‘યહોવાહની શક્તિમાં બળવાન થાઓ’
“પ્રભુમાં તથા તેના સામર્થ્યના બળમાં શક્તિમાન થાઓ.” —એફેસી ૬:૧૦.
લગભગ ૩,૦૦૦ વર્ષો પહેલાં બે સૈન્યો સામ-સામે આવી ગયાં. બંને સૈન્યોમાંથી એક એક જણ પહેલા લડવા તૈયાર થયા. એક તો ગોવાળિયો છોકરો દાઊદ છે. એની સામે રાક્ષસ જેવો દેખાતો સૈનિક ગોલ્યાથ છે. અરે, તેણે પહેરેલા બખ્તરનું વજન જ ૫૭ કિલો છે! તેના હાથમાં મોટો-મસ ભાલો છે. તે લાંબી તરવાર પણ લઈને ફરે છે. જ્યારે કે યુવાન દાઊદ તો ફક્ત ગોફણ અને પથ્થર લઈને જ આવ્યો હતો. ગોલ્યાથને લાગ્યું કે ‘મારું આવું અપમાન? આ નાનકડા છોકરાને મારી સામે લડવા મોકલ્યો!’ (૧ શમૂએલ ૧૭:૪૨-૪૪) બધાના શ્વાસ જાણે થંભી ગયા હતા. ગોલ્યાથની જીત નક્કી જ હતી. પણ, કાયમ બળવાનની જીત થતી નથી! (સભાશિક્ષક ૯:૧૧) યુવાન દાઊદે કહ્યું હતું કે, “લડાઈ તો યહોવાહની છે.” પછીથી બાઇબલમાં લખાયું કે “દાઊદે ગોફણ તથા પથ્થર વડે તે પલિસ્તી પર જીત મેળવી.” (૧ શમૂએલ ૧૭:૪૭, ૫૦) ખરેખર, દાઊદે યહોવાહના બળથી લડાઈ જીતી લીધી.
૨ ખરું કે આજે આપણે એવી લડાઈમાં નથી. તોપણ આપણે જોરદાર દુશ્મનો સામે લડીએ છીએ. (રૂમી ૧૨:૧૮) પણ આપણે તો બને ત્યાં સુધી બધા સાથે હળી-મળીને રહીએ છીએ, તો પછી એ લડાઈ કઈ છે? પાઊલે એફેસી મંડળને એના વિષે લખ્યું હતું કે, “આપણું આ યુદ્ધ રક્ત તથા માંસની સામે નથી, પણ અધિપતિઓની સામે, અધિકારીઓની સામે, આ અંધકારરૂપી જગતના સત્તાધારીઓની સામે, આકાશી સ્થાનોમાં દુષ્ટતાનાં આત્મિક લશ્કરોની સામે છે.”—એફેસી ૬:૧૨.
૩ ‘દુષ્ટતાનાં આત્મિક લશ્કરો’ શેતાન અને તેના ચેલાઓ છે. આપણે યહોવાહના ભક્તો છીએ, એ શેતાનની આંખમાં કણાની જેમ ખૂંચે છે. શેતાન અને તેના ચેલાઓ આપણા કરતાં બળવાન છે, ને તેઓ આપણને ચપટીમાં મસળી નાખવા માંગે છે. દાઊદની જેમ જ આપણે યહોવાહની શક્તિ પર પૂરો આધાર રાખવાની જરૂર છે. પાઊલે અરજ કરી કે, “પ્રભુમાં તથા તેના સામર્થ્યના બળમાં શક્તિમાન થાઓ.” (એફેસી ૬:૧૦) એ પછી પાઊલે જણાવ્યું કે જીતી જવા આપણને કેવા ‘હથિયારની’ જરૂર છે.—એફેસી ૬:૧૧-૧૭.
૪ ચાલો પહેલા આપણે જોઈએ કે દુશ્મનો કેટલા ચાલાક અને બળવાન છે. પછી આપણે જોઈશું કે બચાવ માટે શું કરવું જ જોઈએ. જો આપણે યહોવાહના કહેવા પ્રમાણે જ કરીશું, તો આપણા દુશ્મનો ચોક્કસ હારી જશે.
