આત્મિક મન રાખો અને જીવો!
‘આત્મિક મન તે જીવન છે.’—રૂમી ૮:૬.
આજે પરમેશ્વરની નજરમાં શુદ્ધ અને પવિત્ર રહેવું સહેલું નથી. આજે લોકો બસ મોજમજા અને પોતાની દૈહિક ઇચ્છાને જ મહત્ત્વ આપતા હોય છે. તેમ છતાં, શાસ્ત્રવચનો “દૈહિક” અને “આત્મિક” વચ્ચેનો સ્પષ્ટ તફાવત બતાવે છે. એક વ્યક્તિ પોતાની દૈહિક ઇચ્છાઓ પ્રમાણે જીવીને દુઃખ વહોરી લઈ શકે અથવા પરમેશ્વરના પવિત્ર આત્મા પ્રમાણે જીવીને આશીર્વાદો મેળવી શકે છે.
૨ દાખલા તરીકે, ઈસુએ કહ્યું: “જે જીવાડે છે તે આત્મા છે; માંસથી કંઈ લાભ થતો નથી. જે વાતો મેં તમને કહી છે, તે આત્મા તથા જીવન છે.” (યોહાન ૬:૬૩) ગલાતી મંડળના ખ્રિસ્તીઓને પ્રેષિત પાઊલે લખ્યું: “દેહ આત્માની વિરૂદ્ધ ઇચ્છા કરે છે, અને આત્મા દેહની વિરૂદ્ધ; કેમકે તેઓ પરસ્પર વિરૂદ્ધ છે.” (ગલાતી ૫:૧૭) પાઊલે એમ પણ કહ્યું: “જે પોતાના દેહને અર્થે વાવે તે દેહથી વિનાશ લણશે; પણ જે આત્માને અર્થે વાવે તે આત્માથી અનંતજીવન લણશે.”—ગલાતી ૬:૮.
૩ યહોવાહનો પવિત્ર આત્મા ‘દૈહિક વિષયો [ઇચ્છાઓ]ને’ જડમૂળથી દૂર કરી શકે અને આપણા પાપી દેહને એના કાબૂમાં આવતા રોકી શકે છે. (૧ પીતર ૨:૧૧) ખોટી ઇચ્છાઓના પંજામાંથી છૂટવા માટે, આપણને યહોવાહના પવિત્ર આત્માની મદદ જરૂરી છે. એ માટે પાઊલે લખ્યું: “દૈહિક મન તે મરણ છે; પણ આત્મિક મન તે જીવન તથા શાંતિ છે.” (રૂમી ૮:૬) આત્મિક મનનો શું અર્થ થાય છે?
“આત્મિક મન”
૪ પાઊલે “આત્મિક મન” વિષે લખ્યું ત્યારે, તેમણે ગ્રીક શબ્દનો ઉપયોગ કર્યો જેનો અર્થ થાય છે, “વિચાર, વલણ, . . . ધ્યેય, ઇચ્છાઓ, પ્રયત્ન.” એને લગતા એક ક્રિયાપદનો અર્થ, “વિચારવું, અમુક રીતે બાબતો કરવા મક્કમ હોવું” થાય છે. આમ, આત્મિક મન રાખવાનો અર્થ, યહોવાહના પવિત્ર આત્માની દોરવણી હેઠળ ચાલવું, એની પ્રેરણા પ્રમાણે જીવવું થાય છે. એ બતાવે છે કે આપણે આપણા વિચારો, ઇચ્છાઓ, અરે આખું જીવન પરમેશ્વરના પવિત્ર આત્માના માર્ગદર્શન હેઠળ સ્વેચ્છાએ લાવીએ.
૫ આપણે કેટલી હદ સુધી પવિત્ર આત્માને આધીન રહેવું જોઈએ, એના પર ભાર મૂકતા પ્રેષિત પાઊલે ‘આત્મા પ્રમાણે સેવા કરવાનું’ કહ્યું. (રૂમી ૭:૬) ખ્રિસ્તીઓએ ઈસુના ખંડણી બલિદાનમાં વિશ્વાસ મૂક્યો હોવાથી, તેઓને પાપના બંધનમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. તેથી, તેઓ પાપના સંબંધમાં “મૂએલા” છે. (રૂમી ૬:૨, ૧૧) જોકે, તેઓ શારીરિક રીતે હજુ પણ જીવંત છે અને હવે ખ્રિસ્તના “ન્યાયીપણાના દાસ” બનવા મુક્ત છે.—રૂમી ૬:૧૮-૨૦.
