-
ઈશ્વરના જ્ઞાનની વિરુદ્ધ હોય એવા વિચારો કાઢી નાખીએ!ચોકીબુરજ (અભ્યાસ અંક)—૨૦૧૯ | જૂન
-
-
“પોતાના મનના વિચારોને નવા કરતા રહો”
૭. આપણે કઈ રીતે મનના વિચારો બદલી શકીએ?
૭ શું મનના વિચારોને બદલવું શક્ય છે? બાઇબલ જણાવે છે: “તમે પોતાના મનના વિચારોને નવા કરતા રહો અને ઈશ્વરની ઇચ્છા પ્રમાણે ખરાં ધોરણો અને ખરી વફાદારી દ્વારા જે નવો સ્વભાવ રચવામાં આવ્યો છે, એ તમે પહેરી લો.” (એફે. ૪:૨૩, ૨૪) આપણે અંદરથી કેવા છીએ, આપણો સ્વભાવ કેવો છે, એના પર વિચાર કરીએ. એમાં ફેરફાર કરવો સહેલો નથી, પણ એમ કરવું શક્ય તો છે. ફક્ત એટલું જ પૂરતું નથી કે આપણે ખોટી ઇચ્છાઓ અને ખરાબ કામો છોડી દઈએ. એનાથી કંઈક વધારે કરવાની જરૂર છે, આપણે “પોતાના મનના વિચારોને” બદલવાની જરૂર છે. મનના વિચારો એટલે આપણી ઇચ્છાઓ, વાણી-વર્તન અને કામ કરવા પાછળનાં કારણો. એ બધું બદલવા સતત મહેનત કરવી જોઈએ.
૮-૯. મનના વિચારો બદલવા વિશે એક ભાઈના દાખલામાંથી શું શીખવા મળે છે?
૮ ચાલો એક દાખલો જોઈએ. એક ભાઈ અગાઉ ખૂબ મારામારી કરતા હતા. સત્ય શીખ્યા ત્યારે તેમણે દારૂ પીવાનું અને મારામારી કરવાનું છોડી દીધું. પછી તેમણે બાપ્તિસ્મા લીધું. જે વિસ્તારમાં રહેતા હતા, ત્યાંના લોકોને તેમણે કરેલા ફેરફારોથી ઘણી નવાઈ લાગી અને યહોવાના નામને મહિમા મળ્યો. બાપ્તિસ્માના થોડા સમય પછી એક કસોટી આવી, જે તેમણે ધારી પણ ન હતી. સાંજના સમયે એક દારૂડિયો માણસ તેમના ઘરે આવ્યો. મારામારી કરવા તેમને ઉશ્કેરવા લાગ્યો. ભાઈએ પોતાના પર કાબૂ રાખ્યો અને તેની સાથે મારામારી કરી નહિ. પણ પેલો માણસ યહોવા વિશે જેમતેમ બોલવા લાગ્યો ત્યારે ભાઈ પિત્તો ગુમાવી બેઠા. તેમણે એ માણસને માર્યો. ભાઈએ શા માટે એવું કર્યું? તે બાઇબલમાંથી શીખ્યા ત્યારે તેમણે મારામારી કરવાનું છોડી દીધું હતું. પણ તેમના વિચારોમાં હજુ એની છાંટ રહી ગઈ હતી, તેમના વિચારો પૂરેપૂરા બદલાયા ન હતા.
૯ એ પ્રસંગને લીધે ભાઈ નિરાશ થયા નહિ. (નીતિ. ૨૪:૧૬) તેમણે વડીલોની મદદ લીધી અને યહોવાની સેવામાં વધારે મહેનત કરવા લાગ્યા. સમય જતાં તે વડીલ બન્યા. વર્ષો પછી ફરીથી એક કસોટી તેમની આગળ આવી. સાંજના સમયે પ્રાર્થનાઘરની બહાર એક દારૂડિયો આપણા એક વડીલને મારવાની તૈયારીમાં હતો. ભાઈએ શું કર્યું? તેમણે શાંતિથી અને નમ્રતાથી પેલા માણસ સાથે વાત કરી, તેને ઠંડો પાડ્યો. તેને ઘરે મૂકવા પણ ગયા. ભાઈ શા માટે શાંત રહ્યા? તેમણે પોતાના મનના વિચારો બદલ્યા હતા. તે એક શાંત અને નમ્ર વ્યક્તિ બન્યા હતા. આમ, તેમણે યહોવાનું નામ રોશન કર્યું!
૧૦. ફેરફારો કરવા આપણે શું કરવું જોઈએ?
૧૦ એવા ફેરફારો કંઈ રાતોરાત થઈ જતા નથી. પોતાની જાતે પણ થઈ જતા નથી. બની શકે કે આપણે વર્ષો સુધી ‘ઘણા પ્રયત્નો’ કરવા પડે. (૨ પીત. ૧:૫) આપણે વર્ષોથી યહોવાની સેવા કરીએ છીએ એટલે એ ફેરફારો આપમેળે થઈ જશે, એવું ન વિચારીએ. આપણે પોતાને બદલવા જોઈએ, વિચારો બદલવા બનતું બધું કરવું જોઈએ. ચાલો ત્રણ પગલાં જોઈએ, જે આપણને મદદ કરશે.
મનના વિચારો કેવી રીતે બદલી શકો?
