શું તમે તકરારનો હલ લાવીને શાંતિ જાળવશો?
યહોવા ઈશ્વર ચાહે છે કે તેમના ભક્તો શાંતિનો આનંદ માણે અને એકબીજા સાથે શાંતિ જાળવવા મહેનત કરે. તેઓ એમ કરે છે ત્યારે, મંડળમાં શાંતિ જળવાઈ રહે છે. એ શાંતિ જોઈને ઘણા લોકો મંડળ તરફ આકર્ષાય છે.
દાખલા તરીકે, માડાગાસ્કરમાં રહેતા એક ભૂવાએ યહોવાના લોકો વચ્ચેની શાંતિ જોઈ અને વિચાર્યું, ‘જો મારે કોઈ ધર્મ પાળવાનો હોય, તો હું આ જ ધર્મ પાળીશ.’ સમય જતાં, તેણે દુષ્ટ દૂતોની ભક્તિ કરવાનું છોડી દીધું, લગ્નજીવનમાં ફેરફારો કર્યા અને શાંતિદાતા યહોવાની ઉપાસના શરૂ કરી.
એ માણસની જેમ, દર વર્ષે હજારો લોકો ખ્રિસ્તી મંડળનો ભાગ બને છે અને જેની શોધમાં હતા, એ શાંતિ મેળવે છે. પણ, બાઇબલ જણાવે છે કે, “અદેખાઈ અને ઝઘડાની ભાવના”ને લીધે મંડળમાં સંબંધો વણસી જઈ શકે અને સમસ્યાઓ ઊભી થઈ શકે. (યાકૂ. ૩:૧૪-૧૬) પણ, એવી સમસ્યાઓ ટાળવા અને ભાઈ-બહેનો સાથે શાંતિ જાળવવા બાઇબલમાં સરસ સલાહ આપવામાં આવી છે. ચાલો જોઈએ કે, એ સલાહથી અમુકને કેવો ફાયદો થયો છે.
સમસ્યા અને ઉકેલ
‘મારી સાથે કામ કરનાર એક ભાઈ જોડે મારે બનતું નહિ. એક વખતે અમે ઝઘડી પડ્યા અને બે લોકો અમને જોઈ ગયા. તેઓએ જોયું કે અમે ગુસ્સામાં લાલચોળ હતા.’—ક્રિસ.
‘હું જે બહેન સાથે અવારનવાર પ્રચારમાં જતી હતી, તેણે એકદમ જ મારી સાથે આવવાનું બંધ કરી દીધું. પછી વાત કરવાનું પણ છોડી દીધું. ખબર નહિ, તેણે કેમ એવું કર્યું.’—જેનેટ.
‘હું કૉન્ફરન્સ કોલમાં બે ભાઈઓ સાથે વાત કરી રહ્યો હતો. એકે કહ્યું, “આવજો.” મને લાગ્યું કે તેમણે ફોન મૂકી દીધો છે. પછી, જે ભાઈ ફોન પર જોડાયેલા હતા તેમની આગળ મેં પેલા ભાઈની ચાડી કરી. પરંતુ, પેલા ભાઈ હજી પણ ફોન પર હતા.’—માઇકલ.
‘અમારા મંડળમાં બે પાયોનિયર બહેનોના સંબંધો ધીરે ધીરે બગડવા લાગ્યા. એકે બીજીને ખખડાવી નાંખી. તેઓના ઝઘડાથી બીજાઓને ઠેસ પહોંચી.’—ગેરી.
આ સમસ્યાઓ બહુ ગંભીર ન હોય એવું લાગે. પણ, એના લીધે વ્યક્તિના દિલ પર કાયમી ઘા પડી શકે અને મંડળની શાંતિ જોખમમાં આવી શકે. ખુશીની વાત છે કે, એ ભાઈ-બહેનોએ બાઇબલના સિદ્ધાંતો લાગુ પાડ્યા અને સુલેહ-શાંતિ કરી. તમને શું લાગે છે, કયા બાઇબલ સિદ્ધાંતોએ તેઓને મદદ કરી હશે?
