ભાઈઓ, ઈશ્વરની શક્તિને અર્થે વાવો અને જવાબદારી ઉપાડવા તૈયાર થાઓ
‘જે પોતાના દેહને અર્થે વાવે તે દેહથી વિનાશ લણશે; પણ જે ઈશ્વરની શક્તિને અર્થે વાવે તે ઈશ્વરની શક્તિથી અનંતજીવન લણશે.’—ગલા. ૬:૮.
૧, ૨. આજે માત્થી ૯:૩૭, ૩૮ના શબ્દો કઈ રીતે પૂરા થઈ રહ્યા છે? એના લીધે મંડળમાં શાની જરૂરિયાત ઊભી થઈ છે?
આજે આપણી નજર સામે સૌથી મહત્ત્વનું કામ થઈ રહ્યું છે જે સદાને માટે યાદ રાખવામાં આવશે. ઈસુ ખ્રિસ્તે એ કામ વિષે જણાવ્યું હતું જે આજે પૂર ઝડપે થઈ રહ્યું છે. તેમણે કહ્યું હતું: ‘ફસલ પુષ્કળ છે ખરી, પણ મજૂરો થોડા છે. એ માટે તમે ફસલના ધણીને પ્રાર્થના કરો, કે તે પોતાની ફસલને સારૂ મજૂરો મોકલે.’ (માથ. ૯:૩૭, ૩૮) યહોવાહ અજોડ રીતે એ પ્રાર્થનાનો જવાબ આપી રહ્યા છે. ૨૦૦૯ના સેવા વર્ષમાં દુનિયા ફરતે યહોવાહના સાક્ષીઓના ૨,૦૩૧ નવાં મંડળો ઊભા થયા. હવે ૧,૦૫,૨૯૮ મંડળો છે. દરરોજ સરેરાશ ૭૫૭ લોકો બાપ્તિસ્મા લે છે!
૨ આટલો ઝડપી વધારો થઈ રહ્યો હોવાથી મંડળોને શીખવવા અને દેખભાળ કરવા યોગ્ય ભાઈઓની ખાસ જરૂર છે. (એફે. ૪:૧૧) ઘણાં વર્ષોથી યહોવાહ મંડળોની સંભાળ રાખવા યોગ્ય ભાઈઓનો ઉપયોગ કરી રહ્યા છે. આપણને પૂરી ખાતરી છે કે તે એમ કરતા રહેશે. મીખાહ ૫:૫ની ભવિષ્યવાણી ખાતરી આપે છે કે આ દુષ્ટ જગતના છેલ્લા સમયમાં યહોવાહ પોતાના લોકોની સંભાળ રાખવા ‘સાત પાળકો અને આઠ સરદારોને ઊભા કરશે.’ એ શબ્દો બતાવે છે કે યહોવાહ પૂરતા પ્રમાણમાં યોગ્ય ભાઈઓને મંડળમાં આગેવાની લેવા તૈયાર કરશે.
૩. ઈશ્વરની શક્તિને અર્થે વાવવાનો શો અર્થ થાય?
૩ જો તમે બાપ્તિસ્મા પામેલા ભાઈ હોવ તો મંડળમાં વધારે જવાબદારી ઉપાડવા તમને શું મદદ કરી શકે? ઈશ્વરની શક્તિ મદદ કરી શકે. પણ આવી મદદ માટે બહુ જરૂરી છે કે તમે ‘ઈશ્વરની શક્તિને અર્થે વાવો.’ (ગલા. ૬:૮) એનો શું અર્થ થાય? એ જ કે આપણે ઈશ્વરની શક્તિની દોરવણી પ્રમાણે જીવીએ, જેથી યહોવાહની કૃપા આપણા પર હંમેશા રહે. એટલે દિલમાં એવી ગાંઠ વાળો કે તમે ‘દેહને અર્થે વાવશો’ નહિ. એટલે કે બૂરી ઇચ્છાઓને વશ થશો નહિ. યહોવાહની ભક્તિમાં તમને આગળ વધતા રોકે એવી કોઈ પણ બાબતને તમે ટાળશો, પછી ભલે એ સુખ-સગવડનું જીવન હોય કે મોજમઝા અને મનોરંજન હોય. મંડળમાં દરેક જણ ઈશ્વરની શક્તિ માટે વાવશે તો સમય જતા યોગ્ય ભાઈઓ મંડળમાં વધારે જવાબદારી માટે તૈયાર થઈ શકશે. યહોવાહના મંડળમાં સેવકાઈ ચાકરો અને વડીલોની ખાસ જરૂર હોવાથી આ લેખ તેઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે. તેથી ભાઈઓ, અમારી વિનંતી છે કે વધારે જવાબદારી ઉપાડવા માટે પ્રાર્થનામાં યહોવાહની મદદ માગો અને પ્રગતિ કરો.
