પવિત્ર શક્તિ પોતે આપણા હૃદયોમાં સાક્ષી પૂરે છે
‘પવિત્ર શક્તિ પોતે આપણા હૃદયોમાં સાક્ષી પૂરે છે કે આપણે ઈશ્વરનાં બાળકો છીએ.’—રોમ. ૮:૧૬, NW.
૧-૩. કયા બનાવોએ પેન્તેકોસ્તને એક ખાસ દિવસ બનાવ્યો? એ બનાવોએ શાસ્ત્રવચનોમાં આપેલી કઈ ભવિષ્યવાણી પૂરી કરી હતી? (શરૂઆતનું ચિત્ર જુઓ.)
યરુશાલેમમાં એ રવિવારની સવાર હતી. એ દિવસ બહુ ખાસ અને રોમાંચક હતો. લોકો પેન્તેકોસ્તનું પર્વ ઊજવી રહ્યા હતા, જે એક પવિત્ર પર્વ ગણાતું હતું. એ પર્વ ઘઉંની કાપણી શરૂ કરવાના સમયે ઊજવવામાં આવતું. એ સવારે મંદિરમાં પ્રમુખ યાજકે નિયમ પ્રમાણેનાં અર્પણો ચઢાવ્યાં. પછી, નવ વાગ્યાની આસપાસ યાજકે ખમીરવાળી બે રોટલીઓ અર્પણ કરી. એ રોટલીઓને ઘઉંના પ્રથમ પાક અથવા કાપણીના પ્રથમફળમાંથી બનાવવામાં આવતી હતી. પ્રમુખ યાજકે, એ રોટલીઓને ડાબેથી જમણે ને જમણેથી ડાબે, એમ ફેરવીને યહોવાની સમક્ષ અર્પણ કરી. એ હતો સાલ ૩૩નો પેન્તેકોસ્તનો દિવસ.—લેવી. ૨૩:૧૫-૨૦.
૨ પ્રમુખ યાજક દર વર્ષે એ રીતે અર્પણ ચઢાવતો, જે સદીઓથી ચાલતું આવ્યું હતું. પેન્તેકોસ્તના દિવસે ચઢાવવામાં આવતું એ અર્પણ, સાલ ૩૩માં એ જ દિવસે બનેલા બીજા એક બનાવ સાથે જોડાયેલું હતું. એ બનાવ ઈસુના ૧૨૦ શિષ્યો સાથે બન્યો હતો. તેઓ યરુશાલેમમાં હતાં અને એક ઉપલી ઓરડીમાં ભેગા થઈને પ્રાર્થના કરી રહ્યાં હતાં. (પ્રે.કૃ. ૧:૧૩-૧૫) એ બનાવનાં ૮૦૦ વર્ષ પહેલાં, પ્રબોધક યોએલે એના વિશે ભાખ્યું હતું. (યોએ. ૨:૨૮-૩૨; પ્રે.કૃ. ૨:૧૬-૨૧) એ બનાવ વખતે એવું તો શું બન્યું, જે એટલું બધું મહત્ત્વનું હતું?
૩ પ્રેરિતોનાં કૃત્યો ૨:૨-૪ વાંચો. એ દિવસે, યહોવાએ પોતાના એ ભક્તો પર પોતાની પવિત્ર શક્તિ રેડીને તેઓને અભિષિક્ત કર્યા. (પ્રે.કૃ. ૧:૮) એ બનાવ વખતે શિષ્યોએ જે કંઈ જોયું અને સાંભળ્યું, એ વિશે તેઓ એક ટોળાને જણાવવા લાગ્યા, જે તેઓની આસપાસ ભેગું થયું હતું. પ્રેરિત પીતરે ત્યાં આવેલાં લોકોને સમજાવ્યું કે એ સમયે હકીકતમાં શું બન્યું હતું અને એ કેમ ખૂબ મહત્ત્વનું હતું. પછી, એ ટોળાને સંબોધતા પીતરે કહ્યું: “પસ્તાવો કરો, અને ઈસુ ખ્રિસ્તને નામે તમારામાંનો દરેક બાપ્તિસ્મા પામો, કે તમારાં પાપનું નિવારણ થાય; અને તમને પવિત્ર આત્માનું દાન મળશે.” એ દિવસે લગભગ ૩,૦૦૦ લોકોએ બાપ્તિસ્મા લીધું અને તેઓએ પણ પવિત્ર શક્તિ મેળવી.—પ્રે.કૃ. ૨:૩૭, ૩૮, ૪૧.
