મીઠી વાણી જીવનનું ઝાડ છે
“તમારા મુખમાંથી કંઈ મલિન વચન નહિ, પણ જે ઉન્નતિને સારૂ આવશ્યક હોય તેજ નીકળે, કે તેથી સાંભળનારાઓનું કલ્યાણ થાય.”—એફેસી ૪:૨૯.
‘મનુષ્યની વાણી એક ચમત્કાર છે; ઈશ્વરે આપેલું એ વરદાન છે,’ એવું એક લેખકે કહ્યું. આપણે કદાચ એ ભેટનો બહુ વિચાર કરતા ન હોઈએ. (યાકૂબ ૧:૧૭) પરંતુ કોઈને સ્ટ્રોક આવે કે પક્ષઘાત થાય ત્યારે, એક પળમાં જ તેની વાણી છીનવાઈ જઈ શકે! દાખલા તરીકે, જોઆનનો વિચાર કરો. તેના પતિને થોડા સમય પહેલા જ સ્ટ્રોક આવ્યો અને તેમની વાણી જતી રહી. જોઆન કહે છે: “અમે બંને વાતો કરતા કદી થાકતા જ નહિ. પણ હવે . . , હવે મારી સાથે કોણ વાતો કરશે!”
૨ એકબીજા સાથે વાતો કરવાથી સારા સંબંધો બંધાય છે, ગેરસમજ દૂર થાય છે, દિલાસો આપી શકાય છે તેમ જ આપણી શ્રદ્ધા પણ વધે છે. ખરેખર, વાણી એ જીવનની દોર છે. જો કે આ બધું કંઈ આપોઆપ જ થઈ જતું નથી. ચતુર રાજા સુલેમાને કહ્યું: “વગર વિચાર્યું બોલવું તરવારના ઘા જેવું છે; પણ જ્ઞાનીની જીભ આરોગ્યરૂપ છે.” (નીતિવચનો ૧૨:૧૮) તો પછી, યહોવાહ પરમેશ્વરના ભક્તોની વાણી કેવી હોવી જોઈએ? આપણી વાણી કડવી ઝેર જેવી નહિ, પણ ઊનાળાના ધોમધખતા તાપમાં ઠંડા પાણી જેવી હોવી જોઈએ. ખાસ તો આપણી વાણીથી યહોવાહનું નામ રોશન કરતા રહીએ, ભલેને આપણે ગમે ત્યાં વાતો કરતા હોઈએ. તેથી જ ગીતો લખનાર એક કવિએ કહ્યું: “આખો દિવસ અમે દેવની સહાયને લીધે ફુલાશ મારી છે, અમે સદાકાળ તારા નામની ઉપકારસ્તુતિ કરીશું.”—ગીતશાસ્ત્ર ૪૪:૮.
૩ “જીભને કોઈ માણસ વશ કરી શકતું નથી,” એમ ઈશ્વર ભક્ત યાકૂબ કહે છે. તેમ જ, તે કહે છે કે “આપણે સઘળા ઘણી બાબતમાં ભૂલ કરીએ છીએ. જો કોઈ બોલવામાં ભૂલ કરતો નથી, તો તે સંપૂર્ણ માણસ છે, અને પોતાના આખા શરીરને પણ અંકુશમાં રાખવાને શક્તિમાન છે.” (યાકૂબ ૩:૨, ૮) ખરેખર, આપણે અજાણતા જ કેટલાય લોકોનું મન દુભાવ્યું હશે. અરે, કદાચ આપણી વાણીને લીધે યહોવાહે નીચું જોવું પડ્યું હોય શકે! એટલે જ વિચારો, ‘શું મારી વાણી તરવારના ઘા જેવી છે, કે પછી કોઈ ઘા પર ઠંડક આપનારા ક્રીમ જેવી છે?’ ઈસુએ કહ્યું: “માણસો જે હરેક નકામી વાત બોલશે, તે સંબંધી ન્યાયકાળે તેઓને જવાબ આપવો પડશે. કેમકે તારી વાતોથી તું ન્યાયી ઠરાવાશે, અને તારી વાતોથી તું અન્યાયી પણ ઠરાવાશે.” (માત્થી ૧૨:૩૬, ૩૭) હા, વાણીનો ઉપયોગ કરવામાં, આપણે જેવું વાવીશું એવું જ લણીશું!