અસરકારક ફેરફારો
૬ ‘પાપના દાસત્વમાંથી’ “ન્યાયીપણાના દાસ” તરીકે પરમેશ્વરની સેવા આપવા મોટા મોટા અસરકારક ફેરફારો કરવા પડે છે. આ પ્રકારના ફેરફારો કરનારાઓ વિષે પાઊલે લખ્યું: “તમે પ્રભુ ઈસુને નામે તથા આપણા દેવના આત્માથી શુદ્ધ થયા, અને પવિત્રીકરણ તથા ન્યાયીકરણ પામ્યા.”—રૂમી ૬:૧૭, ૧૮; ૧ કોરીંથી ૬:૧૧.
૭ પરંતુ આ પ્રકારના અસરકારક ફેરફારો લાવવા માટે, આપણે સૌ પ્રથમ યહોવાહની નજરે બાબતો જોતા શીખવાની જરૂર છે. સદીઓ અગાઉ, ગીતશાસ્ત્રના લેખક દાઊદે પરમેશ્વરને વારંવાર પ્રાર્થના કરી કે, “હે યહોવાહ, તારા માર્ગ મને બતાવ, . . . તારા સત્યમાં મને ચલાવ, અને તે મને શીખવ.” (ગીતશાસ્ત્ર ૨૫:૪, ૫) યહોવાહે દાઊદની પ્રાર્થના સાંભળી અને તે આજે તેમના સેવકોની પ્રાર્થનાનો પણ જવાબ આપી શકે છે. પરમેશ્વરના માર્ગો સત્ય, શુદ્ધ અને પવિત્ર છે. તેથી આપણે અશુદ્ધ દૈહિક ઇચ્છાઓથી લલચાઈએ તો, એના પર મનન કરવાથી મદદ મળશે.
બાઇબલ કઈ રીતે મદદ કરે છે
૮ પરમેશ્વરનો શબ્દ, બાઇબલ પવિત્ર આત્માની પ્રેરણાથી લખવામાં આવ્યું છે. તેથી પવિત્ર આત્માના માર્ગદર્શન પ્રમાણે ચાલવા, શક્ય હોય તો દરરોજ બાઇબલ વાંચીને એનો ઊંડો અભ્યાસ કરીએ એ ખૂબ જ જરૂરી છે. (૧ કોરીંથી ૨:૧૦, ૧૧; એફેસી ૫:૧૮) બાઇબલનું સત્ય અને એના સિદ્ધાંતો આપણાં મન અને હૃદયમાં ઊતારવાથી, આપણી આત્મિકતા પર આવતા હુમલાઓમાં ટકી રહેવા મદદ મળશે. અનૈતિકતાની લાલચ ઊભી થાય ત્યારે, પરમેશ્વરનો પવિત્ર આત્મા આપણને શાસ્ત્રવચનો અને સિદ્ધાંતો યાદ કરાવશે. એનાથી પરમેશ્વરની ઇચ્છા પ્રમાણે કરવાનો આપણો નિર્ણય વધારે દૃઢ બનશે. (ગીતશાસ્ત્ર ૧૧૯:૧, ૨, ૯૯; યોહાન ૧૪:૨૬) આમ, આપણને પાપ કરવા કોઈ ભુલાવશે નહિ.—૨ કોરીંથી ૧૧:૩.
૯ આપણે બાઇબલ આધારિત પ્રકાશનોની મદદથી, પૂરી મહેનત અને ખંતથી બાઇબલનો અભ્યાસ કરીએ તેમ, પરમેશ્વરનો પવિત્ર આત્મા આપણા મન અને હૃદય પર સારી અસર પાડે છે. આમ, યહોવાહનાં ધોરણો માટે આપણું માન વધતું જ જાય છે. પરમેશ્વરની ભક્તિ આપણા જીવનમાં સૌથી મહત્ત્વની બને છે. લાલચોનો સામનો કરીએ છીએ ત્યારે, ખોટી બાબતો કરવામાં કેવી મઝા આવી શકે, એવો વિચાર સુદ્ધાં મનમાં આવતો નથી. એને બદલે, આપણે પરમેશ્વર યહોવાહને કઈ રીતે વફાદાર રહીશું, એ પ્રથમ વિચારવા લાગીએ છીએ. તેમના માટેનો ઊંડો પ્રેમ આપણને એવી દરેક ઇચ્છા વિરુદ્ધ લડત આપવા પ્રેરણા આપે છે, જે આપણી ભક્તિમાં આડે આવતી હોય.
