મૂએલાં સજીવન થશે—હિંમત આપતી આશા
‘હું સર્વ બાબતોને વ્યર્થ ગણું છું. . . . જેથી, હું ખ્રિસ્તને જાણું, અને તેમના સજીવન થવાના સામર્થ્યનો અનુભવ કરું.’—ફિલિપી ૩:૮-૧૦. પ્રેમસંદેશ.
મૂએલાં કઈ રીતે સજીવન થશે? એક અમેરિકન પાદરી વિષે અહેવાલ આપવામાં આવ્યો કે, તેણે લગભગ ૧૮૯૦ પછીના વર્ષોમાં એક અજોડ વાત ફેલાવી. તેણે કહ્યું કે, મૂએલાંને સજીવન કરતી વખતે, શરીરના બધા હાડકાં, અને માંસને ભેગા કરી, જીવતા કરવામાં આવશે. ભલેને એ શરીર બળીને ભસ્મ થઈ ગયું હોય, અકસ્માત થયો હોય, કોઈ જાનવરે ફાડી ખાધું હોય કે જમીનમાં મળીને એનું ખાતર થઈ ગયું હોય. એ પાદરીએ કહ્યું કે, અમુક ચોક્કસ દિવસે, હવામાં જ્યાં જુઓ ત્યાં, મરણ પામેલા અબજો મનુષ્યોના હાથ, પગ, આંગળીઓ, હાડકાં, સ્નાયુઓ, અને ચામડી જ દેખાશે. આ બધા પોતપોતાનું શરીર શોધી નાખશે. પછી, સ્વર્ગ અને નર્કમાંથી દરેક મૂએલાંના પ્રાણ આવી પોતપોતાના શરીરમાં પ્રવેશશે, અને તે સજીવન થશે.
૨ આ રીતે મૂએલાંનું સજીવન થવાની વાત ફક્ત એવી કલ્પના છે, જે માની ન શકાય. પરંતુ, મૂએલાંને ઉઠાડનાર, સર્વોપરી યહોવાહ પરમેશ્વરે માનવ શરીરને એ રીતે ફરીથી ભેગું કરવાની જરૂર નથી. તે મૂએલાંને નવું શરીર આપીને ઉઠાડી શકે છે. તેમણે પોતાના દીકરા, ઈસુ ખ્રિસ્તને શક્તિ આપી છે. જેથી, તે મૂએલાંને સજીવન કરીને, તેઓને હંમેશ માટેના જીવનની આશા આપે. (યોહાન ૫:૨૬) તેથી, ઈસુએ કહ્યું: “સજીવન કરનાર અને જીવન આપનાર હું છું; મારા પર વિશ્વાસ મૂકનાર જો કે મરી જાય તો પણ તે જીવશે.” (યોહાન ૧૧:૨૫, ૨૬, પ્રેમસંદેશ.) એ આપણને કેટલી હિંમત આપે છે! એનાથી યહોવાહના વિશ્વાસુ ભક્તોને સતાવણી કે મરણ આવે તોપણ ટકી રહેવા હિંમત મળે છે.
૩ મૂએલાંને ઉઠાડવાની આશા, ગ્રીક ફિલસૂફ પ્લેટોના શિક્ષણ સાથે સહમત થતી નથી, કે માનવ જીવ અમર છે. (સભાશિક્ષક ૯:૫, ૧૦; હઝકીએલ ૧૮:૪) તેથી, પ્રેષિત પાઊલે એથેન્સમાં અરેઓપાગસ વચ્ચે જાણીતા ગ્રીકોને જણાવ્યું કે, ઈસુને પરમેશ્વર યહોવાહે મરણમાંથી ઉઠાડ્યા છે, ત્યારે શું થયું? બાઇબલ કહે છે કે “જ્યારે તેઓએ મૂએલાંના પુનરુત્થાન વિષે સાંભળ્યું, ત્યારે કેટલાએકે ઠઠ્ઠામશ્કરી કરી.” (પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૨૯-૩૪) મરણમાંથી સજીવન થયેલા ઈસુને જોનારા ઘણા હજુ જીવંત હતા, અને તેઓએ એ વિષે હિંમતથી જણાવ્યું. પરંતુ, કોરીંથ મંડળમાં કેટલાક જૂઠા શિક્ષકો હતા, જેઓ માનતા ન હતા કે કોઈ પણ મૂએલાંને ઉઠાડવામાં આવ્યા હોય. તેથી, પાઊલે પહેલો કોરીંથી, ૧૫માં અધ્યાયમાં જોરદાર દલીલ કરી. ચાલો આપણે એના પર મનન કરીએ. જેથી, મૂએલાંના સજીવન થવાની આપણી આશા દૃઢ થાય.