૪ તમને થશે કે મારે કાયમ સારું જ બોલવું છે, કદી કોઈની તારી-મારી કરવી નથી કે કોઈના દિલને દુઃખ પહોંચે એવું કંઈ કહેવું નથી. પરંતુ, શું એ શક્ય છે? આવો, આપણે સાથે આ લેખ જોઈએ અને જાણીએ.
આપણા દિલમાં શું છે?
૫ “જે મનમાં છે તે જ મુખમાંથી બહાર આવે છે,” ઈસુએ કહ્યું. (માત્થી ૧૨:૩૪, પ્રેમસંદેશ) ખરેખર, જે હૈયામાં ભર્યું હશે, એ જ હોઠે આવશે. તેથી, આપણે મનમાં વિચારીએ: ‘ભાઈ-બહેનો કે સગા-વહાલા સાથે હું શાના વિષે વાતો કરું છું? શું હું ક્રિકેટ વિષે, સાડી કે સૂટ વિષે, ફિલ્મી જગત વિષે, કે ઘરમાં શું નવું વસાવ્યું છે એના વિષે વાતો કરું છું?’ આપણે આવી નાની-નાની વાતોની જાળમાં ફસાઈ જઈ શકીએ છીએ. એના બદલે, કેમ નહિ કે જીવનમાં કાયમી લાભો લાવનારી વાતો પહેલા મૂકીએ!—ફિલિપી ૧:૧૦.
૬ રાજા દાઊદે પોતાના ગીતમાં કહ્યું: “હે યહોવાહ, . . . મારા મુખના શબ્દો તથા મારા હૃદયના વિચારો તારી આગળ માન્ય થાઓ.” (ગીતશાસ્ત્ર ૧૯:૧૪) બીજા એક ગીતના રચનાર આસાફે કહ્યું: ‘હું તારા સર્વ કામોનું મનન કરીશ, અને તારાં કાર્યો વિષે વિચાર કરીશ.’ (ગીતશાસ્ત્ર ૭૭:૧૨) યિર્મેયાહ પણ યહોવાહ વિષે જે શીખ્યા હતા, એ બોલ્યા વગર રહી શક્યા નહિ. (યિર્મેયાહ ૨૦:૯) આ ભક્તોએ ફક્ત યહોવાહની જ વાતો પર મનન કરવાનું નક્કી કર્યું, જેનાથી દિલ સારી વાતોથી ભરાય. જેમ બૅન્કમાં આપણા ખાતામાં પૈસા આપોઆપ આવી જતા નથી, તેમ યહોવાહનું અનમોલ જ્ઞાન પણ આપોઆપ આવી જતું નથી. યહોવાહ એ જ્ઞાન ઉદાર હાથે આપે છે, પણ એનો કેટલો લાભ લઈએ એ આપણા પર છે. તેથી, આપણે પણ યહોવાહની વાતોથી મનને ભરી દઈએ.—૧ તીમોથી ૪:૧૫.
૭ સંમેલનો, મિટિંગો, નવા નવા નીકળતા આપણાં મેગેઝિનો અને લીટરેચર, દરરોજનું વચન અને તેની ચર્ચાનો વિચાર કરો. આ બધા જાણે કે હીરા-મોતીની ખાણ જેવા છે. (માત્થી ૧૩:૫૨) એમાંથી દરરોજ શીખીને આપણે બીજાની સાથે મઝાની વાતોનો આનંદ માણી શકીએ. (ફિલિપી ૩:૧૬) વળી, પ્રચારમાં થયેલા અનુભવોથી પણ આપણને કેવી તાજગી મળે છે!
