તમારી પ્રગતિ જણાવા દો
“એ વાતોની ખંત રાખજે; તેઓમાં તલ્લીન રહેજે, કે તારી પ્રગતિ સર્વેના જાણવામાં આવે.”—૧ તીમોથી ૪:૧૫.
તમને મનભાવતા કેળાં, ચીકુ કે કેરી જેવાં ફળોની કલ્પના કરો. શું તમે કહી શકો કે એ પાકીને ખાવા જેવું થઈ ગયું છે? હા, તમે કહી શકો. એની મીઠી સુગંધ, રંગ અને એને જોતા જ તમારા મોંમાં પાણી આવી જાય છે. તમે એનું એક બચકું ભરો કે તરત જ તમારા મોંમાંથી સંતોષના શબ્દો સરી પડે છે. કેટલું સ્વાદિષ્ટ! કેટલી મીઠાસ! એનો સ્વાદ તમને ખૂબ જ આનંદ અને સંતોષ આપે છે.
૨ આ સાદો પરંતુ આનંદી અનુભવ આપણા જીવનનાં બીજાં પાસાંઓમાં પણ લાગુ પડે છે. દાખલા તરીકે, પાકાં ફળની જેમ, વ્યક્તિની આત્મિક પરિપક્વતા અલગ અલગ રીતોએ જોવા મળે છે. આપણે વ્યક્તિમાં નિર્ણાયકતા, ઊંડી નજર, ડહાપણ વગેરે ગુણોને જોઈએ છીએ ત્યારે, વ્યક્તિની પરિપક્વતા જોઈ શકીએ છીએ. (અયૂબ ૩૨:૭-૯) પોતાના વર્તન અને કાર્યોમાં આવા ગુણો બતાવનારા લોકો સાથે કામ કરવાનું અને તેઓની સંગત રાખવાનું ખરેખર આપણ સૌને ગમે છે.—નીતિવચનો ૧૩:૨૦.
૩ બીજી બાજુ, વ્યક્તિ શારીરિક રીતે પૂર્ણ વિકસિત લાગી શકે, પરંતુ તેની વાણી અને વર્તનથી, તે લાગણીમય અને આત્મિક રીતે અપરિપક્વ હોય છે. દાખલા તરીકે, ઈસુ ખ્રિસ્તે પોતાના સમયની જિદ્દી પેઢી વિષે કહ્યું: “યોહાન ખાતોપીતો નથી આવ્યો, છતાં તેઓ કહે છે, કે તેને ભૂત વળગ્યું છે. માણસનો દીકરો ખાતોપીતો આવ્યો, છતાં તેઓ કહે છે, કે જુઓ, ખાવરો ને દારૂબાજ માણસ.” આમ કહેનારા લોકો, શારીરિક રીતે પૂર્ણ વિકસિત હતા તોપણ, ઈસુએ કહ્યું કે તેઓ ‘છોકરાંની’ જેમ વર્ત્યા. આથી, તેમણે ઉમેર્યું: “જ્ઞાન પોતાનાં કૃત્યોથી યથાર્થ ઠરે છે.”—માત્થી ૧૧:૧૬-૧૯.
૪ ઈસુના શબ્દો પ્રમાણે, આપણે જોઈ શકીએ છીએ કે વ્યક્તિ પાસે પરિપક્વતા અર્થાત્ ખરું ડહાપણ છે કે નહિ. એ આપણને વ્યક્તિની વાણી અને કાર્યોથી જોવા મળે છે. આ બાબતે પ્રેષિત પાઊલે તીમોથીને જે સલાહ આપી, એની નોંધ લો. તીમોથીએ જે કરવું જોઈએ એની યાદી આપ્યા પછી, પાઊલે તેમને કહ્યું: “એ વાતોની ખંત રાખજે; તેઓમાં તલ્લીન રહેજે, કે તારી પ્રગતિ સર્વેના જાણવામાં આવે.” (૧ તીમોથી ૪:૧૫) હા, એક ખ્રિસ્તી પરિપક્વતા તરફ પ્રગતિ કરીને એ ‘જણાવે’ છે અથવા સ્પષ્ટ રીતે એ બતાવે છે. ખ્રિસ્તી પરિપક્વતા પ્રકાશ જેવી છે, એ કંઈ સંતાડી શકાય એવો અદૃશ્ય ગુણ નથી. (માત્થી ૫:૧૪-૧૬) તેથી, આપણે બે મુખ્ય રીતોનો વિચાર કરીશું, જેનાથી વ્યક્તિની પ્રગતિ અને પરિપક્વતા સ્પષ્ટ રીતે જાણવામાં આવે: (૧) જ્ઞાન, સમજણ અને ડહાપણમાં વધવું; (૨) પવિત્ર આત્માનાં ફળો બતાવવાં.