શેતાન સામે કુસ્તી
૫ પાઊલે સમજાવ્યું કે આપણી લડાઈ “આકાશી સ્થાનોમાં દુષ્ટતાનાં આત્મિક લશ્કરોની સામે છે.” ખરેખર, આપણી લડાઈ “ભૂતોના સરદાર” શેતાનની સામે છે. (માત્થી ૧૨:૨૪-૨૬) બાઇબલની મૂળ ભાષામાં આ લડાઈને “કુસ્તી” સાથે સરખાવી છે. પહેલાના વખતના ગ્રીસમાં પહેલવાનો કુસ્તી કરતા કરતા સામેવાળાને પાડી નાખવાની કોશિશ કરતા. શેતાન પણ આપણને યહોવાહના માર્ગમાંથી પાડી નાખવા માંગે છે. તે કઈ રીતે એમ કરે છે?
૬ શેતાન સાપની જેમ ચપળ રીતે આપણને છેતરી શકે. ગાજનાર સિંહની જેમ તરાપ મારી શકે. અરે, શેતાન તો સાધુ-સંત હોવાનો ઢોંગ પણ કરી શકે છે. (૨ કોરીંથી ૧૧:૩, ૧૪; ૧ પીતર ૫:૮) શેતાન આપણને હરાવવા માનવીઓનો ઉપયોગ પણ કરી શકે છે. (પ્રકટીકરણ ૨:૧૦) આ દુનિયા તેની મુઠ્ઠીમાં છે. શેતાન દુનિયાના ભપકાથી પણ આપણને ફસાવી શકે છે. (૨ તીમોથી ૨:૨૬; ૧ યોહાન ૨:૧૬; ૫:૧૯) શેતાને જેમ હવાને છેતરી હતી, તેમ દુનિયાના વિચારોમાં ફસાવીને આપણને ઊંધા રસ્તે લઈ જઈ શકે છે.—૧ તીમોથી ૨:૧૪.
૭ ભલે શેતાન અને તેના ચેલાઓ જાત-જાતની ચાલાકીઓ વાપરતા હોય, પણ તેઓ કંઈ બધું જ કરી શકતા નથી. શેતાન અને તેના ભૂતો આપણો કાન પકડીને બળજબરી કરી શકતા નથી. આપણે આપણા દિલના માલિક છીએ. બીજું કે આપણે એકલા આ લડાઈ કરવાની નથી. એલીશા પ્રબોધક યાદ છે? તેમણે સાવ સાચું કહ્યું હતું કે, “તેઓના સૈન્ય કરતાં આપણું સૈન્ય વધારે મોટું છે!” (૨ રાજા ૬:૧૬, IBSI) બાઇબલ કહે છે કે આપણે યહોવાહનું માનીએ ને શેતાનની સામા થઈએ. જો આપણે એમ કરીશું, તો ચોક્કસ શેતાન નાસી છૂટશે.—યાકૂબ ૪:૭.
શેતાનની ચાલાકીથી ચેતો!
૮ બાઇબલ આપણને જણાવે છે કે શેતાન કેવો છે, કેવી ચાલાકી વાપરે છે. (૨ કોરીંથી ૨:૧૧) ઈશ્વરભક્ત અયૂબનો વિચાર કરો. શેતાને તેની માલ-મિલકત ઝૂંટવી લીધી. તેના પ્રાણથી પ્યારાં બાળકો છીનવી લીધાં. શેતાને તેના પર ગૂમડાંની બીમારી મોકલી. ત્રણ ઓળખીતાને મોકલ્યા, જેઓએ ખોટાં મહેણાં માર્યાં. અરે, અયૂબની પત્ની પણ તેના પર ઊકળી ઊઠી. અયૂબને લાગ્યું કે, ‘ઈશ્વરે મારો સાથ છોડી દીધો છે.’ (અયૂબ ૧૦:૧, ૨) ભલે શેતાન આજે એવી જ રીતે આપણા પર તકલીફો ન લાવે. છતાંયે આપણા પર આવતી મુશ્કેલીઓ પર શેતાન જાણે મીઠું ભભરાવે છે.
