ખાઈએ અને પીએ, કેમ કે કાલે તો મરવાનું છે.”’ પાઊલે એ સમયનાં ભાઈ-બહેનોને એવી માન્યતાથી દૂર રહેવાની ચેતવણી આપી હતી. વર્ષો પહેલાં ઇઝરાયેલીઓના સમયમાં પણ એવી ખોટી માન્યતા હતી. એ વાત યશાયા ૨૨:૧૩માંથી જાણવા મળે છે, જેનો કદાચ પાઊલે પહેલો કોરીંથીઓના પત્રમાં ઉપયોગ કર્યો હતો. એ માન્યતામાં માનનાર ઇઝરાયેલીઓ યહોવા સાથેના સંબંધને મજબૂત કરવાને બદલે મોજશોખમાં ડૂબેલા રહેતા હતા. તેઓ માનતા કે “ખાઓ, પીઓ અને લહેર કરો. કાલ કોણે જોઈ છે?” આજે પણ ઘણા લોકો એવું માને છે. પણ આવું વિચારનાર લોકોએ ખરાબ પરિણામ ભોગવવું પડે છે. ઇઝરાયેલીઓ સાથે પણ એવું જ થયું હતું.—૨ કાળ. ૩૬:૧૫-૨૦.
૬. જેઓને ભાવિની આશા નથી તેઓ સાથે આપણે કેમ દોસ્તી ન કરવી જોઈએ?
૬ આપણને પૂરી ખાતરી છે કે મરી ગયેલાઓને ઈશ્વર જીવતા કરશે. એટલે આપણે એવા લોકો સાથે દોસ્તી ન કરવી જોઈએ, જેઓ માને છે કે આ જ જીવન છે અને તેઓને ભાવિની કોઈ આશા નથી. પાઊલે પણ એવા લોકોથી દૂર રહેવાની કોરીંથનાં ભાઈ-બહેનોને સલાહ આપી હતી. આપણે એવા લોકો સાથે હળવું-મળવું ન જોઈએ, જેઓને ભાવિની કંઈ પડી નથી અને જેઓ મોજશોખમાં જ ડૂબેલા રહે છે. એવા લોકો સાથે હળવા-મળવાથી તો આપણાં વિચારો અને આદતો બગડી જશે. આપણે એવાં કામો કરવા લાગીશું જેને યહોવા નફરત કરે છે. એટલે પાઊલે સાફ શબ્દોમાં સલાહ આપી: “સત્યના માર્ગમાં ચાલીને હોશમાં આવો અને પાપ કરતા ન રહો.”—૧ કોરીં. ૧૫:૩૩, ૩૪.
તેઓને કેવું શરીર મળે છે?
૭. પહેલો કોરીંથીઓ ૧૫:૩૫-૩૮ પ્રમાણે અમુકને કયો સવાલ થાય છે?
૭ પહેલો કોરીંથીઓ ૧૫:૩૫-૩૮ વાંચો. ગુજરી ગયેલા જીવતા થશે કે કેમ એ વિશે બીજાઓના મનમાં શંકા પેદા કરવા અમુક કદાચ કહે: “મરણ પામેલા લોકોને કઈ રીતે જીવતા કરવામાં આવશે?” પાઊલે પોતાના પત્રમાં એ સવાલનો જવાબ આપ્યો. તેમણે જે કહ્યું એના પર આપણે ધ્યાન આપવું જોઈએ. કારણ કે મર્યા પછી માણસનું શું થાય છે એ વિશે આજે પણ લોકો અલગ અલગ માને છે. ચાલો જોઈએ કે પાઊલે શું કહ્યું.
૮. સ્વર્ગમાં કેવું શરીર આપવામાં આવશે એ સમજાવવા પાઊલે કયું ઉદાહરણ આપ્યું?
૮ જ્યારે કોઈનું મરણ થાય છે ત્યારે તેનું શરીર નાશ પામે છે. પણ ઈશ્વર ચાહે એવું શરીર આપીને તેને ઉઠાડી શકે છે. જો ઈશ્વર શૂન્યમાંથી આખા વિશ્વનું સર્જન કરી શકતા હોય, તો મરી ગયેલાઓને ઉઠાડવા એ તો તેમના ડાબા હાથનો ખેલ છે. (ઉત. ૧:૧; ૨:૭) એક વ્યક્તિને પાછો ઉઠાડવા એના એજ શરીરની જરૂર પડતી નથી. એ માટે પાઊલે એક સરસ ઉદાહરણ આપ્યું. એક “દાણો” કે છોડના “બી”ને જમીનમાં રોપવામાં આવે તો થોડા સમય પછી એના અંકુર ફૂટે છે અને એમાંથી છોડ ઉગે છે. એ છોડ એના દાણાથી એકદમ અલગ દેખાય છે. એ ઉદાહરણ આપીને પાઊલે સમજાવ્યું કે આપણા સર્જનહાર એક વ્યક્તિને પાછો ઉઠાડીને જેવું ‘પસંદ પડે એવું શરીર’ તેને આપી શકે છે.