સારાં કામ માટે પ્રગતિ કરો
૪, ૫. (ક) બાપ્તિસ્મા પામેલા ભાઈઓને કઈ કઈ જવાબદારી ઉપાડવા ઉત્તેજન આપવામાં આવે છે? (ખ) મંડળમાં વધારે જવાબદારી ઉપાડવા માટે ભાઈઓએ શું કરવું જોઈએ?
૪ બાપ્તિસ્મા પામેલ કોઈ પણ ભાઈ આપોઆપ વડીલ બની જતા નથી. તેમણે તો આ “ઉમદા કામ” માટે પ્રયત્ન કરવો જોઈએ. (૧ તીમો. ૩:૧) એ માટે તે દિલથી ભાઈ-બહેનોની સેવા કરવા તૈયાર હોવા જોઈએ. (યશાયાહ ૩૨:૧, ૨ વાંચો.) કોઈ ભાઈ સારા ઇરાદાથી મંડળમાં વધારે જવાબદારીની ઇચ્છા રાખે એ સારું છે. તેઓ નામ કમાવવા નહિ, પણ કોઈ સ્વાર્થ વગર મંડળમાં બધાની સેવા કરવા ઇચ્છે છે.
૫ જે ભાઈ સેવકાઈ ચાકર કે વડીલ તરીકે સેવા આપવા માગતા હોય તેમણે બાઇબલમાં જણાવેલાં ધોરણો પ્રમાણે જીવવા બનતું બધું જ કરવું જોઈએ. (૧ તીમો. ૩:૧-૧૦, ૧૨, ૧૩; તીત. ૧:૫-૯) ભાઈઓ, જો તમે બાપ્તિસ્મા પામેલા હોવ તો આ સવાલો પર વિચાર કરો: ‘શું હું ઘરે ઘરે જઈને અને બીજી રીતોએ પણ પ્રચારમાં પૂરો ભાગ લઉં છું? શું બીજાઓને પણ એમ કરવા મદદ કરું છું? ભાઈ-બહેનોને ઉત્તેજન આપવા શું હું પહેલ કરું છું? શું હું બાઇબલનો ખંતથી અભ્યાસ કરનાર તરીકે જાણીતો છું? સભાઓમાં શું હું વાંચીને જવાબ આપું છું કે પોતાના શબ્દોમાં જવાબ આપું છું? વડીલો મને કોઈ સોંપણી આપે ત્યારે શું હું મન મૂકીને એ ઉપાડું છું?’ (૨ તીમો. ૪:૫) વધારે જવાબદારી નિભાવવા આ સવાલો પર વિચાર કરવો ખૂબ જરૂરી છે.
૬. મંડળમાં વધારે જવાબદારી માટે વ્યક્તિએ બીજું શું કરવું જોઈએ?