“હું તારા નિયમ પર કેટલો બધો પ્રેમ રાખું છું!”
૧૦ આપણે આત્મિક મન રાખવું હોય તો, ફક્ત બાઇબલનું જ્ઞાન લેવું જ પૂરતું નથી. રાજા સુલેમાનને યહોવાહનાં ધોરણો વિષે ઊંડું જ્ઞાન હતું. પરંતુ, તે પોતાના ઘડપણમાં એ રીતે જીવ્યા નહિ. (૧ રાજા ૪:૨૯, ૩૦; ૧૧:૧-૬) આપણે આત્મિક મન રાખતા હોઈએ તો, બાઇબલ શું કહે છે એ જ જાણવાની જરૂર નથી. પરંતુ, પરમેશ્વરના નિયમોને હૃદયથી વળગી રહેવાની પણ જરૂર છે. એનો અર્થ એ થાય કે પરમેશ્વરનાં ધોરણોને અંતઃકરણથી તપાસીને, એ પ્રમાણે ચાલવાનો પૂરેપૂરો પ્રયત્ન કરવો. ગીતશાસ્ત્રના લેખક પણ આવું જ વલણ ધરાવતા હતા. તેમણે લખ્યું: “હું તારા નિયમ પર કેટલો બધો પ્રેમ રાખું છું! આખો દિવસ તેનું જ મનન કરૂં છું.” (ગીતશાસ્ત્ર ૧૧૯:૯૭) આપણે ખરેખર પરમેશ્વરના નિયમોને અનુસરવા માંગતા હોઈશું તો, આપણે તેમના ગુણો બતાવવા પ્રેરાઈશું. (એફેસી ૫:૧, ૨) બિચારા બની ખોટી બાબતો કરવા લલચાવાને બદલે, આપણે પવિત્ર આત્માનાં ફળ બતાવીએ અને યહોવાહને ખુશ કરવા મહેનત કરીએ. એમ કરીશું તો તે આપણને “દેહનાં કામ” કરવાથી દૂર રાખશે.—ગલાતી ૫:૧૬, ૧૯-૨૩; ગીતશાસ્ત્ર ૧૫:૧, ૨.
૧૧ આપણે કઈ રીતે યહોવાહના નિયમો માટે ઊંડું માન અને પ્રેમ કેળવી શકીએ? એક રીત છે, એ કેટલા મૂલ્યવાન છે એના પર મનન કરો. ફક્ત લગ્ન કર્યા પછી જ જાતીય સંબંધ રાખવા અને વ્યભિચારથી દૂર રહેવા વિષે પરમેશ્વરે આપેલા નિયમનો વિચાર કરો. (હેબ્રી ૧૩:૪) શું આ નિયમને આધીન રહેવાથી, આપણે કોઈક આનંદ ગુમાવીએ છીએ? આપણને લાભદાયી હોય, એવી બાબતોથી શું પ્રેમાળ પરમેશ્વર આપણને દૂર રાખશે? ના, બિલકુલ નહિ! પરમેશ્વરે આપેલાં નૈતિક ધોરણો પ્રમાણે જીવતા નથી તેઓના હાલ કેવા થાય છે એનો વિચાર કરો. એનાથી બિનજરૂરી ગર્ભ રહેવો, ગર્ભપાત કે પછી દુઃખી લગ્નજીવન જેવા પરિણામો આવે છે. ઘણાએ લગ્નસાથી વગર પોતાનાં બાળકો ઉછેરવા પડે છે. વધુમાં, વ્યભિચાર કરનારાને જાતીયતાથી ફેલાતા રોગનો હંમેશા ભય રહેલો હોય છે. (૧ કોરીંથી ૬:૧૮) વળી, જો પરમેશ્વરનો સેવક વ્યભિચાર કરે તો એની ઘણી ખરાબ અસરો પડી શકે છે. ગુનાની લાગણી દબાવવાનો પ્રયત્ન કરવાથી, રાતની ઊંઘ ઊડી જાય છે અને મનદુઃખનો તો પાર જ રહેતો નથી. (ગીતશાસ્ત્ર ૩૨:૩, ૪; ૫૧:૩) તો પછી, શું એ દેખીતું નથી કે વ્યભિચાર વિષેનો યહોવાહનો નિયમ આપણું રક્ષણ કરવા માટે છે? ખરેખર, નૈતિક રીતે શુદ્ધ રહેવાના ઘણા લાભો છે!
