શું તમે રાજ્ય માટે ભોગ આપશો?
“ખુશીથી આપનારને ઈશ્વર ચાહે છે.”—૨ કોરીં. ૯:૭.
૧. ઘણા લોકો કેવા ભોગ આપે છે અને શા માટે?
પોતાને મહત્ત્વની લાગે એવી બાબતો માટે લોકો ખુશીથી ભોગ આપવા તૈયાર હોય છે. જેમ કે, માબાપ પોતાનાં બાળકોનાં ભલા માટે સમય, પૈસા અને શક્તિ ખર્ચવા તૈયાર હોય છે. એ જ રીતે એક દોડવીર પણ ઓલિમ્પિકની સ્પર્ધામાં ભાગ લેવા ઘણા ભોગ આપે છે. તેના દોસ્તો જ્યારે મોજમજા માણતા હોય ત્યારે તે સખત મહેનત કરીને તાલીમ લેતો હોય છે. ઈસુનો વિચાર કરીએ. તેમણે પણ પોતાને મહત્ત્વની લાગે એવી બાબતો માટે ઘણું જતું કર્યું. તેમણે ક્યારેય એશોઆરામ માણવા અને પોતાનું કુટુંબ વસાવવા વિશે વિચાર્યું નહિ. એના બદલે, તેમણે ઈશ્વરના રાજ્યને આગળ ધપાવવા પર ધ્યાન આપ્યું. (માથ. ૪:૧૭; લુક ૯:૫૮) તેમના શિષ્યોએ પણ ઈશ્વરના રાજ્યને ટેકો આપવા ઘણું જતું કર્યું હતું. ઈશ્વરનું રાજ્ય તેઓના જીવનમાં સૌથી મહત્ત્વનું હતું. તેથી, એને ફેલાવવા તેઓએ બનતું બધું જ કર્યું. (માથ. ૪:૧૮-૨૨; ૧૯:૨૭) આપણે દરેકે પણ વિચારવું જોઈએ કે ‘મારા જીવનમાં સૌથી મહત્ત્વનું શું છે?’
૨. (ક) ઈશ્વરભક્તોએ કયા ભોગ આપવા ખૂબ જરૂરી છે? (ખ) ઘણાં ભાઈ-બહેનો બીજા કેવા ભોગ આપી રહ્યાં છે?
૨ યહોવા સાથે સારો સંબંધ કેળવવા અને એને જાળવી રાખવા ઈશ્વરભક્તોએ અમુક ભોગ આપવા ખૂબ જરૂરી છે. જેમ કે, પોતાનાં સમય અને શક્તિના ભોગ આપવા પડે, જેથી પ્રાર્થના, બાઇબલ વાંચન, કુટુંબ તરીકે ભક્તિ, પ્રચારકાર્ય અને સભાઓમાં હાજર રહી શકાય.a (યહો. ૧:૮; માથ. ૨૮:૧૯, ૨૦; હિબ્રૂ ૧૦:૨૪, ૨૫) યહોવાના આશીર્વાદ અને આપણા પ્રયત્નોથી ખુશખબર ફેલાવવાનું કામ ખૂબ ઝડપથી વધી રહ્યું છે. વધુને વધુ લોકો યહોવાની ભક્તિ કરવા ‘તેમના મંદિરના પર્વત’ તરફ આવી રહ્યા છે. (યશા. ૨:૨) રાજ્યને ટેકો આપવા કેટલાક ભાઈ-બહેનો બેથેલમાં સેવા આપે છે. રાજ્યગૃહો અને સંમેલનગૃહો બાંધવામાં, સંમેલનોની ગોઠવણ કરવામાં અને કુદરતી આફતોમાં રાહત પૂરી પાડવામાં પણ ઘણાં મદદ કરે છે. એવું નથી કે એ બધાં કામમાં ભાગ લેવાથી જ હંમેશ માટેનું જીવન મળે. પરંતુ, ઈશ્વરના રાજ્યને આગળ વધારવા એ કામમાં સાથ આપવો બહુ મહત્ત્વનું છે.
