બાળકો મોટા કરવા ઈશ્વરની મદદ
આપણામાંથી કોને ફૂલ નથી ગમતાં? પણ ફૂલનો છોડ ઉગાડવો, કંઈ રમત વાત નથી, ખરું ને? સુંદર અને મહેકતા ફૂલો માટે તમારે એના છોડ યોગ્ય જગ્યાએ ઉગાડવા પડે. અમુક છોડને સારી જમીન અને ખાતર ન મળે તો, જલદી જ મરી જાય છે. એટલે જ ઘણી વાર આપણાં મનપસંદ ફૂલોના છોડ ઉગાડવા ઘણી સંભાળ લેવી પડે છે.
એની સરખામણીમાં, નાનાં માસૂમ બાળકોને જીવનની સફર માટે તૈયાર કરવા, એ તો ઘણી મોટી જવાબદારી છે. તેથી, ઘણાં મમ્મી-પપ્પા જલદી જ થાકી-હારી જાય છે, એમાં કંઈ નવાઈ નથી. મનગમતા ફૂલનો છોડ તમે કોઈને ઘરે જુઓ તો, તરત પૂછશો કે ‘આ છોડ તમે કેવી રીતે ઉગાડ્યો?’ એવી જ રીતે, ઘણાં માબાપ સલાહ શોધે છે, કેમ કે તેઓ પોતાનાં બાળકોને સુખી કરવા ચાહે છે. આજે એવી મદદ ક્યાં મળી શકે?
આપણને બનાવનાર, ઈશ્વરે પવિત્ર શાસ્ત્ર બાઇબલ આપ્યું છે. તેમણે એના લેખકોને આ વિષય પર સલાહ લખવાની દોરવણી આપી. પવિત્ર શાસ્ત્ર વારંવાર જણાવે છે કે બાળકોમાં નાનપણથી સારા સંસ્કાર રેડવાની જરૂર છે. પરંતુ, જેમ ઘણાં માબાપ માને છે તેમ આજે એમ કરવામાં આવતું નથી. (એફેસી ૪:૨૨-૨૪) આ વિષે બાઇબલ ખૂબ જ મદદ આપે છે. એનાથી આજે દેશ-વિદેશનાં, બધી નાત-જાતનાં હજારો કુટુંબો સુખી થયાં છે. તમને પણ એ ધર્મશાસ્ત્રની સલાહ ચોક્કસ મદદ કરશે. એ સલાહ પ્રમાણે ચાલીને તમે અને આંખના રતન જેવાં તમારાં બાળકો બહુ જ સુખી થશો.
માબાપનો પોતાનો દાખલો
“હે બીજાને શીખવનાર, શું તું પોતાને શીખવતો નથી? ચોરી ન કરવી, એવો બોધ કરનાર, શું તું પોતે ચોરી કરે છે? વ્યભિચાર ન કરવો એવું કહેનાર, શું તું પોતે વ્યભિચાર કરે છે? મૂર્તિઓથી કંટાળનાર, શું તું દેવળોને [મંદિરોને] લૂંટે છે?”—રૂમી ૨:૨૧, ૨૨.