૯ આજે યહોવાહના ભક્તોને ખોટે માર્ગે ચડાવવા શેતાન આકાશ-પાતાળ એક કરી રહ્યો છે. તેના જગતમાં જ્યાં જોઈએ ત્યાં તેના જેવા જ કાળા ધંધા ચાલે છે. આજે ટીવી, રેડિયો કે કોઈ પણ પ્રોગ્રામ જુઓ, એ એક કે બીજી રીતે સેક્સ અને મોજમઝાનો પ્રચાર કરે છે. મોટે ભાગે લોકો પણ ઈશ્વરને ભૂલી ગયા છે. (૨ તીમોથી ૩:૧-૫) શેતાન તો આપણને પણ યહોવાહથી દૂર કરવા માંગે છે. તેથી ચાલો આપણે ‘વિશ્વાસની સારી લડાઈ લડીએ.’—૧ તીમોથી ૬:૧૨.
૧૦ શેતાન આપણને બધાને આ દુનિયાની મોહમાયામાં ફસાવવા માંગે છે. અમુક હદે તે સફળ થયો પણ છે. ઈસુએ એક ઉદાહરણમાં ચેતવણી આપી હતી. તેમણે જણાવ્યું કે અમુક જણ ઈશ્વરનું “વચન સાંભળે છે, પણ આ જગતની ચિંતા તથા દ્રવ્યની માયા વચનને દાબી નાખે છે.” (માત્થી ૧૩:૧૮, ૨૨) ‘દાબી નાખવું’ ભાષાંતર થયેલા ગ્રીક શબ્દનો અર્થ થાય, “ગૂંગળાવી મારવું.”
૧૧ અમુક જંગલોમાં એક જાતનું ઝાડ થાય છે. એ વધે તેમ વડની વડવાઈ જેવી એની વેલ કોઈ ઝાડના થડની આજુબાજુ વીંટળાઈને ઉપર ચઢે છે. ધીમે ધીમે એના મૂળ ઊંડા ઊતરીને ત્યાંની જમીનનો બધો કસ ચૂસી લે છે. ખજૂરીના જેવા પોતાના પાનથી એ ઝાડને ઢાંકી દે છે. આમ, ધીમે ધીમે જે ઝાડ પર એ ચડે છે, એને જાણે ગૂંગળાવીને મારી નાખે છે.
૧૨ આ સંસારની ચિંતા, ધનદોલતનો મોહ ને સાહેબીમાં રહેવાના સપના, આપણો સમય અને શક્તિ ચૂસી લઈ શકે. પછી તો આપણને બાઇબલ વાંચવાનું ગમે નહિ, મિટિંગોમાં મન લાગે નહિ. આમ ધીમે ધીમે યહોવાહના જ્ઞાનથી મળતું પોષણ બંધ થઈ જાય. યહોવાહની ભક્તિને બદલે આપણે ‘પૈસાને પરમેશ્વર’ બનાવી દઈએ. બસ, પછી તો શેતાનના હાથની કઠપૂતળી બનીને નાચ્યા કરીએ.
હિંમતથી શેતાનનો સામનો કરીએ
૧૩ પાઊલે અરજ કરી કે ‘શેતાનની દુષ્ટ ચાલાકીઓની સામે તમે દ્રઢ રહો.’ (એફેસી ૬:૧૧) ખરું કે ઈસુ ખ્રિસ્ત શેતાન અને તેના ચેલાઓનો નાશ તો કરશે જ. (પ્રકટીકરણ ૨૦:૧, ૨) પણ ત્યાં સુધી, આપણે હિંમતથી શેતાનનો સામનો કરવાનો છે.