૮ બીજા કયા વિષયો પર વાતો કરી શકાય? સુલેમાન રાજાને ઈસ્રાએલના જાતજાતનાં ઝાડ, પ્રાણીઓ, પક્ષીઓ અને માછલીઓ વિષે વાત કરવાનો શોખ હતો. (૧ રાજાઓ ૪:૩૩) આમ તે સર્વને બનાવનાર, યહોવાહની વાહ વાહ કરતા હતા. યહોવાહના સેવકો પાસે જાતજાતના વિષયો છે, જેના વિષે વાતો કરીને યહોવાહનું નામ રોશન કરી શકાય છે.—૧ કોરીંથી ૨:૧૩.
“આ બાબતોનો વિચાર કરો”
૯ પ્રેષિત પાઊલે ફિલિપીના ભાઈ-બહેનોને સલાહ આપી: “જે કંઈ સત્ય, જે કંઈ સન્માનપાત્ર, જે કંઈ ન્યાયી, જે કંઈ શુદ્ધ, જે કંઈ પ્રેમપાત્ર, જે કંઈ સુકીર્તિમાન છે; જો કોઈ સદ્ગુણ કે જો કોઈ પ્રશંસા હોય, તો આ બાબતોનો વિચાર કરો.” (ફિલિપી ૪:૮) આ વાતો બહુ મહત્ત્વની હતી, એટલે જ પાઊલ ‘એ બાબતોનો વિચાર કરતા રહેવાનું’ કહે છે. તો ચાલો આપણે એ આઠ બાબતોની ચર્ચા કરીએ. એનાથી આપણી વાણીમાં મધ જેવી મીઠાશ ઉમેરવા મદદ મળશે.
૧૦ ‘જે કંઈ સત્ય હોય,’ એટલે શું? એનો અર્થ કે કોઈ વાત સો ટકા સાચી હોય. દાખલા તરીકે, પવિત્ર શાસ્ત્ર બાઇબલ. જ્યારે આપણે બીજાને બાઇબલમાંથી સમજાવીએ કે સલાહ આપીએ, ત્યારે આપણે તેઓને જે સત્ય છે એ જણાવી રહ્યા છીએ. એ જ સમયે આપણે પોતે અસલી-નકલી પારખીએ, એટલે “જેને ભૂલથી જ્ઞાન કહેવામાં આવે છે,” એની જાળમાં ન ફસાઈએ. (૧ તીમોથી ૬:૨૦) વળી, આપણે તારી-મારી ન કરીએ કે કોઈ અનુભવો સાંભળીને, એમાં મીઠું-મરચું ભભરાવીને વાતો ન કરીએ.
૧૧ જીવનમાં જે કંઈ સન્માન કે આદરને યોગ્ય હોય એ કંઈ નાની-સૂની વાત હોતી નથી. એમાં પ્રચાર કાર્ય, આ છેલ્લા દિવસો, અને આપણા વાણી અને વર્તનનો સમાવેશ થાય છે. એવી બાબતોની ચર્ચા કરીને આપણે મનમાં પાક્કો નિર્ણય બાંધીએ છીએ કે, ભલે જીવનમાં ગમે એવું તોફાન આવે, પણ આપણે યહોવાહને બેવફા નહિ થઈએ. આજે પ્રચારમાં થતા અનુભવો અને દુનિયાના બનાવો સાબિત કરી આપે છે કે આ છેલ્લા દિવસો છે. એવા સમયે આવી વાતો કેટલું ઉત્તેજન આપે છે, ખરું ને!—પ્રેરિતોનાં કૃત્યો ૧૪:૨૭; ૨ તીમોથી ૩:૧-૫.
