યહોવાહની શક્તિ વિરુદ્ધ ન જઈએ
‘તમને મુદ્રાંકિત કરનાર ઈશ્વરની શક્તિને તમે ખિન્ન ન કરો.’—એફે. ૪:૩૦.
૧. યહોવાહે લાખો લોકો માટે શું કર્યું છે અને તેઓની શું ફરજ બને છે?
તકલીફોથી ભરેલી દુનિયામાં યહોવાહે લાખો લોકો માટે એક સુંદર જોગવાઈ કરી છે. એ જોગવાઈ શું છે? એ જ કે લાખો લોકો હવે તેમના એકાકીજનિત દીકરા ઈસુ ખ્રિસ્ત દ્વારા યહોવાહને વધુ સારી રીતે ઓળખી શકે છે, તેમની સાથે નાતો બાંધી શકે છે. (યોહા. ૬:૪૪) જો તમે ઈશ્વરને સમર્પણ કર્યું હોય અને એ પ્રમાણે જીવતા હો, તો તમે પણ એ લાખો લોકોમાંના એક છો. યહોવાહની શક્તિને નામે બાપ્તિસ્મા લીધા પછી તમારી ફરજ બને છે કે તમે એની દોરવણી પ્રમાણે જ જીવો.—માથ. ૨૮:૧૯.
૨. આપણે કયા પ્રશ્નો પર વિચાર કરીશું?
૨ આપણે ઈશ્વરની શક્તિની દોરવણી પ્રમાણે વાવીએ છીએ ત્યારે, નવો સ્વભાવ કેળવીએ છીએ. (ગલા. ૬:૮; એફે. ૪:૧૭-૨૪) પરંતુ પ્રેરિત પાઊલ સલાહ અને ચેતવણી આપતા કહે છે કે આપણે યહોવાહની શક્તિ વિરુદ્ધ એવું કંઈ ન કરીએ, જેનાથી તેમને દુઃખ પહોંચે. (એફેસી ૪:૨૫-૩૨ વાંચો.) પાઊલે આપેલી સલાહ પર ચાલો આપણે વિચાર કરીએ. ‘ઈશ્વરની શક્તિને ખિન્ન ન કરો,’ પાઊલના આ શબ્દોનો શું અર્થ થાય? યહોવાહને સમર્પણ કર્યા પછી પણ આપણા કેવા કામો તેમની શક્તિ વિરુદ્ધ દોરી જાય છે? યહોવાહની શક્તિ વિરુદ્ધ ન જઈએ માટે આપણે કેવાં કામોથી દૂર રહેવું જોઈએ?
પાઊલના શબ્દોનો શું અર્થ થાય?
૩. એફેસી ૪:૩૦ના શબ્દોનો શું અર્થ થાય?
૩ સૌથી પહેલા તો, એફેસી ૪:૩૦ના પાઊલના શબ્દોને ધ્યાન આપો. તેમણે લખ્યું: ‘ઉદ્ધારના દિવસ માટે તમને મુદ્રાંકિત કરનાર ઈશ્વરની પવિત્ર શક્તિને તમે ખિન્ન ન કરો.’ પાઊલ એવું જરાય ચાહતા ન હતા કે મંડળના ભાઈ-બહેનોનો યહોવાહ સાથેનો સંબંધ કોઈ પણ રીતે નબળો પડે. તેઓ તો યહોવાહની શક્તિથી ‘ઉદ્ધારના દિવસ માટે મુદ્રાંકિત થયા હતા.’ પહેલી સદીની જેમ આજે પણ યહોવાહ પોતાની શક્તિ દ્વારા વિશ્વાસુ અભિષિક્તોને મુદ્રાંકિત કરે છે. બીજા શબ્દોમાં, તેઓને ‘જે કંઈ મળનાર છે એની ખાતરીરૂપે’ યહોવાહ પોતાની શક્તિ તેઓને આપે છે. (૨ કોરીં. ૧:૨૨, કોમન લેંગ્વેજ) મુદ્રા કે મહોર બતાવે છે કે તેઓ ઈશ્વરની માલિકીના છે અને સ્વર્ગમાં જીવન મેળવશે. બધા મળીને કુલ ૧,૪૪,૦૦૦ લોકો મુદ્રાંકિત થશે.—પ્રકટી. ૭:૨-૪.