૪. (ક) પેન્તેકોસ્તના દિવસે જે થયું એમાં આપણને કેમ રસ હોવો જોઈએ? (ખ) સદીઓ અગાઉ એ જ દિવસે બીજો કયો નોંધપાત્ર બનાવ બન્યો હોય શકે? (નોંધ જુઓ.)
૪ પ્રમુખ યાજક અને પેન્તેકોસ્તના દિવસે ચઢાવવામાં આવતું અર્પણ શાને રજૂ કરે છે? પ્રમુખ યાજક ઈસુને રજૂ કરે છે.[1] તેમ જ, અર્પણ કરેલી રોટલીઓ ઈસુના અભિષિક્ત શિષ્યોને રજૂ કરે છે. એ શિષ્યોને પાપી માણસજાતમાંથી ઈશ્વરના દીકરાઓ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. એ શિષ્યોને “પ્રથમફળ” કહેવામાં આવે છે. (યાકૂ. ૧:૧૮) ઈશ્વરે તેઓને પોતાના દીકરાઓ તરીકે સ્વીકાર્યા છે. તેમ જ, તેઓને ઈસુ સાથે સ્વર્ગમાંથી રાજ કરવા રાજાઓ તરીકે પસંદ કર્યા છે. (૧ પીત. ૨:૯) એ રાજ્ય દ્વારા યહોવા બધા જ વફાદાર મનુષ્યો પર આશીર્વાદ વરસાવશે. તેથી, આપણા બધા માટે પેન્તેકોસ્ત ૩૩નો દિવસ ખૂબ જ મહત્ત્વનો છે. પછી, ભલેને આપણું ભાવિ રહેઠાણ ઈસુ સાથે સ્વર્ગમાં હોય, કે પછી બાગ જેવી ધરતી પર હોય!
કોઈ અભિષિક્ત થાય ત્યારે શું બને છે?
૫. શાના પરથી કહી શકાય કે અભિષિક્તો એક સરખી રીતે અભિષિક્ત થતા નથી?
૫ ઉપલી ઓરડીમાં બનેલા એ બનાવને શિષ્યો ક્યારેય ભૂલ્યા નહિ હોય. એ વખતે તેઓમાંના દરેકના માથા ઉપર જીભ જેવી જ્યોત દેખાઈ હતી. યહોવાની શક્તિથી તેઓ બધાં એવી ભાષા બોલવા લાગ્યા, જે તેઓને આવડતી ન હતી. તેઓને કોઈ શંકા ન હતી કે તેઓને પવિત્ર શક્તિથી અભિષિક્ત કરવામાં આવ્યા છે. (પ્રે.કૃ. ૨:૬-૧૨) જોકે, અભિષિક્ત થાય ત્યારે દરેક વ્યક્તિ સાથે એવી અજાયબ બાબતો બનતી નથી. યાદ કરો કે, યરુશાલેમમાં ૧૨૦ શિષ્યો પછી બીજાઓ પણ એ જ દિવસે અભિષિક્ત થયા હતા. તેઓના માથા પર જ્યોત જેવું કંઈક જોવામાં આવ્યું હોય, એવો કોઈ ઉલ્લેખ બાઇબલમાં નથી. તેઓ બાપ્તિસ્મા વખતે જ અભિષિક્ત કરવામાં આવ્યા હતા. (પ્રે.કૃ. ૨:૩૮) જોકે, જરૂરી નથી કે ઈશ્વરના બધા જ ભક્તો બાપ્તિસ્મા પામવાના સમયે અભિષિક્ત થાય. સમરૂનનાં ભાઈ-બહેનોનો વિચાર કરો. તેઓ બાપ્તિસ્મા પામ્યાં એના અમુક સમય પછી અભિષિક્ત થયાં હતાં. (પ્રે.કૃ. ૮:૧૪-૧૭) હવે, કરનેલ્યસ અને તેમના ઘરનાં બીજા સભ્યોનો દાખલો લો. તેઓનો કિસ્સો તો સાવ અનોખો હતો, કેમ કે તેઓ બાપ્તિસ્મા પામ્યાં એ પહેલાં અભિષિક્ત થયાં હતાં.—પ્રે.કૃ. ૧૦:૪૪-૪૮.