૩. (ક) રાજ્ય માટે ભોગ આપવો કઈ રીતે આપણા લાભમાં છે? (ખ) આપણે કયા સવાલો પર વિચાર કરવો જોઈએ?
૩ આજે, ઈશ્વરના રાજ્યને ટેકો આપવો ખાસ જરૂરી છે. ઘણા લોકોને યહોવા માટે ખુશીથી ભોગ આપતા જોઈને આપણને બહુ આનંદ થાય છે. (ગીતશાસ્ત્ર ૫૪:૬ વાંચો.) આપણે એવું ઉદાર વલણ બતાવતા રહીશું તો, યહોવાનું રાજ્ય આવતા સુધી આનંદી રહીશું. (પુન. ૧૬:૧૫; પ્રે.કૃ. ૨૦:૩૫) તેથી, મહત્ત્વનું છે કે આપણે આ સવાલો પર વિચાર કરીએ: હું બીજી કઈ રીતોથી ઈશ્વરના રાજ્ય માટે વધુ કરી શકું? સમય, ધનદોલત, શક્તિ અને આવડતોનો હું કેવો ઉપયોગ કરું છું? ભોગ આપવામાં કઈ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ? ચાલો જોઈએ કે પ્રાચીન સમયમાં પોતાની ઇચ્છાથી અપાતાં અર્પણો (ઐચ્છિકાર્પણો) પરથી શું શીખવા મળે છે. એમ કરવાથી આપણી ખુશીમાં વધારો થશે.
પ્રાચીન ઈસ્રાએલનાં સમયમાં બલિદાનો
૪. પ્રાચીન ઈસ્રાએલીઓને બલિદાનોથી કયો ફાયદો થતો?
૪ પ્રાચીન ઈસ્રાએલના સમયમાં, પાપોની માફી મેળવવા બલિદાનો ચઢાવવામાં આવતાં. યહોવા સાથે સંબંધ મજબૂત કરવા બલિદાનો બહુ મહત્ત્વનાં હતાં. બલિદાનોમાંનાં અમુક ફરજિયાત હતાં જ્યારે કે, અમુક પોતાની ઇચ્છાથી ચઢાવવામાં આવતાં. (લેવી. ૨૩:૩૭, ૩૮) દહનીયાર્પણો સ્વેચ્છાથી પણ કરવામાં આવતાં અથવા યહોવાને ભેટ તરીકે ચઢાવવામાં આવતાં. બલિદાનોનું ઉત્તમ ઉદાહરણ સુલેમાન રાજાના સમયમાં ઈશ્વરના મંદિરની પ્રતિષ્ઠા વખતે જોવા મળે છે.—૨ કાળ. ૭:૪-૬.
૫. યહોવાએ ગરીબો માટે કેવાં બલિદાનોની ગોઠવણ કરી હતી?
૫ પ્રેમાળ યહોવા સમજે છે કે બધા જ એક સરખું આપી શકે નહિ. તેથી, તે ઇચ્છે છે કે દરેક વ્યક્તિ પોતાનાથી બનતું બધું કરે. યહોવાના નિયમશાસ્ત્ર પ્રમાણે પશુનું લોહી બલિદાન વખતે વહેવડાવી દેવાતું. એ બલિદાનો ઈસુ દ્વારા ‘જે સારી વસ્તુઓ થવાની હતી એની પ્રતિછાયા’ હતાં. (હિબ્રૂ ૧૦:૧-૪) જોકે, બલિદાનમાં કયું પ્રાણી ચઢાવવું, એ વિશે યહોવાનાં ધોરણો વાજબી હતાં. દાખલા તરીકે, કોઈ વ્યક્તિ પશુનું બલિદાન આપી ન શકે તો, તે હોલાનું બલિદાન પણ આપી શકતી. એ ગોઠવણના લીધે, ગરીબ વ્યક્તિ પણ ખુશીથી યહોવાને કંઈક આપી શકતી હતી. (લેવી. ૧:૩, ૧૦, ૧૪; ૫:૭) કોઈ વ્યક્તિ પોતાની ઇચ્છાથી બલિદાન માટે ભલે નાનું કે મોટું પ્રાણી આપે, તેને બે બાબતો ખાસ ધ્યાનમાં રાખવાની હતી.