૬ મંડળમાં વધારે જવાબદારી માટે બીજી કઈ રીતે યોગ્ય બની શકીએ? ‘ઈશ્વર તેમની શક્તિ મારફતે તમને જે બળ આપે છે એનાથી આંતરિક રીતે બળવાન થઈને.’ (એફે. ૩:૧૬, કોમન લેંગ્વેજ) એવું નથી કે મંડળમાં સેવકાઈ ચાકર કે વડીલની જરૂર દેખાય એટલે તેઓને મત આપીને ચૂંટવામાં આવે છે. આ સેવા માટે તો એ જોઈને ભાઈઓને પસંદ કરવામાં આવે છે કે તેઓ સત્યમાં કેટલા ઉત્સાહી અને દૃઢ છે. તો આ જવાબદારી માટે વ્યક્તિએ શું કરવું જોઈએ? એ માટે યહોવાહની શક્તિની દોરવણી પ્રમાણે ચાલીને તેમના જેવા ગુણો કેળવવા જોઈએ. (ગલા. ૫:૧૬, ૨૨, ૨૩) તમે વધારે જવાબદારી ઉપાડવા માટે યોગ્ય ગુણો કેળવતા રહેશો અને જે કોઈ સલાહ મળે એને દિલથી સ્વીકારશો તો ‘તમારી પ્રગતિ સર્વને જોવા મળશે.’—૧ તીમો. ૪:૧૫.
બીજાઓની સેવા કરવા તૈયાર રહીએ
૭. બીજાઓની સેવા કરવામાં શું સમાયેલું છે?
૭ બીજાઓની સેવા કરવી સહેલું નથી. એમ કરવા જીવનમાં ઘણું જતું કરવું પડે. વડીલો પાળકની જેમ મંડળની સંભાળ રાખતા હોવાથી એનું જીવની જેમ રક્ષણ કરે છે. નોંધ કરો કે ભાઈબહેનોની દેખભાળ રાખવાના કામ વિષે પ્રેરિત પાઊલને કેવું લાગતું હતું. તેમણે કોરીંથ મંડળને લખ્યું: “ઘણી વિપત્તિથી તથા અંતઃકરણની વેદનાથી મેં ઘણાં આંસુઓ પાડીને તમારા પર લખ્યું; તે તમે ખેદિત થાઓ એ માટે નહિ, પણ તમારા ઉપર મારી જે અતિશય પ્રીતિ છે તે તમે જાણો તે માટે લખ્યું.” (૨ કોરીં. ૨:૪) આ કલમ પરથી જોવા મળે છે કે પાઊલે પોતાની જવાબદારી નિભાવવામાં કોઈ કચાશ રાખી ન હતી.
૮, ૯. બાઇબલના અનુભવોથી જણાવો કે કઈ રીતે ભાઈઓએ બીજાઓની સંભાળ રાખી હતી.
૮ પોતાનો વિચાર કર્યા વગર યહોવાહના લોકોની દેખભાળમાં જીવન વિતાવી દીધું હોય એવા ઘણા દાખલા બાઇબલમાં જોવા મળે છે. નુહનો વિચાર કરો. શું તમને લાગે છે કે નુહે પોતાના કુટુંબને આમ કહ્યું હોય: ‘વહાણ બંધાઈ જાય ત્યારે મને જણાવજો જેથી હું અંદર આવી શકું?’ ઇજિપ્તમાં મુસાએ ઈસ્રાએલીઓને આમ કહ્યું ન હતું: ‘તમે ગમે તેમ કરીને લાલ સમુદ્ર પાસે પહોંચી જજો, હું ત્યાં તમને મળીશ.’ યહોશુઆએ પણ એમ કહ્યું ન હતું કે ‘યરીખોનો કોટ તૂટી જાય ત્યારે મને જણાવજો.’ યશાયાહે કોઈની સામે આંગળી ચીંધીને એમ ન કહ્યું કે ‘તે રહ્યો; તેને મોકલ.’—યશા. ૬:૮.