૬. દરેક અભિષિક્ત સેવકને શું આપવામાં આવે છે? એનાથી તેઓ પર શી અસર થાય છે?
૬ જોઈ શકાય કે ઈશ્વરભક્તોને પોતે અભિષિક્ત થયા હોવાનો અહેસાસ જુદી જુદી રીતે થાય છે. જેમ કે, અમુક ભક્તોને કદાચ તરત જ ખબર પડે કે યહોવાએ તેઓને અભિષિક્ત કર્યા છે. જ્યારે કે, કેટલાકને પવિત્ર શક્તિ એનો ધીરે ધીરે અહેસાસ કરાવે છે. પ્રેરિત પાઊલ સમજાવે છે કે અભિષિક્ત થનારા દરેક ભક્ત સાથે શું બને છે. તે જણાવે છે: ‘તમે વિશ્વાસ રાખીને, તેમના દ્વારા વચન પ્રમાણેની પવિત્ર શક્તિથી મુદ્રાંકિત થયા. એ પવિત્ર શક્તિ આપણા વારસાનું બાનું છે.’ (એફે. ૧:૧૩,૧૪) આમ, યહોવા પોતાની પવિત્ર શક્તિ દ્વારા અભિષિક્તોને પૂરેપૂરી ખાતરી અપાવે છે કે તેઓ સ્વર્ગમાં જવા માટે પસંદ કરાયા છે. એ પછી તેઓને એ વિશે કોઈ જ શંકા રહેતી નથી. પવિત્ર શક્તિ તેઓ માટે એક “બાનું” છે. બીજા શબ્દોમાં કહીએ તો એ એક બાંયધરી છે કે, ભાવિમાં તેઓને હંમેશ માટે સ્વર્ગનું જીવન મળશે, પૃથ્વી પરનું જીવન નહિ.—૨ કોરીંથી ૧:૨૧, ૨૨; ૫:૫ વાંચો.
૭. યહોવાના દરેક અભિષિક્ત સેવકે સ્વર્ગનું ઇનામ મેળવવા શું કરવું જરૂરી છે?
૭ ઈશ્વરનો કોઈ સેવક અભિષિક્ત થાય, તો શું એનો અર્થ એવો છે કે તેને સ્વર્ગનું જીવન મળશે જ મળશે? ના, એવું નથી. ખરું કે, તેમને સ્વર્ગમાં જવાનું આમંત્રણ મળ્યું છે અને એ વિશે તેમના દિલમાં જરાય શંકા હોતી નથી. પરંતુ, એ ઇનામ તેમને ત્યારે જ મળે છે, જ્યારે તે યહોવા પ્રત્યે વફાદારી જાળવી રાખે છે. એ વિશે પીતર જણાવે છે: ‘એ માટે, ભાઈઓ, તમને મળેલું તેડું અને ઈશ્વરે કરેલી તમારી પસંદગી નક્કી કરવા માટે વિશેષ યત્ન કરો. કેમ કે, જો તમે એવું કરો તો તમે કદી ઠોકર ખાશો નહિ; કારણ કે એમ કરવાથી તમે આપણા પ્રભુ તથા તારનાર ઈસુ ખ્રિસ્તના સર્વકાળના રાજ્યમાં પ્રવેશ કરવાને પૂરેપૂરા હકદાર થશો.’ (૨ પીત. ૧:૧૦, ૧૧) આમ, દરેક અભિષિક્ત સેવક માટે જરૂરી છે કે યહોવાની સેવા કરવામાં કોઈ પણ બાબતને તે આડે આવવા ન દે. જો તે પોતાની વફાદારી નહિ જાળવે, તો તેમને સ્વર્ગમાં જવાનું આમંત્રણ હોવા છતાં, તે સ્વર્ગમાં નહિ જઈ શકે.—હિબ્રૂ ૩:૧; પ્રકટી. ૨:૧૦.
તેમને કઈ રીતે ખબર પડે છે?