ઈસુ સજીવન થયા એની સાબિતી
૪ પાઊલે કઈ રીતે શરૂઆત કરી એની નોંધ લો. (૧ કોરીંથી ૧૫:૧-૧૧) તેમણે દલીલ કરી કે, કોરીંથના ભાઈ-બહેનો યહોવાહના ભક્તો બન્યા, એનું કોઈ કારણ તો હશે ને? જો ખરો હેતુ હોય તો, તેઓ જીવન આપનાર સંદેશાને જરૂર વળગી રહેશે. ખ્રિસ્ત આપણા પાપ માટે મરણ પામ્યા, અને તેમને મરણમાંથી ઉઠાડવામાં આવ્યા. પછી, તે કેફાસ (પીતર) અને ‘પછી બારે’ શિષ્યોને દેખાયા. (યોહાન ૨૦:૧૯-૨૩) એ પછી તે કંઈક પાંચસોને દેખાયા, જ્યારે તેમણે આજ્ઞા કરી હોય શકે કે, “જઈને . . . શિષ્ય કરો.” (માત્થી ૨૮:૧૯, ૨૦) યાકૂબે તેમને જોયા, અને સર્વ વિશ્વાસુ પ્રેષિતોએ પણ તેમને જોયા. (પ્રેરિતોનાં કૃત્યો ૧:૬-૧૧) વળી, દમસ્ક પાસે ઈસુ શાઊલને પણ દેખાયા. પોતે ‘અકાળે જન્મેલા’ હોય એમ પાઊલે જાણે સમય પહેલાં જ, મરણમાંથી સજીવન થઈને સ્વર્ગમાંના ઈસુને જોયા. (પ્રેરિતોનાં કૃત્યો ૯:૧-૯) તેથી, પાઊલે કોરીંથીઓને પ્રચાર કર્યો ત્યારે, તેઓએ વિશ્વાસ કર્યો અને સંદેશો સ્વીકાર્યો.
૫ હવે, પાઊલની દલીલ પર ધ્યાન આપો. (૧ કોરીંથી ૧૫:૧૨-૧૯) ઈસુ મરણમાંથી ઉઠાડાયા છે, એની સાબિતી આપતા જીવતા-જાગતા દાખલા હોય તો, કઈ રીતે કહી શકાય કે મૂએલાંનું સજીવન થઈ જ ન શકે? ઈસુ મરણ પામ્યા પછી ઉઠાડાયા ન હોય તો, આપણું પ્રચાર કાર્ય અને વિશ્વાસ નકામા છે. તેમ જ, ઈસુ સજીવન થયા, એમ કહીને આપણે જૂઠું બોલીએ છીએ. મૂએલાંને સજીવન કરવામાં ન આવતા હોય તો, ‘આપણે હજુ પાપી છીએ.’ વળી, ખ્રિસ્ત પર ભરોસો રાખીને મોતને ભેટેલા ભક્તોનો વિશ્વાસ નકામો છે. તેમ જ, “આપણે કેવળ આ જિંદગીમાં ખ્રિસ્ત પર આશા રાખી હોય, તો સર્વ માણસોના કરતાં આપણે વધારે દયાપાત્ર છીએ.”
