નવો સ્વભાવ પહેરી લો—કાયમ માટે
“નવો સ્વભાવ પહેરી લો.”—કોલો. ૩:૧૦.
૧, ૨. (ક) નવો સ્વભાવ પહેરવો શું આપણા માટે શક્ય છે? સમજાવો. (ખ) કોલોસીઓ ૩:૧૦-૧૪માંથી આપણે નવા સ્વભાવના કયા ગુણો વિશે શીખીશું?
“નવો સ્વભાવ.” એ શબ્દો ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન ઑફ ધ હોલી સ્ક્રીપ્ચર્સ બાઇબલમાં બે વખત જોવા મળે છે. (એફે. ૪:૨૪; કોલો. ૩:૧૦) એ શબ્દો એવા સ્વભાવને દર્શાવે છે, જે ‘ઈશ્વરની ઇચ્છા પ્રમાણે રચવામાં આવ્યો છે.’ પણ, નવો સ્વભાવ પહેરવો શું આપણા માટે શક્ય છે? હા. કારણ કે, યહોવાએ પોતાના સ્વરૂપ પ્રમાણે મનુષ્યોને બનાવ્યા છે. એટલે, આપણે તેમના સુંદર ગુણોનું અનુકરણ કરી શકીએ છીએ.—ઉત. ૧:૨૬, ૨૭; એફે. ૫:૧.
૨ આપણને વારસામાં અપૂર્ણતા મળી છે. એટલે, કોઈક વાર આપણા મનમાં ખોટી ઇચ્છાઓ જાગે છે. ઉપરાંત, આસપાસના માહોલની આપણા પર અસર થાય છે. પરંતુ, દયાળુ પિતા યહોવાની મદદથી તેમને પસંદ છે એવા બની શકીએ છીએ. આપણે એવા બનવા ચાહીએ છીએ, ખરું ને? પણ એ માટે પહેલા આપણે નવો સ્વભાવ પહેરવો પડે, એના ગુણો કેળવવા પડે. ચાલો એ ગુણોની ચર્ચા કરીએ. (કોલોસીઓ ૩:૧૦-૧૪ વાંચો.) પછી, જોઈશું કે કઈ રીતે આપણે એ ગુણો પ્રચારમાં બતાવી શકીએ.
‘તમે બધા એકતામાં છો’
૩. નવા સ્વભાવમાં શાનો સમાવેશ થાય છે?
૩ નવા સ્વભાવમાં શાનો સમાવેશ થાય છે? ભેદભાવ ન રાખવાનો. પાઊલે સમજાવ્યું હતું: “કોઈ ગ્રીક કે કોઈ યહુદી નથી, સુન્નત કરાયેલો કે સુન્નત વગરનો નથી, પરદેશી નથી, સિથિયન નથી, ગુલામ કે આઝાદ નથી.”a મંડળમાં કોઈએ એવું વિચારવું ન જોઈએ કે પોતાની જાતિ, દેશ કે પછી સમાજમાં મળેલી પદવીને લીધે તે બીજાઓ કરતાં ચઢિયાતી છે. શા માટે? કારણ કે, ખ્રિસ્તના શિષ્યો હોવાને લીધે આપણે ‘બધા એકતામાં છીએ.’—કોલો. ૩:૧૧; ગલા. ૩:૨૮.
૪. (ક) યહોવાના ભક્તોએ બીજાઓ સાથે કઈ રીતે વર્તવું જોઈએ? (ખ) ભાઈ-બહેનોની એકતા સામે કેવા સંજોગો પડકાર બની શકે?