વિશ્વાસ અને જ્ઞાનમાં એકતા
૫ મોટા ભાગના શબ્દકોષ, પરિપક્વતાનું પૂરેપૂરું પાકેલું, પૂર્ણ વિકાસ પામેલું, પૂરેપૂરું ખીલેલું અને આખરી પરિણામ પામેલું કે મનગમતા ધોરણે પહોંચેલું તરીકે વર્ણન કરે છે. અગાઉ જણાવ્યું તેમ, ફળ પાક્યું છે કે નહિ એ કેવી રીતે ખબર પડે છે? એ ફળ કુદરતી રીતે પૂરો વિકાસ પામે, એનો દેખાવ, રંગ, સુગંધ અને સ્વાદ ધાર્યા જેવા લાગે ત્યારે, એ પાકી ગયું છે એમ ખબર પડે છે. આમ, પરિપક્વતાના તદ્દન પાકી ગયેલું, પાકી બુદ્ધિનું અને પુખ્ત જેવા સમાનાર્થી શબ્દો પણ છે.—યશાયાહ ૧૮:૫; માત્થી ૫:૪૫-૪૮; યાકૂબ ૧:૪.
૬ યહોવાહ પરમેશ્વર ખરેખર ઇચ્છે છે કે તેમના બધા જ સેવકો આત્મિક રીતે પરિપક્વ બને. એ માટે તેમણે ખ્રિસ્તી મંડળમાં સરસ ગોઠવણો કરી છે. એફેસીના ખ્રિસ્તીઓને પ્રેષિત પાઊલે લખ્યું: “સંતોની સંપૂર્ણતા કરવાને અર્થે, સેવાના કામને સારૂ, ખ્રિસ્તના શરીરની ઉન્નતિ કરવાને સારૂ, તેણે કેટલાએક પ્રેરિતો, કેટલાએક પ્રબોધકો, કેટલાએક સુવાર્તિકો, અને કેટલાક પાળકો તથા ઉપદેશકો આપ્યા; ત્યાં સુધી કે આપણે સહુ દેવના દીકરા પરના વિશ્વાસથી તથા તેના જ્ઞાનથી જે ઐક્ય થાય છે તે પ્રાપ્ત કરીએ, અને એમ પ્રોઢ પુરુષત્વમાં, એટલે ખ્રિસ્તની સંપૂર્ણતાની પાયરીએ પહોંચીએ; જેથી હવે પછી આપણે બાળકોના જેવા માણસોની ઠગાઈથી, ભ્રમણામાં નાખવાની કાવતરાંભરેલી યુક્તિથી, દરેક ભિન્ન ભિન્ન મતરૂપી પવનથી ડોલાં ખાનારા તથા આમતેમ ફરનારા ન થઈએ.”—એફેસી ૪:૧૧-૧૪.
૭ આ કલમોમાં પાઊલે સમજાવ્યું કે પરમેશ્વરે શા માટે મંડળમાં અઢળક આત્મિક ગોઠવણો કરી છે. પરમેશ્વર ઇચ્છે છે કે દરેક વ્યક્તિ, ‘વિશ્વાસ અને જ્ઞાનમાં ઐક્ય થાય,’ ‘પ્રૌઢ પુરુષત્વ’ કેળવે અને ‘ખ્રિસ્તની પાયરીએ’ પહોંચે. ત્યારે જ આપણે જૂઠી માન્યતા અને શિક્ષણોથી આમતેમ ડોલા ખાતા આત્મિક બાળકો બનવાથી બચીશું. આમ, આપણે ખ્રિસ્તી પરિપક્વતામાં તથા ‘વિશ્વાસમાં અને દેવના દીકરાનું જ્ઞાન મેળવવામાં ઐક્ય થવા’ વચ્ચેના ગાઢ સંબંધને જોઈ શકીએ છીએ. પાઊલની સલાહમાં એવા ઘણા મુદ્દાઓ છે, જે પાળવાથી આપણને લાભ થશે.