૪. આપણે કેમ ઈશ્વરની શક્તિ વિરુદ્ધ ન જવું જોઈએ?
૪ ઈશ્વરની શક્તિ વિરુદ્ધ આપણે કોઈ પણ પગલું ન ભરીએ. નહિ તો આપણા જીવનમાં ઈશ્વરની શક્તિની દોરવણી રહેશે નહિ. એક વાર દાઊદના કિસ્સામાં પણ એમ જ થયું હતું. તેમણે બાથશેબા સાથે પાપ કર્યું ત્યારે, યહોવાહની શક્તિ તેમના પર રહી નહિ. એટલે જ દાઊદે દિલથી પસ્તાવો કરીને યહોવાહને અરજ કરી: ‘તારી સંમુખથી મને કાઢી મૂકતો નહિ; અને તારી શક્તિ મારી પાસેથી લઈ લેતો નહિ.’ (ગીત. ૫૧:૧૧) જે અભિષિક્તો ‘મરણ પર્યંત વિશ્વાસુ રહે’ ફક્ત તેઓને જ સ્વર્ગમાં અમર જીવનનો ‘મુગટ’ મળશે. (પ્રકટી. ૨:૧૦; ૧ કોરીં. ૧૫:૫૩) ધરતી પર જીવનની આશા છે તેઓને પણ યહોવાહની શક્તિની જરૂર છે. તેમને વળગી રહેવા અને ઈસુના બલિદાનમાં વિશ્વાસ મૂકીને અનંતજીવન મેળવવા યહોવાહની શક્તિ આપણને મદદ કરે છે. (યોહા. ૩:૩૬; રૂમી ૫:૮; ૬:૨૩) એટલે એ બહુ જરૂરી છે કે આપણે કોઈ પણ રીતે યહોવાહની શક્તિ વિરુદ્ધ ન જઈએ.
કેવાં કામ આપણને યહોવાહની શક્તિ વિરુદ્ધ લઈ જાય છે?
૫, ૬. આપણાં કેવાં કામ યહોવાહની શક્તિ વિરુદ્ધ લઈ જાય છે?
૫ યહોવાહના સમર્પિત સેવક તરીકે આપણે એવાં કામોથી દૂર રહેવું જોઈએ જે તેમની શક્તિની વિરુદ્ધ જતા હોય. એવાં કામોથી દૂર રહેવા આપણે ‘યહોવાહની શક્તિની દોરવણી પ્રમાણે જીવવું જોઈએ.’ એમ કરીશું તો આપણા શરીરની અયોગ્ય ઇચ્છાઓને વશ નહિ થઈએ અને કોઈ પણ અવગુણો કેળવવાથી દૂર રહીશું. (ગલા. ૫:૧૬, ૨૫, ૨૬) એ માટે આપણે પોતાની તપાસ કરતા રહેવું જોઈએ. જો ધ્યાન ન રાખીએ તો, બાઇબલ ધિક્કારે છે એવા વાણી-વર્તન આપણામાં જાણે-અજાણે આવી જઈ શકે. ભલે આપણે મન એ નાની વાત હોય, પણ એવાં કામ ઈશ્વરની શક્તિ વિરુદ્ધ લઈ જાય છે.
૬ આપણે યહોવાહની શક્તિ વિરૂદ્ધ કોઈ કામ કરીએ છીએ ત્યારે, એની સામા થઈએ છીએ. એટલું જ નહિ, એ શક્તિ આપનાર યહોવાહને પણ દુઃખી કરીએ છીએ. એફેસી ૪:૨૫-૩૨ પર વિચાર કરવાથી આપણને જાણવા મળશે કે આપણે કેવાં વાણી-વર્તન રાખવા જોઈએ. તેમ જ ઈશ્વરની શક્તિ વિરુદ્ધ કંઈ પણ ન કરવા આપણને મદદ મળશે.
યહોવાહની શક્તિ વિરુદ્ધ ન જવા શું કરવું જોઈએ?
૭, ૮. આપણે કેમ સાચું જ બોલવું જોઈએ?