૪ જેઓ નવો સ્વભાવ પહેરી લે છે, તેઓ દરેક વ્યક્તિને માન અને આદર આપે છે. પછી ભલે વ્યક્તિ કોઈ પણ જાતિ કે સમાજની હોય. (રોમ. ૨:૧૧) અમુક દેશોમાં એમ કરવું અઘરું છે. દક્ષિણ આફ્રિકાનો વિચાર કરો. એક સમયે ત્યાંની સરકારે વિવિધ જાતિના લોકોને રહેવા માટે જુદા જુદા વિસ્તારો વહેંચી આપ્યા હતા. આજે પણ લોકો એવી જ રીતે રહે છે, અરે મોટાભાગના યહોવાના સાક્ષીઓ પણ. નિયામક જૂથ ચાહતું હતું કે ભાઈ-બહેનો એકબીજા માટે પોતાના ‘દિલના દરવાજા ખોલી નાખે.’ એટલે, ઑક્ટોબર ૨૦૧૩માં નિયામક જૂથે એક ખાસ ગોઠવણ કરી, જેથી વિવિધ જાતિના ભાઈ-બહેનો એકબીજા સાથે મિત્રતા બાંધી શકે.—૨ કોરીં. ૬:૧૩.
૫, ૬. (ક) એક દેશમાં કઈ ગોઠવણ કરવામાં આવી? (શરૂઆતનું ચિત્ર જુઓ.) (ખ) એ ગોઠવણનું કેવું પરિણામ આવ્યું છે?
૫ નવી ગોઠવણ મુજબ બે ભાષા કે જાતિનાં મંડળનાં ભાઈ-બહેનો એકબીજા સાથે સમય વિતાવી શકતા. અઠવાડિયાને અંતે તેઓ સાથે પ્રચારમાં અને સભામાં જતા તેમજ એકબીજાની મુલાકાત લેતા. એ ગોઠવણમાં સેંકડો મંડળોએ ભાગ લીધો. શાખા કચેરીને એ વિશે ઘણા સારા અહેવાલો મળ્યા. અરે, જેઓ સાક્ષીઓ ન હતા તેઓ પણ ઘણા પ્રભાવિત થયા. દાખલા તરીકે, એક ધર્મ સેવકે જણાવ્યું: ‘હું યહોવાનો સાક્ષી નથી, પણ વ્યવસ્થાપૂર્વક થતું તમારું પ્રચારકામ મને ગમે છે. એ જોરદાર છે! તમારામાં કોઈ જાતિભેદ નથી.’ એ ગોઠવણ વિશે ભાઈ-બહેનોને કેવું લાગ્યું?
૬ નોમા બહેન ક્ષોસા ભાષા બોલે છે. શરૂઆતમાં, અંગ્રેજી મંડળનાં ભાઈ-બહેનોને પોતાના નાનકડા ઘરમાં બોલાવવામાં તેમને સંકોચ થતો. પરંતુ, ગોરા ભાઈ-બહેનો સાથે પ્રચાર કરવાથી અને તેઓનાં ઘરે જવાથી, તે સહેલાઈથી તેઓ સાથે હળવાં-મળવાં લાગ્યાં. તેમણે કહ્યું: ‘તેઓ પણ આપણા જેવા જ સાધારણ લોકો છે!’ પછીથી, અંગ્રેજી મંડળ ક્ષોસા ભાષાના વિસ્તારમાં પ્રચાર માટે આવ્યું. બહેને એના અમુક ભાઈ-બહેનોને ઘરે જમવા બોલાવ્યાં. એક વડીલ ભાઈ તો પ્લાસ્ટિકના નાના ખોખા પર બેસી ગયા. એ ગોરા ભાઈની નમ્રતા જોઈને બહેન પ્રભાવિત થયાં. સંગઠનની આ ગોઠવણ હજી પણ ચાલે છે. એના લીધે ઘણાં ભાઈ-બહેનો નવા દોસ્તો બનાવી શક્યા છે અને બીજી જાતિ ને ભાષાના લોકોને સારી રીતે ઓળખી શક્યાં છે.
કરુણા અને દયા પહેરી લો
૭. કરુણા બતાવવી શા માટે જરૂરી છે?
૭ શેતાનની દુનિયાનો અંત આવે ત્યાં સુધી યહોવાના લોકો પર કસોટીઓ આવતી રહેશે. જેમ કે, બેરોજગારી, ગંભીર બીમારીઓ, સતાવણી, કુદરતી આફતો અને ચોરી-લૂંટફાટ. એવા વિકટ સંજોગોમાં એકબીજાને મદદ કરવા આપણામાં કરુણાનો ગુણ હોવો જોઈએ. કરુણાનો ગુણ આપણને બીજાઓ સાથે દયાભાવથી વર્તવા પ્રેરશે. (એફે. ૪:૩૨) આ ગુણો નવા સ્વભાવનો ભાગ છે. એ આપણને ઈશ્વરને અનુસરવા અને બીજાઓને દિલાસો આપવા મદદ કરશે.—૨ કોરીં. ૧:૩, ૪.