૧૨ ન્યાયી શબ્દનો અર્થ થાય, કે જે પરમેશ્વરની નજરમાં ખરું હોય. તેથી, ચાલો આપણે પરમેશ્વરે આપેલા સંસ્કારને જ વળગી રહીએ. શુદ્ધ હોવું એટલે કે વિચાર અને વર્તનમાં ચોખ્ખા દિલના હોવું. તારી-મારી, ગંદા જોક્સ, કે કોઈ ચેનચાળા આપણી વાતોમાં જરાય ન ચાલે. (એફેસી ૫:૩; કોલોસી ૩:૮) નોકરી-ધંધા પર કે સ્કૂલે એવી કોઈ વાતો થવા માંડે તો, આપણે જેમ ઝેરી હવાથી તરત જ દૂર નાસી જઈશું, એમ ત્યાંથી ખસી જઈએ.
૧૩ પાઊલે પ્રેમપાત્ર વાતોનો વિચાર કરતા રહેવાનું કહ્યું. એટલે કે એવી વાતો જે ખુશી લાવે, જે એકબીજા પર પ્રેમનો વરસાદ વરસાવે. પરંતુ, મનમાં ભરેલા ક્રોધ અને કડવાશ લડાઈ-ઝગડા કરાવે છે. જે કંઈ સુકીર્તિમાન છે, એટલે શું? એટલે કે એવી કોઈ માહિતી જે વખાણવા લાયક હોય. એમાં આપણા વહાલા ભાઈ-બહેનોના અનુભવો હોય શકે, જે આપણા ચોકીબુરજ અને સજાગ બનો! મેગેઝિનોમાં આવે છે. શું એવો કોઈ અનુભવ તમારા દિલના તાર ઝણઝણાવી ગયો છે? તો પછી એના વિષે ભાઈ-બહેનો સાથે વાત કરો, જેનાથી તેઓને પણ ઉત્તેજન મળશે. તેમ જ, કોઈ ભાઈ-બહેનને સત્યમાં પ્રગતિ કરતા જોઈને શું તમને આનંદ નથી થતો? આવી બધી વાતો કરવાથી આપણી વચ્ચે પ્રેમ અને સંપ વધે છે.
૧૪ પાઊલ એમ પણ જણાવે છે કે ‘જો કોઈ સદ્ગુણ હોય.’ સદ્ગુણ એટલે કે સારો સ્વભાવ કે સંસ્કાર. આપણે હંમેશાં સમજી વિચારીને બોલવાનો પ્રયત્ન કરવો જોઈએ. જેથી, આપણે પવિત્ર શાસ્ત્રના સિદ્ધાંતોની વિરુદ્ધ ન જઈએ પણ સચ્ચાઈથી, શુદ્ધતાથી અને સદ્ગુણોથી જીવીએ. પ્રશંસા કરવી એટલે કે કોઈના દિલથી વખાણ કરવા. તમે મંડળમાં કોઈ ભાઈ-બહેનોની સરસ ટૉક સાંભળો તો તરત જ તેઓના વખાણ કરો. તેમ જ, કોઈ ભાઈ અથવા બહેન પૂરા દિલથી યહોવાહની સેવા કરી રહ્યા હોય, તો કેમ નહિ કે તેમને ઉત્તેજન આપો. વળી, તેઓનો આ સરસ નમૂનો બીજાને પણ જણાવો. પ્રેષિત પાઊલે ભાઈ-બહેનોના અનમોલ મોતી જેવા સદ્ગુણોના વખાણ કરવાની કચાશ રાખી ન હતી. (રૂમીઓને પત્ર ૧૬:૧૨; ફિલિપી ૨:૧૯-૨૨; ફિલેમોન ૪-૭) વળી ઝાડ-પાન, કળા કરતો મોર, ખિલખિલાટ હસતું બાળક જોઈને, તમને ઈશ્વરના વખાણ કરવાનું મન નથી થતું?—નીતિવચનો ૬:૬-૮; ૨૦:૧૨; ૨૬:૨.