૭ આપણે હંમેશા સાચું જ બોલવું જોઈએ. એફેસી ૪:૨૫માં પાઊલે લખ્યું હતું: “એ માટે અસત્ય દૂર કરીને દરેક પોતાના પડોશીની સાથે સાચું બોલો; કેમ કે આપણે એકબીજાના અવયવો છીએ.” આપણે બધા એક જ શરીરના જુદા જુદા અવયવો હોવાથી સંપીને રહીએ છીએ. એટલે આપણે કોઈ પણ રીતે કપટી બનવા માગતા નથી. આપણા ભાઈબહેનોને જાણી જોઈને ગેરમાર્ગે પણ દોરવા માગતા નથી. એ તો જૂઠું બોલ્યા બરાબર કહેવાય. જે કોઈ પણ આ રીતે ગેરમાર્ગે દોરે છે તે ઈશ્વર સાથે સંબંધ તોડી બેસે છે.—નીતિવચનો ૩:૩૨ વાંચો.
૮ આપણા વાણી-વર્તનમાં કપટ હશે તો, મંડળમાં સંપ રહેશે નહિ. એટલે આપણે વાણી-વર્તનમાં દાનીયેલ પ્રબોધક જેવા વિશ્વાસુ ને પ્રમાણિક હોવા જોઈએ. દાનીયેલમાં કોઈ વાંક-ગુનો શોધી શક્યું ન હતું. (દાની. ૬:૪) પાઊલે સ્વર્ગની આશા ધરાવતા અભિષિક્તોને આપેલી સલાહ પણ આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. તેમણે કહ્યું હતું કે બધા અભિષિક્તો જાણે ‘ખ્રિસ્તના શરીરના’ જુદાં જુદાં અંગો છે, એટલે આપણે દરેકે ઈસુના અભિષિક્ત શિષ્યો સાથે હળીમળીને રહેવાની જરૂર છે. (એફે. ૪:૧૧, ૧૨) જો આપણે સુંદર પૃથ્વી પર કાયમ જીવવાની આશા રાખતા હોય તો, હંમેશા સત્ય જ બોલવું જોઈએ. એમ કરીને આપણે દુનિયાભરમાં યહોવાહના લોકો તરીકે સંપ જાળવી રાખીશું.
૯. એફેસી ૪:૨૬, ૨૭ની સલાહ પાળવી કેમ મહત્ત્વની છે?
૯ શેતાનની સામા આપણે થવું જ જોઈએ. તેને એવો કોઈ પણ મોકો ન આપીએ જેનાથી યહોવાહ સાથેનો આપણો નાતો નબળો પડી જાય. (યાકૂ. ૪:૭) યહોવાહ પોતાની શક્તિ દ્વારા શેતાનની સામે થવા આપણને મદદ કરે છે. દાખલા તરીકે, આપણે ગુસ્સાને કાબૂમાં રાખીને શેતાનની સામે થઈ શકીએ. પાઊલે લખ્યું હતું: “ગુસ્સે થાઓ, પણ પાપ ન કરો; તમારા ક્રોધ પર સૂર્યને આથમવા ન દો; અને શેતાનને સ્થાન ન આપો.” (એફે. ૪:૨૬, ૨૭) ખરું કે કોઈ વાર આપણે યોગ્ય કારણથી ગુસ્સે થઈ પણ જઈએ. એવા સમયે આપણે તરત મનમાં પ્રાર્થના કરી શકીએ કે યહોવાહ ‘મિજાજ ઠંડો’ રાખવા મદદ કરે. એમ કરવાથી આપણે પોતાને કાબૂમાં રાખીએ છીએ, જેથી ઈશ્વરની શક્તિ વિરુદ્ધ કંઈ કરી ન બેસીએ. (નીતિ. ૧૭:૨૭) તો ચાલો આપણે ધ્યાન રાખીએ કે લાંબો સમય ગુસ્સો ભરી ન રાખીએ. જો મગજમાં ગુસ્સો ભરી રાખીશું તો, શેતાન આપણા પર સવાર થઈ જશે ને આપણે કોઈ ખોટું પગલું ભરી બેસીશું. (ગીત. ૩૭:૮, ૯) શેતાનની સામે થવાની એક રીત આ છે: કોઈની સાથે અણબનાવ બને તો, એને હલ કરવા જેમ બને એમ જલદી ઈસુની સલાહને અમલમાં મૂકીએ.—માથ. ૫:૨૩, ૨૪; ૧૮:૧૫-૧૭.
૧૦, ૧૧. આપણે કેમ ચોરી ન કરવી જોઈએ કે અપ્રમાણિક ન બનવું જોઈએ?