મદદ માટે યહોવાહને પ્રાર્થના કરો
૧૨ આત્મિક મન રાખવા માટે હૃદયપૂર્વકની પ્રાર્થના ખૂબ જ જરૂરી છે. પરમેશ્વરના પવિત્ર આત્મા માટે મદદ માંગવી ખરેખર યોગ્ય છે, કેમ કે ઈસુએ કહ્યું: “માટે જો તમે . . . સારાં દાન આપી જાણો છો, તો આકાશમાંના બાપની પાસેથી જેઓ માગે, તેમને તે પવિત્ર આત્મા આપશે, તે કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે?” (લુક ૧૧:૧૩) પ્રાર્થનામાં આપણે જણાવી શકીએ કે, નબળાઈઓ સામે લડવા આપણે પવિત્ર આત્મા પર કેટલા બધા આધારિત છીએ. (રૂમી ૮:૨૬, ૨૭) જો આપણને એવું લાગે કે પાપી ઇચ્છાઓ અને વલણ આપણને અસર કરી રહ્યાં છે, અથવા કોઈ પ્રેમાળ ભાઈ-બહેન એ આપણા ધ્યાન પર લાવે તો, આપણી પ્રાર્થનામાં એ સમસ્યાનો ખાસ ઉલ્લેખ કરીને એના પર કાબુ મેળવવા મદદ માંગવી ડહાપણભર્યું છે.
૧૩ યહોવાહ આપણને ન્યાયી, શુદ્ધ, સદ્ગુણ અને પ્રશંસાની વાતો પર મનન કરવા મદદ કરી શકે છે. તેથી “દેવની શાંતિ” જે આપણાં હૃદય અને મનની સંભાળ રાખે છે, એ માટે તેમને કાલાવાલા કરવા કેટલું જરૂરી છે. (ફિલિપી ૪:૬-૮) ચાલો આપણે ‘ન્યાયીપણું, ભક્તિભાવ, વિશ્વાસ, પ્રેમ, ધીરજ તથા નમ્રતાનું અનુસરણ’ કરવા મદદ મળે એ માટે યહોવાહને પ્રાર્થના કરીએ. (૧ તીમોથી ૬:૧૧-૧૪) આપણા પ્રેમાળ પરમેશ્વરની મદદથી, આપણે ચિંતાઓ અને લાલચોનો સફળતાથી સામનો કરી શકીશું. આમ, આપણું જીવન પરમેશ્વરની શાંતિથી ભરાઈ જશે.
પવિત્ર આત્માને ખિન્ન ન કરો
૧૪ યહોવાહના સેવકો પાઊલની આ સલાહ પોતે લાગુ પાડે છે: “આત્માને ન હોલવો.” (૧ થેસ્સાલોનીકી ૫:૧૯) પરમેશ્વરનો આત્મા “પવિત્ર આત્મા” હોવાથી, એ શુદ્ધ, નિર્મળ અને પવિત્ર છે. (રૂમી ૧:૪) આપણને મદદ કરે છે ત્યારે પણ એ પવિત્રતા અને શુદ્ધતા માટેનું બળ છે. એ પરમેશ્વરની આજ્ઞાઓ પાળીને આજ્ઞાધીન રહેવાથી તેમને ખુશ કરીએ એવું શુદ્ધ જીવન જીવવા આપણને મદદ કરે છે. (૧ પીતર ૧:૧) કોઈ પણ પ્રકારનું અશુદ્ધ વર્તન પવિત્ર આત્માનું અપમાન કરે છે, જેના વિનાશક પરિણામો આવી શકે છે. કઈ રીતે?