૬. બલિદાન વખતે પણ કઈ બે બાબતોનું ધ્યાન રાખવામાં આવતું? એ બાબતો કેમ ગંભીર ગણવામાં આવતી?
૬ પહેલી બાબત હતી કે, વ્યક્તિ પોતાની પાસે જે સૌથી સારું હોય તે આપે. બલિદાનનું પશુ બીમાર કે ખામીવાળું હોય તો યહોવા એને “માન્ય નહિ” કરતા. (લેવી. ૨૨:૧૮-૨૦) બીજી બાબત એ કે, બલિદાન આપતી વ્યક્તિ પોતે પણ નિયમ પ્રમાણે શુદ્ધ હોવી જોઈએ. જો અશુદ્ધ હોય તો પહેલા તે યહોવા માટે પાપાર્થાર્પણ કે દોષાર્થાર્પણ લાવતી, એ પછી જ યહોવા તેનું ઐચ્છિક બલિદાન સ્વીકારતા. (લેવી. ૫:૫, ૬, ૧૫) એ બહુ ગંભીર બાબત ગણવામાં આવતી હતી. યહોવાની આજ્ઞા હતી કે વ્યક્તિ અશુદ્ધ હોય અને શાંત્યર્પણમાંથી કંઈ ખાય તો એને મરણની સજા થાય. એ નિયમ પોતાની ઇચ્છાથી કરેલાં શાંત્યર્પણો માટે પણ લાગુ પડતો હતો. (લેવી. ૭:૨૦, ૨૧) જ્યારે કે, વ્યક્તિ શુદ્ધ હોય અને અર્પણમાં કોઈ ખામી ન હોય ત્યારે તેને સાચી ખુશી અને સંતોષ મળતાં.—૧ કાળવૃત્તાંત ૨૯:૯ વાંચો.
આજનાં સમયનાં બલિદાનો
૭, ૮. (ક) રાજ્ય માટે ભોગ આપવાથી ઘણાઓને કેવી ખુશી મળે છે? (ખ) આપણે શાનાથી રાજ્યને ટેકો આપી શકીએ?
૭ આજે ઘણાં ભાઈ-બહેનો યહોવાની સેવા રાજી ખુશીથી કરે છે, એ જોઈને યહોવા ખુશ થાય છે. ભાઈ-બહેનોને મદદ કરવામાં આપણને અનેરો આનંદ મળે છે. એક ભાઈ રાજ્યગૃહ બાંધવા અને કુદરતી આફતો વખતે મદદ આપવા અવારનવાર જાય છે. તે ખુશ થતાં કહે છે, ‘નવા રાજ્યગૃહને બાંધવામાં કે પછી કુદરતી આફતોમાં મળેલી મદદ માટે ભાઈ-બહેનો કદર અને ખુશી વ્યક્ત કરે ત્યારે, લાગે છે કે કરેલી બધી મહેનત ફળી!’
૮ યહોવાના સંગઠનનો પૃથ્વી પરનો ભાગ તેમના રાજ્યને ટેકો આપવાની તક શોધતો રહે છે. વર્ષ ૧૯૦૪માં ભાઈ સી. ટી. રસેલે લખ્યું, ‘દરેકે પોતાને પ્રભુથી નીમાયેલા કારભારી ગણીને પોતાનાં સમય, પૈસા અને શક્તિ વિશે વિચાર કરવો જોઈએ. તેમ જ, દરેકે એ બધી આવડતોને બને એટલી, માલિક યહોવાને મહિમા આપવામાં વાપરવી જોઈએ.’ ખરું કે, યહોવા માટે ભોગ આપવા કંઈક જતું કરવું પડે. પરંતુ, એના બદલામાં આપણને ઘણા આશીર્વાદ પણ મળે છે. (૨ શમૂ. ૨૪:૨૧-૨૪) તેથી, આપણી પાસે જે કંઈ છે, શું એનો સૌથી સારો ઉપયોગ કરવો ન જોઈએ?
૯. સમયનો સારો ઉપયોગ કરવામાં ઈસુએ લુક ૧૦:૨-૪માં આપેલો સિદ્ધાંત કઈ રીતે કામ આવે છે?