૯. પહેલો કોરીંથીઓ ૧૫:૩૯-૪૧માં પાઊલે અલગ અલગ શરીર વિશે શું જણાવ્યું?
૯ પહેલો કોરીંથીઓ ૧૫:૩૯-૪૧ વાંચો. પાઉલે જણાવ્યું કે ઈશ્વરે અલગ અલગ જીવોનું સર્જન કર્યું છે. તેમણે એ બધાને એક સરખું શરીર આપ્યું નથી. દાખલા તરીકે, જાનવરો, પક્ષીઓ અને માછલીઓનું શરીર એકબીજાથી અલગ હોય છે. પાઊલે એમ પણ જણાવ્યું કે આકાશમાં સૂર્ય અને ચંદ્રમાં ફરક હોય છે. તેમણે કહ્યું, “એક તારાનું તેજ બીજા તારા કરતાં જુદું હોય છે.” એ ફરક આપણે નરી આંખે જોઈ શકતા નથી. પણ વૈજ્ઞાનિકો જણાવે છે કે તારાઓ અલગ અલગ પ્રકારના હોય છે. અમુક તારાઓ મોટા હોય છે તો અમુક નાના હોય છે. કેટલાક લાલ, સફેદ કે પીળા રંગના હોય છે. જેમ કે, આપણો સૂરજ પીળા રંગનો છે. પાઊલે જણાવ્યું કે “સ્વર્ગીય શરીરો છે અને પૃથ્વી પરના શરીરો છે.” તેમના કહેવાનો શું અર્થ હતો? એ જ કે ધરતી પર રહેનારાઓનું શરીર હાડ-માંસનું બનેલું છે, પણ સ્વર્ગમાં રહેનારાઓનું શરીર દૂતો જેવું હોય છે.
૧૦. જેઓને સ્વર્ગમાં જીવતા કરવામાં આવશે તેઓને કેવું શરીર આપવામાં આવશે?
૧૦ ધ્યાન આપો કે પાઊલે કહ્યું: “એવું જ મરણ પામેલાના સજીવન થવા વિશે પણ છે. મરણ પામેલું શરીર નાશ પામે છે, પણ મરણમાંથી ઉઠાડવામાં આવેલું શરીર નાશ પામતું નથી.” એક માણસ મરી જાય ત્યારે તેનું શરીર નાશ પામે છે અને ધૂળમાં મળી જાય છે. (ઉત. ૩:૧૯) તો પછી એવું શા માટે કહેવામાં આવે છે કે “મરણમાંથી ઉઠાડવામાં આવેલું શરીર નાશ પામતું નથી”? પાઊલ એવા લોકો વિશે વાત કરી રહ્યા ન હતા જેઓને એલિયા, એલીશા અને ઈસુએ ધરતી પર પાછા ઉઠાડ્યા હતા. તે તો એવા લોકોની વાત કરી રહ્યા હતા, જેઓને સ્વર્ગમાં જીવતા કરવામાં આવશે. તેઓને “સ્વર્ગમાંનું શરીર” આપવામાં આવશે, જે કદી નાશ પામતું નથી.—૧ કોરીં. ૧૫:૪૨-૪૪.
૧૧-૧૨. (ક) ઈસુને પાછા ઉઠાડવામાં આવ્યા ત્યારે કેવું શરીર આપવામાં આવ્યું? (ખ) અભિષિક્તોને કેવું શરીર આપવામાં આવ્યું?
૧૧ ઈસુ ધરતી પર હતા ત્યારે તેમનું શરીર હાડ-માંસનું હતું. પણ તેમને મરણમાંથી ઉઠાડવામાં આવ્યા ત્યારે તેમને સ્વર્ગમાં દૂતો જેવું શરીર આપવામાં આવ્યું. એટલે પાઊલે કહ્યું કે ઈસુ “જીવન આપનાર” વ્યક્તિ બન્યા. પાઊલે સમજાવ્યું કે “જેમ આપણે માટીના બનેલા માણસ જેવું રૂપ ધારણ કર્યું છે, તેમ જે સ્વર્ગનો છે, તેનું રૂપ પણ આપણે ધારણ કરીશું.”—૧ કોરીં. ૧૫:૪૫-૪૯.