સોલ, કોરિયાના શિક્ષણ ખાતાના ચેરમેને કહ્યું: “બાળકને શીખવવાની સૌથી સારી રીત માબાપનું પોતાનું ઉદાહરણ છે.” જો માબાપ પોતે મન ફાવે એમ કરતા હોય, તો બાળકને કઈ રીતે સલાહ આપી શકે? બાળક એટલું નાદાન નથી કે જાણી ન શકે કે માબાપ ‘કહે છે એક અને કરે છે બીજું.’ પછી બાળક પોતે હા જી હા તો કરશે, પણ પોતાની મન-માની જ કરશે. જેમ કે, માબાપ બાળકને કહેશે કે ‘બેટા, જૂઠું કદી ન બોલવું.’ પરંતુ, શું માબાપ પોતે જ સાચું બોલે છે? જ્યારે મમ્મી-પપ્પાને ફોન પર વાત કરવી ન હોય, ત્યારે બાળકને કહેશે કે “કહી દે, મારા પપ્પા (કે મમ્મી) ઘરે નથી.” હવે તમે જ વિચાર કરો કે બાળકના કુમળા મન પર કેવી છાપ પડશે? સમય જતાં તેને સાચું-ખોટું કરતા આવડી જશે, પછી ખોટું બોલતા તેનું દિલ જરાય ડંખશે નહિ. તેથી, માબાપ આશા રાખતા હોય કે ફૂલ જેવું પોતાનું બાળક સાચી વ્યક્તિ બને, તો પોતે સાચું બોલે અને પોતાનું વચન પાળે.
તમારું બાળક બીજાને માન-આદર આપનારું બને એવું તમે ચાહો છો? તો પછી તમે પોતે પણ એમ જ કરો. તમારું બાળક તમારે જ પગલે-પગલે ચાલવાનું. સંગ-સીક નામે એક ભાઈને ચાર બાળકો છે. તે કહે છે: “અમે પતિ-પત્ની થઈને નક્કી કર્યું કે ઘરમાં સારી ભાષા જ બોલવી. અમે બંને બોલવા-ચાલવામાં એકબીજાને માન આપીએ. અરે, ગુસ્સે થઈએ ત્યારે પણ ઊંચે અવાજે બોલીએ નહિ. બાળકને ટોક-ટોક કરીને કહેવાને બદલે આ ઇલાજ કામ કરી ગયો. અમને અમારાં બાળકો પર ગર્વ છે કે તેઓ બીજા સાથે માનથી વાતચીત કરે છે.” બાઇબલ જણાવે છે: “કોઈ માણસ જે કંઈ વાવે તેજ તે લણશે.” (ગલાતી ૬:૭) માબાપ પોતે સંસ્કારી હોય અને બચપણથી બાળકોનું એ જ રીતે ઘડતર કરે તો, તેઓની મહેનતનાં ફળ સાચે જ મીઠાં હશે.
વાતચીતનો દોર જાળવી રાખો
“તે [ઈશ્વરની આજ્ઞાઓ] તું ખંતથી તારાં છોકરાંને શીખવ, ને જ્યારે તું ઘરમાં બેઠો હોય, ને જ્યારે તું રસ્તે ચાલતો હોય, ને જ્યારે તું સૂઈ જાય ને જ્યારે તું ઊઠે, ત્યારે તે વિષે વાત કર.”—પુનર્નિયમ ૬:૭.
આજકાલ પતિ અને પત્ની બંને નોકરી કરે છે. વળી, ધીમે ધીમે નોકરી-ધંધા પર ઓવરટાઈમ વધતો જાય છે. આની બાળકો પર ઘણી અસર થાય છે. માબાપને જિગરના ટુકડા જેવા બાળકો માટે સમય હોતો નથી. ઘરે હોય તો ઘરમાં કેટલાંય કામ કરવાના હોય. તમારા આવા સંજોગો હોય તો, શું કરશો? જો તમે તમારાં બાળકો સાથે મળીને અમુક ઘરકામ કરી શકો, તો વાતચીત કરવાનો સમય મળશે. એક કુટુંબમાં પિતાએ ટીવી પણ કાઢી નાખ્યું, જેથી પોતાનાં જીવ જેવા બાળકો સાથે વાત કરી શકે. તેમણે કહ્યું કે “શરૂઆતમાં બાળકોને કંટાળો આવવા લાગ્યો. પછી હું તેઓ સાથે પઝલની રમત રમવા લાગ્યો, તેઓને ગમે એવાં પુસ્તકોની વાતો કરવા લાગ્યો. ધીમે ધીમે તેઓને આ ફેરફાર ગમી ગયો.”