૮ સૌ પ્રથમ, “ઐક્ય” જાળવવા માટે પરિપક્વ ખ્રિસ્તીએ વિશ્વાસ અને જ્ઞાનની બાબતે સાથી ભાઈ-બહેનો સાથે એક મનના અને એક મતના થવું જ જોઈએ. બાઇબલની સમજ વિષે તેણે પોતાનો જ કક્કો સાચો રાખવો જોઈએ નહિ અથવા પોતાના જ વિચારોને પકડી રાખવા જોઈએ નહિ. એને બદલે, યહોવાહ પરમેશ્વર તેમના દીકરા, ઈસુ ખ્રિસ્ત અને “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” દ્વારા, જે સત્ય પ્રગટ કરે છે એમાં તેને પૂરેપૂરો વિશ્વાસ હોવો જોઈએ. આપણને ખ્રિસ્તી પ્રકાશનો, સભાઓ, સંમેલનો અને મહાસંમેલનોમાં ‘વખતસર’ આત્મિક ખોરાક પૂરો પાડવામાં આવે છે. એ નિયમિત લઈને, આપણે સાથી ખ્રિસ્તીઓ સાથે વિશ્વાસ અને જ્ઞાનમાં “ઐક્ય” છીએ એવી ખાતરી રાખી શકીએ છીએ.—માત્થી ૨૪:૪૫.
૯ બીજુ, “વિશ્વાસ” શબ્દમાં દરેક ખ્રિસ્તી પોતે જે માને છે તે નહિ, પરંતુ આપણી સંપૂર્ણ માન્યતાની ‘પહોળાઈ, લંબાઈ, ઊંચાઈ તથા ઊંડાઈનો’ સમાવેશ થાય છે. (એફેસી ૩:૧૮; ૪:૫; કોલોસી ૧:૨૩; ૨:૭) જોકે, કોઈ ખ્રિસ્તી અમુક હદે જ ‘વિશ્વાસ’ કરે તો, તે કઈ રીતે સાથી ખ્રિસ્તીઓ સાથે એકતામાં આવી શકે? એનો અર્થ એમ થાય કે આપણે બાઇબલના પાયારૂપ શિક્ષણ કે સત્યનું ઉપરછલ્લું જ્ઞાન મેળવીને જ સંતોષ માની લેવો જોઈએ નહિ. એને બદલે, યહોવાહે પોતાના સંગઠન દ્વારા કરેલી બધી જ ગોઠવણોનો પૂરેપૂરો લાભ લઈને આપણે તેમના શબ્દ, બાઇબલમાં ઊંડું સંશોધન કરવું જોઈએ. આપણે પરમેશ્વરની ઇચ્છા અને તેમના હેતુની, ચોક્સાઈભરી અને પૂરેપૂરી સમજણ મેળવવાનો પ્રયત્ન કરવો જ જોઈએ. એમાં બાઇબલ અને બાઇબલ આધારિત પ્રકાશનો વાંચીને અભ્યાસ કરવાનો, પરમેશ્વરને તેમની મદદ અને માર્ગદર્શન માટે પ્રાર્થના કરવાનો સમાવેશ થાય છે. એ ઉપરાંત, આપણે નિયમિત ખ્રિસ્તી સભાઓમાં જવું જોઈએ અને રાજ્ય પ્રચાર તથા શિષ્ય બનાવવામાં પૂરેપૂરો ભાગ લેવો જોઈએ.—નીતિવચનો ૨:૧-૫.
૧૦ ત્રીજું, ‘આપણે સહુ પ્રાપ્ત કરીએ ત્યાં સુધી,’ શબ્દો દ્વારા પાઊલ ત્રણ હેતુઓ પૂરા કરતું વર્ણન કરે છે. “આપણે સહુ” શબ્દો સંબંધી, એક બાઇબલ પુસ્તક કહે છે કે “એક એક કરીને સર્વ નહિ, પરંતુ સર્વ એક સાથે.” બીજા શબ્દોમાં, આપણે સર્વએ આપણા બધા ભાઈબહેનો સાથે ખ્રિસ્તી પરિપક્વતા તરફ પ્રગતિ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. ઇન્ટરપ્રીટર્સ બાઇબલ આમ કહે છે: “શરીરનો એક ભાગ શરીરથી અલગ રહીને પૂર્ણ વિકાસ પામી શકતો નથી તેમ, એક વ્યક્તિ બીજાઓથી અલગ રહીને પૂરેપૂરી આત્મિક સિદ્ધિ મેળવી શકતી નથી.” પાઊલે એફેસીના ખ્રિસ્તીઓને યાદ દેવડાવ્યું કે તેઓએ “સર્વ સંતોની સાથે” વિશ્વાસને પૂરેપૂરો સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ.—એફેસી ૩:૧૮ક.