૬ ઈસુને મરણમાંથી સજીવન કરવામાં આવ્યા હતા, એની પાઊલે સાક્ષી આપી. (૧ કોરીંથી ૧૫:૨૦-૨૮) ઈસુ મરણમાં ઊંઘી ગયેલાંમાંથી “પ્રથમફળ” તરીકે સજીવન થયા હતા. તેથી, બીજાઓ પણ ઉઠાડાશે. એક માણસ આદમે આજ્ઞા તોડી, અને મરણ આવ્યું, પણ એક માણસ ઈસુ દ્વારા મૂએલાંને સજીવન કરાશે. જેઓ ખ્રિસ્તના છે તેઓને તેમની હાજરીને સમયે ઉઠાડવામાં આવશે. પછી, પરમેશ્વર યહોવાહનો વિરોધ કરનારી ‘સઘળી રાજસત્તા, સઘળા અધિકાર તથા પરાક્રમનો’ ઈસુ ખ્રિસ્ત અંત લાવશે. તેમ જ, યહોવાહ તેમના સર્વ શત્રુઓને પગ તળે નહિ દાબે ત્યાં સુધી તે રાજ કરશે. ઈસુના બલિદાનના આધારે, આદમથી વારસામાં મળેલા “છેલ્લો શત્રુ,” મરણનો પણ નાશ કરવામાં આવશે. પછી, ખ્રિસ્ત એ રાજ્યને પોતાના પરમેશ્વર અને પિતા, યહોવાહને સોંપશે. છેવટે, “જેણે સર્વેને તેને આધીન કર્યાં છે, એને દીકરો પોતે પણ આધીન થશે, જેથી દેવ સર્વમાં સર્વ થાય.”
મૂએલાં માટેનું બાપ્તિસ્મા?
૭ પાઊલનો વિરોધ કરનારાઓને પૂછવામાં આવ્યું: “જો એમ ન હોય તો જેઓ મૂએલાંને સારૂ બાપ્તિસ્મા પામ્યા, તેઓનું શું થશે?” (૧ કોરીંથી ૧૫:૨૯) પાઊલનો કહેવાનો અર્થ એમ ન હતો કે મૂએલાં માટે જીવતાઓ બાપ્તિસ્મા પામે. ઈસુના દરેક શિષ્યે પોતે શિક્ષણ લઈ, એના પર વિશ્વાસ મૂકી, અને બાપ્તિસ્મા લેવું જોઈએ. (માત્થી ૨૮:૧૯, ૨૦; પ્રેરિતોનાં કૃત્યો ૨:૪૧) યહોવાહના અભિષિક્ત ભક્તો એક મહત્ત્વના અર્થમાં “મૂએલાંને સારૂ બાપ્તિસ્મા” પામે છે. તેઓ હવેથી એવા જીવનની શરૂઆત કરે છે, જેમાં તેઓ મરણ પામશે, અને પછી મરણમાંથી પાછા ઉઠશે. એવા બાપ્તિસ્માની શરૂઆત પરમેશ્વરનો પવિત્ર આત્મા તેઓને સ્વર્ગીય આશા આપે છે, ત્યારે થાય છે. એનો અંત ત્યારે આવે છે જ્યારે તેઓ મરણ પામે, અને મરણમાંથી સજીવન થઈને સ્વર્ગમાં આત્મિક વ્યક્તિ તરીકે જાય છે.—રૂમી ૬:૩-૫; ૮:૧૬, ૧૭; ૧ કોરીંથી ૬:૧૪.
૮ પાઊલ જણાવે છે તેમ, પ્રચાર કરવામાં ભલે ગમે એ જોખમ આવે, અરે મરણ પણ આવે છતાં, સજીવન થવાની આશા આપણને ટકી રહેવા હિંમત આપે છે. (૧ કોરીંથી ૧૫:૩૦, ૩૧) આપણે જાણીએ છે કે ભલેને શેતાન મારી નંખાવે તોપણ, યહોવાહ પરમેશ્વર આપણને સજીવન કરી શકે છે. કોઈનો હંમેશ માટે નાશ કરવાનો હક્ક ફક્ત યહોવાહ પરમેશ્વર પાસે જ છે.—લુક ૧૨:૫.
સાવધ રહો!
૯ મૂએલાં સજીવન થશે, એવી આશાએ પાઊલને ટકાવી રાખ્યા. પાઊલ એફેસસમાં હતા ત્યારે, શક્ય છે કે દુશ્મનોએ તેમને મારી નાખવા માટે, જંગલી પ્રાણીઓ સાથે લડવા અખાડામાં નાખ્યા હતા. (૧ કોરીંથી ૧૫:૩૨) એમ હોય તો, પરમેશ્વરે જ પાઊલને બચાવ્યા, જેમ દાનીયેલને સિંહોના મોંમાંથી છોડાવ્યા. (દાનીયેલ ૬:૧૬-૨૨; હેબ્રી ૧૧:૩૨, ૩૩) મરણમાંથી સજીવન થવાની આશા હોવાથી, પાઊલે યશાયાહના સમયના ધર્મત્યાગી યહુદીઓ જેવું વલણ ન બતાવ્યું કે, “કાલે મરી જઈશું માટે આપણે ખાઈપી લઈએ.” (યશાયાહ ૨૨:૧૩) પાઊલની જેમ આપણે પણ એવું વલણ રાખનારાથી દૂર રહીએ. આપણે ચાહીએ છીએ કે, મૂએલાંના સજીવન થવાની આ આશા આપણને પણ હિંમત આપીને ટકાવી રાખે. તેથી, પાઊલે ચેતવણી આપી: “ભૂલશો મા; દુષ્ટ સોબત સદાચરણને બગાડે છે.” (૧ કોરીંથી ૧૫:૩૩) ખરેખર, આ સલાહ જીવનનાં ઘણા પાસામાં લાગુ પડે છે.