નાનપણથી જ બાળક સાથે ખુલ્લી રીતે વાતો કરો. નહિ તો જ્યારે બાળક મોટું થાય ને કોઈ તકલીફ આવે, ત્યારે એની વાત તમને કરવાનું તેને અઘરું લાગશે. તમે કઈ રીતે તેમના દોસ્ત બની શકો? “અક્કલ માણસના મનમાં ઊંડા પાણી જેવી છે; પણ સમજણો માણસ તેને બહાર કાઢી લાવશે.” (નીતિવચનો ૨૦:૫) તમે પહેલેથી જ તમારા માસૂમ ભૂલકાંઓને પૂછી શકો: ‘તને શું લાગે છે, બેટા?’ આમ, તેઓ બાળપણથી જ દિલની વાત કહેતા શીખશે.
જોકે, તમારું બાળક કોઈ મોટી ભૂલ કરી બેસે તો શું? આવા સમયે તેને મદદની જરૂર છે. તમે જ્વાળામુખીની જેમ ભભૂકી ન ઊઠો કે રડવા ન માંડો. પહેલા બાળકને દિલ ખોલીને વાત કરી લેવા દો. આવા સંજોગો વિષે એક પિતા કહે છે: “બાળક ભૂલ કરે ત્યારે, હું ગુસ્સે ન થવાનો પ્રયત્ન કરું છું. હું બેસીને તેનું ધ્યાનથી સાંભળું છું. આખી વાત સમજવાનો પ્રયત્ન કરું છું. જ્યારે મને લાગે કે હું તપી જઈશ, ત્યારે હું થોડો સમય લઈને પોતાને ઠંડો પાડું છું.” ખરેખર, જો તમે શાંત મગજે આખી વાત સમજો, તો તમે જે કંઈ કહેશો એ બાળકના ગળે ઊતરશે.
પ્રેમથી જરૂરી શિસ્ત આપો
“પિતાઓ, તમારાં છોકરાંને ચીડવો નહિ; પણ પ્રભુના શિક્ષણમાં તથા બોધમાં તેઓને ઉછેરો.”—એફેસી ૬:૪.
બાળકને સારી રીતે કેળવવા શિસ્ત આપવી જરૂરી છે, પણ પ્રેમથી. કઈ રીતે માબાપ ‘પોતાના બાળકોને ચીડવી’ શકે? તેણે ભૂલ કરી હોય એની શિસ્ત ન અપાય, અથવા તેણે ભૂલ કરી હોય એનાથી વધારે શિસ્ત અપાઈ જાય તો બાળક એનો વિરોધ કરશે. ગમે એવી શિક્ષાનું કારણ પોતાના બાળક પરનો પ્યાર હોવો જોઈએ. (નીતિવચનો ૧૩:૨૪) બાળકને સમજાવો કે તમે તેને જીવની જેમ ચાહો છો, એટલે જ સજા કરો છો.—નીતિવચનો ૨૨:૧૫; ૨૯:૧૯.
એની સાથે સાથે બાળકે કરેલી ભૂલનું પરિણામ તેને સહન કરવા દેવું જોઈએ. દાખલા તરીકે, તમારા છોકરા કે છોકરીએ કોઈનું બૂરું કર્યું હોય તો, તેઓ પાસે માફી મંગાવી શકો. કુટુંબે નક્કી કરેલો નિયમ તોડે ત્યારે, તેની મનગમતી ચીજો પર કાપ મૂકી શકો. એનાથી તે કુટુંબના નિયમ પાળવાનું મહત્ત્વ જોઈ શકશે.