એકબીજાને ઉત્તેજન આપતા રહો
૧૫ “આ જે વચનો હું આજે તને ફરમાવું છું તે તારા અંતઃકરણમાં ઠસી રહે; અને તે તું ખંતથી તારાં છોકરાંને શીખવ, ને જ્યારે તું ઘરમાં બેઠો હોય, ને જ્યારે તું રસ્તે ચાલતો હોય, ને જ્યારે તું સૂઈ જાય ને જ્યારે તું ઊઠે, ત્યારે તે વિષે વાત કર.” (પુનર્નિયમ ૬:૬, ૭) આ કલમો જણાવે છે તેમ, માબાપે પોતાનાં લાડલાં બાળકોને યહોવાહ વિષે શીખવતા રહેવાનું છે.
૧૬ હવે જરા કલ્પના કરો: ઈસુ પૃથ્વી પર આવવાના હતા, એ વિષે તેમની અને યહોવાહની વચ્ચે કેટલી બધી વાતો થઈ હશે. એટલે જ ઈસુએ જણાવ્યું, કે “મારે શું કહેવું, અને મારે શું બોલવું, એ વિષે જે બાપે મને મોકલ્યો છે તેણે મને આજ્ઞા આપી છે.” (યોહાન ૧૨:૪૯; પુનર્નિયમ ૧૮:૧૮) વળી, ઈબ્રાહીમ અને તેના કુટુંબ પર યહોવાહની અપાર કૃપા હતી. એના વિષે ઈબ્રાહીમે પોતાના વહાલા પુત્ર, ઈસ્હાકની સાથે કેટલી બધી વાતો કરી હશે. એવી વાતચીતોથી, ઈસુ અને ઈસ્હાક બંનેને યહોવાહની ભક્તિ પૂરા તન અને મનથી કરવા મદદ મળી.—ઉત્પત્તિ ૨૨:૭-૯; માત્થી ૨૬:૩૯.
૧૭ તો પછી, શું આપણે પોતાનાં વહાલાં બાળકો જોડે એવી જ રીતે વાતો કરવાની જરૂર નથી? માબાપે આવી વાતચીતનો દોર જાળવી રાખવાના પ્રસંગો ગોઠવવા જોઈએ. જેમ કે, શક્ય હોય તો દિવસમાં એક વાર તો સાથે જમવું જ જોઈએ. આવા સમયે ખાવા-પીવાની સાથે સાથે વાતો કરવાનો સોનેરી મોકો પણ મળે છે. જેમ વધારે વાતચીત થાય, એમ કુટુંબ એક બનીને યહોવાહની સેવામાં દૃઢ બની શકે છે.
૧૮ આલેખાન્દ્રોનો વિચાર કરો. તે વીસેક વર્ષનો પાયોનિયર ભાઈ છે. તે ૧૪ વર્ષનો હતો ત્યારે તેના મનમાં જે શંકાઓ હતી, એ વિષે કહે છે: “મારા ટીચર અને ફ્રેન્ડ્સના લીધે મને થતું કે શું ખરેખર ઈશ્વર છે? શું બાઇબલમાં સત્ય છે? એના વિષે મારા મમ્મી-પપ્પાએ ઘણી વાર શાંતિથી વાતચીત કરી. એનાથી મારી શંકાઓ દૂર થઈ, અને જીવનમાં ખરા નિર્ણયો લેવા પણ મદદ મળી.” તે કહે છે: “હું મારા મમ્મી-પપ્પા સાથે જ રહું છું. પણ બીઝી હોવાને કારણે મને અને પપ્પાને એકલા વાત કરવાનો ચાન્સ મળતો નથી. તેથી, અમે પપ્પાના કામે અઠવાડિયામાં એકવાર સાથે જમીએ છીએ. એ સમય મારે માટે અમૂલ્ય છે.”