૯ આપણો સમય. સાહિત્યનું ભાષાંતર, છાપકામ અને સંમેલનોની ગોઠવણ કરવા, રાજ્યગૃહ બાંધવા, આફતો વખતે મદદ આપવા અને બીજાં ઘણાં કાર્યોમાં બહુ સમય અને મહેનત લાગે છે. આપણા પાસે કામ પૂરું કરવા દિવસના અમુક જ કલાકો છે. તેથી, ઈસુએ આપેલો સિદ્ધાંત બહુ મદદ કરશે. તેમણે કહ્યું, “માર્ગે કોઈને પણ સલામ કરતા ના.” (લુક ૧૦:૨-૪) ઈસુએ એવી સલાહ શા માટે આપી? બાઇબલના એક વિદ્વાન કહે છે, ‘એ સમયમાં, કોઈને નમસ્કાર કરવા ફક્ત હાથ મિલાવતા કે માથું નમાવતા નહિ. એને બદલે, વારંવાર એકબીજાને ભેટવાનો, છેક નમવાનો અને જમીન પર આડા પડીને નમન કરવાનો રિવાજ હતો, જે ઘણો સમય માંગી લેતો.’ ઈસુ પોતાના શિષ્યોને અસંસ્કારી બનવા ઉત્તેજન આપતા ન હતા. પરંતુ, તે તેઓને એ જોવા મદદ કરી રહ્યા હતા કે, સમય ખૂબ ઓછો છે અને એનો મહત્ત્વની બાબતમાં ઉપયોગ કરવો જોઈએ. (એફે. ૫:૧૬) શું આપણે એ સિદ્ધાંતને લાગુ પાડી શકીએ, જેથી રાજ્યના કામમાં વધુ સમય આપી શકીએ?
૧૦, ૧૧. (ક) દુનિયા ફરતે રાજ્યનાં કાર્યોમાં આપણાં પ્રદાનોનો કેવો ઉપયોગ થાય છે? (ખ) ૧ કોરીંથી ૧૬:૧, ૨માં આપેલો કયો સિદ્ધાંત આપણને મદદ કરે છે?
૧૦ આપણી ધનદોલત. દુનિયા ફરતે રાજ્યનાં કાર્યોને ટેકો આપવાં ઘણા પૈસાની જરૂર પડે છે. દર વર્ષે પ્રવાસી નિરીક્ષકો, ખાસ પાયોનિયરો અને મિશનરીઓની કાળજી લેવા લાખો ડૉલર ખર્ચાય છે. વર્ષ ૧૯૯૯થી આજ સુધી ઓછી ક્ષમતાવાળા દેશોમાં પણ ૨૪,૫૦૦થી વધુ રાજ્યગૃહો બાંધવામાં આવ્યાં છે. તેમ જ, હજુ આશરે ૬,૪૦૦ રાજ્યગૃહની જરૂર છે. દર મહિને ચોકીબુરજ અને સજાગ બનો!ની અંદાજે ૧૦ કરોડ જેટલી પ્રતો છાપવામાં આવે છે. એ બધું રાજીખુશીથી આપેલાં તમારાં પ્રદાનોને લીધે થાય છે.
૧૧ પ્રદાનો આપીએ ત્યારે પ્રેરિત પાઊલે આપેલો સિદ્ધાંત ધ્યાનમાં રાખીએ. (૧ કોરીંથી ૧૬:૧, ૨ વાંચો.) તેમણે કોરીંથી મંડળને ઉત્તેજન આપ્યું કે પ્રદાન આપવાં અઠવાડિયું પૂરું થાય અને કંઈક બચે એવી રાહ ન જોવી. એના બદલે, અઠવાડિયાની શરૂઆતમાં જ દરેકે પોતાની ક્ષમતા પ્રમાણે કંઈક રાખી મૂકવું. પ્રથમ સદીની જેમ આજે પણ ભાઈ-બહેનો પોતાના સંજોગો પ્રમાણે ઉદારતાથી આપવાની ગોઠવણ કરે છે. (લુક ૨૧:૧-૪; પ્રે.કૃ. ૪:૩૨-૩૫) યહોવાની નજરે એવું ઉદાર વલણ બહુ કીમતી છે.