૮, ૯. (ક) કોઈ અભિષિક્ત થાય ત્યારે તેમની સાથે શું બને છે, એ સમજવું કેમ અઘરું બની શકે? (ખ) વ્યક્તિને કઈ રીતે ખબર પડે છે કે તેમને સ્વર્ગમાં જવાનું આમંત્રણ મળ્યું છે?
૮ મોટા ભાગના ઈશ્વરભક્તો માટે એ સમજવું અઘરું બની શકે કે વ્યક્તિ અભિષિક્ત થાય ત્યારે તેમની સાથે શું બને છે. કારણ કે મોટા ભાગના ઈશ્વરભક્તોને પોતાને એનો અનુભવ ક્યારેય થયો હોતો નથી. ઈશ્વરે મનુષ્યોને પૃથ્વી પર વસવા માટે બનાવ્યા છે, સ્વર્ગમાં રહેવા માટે નહિ. (ઉત. ૧:૨૮; ગીત. ૩૭:૨૯) જોકે, ઈશ્વરે કેટલાક મનુષ્યોને સ્વર્ગમાં રાજાઓ અને યાજકો બનવા પસંદ કર્યા છે. તેથી, જ્યારે કોઈ વ્યક્તિ અભિષિક્ત થાય છે ત્યારે, તેમની આશા બદલાઈ જાય છે. તેમની વિચારવાની રીત પણ બદલાઈ જાય છે. યહોવા એવું બદલાણ લાવે છે, જેથી એ વ્યક્તિ સ્વર્ગમાં મળનારા જીવન તરફ લક્ષ રાખી શકે.—એફેસી ૧:૧૮, ૧૯ વાંચો.
૯ પરંતુ, કોઈ ભાઈ કે બહેનને કઈ રીતે ખબર પડે છે કે તેમને સ્વર્ગમાં જવા માટે આમંત્રણ મળ્યું છે? ધ્યાન આપો કે પાઊલે રોમમાં રહેતા અભિષિક્તોને શું કહ્યું હતું. એ અભિષિક્તો ‘પવિત્ર લોકો થવા માટે બોલાવવામાં’ આવ્યા હતા. (રોમ. ૧:૧) પાઊલે તેઓને આમ કહ્યું હતું: “પવિત્ર શક્તિ તમને ગુલામ નથી બનાવતી અને એ તમારામાં ફરીથી ડર પેદા નથી કરતી, પણ એ તમને ઈશ્વરના દત્તક દીકરાઓ બનવા તરફ દોરી જાય છે; અને ઈશ્વરની શક્તિને લીધે આપણે પોકારી ઊઠીએ છીએ: ‘અબ્બા, પિતા!’ પવિત્ર શક્તિ પોતે આપણા હૃદયોમાં સાક્ષી પૂરે છે કે આપણે ઈશ્વરનાં બાળકો છીએ.” (રોમ. ૮:૧૫, ૧૬, NW) આમ, ઈશ્વર પોતાની પવિત્ર શક્તિ દ્વારા એ ભાઈ અથવા બહેનને સ્પષ્ટ અહેસાસ કરાવે છે કે તેમને ઈસુ સાથે સ્વર્ગમાં રાજા તરીકે રાજ કરવાનું આમંત્રણ મળ્યું છે.—૧ થેસ્સા. ૨:૧૨.
૧૦. પહેલો યોહાન ૨:૨૭ પ્રમાણે અભિષિક્તોએ પોતાના અભિષેક વિશે બીજાઓ પાસેથી શીખવાની શા માટે જરૂર નથી?