૧૧. મનના વિચારો બદલવા પ્રાર્થના કેવી રીતે મદદ કરે છે?
૧૧ પહેલું પગલું છે, પ્રાર્થના. આપણે એક ગીતના લેખકની જેમ પ્રાર્થના કરવી જોઈએ. તેમણે કહ્યું: ‘હે ઈશ્વર, મારામાં શુદ્ધ હૃદય ઉત્પન્ન કરો; અને મારા મનને નવું અને દૃઢ કરો.’ (ગીત. ૫૧:૧૦) પહેલા તો આપણે સમજવું જોઈએ કે, આપણે મનના વિચારો બદલવાની જરૂર છે. પછી એમ કરવા યહોવા પાસે પ્રાર્થનામાં મદદ માંગવી જોઈએ. યહોવા મદદ કરશે એવી ખાતરી કઈ રીતે રાખી શકીએ? હઝકીએલના સમયના ઇઝરાયેલીઓના મન જડ થઈ ગયા હતા. યહોવાએ ઇઝરાયેલીઓ વિશે આપેલા વચનથી આપણને ઉત્તેજન મળે છે. તેમણે કહ્યું હતું: ‘હું તેઓને એક અંતઃકરણ આપીશ, ને હું તેઓને નવું મન આપીશ; હું તેમના દેહમાંથી પથ્થર જેવું હૃદય દૂર કરીને તેમને માંસનું હૃદય આપીશ.’ એટલે કે યહોવાનું માર્ગદર્શન પાળવા તૈયાર હોય એવું હૃદય. (હઝકી. ૧૧:૧૯) યહોવા ઇઝરાયેલીઓને મદદ કરવા તૈયાર હતા. આજે પણ તે આપણને મદદ કરવા તૈયાર છે.
૧૨-૧૩. (ક) ગીતશાસ્ત્ર ૧૧૯:૫૯ પ્રમાણે આપણે શાના વિશે મનન કરવું જોઈએ? (ખ) આપણે કેવા સવાલો પર વિચાર કરવો જોઈએ?
૧૨ બીજું પગલું છે, મનન. આપણે દરરોજ ધ્યાનથી બાઇબલ વાંચીએ. મનન કરવા સમય કાઢવો જોઈએ અને જે વાંચીએ એના પર ઊંડો વિચાર કરવો જોઈએ. આપણાં વિચારો અને લાગણીઓમાં કઈ રીતે ફેરફાર કરી શકીએ, એના પર ધ્યાન આપીએ. (ગીતશાસ્ત્ર ૧૧૯:૫૯ વાંચો; હિબ્રૂ. ૪:૧૨; યાકૂ. ૧:૨૫) આપણે પોતાના દિલમાં તપાસ કરીએ કે દુનિયાના વિચારો તો નથી આવી ગયાને! આપણે સંકોચ રાખ્યા વગર સ્વીકારવું જોઈએ કે આપણામાં કેવી નબળાઈઓ છે. એને દૂર કરવા આપણે સખત મહેનત કરવી જોઈએ.
૧૩ પોતાને આવા સવાલો પૂછો: ‘શું કોઈના માટે હું થોડી પણ ઈર્ષા રાખું છું?’ (૧ પીત. ૨:૧) ‘શું સમાજ, શિક્ષણ કે ધનદોલતને લીધે મને એવું લાગે છે કે હું બીજાઓ કરતાં ચઢિયાતો છું?’ (નીતિ. ૧૬:૫) ‘જેઓની પાસે મારા જેટલી વસ્તુઓ નથી કે મારી જાતિના નથી, તેઓને શું હું નીચા ગણું છું?’ (યાકૂ. ૨:૨-૪) ‘શું મને શેતાનની દુનિયાની વસ્તુઓ ગમે છે?’ (૧ યોહા. ૨:૧૫-૧૭) ‘શું મને એવું મનોરંજન ગમે છે, જેમાં વ્યભિચાર જેવાં કામો કે હિંસા હોય?’ (ગીત. ૯૭:૧૦; ૧૦૧:૩; આમો. ૫:૧૫) આ સવાલો પર વિચાર કરવાથી તમને ખબર પડશે કે ક્યાં સુધારો કરવાની જરૂર છે. જો આપણે “કિલ્લાઓ જેવા મજબૂત” ખરાબ વિચારોને તોડીને ફેરફાર કરીશું, તો યહોવા ખુશ થશે.—ગીત. ૧૯:૧૪.
૧૪. સારા મિત્રો પસંદ કરવા શા માટે મહત્ત્વનું છે?
૧૪ ત્રીજું પગલું છે, સારા મિત્રો પસંદ કરો. જાણતા-અજાણતા મિત્રોની આપણા પર અસર પડે છે. (નીતિ. ૧૩:૨૦) કામે હોઈએ કે સ્કૂલે, મોટા ભાગનો સમય યહોવાના ભક્ત ન હોય એવા લોકો સાથે આપણે હોઈએ છીએ. તેઓ આપણને યહોવાના વિચારો પ્રમાણે ચાલવા મદદ કરતા નથી. સૌથી સારા મિત્રો આપણને સભામાં જ મળી શકે છે. સભામાંથી આપણને “પ્રેમ અને સારાં કામો” કરવા ઉત્તેજન મળે છે.—હિબ્રૂ. ૧૦:૨૪, ૨૫, ફૂટનોટ.
-