“માર્ગે લડી પડતા નહિ.” (ઉત. ૪૫:૨૪) યુસફના ભાઈઓ જ્યારે પિતા યાકૂબ પાસે પાછા ફરી રહ્યા હતા ત્યારે, યુસફે તેઓને એ ડહાપણભરી સલાહ આપી હતી. વ્યક્તિ જ્યારે લાગણીઓને કાબૂમાં રાખતી નથી અને જલદીથી ચિડાઈ જાય છે, ત્યારે વાતનું વતેસર થઈ જાય છે. એનાથી બીજાઓ પણ ગુસ્સે ભરાઈ શકે. ક્રિસને ખ્યાલ આવ્યો કે, તેમના માટે અમુક વાર નમ્રતા બતાવવી અને માર્ગદર્શનને પાળવું અઘરું બનતું. તે પોતાનામાં સુધારો કરવા ચાહતા હતા. તેથી, તેમણે એ ભાઈની માફી માંગી જેમની સાથે તકરાર થઈ હતી. પછી, પોતાના ગુસ્સાને કાબૂમાં રાખવા તેમણે સખત મહેનત કરી. સાથી ભાઈએ જ્યારે જોયું કે, સુધારો કરવા ક્રિસ મહેનત કરી રહ્યા છે, ત્યારે તેમણે પણ એમ કર્યું. હવે તેઓ ભેગા મળીને શાંતિથી યહોવાની સેવા કરે છે.
“સલાહ લીધા વગરના ઇરાદા રદ જાય છે.” (નીતિ. ૧૫:૨૨) જેનેટની બહેનપણીએ અબોલા લીધા ત્યારે, જેનેટે બાઇબલનો એ સિદ્ધાંત લાગુ પાડવાનું નક્કી કર્યું. તે બહેન પાસે ગઈ અને તેની સાથે વાત કરી. તેણે પૂછ્યું કે તેનાથી એવી કઈ ભૂલ થઈ છે, જેના લીધે તે નારાજ થઈ ગઈ છે. શરૂઆતમાં, બંનેને વાત કરવી અઘરું લાગ્યું. પણ, શાંતિથી વાત કરતા ગયા તેમ પોતાનું દિલ ઠાલવી શક્યા. ભૂતકાળમાં બનેલી કોઈ વાતને લઈને બહેનને ખોટું લાગ્યું હતું. વાતચીત પછી તેને ખ્યાલ આવ્યો કે તેને ગેરસમજ થઈ છે અને હકીકતમાં જેનેટનો કોઈ જ વાંક ન હતો. તેણે જેનેટની માફી માંગી. તેઓ બંને હવે સારી બહેનપણીઓ છે અને સાથે મળીને યહોવાની સેવા કરે છે.
“એટલે, જો તમે વેદી પાસે અર્પણ લઈને જાઓ અને યાદ આવે કે તમારો ભાઈ તમારાથી નારાજ છે, તો તમારું અર્પણ ત્યાં વેદીની આગળ મૂકી દો અને જાઓ. પહેલા તમારા ભાઈ સાથે સુલેહ-શાંતિ કરો.” (માથ. ૫:૨૩, ૨૪) ઈસુએ આ સલાહ પહાડ પરના ઉપદેશમાં આપી હતી. માઇકલને બીજા ભાઈની નિંદા કર્યા પછી ખૂબ જ ખરાબ લાગ્યું. તેમણે નક્કી કર્યું કે આ પરિસ્થિતિને સુધારવા તે બનતું બધું જ કરશે. તેથી તે એ ભાઈ પાસે ગયા અને તેમની માફી માંગી. પછી શું થયું? માઇકલ કહે છે, ‘મારા ભાઈએ મને દિલથી માફ કરી દીધો.’ તેઓ ફરીથી મિત્રો બની ગયા.