૧૦ ઈશ્વર પાસેથી જેઓને આમંત્રણ મળે છે, એ વ્યક્તિઓને બીજા કોઈ પાસેથી ખાતરી કરાવવાની જરૂર રહેતી નથી કે પોતે અભિષિક્ત થઈ છે કે નહિ. યહોવા તેઓનાં મનમાં એના વિશે કોઈ જ શંકા રહેવા દેતા નથી. પ્રેરિત યોહાન અભિષિક્તોને કહે છે: ‘જે પવિત્ર છે તેમનાથી તમે અભિષિક્ત થયા છો અને તમે સઘળું જાણો છો. વળી તેમણે તમને જે અભિષેક કર્યો તે તમારામાં રહે છે અને કોઈ તમને શીખવે એવી કંઈ અગત્ય નથી. પણ જેમ તેમણે કરેલો અભિષેક તમને સર્વ બાબતો વિશે શીખવે છે ને એ સત્ય છે, જૂઠો નથી. અને જેમ તેમણે તમને શીખવ્યું, તેમ તમે તેમનામાં રહો.’ (૧ યોહા. ૨:૨૦, ૨૭) ખરું કે, ઈશ્વરના બીજા સેવકોની જેમ અભિષિક્તોએ પણ યહોવા પાસેથી શીખવાની જરૂર તો છે જ. પણ, પોતાના અભિષેક વિશે તેઓએ કોઈ વ્યક્તિ પાસેથી શીખવાની, એટલે કે ખાતરી કરાવવાની જરૂર પડતી નથી. પવિત્ર શક્તિ જે એક સૌથી સમર્થ બળ છે, એના દ્વારા યહોવા તેઓને પૂરેપૂરી ખાતરી અપાવે છે કે તેઓ અભિષિક્ત થયા છે!
તેઓ “નવો જન્મ” પામે છે
૧૧, ૧૨. અભિષિક્ત થયેલા ભાઈ કે બહેનને કેવો પ્રશ્ન થઈ શકે, પરંતુ તેમને કેવી શંકા ક્યારેય નહિ થાય?
૧૧ કોઈ ભાઈ કે બહેન પવિત્ર શક્તિથી અભિષેક પામે છે ત્યારે તેમનામાં ધરખમ પરિવર્તન આવે છે. અરે, તેમનામાં એ હદે પરિવર્તન આવે છે કે ઈસુએ કહ્યું હતું તેમ જાણે તે “નવો જન્મ” પામે છે! [2] (યોહા. ૩:૩, ૫) ઈસુએ એ પણ સમજાવ્યું: ‘મેં તને કહ્યું, કે તમારે નવો જન્મ પામવો જોઈએ, એ સાંભળીને આશ્ચર્ય પામતો નહિ. પવન જ્યાં ચાહે ત્યાં વાય છે અને તું એનો અવાજ સાંભળે છે, પણ એ ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે, એ તું નથી જાણતો; હરેક જે પવિત્ર શક્તિથી જન્મેલું છે તે એના જેવું જ છે.’ (યોહા. ૩:૭, ૮) આમ, અભિષિક્ત ન હોય એવા સેવકોને એ સમજાવવું અશક્ય છે કે અભિષિક્ત સેવકો કેવું અનુભવે છે.
૧૨ જે ભાઈ કે બહેન અભિષેક પામે, તેમને કદાચ થાય: “યહોવાએ શા માટે મને જ પસંદ કર્યો, બીજાને નહિ?” તેમને કદાચ એમ પણ શંકા ઊઠે કે પોતે એ જવાબદારીને લાયક છે કે નહિ. પરંતુ, પોતે અભિષિક્ત છે કે નહિ, એવી શંકા તો તેમને ક્યારેય નહિ થાય. એના બદલે, તેમને એ ભેટ માટે અતિશય ખુશી થાય છે અને તે ઘણા આભારી હોય છે. એ ભાઈ કે બહેન પણ પીતરના આ શબ્દો જેવું અનુભવે છે: “આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઈશ્વર તથા બાપને ધન્યવાદ હો; તેણે પોતે ઘણી દયા રાખીને મૂએલાંમાંથી ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન કરીને સજીવન આશાને માટે, અવિનાશી, નિર્મળ તથા કરમાઈ ન જનારા વતનને માટે આપણને પુનર્જન્મ [“નવો જન્મ,” NW] આપ્યો છે, તે વતન તમારે માટે આકાશમાં રાખી મૂકેલું છે.” (૧ પીત. ૧:૩, ૪) અભિષિક્તો જ્યારે એ શબ્દો વાંચે છે ત્યારે તેઓ જરાય શંકા વગર સમજી શકે છે કે તેઓના પિતા યહોવા તેઓ સાથે વાત કરી રહ્યા છે.