૯ યહોવાહની દોરવણી પ્રમાણે ચાલવામાં ઈસુ ખ્રિસ્તે સૌથી સારો દાખલો બેસાડ્યો છે. તે રાજીખુશીથી સ્વર્ગ છોડીને મનુષ્યને પાપ અને મરણની જંજીરમાંથી છોડાવવા પૃથ્વી પર આવ્યા. (યોહા. ૩:૧૬) ઈસુએ જે પ્રેમ બતાવ્યો એની શું આપણે કદર ન કરવી જોઈએ? ઘણાં વર્ષોથી વડીલ તરીકે સેવા આપી રહેલા એક ભાઈ મંડળ માટે પોતાની લાગણી જણાવતા કહે છે: ‘ઈસુએ પીતરને કહ્યું હતું કે મારાં ઘેટાંની સંભાળ રાખજે. એ શબ્દો મારા દિલને અસર કરી ગયા છે. વર્ષોનો મારો અનુભવ બતાવે છે કે બે મીઠા બોલથી કે નાનીસૂની કોઈ મદદ કરવાથી પણ વ્યક્તિને કેટલું ઉત્તેજન મળે છે. ભાઈ-બહેનોની સંભાળ રાખવાની જવાબદારી મને ખૂબ જ ગમે છે.’—યોહા. ૨૧:૧૬.
૧૦. બીજાઓની સેવા કરવામાં ઈસુના દાખલાને અનુસરવા ભાઈઓને શું મદદ કરી શકે?
૧૦ યહોવાહના મંડળમાં બાપ્તિસ્મા પામેલા ભાઈઓએ ઈસુ જેવું વલણ રાખવું જોઈએ. ઈસુએ કહ્યું: “હું તમને વિસામો આપીશ.” (માથ. ૧૧:૨૮) જો કોઈ ભાઈને યહોવાહમાં પૂરી શ્રદ્ધા હશે અને મંડળ માટે પ્રેમ હશે તો, તેઓ આ જવાબદારી માટે આગળ આવવા તૈયાર થશે. તેઓ એવું નહિ વિચારે કે આ જવાબદારી લઈશું તો ઘણું જતું કરવું પડશે અથવા એ ઘણી મહેનત માગી લેશે. જો કોઈ ભાઈ આ રીતે સેવા આપવામાં આગળ આવવા ચાહતા ન હોય તો શું? શું એવા ભાઈ પણ બીજાઓની સેવા કરવાની ઇચ્છા કેળવી શકે?
સેવા કરવાની ઇચ્છા કેળવીએ
૧૧. બીજાઓની સેવા કરવાની ઇચ્છા કોઈ ભાઈ કઈ રીતે કેળવી શકે?
૧૧ જો તમને એમ લાગે કે તમે જવાબદારી ઉપાડી નહિ શકો તો પ્રાર્થનામાં યહોવાહની શક્તિ માગો. (લુક ૧૧:૧૩) એવી ચિંતાઓ દૂર કરવા તે તમને શક્તિ આપશે. બીજાઓની સેવા કરવાની ઇચ્છા યહોવાહે આપણામાં મૂકી છે. એટલે તે જ મંડળમાં વધારે જવાબદારી ઉપાડવા ભાઈઓને પ્રેરે છે અને પછી એ પૂરી કરવા જોઈતી મદદ આપે છે. (ફિલિ. ૨:૧૩; ૪:૧૩) તેથી જવાબદારી મેળવવાની ઇચ્છા કેળવવા યહોવાહ પાસેથી મદદ માગીએ એમાં કંઈ ખોટું નથી.—ગીતશાસ્ત્ર ૨૫:૪, ૫ વાંચો.
૧૨. કોઈ ભાઈ જવાબદારી ઉપાડવા ક્યાંથી ડહાપણ મેળવી શકે?