“એકબીજાનું સહન કરો અને જો કોઈની વિરુદ્ધ ફરિયાદ કરવાનું કારણ હોય, તોપણ એકબીજાને દિલથી માફ કરો.” (કોલો. ૩:૧૨-૧૪) ચાલો, એ બે પાયોનિયર વિશે જોઈએ જેઓ પ્રચારમાં ઝઘડી પડી હતી. એક વડીલે પ્રેમાળ રીતે તેઓને એ જોવા મદદ કરી કે, તેઓના લીધે મંડળના લોકોને ઠેસ પહોંચે છે અને તેઓ પરેશાન થાય છે. તેમણે યાદ અપાવ્યું કે, તેઓએ એકબીજા સાથે ધીરજથી વર્તવું જોઈએ અને મંડળમાં શાંતિ જાળવવા મદદ કરવી જોઈએ. તેઓએ રાજીખુશીથી ભાઈની સલાહ લાગુ પાડી. હવે તેઓ ખભેખભા મિલાવીને ખુશખબર ફેલાવે છે.
એવી જ સલાહ કોલોસીઓ ૩:૧૨-૧૪માં જોવા મળે છે. એનાથી નમ્ર બનવા, માઠું લગાડનારને માફ કરવા અને વાતને ભૂલી જવા મદદ મળે છે. અમુકને લાગે છે કે, નમ્રતા બતાવીને માફ કરવું અને ભૂલી જવું સારું છે. પરંતુ, જો એમ કરવું અઘરું લાગતું હોય, તો શું માથ્થી ૧૮:૧૫માં આપેલો સિદ્ધાંત લાગુ પાડી શકાય? ખરું કે, અહીં ઈસુ ગંભીર પાપ વિશે વાત કરી રહ્યા હતા, પણ એ સિદ્ધાંત નાની-મોટી તકરારનો હલ લાવવા પણ મદદ કરી શકે. એનાથી, એ વ્યક્તિ સાથે પ્રેમ અને નમ્રતાથી વાત કરવા અને બાબતોને થાળે પાડવા મદદ મળશે.
બાઇબલમાં બીજાં ઘણાં વ્યવહારુ સૂચનો આપ્યાં છે. મોટાં ભાગનાં સૂચનો ઈશ્વરની પવિત્ર શક્તિ પર આધાર રાખવા કહે છે, જેથી આપણે ‘પવિત્ર શક્તિના ગુણ’ કેળવી શકીએ. એ ગુણો છે: “પ્રેમ, આનંદ, શાંતિ, ધીરજ, કૃપા, ભલાઈ, શ્રદ્ધા, નમ્રતા અને સંયમ.” (ગલા. ૫:૨૨, ૨૩) આનો વિચાર કરો: એક મશીન સારી રીતે કામ કરે માટે એમાં તેલ મૂકવું પડે છે. એવી જ રીતે, યહોવા જેવા ગુણો બતાવવાથી તકરાર સહેલાઈથી થાળે પડે છે અને સંબંધો મજબૂત બને છે.