૧૦ ચોરી કરવાની કે અપ્રમાણિક બનવાની કોઈ પણ લાલચને આપણે વશ ન થવું જોઈએ. ચોરી વિષે પાઊલે લખ્યું: “ચોરી કરનારે હવેથી ચોરી ન કરવી; પણ તેને બદલે પોતાને હાથે ઉદ્યોગ [મહેનત] કરીને સુકૃત્યો કરવાં, જેથી જેને જરૂર છે તેને આપવાને પોતાની પાસે કંઈ હોય.” (એફે. ૪:૨૮) જો યહોવાહનો કોઈ ભક્ત ચોરી કરે તો, તે ‘ઈશ્વરના નામની નિંદા’ કરે છે. તેમના નામ પર જાણે નામોશી લાવે છે. (નીતિ. ૩૦:૭-૯) અરે, ગરીબ હોય તોપણ કંઈ ચોરી કરવાની રજા મળી જતી નથી. જેઓ ખરા દિલથી ઈશ્વરની ભક્તિ કરે છે અને બીજા લોકો માટે પ્રેમ છે તેઓ કદી પણ ચોરીનો માર્ગ નહિ અપનાવે.—માર્ક ૧૨:૨૮-૩૧.
૧૧ પાઊલે ફક્ત એમ જ કહ્યું ન હતું કે આપણે શું ન કરવું જોઈએ. તેમણે એ પણ જણાવ્યું કે આપણે શું કરવું જોઈએ. જો આપણે ઈશ્વરની શક્તિની દોરવણી પ્રમાણે જીવતા હોઈશું તો, આપણા પરિવારનું ભરણપોષણ કરવા સખત મહેનત કરીશું. એમ કરવાથી ‘જેને જરૂર છે તેને આપવાને પણ આપણી પાસે કંઈક હશે.’ (૧ તીમો. ૫:૮) ઈસુ અને તેમના પ્રેરિતો ગરીબોને મદદ કરવા અમુક પૈસા અલગ રાખતા હતા. જ્યારે કે યહુદા ઈસકારીઓત નામનો શિષ્ય દગાખોર હતો. તે એ પૈસામાંથી પણ અમુક ચોરી લેતો હતો. (યોહા. ૧૨:૪-૬) તે ઈશ્વરની દોરવણી પ્રમાણે જીવતો ન હતો. જો ઈશ્વરની દોરવણી પ્રમાણે ચાલીશું તો, પાઊલની જેમ આપણે પણ ‘સઘળી બાબતોમાં પ્રામાણિકપણે વર્તીશું.’ (હેબ્રી ૧૩:૧૮) એમ કરવાથી આપણે યહોવાહની શક્તિ વિરુદ્ધ જવાનું ટાળીશું.
બીજી કઈ રીતોએ આપણે યહોવાહની શક્તિ વિરુદ્ધ જવાનું ટાળી શકીએ?
૧૨, ૧૩. (ક) એફેસી ૪:૨૯ જણાવે છે તેમ, આપણા મુખમાંથી કેવા શબ્દો ન નીકળવા જોઈએ? (ખ) આપણી વાણી કેવી હોવી જોઈએ?
૧૨ આપણે જે કંઈ બોલીએ એ સમજી વિચારીને બોલીએ. પાઊલે કહ્યું હતું: “તમારા મુખમાંથી કંઈ મલિન વચન નહિ, પણ જે ઉન્નતિને સારૂ આવશ્યક હોય તે જ નીકળે, કે તેથી સાંભળનારાઓનું કલ્યાણ થાય.” (એફે. ૪:૨૯) અહીંયા ફરીથી પાઊલ એટલું જ જણાવતા નથી કે આપણે શું ન કરવું જોઈએ. તે એ પણ જણાવે છે કે આપણે શું કરવું જોઈએ. ઈશ્વરની દોરવણી પ્રમાણે ચાલતા હોઈશું તો, આપણા ‘મુખમાંથી જે ઉન્નતિને સારૂ આવશ્યક હોય તે જ નીકળશે, કે જેથી સાંભળનારાઓનું કલ્યાણ થાય.’ એટલું જ નહિ, આપણાં મુખમાંથી કંઈ પણ “મલિન વચન” ન નીકળે એનું પૂરું ધ્યાન રાખીશું. “મલિન” માટેનો મૂળ ગ્રીક શબ્દ કોહવાઈ ગયેલા ફળ, માછલી કે માંસને દર્શાવવા વપરાયો છે. જેમ એવી કોહવાઈ ગયેલી વસ્તુથી આપણે દૂર ભાગીએ છીએ, તેમ એવું કંઈ પણ બોલવાને ધિક્કારીશું જે યહોવાહને જરાય પસંદ નથી.