૧૨, ૧૩. અમુક લોકો શાના લીધે પોતાની આવડત અને શક્તિનો રાજ્યના કામમાં ઉપયોગ કરવાથી અચકાય છે? પરંતુ, યહોવા તેઓને કઈ રીતે મદદ કરશે?
૧૨ આપણી શક્તિ અને આવડત. રાજ્યના કામમાં શક્તિ અને આવડતોનો ઉપયોગ કરવાના પ્રયત્નોમાં યહોવા આપણને સહાય કરે છે. તે આપણને વચન આપે છે કે થાકીશું ત્યારે તે મદદ પૂરી પાડશે. (યશા. ૪૦:૨૯-૩૧) શું આપણને એવું લાગે છે કે આપણી આવડતો રાજ્યનાં કામ માટે યોગ્ય નથી? શું આપણે એવું કારણ આપીએ છીએ કે આપણા કરતાં બીજા વધારે કુશળ છે? યાદ રાખીએ બસાલએલ અને આહોલીઆબના કિસ્સામાં કર્યું તેમ, યહોવા કોઈની પણ આવડતોને કુશળ બનાવી શકે છે.—નિર્ગ. ૩૧:૧-૬; શરૂઆતનું ચિત્ર જુઓ.
૧૩ યહોવા ઉત્તેજન આપે છે કે આપણે સારું કરવામાં કંઈ પાછું ન રાખીએ. (નીતિ. ૩:૨૭) મંદિર ફરી બંધાતું હતું ત્યારે યરુશાલેમમાં રહેતા યહુદીઓને યહોવાએ કહ્યું કે એ કામ માટે તેઓ જે કરી રહ્યા છે એના પર વિચાર કરે. (હાગ્ગા. ૧:૨-૫) લોકોનું ધ્યાન ભટકી ગયું હતું. તેઓ યહોવાના કામને જીવનમાં પ્રથમ રાખતા ન હતા. સારું રહેશે કે આપણે પણ વિચાર કરીએ કે યહોવા જે કામને મહત્ત્વનું ગણે છે, એને શું આપણે પણ મહત્ત્વનું ગણીએ છીએ? શું આપણે ‘પોતાના માર્ગો વિશે વિચાર કરીએ’ છીએ, જેથી આ છેલ્લા સમયોમાં રાજ્યના કામને વધુ ટેકો આપી શકીએ?
આપણી ક્ષમતા મુજબ આપીએ
૧૪, ૧૫. (ક) ગરીબ ભાઈઓ પાસેથી આપણે શું શીખી શકીએ? (ખ) આપણે શાની ઇચ્છા રાખવી જોઈએ?
૧૪ આજે ઘણા લોકો ખૂબ ગરીબી અને મુશ્કેલીઓ વાળા વિસ્તારોમાં રહે છે. એવા દેશોમાં રહેતાં ભાઈ-બહેનોને આપણું સંગઠન મદદ કરે છે. (૨ કોરીં. ૮:૧૪) છતાં, જેઓ પાસે ઓછું છે એવા ભાઈઓ પણ ખુશીથી આપવાની ભાવના કેળવે છે. તેઓને એમ કરતા જોઈને યહોવા પણ બહુ ખુશ થાય છે.—૨ કોરીં. ૯:૭.