૧૦ એ આશામાં શંકા ઉઠાવનાર વિષે પાઊલે કહ્યું: “ન્યાયીપણામાં જાગૃત રહો, અને પાપ ન કરો; કેમકે કેટલાએકને દેવ સંબંધી જ્ઞાન નથી; તમને શરમાવવા સારૂ હું એ કહું છું.” (૧ કોરીંથી ૧૫:૩૪) આ ‘અંતનો સમય’ છે. તેથી, આપણે પરમેશ્વર યહોવાહ અને ખ્રિસ્તનું ચોકસાઈભર્યું જ્ઞાન લઈ અને એ પ્રમાણે જીવીએ. (દાનીયેલ ૧૨:૪; યોહાન ૧૭:૩) એ રીતે, મૂએલાંના સજીવન થવાની આપણી આશા જીવંત રહેશે.
કેવા શરીરમાં મૂએલાં સજીવન કરાશે?
૧૧ પછી પાઊલે અમુક પ્રશ્નોની ચર્ચા કરી. (૧ કોરીંથી ૧૫:૩૫-૪૧) સજીવન કરવાના વિષયે લોકોમાં શંકા ઊભી કરવા કોઈ આવો પ્રશ્ન પૂછી શકે: “મૂએલાંને શી રીતે ઉઠાડવામાં આવે છે? અને તેઓ કેવાં શરીર ધારણ કરીને આવે છે?” પાઊલે જણાવ્યું કે, એક બીને જમીનમાં દાટવામાં આવે, અને એ બીમાંથી ફણગો ફૂટીને છોડ બને ત્યારે, દાટેલું બી મરી જાય છે. એ જ રીતે, અભિષિક્ત ખ્રિસ્તી મરણ પામે છે. બી મરી જાય છે ત્યારે એમાંથી ફૂટેલા ફણગાનો છોડ નવો જ હોય છે. એ જ રીતે, અભિષિક્ત ખ્રિસ્તીઓ મરણમાંથી સજીવન થાય છે ત્યારે, માનવ શરીર કરતાં તેઓનાં શરીર જુદા જ હોય છે. જો કે તેમની રીતભાત અગાઉના જેવી જ રહે છે, છતાં તેમને સ્વર્ગમાં રહેવા માટે સ્વર્ગીય શરીર આપીને ઉઠાડવામાં આવે છે. પરંતુ, પૃથ્વી પર સજીવન કરવામાં આવશે તેઓને નવા માનવ શરીરમાં ઉઠાડવામાં આવશે.
૧૨ પાઊલે કહ્યું તેમ, માનવ શરીર પ્રાણી શરીર કરતાં અલગ છે. પ્રાણીના શરીર પણ પોતપોતાની જાત પ્રમાણે અલગ હોય છે. (ઉત્પત્તિ ૧:૨૦-૨૫) એ જ પ્રમાણે, “સ્વર્ગીય શરીરો,” “પૃથ્વી પરનાં શરીરો” કરતાં જુદાં હોય છે. સૂર્ય, ચંદ્ર અને તારાઓના તેજમાં પણ તફાવત હોય છે. પરંતુ, સ્વર્ગમાં જવા સજીવન થનારા અભિષિક્ત ભક્તોનું શરીર વધારે મહિમાવાન હશે.