૧૫ પાઊલે લખ્યું: “ઉદ્ધારના દહાડાને સારૂ તમને મુદ્રાંકિત કરનાર દેવના પવિત્ર આત્માને તમે ખિન્ન ન કરો.” (એફેસી ૪:૩૦) બાઇબલ યહોવાહના આત્માને મુદ્રાંકિત કરનાર, અથવા વિશ્વાસુ અભિષિક્ત ખ્રિસ્તીઓ માટે “બ્યાનું” આપનાર તરીકે ઓળખાવે છે. એ સ્વર્ગના જીવનનું અમરપણું છે. (૨ કોરીંથી ૧:૨૨; ૧ કોરીંથી ૧૫:૫૦-૫૭; પ્રકટીકરણ ૨:૧૦) પરમેશ્વરનો આત્મા અભિષિક્ત જનોને અને પૃથ્વી પર જીવવાની આશા રાખતા સેવકોને શુદ્ધ જીવન જીવવા અને પાપથી દૂર રહેવામાં મદદ કરે છે.
૧૬ પ્રેષિત પાઊલે જૂઠું બોલનાર, ચોરી અને એવા બીજાં ખરાબ કાર્યો કરનારા વિરુદ્ધ ચેતવણી આપી. આપણે એવું વલણ રાખતા હોઈએ તો, બાઇબલમાં આપવામાં આવેલી આત્માથી પ્રેરિત સલાહની વિરુદ્ધ જઈએ છીએ. (એફેસી ૪:૧૭-૨૯; ૫:૧-૫) એમ કરીને આપણે પરમેશ્વરના આત્માને ખિન્ન કરીશું, જે આપણે ખરેખર કરવા માંગતા નથી. એ માટે જો આપણે કોઈ પણ બાઇબલની સલાહ અવગણવાનું શરૂ કરીશું તો, આપણે એવું વલણ કેળવવાનું શરૂ કરી શકીએ, જે જાણીજોઈને પાપ કરવા તરફ દોરી જાય. છેવટે આપણે પરમેશ્વરની કૃપા ગુમાવી બેસીશું. (હેબ્રી ૬:૪-૬) ભલે આપણે હમણાં પાપ કરતા ન હોય, પણ આપણે એ જ માર્ગે જતા હોઈ શકીએ. સતત પવિત્ર આત્માની વિરુદ્ધ જઈને આપણે એને ખિન્ન કરી શકીએ છીએ. તેમ જ, આપણે પવિત્ર આત્મા આપનાર યહોવાહની વિરુદ્ધ પણ જતા હોઈ શકીએ. પરમેશ્વરને ચાહનારા તરીકે આપણે કદી એમ કરવા ચાહતા નથી. એને બદલે, આપણે યહોવાહની મદદ માટે પ્રાર્થના કરીએ. જેથી, આપણે તેમના આત્માને ખિન્ન ન કરીએ, પણ તેમના પવિત્ર નામને માન આપીને આત્મિક મન રાખી શકીએ.
આત્મિક મન રાખો
૧૭ આપણે આત્મિક ધ્યેયો રાખીને એ હાંસલ કરવા મહેનત કરીને આત્મિક મન જાળવી રાખીએ છીએ. આપણી જરૂરિયાતો અને સંજોગોને ધ્યાનમાં રાખીને આપણે જુદા જુદા ધ્યેયો રાખી શકીએ. જેમ કે, વ્યક્તિગત અભ્યાસમાં સુધારો કરી શકીએ, પ્રચાર કાર્યમાં વધારે ભાગ લઈએ, અથવા ખાસ પાયોનિયર, બેથેલ સેવા કે મિશનરિ કાર્ય જેવા પૂરા સમયની સેવા કરવાના લહાવા મેળવવાનો પ્રયત્ન કરી શકીએ. આ બધી બાબતો આપણા મનને આત્મિક બાબતોથી ભરી દેશે. વળી એ આપણી નબળાઈઓનો સામનો કરવામાં મદદ કરે છે. એ ઉપરાંત, જગતના લોકો માટે સામાન્ય એવા ભૌતિકવાદના ધ્યેયોમાં અને બાઇબલ વિરુદ્ધની ઇચ્છાઓમાં ફસાઈ જતા બચાવે છે. તેથી, આત્મિક ધ્યેયો સુધી પહોંચવા મહેનત કરવી એ ખરેખર ડહાપણનો માર્ગ છે. તેથી જ, ઈસુએ વિનંતી કરી કે, “પૃથ્વી પર પોતાને સારૂ દ્રવ્ય એકઠું ન કરો, જ્યાં કીડા તથા કાટ નાશ કરે છે, ને જ્યાં ચોરો ખાતર પાડીને ચોરી જાય છે. પણ તમે પોતાને સારૂ આકાશમાં દ્રવ્ય એકઠું કરો, જ્યાં કીડા અથવા કાટ નાશ નથી કરતા, ને જ્યાં ચોરો ખાતર પાડીને ચોરી જતા નથી. કેમકે જ્યાં તમારૂં દ્રવ્ય છે ત્યાં જ તમારૂં ચિત્ત પણ રહેશે.”—માત્થી ૬:૧૯-૨૧.