૧૯ એ જ રીતે, શું આપણને વહાલા ભાઈ-બહેનો સાથે પણ વાતો કરવાની મઝા આવતી નથી? મિટિંગમાં, પ્રચારમાં કે કોઈ બીજા પ્રસંગોએ ભેગા મળીએ ત્યારે, જાણે કે ‘આવજો’ કહેવાનું મન જ થતું નથી. પાઊલ રોમ જતા હતા ત્યારે, તેમને પણ એવું જ લાગ્યું: “હું તમને જોવાની બહુ ઇચ્છા રાખું છું, જેથી . . . અરસપરસ એકબીજાના વિશ્વાસથી, તમારા અને મારા વિશ્વાસથી, હું તમારી સાથે તમારામાં દિલાસો પામું.” (રૂમીઓને પત્ર ૧:૧૧, ૧૨) યોહાનાસ નામના એક વડીલ કહે છે: ‘વહાલા ભાઈ-બહેનો સાથે યહોવાહની સેવા વિષે વાતો કરવાથી, મને ખૂબ જ ઉત્તેજન મળે છે. એનાથી મારા હૈયે જાણે ટાઢક વળે છે, અને દિવસની ચિંતાઓ જાણે વરાળની જેમ ગૂમ થઈ જાય છે. હું મોટી ઉંમરનાને પૂછું છું કે તેઓ કઈ રીતે જીવનની ચડતી અને પડતીમાં યહોવાહને વળગી રહ્યા. તેઓના અનુભવોએ મારા જીવનમાં અનેક રંગો ભર્યા છે.”
૨૦ પરંતુ, તમને યહોવાહની સેવા વિષે વાત કરવી હોય ત્યારે, કોઈને એમાં બહુ રસ ન હોય તો શું? વાંધો નહિ, હિંમત ન હારો, કોઈ બીજી વાર વાત કરશે. સુલેમાને કહ્યું કે, “પ્રસંગને અનુસરીને બોલેલો શબ્દ રૂપાની ટોપલીમાંનાં સોનાનાં ફળ જેવો છે.” (નીતિવચનો ૨૫:૧૧) વળી, કોઈનો સ્વભાવ શરમાળ પણ હોય શકે. પરંતુ, “અક્કલ [કોઈ વાત] માણસના મનમાં ઊંડા પાણી જેવી છે; પણ સમજણો માણસ તેને બહાર કાઢી લાવશે.”a (નીતિવચનો ૨૦:૫) તેમ જ, યહોવાહની સેવામાં તમારા દિલને જેનાથી પ્રેરણા મળી હોય, એ સાંભળીને કોઈ શું કહેશે એની તમે ચિંતા ન કરો.
મીઠી વાણી જીવનનું ઝાડ
૨૧ “તમારા મુખમાંથી કંઈ મલિન વચન નહિ, પણ જે ઉન્નતિને સારૂ આવશ્યક હોય તેજ નીકળે, કે તેથી સાંભળનારાઓનું કલ્યાણ થાય.” (એફેસી ૪:૨૯; રૂમીઓને પત્ર ૧૦:૧૦) ખરેખર, મીઠી વાણી હંમેશાં બીજાનું ભલું જ કરે છે. તેથી, આપણે કાયમ એવી વાણી બોલતા રહીએ. યહોવાહની ભક્તિને લગતી વાતો તો જીવનનું ઝાડ છે, જેની છાયા નીચે આપણે સંપ-સંપીને રહી શકીએ છીએ.
૨૨ તેથી, ચાલો આપણને મળેલી વાણીના વરદાનથી બીજાને મનની શાંતિ આપીએ. એ વરદાન આપનાર યહોવાહની ભક્તિ કરીને આપણે તેમનું દિલ ખુશ કરીએ. (ગીતશાસ્ત્ર ૧૩૯:૪; નીતિવચનો ૨૭:૧૧) આ રીતે યહોવાહનું નામ રોશન કરતા રહીશું તો, તેમને આપણા પર ગર્વ થશે. બાઇબલ જણાવે છે કે, “યહોવાહનો ભય રાખનારાઓએ એકબીજા સાથે વાત કરી; અને યહોવાહે તે ધ્યાન દઈને સાંભળ્યું, અને યહોવાહનું ભય રાખનારાઓને સારૂ તથા તેના નામનું ચિંતન કરનારાઓને સારૂ યાદીનું પુસ્તક તેની હજૂરમાં લખવામાં આવ્યું.” (માલાખી ૩:૧૬; ૪:૫) તેથી, ચાલો આપણે ધ્યાન રાખીએ કે આપણી વાણી યહોવાહને ગમે એવી મીઠી હોય!