૮. મંડળમાં બધા પર કરુણા અને દયા બતાવવાથી કેવાં સારાં પરિણામો આવી શકે? દાખલો આપો.
૮ પરદેશીઓ અને બીજા લાચાર ભાઈ-બહેનોને કઈ રીતે દિલ ખોલીને દયા બતાવી શકીએ? તેઓ સાથે હળીએ-મળીએ, દોસ્તી કરીએ અને તેઓને એ જોવા મદદ કરીએ કે આપણે એક કુટુંબ છીએ. (૧ કોરીં. ૧૨:૨૨, ૨૫) ફિલિપાઇન્સના ડૅનીકાર્લનો અનુભવ જોઈએ. તે પોતાનું વતન છોડીને જાપાન રહેવા ગયા. પરદેશી હોવાને લીધે કામના સ્થળે લોકો ભેદભાવ રાખતા અને તેમની સાથે સારી રીતે ન વર્તતા. પછીથી, તે યહોવાના સાક્ષીઓની સભામાં આવ્યા. ડૅનીકાર્લે કહ્યું: ‘સભામાં મોટાભાગના લોકો જાપાની હતા, છતાં તેઓએ દિલથી મારો આવકાર કર્યો. મને લાગ્યું જાણે તેઓ વર્ષોથી મને ઓળખે છે.’ ભાઈઓની દયાને લીધે તેમને યહોવાની નજીક જવા મદદ મળતી રહી. સમય જતાં, ડૅનીકાર્લે બાપ્તિસ્મા લીધું અને આજે તે વડીલ તરીકે સેવા આપે છે. મંડળના વડીલો ખુશ છે કે ડૅનીકાર્લ અને તેમની પત્ની જેનીફર તેઓના મંડળનો ભાગ છે. વડીલોનું કહેવું છે: ‘તેઓ પાયોનિયર તરીકે સાદું જીવન જીવે છે. રાજ્યને પ્રથમ રાખવામાં તેઓએ સુંદર દાખલો બેસાડ્યો છે.’—લુક ૧૨:૩૧.
૯, ૧૦. પ્રચારમાં બીજાઓ પ્રત્યે કરુણા બતાવવાથી કેવાં સુંદર પરિણામો મળે છે? દાખલા આપો.
૯ રાજ્યની ખુશખબર જણાવીએ છીએ ત્યારે, ‘સર્વનું ભલું કરવાની’ આપણને તક મળે છે. (ગલા. ૬:૧૦) પરદેશીઓ માટે કરુણા હોવાને લીધે સાક્ષીઓ તેઓની ભાષા શીખવાની કોશિશ કરે છે, જેથી તેઓને મદદ કરી શકે. (૧ કોરીં. ૯:૨૩) એ મહેનતના ઘણાં સારાં પરિણામો આવ્યાં છે. ચાલો ઑસ્ટ્રેલિયાના પાયોનિયર બહેન ટિફનીનો દાખલો જોઈએ. તે સ્વાહિલી ભાષા શીખ્યા, જેથી બ્રિસ્બેન શહેરના સ્વાહિલી મંડળને મદદ આપી શકે. ભાષા શીખવી તેમના માટે અઘરું હતું, પણ એના લીધે તેમને જીવનમાં એક હેતુ મળ્યો છે. તે જણાવે છે: ‘જો તમે સેવાકાર્યની મજા માણવા માંગતા હો, તો બીજી ભાષાના મંડળમાં જોડાઓ. તમને લાગશે કે જાણે પોતાના શહેરમાં રહીને તમે પરદેશમાં સેવા આપી રહ્યા છો. સંગઠનમાં જોવા મળતા ભાઈચારા અને સંપનો તમે પોતે અનુભવ કરી શકો છો.’