૧૩ આપણે હંમેશા પ્રેમ અને મીઠાશથી બોલવું જોઈએ, જે બીજાઓને ગમી જાય. (કોલો. ૩:૮-૧૦; ૪:૬) આપણી વાણી પરથી લોકોને દેખાઈ આવવું જોઈએ કે આપણે બીજાઓથી અલગ છીએ. તો ચાલો આપણે એ રીતે બોલીએ જેનાથી બીજાઓને હિંમત મળે, સારાં કામ કરવા ઉત્તેજન મળે. એક ઈશ્વરભક્તે ભજનમાં જે કહ્યું એવું આપણે પણ અનુભવીએ: “હે યહોવાહ, મારા ખડક તથા મને ઉદ્ધારનાર, મારા મુખના શબ્દો તથા મારા હૃદયના વિચારો તારી આગળ માન્ય થાઓ.”—ગીત. ૧૯:૧૪.
૧૪. એફેસી ૪:૩૦, ૩૧ની સલાહ પ્રમાણે આપણે શાનાથી દૂર રહેવું જોઈએ?
૧૪ આપણે દિલમાં કડવાશ કે ક્રોધ ભરી ન રાખીએ. કોઈને તોડી પાડે એવું ન બોલીએ. ઈશ્વરની શક્તિ વિરુદ્ધ ન જવા ચેતવણી આપ્યા પછી, પાઊલે લખ્યું: “સર્વ પ્રકારની કડવાશ, ક્રોધ, કોપ, ઘોંઘાટ તથા નિંદા, તેમ જ સર્વ પ્રકારની ખુન્નસ તમારામાંથી દૂર કરો.” (એફે. ૪:૩૦, ૩૧) આપણે બધા ભૂલને પાત્ર છીએ. એટલે યહોવાહને પસંદ નથી એવા વાણી-વર્તન, કે વિચારોને કાબૂમાં રાખવા ખૂબ મહેનત કરવી જોઈએ. જો આપણે ‘કોઈ પણ પ્રકારની કડવાશ, ક્રોધ કે કોપને’ કાબૂમાં નહિ રાખીએ તો, યહોવાહની શક્તિ વિરુદ્ધ જઈને તેમને દુઃખી કરીએ છીએ. કોઈએ આપણને દુઃખ પહોંચાડ્યું હોય તો, શું આપણે ખાર રાખીએ છીએ? તક મળતા જ ઈંટનો જવાબ પથ્થરથી આપીએ છીએ? સામેની વ્યક્તિ સમાધાન ઇચ્છતી હોય, માફી માગતી હોય તોપણ શું આપણે મોં ચઢાવીએ છીએ? એમ હોય તો, આપણે ઈશ્વરની શક્તિ વિરુદ્ધ જઈએ છીએ, જેનાથી યહોવાહને દુઃખ પહોંચે છે. જો આપણે બાઇબલની સલાહ પ્રત્યે બેદરકાર બનવા લાગીશું તો, એવો સ્વભાવ કેળવી બેસીશું જે યહોવાહની શક્તિ વિરુદ્ધ પાપ કરવા દોરી જાય છે. પરિણામે આપણા જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવી શકે.
૧૫. કોઈ આપણી વિરુદ્ધ કંઈક ખોટું કરે, તો આપણે શું કરવું જોઈએ?