૧૨ કોઈ ભાઈને એવું લાગી શકે કે મંડળની જવાબદારી ઉપાડવી ખૂબ જ ભારે અને અઘરી છે. એટલે તે આગળ આવવા કદાચ તૈયાર ન થાય. અથવા તેમને એવું લાગે કે એવી જવાબદારી નિભાવવા તેમની પાસે પૂરતી આવડત નથી. એમ હોય તો, બાઇબલ અને આપણાં બીજાં સાહિત્યનો અભ્યાસ કરીને તે ડહાપણ મેળવી શકે. તેમ જ આ સવાલો પર વિચાર કરી શકે: ‘શું હું નિયમિત બાઇબલનો અભ્યાસ કરું છું અને ડહાપણ માટે પ્રાર્થના કરું છું?’ ઈસુના શિષ્ય યાકૂબે લખ્યું: ‘તમારામાંનો જો કોઈ જ્ઞાન કે ડહાપણમાં અપૂર્ણ હોય, તો ઈશ્વર જે સર્વને ઉદારતાથી આપે છે, ને ઠપકો આપતો નથી, તેની પાસેથી તે માગે; એટલે તેને તે આપવામાં આવશે.’ (યાકૂ. ૧:૫) શું તમને આ વચનમાં ભરોસો છે? રાજા સુલેમાનની પ્રાર્થનાના જવાબમાં ઈશ્વરે તેમને ‘જ્ઞાન તથા બુદ્ધિવંત હૃદય આપ્યું.’ એનાથી તે ખરું-ખોટું પારખી શક્યા અને યોગ્ય ન્યાય કરી શક્યા. (૧ રાજા. ૩:૭-૧૪) ખરું કે સુલેમાનનો કિસ્સો અજોડ હતો. પણ આપણે ખાતરી રાખી શકીએ કે મંડળમાં જવાબદારી ઉપાડતા અને ભાઈ-બહેનોની સંભાળ રાખતા ભાઈઓને યહોવાહ જોઈતું જ્ઞાન ને ડહાપણ આપશે.—નીતિ. ૨:૬.
૧૩, ૧૪. (ક) ‘ખ્રિસ્તની પ્રીતિની’ પાઊલ પર કેવી અસર થઈ? (ખ) ‘ખ્રિસ્તની પ્રીતિની’ આપણા પર કેવી અસર થવી જોઈએ?
૧૩ ભાઈ-બહેનોની સેવા કરવાની બીજી એક રીત આ છે: યહોવાહ અને ઈસુએ આપણા માટે જે કર્યું છે એનો ઊંડો વિચાર કરીએ. દાખલા તરીકે, બીજો કોરીંથી ૫:૧૪, ૧૫નો વિચાર કરો. (વાંચો.) કઈ રીતે ‘ખ્રિસ્તની પ્રીતિ આપણને ફરજ પાડે છે?’ યહોવાહની ઇચ્છા પૂરી કરવા ઈસુએ આપણા માટે પોતાનો જીવ આપી દીધો. ઈસુના એ અજોડ પ્રેમને જેમ જેમ વધારે સમજીએ તેમ તેમ આપણી કદર વધે છે. આપણા દિલ પર એની ઊંડી અસર પડે છે. ખ્રિસ્તના પ્રેમની પાઊલ પર ઊંડી અસર પડી હતી જે તેમના જીવનમાં જોવા મળે છે. ખ્રિસ્તના પ્રેમને લીધે પાઊલે યહોવાહની ભક્તિને જીવનમાં પ્રથમ મૂકી. તેમ જ, મંડળમાં અને બહારના લોકોની સેવા કરવા પોતાનું જીવન ખર્ચી નાંખ્યું.
૧૪ ઈસુએ જે રીતે લોકોને પ્રેમ બતાવ્યો એના પર વિચાર કરવાથી આપણા દિલમાં તેમના માટે કદર વધે છે. પછી આપણે જોઈ શકીએ છીએ કે એશઆરામથી જીવવા કે મોજશોખ પૂરા કરવા ‘દેહને અર્થે વાવીએ’ એ યોગ્ય નથી. એના બદલે, આપણે જીવનમાં ફેરફાર કરીને યહોવાહે સોંપેલા કામને પ્રથમ મૂકવું જોઈએ. પ્રેમને લીધે આપણે ભાઈ-બહેનોની ‘સેવા કરવા’ પ્રેરાઈએ છીએ. (ગલાતી ૫:૧૩ વાંચો.) પોતાને મંડળના સેવક ગણીશું તો, બધા સાથે પ્રેમભાવથી અને માનથી વર્તીશું. આપણે શેતાન જેવા જરાય બનવું નથી જે બીજાઓને ઉતારી પાડે છે, તેઓ વિષે કચકચ કરે છે અને ખોટો ન્યાય કરે છે.—પ્રકટી. ૧૨:૧૦.