૧૮ આ “છેલ્લા સમયમાં” આત્મિક મન રાખવું અને દુન્યવી ઇચ્છાઓને દબાવી દેવી એ ખરેખર ડહાપણનો માર્ગ છે. (૨ તીમોથી ૩:૧-૫) આખરે તો, ‘જગત તથા તેની લાલસા જતાં રહેવાના છે; પણ જે દેવની ઇચ્છા પૂર્ણ કરે છે તે સદા રહેશે.’ (૧ યોહાન ૨:૧૫-૧૭) દાખલા તરીકે, જો કોઈ યુવાન ખ્રિસ્તી પૂરા સમયની સેવાનો ધ્યેય રાખે તો, તરુણાવસ્થાના પડકારમય સમયોમાં એ તેના માટે માર્ગદર્શક બનશે. લાલચ આવે ત્યારે, આ પ્રકારની વ્યક્તિઓના મનમાં એ સ્પષ્ટ હશે કે તેઓ યહોવાહની સેવામાં શું કરવા ઇચ્છે છે. આ પ્રકારની આત્મિક વ્યક્તિ ભૌતિક બાબતો મેળવવા કે પાપથી મળતા કોઈ પણ પ્રકારના આનંદ માટે આત્મિક ધ્યેયોનો ભોગ આપવાને મૂર્ખામી ગણશે. યાદ રાખો કે આત્મિક રીતે સજાગ મુસાએ ‘પાપનું ક્ષણિક સુખ ભોગવવા કરતાં દેવના લોકોની સાથે દુઃખ ભોગવવાનું વિશેષ પસંદ કર્યું.’ (હેબ્રી ૧૧:૨૪, ૨૫) દરેક વ્યક્તિ, શરીરના પાપમાં પડવા કરતાં આત્મિક મન રાખીને મુસાના જેવી પસંદગી કરી શકે.
૧૯ “દૈહિક મન તે દેવ પર વૈર છે,” જ્યારે “આત્મિક મન તે જીવન તથા શાંતિ છે.” (રૂમી ૮:૬, ૭) આત્મિક મન રાખીને આપણે ભરપૂર શાંતિનો અનુભવ કરી શકીશું. આપણાં હૃદય અને વિચારોને આપણી પાપી અવસ્થાની અસરથી બચાવી શકીશું. આપણે ખરાબ કાર્યમાં સંડોવવાની લાલચનો પણ સામનો કરી શકીશું. આમ, આપણે શરીર અને આત્મા વચ્ચેની સતત લડતનો સામનો કરવા માટે પરમેશ્વરની મદદ મેળવી શકીશું.
૨૦ આત્મિક મન રાખવાથી, આપણે જીવન અને પવિત્ર આત્મા આપનાર, યહોવાહ સાથે સારો સંબંધ જાળવી શકીશું. (ગીતશાસ્ત્ર ૩૬:૯; ૫૧:૧૧) શેતાન ડેવિલ અને તેના અપદૂતો આપણો યહોવાહ પરમેશ્વર સાથેનો સંબંધ તોડવા આકાશ પાતાળ એક કરી રહ્યા છે. તેઓ આપણાં મનોને પોતાના કાબૂમાં કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. કેમ કે તેઓ જાણે છે કે આપણે થાકી જઈશું તો, છેવટે એ પરમેશ્વર સાથેના વેરમાં પરિણમીને મરણ તરફ દોરી જશે. પરંતુ આપણે આ દેહ અને આત્મા વચ્ચેની લડાઈનો સફળતાપૂર્વક સામનો કરી શકીએ છીએ. પાઊલે પણ એ લડાઈ જીતી હતી, તેથી તેમણે પોતાની લડાઈ વિષે લખતાં પહેલાં પૂછ્યું: “મને આ મરણના શરીરથી કોણ મુક્ત કરશે?” ત્યાર પછી, છુટકારો શક્ય છે એ બતાવતા તેમણે કહ્યું, “આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે હું દેવની ઉપકારસ્તુતિ કરૂં છું.” (રૂમી ૭:૨૧-૨૫) માનવ નબળાઈઓનો સામનો કરવા અને અનંતજીવનની અદ્ભુત આશાથી આત્મિક મન જાળવી રાખવા પરમેશ્વર જે મદદ પૂરી પાડે છે એ માટે, આપણે પણ ખ્રિસ્ત દ્વારા તેમનો આભાર માની શકીએ.—રૂમી ૬:૨૩.