૧૩. અભિષિક્ત થયા પછી વ્યક્તિના વિચારોમાં કેવું પરિવર્તન આવે છે? એ પરિવર્તન પાછળનું કારણ શું છે?
૧૩ યહોવાએ જેઓને સ્વર્ગમાં જવાનું આમંત્રણ આપ્યું છે, પહેલાં તેઓ ધરતી પરના કાયમી જીવનની આશા રાખતા હતા. ત્યારે તેઓ એ સમયની રાહ જોતા હતા, જ્યારે યહોવા આખી ધરતીને બાગ જેવી સુંદર બનાવશે અને બધી બૂરાઈનો અંત લાવશે. કદાચ તેઓ પોતાનાં ગુજરી ગયેલાં કુટુંબીજનો અને મિત્રોને નવી દુનિયામાં આવકારવાની કલ્પના કરતા હતા. નવી દુનિયામાં નવું ઘર બાંધવાની, એમાં રહેવાની, વૃક્ષો રોપવાની અને એનાં ફળ ખાવાની તેઓ ઝંખના રાખતા હતા. (યશા. ૬૫:૨૧-૨૩) તો પછી, હવે તેઓ શા માટે જુદી રીતે વિચારવા લાગે છે? શું તેઓ હતાશાને લીધે કે પછી ઘણું સહન કરવાને લીધે બદલાઈ ગયા છે? શું તેઓએ ઓચિંતા એમ ધારી લીધું છે કે પૃથ્વી પર કાયમ રહેવું કંટાળાજનક હશે અને અહીં ખુશ નહિ રહી શકે? અથવા શું એમ છે કે, તેઓ સ્વર્ગનું જીવન કેવું હશે એ અનુભવવા ચાહે છે? ના. એવું કંઈ નથી. તેઓને સ્વર્ગનું આમંત્રણ આપવાનું તો ખુદ ઈશ્વરે નક્કી કર્યું છે. તેઓને એ આમંત્રણ મળે છે ત્યારે, ઈશ્વર પોતાની શક્તિ દ્વારા તેઓની વિચારવાની રીત અને તેઓની આશા બદલે છે.
૧૪. અભિષિક્તોને પૃથ્વી પરના પોતાના જીવન વિશે કેવું લાગે છે?
૧૪ હવે સ્વર્ગની આશા મળી હોવાથી, શું અભિષિક્તો મરી જવા ચાહે છે? અભિષિક્તો કેવું અનુભવે છે એનું વર્ણન પાઊલે કર્યું છે. તેમણે માનવ શરીરને એક ‘મંડપ’ સાથે સરખાવતા કહ્યું: ‘અમે આ મંડપમાં રહેનારા અને ભારથી લદાયેલા છીએ, એટલે અમે નિસાસા નાખીએ છીએ. એવું નથી કે અમે આ મંડપને કપડાંની જેમ કાઢી નાખવા માંગીએ છીએ, પણ અમે તો સ્વર્ગમાંનું ઘર મેળવવા ચાહીએ છીએ, જેથી હંમેશ માટેનું જીવન નાશવંત જીવનની જગ્યા લે.’ (૨ કોરીં. ૫:૪, NW) અભિષિક્ત ભાઈ-બહેનો કંઈ મરી જવાં ચાહતાં નથી. તેઓ પૃથ્વી પરના પોતાના જીવનનો આનંદ માણે છે અને પોતાનાં કુટુંબ તેમજ મિત્રો સાથે મળીને દરેક દિવસ યહોવાની સેવામાં વિતાવવા ચાહે છે. જોકે, પોતે જે કંઈ એમાં તેઓ કદી ભૂલતા નથી કે ભાવિ વિશે ઈશ્વરે તેઓને કયું વચન આપ્યું છે.—૧ કોરીં. ૧૫:૫૩; ૨ પીત. ૧:૪; ૧ યોહા. ૩:૨, ૩; પ્રકટી. ૨૦:૬.
શું યહોવાએ તમને આમંત્રણ આપ્યું છે?
૧૫. શાના પરથી સાબિત નથી થતું કે ઈશ્વરનો કોઈ સેવક અભિષિક્ત થયો છે?