કુટુંબનો સાથ
૧૫, ૧૬. જો કોઈ સેવકાઈ ચાકર કે વડીલ તરીકે જવાબદારી ઉપાડવાની ઇચ્છા રાખતું હોય તો, આખા કુટુંબે તેમને કઈ રીતે સાથ આપવો જોઈએ?
૧૫ વડીલ કે સેવકાઈ ચાકર તરીકે કોઈ ભાઈની પસંદગી કરતી વખતે બીજું શું ધ્યાનમાં રાખવામાં આવે છે? જો તેમને પત્ની અને બાળકો હોય તો, તેઓનો પણ વિચાર કરવામાં આવે છે. તેમનું કુટુંબ યહોવાહની ભક્તિમાં કેવું કરે છે અને મંડળમાં કેવી શાખ છે, એના આધારે તેમની પસંદગી કરવામાં આવે છે. આ બતાવે છે કે પતિ કે પિતા મંડળમાં વડીલ કે સેવકાઈ ચાકર તરીકે જવાબદારી ઉપાડવાની ઇચ્છા રાખતા હોય ત્યારે, કુટુંબનો સાથ ખૂબ જ મહત્ત્વનો છે.—૧ તીમોથી ૩:૪, ૫, ૧૨ વાંચો.
૧૬ કુટુંબ સંપીને એકબીજાને સાથ આપે છે ત્યારે યહોવાહને ખૂબ આનંદ થાય છે. (એફે. ૩:૧૪, ૧૫) મંડળમાં વધારે સેવા આપવા માગતા ભાઈએ કુટુંબની જવાબદારી અને મંડળની જવાબદારી ‘સારી રીતે’ સંભાળવામાં સમતોલ રહેવું જોઈએ. સેવકાઈ ચાકર કે વડીલો માટે પણ એ ખૂબ મહત્ત્વનું છે કે દર અઠવાડિયે કુટુંબ તરીકે ભક્તિમાં સમય કાઢે, જેથી તેઓને લાભ થાય. તેઓએ નિયમિત રીતે કુટુંબ સાથે પ્રચારમાં કામ કરવું જોઈએ. એટલે કુટુંબ પણ પિતા કે પતિને પૂરો સહકાર આપે એ ખૂબ જ મહત્ત્વનું છે.
શું તમે ફરીથી જવાબદારી ઉપાડી શકો?
૧૭, ૧૮. (ક) જો કોઈ ભાઈ હાલમાં જવાબદારી ઉપાડવા યોગ્ય ન હોય તો તે શું કરી શકે? (ખ) કોઈ ભાઈએ સેવકાઈ ચાકર કે વડીલ તરીકેની જવાબદારી ગુમાવી હોય તો, તેમના મનમાં કેવા વિચારો આવી શકે?
૧૭ તમે કદાચ અમુક સમય પહેલા સેવકાઈ ચાકર કે વડીલ તરીકે સેવા આપતા હતા. પણ હાલમાં એ રીતે સેવા નથી આપતા. પણ તમને હજી યહોવાહની ભક્તિ માટે પ્રેમ છે. એટલે ખાતરી રાખો કે યહોવાહ પણ તમારી જરૂર સંભાળ રાખશે. (૧ પીત. ૫:૬, ૭) શું તમને અમુક ફેરફારો કરવાનું કહેવામાં આવ્યું હતું? એમ હોય તો, પોતાની ભૂલ સ્વીકારો અને સુધારો કરવા મહેનત કરો. મનમાં ખાર ન રાખો. હિંમત ન હારો, પણ હંમેશા સારું વર્તન કેળવો. એમ કરશો તો યહોવાહ ચોક્કસ તમને મદદ કરશે. વર્ષોથી એક ભાઈ વડીલ હતા, પણ તેમણે એ જવાબદારી ગુમાવી. તે હવે પાછા વડીલ છે અને કહે છે: ‘મેં પહેલાની જેમ જ નિયમિત રીતે સભાઓ અને પ્રચારમાં જવાનો અને બાઇબલ વાંચતા રહેવાનો ધ્યેય રાખ્યો હતો. મેં એ પ્રમાણે જ કર્યું. મને થયું કે હું એક બે વર્ષમાં પાછો વડીલ બની જઈશ, પણ એમ ન થયું. ફરી વડીલ બનવા મને સાત વર્ષ લાગ્યા. એનાથી હું ધીરજ રાખતા શીખ્યો. એ દરમિયાન મને હિંમત ન હારવા અને યહોવાહની ભક્તિમાં લાગુ રહેવા વડીલો ઉત્તેજન આપતા રહ્યા. એનાથી મને ખૂબ જ મદદ મળી.’