૧૫ આફ્રિકાના એક ખૂબ ગરીબ દેશમાં, અમુક ભાઈઓ તેમની વાડીનો એક નાનો હિસ્સો ખાસ પ્રદાનો માટે નક્કી કરે છે. એ હિસ્સામાંથી થતી ઊપજને વેચીને તેઓ રાજ્યનાં કામ માટે પ્રદાનો આપે છે. એ જ દેશમાં, જ્યારે રાજ્યગૃહનું બાંધકામ થવાનું હતું, ત્યારે ત્યાંનાં ભાઈ-બહેનોને એ કામમાં ભાગ લેવાની બહુ ઇચ્છા હતી. પરંતુ, એ કામ રોપણીની મોસમના સમયગાળામાં થવાનું હતું. ભાઈઓ મદદ કરવા વિશે મક્કમ હતા. તેથી તેઓ દિવસે બાંધકામમાં ભાગ લેતા અને સાંજે રોપણી કરતા. યહોવા માટે જતું કરવાનું એ કેટલું સરસ ઉદાહરણ! એ આપણને પ્રથમ સદીના મકદોનિયાના ભાઈઓની યાદ અપાવે છે. “ભારે દરિદ્રતા છતાં” તેઓ રાજ્યના કામમાં ટેકો આપવાનો લહાવો મળે એવો આગ્રહ રાખતા હતા. (૨ કોરીં. ૮:૧-૪) ચાલો, આપણે પણ ‘જે આશીર્વાદ યહોવાએ આપણને આપ્યો છે, એના પ્રમાણમાં આપીએ.’—પુનર્નિયમ ૧૬:૧૭ વાંચો.
૧૬. આપણાં અર્પણો યહોવાને માન્ય થાય એની ખાતરી કઈ રીતે કરી શકીએ?
૧૬ જોકે, કોઈ ભોગ આપતી વખતે અમુક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. પોતાની ઇચ્છાથી આપીએ ત્યારે પણ પ્રાચીન ઈસ્રાએલીઓની જેમ ખાતરી કરવી જોઈએ કે યહોવાને એ માન્ય થશે કે નહિ. આપણે યાદ રાખવું જોઈએ કે કુટુંબની સંભાળ અને યહોવાની ભક્તિ કરવી, એ સૌથી મહત્ત્વની જવાબદારીઓ છે. આપણા કુટુંબની ભક્તિ અને ભરણપોષણના ભોગે આપણે પોતાનાં સમય અને ક્ષમતાને બીજાઓ માટે નહિ ખર્ચીએ. નહિતર એ તો જાણે એમ થશે કે જે આપણું નથી એમાંથી આપણે આપીએ છીએ. (૨ કોરીંથી ૮:૧૨ વાંચો.) ઉપરાંત, યહોવા સાથેનો આપણો સંબંધ મજબૂત બનાવતા રહીએ. (૧ કોરીં. ૯:૨૬, ૨૭) બાઇબલ સિદ્ધાંતો મુજબ જીવીએ છીએ ત્યારે, આપણે કરેલાં અર્પણોથી ઘણો આનંદ અને સંતોષ મળે છે. તેમ જ યહોવાને એ ખાસ “માન્ય છે.”
આપણાં અર્પણો કીમતી છે
૧૭, ૧૮. રાજ્ય માટે જેઓ ભોગ આપે છે તેઓ વિશે આપણને કેવું લાગે છે? આપણે શાનો વિચાર કરવો જોઈએ?
૧૭ આપણાં ઘણાં ભાઈ-બહેનો રાજ્યના કામને આગળ વધારવા ‘પેયાર્પણ તરીકે રેડાય છે.’ (ફિલિ. ૨:૧૭) આવી ઉદારતા બતાવવા માટે આપણે તેઓની દિલથી કદર કરીએ છે. મંડળમાં આગેવાની લેતા ભાઈઓની પત્ની અને બાળકોની પણ કદર કરવી જોઈએ કારણ કે, તેઓ ઉદારતા અને ત્યાગની ભાવના બતાવે છે.
૧૮ રાજ્યનું કામ આગળ વધારવા ઘણી મહેનત લાગે છે. આપણે પ્રાર્થનાપૂર્વક વિચાર કરવો જોઈએ કે એમાં કઈ રીતે વધુને વધુ ફાળો આપી શકીએ. એમ કરવાથી ભરોસો રાખી શકીએ કે આજે અને “આવતા કાળમાં” પણ આપણે આશીર્વાદ પામીશું.—માર્ક ૧૦:૨૮-૩૦.
a જાન્યુઆરી ૧, ૨૦૧૨ના ચોકીબુરજમાં પાન ૨૩-૨૭ પર “પૂરા દિલથી યહોવાને અર્પણો ચઢાવીએ” લેખ જુઓ.