૧૫ કદાચ તમને પ્રશ્ન થાય કે યહોવાએ તમને સ્વર્ગમાં જવાનું આમંત્રણ આપ્યું છે કે કેમ. જો તમને એમ થતું હોય કે કદાચ તેમણે એ આમંત્રણ તમને આપ્યું છે, તો આવા મહત્ત્વના સવાલો પર વિચાર કરો: શું તમને લાગે છે કે પ્રચારમાં તમે બહુ ઉત્સાહી છો? શું તમને બાઇબલનો અભ્યાસ કરવામાં અને “ઈશ્વરના ઊંડા વિચારો” શીખવામાં આનંદ આવે છે? (૧ કોરીં. ૨:૧૦) શું તમને લાગે છે કે યહોવાએ તમને પ્રચારમાં જોરદાર પરિણામો આપ્યાં છે? શું તમે યહોવાને ગમતી બાબત કરવાનું સૌથી વિશેષ પસંદ કરો છો? શું તમને બીજાઓ માટે ઊંડો પ્રેમ છે અને તેઓને યહોવાની ભક્તિ કરવામાં મદદ આપવાને એક મોટી જવાબદારી ગણો છો? શું તમે તમારા જીવનમાં યહોવાએ ખાસ રીતે આપેલી મદદના પુરાવા જોયા છે? બની શકે કે એ બધા પ્રશ્નોના જવાબ તમે “હા”માં આપ્યા હોય. તેમ છતાં, એનો અર્થ એવો નથી કે તમને સ્વર્ગનું આમંત્રણ મળ્યું છે. એવું શાને આધારે કહી શકાય? કારણ કે, ઈશ્વરના બધા જ સેવકો એવી લાગણીઓ અનુભવી શકે છે, પછી ભલે તેઓ અભિષિક્ત હોય કે ન હોય. બીજું કે, યહોવા પોતાની શક્તિ તેમના કોઈ પણ સેવકને આપી શકે છે, પછી ભલે એ સેવક સ્વર્ગની આશા ધરાવતા હોય કે પૃથ્વીની. હકીકતમાં તો, જો તમારા દિલમાં એ વિશે હજી મૂંઝવણ હોય, તો એનો અર્થ થાય કે તમને એ આમંત્રણ મળ્યું નથી. કારણ કે, જે સેવકને યહોવા એ આમંત્રણ આપે છે તેમને એવી કોઈ મૂંઝવણ રહેતી નથી. તેમને પૂરી ખાતરી હોય છે!
૧૬. શાના પરથી કહી શકાય કે પવિત્ર શક્તિ મેળવનાર દરેક સેવકને સ્વર્ગમાં જવાનું આમંત્રણ હોતું નથી?
૧૬ બાઇબલમાં એવા ઘણા વફાદાર સેવકોના દાખલા છે, જેઓને યહોવાએ પવિત્ર શક્તિથી મદદ આપી હતી. પણ, તેઓને સ્વર્ગના જીવન માટેનું આમંત્રણ ન હતું. જેમ કે, યોહાન બાપ્તિસ્મક. ઈસુએ કહ્યું હતું કે યોહાન બાપ્તિસ્મક કરતાં કોઈ મોટું નથી. પણ યાદ કરો કે ઈસુએ એ પણ સમજાવ્યું કે યોહાન સ્વર્ગમાં રાજા તરીકે રાજ નહિ કરે. (માથ. ૧૧:૧૦, ૧૧) દાઊદને પણ પવિત્ર શક્તિનું માર્ગદર્શન મળ્યું હતું. (૧ શમૂ. ૧૬:૧૩) અરે, પવિત્ર શક્તિ દ્વારા દાઊદને યહોવા વિશે ઘણી ઊંડી બાબતો સમજવા મદદ મળી. તેમ જ, પવિત્ર શક્તિ દ્વારા તે બાઇબલનો અમુક ભાગ લખવા પણ પ્રેરાયા. (માર્ક ૧૨:૩૬) તેમ છતાં, પ્રેરિત પીતરે કહ્યું કે ‘દાઊદ તો આકાશમાં ચઢ્યા ન હતા.’ (પ્રે.કૃ. ૨:૩૪) ખરું કે, યહોવાએ એ બધા ઈશ્વરભક્તોને પવિત્ર શક્તિ આપી, જેથી તેઓ અદ્ભુત કામો કરવાં સક્ષમ બને. પરંતુ, એ પવિત્ર શક્તિ દ્વારા તેઓને ક્યારેય એવી સાક્ષી આપવામાં આવી નહિ કે તેઓ સ્વર્ગ માટે પસંદ થયા છે. તો શું એનો એવો અર્થ થાય કે તેઓની વફાદારીમાં કોઈ કચાશ હતી? અથવા શું તેઓ સ્વર્ગમાં રાજા તરીકે રાજ કરવાને લાયક ન હતા? ના, એવું કંઈ જ ન હતું. એનો તો બસ એ જ અર્થ થાય કે યહોવા તેઓને બાગ જેવી નવી દુનિયામાં સજીવન કરવાના છે.—યોહા. ૫:૨૮, ૨૯; પ્રે.કૃ. ૨૪:૧૫.