સ્વભાવમાં ભિન્નતા, ફેલાવે મંડળમાં પ્રસન્નતા
દરેકનો સ્વભાવ અને ગુણો અલગ હોય છે. બાબતોને જોવાની તેમજ લાગણીઓ વ્યક્ત કરવાની રીતો પણ અલગ હોય છે. એનાથી દોસ્તીમાં આનંદ અને મીઠાશ આવી શકે છે. પરંતુ ગેરસમજ અને મતભેદ પણ થઈ શકે છે. એવું કઈ રીતે બની શકે એ વિશે એક અનુભવી વડીલે કહ્યું: ‘શરમાળ સ્વભાવની વ્યક્તિને કોઈ વાતોડિયણ વ્યક્તિ સાથે ભળવું અઘરું લાગી શકે. એ કદાચ સામાન્ય લાગે, પણ એનાથી ગંભીર તકલીફ ઊભી થઈ શકે.’ એ વિશે તમને શું લાગે છે? શું અલગ અલગ સ્વભાવની વ્યક્તિ હળીમળીને રહી શકે? પ્રેરિત પીતર અને યોહાનનો દાખલો લો. પીતરનો વિચાર કરીએ તો, આપણા મનમાં આખાબોલા વ્યક્તિનું ચિત્ર ઊભું થાય છે. યોહાનનો વિચાર કરીએ તો, પ્રેમાળ અને સમજી-વિચારીને બોલનાર કે વર્તનાર વ્યક્તિનું ચિત્ર ઊભું થાય છે. અલગ સ્વભાવ હોવા છતાં તેઓ ભેગા મળીને યહોવાની સેવા કરતા હતા. (પ્રે.કા. ૮:૧૪; ગલા. ૨:૯) આપણા બધાના સ્વભાવ અલગ અલગ છે, છતાં ભાઈ-બહેનો સાથે મળીને સારું કામ કરી શકીએ છીએ.
પણ કોઈ ભાઈ કે બહેનના વાણી-વર્તનથી તમને ચીડ ચડે, તો તમે શું કરશો? યાદ રાખો: ખ્રિસ્ત જેમ તમારા માટે તેમ એ વ્યક્તિ માટે પણ મરણ પામ્યા છે અને ખ્રિસ્તે તમને પ્રેમ બતાવવાનું કહ્યું છે. (યોહા. ૧૩:૩૪, ૩૫; રોમ. ૫:૬-૮) જો તમે એ ભાઈ કે બહેન સાથે દોસ્તી નહિ બાંધો કે તેમને ટાળશો, તો એ યોગ્ય નહિ કહેવાય. પોતાને પૂછો: ‘શું તે એવું કંઈક કરી રહ્યા છે, જે યહોવાના નિયમની વિરુદ્ધ છે? શું તે જાણી જોઈને મને માઠું લગાડે છે? કે પછી અમારા સ્વભાવ અલગ છે? શું તેમનામાં એવા કોઈ ગુણો છે જે ખરેખર તો મારે કેળવવાની જરૂર છે?’
ધારો કે, તમે શાંત સ્વભાવના છો અને બીજી વ્યક્તિ વાતોડિયણ. તમે શું કરશો? શું તેમની જોડે પ્રચારમાં કામ કરીને તેમની પાસેથી કશું શીખી શકો? શું તે તમારા કરતાં વધારે ઉદાર છે? કોઈ વૃદ્ધ, બીમાર કે ગરીબને મદદ કરવાથી મળતી ખુશીનો શું તમે અનુભવ કર્યો છે? શું તમે એ વ્યક્તિ પાસેથી વધારે ઉદાર બનવાનું શીખી શકો? મહત્ત્વનું તો એ છે કે, અલગ અલગ સ્વભાવના હોવા છતાં, તમે એકબીજાના સારા ગુણો પર ધ્યાન આપી શકો છો. કદાચ તમે પાકા મિત્રો ન બનો, પણ સારા સંબંધો તો કેળવી જ શકો. એનાથી તમારા બંને વચ્ચે અને મંડળમાં શાંતિ જળવાશે.
પહેલી સદીમાં, યુવદિયા અને સુન્તુખે નામની બે બહેનો હતી. એવું લાગે છે કે તેઓના સ્વભાવ તદ્દન જુદા હતા, તોપણ પ્રેરિત પાઊલે તેઓને “પ્રભુમાં એક મનની” થવાનું ઉત્તેજન આપ્યું. (ફિલિ. ૪:૨) આપણે પણ ભાઈ-બહેનોની સાથે મળીને યહોવાની ભક્તિ કરવા માંગીએ છીએ અને મંડળમાં શાંતિ જાળવવા માંગીએ છીએ.