શું તમને યાદ છે?
• આત્મિક મન રાખવાનો શું અર્થ થાય છે?
• આપણે કઈ રીતે યહોવાહના આત્માને આપણા પર કામ કરવા દઈ શકીએ?
• આપણી પાપ વિરુદ્ધની લડાઈ માટે બાઇબલ અભ્યાસ કરવો, યહોવાહના નિયમોને આધીન રહેવું અને પ્રાર્થના કરવી કેમ મહત્ત્વની છે, એ સમજાવો.
• આત્મિક ધ્યેયો કઈ રીતે આપણને જીવનના માર્ગમાં ચાલતા રહેવા મદદ કરશે?
[અભ્યાસ પ્રશ્નો]
૧, ૨. બાઇબલ “દૈહિક” અને “આત્મિક” વચ્ચે કયો તફાવત બતાવે છે?
૩. ખોટી ઇચ્છાઓના પંજામાંથી છૂટવા શાની જરૂર છે?
૪. “આત્મિક મન” રાખવાનો શું અર્થ થાય છે?
૫. આપણે કેટલી હદે પવિત્ર આત્માને આધીન રહેવું જોઈએ?
૬. “ન્યાયીપણાના દાસ” બનનારાઓએ કયા મોટા મોટા ફેરફારો કર્યા?
૭. યહોવાહની નજરે બાબતો જોવી શા માટે મહત્ત્વની છે?
૮. આપણે બાઇબલનો ઊંડો અભ્યાસ કરીએ એ શા માટે મહત્ત્વનું છે?
૯. યહોવાહ માટેનો આપણો પ્રેમ વધતો જાય એ માટે બાઇબલ અભ્યાસ કેવી રીતે મદદ કરે છે?
૧૦. આત્મિક મન રાખવા શા માટે યહોવાહના નિયમો પાળવા જોઈએ?
૧૧. વ્યભિચાર વિષેનો યહોવાહનો નિયમ કઈ રીતે આપણું રક્ષણ કરે છે?
૧૨, ૧૩. આપણી પાપી ઇચ્છાઓ આંબવા મદદ મેળવવા શા માટે કાલાવાલા કરવા જોઈએ?
૧૪. પરમેશ્વરનો પવિત્ર આત્મા કઈ રીતે શુદ્ધ રહેવા બળ આપે છે?
૧૫, ૧૬. (ક) આપણે કેવી રીતે પરમેશ્વરના આત્માને ખિન્ન કરી શકીએ? (ખ) આપણે કઈ રીતે યહોવાહના આત્માને ખિન્ન કરવાનું ટાળી શકીએ?
૧૭. આપણે કેવા આત્મિક ધ્યેયો બેસાડવા જોઈએ, અને એને પહોંચી વળવા મહેનત કરવી શા માટે ડહાપણભર્યું છે?
૧૮. આ છેલ્લા સમયોમાં આત્મિક મન રાખવું શા માટે મહત્ત્વનું છે?
૧૯. આપણે આત્મિક મન રાખીને કયા લાભો મેળવી શકીશું?
૨૦. આપણે શા માટે ખાતરી રાખી શકીએ કે શરીર અને આત્મા વચ્ચેની લડાઈનો સફળતાપૂર્વક સામનો કરવો શક્ય છે?
[પાન ૧૬ પર ચિત્ર]
બાઇબલ અભ્યાસ આપણને આપણી આત્મિકતા પર થતા હુમલાનો સામનો કરવા મદદ કરે છે
[પાન ૧૭ પર ચિત્ર]
આપણી દૈહિક ઇચ્છાઓને આંબવા માટે યહોવાહની મદદ માંગવી યોગ્ય છે
[પાન ૧૮ પર ચિત્રો]
આત્મિક ધ્યેયો આપણને આત્મિક મન રાખવા મદદ કરી શકે