૧૩ એ રીતે તફાવત બતાવ્યા પછી, પાઊલે ઉમેર્યું: “મૂએલાં સજીવન થશે ત્યારે આવું બનશે.” (૧ કોરીંથી ૧૫:૪૨-૪૪, પ્રેમસંદેશ.) તેમણે કહ્યું: “વિનાશમાં તે વવાય છે, અવિનાશમાં ઉઠાડાય છે.” અહીં પાઊલ અભિષિક્ત ભક્તોની એક વૃંદ તરીકે વાત કરતા હોય શકે. મરણ વખતે વિનાશી શરીર વવાય છે, પણ તેઓને પાપથી મુક્ત અવિનાશી શરીરમાં ઉઠાડવામાં આવે છે. જગતમાં અપમાન પામ્યા છતાં, તેઓને સ્વર્ગીય જીવનમાં ઉઠાડાય છે, અને ખ્રિસ્ત સાથે મહિમા મળે છે. (પ્રેરિતોનાં કૃત્યો ૫:૪૧; કોલોસી ૩:૪) મરણ વખતે, તેઓ માનવ શરીરમાં વવાય છે, પણ સ્વર્ગીય શરીરમાં ઉઠાડાય છે. યહોવાહના અભિષિક્ત ભક્તોના કિસ્સામાં આમ બનવાનું હોય તો, આપણને પાક્કી ખાતરી રાખી શકીએ કે પૃથ્વી પર જીવવા માટે પણ લોકોને ઉઠાડવામાં આવશે.
૧૪ હવે, પાઊલ ઈસુ ખ્રિસ્ત અને આદમ વચ્ચેનો તફાવત બતાવે છે. (૧ કોરીંથી ૧૫:૪૫-૪૯) પહેલો માણસ આદમ, ‘સજીવ પ્રાણી થયો.’ (ઉત્પત્તિ ૨:૭) ‘છેલ્લા આદમ’ ઈસુ ‘જીવન આપનાર આત્મા થયા.’ તેમણે પોતાનું જીવન ખંડણી બલિદાન તરીકે આપી દીધું, જે પ્રથમ તેમના અભિષિક્ત શિષ્યો માટે હતું. (માર્ક ૧૦:૪૫) મનુષ્ય તરીકે, તેઓ ધૂળના બનેલા છે, પણ સજીવન કરવામાં આવે છે ત્યારે, તેઓ છેલ્લા આદમ જેવા બને છે. ખરું કે, ઈસુના બલિદાનનો લાભ આજ્ઞા પાળનારા સર્વ લોકોને પણ મળશે. એમાં પૃથ્વી પર સજીવન થનારાઓ પણ જરૂર હશે.—૧ યોહાન ૨:૧, ૨.
૧૫ અભિષિક્ત ભક્તો મરણ પામે ત્યારે, તેઓને માનવ શરીરમાં ઉઠાડવામાં આવતા નથી. (૧ કોરીંથી ૧૫:૫૦-૫૩) માંસ તથા રક્તનું વિનાશી શરીર અવિનાશી બની શકતું નથી, અને દેવના રાજ્યનો વારસો પામી શકતું નથી. વળી, અમુક અભિષિક્તોને લાંબો સમય મરણની ઊંઘમાં રહેવું પડશે નહિ. ઈસુની હાજરી દરમિયાન, તેઓનું પૃથ્વી પરનું જીવન વફાદારીથી પૂરું કરીને, તેઓનું ‘એક ક્ષણમાં આંખના પલકારામાં રૂપાંતર થઈ જશે’. તેઓને એક જ ક્ષણમાં અવિનાશી સ્વર્ગીય શરીરમાં મહિમા સહિત સજીવન કરવામાં આવશે. છેવટે, સજીવન કરાયેલા બધા અભિષિક્ત ખ્રિસ્તીઓ, એટલે કે ખ્રિસ્તની સ્વર્ગીય ‘વહુની’ સંખ્યા ૧,૪૪,૦૦૦ હશે.—પ્રકટીકરણ ૧૪:૧; ૧૯:૭-૯; ૨૧:૯; ૧ થેસ્સાલોનીકી ૪:૧૫-૧૭.
મરણનો અંત!