૧૧ પાઊલના શબ્દોથી એ સ્પષ્ટ થાય છે કે આત્મિક રીતે પ્રગતિ કરવાનો અર્થ, આપણા મનને જ્ઞાન અને ઘણી વિદ્યાઓથી ભરી દેવું થતો નથી. પોતાના જ્ઞાનથી બીજાઓને પ્રભાવિત કરે એ વ્યક્તિ ખ્રિસ્તી પરિપક્વ નથી. એને બદલે બાઇબલ કહે છે: “સદાચારીનો માર્ગ પ્રભાતના પ્રકાશ જેવો છે, જે મધ્યાહ્ન થતાં સુધી વધતો તે વધતો જાય છે.” (નીતિવચનો ૪:૧૮) એ કોઈ વ્યક્તિ નહિ, પણ “માર્ગ” છે જેનો પ્રકાશ “વધતો તે વધતો જાય છે.” યહોવાહ પોતાના લોકોને તેમના શબ્દ બાઇબલની જે વધતી જતી સમજણ આપે છે, એની સાથે મંડ્યા રહેવા આપણે સતત પ્રયત્ન કરતા રહીશું તો, આત્મિક રીતે પ્રગતિ કરી શકીશું. અહીં, મંડ્યા રહેવાનો અર્થ આગળ વધવું થાય છે અને એ આપણે સર્વ કરી શકીએ છીએ.—ગીતશાસ્ત્ર ૯૭:૧૧; ૧૧૯:૧૦૫.
“પવિત્ર આત્માના ફળ” બતાવો
૧૨ આપણે ‘વિશ્વાસ અને જ્ઞાનમાં ઐક્ય થઈએ’ છીએ, એ જ સમયે મહત્ત્વનું છે કે આપણે જીવનના દરેક પાસાંમાં પરમેશ્વરના પવિત્ર આત્માનાં ફળો બતાવીએ. શા માટે? એનું કારણ એ છે કે આપણે જોયું તેમ, પરિપક્વતા કોઈ છૂપો કે અદૃશ્ય ગુણ નથી. પરંતુ, એ સ્પષ્ટ દેખાઈ આવે એવો ગુણ છે, જે બીજાઓને લાભ કરી શકે છે અને ઉત્તેજન આપી શકે છે. જોકે, આપણે આત્મિક પ્રગતિ કરવાનો પ્રયત્ન કરીને કંઈ ઉપરછલ્લો દેખાડો કરતા નથી. એનાથી વિપરીત, આપણે પરમેશ્વરના આત્માના માર્ગદર્શન અનુસાર આત્મિક રીતે આગળ વધીએ છીએ તેમ, આપણા વલણ અને કાર્યોમાં પણ અદ્ભુત ફેરફારો થશે. પ્રેષિત પાઊલે કહ્યું, “આત્માથી ચાલો, એટલે તમે દેહની વાસના તૃપ્ત કરશો નહિ.”—ગલાતી ૫:૧૬.
૧૩ ત્યાર પછી, પાઊલ ‘દેહનાં કામની’ યાદી આપે છે કે જે ઘણી સંખ્યામાં અને “ખુલ્લાં” છે. વ્યક્તિ પરમેશ્વરના માર્ગમાં ચાલવાનું મહત્ત્વ સમજવા લાગે એ પહેલાં, તે આ જગત પ્રમાણે જીવતી હોય શકે. તેમ જ, પાઊલે જણાવેલી અમુક બાબતોથી પણ તેનું જીવન ભરેલું હોય શકે. જેમ કે, “વ્યભિચાર, અપવિત્રતા, લંપટપણું, મૂર્તિપૂજા, જાદુ, વૈરભાવ, કજીઆકંકાશ, ઈર્ષા, ક્રોધ, ખટપટ, કુસંપ, પક્ષાપક્ષી, અદેખાઈ, છાકટાઈ, વિલાસ તથા એઓના જેવાં કામ.” (ગલાતી ૫:૧૯-૨૧) પરંતુ, વ્યક્તિ આત્મિક રીતે પ્રગતિ કરે છે તેમ, તે આ ‘દેહનાં કામને’ ધીમે ધીમે આંબે છે અને એને બદલે ‘પવિત્ર આત્માનાં ફળ’ વિકસાવે છે. તેનામાં થયેલા ફેરફારો સ્પષ્ટ પુરાવો આપે છે કે તે ખ્રિસ્તી પરિપક્વતા તરફ પ્રગતિ કરી રહ્યો છે.—ગલાતી ૫:૨૨.