વળી, યોગ્ય સમયે શિસ્ત આપવી પણ બહુ જરૂરી છે. ‘દુષ્ટ કામની વિરૂદ્ધ તરત દંડ અપાતો નથી, તે માટે મનુષ્યોનું અંતઃકરણ ભૂંડું કરવામાં સંપૂર્ણ ચોટેલું છે.’ (સભાશિક્ષક ૮:૧૧) ઘણાં તોફાની બાળકો જોશે કે તેમણે કરેલા નુકસાનની સજા મળે છે કે નહિ? જો તમે નટખટ બાળકને ચેતવ્યું હોય કે ‘આમ કરીશ તો સજા થશે,’ છતાં પણ તે એમ જ કરે તો તમારા કહ્યા પ્રમાણે કરો.
યોગ્ય મનોરંજન
‘દરેક બાબતને માટે વખત હોય છે: હસવાનો વખત અને નૃત્ય કરવાનો વખત.’—સભાશિક્ષક ૩:૧, ૪.
આરામ, મનોરંજન કે મોજશોખ પણ બાળકના શરીર અને મનની વૃદ્ધિ માટે જરૂરી છે. કુટુંબ સાથે ભેગા મળીને તમે મઝા કરો ત્યારે, બાળકો મમ્મીની મમતા અને પપ્પાનો પ્યાર વધારે અનુભવે છે. તે કુટુંબમાં સલામતી અનુભવે છે. તોપણ, સવાલ એ થાય કે તમે કુટુંબ તરીકે શું કરી શકો? તમે પોતે તમારા કુટુંબને ધ્યાનમાં લઈને એનો વિચાર કરો તો, તમને ચોક્કસ ઘણા આઇડિયા મળશે. જેમ કે, કેરમ, ક્રિકેટ, ફૂલ-રેકેટ રમવું, બાગ-બગીચામાં જવું. તેમ જ, કુટુંબ સાથે સંગીતનો આનંદ પણ માણી શકાય. અરે, તમે બધા સાથે કોઈ જગ્યાએ ફરવા જઈ શકો અને મઝા કરી શકો.
આવા સંજોગોમાં માબાપ વાત-વાતમાં બાળકોને સમજાવી શકે કે મોજશોખની પસંદગી કઈ રીતે કરવી. ત્રણ બાળકોના પિતાએ કહ્યું: “હું બની શકે તો મારા છોકરાઓના મોજશોખમાં ભાગ લઉં છું. જેમ કે, તેઓ કૉમ્પ્યુટર ગેમ રમે તો, હું એના વિષે તેઓને પૂછું છું. જ્યારે તેઓ ખુશીથી મને સમજાવે છે, ત્યારે હું તેઓને અયોગ્ય મનોરંજન વિષે ચેતવી શકું છું. મેં જોયું છે કે જે યોગ્ય નથી એને તેઓ પોતે જ તરત બંધ કરી દે છે.” ખરેખર, જે બાળકો કુટુંબ સાથે મોજશોખનો આનંદ માણે છે, તેઓને બીજા શાની જરૂર હોય? પછી તેઓ ટીવી પ્રોગ્રામો, વિડીયો, ફિલ્મો અને ઇન્ટરનેટ રમતો પાછળ ફાંફાં મારતા નથી, જે બસ મારા-મારી, વ્યભિચાર અને ડ્રગ્સની ગંદકીથી ભર્યા હોય છે.
સારા મિત્રો બનાવવા મદદ કરો
“જો તું જ્ઞાની પુરુષોની સંગત કરશે, તો તું જ્ઞાની થશે, પણ જે મૂર્ખનો સાથી છે તેને નુકસાન થશે.”—નીતિવચનો ૧૩:૨૦.
ચાર બાળકોના એક પિતા કહે છે: “બાળકોના મિત્રોની તેઓ પર બહુ અસર પડે છે. ફક્ત એક જ ખરાબ મિત્ર તમારી બધી મહેનત પર પાણી ફેરવી શકે છે.” એ પિતાએ પોતાનાં બાળકોને સારા મિત્રો પસંદ કરવા મદદ કરી. તે બાળકોને પૂછતા કે ‘તારો જિગરી દોસ્ત કોણ છે? કેમ તને એ ગમે છે? તને એની જેમ શું કરવું ગમે?’ બીજા એક પિતા પોતાનાં બાળકોના દોસ્તોને ઘરે બોલાવે છે. તે તેઓની વાણી ને વર્તન પર નજર રાખે છે અને પોતાનાં બાળકોને એ વિષે જરૂરી સલાહ આપે છે.