૧૪ ઈશ્વરભક્ત પીતરે પણ ખાસ જણાવ્યું કે, “સાવચેત થાઓ, જાગતા રહો; કેમ કે તમારો વૈરી શેતાન ગાજનાર સિંહની પેઠે કોઈ મળે તેને ગળી જવાને શોધતો ફરે છે. તમે વિશ્વાસમાં દૃઢ રહીને તેની સામા થાઓ, કેમ કે પૃથ્વી પરના તમારા ભાઈઓ પર એ જ પ્રકારનાં દુઃખો પડે છે, તે તમે જાણો છો.” (૧ પીતર ૫:૮, ૯) જ્યારે શેતાન ગાજનાર સિંહની જેમ તરાપ મારે, ત્યારે ભાઈ-બહેનો પણ આપણને મદદ કરશે.
૧૫ આફ્રિકાનાં મેદાનોમાં ચરતા હરણો, સિંહની ગર્જના સાંભળીને શું કરશે? બધા જ આમ-તેમ નાસી છૂટશે. જ્યારે કે હાથીઓનું ટોળું ભેગું રહે છે. આફ્રિકા અને એશિયાના કોમળ હાથી નામનું (અંગ્રેજી) પુસ્તક સમજાવે છે કે, “જ્યારે કોઈ પણ જોખમ જણાય, ત્યારે હાથી બધા મદનિયાને સંતાડી ગોળ ફરતે ઊભા રહી જાય છે.” આવું કૂંડાળું જોઈને, સિંહને મોટે ભાગે ખાલી હાથે પાછા ફરવું પડે છે.
૧૬ શેતાન હુમલો કરવા આવે ત્યારે, આપણે હરણ જેવા નહિ, પણ હાથીના જેવો સંપ રાખીએ. ચાલો આપણે આપણા ભાઈ-બહેનોને સાથ આપીને એકબીજાનું રક્ષણ કરીએ. પાઊલ રોમની જેલમાં હતા ત્યારે, ભાઈઓનો સાથ તેમને “પુષ્કળ મદદરૂપ અને દિલાસારૂપ” લાગ્યો. (કલોસી ૪:૧૦, ૧૧, IBSI) મૂળ ગ્રીક શાસ્ત્રવચનમાં આ શબ્દો એક જ વાર આવે છે. એના પર વાઈન્સની ડિક્ષનરી કહે છે કે, ‘આ શબ્દ ઘાને રુઝવતો મલમ અથવા દુખાવામાં રાહત આપતી દવા માટે વપરાય છે.’ જખમને ઠંડક આપતી ક્રીમની જેમ, યહોવાહના ભક્તોના સાથથી આપણા શરીરના કે દિલના ઘા રુઝાઈ શકે છે.
૧૭ પ્રાર્થના દ્વારા પણ આપણને યહોવાહની ભક્તિ કરતા રહેવા હિંમત મળે છે. (ગીતશાસ્ત્ર ૩૭:૫) આપણા ભાઈ-બહેનોના સાથથી પણ આપણે યહોવાહને વળગી રહી શકીએ છીએ. એ માટે આપણા વડીલો આપણને મદદ કરવા તૈયાર હોય છે. (યાકૂબ ૫:૧૩-૧૫) ચાલો આપણે બાઇબલમાંથી જીવનનું પાણી ખોબે-ખોબે પીતા રહીએ. મિટિંગો અને સંમેલનોનો પણ પૂરો લાભ લઈએ. આપણે જીવનમાં ખાઈએ, પીએ કે ગમે એ કરીએ, સર્વમાં યહોવાહનું નામ રોશન કરતા રહીએ.—૧ કોરીંથી ૧૦:૩૧.