૧૪ આપણે “દેહનાં કામ” અને ‘પવિત્ર આત્માનાં ફળ,’ એ બે શબ્દાવલિઓ પર વધારે ધ્યાન આપીએ. “કામ,” વ્યક્તિ જે કંઈ કરે છે એનાં પરિણામ છે. બીજા શબ્દોમાં, પાઊલે જે દેહનાં કામો જણાવ્યાં, એ વ્યક્તિ જાણીજોઈને અથવા દેહની અપૂર્ણતાને કારણે કરે છે. (રૂમી ૧:૨૪, ૨૮; ૭:૨૧-૨૫) બીજી બાજુ, ‘પવિત્ર આત્માનાં ફળો’ શબ્દાવલિ બતાવે છે, કે ત્યાં જણાવેલા ગુણો ફક્ત વ્યક્તિના પોતાના પ્રયત્નોથી અથવા તે ફેરફારો કરે એનાથી જ થતા નથી. એ પવિત્ર આત્માની પ્રેરણાથી પરિણમે છે. વૃક્ષની બરાબર કાળજી રાખવામાં આવી હોય ત્યારે, એ ઘણાં ફળ આપે છે એ જ રીતે, વ્યક્તિના જીવનમાં પવિત્ર આત્મા પ્રેરણા આપે છે ત્યારે તે પવિત્ર આત્માનાં ફળો બતાવે છે.—ગીતશાસ્ત્ર ૧:૧-૩.
૧૫ પાઊલે બધા જ ગુણો જણાવવા માટે ઉપયોગમાં લીધેલા શબ્દ “ફળ” વિષે વિચાર કરો. પવિત્ર આત્માથી કંઈ વિવિધ ફળો ઉત્પન્ન થતા નથી, કે જેમાંથી આપણે મનપસંદ ફળ પસંદ કરી શકીએ. પાઊલે બતાવેલાં બધાં જ ફળો, પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, નમ્રતા તથા સંયમ મહત્ત્વના છે. એ બધા જ ગુણો કેળવવાથી નવું ખ્રિસ્તી માણસપણું પહેરવું શક્ય બને છે. (એફેસી ૪:૨૪; કોલોસી ૩:૧૦) તેથી, આપણા સ્વભાવને કારણે આ ગુણોમાંના અમુક આપણામાં વધારે જોવા મળી શકે, તોપણ આપણે પાઊલે જણાવેલાં બધાં ફળો બતાવવા તરફ ધ્યાન આપીએ, એ બહુ મહત્ત્વનું છે. એમ કરીને, આપણે જીવનમાં ખ્રિસ્ત જેવા ગુણો વધારે સારી રીતે કેળવી શકીશું.—૧ પીતર ૨:૧૨, ૨૧.
૧૬ આપણે પાઊલની ચર્ચામાંથી એક મહત્ત્વનો બોધપાઠ શીખીએ છીએ. આપણે ખ્રિસ્તી પરિપક્વતા મેળવવા પૂરો પ્રયત્ન કરવાનો છે. પરંતુ, એની પાછળનો આપણો ધ્યેય ફક્ત જ્ઞાન મેળવવાનો કે ઉપરછલ્લા ગુણો કેળવવાનો નથી. એને બદલે, આપણો ધ્યેય પવિત્ર આત્માની પ્રેરણા આપણને કાયમ મળતી રહે એવો હોવો જોઈએ. આપણા વિચારો અને કાર્યોને જેટલા પવિત્ર આત્માની દોરવણી પ્રમાણે રાખીશું, એટલા જ વધારે આપણે આત્મિકતામાં પરિપક્વ બનીશું. આપણા આ ધ્યેયને કઈ રીતે મેળવી શકીએ? પરમેશ્વરના પવિત્ર આત્માની દોરવણી માટે, આપણે આપણા મન અને હૃદયને ખુલ્લાં રાખવા જોઈએ. એમાં નિયમિત સભાઓમાં જવાનો અને એમાં ભાગ લેવાનો સમાવેશ થાય છે. આપણે નિયમિત રીતે પરમેશ્વરના શબ્દ, બાઇબલનો અભ્યાસ અને મનન કરવું જ જોઈએ. વધુમાં, બીજાઓ સાથેના વ્યવહારમાં અને નિર્ણયો તથા પસંદગી કરતી વખતે બાઇબલના માર્ગદર્શન પ્રમાણે ચાલવું જોઈએ. એમ કરીને, આપણે ખરેખર પોતાની પ્રગતિ જોઈ શકીશું.
