-
“નમ્ર જનો શાણા બને છે”ચોકીબુરજ—૨૦૦૦ | ઑગસ્ટ ૧
-
-
પાઊલ—એક ‘સેવક’ અને ‘કારભારી’
૪ એ સમજી શકાય એમ છે કે, પ્રથમ ખ્રિસ્તીઓમાં પાઊલ ખૂબ જ આગળ પડતા હતા. તેમના સેવાકાર્યમાં તેમણે હજારો કિલોમીટરની મુસાફરી કરી, અને ઘણા નવા મંડળો બનાવ્યાં. એટલું જ નહિ, પણ યહોવાહ પરમેશ્વરે પાઊલને સંદર્શન બતાવ્યાં, અને જુદી જુદી ભાષા બોલવાનું દાન આપ્યું. (૧ કોરીંથી ૧૪:૧૮; ૨ કોરીંથી ૧૨:૧-૫) તેમ જ, પરમેશ્વરે પાઊલને ૧૪ પત્રો લખવા માટે પ્રેરણા આપી, જેનો સમાવેશ ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનમાં થાય છે. આમ, કહી શકાય કે પાઊલનું સેવાકાર્ય બીજા પ્રેષિતો કરતાં અજોડ હતું.—૧ કોરીંથી ૧૫:૧૦.
૫ એ રીતે યહોવાહ પરમેશ્વરની ભક્તિમાં પાઊલ વિશ્વાસુ અને આગળ પડતા હોવાથી, ઘણાને લાગે કે તે લોકો પર રુઆબ જમાવતા કે પોતાની વાહ-વાહ કરાવતા હશે. પરંતુ, પાઊલે એમ ન કર્યું, કારણ કે તે નમ્ર હતા. તેમણે કહ્યું કે, “પ્રેરિતોમાં હું સર્વેથી નાનો છું, અને પ્રેરિત ગણાવાને પણ યોગ્ય નથી, કારણ કે મેં દેવની મંડળીની સતાવણી કરી.” (૧ કોરીંથી ૧૫:૯) હા, પાઊલે અગાઉ ખ્રિસ્તીઓની ઘણી સતાવણી કરી હતી. તે ભૂલ્યા નહિ કે, ફક્ત પરમેશ્વરની અપાત્ર કૃપાથી જ પોતે તેમના સેવક બન્યા હતા, તો પછી ખાસ સેવાનો લહાવો મળવાની વાત તો બાજુએ જ રહી. (યોહાન ૬:૪૪; એફેસી ૨:૮) એ માટે, પાઊલે જરાય એવું ન વિચાર્યું કે, પોતાને એ આશીર્વાદો મળ્યા એટલે પોતે બીજાઓ કરતાં ચડિયાતા હતા.—૧ કોરીંથી ૯:૧૬.
૬ ખાસ કરીને કોરીંથના ભાઈઓ સાથેના વ્યવહારમાં પાઊલની નમ્રતા દેખાય આવે છે. કોરીંથના કેટલાક ભાઈ-બહેનો આપોલસ, કેફાસ અને પાઊલ જેવા આગળ પડતા વડીલોથી અંજાઈ ગયા હતા. (૧ કોરીંથી ૧:૧૧-૧૫) પરંતુ, પાઊલ એ પ્રશંસાથી ફૂલાઈ ગયા નહિ કે પછી એનો લાભ ઉઠાવ્યો નહિ. તેઓની મુલાકાત લીધી ત્યારે તેમણે “ઉત્તમ વક્તૃત્વ કે જ્ઞાન” બતાવીને દેખાડો કર્યો નહિ. એને બદલે પાઊલે કહ્યું: “દરેક માણસે અમને ખ્રિસ્તના સેવકો તથા દેવના મર્મોના કારભારીઓ ગણવા.”a—૧ કોરીંથી ૨:૧-૫; ૪:૧.
૭ પાઊલ કડક સલાહ અને માર્ગદર્શન પણ નમ્રતાથી આપતા હતા. તેમણે ભાઈઓને પ્રેષિત હોવાની સત્તાથી નહિ, પણ “દેવની દયાની ખાતર” અને “પ્રેમપૂર્વક” આજીજી કરી. (રૂમી ૧૨:૧, ૨; ફિલેમોન ૮, ૯) શા માટે? એનું કારણ એ હતું કે, પાઊલ પોતાને ભાઈઓના ‘વિશ્વાસ પર અધિકાર ચલાવનાર’ તરીકે નહિ, પણ તેઓના ‘સહાયકારી’ ગણતા હતા. (૨ કોરીંથી ૧:૨૪) પાઊલ નમ્ર હતા એટલે જ પ્રથમ સદીના ભાઈઓને તે બહુ વહાલા હતા.—પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૬-૩૮.
-
-
“નમ્ર જનો શાણા બને છે”ચોકીબુરજ—૨૦૦૦ | ઑગસ્ટ ૧
-
-
a અહીં ‘સેવક’ ભાષાંતર થયેલા ગ્રીક શબ્દનો અર્થ હલેસાં મારનાર ગુલામ પણ થઈ શકે છે. એની સરખામણીમાં ‘કારભારી’ વધારે જવાબદારી ધરાવી શકે, જેમ કે મિલકતનો કારભાર. છતાં, મોટા ભાગના માલિકોને મન એ કારભારી અને હલેસાં મારનાર ગુલામ બંને સેવકો જ હતા.
-