૧૮ જો તમે પણ કોઈ કારણથી આ ભાઈની જેમ જવાબદારી ગુમાવી હોય તો હિંમત ન હારશો. યહોવાહ જે રીતે તમારા પ્રચાર કામને અને કુટુંબને આશીર્વાદ આપે છે એનો વિચાર કરો. તમારા કુટુંબને સત્યમાં દ્રઢ થવા મદદ કરો, બીમાર ભાઈ-બહેનોની મુલાકાત લો અને સત્યમાં નબળા છે તેઓને ઉત્તેજન આપો. એ ઉપરાંત, યહોવાહની ભક્તિ કરવાનો અને તેમના રાજ્યનો સંદેશો ફેલાવવાનો જે મોકો મળ્યો છે એની કદર કરતા રહો.a—ગીત. ૧૪૫:૧, ૨; યશા. ૪૩:૧૦-૧૨.
ફરીથી વિચાર કરો
૧૯, ૨૦. (ક) બાપ્તિસ્મા પામેલા ભાઈઓને શું કરવાનું ખાસ ઉત્તેજન આપવામાં આવે છે? (ખ) હવે પછીના લેખમાં શાની ચર્ચા કરીશું?
૧૯ મંડળોમાં સેવકાઈ ચાકરો કે વડીલોની પહેલા કરતાં આજે વધારે જરૂર છે. તેથી બાપ્તિસ્મા પામેલા સર્વ ભાઈઓને અમે અરજ કરીએ છીએ કે તમારા સંજોગો ફરીથી તપાસો. આ સવાલ પર વિચાર કરજો: ‘જો હું સેવકાઈ ચાકર કે વડીલ ન હોઉં તો, એવું તો શું છે જે આ જવાબદારી ઉપાડતા મને રોકે છે?’ યહોવાહની શક્તિની મદદ લો, જેથી તમે આ મહત્ત્વની જવાબદારી ઉપાડવા યોગ્ય વલણ કેળવી શકો.
૨૦ ભાઈઓ બીજાઓનો પહેલા વિચાર કરીને સેવા આપે છે ત્યારે, મંડળમાં બધાને લાભ થાય છે. પ્રેમભાવ અને સ્વાર્થ વગર ભાઈ-બહેનોની સેવા કરીએ છીએ ત્યારે આપણને આનંદ મળે છે. એમ કરીને આપણે ઈશ્વરની શક્તિની દોરવણી પ્રમાણે વાવીએ છીએ. હવે પછીનો લેખ બતાવશે કે આપણે કેમ ઈશ્વરની શક્તિની વિરુદ્ધ ન જવું જોઈએ. અને એમ કરવાનું આપણે કઈ રીતે ટાળવું જોઈએ. (w10-E 05/15)
[ફુટનોટ્સ]
તમે કેવો જવાબ આપશો?
• મીખાહ ૫:૫ની ભવિષ્યવાણી આપણને શાની ખાતરી આપે છે?
• મંડળમાં બીજાઓની સેવા કરવા શું કરવું પડે?
• બીજાઓની સેવા કરવાની ઇચ્છા કોઈ ભાઈ કઈ રીતે કેળવી શકે?
• જો કોઈ સેવકાઈ ચાકર કે વડીલ તરીકે જવાબદારી ઉપાડવાની ઇચ્છા રાખતું હોય તો, તેમના કુટુંબનો સાથ કેટલો મહત્ત્વનો છે?
[પાન ૨૫ પર ચિત્રનું મથાળું]
જવાબદારી ઉપાડવા માટે તમે શું કરી શકો?