પરમેશ્વરના મહિમા માટે પ્રગતિ કરો
૧૭ છેવટે, આપણો પ્રગતિ કરવાનો ધ્યેય, પોતાને નહિ પરંતુ આપણા પરમેશ્વર યહોવાહને મહિમા આપવાનો છે. તેમના લીધે જ આપણે આત્મિક રીતે પરિપક્વ બની શકીએ છીએ. ઈસુને મારી નાખવામાં આવ્યા એની આગલી રાતે તેમણે શિષ્યોને કહ્યું, “તમે બહુ ફળ આપો, એમાં મારા બાપને મહિમા મળે છે; અને [એથી] તમે મારા શિષ્ય થશો.” (યોહાન ૧૫:૮) શિષ્યોએ પવિત્ર આત્માનાં ફળો વિકસાવીને પોતાના સેવાકાર્યનાં સારાં પરિણામોથી યહોવાહને મહિમા આપ્યો.—પ્રેરિતોનાં કૃત્યો ૧૧:૪, ૧૮; ૧૩:૪૮.
૧૮ આજે, યહોવાહનો આશીર્વાદ પોતાના લોકો પર છે, જેઓ આખી પૃથ્વી ફરતે આત્મિક કાપણી કરે છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી, લગભગ ૩,૦૦,૦૦૦ નવી વ્યક્તિઓ દર વર્ષે યહોવાહને પોતાનું સમર્પણ કરીને બાપ્તિસ્મા લે છે. એનાથી આપણને તો આનંદ થાય છે જ, પરંતુ યહોવાહના હૃદયને પણ એ આનંદ પમાડે છે. (નીતિવચનો ૨૭:૧૧) તેમ છતાં, એ આનંદ ચાલુ જ રહે અને યહોવાહની સ્તુતિ થતી રહે, એ માટે આ દરેક નવી વ્યક્તિઓ ‘ખ્રિસ્તમાં ચાલે, અને તેનામાં જડ ઘાલેલા તથા વિશ્વાસમાં દૃઢ રહે,’ એ ખૂબ જરૂરી છે. (કોલોસી ૨:૬, ૭) એ પરમેશ્વરના લોકો માટે બે પડકાર ઊભા કરે છે. એક બાજુ, તમે હમણાં જ બાપ્તિસ્મા લીધું હોય તો, શું તમે ‘તમારી પ્રગતિ સર્વેના જાણવામાં આવે’ માટે એ રીતે જીવવાના પડકારને સ્વીકારો છો? બીજી બાજુ, તમે લાંબા સમયથી સત્યમાં હોવ તો, શું તમે નવી વ્યક્તિઓના આત્મિક ભલા માટે કાળજી રાખવાની જવાબદારી ઉપાડશો? ગમે તે સંજોગો હોય, આપણે પરિપક્વતા તરફ પ્રગતિ કરતા રહીએ એ દેખીતું છે.—ફિલિપી ૩:૧૬; હેબ્રી ૬:૧.
૧૯ પ્રગતિ કરનારા દરેક માટે અદ્ભુત આશીર્વાદો રહેલા છે. પાઊલે તીમોથીને પ્રગતિ કરવા જણાવ્યું, ત્યાર પછીના શબ્દો યાદ કરો: “તારે પોતાને વિષે તથા તારા ઉપદેશ વિષે સાવધ રહેજે. આ બાબતોમાં ચુસ્ત રહેજે, કેમકે આ પ્રમાણે કરવાથી તું પોતાને તેમજ તારાં સાંભળનારાંઓને પણ તારીશ.” (૧ તીમોથી ૪:૧૬) તમારી પ્રગતિ કાર્યો દ્વારા જણાવા દઈને, તમે પણ યહોવાહ પરમેશ્વરના નામને મહિમા આપી શકો છો અને તેમના આશીર્વાદોનો આનંદ માણી શકો છો.