૧૫ આપણે માયાળુ, દયાળુ અને માફ કરનાર બનવું જોઈએ. પાઊલે લખ્યું: ‘એકબીજા પ્રત્યે માયાળુ અને કરુણાળુ થાઓ, અને જેમ ખ્રિસ્તમાં ઈશ્વરે પણ તમને માફી બક્ષી તેમ તમે એકબીજાને માફ કરો.’ (એફે. ૪:૩૨) કોઈએ બહુ ખોટું લગાડ્યું હોય, હૃદયમાં ઊંડા જખમો છોડી ગયું હોય તોપણ તેમને આપણે માફ કરીએ. એમ કરીને આપણે ઈશ્વરને અનુસરીએ છીએ. (લુક ૧૧:૪) માની લો કે કોઈ ભાઈ કે બહેન આપણા વિષે કોઈ ખોટી અફવા ફેલાવે છે. એ કિસ્સામાં આપણે બાબત થાળે પાડવા સીધા એ વ્યક્તિ પાસે જઈએ. જો એ વ્યક્તિ દિલગીર થઈને માફી માગે તો તમે શું કરશો? તેમને માફ કરીશું. એનાથી પણ વધારે કંઈક કરવાની જરૂર છે. લેવીય ૧૯:૧૮માં યહોવાહ સલાહ આપતા કહે છે: “તું વૈર ન વાળ, ને તારા લોકના વંશ પર ખાર ન રાખ, જેમ પોતા પર તેમ જ તારા પડોશી પર પ્રીતિ રાખ; હું યહોવાહ છું.”
દિલથી પ્રયત્ન કરતા રહો
૧૬. દાખલો આપીને સમજાવો કે યહોવાહની શક્તિ વિરુદ્ધ ન જઈએ માટે કેવા ફેરફાર કરવા જોઈએ?
૧૬ આપણે એકલા હોઈએ ત્યારે પણ એવું કંઈક કરવાની લાલચમાં આવી જઈ શકીએ જેનાથી ઈશ્વરને દુઃખ પહોંચે છે. દાખલા તરીકે, કોઈ ભાઈ અયોગ્ય સંગીત સાંભળે છે. છેવટે તેમનું દિલ ડંખે છે, કેમ કે ‘વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકરે’ બહાર પાડેલાં પ્રકાશનોમાં આપેલી બાઇબલની સલાહ તેમણે પાળી નથી. (માથ. ૨૪:૪૫) તે આ તકલીફ વિષે પ્રાર્થના કરીને એફેસી ૪:૩૦માં નોંધેલા પાઊલના શબ્દોને યાદ કરી શકે. તે પછી દિલમાં ગાંઠ વાળે છે કે એવું કંઈ નહિ કરે જે ઈશ્વરની શક્તિ વિરુદ્ધ લઈ જાય. તે નિશ્ચય કરે છે કે હવેથી એવું કોઈ પણ અયોગ્ય સંગીત નહિ સાંભળે. ભાઈ જે પગલું ભરે છે એનાથી યહોવાહને આનંદ થાય છે અને તેના પ્રયત્નોને આશીર્વાદ આપે છે. તો ચાલો આપણે હંમેશા ધ્યાન રાખીએ, જેથી કોઈ પણ રીતે યહોવાહની શક્તિ વિરુદ્ધ ન જઈએ.
૧૭. આપણે ધ્યાન નહિ રાખીએ અને પ્રાર્થનામાં મદદ નહિ માંગીએ તો શું પરિણામ આવી શકે?
૧૭ જો આપણે ધ્યાન નહિ રાખીએ અને પ્રાર્થનામાં મદદ નહિ માગીએ તો, કોઈ ખોટી આદત કે પાપી કામનો શિકાર બની જઈશું. એનાથી તો યહોવાહની શક્તિનો નકાર કરી બેસીશું જે તેમના જેવા ગુણો કેળવવા મદદ કરે છે. યહોવાહ જે રીતે વિચારે છે અને ન્યાય કરે છે એના સુમેળમાં જ તેમની શક્તિનો ઉપયોગ કરે છે. એટલે જો ધ્યાન નહિ રાખીએ તો, આપણે તેમની શક્તિ વિરુદ્ધ જઈશું અને એનાથી તેમને ખૂબ જ દુઃખ થશે. આપણે કોઈ પણ એવું કરવા માંગતા નથી, ખરું ને? (એફે. ૪:૩૦) પહેલી સદીના યહુદી શાસ્ત્રીઓ કે ધર્મગુરુઓએ આમ કહીને ઘોર પાપ કર્યું હતું કે ‘ઈસુ તો શેતાનની મદદથી ચમત્કારો કરે છે.’ (માર્ક ૩:૨૨-૩૦ વાંચો.) એમ કહીને ઈસુના એ દુશ્મનોએ ઈશ્વરની ‘શક્તિની વિરૂદ્ધ દુર્ભાષણ’ કે નિંદા કરી હતી. આ એવું પાપ હતું, જેની કોઈ માફી નથી. આપણે એવું કંઈક કરી ન બેસીએ એનું ધ્યાન રાખીએ!