મતભેદો તરત થાળે પાડો
બીજાઓ પ્રત્યેની ખરાબ લાગણીને શા માટે મનમાંથી તરત કાઢી નાખવી જોઈએ? આ લાગણીની સરખામણી સુંદર બગીચામાં ઊગતા જંગલી ઘાસ સાથે કરી શકીએ. જો એ જંગલી ઘાસને ઊખાડીને ફેંકી નહિ દઈએ, તો એ ધીમે ધીમે આખા બગીચામાં ફેલાઈ જશે. એવી જ રીતે, બીજાઓ પ્રત્યેની ખરાબ લાગણી જો દિલમાં ઘર કરી જશે, તો એની અસર આખા મંડળ પર થશે. જો આપણે યહોવા અને ભાઈ-બહેનોને પ્રેમ કરતા હોઈશું, તો મંડળની શાંતિ જાળવવા બનતું બધું જ કરીશું.
બીજાઓ સાથે શાંતિ જાળવવાનો પ્રયાસ કરીએ છીએ ત્યારે, એના સારા પરિણામ જોઈને કદાચ નવાઈ લાગે. એક બહેને આવું અનુભવ્યું હતું. તે કહે છે: ‘એક બહેન મારી સાથે એવી રીતે વર્તતા જાણે કે હું એક નાનું બાળક હોઉં. એનાથી મને બહુ ચીડ ચડતી. હું તેમની સાથે વધારે તોછડાઈથી વર્તવા લાગી. મેં વિચાર્યું, “જો તે મને માન નથી આપતી, તો હું શું કામ આપું!”’
પછી એ બહેને પોતાના અંતરમાં ડોકિયું કર્યું. તે કહે છે: ‘હું જોઈ શકી કે મારામાં પણ ખામીઓ છે. હું બહુ નિરાશ થઈ ગઈ. મને ખ્યાલ આવ્યો કે મારે મારા વિચારોમાં ફેરફાર કરવાની જરૂર છે. મેં એ વિશે યહોવાને પ્રાર્થના કરી. એ બહેન માટે મેં એક નાની ભેટ ખરીદી અને એક કાર્ડ દ્વારા જણાવ્યું કે મારા ખરાબ વલણ માટે હું દિલગીર છું. અમે બંને એકબીજાને ભેટ્યા અને એ કડવા બનાવને ભૂલી જવાનું નક્કી કર્યું. હવે અમારા વચ્ચે કોઈ મતભેદ નથી.’
દરેકને શાંતિ ગમે છે. પરંતુ ઘમંડ કે અસુરક્ષાની લાગણી લોકોને એવા વર્તન તરફ લઈ જાય છે, જે અશાંતિનાં બી વાવે છે. દુનિયામાં એ સામાન્ય થઈ ગયું છે, પણ યહોવા ચાહે છે કે તેમના ભક્તોમાં પ્રેમ અને એકતા હોય. યહોવાએ પાઊલને આમ લખવા પ્રેરણા આપી: “હું તમને વિનંતી કરું છું કે જેને માટે તમને બોલાવવામાં આવ્યા છે એને શોભે એ રીતે જીવો. સર્વ પ્રકારની નમ્રતા અને કોમળતા અને ધીરજ રાખીને પ્રેમથી એકબીજાનું સહન કરો; શાંતિના બંધનમાં એકતા જાળવી રાખવાનો પૂરેપૂરો પ્રયત્ન કરો, જે પવિત્ર શક્તિ દ્વારા મળે છે.” (એફે. ૪:૧-૩) યહોવાના લોકોને “શાંતિના બંધનમાં એકતા જાળવી રાખવાનો” કીમતી લહાવો મળ્યો છે. તેથી ચાલો એ બંધનને મજબૂત બનાવીએ અને ભાઈ-બહેનો સાથે થયેલી સમસ્યાને થાળે પાડવા બનતો પ્રયત્ન કરીએ.