તમારાં બાળકોને એ પણ શીખવો કે તેઓ ફક્ત પોતાની ઉંમરના જ નહિ, પણ મોટી ઉંમરના લોકોને પણ મિત્રો બનાવે. બેમ-શેનને ત્રણ છોકરા છે. તે કહે છે કે “મેં મારાં બાળકોને સમજાવ્યું કે દાઊદ અને યોનાથાનની દોસ્તી જુઓ. તેઓની ઉંમરમાં ઘણો ફેર હતો. હું મારા ઘરે નાના-મોટા બધાને બોલાવું છું, જેથી મારાં બાળકો બધાની સોબત માણી શકે. આમ, બાળકો પોતાની ઉંમરથી મોટા હોય, તેઓ સાથે પણ મજા કરે છે.” અનુભવી લોકો સાથે હળવા-મળવાથી બાળકો ઘણું બધું શીખી શકે છે.
માબાપ, તમે સફળ થઈ શકો છો
અમેરિકામાં એક સર્વે કરવામાં આવ્યો. એમાં જોવા મળ્યું કે ઘણાં માબાપ પોતાનાં બાળકોને એ રીતે કેળવવાનો પ્રયત્ન કરે છે જેથી તેઓ નેક ઇન્સાન બને, તન-મન પર કાબૂ રાખે અને બીજાનું ભલું કરે. પરંતુ, તેઓ કાયમ સફળ થતા નથી, એટલે નિરાશ થઈ જાય છે. આ સર્વેમાં એક મમ્મીએ કહ્યું: ‘આ એક દુઃખી હકીકત છે, પણ આપણા જીવ જેવા બાળકોને બચાવવા માટે એક જ રસ્તો છે: તેઓને ઘરની બહાર દુનિયામાં પગ જ મૂકવા ન દેવો.’ એ માની મમતા પોકારીને કહેતી હતી કે આ દુનિયાની હવા બાળકો માટે ઝેરી છે. તો પછી શું કરી શકાય?
આપણે આ લેખની શરૂઆતમાં જોયું તેમ, તમારો ફૂલનો છોડ મરું મરું થતો હોય તો, તમને ચિંતા થશે. પણ જો કોઈ ભરોસાપાત્ર વ્યક્તિ તમારા મનપસંદ અને મહેકતા ફૂલોનો છોડ ઉગાડવા આઇડિયા આપે, તો તમને કેટલું બધું ગમશે! આપણા સરજનહાર, યહોવાહ પરમેશ્વર કુટુંબને બનાવનાર છે. તે નાજુક કળી જેવા આપણાં બાળકો કઈ રીતે ફૂલની જેમ ખીલી ઊઠી શકે, એ માટેની સૌથી સારી મદદ આપે છે. તે કહે છે: “બાળકે જે માર્ગમાં ચાલવું જોઈએ તેમાં ચાલવાનું તેને શિક્ષણ આપ, એટલે તે વૃદ્ધ થશે ત્યારે તેમાંથી તે ખસશે નહિ.” (નીતિવચનો ૨૨:૬) ખરેખર, યહોવાહ આપણને બાઇબલમાં સુંદર સલાહ આપે છે. એ પ્રમાણે નાનપણથી આપણાં બાળકોને શીખવીશું તો, તેઓ સંસ્કારી, જવાબદાર અને નેક દિલના વ્યક્તિ તરીકે મોટા થશે. એટલું જ નહિ, પણ ખાસ તો યહોવાહ પરમેશ્વરની આંખોના રતન બનશે.