૧૮. જેની કોઈ માફી નથી એવું પાપ કર્યું છે કે નહિ એ કેવી રીતે જાણી શકીએ?
૧૮ જે પાપની કોઈ માફી જ નથી એનો આપણે વિચાર પણ કરવો નથી. યહોવાહની શક્તિ વિરુદ્ધ ન જવા વિષે પાઊલે જે સલાહ આપી હતી, એ કાયમ યાદ રાખવી જોઈએ. પણ જો આપણે કોઈ ગંભીર પાપ કરી બેઠા હોય તો શું? આપણે એનો પસ્તાવો કર્યો હોય અને વડીલોની મદદ લીધી હોય તો, એ બતાવે છે કે યહોવાહે આપણને માફી આપી છે. અને આપણે યહોવાહની શક્તિ વિરુદ્ધ પાપ કર્યું નથી. પછી યહોવાહની મદદથી આપણે ફરી વાર એવું કંઈ પણ કરવાનું ટાળીશું જે તેમની શક્તિ વિરુદ્ધ લઈ જાય.
૧૯, ૨૦. (ક) આપણે કેવી બાબતોથી દૂર રહેવું જોઈએ? (ખ) આપણે શાનો સંકલ્પ કરવો જોઈએ?
૧૯ યહોવાહ પોતાની શક્તિ દ્વારા તેમના ભક્તોમાં પ્રેમ, આનંદ અને સંપ જેવા ગુણો સિંચે છે. (ગીત. ૧૩૩:૧-૩) તેથી આપણે કોઈની પણ કૂથલી કે નિંદા કરવાથી દૂર રહેવું જોઈએ. જેઓને યહોવાહે મંડળની સંભાળ રાખવા નીમ્યા છે એ વડીલો વિષે પણ કંઈ બૂરું ન બોલીએ, કે અપમાન ન કરીએ. (પ્રે.કૃ. ૨૦:૨૮; યહુ. ૮) એના બદલે, આપણે મંડળમાં સંપ રાખવા બનતું બધું કરીએ. બીજા ભાઈ-બહેનોને કાયમ આદર આપીએ. આપણે મંડળમાં પોતાનું ગ્રૂપ ન બનાવીએ, પણ બધા સાથે હળીએ-મળીએ. પાઊલે લખ્યું: “ભાઈઓ, હું આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે તમને વિનંતી કરીને કહું છું કે તમે સર્વે એક સરખી વાત કરો, અને તમારામાં પક્ષ પડવા ન દેતાં એક જ મનના તથા એક જ મતના થઈને પૂર્ણ ઐક્ય રાખો.”—૧ કોરીં. ૧:૧૦.
૨૦ યહોવાહ આપણને મદદ કરી શકે છે અને કરવા ચાહે પણ છે, જેથી આપણે તેમની શક્તિ વિરુદ્ધ ન જઈએ. તો ચાલો આપણે યહોવાહની શક્તિ માટે પ્રાર્થના કરતા રહીએ અને સંકલ્પ કરીએ કે તેમને કોઈ પણ રીતે દુઃખ પહોંચાડીશું નહિ. ચાલો આપણે કાયમ ઈશ્વરની શક્તિની દોરવણી પ્રમાણે ચાલીએ. હમણાં અને હંમેશા તેમની શક્તિનું માર્ગદર્શન પૂરા ખંતથી શોધતા રહીએ. (w10-E 05/15)
તમે કેવો જવાબ આપશો?
• ઈશ્વરની શક્તિને દુઃખી કરવાનો શું અર્થ થાય?
• યહોવાહના ભક્ત બન્યા પછી પણ આપણાં કેવાં કામો તેમની શક્તિ વિરુદ્ધ લઈ જઈ શકે?
• આપણે કઈ રીતે યહોવાહની શક્તિ વિરુદ્ધ જવાનું ટાળી શકીએ?
[પાન ૩૦ પર ચિત્રનું મથાળું]
કોઈ તકરાર થાય તો જેમ બને એમ જલદી એને થાળે પાડો
[પાન ૩૧ પર ચિત્રનું મથાળું]
તમારું બોલવું કેવાં ફળ જેવું છે?