[ફુટનોટ્સ]
a ઈસ્રાએલના અમુક કૂવા ઘણા ઊંડા હતા. સંશોધકોએ ગિબઓનમાં લગભગ ૨૫ મીટર ઊંડો એક મોટો કૂવો શોધી કાઢ્યો. એમાંથી પાણી ભરવા નીચે ઉતરવાનાં પગથિયાં છે.
તમે શું કહેશો?
• આપણી વાતચીત પરથી શું દેખાય આવે છે?
• આપણે શાના વિષે વાતો કરી શકીએ છીએ?
• કુટુંબમાં અને મંડળમાં વાતચીત શા માટે મહત્ત્વની છે?
• યહોવાહને ગમતી મીઠી વાણી બોલવાના શું લાભ છે?
[અભ્યાસ પ્રશ્નો]
૧, ૨. (ક) મનુષ્યની વાણી કેટલી કિંમતી છે? (ખ) યહોવાહના ભક્તો પોતાની વાણીથી શું કરતા હોવા જોઈએ?
૩, ૪. (ક) આપણા બધાને જ કઈ મુશ્કેલી છે? (ખ) શા માટે આપણે બોલતા પહેલાં બે વાર વિચારવું જોઈએ?
૫. કઈ રીતે વાતચીતમાં આપણું મન મોટો ભાગ ભજવે છે?
૬. મનન કરવાથી આપણી વાતચીત પર શું અસર પડી શકે?
૭, ૮. કેવા કેવા વિષયો પર વાતો કરી શકાય?
૯. પાઊલે ફિલિપીના ભાઈ-બહેનોને શું જણાવ્યું?
૧૦. આપણી વાતોમાં જે કંઈ સત્ય છે એ કઈ રીતે દેખાઈ આવવું જોઈએ?
૧૧. માનને યોગ્ય કઈ વાતો આપણે કરી શકીએ?
૧૨. જે કંઈ ન્યાયી અને શુદ્ધ હોય એના પર વિચારતા રહેવા શું કરવું જોઈએ?
૧૩. પ્રેમપાત્ર અને વખાણવા લાયક વાતોના ઉદાહરણ આપો.
૧૪. (ક) આપણે કઈ રીતે સદ્ગુણો બતાવી શકીએ? (ખ) આપણે શાના વખાણ કરી શકીએ?
૧૫. પવિત્ર શાસ્ત્ર માબાપને કઈ જવાબદારી આપે છે?
૧૬, ૧૭. યહોવાહ પરમેશ્વર અને ઈબ્રાહીમ પાસેથી માબાપ શું શીખી શકે?
૧૮. માબાપ અને બાળકો વચ્ચે વાતચીત કેટલી જરૂરી છે, એનો અનુભવ જણાવો.
૧૯. યહોવાહની સેવા વિષે શા માટે આપણે એકબીજા સાથે વાતો કરવી જોઈએ?
૨૦. કોઈ શરમાળ હોય તો આપણે શું કરી શકીએ?
૨૧, ૨૨. યહોવાહને ગમતી વાણી બોલવાથી આપણને શું લાભ થશે?
[પાન ૧૨ પર ચિત્ર]
તમે શાના વિષે વાતો કરશો?
‘જે કંઈ સત્ય હોય’
‘જે કંઈ સન્માનપાત્ર હોય’
‘જો કોઈ પ્રશંસા હોય’
‘જે કંઈ સુકીર્તિમાન હોય’
[ક્રેડીટ લાઈન]
વીડિઓ પર, સ્ટાલીન: U.S. Army photo; Creator book cover, Eagle Nebula: J. Hester and P. Scowen (AZ State Univ.), NASA
[પાન ૧૩ પર ચિત્ર]
જમવાનો સમય વાતચીતનો સોનેરી મોકો આપે છે