૧૦ જાપાનમાં એક યુગલ અને તેમની દીકરી સાકીકોએ એવું જ કંઈક કર્યું. સાકીકો જણાવે છે: ‘પ્રચારમાં અમને ઘણી વાર બ્રાઝિલના લોકો મળતા. અમે પોર્ટુગીઝ ભાષામાં તેઓના બાઇબલમાંથી પ્રકટીકરણ ૨૧:૩, ૪ અથવા ગીતશાસ્ત્ર ૩૭:૧૦, ૧૧, ૨૯ જેવી કલમો બતાવતા. તેઓ ધ્યાન આપતા અને અમુક વાર તો તેઓ રડી પડતા.’ કરુણાથી પ્રેરાઈને એ કુટુંબે પોર્ટુગીઝ શીખવાનું શરૂ કર્યું, જેથી એવા લોકોને સત્ય શીખવી શકે. પછીથી, એ કુટુંબે પોર્ટુગીઝ ભાષાનું મંડળ શરૂ કરવામાં મદદ કરી. વર્ષો દરમિયાન તેઓએ ઘણા પરદેશીઓને યહોવાના ભક્ત બનવા મદદ કરી છે. સાકીકો કહે છે: ‘પોર્ટુગીઝ શીખવા સખત મહેનત કરવી પડતી. પણ આશીર્વાદો જોતા એ મહેનત કંઈ જ નથી. યહોવા તમારો ઘણો આભાર!’—પ્રેરિતોનાં કાર્યો ૧૦:૩૪, ૩૫ વાંચો.
નમ્રતા પહેરી લો
૧૧, ૧૨. (ક) નવો સ્વભાવ પહેરવા પાછળનો હેતુ શો હોવો જોઈએ અને શા માટે? (ખ) નમ્ર રહેવા આપણને શું મદદ કરશે?
૧૧ નવો સ્વભાવ પહેરવા પાછળનો આપણો હેતુ યહોવાને મહિમા આપવાનો હોવો જોઈએ, નહિ કે બીજાઓની વાહ-વાહ મેળવવાનો. યાદ રાખો, સંપૂર્ણ દૂત પણ ઘમંડી બન્યો હતો અને પાપમાં પડ્યો હતો. (હઝકીએલ ૨૮:૧૭ સરખાવો.) આપણે બધા તો અપૂર્ણ છીએ, એટલે આપણા માટે ઘમંડથી દૂર રહેવું વધારે અઘરું છે. છતાં, આપણે નમ્રતા પહેરી શકીએ છીએ. એ માટે આપણને શું મદદ કરશે?
૧૨ નમ્ર બનવા માટે આપણે દરરોજ બાઇબલ વાંચીએ અને એના પર મનન કરીએ. (પુન. ૧૭:૧૮-૨૦) ખાસ કરીને ઈસુએ જે શીખવ્યું એના પર મનન કરીએ. નમ્રતા બતાવવામાં તેમણે સુંદર દાખલો બેસાડ્યો છે, એ પર વિચાર કરીએ. (માથ. ૨૦:૨૮) ઈસુ એટલા નમ્ર હતા કે તેમણે પોતાના શિષ્યોના પગ ધોયા. (યોહા. ૧૩:૧૨-૧૭) નમ્ર બનવા બીજું શું મદદ કરશે? પવિત્ર શક્તિ માટે યહોવાને પ્રાર્થના કરીએ. પવિત્ર શક્તિ મદદ કરે છે કે, આપણે પોતાને બીજાઓ કરતાં ચઢિયાતા ન ગણીએ.—ગલા. ૬:૩, ૪; ફિલિ. ૨:૩.
૧૩. નમ્રતા બતાવવાથી કેવા આશીર્વાદો મળે છે?