૧૬ પાઊલે જીત મેળવી હોય એવી રીતે કહ્યું કે, મરણનો હંમેશ માટે અંત આવશે. (૧ કોરીંથી ૧૫:૫૪-૫૭) વિનાશી અવિનાશીમાં, અને મરણ કાયમી જીવનમાં બદલાશે ત્યારે, આ શબ્દો પૂરા થશે કે, “મરણ જયમાં ગરક થઈ ગયું છે.” “અરે મરણ, તારો જય ક્યાં? અરે મરણ, તારો ડંખ ક્યાં?” (યશાયાહ ૨૫:૮; હોશીઆ ૧૩:૧૪) મરણનો ડંખ પાપ છે, અને પાપનું બળ નિયમશાસ્ત્ર હતું, જેનાથી પાપીને મરણની સજા થતી હતી. પરંતુ, હવે ઈસુ ખ્રિસ્તના બલિદાન અને સજીવન થવાને કારણે, પાપી આદમથી આવતા મરણની હાર થઈ.—રૂમી ૫:૧૨; ૬:૨૩.
૧૭ અંતે, પાઊલે કહ્યું: “એ માટે, મારા પ્રિય ભાઈઓ, તમે સ્થિર તથા દૃઢ થાઓ, અને પ્રભુના કામમાં સદા મચ્યા રહો, કેમકે તમારૂં કામ પ્રભુમાં નિરર્થક નથી એ તમે જાણો છો.” (૧ કોરીંથી ૧૫:૫૮) આ શબ્દો અભિષિક્ત શેષભાગ અને ઈસુના “બીજાં ઘેટાં” બંનેને લાગુ પડે છે, ભલેને આ છેલ્લા દિવસોમાં તેઓનું મરણ પામે. (યોહાન ૧૦:૧૬) રાજ્ય પ્રચારકો તરીકે તેઓનું કાર્ય નકામું નથી, કેમ કે તેઓને ફરી સજીવન થવાની આશા છે. તેથી, પરમેશ્વર યહોવાહના સેવકો તરીકે, ચાલો આપણે તેમની ભક્તિ પૂરા દિલથી કરીએ. તેમ જ, એ દિવસની આતુરતાથી રાહ જોઈએ, જ્યારે આપણે પોકારી ઉઠીશું: “અરે મરણ, તારો જય કયાં?”
સજીવન થવાની આશા પૂરી થઈ!
૧૮ પહેલા કોરીંથી ૧૫માં અધ્યાયના પાઊલના શબ્દો પુરાવો આપે છે કે મૂએલાંના સજીવન થવાની આશાની તેમના પર ઊંડી અસર પડી હતી. તેમને પાક્કી ખાતરી હતી કે ઈસુને મરણમાંથી ઉઠાડાયા છે, અને બીજા લોકોને પણ ઉઠાડવામાં આવશે. શું તમને પણ એવી જ ખાતરી છે? પ્રેષિત પાઊલે સ્વાર્થી લાભોને “કચરો” ગણ્યો, અને તેમણે “સઘળાનું નુકસાન સહન કર્યું.” જેથી તે ખ્રિસ્ત અને તેમને સજીવન કરનારનું સામર્થ્ય જાણી શકે. પ્રેષિત પાઊલ ખ્રિસ્તની જેમ મરવા પણ તૈયાર હતા, કેમ કે તેમને સજીવન થવાની ચોક્કસ આશા હતી. એને બાઇબલમાં “પહેલું પુનરુત્થાન” પણ કહેવામાં આવે છે, જે ફક્ત ઈસુના ૧,૪૪,૦૦૦ અભિષિક્ત જનોને મળે છે. તેઓને સ્વર્ગના જીવનમાં ઉઠાડવામાં આવે છે. “મૂએલાંમાંનાં જેઓ બાકી રહ્યાં” તેઓને પૃથ્વી પર સજીવન કરવામાં આવશે.—ફિલિપી ૩:૮-૧૧; પ્રકટીકરણ ૭:૪; ૨૦:૫, ૬.