૧૮ શિકાર કરવા સિંહ લાગ જોઈને સંતાઈ રહે છે. એમ જ શેતાન પણ મોકો જોઈને બેઠો હોય છે કે આપણે ક્યારે યહોવાહની સેવામાંથી આમ-તેમ ફાંફાં મારીએ. કુટુંબમાં પૈસે-ટકે મુશ્કેલી આવે કે બીમારી આવે, ત્યારે પણ યહોવાહની સેવામાં ઠંડા પડી જવાય. પણ એવું થવા ન દઈએ, કેમ કે પાઊલ કહે છે, “હું નિર્બળ છું, ત્યારે હું બળવાન છું.” (૨ કોરીંથી ૧૨:૧૦; ગલાતી ૬:૯; ૨ થેસ્સાલોનીકી ૩:૧૩) એનો શું અર્થ થાય? એ જ કે આપણે યહોવાહ પાસે મદદ માંગીએ. તેમની શક્તિથી આપણે કોઈ પણ મુશ્કેલીઓ કે નબળાઈઓ પર જીત મેળવી શકીએ છીએ. યહોવાહે ગોલ્યાથ સામે દાઊદને જીત અપાવી. એ બતાવે છે કે યહોવાહ મદદ આપવા તૈયાર જ છે. આપણા મંડળમાં નજર કરીએ તો, ભાઈ-બહેનોના અનુભવો એની સાબિતી આપશે.—દાનીયેલ ૧૦:૧૯.
૧૯ એક પતિ-પત્ની જણાવે છે: “વર્ષોથી અમે યહોવાહની ભક્તિમાં ઘણા આશીર્વાદો મેળવ્યા છે. ઘણા મિત્રો બનાવ્યા છે. યહોવાહના શિક્ષણથી અમે સારી રીતે ઘડાયા છીએ. તેમણે અમને દુઃખ-તકલીફોમાં સાથ આપ્યો છે. અયૂબની જેમ જ, ઘણી વાર અમને ખબર ન હતી કે અમે શા માટે આ સંજોગોમાંથી પસાર થઈ રહ્યા છીએ. પણ અમને પૂરો ભરોસો હતો, કે જીવનની અગ્નિ-પરીક્ષામાં યહોવાહ અમને જરૂર મદદ કરશે.”
૨૦ યહોવાહની શક્તિ અખૂટ છે. તે છૂટથી પોતાના ભક્તોને મદદ કરે છે. (યશાયાહ ૫૯:૧) દાઊદે એક ગીતમાં લખ્યું કે, “સર્વ પડતા માણસોને યહોવાહ આધાર આપે છે, અને સર્વ દબાઇ રહેલાઓને તે ઊભા કરે છે.” (ગીતશાસ્ત્ર ૧૪૫:૧૪) એક વહાલા પપ્પાની જેમ યહોવાહ “રોજ આપણો બોજો ઊંચકી લે છે.”—ગીતશાસ્ત્ર ૬૮:૧૯.
‘ઈશ્વરનાં સર્વ હથિયારો પહેરી લો’
૨૧ આપણે આપણા દુશ્મન શેતાનની અમુક ચાલાકીઓ વિષે જોઈ ગયા. આપણે એ પણ જોયું કે જીત મેળવવા હિંમતથી તેની સામા થવું જ જોઈએ. ચાલો હવે આપણે જોઈએ કે શેતાનની સામા થવા બીજું શું જરૂરી છે. પાઊલે બે વાર એના વિષે જણાવ્યું: “શેતાનની કુયુક્તિઓની [દુષ્ટ ચાલાકીઓની] સામે તમે દ્રઢ રહી શકો માટે દેવનાં સર્વ હથિયારો સજો. . . . તમે દેવનાં સર્વ હથિયારો સજી લો, કે તમે ભૂંડે દહાડે સામા થઈ શકો, અને બને તેટલું સર્વ કરીને તેની સામે ટકી શકો.”—એફેસી ૬:૧૧, ૧૩.
૨૨ ખરેખર, આપણે ‘ઈશ્વરનાં સર્વ હથિયાર પહેરી લેવાની જરૂર છે.’ પાઊલે એફેસીઓને પત્ર લખ્યો ત્યારે, તે રોમમાં કેદ હતા. તેમના પર રૂમી સૈનિક ચોકી કરતો હતો. યહોવાહની પ્રેરણાથી પાઊલે રૂમી સૈનિકનાં હથિયારો વિષે ચર્ચા કરી. એનાથી યહોવાહના સર્વ ભક્તોને શેતાન સામેની લડાઈમાં બહુ જ મદદ મળે છે!
