બાઇબલ શું કહે છે
લગ્નજીવનમાં પતિને સોંપાયેલી જવાબદારી
ઘણા દેશોમાં લગ્નવિધિ વખતે દુલ્હન સોગન લે છે કે તે પતિને પરમેશ્વર માનશે. ઘણી સ્ત્રીઓ આમ પણ કહે છે કે ‘પતિ કોણ કે મારે તેને આધીન રહેવું જોઈએ!’ ચાલો જોઈએ કે બાઇબલ આના વિષે શું કહે છે.
પતિને કુટુંબની જવાબદારી સોંપાઈ છે
બાઇબલમાં એફેસી ૫:૨૨-૨૪ કહે છે: ‘પત્નીઓ, જેમ પ્રભુને તેમ પોતાના પતિઓને આધીન રહો. કેમ કે જેમ ખ્રિસ્ત મંડળીનું શિર છે, તેમ પતિ પત્નીનું શિર છે. જેમ મંડળી ખ્રિસ્તને આધીન છે, તેમ પત્નીઓએ સર્વ બાબતમાં પોતાના પતિઓને આધીન રહેવું.’ ‘પત્નીના શિર’ તરીકે પતિ કુટુંબની જવાબદારી લે છે. એમાં પત્નીએ પતિને માન અને સાથ આપવા જોઈએ.—એફેસી ૫:૩૩.
એનો અર્થ એવો પણ નથી કે કુટુંબમાં પતિનું જ રાજ ચાલે. પતિએ પણ ઈશ્વરના નિયમો પાળવાના છે. ઈસુને પગલે ચાલવાનું છે. તેણે એવું કશું ન કરવું જોઈએ, જેનાથી પત્નીએ યહોવાહનો નિયમ તોડવો પડે. એમ થશે તો પત્નીનું દિલ ડંખશે. આ રીતે ઈશ્વરે કુટુંબની જવાબદારી પતિને સોંપી છે. તેણે સમજી-વિચારીને કુટુંબ માટે મહત્ત્વના નિર્ણયો લેવાના છે.—રૂમી ૭:૨; ૧ કોરીંથી ૧૧:૩.
બાઇબલ આજ્ઞા આપે છે કે પતિએ પ્રેમથી કોઈ પણ સ્વાર્થ વગર પત્ની અને કુટુંબની સંભાળ રાખવી જોઈએ. એફેસી ૫:૨૫ કહે છે: “પતિઓ, જેમ ખ્રિસ્તે મંડળી પર પ્રેમ રાખ્યો, અને તેની ખાતર પોતાનું સ્વાર્પણ કર્યું. તેમ તમે પોતાની પત્નીઓ પર પ્રેમ રાખો.” જો પતિ ખ્રિસ્તને અનુસરશે, તો તે પ્રેમથી જવાબદારી નિભાવશે.
બાઇબલ એ પણ કહે છે કે પતિએ પત્ની સાથે “સમજણપૂર્વક” રહેવું જોઈએ. (૧ પીતર ૩:૭) આનો અર્થ એ નથી કે તે ફક્ત એટલું જ સમજે કે સ્ત્રી-પુરુષમાં કેવો તફાવત છે. પણ તેણે એ પણ સમજતા શીખવાનું છે કે તેની પત્નીના દિલમાં શું છે. તેની લાગણીઓ પણ સારી રીતે સમજવાની જરૂર છે.