શું તમને યાદ છે?
• કઈ રીતોએ આપણે આત્મિક પરિપક્વતા બતાવી શકીએ?
• કયા પ્રકારનું જ્ઞાન અને સમજણ આત્મિક પરિપક્વતા બતાવે છે?
• કઈ રીતે ‘પવિત્ર આત્માનાં ફળ’ બતાવવાથી આત્મિક પ્રગતિ દેખાઈ આવે છે?
• આપણે આત્મિક પરિપક્વતા કેળવીએ છીએ તેમ, કયા પડકારોનો સામનો કરવા તૈયાર રહેવું જોઈએ?
[અભ્યાસ પ્રશ્નો]
૧. તમે કેવી રીતે કહી શકો કે ફળ પાકીને ખાવા માટે તૈયાર છે?
૨. કઈ રીતે પરિપક્વતા જોવા મળે છે અને એનાથી બીજાઓ સાથેના સંબંધ પર કઈ અસર પડે છે?
૩. ઈસુએ તેમના સમયના લોકોની પરિપક્વતા વિષે કેવું વર્ણન કર્યું?
૪. કઈ રીતોએ પ્રગતિ અને પરિપક્વતા જાણવામાં આવે છે?
૫. પરિપક્વતાની કઈ રીતે વ્યાખ્યા કરી શકાય?
૬, ૭. (ક) આપણે કઈ રીતે કહી શકીએ કે યહોવાહ, તેમના બધા જ સેવકો આત્મિક રીતે પરિપક્વ બને એમ ઇચ્છે છે? (ખ) આત્મિક પરિપક્વતા શાની સાથે જોડાયેલી છે?
૮. વિશ્વાસ અને જ્ઞાનમાં “ઐક્ય” મેળવવા શું જરૂરી છે?
૯. પાઊલે એફેસીઓને લખેલા પત્રમાં જણાવેલા “વિશ્વાસ” શબ્દનો શું અર્થ થાય છે?
૧૦. એફેસી ૪:૧૩ના ‘આપણે સહુ પ્રાપ્ત કરીએ ત્યાં સુધી’ શબ્દોનું શું મહત્ત્વ છે?
૧૧. (ક) આત્મિક રીતે પ્રગતિ કરવાનો શું અર્થ થાય છે? (ખ) પ્રગતિ કરવા માટે આપણે શું કરવું જોઈએ?
૧૨. આત્મિક પ્રગતિ માટે, આપણે પવિત્ર આત્માનાં ફળો બતાવીએ એ શા માટે મહત્ત્વનું છે?
૧૩. કયા ફેરફારો વ્યક્તિની પ્રગતિ બતાવે છે?
૧૪. “દેહનાં કામ” અને ‘પવિત્ર આત્માનાં ફળ’ એટલે શું એ સમજાવો.
૧૫. ‘પવિત્ર આત્માનાં’ બધાં જ ફળ બતાવવા તરફ ધ્યાન આપીએ એ શા માટે મહત્ત્વનું છે?
૧૬. પરિપક્વ ખ્રિસ્તી બનવા પાછળ આપણો ધ્યેય શું હોવો જોઈએ અને એ કઈ રીતે મેળવી શકીએ?
૧૭. આપણે પ્રગતિ કરીએ એમાં કઈ રીતે યહોવાહને મહિમા મળે છે?
૧૮. (ક) આજે કઈ આનંદી કાપણી થઈ રહી છે? (ખ) એ કાપણી આજે કયા પડકારો લાવે છે?
૧૯. તમે તમારી પ્રગતિ જણાવા દેશો તો, કયા આશીર્વાદો અને આનંદ માણશો?
[પાન ૧૩ પર ચિત્ર]
પાકાં ફળોની જેમ, પરિપક્વતા સ્પષ્ટ દેખાઈ આવે છે
[પાન ૧૫ પર ચિત્ર]
વધતા જતા સત્યના માર્ગમાં મંડ્યા રહીને આપણે આત્મિક પ્રગતિ કરીએ છીએ
[પાન ૧૭ પર ચિત્ર]
પ્રાર્થના આપણને ‘પવિત્ર આત્માનાં ફળો’ વિકસાવવામાં મદદ કરે છે