૧૯ જે અભિષિક્ત જનો મરણ સુધી વિશ્વાસુ રહ્યા, તેઓ માટે સજીવન થવાની આશા સફળ થઈ છે. (રૂમી ૮:૧૮; ૧ થેસ્સાલોનીકી ૪:૧૫-૧૮; પ્રકટીકરણ ૨:૧૦) “મોટી વિપત્તિમાંથી” બચનારા યહોવાહના ભક્તો મૂએલાંને પૃથ્વી પર ઉઠતા જોશે, જ્યારે ‘સમુદ્ર પોતામાંના મૂએલાંને પાછા આપશે, અને મરણ તથા હાડેસ પણ પોતાનામાં મૂએલાંને પાછા આપશે.’ (પ્રકટીકરણ ૭:૯, ૧૩, ૧૪; ૨૦:૧૩) પૃથ્વી પર સજીવન થનારામાં અયૂબ હશે, જેમણે પોતાના સાત દીકરા અને ત્રણ દીકરીઓ ગુમાવ્યા હતા. તેઓને પાછા મેળવીને અયૂબને જે આનંદ થશે એનો વિચાર કરો. તેમ જ, સજીવન થનારા દસેય દીકરા-દીકરીઓને એ જાણીને કેવો આનંદ થશે કે, તેઓના બીજા સાત ભાઈઓ અને ત્રણ સુંદર બહેનો છે!—અયૂબ ૧:૧, ૨, ૧૮, ૧૯; ૪૨:૧૨-૧૫.
૨૦ ઈબ્રાહીમ અને સારાહ, ઇસ્હાક અને રિબકાહ તથા “બધા પ્રબોધકોને” અને બીજા લોકોને પૃથ્વી પર સજીવન થતા જોવા, કેવો મોટો આશીર્વાદ હશે! (લુક ૧૩:૨૮) એમાંના એક દાનીયેલ પણ હશે, જેમને મસીહી રાજમાં સજીવન કરવાનું વચન આપવામાં આવ્યું હતું. લગભગ ૨,૫૦૦ વર્ષથી દાનીયેલ મરણની ઊંઘમાં છે. પરંતુ, તેમને પણ સજીવન કરીને જલદી જ “દેશ પર સરદાર” થવા પોતાના ‘હિસ્સાના વતનમાં ઊભા’ કરવામાં આવશે. (ગીતશાસ્ત્ર ૪૫:૧૬; દાનીયેલ ૧૨:૧૩) અગાઉના વિશ્વાસુ જનોને જ નહિ, પણ આપણા મા, બાપ, ભાઈ, બહેન, દીકરો, દીકરી કે કોઈ પણ પ્રિયજનને મરણે છીનવી લીધા હોય તો, તેઓને જીવનમાં આવકારવા કેટલું રોમાંચક હશે!
૨૧ આપણા અમુક મિત્રો અને પ્રિયજનો વર્ષોથી પરમેશ્વરની સેવા કરતા હોય શકે, જેઓ હવે મોટી ઉંમરના થઈ ગયા છે. ઘડપણને કારણે તેઓને જીવન અઘરું લાગી શકે. તેથી, હમણાં આપણે તેઓને બનતી મદદ કરીએ એ કેટલું સારું છે! આમ, તેમનું મરણ થાય તોપણ આપણને એવો અફસોસ રહેશે નહિ કે આપણે તેઓ માટે કંઈ કર્યું નહિ. (સભાશિક્ષક ૯:૧૧; ૧૨:૧-૭; ૧ તીમોથી ૫:૩, ૮) એક વાત ચોક્કસ છે કે ગમે તે ઉંમર કે સંજોગોમાં લોકો હોય, પણ આપણે મદદ કરીશું તો, યહોવાહ પરમેશ્વર એ કદી ભૂલી જશે નહિ. પાઊલે લખ્યું: “જેમ પ્રસંગ મળે તેમ આપણે બધાંઓનું, અને વિશેષે કરીને વિશ્વાસના કુટુંબનાં જે છે તેઓનું સારૂં કરીએ.”—ગલાતી ૬:૧૦; હેબ્રી ૬:૧૦.
૨૨ યહોવાહ ‘કરૂણાના પિતા તથા સર્વ દિલાસાના દેવ’ છે. (૨ કોરીંથી ૧:૩, ૪) બાઇબલ દિલાસો આપે છે અને મદદ કરે છે કે, આપણે બીજાને સજીવન થવાની હિંમતભરી આશાથી દિલાસો આપીએ. પૃથ્વી પર મૂએલાંનું સજીવન થાય એની રાહ જોઈને, આપણે પ્રેષિત પાઊલ જેવા બનીએ, જેમને સજીવન થવાની આશામાં દૃઢ વિશ્વાસ હતો. ખાસ કરીને આપણે ઈસુનું અનુકરણ કરીએ, જેમને પૂરો ભરોસો હતો કે યહોવાહ પરમેશ્વર તેમને સજીવન કરશે, અને એમ જ બન્યું. જલદી જ મૂએલાં લોકો ખ્રિસ્તનો અવાજ સાંભળશે, અને સજીવન થશે. ખરેખર, એનાથી આપણને કેટલો બધો દિલાસો અને આનંદ મળે છે. ચાલો આપણે પરમેશ્વર યહોવાહનો આભાર માનીએ, જેમણે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા મરણ પર જીત મેળવી છે!