એ ‘તારી પત્ની’ છે
જો પતિ શિર હોય, તો શું એનો અર્થ એ થાય કે પત્ની બસ દાસ જ છે? જરાય નહિ. સારાહનો દાખલો લો. બાઇબલ કહે છે કે તેણે તેના પતિ ઈબ્રાહીમને પૂરું માન આપ્યું. (૧ પીતર ૩:૫, ૬) નાની-મોટી બાબતમાં તેણે પતિનું કહેવું માન્યું. જ્યારે ઈબ્રાહીમે કહ્યું કે તેઓને સારું ઘર છોડીને તંબૂમાં રહેવું પડશે, ત્યારે સારાહે તરત જ તેનું કહેવું માની લીધું. બીજી વાર ઈબ્રાહીમે તેને છેલ્લી ઘડીએ મહેમાન માટે ભોજન તૈયાર કરવાનું કહ્યું, ત્યારે તેણે રાજી-ખુશીથી એ કર્યું. (ઉત્પત્તિ ૧૨:૫-૯; ૧૮:૬) પણ કુટુંબમાં એક મુશ્કેલી ઊભી થઈ ત્યારે, તેણે અનેક વાર ઈબ્રાહીમને તેના દિલની વાત કહી. તેણે ઈબ્રાહીમને અરજ કરી કે તેની ઉપપત્ની હાગાર અને તેના દીકરા ઈશ્માએલને બીજે ક્યાંક રહેવા કહે. પણ ઈબ્રાહીમને એ ગમ્યું નહિ. આ કિસ્સામાં યહોવાહે પોતે ઈબ્રાહીમને કહ્યું: “જે સર્વ સારાહે તને કહ્યું છે, તેમાં તેનું સાંભળ.” આ બનાવમાં, સારાહે બળજબરીથી હાગાર અને ઈશ્માએલને ઘરમાંથી બહાર કઢાવ્યા નહિ. તે હંમેશાં ઈબ્રાહીમને આધીન રહી.—ઉત્પત્તિ ૨૧:૮-૧૪.
સારાહનો દાખલો બતાવે છે કે પત્ની એક દાસી નહિ, પણ પતિની જીવનસાથી છે. તેથી પત્નીને પણ માન મળવું જોઈએ. (માલાખી ૨:૧૪) જીવનસાથી તરીકે, તે કોઈ પણ નિર્ણયોમાં પોતાના વિચારો જણાવી શકે. ઘરમાં અનેક જવાબદારીઓ પણ ઉપાડી શકે. ઘણા કિસ્સામાં પત્ની કુટુંબની જરૂરિયાતોની સંભાળ રાખે છે. આ બધી જવાબદારી હોવા છતાં, તે સમજે છે કે આખરી નિર્ણય લેવાનો હક્ક ફક્ત પતિનો છે.—નીતિવચનો ૩૧:૧૦-૩૧; ૧ તીમોથી ૫:૧૪.
યહોવાહની ગોઠવણને માન આપો
યહોવાહે સ્ત્રી-પુરુષને બનાવ્યા છે. તેમણે પોતે લગ્નની ગોઠવણ કરી છે. (ઉત્પત્તિ ૨:૧૮-૨૪) તેથી યહોવાહ સિવાય કોઈ કહી શકતું નથી કે લગ્નજીવન સુખી બનાવવા પતિ-પત્નીએ શું કરવું જોઈએ.—પુનર્નિયમ ૨૪:૫; નીતિવચનો ૫:૧૮.
પ્રથમ લગ્નબંધન યહોવાહે બાંધ્યું હતું. લગ્નજીવનમાં તેમનાં ધોરણોને વળગી રહેવું ખૂબ મહત્ત્વનું છે. તેથી પતિ-પત્નીએ યહોવાહની ગોઠવણ સ્વીકારવી જોઈએ. દિલથી માનવી જોઈએ. જો તેઓ યહોવાહ કહે એ મુજબ પોતાની જવાબદારી નિભાવશે, તો શું પરિણમશે? તેઓને યહોવાહનો સાથ અને આશીર્વાદ મળશે. (g 1/08)
શું તમે કદી વિચાર્યું છે?
▪ પતિ માટે સૌથી સારો દાખલો કોનો છે?—એફેસી ૫:૨૫.
▪ શું પતિના હક્કો મર્યાદિત છે?—૧ કોરીંથી ૧૧:૩.
▪ ઈશ્વરે શા માટે લગ્નજીવનમાં પતિને કુટુંબની જવાબદારી સોંપી?—નીતિવચનો ૫:૧૮.
[Picture on page 28]
જો પતિ ઈસુની જેમ જવાબદારી ઉપાડશે તો કુટુંબ સુખી થશે