૧૩ નીતિવચનો ૨૨:૪ વાંચો. યહોવા ચાહે છે કે આપણે નમ્ર રહીએ. નમ્રતા બતાવવાથી ઘણા આશીર્વાદો મળે છે. યાદ રાખો, નમે તે સૌને ગમે. એટલે, નમ્ર બનીશું તો મંડળમાં સંપ અને શાંતિ ફેલાશે. ઉપરાંત, યહોવા આપણા પર અપાર કૃપા બતાવશે. પ્રેરિત પાઊલે જણાવ્યું હતું: “તમે બધા એકબીજા સાથે નમ્ર રીતે વર્તો, કેમ કે ઈશ્વર અભિમાની લોકોનો વિરોધ કરે છે પણ તે નમ્ર લોકો પર અપાર કૃપા બતાવે છે.”—૧ પીત. ૫:૫.
કોમળતા અને ધીરજ પહેરી લો
૧૪. કોમળતા અને ધીરજ બતાવવામાં કોણે ઉત્તમ દાખલો બેસાડ્યો છે?
૧૪ કોમળતા અને ધીરજ બતાવનાર વ્યક્તિને આ દુનિયા કમજોર ગણે છે. પણ એ સાચું નથી. જરા વિચારો, એ સુંદર ગુણો કોની પાસેથી મળ્યા છે? વિશ્વના માલિક યહોવા પાસેથી, જે સૌથી શક્તિશાળી વ્યક્તિ છે. કોમળતા અને ધીરજ બતાવવામાં તેમણે ઉત્તમ દાખલો બેસાડ્યો છે. (૨ પીત. ૩:૯) ઈબ્રાહીમ અને લોતનો કિસ્સો યાદ કરો. તેઓએ સવાલો પૂછ્યા ત્યારે યહોવાએ કેટલી ધીરજ ધરી અને દૂતો દ્વારા તેઓને જવાબ આપ્યો. (ઉત. ૧૮:૨૨-૩૩; ૧૯:૧૮-૨૧) ઇઝરાયેલ રાષ્ટ્ર અનેક વાર યહોવાને બેવફા બન્યું હતું. છતાં, યહોવાએ ૧૫૦૦થી વધુ વર્ષો સુધી ધીરજ ધરી!—હઝકી. ૩૩:૧૧.
૧૫. કોમળતા અને ધીરજ બતાવવામાં ઈસુએ કેવો દાખલો બેસાડ્યો છે?
૧૫ ઈસુ ‘કોમળ સ્વભાવના’ હતા. (માથ. ૧૧:૨૯) શિષ્યો ભૂલો કરતા ત્યારે તે ધીરજ બતાવતા. તે પ્રચાર કરતા ત્યારે લોકો ઘણી વાર તેમની આકરી ટીકા કરતા અને જૂઠા આરોપો મૂકતા. પરંતુ, આખરી શ્વાસ સુધી તેમણે કોમળતા અને ધીરજ બતાવવાનું પડતું ન મૂક્યું. વધસ્તંભે અસહ્ય પીડા થતી હતી તોપણ, તેમણે સતાવનારાઓ માટે પ્રાર્થના કરી: “હે પિતા, તેઓને માફ કરો, કેમ કે તેઓ જાણતા નથી કે પોતે શું કરે છે.” (લુક ૨૩:૩૪) તણાવ કે પીડામાં હતા ત્યારે પણ ઈસુએ કોમળતા અને ધીરજ બતાવી.—૧ પીતર ૨:૨૧-૨૩ વાંચો.
૧૬. આપણે કઈ રીતે કોમળતા અને ધીરજ બતાવી શકીએ?
૧૬ કોમળતા અને ધીરજ બતાવવાની એક રીત પાઊલે જણાવી છે. તેમણે લખ્યું: “એકબીજાનું સહન કરો અને જો કોઈની વિરુદ્ધ ફરિયાદ કરવાનું કારણ હોય, તોપણ એકબીજાને દિલથી માફ કરો. જેમ યહોવાએ તમને દિલથી માફ કર્યા, તેમ તમે પણ કરો.” (કોલો. ૩:૧૩) બીજાઓને માફ કરવા કોમળતા અને ધીરજ હોવી જરૂરી છે. એનાથી મંડળમાં સંપ અને શાંતિ જળવાઈ રહેશે.
૧૭. કોમળતા અને ધીરજ શા માટે મહત્ત્વના છે?