૧૭, ૧૮. (ક) આજના મોટા ભાગના ઈશ્વરભક્તોને કઈ આશા છે? (ખ) આવતા લેખમાં આપણે કયા પ્રશ્નોની ચર્ચા કરીશું?
૧૭ ઈબ્રાહીમ, દાઊદ, યોહાન બાપ્તિસ્મક અને બાઇબલ જમાનાનાં બીજા ઘણાં વફાદાર સ્ત્રી-પુરુષોની આશા ધરતી પરના જીવનની હતી. તેઓની જેમ જ આજના મોટા ભાગના ઈશ્વરભક્તો પણ ધરતીની આશા રાખે છે. તેઓ તો એ સમયની રાહ જુએ છે જ્યારે ઈશ્વરની સરકાર પૃથ્વી પર રાજ કરતી હશે અને એની સત્તામાં તેઓ જીવશે. (હિબ્રૂ ૧૧:૧૦) ઈસુ સાથે ૧,૪૪,૦૦૦ અભિષિક્તો સ્વર્ગમાંથી રાજ કરશે. એ અભિષિક્તોમાંના અમુક જ સેવકો આ અંતના સમયમાં હજી ધરતી પર છે. (પ્રકટી. ૧૨:૧૭) એનો અર્થ થાય કે ૧,૪૪,૦૦૦ અભિષિક્તોમાંના મોટાં ભાગના સેવકો મૃત્યુ પામી ચૂક્યા છે અને સ્વર્ગમાં છે.
૧૮ પરંતુ, જો કોઈ ભાઈ કે બહેન પોતાને અભિષિક્ત કહે, તો ધરતી પર જીવવાની આશા રાખનારા સેવકોને એ વિશે કેવું લાગવું જોઈએ? જો તમારા મંડળમાંથી કોઈ વ્યક્તિ સ્મરણપ્રસંગે રોટલી અને દ્રાક્ષદારૂ ખાવા-પીવાનું શરૂ કરે, તો તમારે તેઓ સાથે કઈ રીતે વર્તવું જોઈએ? પોતાને અભિષિક્ત ગણાવતા લોકોની સંખ્યામાં વધારો થતો રહે તો, શું તમારે એ વિશે ચિંતા કરવી જોઈએ? આ પ્રશ્નોના જવાબ આપણે આવતા લેખમાં જોઈશું.
^ [૧] (ફકરો ૪) મુસા દ્વારા જે દિવસે સિનાય પર્વત આગળ ઈસ્રાએલ રાષ્ટ્ર સાથે નિયમ કરાર કરવામાં આવ્યો હતો, દર વર્ષે કદાચ એ જ દિવસે પેન્તેકોસ્તનું પર્વ ઊજવવામાં આવતું હતું. (નિર્ગ. ૧૯:૧) આમ કહી શકાય કે, ઈસુએ અભિષિક્તો સાથે વર્ષના જે દિવસે નવો કરાર કર્યો હતો, સદીઓ અગાઉ એ જ દિવસે મુસાએ ઈસ્રાએલ રાષ્ટ્ર જોડે નિયમ કરાર કર્યો હોય શકે.
^ [૨] (ફકરો ૧૧) નવો જન્મ પામવો એટલે શું, એની વધુ સમજણ માટે મે ૧, ૨૦૦૯ના ચોકીબુરજમાં પાન ૧૦ પરનો લેખ જુઓ.