તમારો જવાબ શું છે?
• ઈસુ મરણમાંથી સજીવન થયા છે, એની પાઊલે કઈ સાબિતી આપી?
• “છેલ્લો” શત્રુ કોણ છે, અને એનો નાશ કઈ રીતે થશે?
• અભિષિક્ત જનો કઈ રીતે મરણમાં વવાય છે, અને કઈ રીતે ઉઠાડાય છે?
• પૃથ્વી પર સજીવન કરવામાં આવશે, તેઓમાંથી તમે કોને મળવા આતુર છો?
[અભ્યાસ પ્રશ્નો]
૧, ૨. (ક) એક પાદરીએ સજીવન થવા વિષે શું કહ્યું? (ખ) યહોવાહ પરમેશ્વર કેવી રીતે મૂએલાંને ઉઠાડશે?
૩. શા માટે પાઊલે સજીવન થવાની આશા વિષે દલીલ કરવી પડી?
૪. ઈસુ મરણમાંથી સજીવન થયા છે, એની પાઊલે કેવી સાબિતી આપી?
૫. પાઊલે ૧ કોરીંથી ૧૫:૧૨-૧૯માં કેવી દલીલ કરી?
૬. (ક) પાઊલે કઈ સાક્ષી આપી? (ખ) “છેલ્લો શત્રુ” કોણ છે, અને કઈ રીતે એનો નાશ થશે?
૭. કોણ “મૂએલાંને સારૂ બાપ્તિસ્મા” પામે છે, અને એનો અર્થ શું થાય?
૮. શેતાન મારી નંખાવે તોપણ, આપણને કયો ભરોસો છે?
૯. મરણમાંથી સજીવન થવાની આશાની મદદ મેળવવા આપણે શું કરવાની જરૂર છે?
૧૦. કઈ રીતે સજીવન થવાની આપણી આશા જીવંત રહી શકે?
૧૧. પાઊલે અભિષિક્ત ખ્રિસ્તીઓના સજીવન થવા વિષે કયું ઉદાહરણ આપ્યું?
૧૨. “સ્વર્ગીય શરીરો” અને “પૃથ્વી પરનાં શરીરો” એટલે શું?
૧૩. પહેલો કોરીંથી ૧૫:૪૨-૪૪ અનુસાર, શું વવાય છે અને શું ઉઠાડાય છે?
૧૪. ખ્રિસ્ત અને આદમ વચ્ચે પાઊલે કયો તફાવત બતાવ્યો?
૧૫. શા માટે અભિષિક્તો માનવ શરીરમાં ઉઠાડાતા નથી, અને ઈસુની હાજરી દરમિયાન તેઓ કેવી રીતે ઉઠાડાય છે?
૧૬. પાઊલ અને બીજા પ્રબોધકો પ્રમાણે, આદમથી આવતા મરણનું શું થશે?
૧૭. આજે ૧ કોરીંથી ૧૫:૫૮ના શબ્દો કઈ રીતે લાગુ પડે છે?
૧૮. પાઊલની સજીવન થવાની આશા કેટલી દૃઢ હતી?
૧૯, ૨૦. (ક) બાઇબલમાં જણાવ્યા પ્રમાણે કોને પૃથ્વી પર ઉઠાડવામાં આવશે? (ખ) એ સમયે, તમે કોને મળવા આતુર છો?
૨૧. બીજાઓનું ભલું કરવામાં શા માટે મોડું કરવું જોઈએ નહિ?
૨૨. મરણ પામેલા સજીવન થાય ત્યાં સુધી આપણે શું કરવું જ જોઈએ?
[પાન ૧૬ પર ચિત્ર]
પ્રેષિત પાઊલે મૂએલાં સજીવન કરાશે, એ વિષે જોરદાર દલીલ કરી
[પાન ૨૦ પર ચિત્રો]
અયૂબ, તેમનું કુટુંબ અને બીજા લોકો સજીવન થશે ત્યારે, વાતાવરણ ખુશીથી ઝૂમી ઊઠશે!