૨૩ પાઊલે એ હથિયારોને સદ્ગુણો અને યહોવાહે કરેલી ગોઠવણો સાથે સરખાવ્યાં. ચાલો હવે પછીના લેખમાં એક પછી એક હથિયારની વાત કરીએ. આપણે એ પણ જોઈશું કે શું આપણે એ લડાઈ માટે તૈયાર છીએ કે નહિ. સાથે સાથે આપણે ઈસુના ઉદાહરણથી જોઈશું કે કઈ રીતે આપણે પણ શેતાનનો સામનો કરી શકીએ.
આપણે શું શીખ્યા?
• આપણે બધાય કેવી લડાઈમાં છીએ?
• શેતાનની દુષ્ટ ચાલાકીઓ જણાવો.
• આપણા ભાઈ-બહેનોનો સાથ કઈ રીતે મદદ કરી શકે?
• આપણે કોના પર પૂરેપૂરો આધાર રાખવો જોઈએ? શા માટે?
[અભ્યાસ પ્રશ્નો]
૧. (ક) લગભગ ૩,૦૦૦ વર્ષો પહેલાં કઈ લડાઈ થઈ? (ખ) દાઊદ શા માટે જીતી ગયો?
૨. આજે આપણે કોની સામે લડીએ છીએ?
૩. એફેસી ૬:૧૦ પ્રમાણે આપણે જીત મેળવવા શાની જરૂર છે?
૪. આ લેખમાં આપણે કઈ બે બાબતો વિષે શીખીશું?
૫. એફેસી ૬:૧૨ની મૂળ ભાષા પ્રમાણે શેતાનનો ઇરાદો શું છે?
૬. શાસ્ત્રમાંથી બતાવો કે શેતાન કેવી ચાલાકીઓ વાપરે છે?
૭. શેતાન અને તેના ચેલાઓ શું નથી કરી શકતા? આપણને કોનો સાથ છે?
૮, ૯. અયૂબ પર શેતાન કેવી આફતો લાવ્યો? આજે આપણા પર કેવી મુશ્કેલીઓ આવી શકે છે?
૧૦-૧૨. (ક) ઈસુએ આપેલા એક ઉદાહરણથી કઈ ચેતવણી મળે છે? (ખ) કઈ રીતે આપણા જીવનમાં યહોવાહની ભક્તિ દબાઈ જઈ શકે? ઉદાહરણ આપો.
૧૩, ૧૪. આપણે કઈ રીતે શેતાનનો સામનો કરી શકીએ?
૧૫, ૧૬. કઈ રીતે ભાઈ-બહેનોનો સાથ આપણને હિંમત રાખવા મદદ કરી શકે?
૧૭. યહોવાહને વળગી રહેવા આપણને કઈ મદદ મળે છે?
૧૮. ગમે એવી તકલીફોમાં જીત મેળવવા શું કરવું જોઈએ?
૧૯. યહોવાહના સાથ વિષે એક પતિ-પત્નીએ શું કહ્યું?
૨૦. બાઇબલ કઈ રીતે બતાવે છે કે યહોવાહ હંમેશાં આપણને સાથ આપે છે?
૨૧. પાઊલે શાના પર ભાર મૂક્યો?
૨૨, ૨૩. (ક) પાઊલે જે હથિયારોની વાત કરી એ શું છે? (ખ) હવે પછીના લેખમાં આપણે શાની વાત કરીશું?
[પાન ૧૧ પર ચિત્ર]
આપણે ‘દુષ્ટતાનાં લશ્કરોની’ સામે કુસ્તી કરવાની છે
[પાન ૧૨ પર ચિત્ર]
સંસારી ચિંતામાં યહોવાહની સેવા દબાઈ જઈ શકે
[પાન ૧૩ પર ચિત્ર]
આપણા ભાઈ-બહેનો ‘દિલાસારૂપ’ બની શકે છે
[પાન ૧૪ પર ચિત્ર]
શું તમે યહોવાહની શક્તિ માંગો છો?