૧૨ ભૂલીએ નહિ કે ઈસુને ઉઠાડવામાં આવ્યા ત્યારે તેમને હાડ-માંસનું શરીર આપવામાં આવ્યું ન હતું. તેમને તો દૂતો જેવું શરીર આપવામાં આવ્યું હતું. પાઊલે આ વાત પર ધ્યાન દોર્યું: “માંસ અને લોહી ઈશ્વરના રાજ્યનો વારસો મેળવી શકતા નથી.” (૧ કોરીં. ૧૫:૫૦) પ્રેરિતો અને બીજા અભિષિક્તોને સ્વર્ગમાં ઉઠાડવામાં આવ્યા ત્યારે હાડ-માંસનું શરીર આપવામાં ન આવ્યું. કારણ કે એવું શરીર તો નાશ પામે છે. બીજો એક સવાલ થાય કે તેઓને ક્યારે પાછા ઉઠાડવામાં આવ્યા? પાઊલે કહ્યું હતું કે તેઓને મર્યા પછી તરત જ જીવતા કરવામાં આવશે નહિ. પણ પછીથી જીવતા કરવામાં આવશે. પાઊલે કોરીંથીઓને પહેલો પત્ર લખ્યો ત્યારે અમુક પ્રેરિત, જેવા કે યાકૂબ “મરણની ઊંઘમાં” સરી ગયા હતા. (પ્રે.કા. ૧૨:૧, ૨) બીજા પ્રેરિતો અને અભિષિક્તો થોડા સમય પછી “મરણની ઊંઘમાં” સૂઈ જવાના હતા.—૧ કોરીં. ૧૫:૬.
મરણ પર જીત
૧૩. ખ્રિસ્તની હાજરી દરમિયાન કયા બનાવો બનશે?
૧૩ ઈસુ અને પાઊલે એવા સમય વિશે ભવિષ્યવાણી કરી જે માનવ ઇતિહાસમાં યાદગાર બનવાની હતી. એ છે ખ્રિસ્તની હાજરીનો સમય. એ સમયે આખી દુનિયામાં યુદ્ધ, ધરતીકંપ, ચેપી રોગો અને ખરાબ બનાવો બનશે. એ ભવિષ્યવાણી ૧૯૧૪થી પૂરી થઈ રહી છે. બાઇબલમાં એમ પણ બતાવ્યું છે કે ખ્રિસ્તની હાજરી દરમિયાન અમુક સારા બનાવો પણ બનશે. ઈસુએ જણાવ્યું કે ઈશ્વરનું રાજ્ય સ્વર્ગમાં શરૂ થઈ ગયું છે એની ખુશખબર “આખી દુનિયામાં જણાવવામાં આવશે, જેથી બધી પ્રજાઓને સાક્ષી મળે અને પછી જ અંત આવશે.” (માથ. ૨૪:૩, ૭-૧૪) પાઊલે જણાવ્યું કે ખ્રિસ્તની હાજરી દરમિયાન બીજો પણ એક સારો બનાવ બનશે. જે અભિષિક્તો “મરણ પામ્યા છે,” તેઓને સ્વર્ગમાં જીવતા કરવામાં આવશે.—૧ થેસ્સા. ૪:૧૪-૧૬; ૧ કોરીં. ૧૫:૨૩.
૧૪. ખ્રિસ્તની હાજરી દરમિયાન જે અભિષિક્તોનું મરણ થાય છે તેઓને ક્યારે જીવતા કરવામાં આવશે?
૧૪ આજે જે અભિષિક્તોનું મરણ થાય છે, તેઓને તરત જ સ્વર્ગમાં જીવતા કરવામાં આવે છે. એનો પુરાવો આપણને ૧ કોરીંથીઓ ૧૫:૫૧, ૫૨માં મળે છે. અહીં પાઊલે લખ્યું: “આપણે બધા મરણની ઊંઘમાં સરી જવાના નથી, પણ આપણે બધા બદલાણ પામીશું; છેલ્લું રણશિંગડું વાગતું હશે ત્યારે, એક ઘડીમાં, આંખના એક પલકારામાં એમ થશે.” પાઊલના એ શબ્દો આજે પૂરા થઈ રહ્યા છે. અભિષિક્તોને સ્વર્ગમાં જીવતા કરવામાં આવશે ત્યારે તેઓને ઘણી ખુશી થશે કારણ કે તેઓ ‘હંમેશાં ખ્રિસ્ત સાથે હશે.’—૧ થેસ્સા. ૪:૧૭.
૧૫. અભિષિક્તોને સ્વર્ગમાં જીવતા કરવામાં આવશે ત્યારે તેઓને કયું કામ સોંપવામાં આવશે?
૧૫ અભિષિક્તોને સ્વર્ગમાં જીવતા કરવામાં આવશે ત્યારે તેઓને કયું કામ સોંપવામાં આવશે, એ વિશે બાઇબલમાં જણાવ્યું છે. ઈસુ તેઓને કહે છે: “જે વ્યક્તિ જીતે છે અને અંત સુધી મારા માર્ગો પ્રમાણે ચાલે છે, તેને હું પ્રજાઓ પર અધિકાર આપીશ; એવો અધિકાર મને મારા પિતા પાસેથી મળ્યો છે અને તે વ્યક્તિ લોકો પર લોઢાના દંડથી રાજ કરશે, જેથી માટીનાં વાસણોની જેમ તેઓના ટુકડેટુકડા થઈ જાય.” (પ્રકટી. ૨:૨૬, ૨૭) અભિષિક્તો પોતાના સેનાપતિ ઈસુની પાછળ પાછળ ચાલશે અને લોઢાના દંડથી પ્રજાઓ પર રાજ કરશે, એટલે કે તેઓના ટુકડેટુકડા કરશે.—પ્રકટી. ૧૯:૧૧-૧૫.
૧૬. માણસો કઈ રીતે મરણ પર જીત મેળવશે?
૧૬ અભિષિક્તોને સ્વર્ગમાં જીવતા કરવામાં આવશે ત્યારે તેઓએ મરણ પર જીત મેળવી લીધી હશે. (૧ કોરીં. ૧૫:૫૪-૫૭) સ્વર્ગમાં ગયા પછી તેઓ આર્માગેદનના યુદ્ધમાં પૃથ્વી પરથી દુષ્ટતા દૂર કરવામાં ભાગ લેશે. “મહાન વિપત્તિમાંથી નીકળી આવેલા” લાખો ઈશ્વરભક્તો ધરતી પર નવી દુનિયામાં જીવન મેળવશે. (પ્રકટી. ૭:૧૪) તેઓને મરણ પર બીજી એક જીત જોવા મળશે. એ છે કે ધરતી પર કરોડો લોકોને પાછા ઉઠાડવામાં આવ્યા છે. જરા વિચારો, એ કેટલો ખુશીનો માહોલ હશે! (પ્રે.કા. ૨૪:૧૫) એ પછી જેઓ યહોવાને પૂરેપૂરા વફાદાર રહેશે તેઓને હંમેશ માટેનું જીવન મળશે. આમ, તેઓ આદમથી આવેલા મરણ પર જીત મેળવશે.
૧૭. પહેલો કોરીંથીઓ ૧૫:૫૮માં આપણને કઈ સલાહ આપવામાં આવી છે?
૧૭ પાઊલે કોરીંથીઓના પત્રમાં કેટલી સુંદર માહિતી આપી છે. ગુજરી ગયેલાઓને પાછા ઉઠાડવામાં આવશે એ વિશે તેમણે ઘણું જણાવ્યું છે. એના પર વિચાર કરવાથી આપણને કેટલી ખુશી મળે છે. ચાલો આપણે પાઊલની સલાહ માનીએ અને ‘ઈશ્વરની સેવામાં’ લાગુ રહીએ. (૧ કોરીંથીઓ ૧૫:૫૮ વાંચો.) તેમની સેવામાં પૂરા જોશથી કામ કરીશું તો આપણને સોનેરી ભાવિની આશા મળશે. આપણે કદી વિચાર્યું નહિ હોય એવું ભાવિ મળશે. ઈશ્વરની સેવામાં કરેલી આપણી મહેનત એ સમયે રંગ લાવશે.
ગીત ૫૫ જીવન દીપ નહિ બૂઝે
a મરણ પામેલા લોકોને પાછા ઉઠાવવામાં આવશે, એ વિશે પહેલો કોરીંથીઓ ૧૫ અધ્યાયના પાછળના ભાગમાં ઘણી માહિતી આપી છે. ખાસ તો અભિષિક્તોને કઈ રીતે પાછા ઉઠાડવામાં આવશે એ વિશે બતાવ્યું છે. એ કલમોમાં પાઊલે જે લખ્યું એના વિશે બીજાં ઘેટાંના લોકોએ પણ ધ્યાન આપવું જોઈએ. ગુજરી ગયેલાઓને જીવતા કરવામાં આવશે એવી આપણને આશા છે. આ લેખમાં જોઈશું કે એ આશા મળવાથી આપણે આજે કેવું જીવન જીવવું જોઈએ. એટલું જ નહિ આપણે કેમ ખાતરી રાખી શકીએ કે ભાવિમાં આપણને સારું જીવન મળશે.
b આ અંકમાં “વાચકો તરફથી પ્રશ્નો” લેખમાં ૧ કોરીંથીઓ ૧૫:૨૯માં પાઊલે જે કહ્યું એ વિશે ચર્ચા કરવામાં આવી છે.