૧૭ યહોવા ચાહે છે કે આપણે બીજાઓ માટે કોમળતા અને ધીરજ બતાવીએ. જો આપણે ઈશ્વરની નવી દુનિયામાં જીવવા માંગતા હોઈએ, તો એ ગુણો કેળવવા ખૂબ જરૂરી છે. (માથ. ૫:૫; યાકૂ. ૧:૨૧) કોમળતા અને ધીરજ બતાવીને આપણે યહોવાને આદર આપી છીએ અને બીજાઓને પણ એમ કરવા મદદ કરીએ છીએ.—ગલા. ૬:૧; ૨ તિમો. ૨:૨૪, ૨૫.
પ્રેમ પહેરી લો
૧૮. આપણામાં પ્રેમ હશે તો શું નહિ કરીએ? સમજાવો.
૧૮ આપણે જે ગુણોની ચર્ચા કરી એ બધા પ્રેમ સાથે જોડાયેલા છે. ચાલો એક દાખલો જોઈએ. શિષ્ય યાકૂબે પોતાના ભાઈઓને ઠપકો આપ્યો હતો. કારણ કે, તેઓ ધનવાન લોકોને ગરીબો કરતાં વધારે મહત્ત્વ આપતા. તેમણે જણાવ્યું કે તેઓ ઈશ્વરની આ આજ્ઞા તોડી રહ્યા છે: “જેવો પોતાના પર એવો તારા પડોશી પર પ્રેમ રાખ.” પછી તેમણે આગળ જણાવ્યું: “પણ જો તમે પક્ષપાત કરતા હો, તો તમે પાપ કરો છો.” (યાકૂ. ૨:૮, ૯) જો લોકોને પ્રેમ કરતા હોઈશું, તો તેઓનાં ભણતર, જાતિ કે સામાજિક હોદ્દાને લીધે આપણે ભેદભાવ કરીશું નહિ. ભેદભાવ ન કરવાની લાગણી દિલમાંથી આવવી જોઈએ, એનો દેખાડો ન કરવો જોઈએ.
૧૯. પ્રેમને પહેરી લેવો શા માટે ખૂબ જરૂરી છે?
૧૯ ‘પ્રેમ ધીરજ રાખે છે, દયાળુ છે અને ફૂલાઈ જતો નથી.’ (૧ કોરીં. ૧૩:૪) એટલે, પડોશીઓને ખુશખબર જણાવવા જરૂરી છે કે આપણે ધીરજ, દયા અને નમ્રતા બતાવીએ. (માથ. ૨૮:૧૯) એ ગુણો આપણને મંડળમાં ભાઈ-બહેનો સાથે સંપીને રહેવા મદદ કરશે. એવો પ્રેમ બતાવવાથી મંડળમાં સંપ જળવાશે અને યહોવાને મહિમા મળશે. બીજાઓ આપણો સંપ જોઈને સત્ય શીખવા પ્રેરાશે. “નવા સ્વભાવ” વિશે વર્ણન કર્યા પછી, અંતે પાઊલે જણાવ્યું હતું: “એ સર્વ ઉપરાંત, તમે પ્રેમ પહેરી લો, કેમ કે એ એકતાનું સંપૂર્ણ બંધન છે.”—કોલો. ૩:૧૪.
“મનના વિચારોને નવા કરતા રહો”
૨૦. (ક) આપણે કયા સવાલો પર વિચાર કરવો જોઈએ અને શા માટે? (ખ) આપણે કેવા સુંદર ભાવિની આશા રાખીએ છીએ?
૨૦ આપણે દરેકે આ સવાલનો વિચાર કરવો જોઈએ: “જૂના સ્વભાવને કાયમ માટે દૂર કરવા મારે હજુ કેવા ફેરફારો કરવાની જરૂર છે?” મદદ માટે આપણે યહોવાને પ્રાર્થનામાં આજીજી કરવી જોઈએ. ખોટાં વિચારો અને વલણોને દૂર કરવા આપણે સખત મહેનત કરવી જોઈએ, જેથી “ઈશ્વરના રાજ્યનો વારસો” મેળવી શકીએ. (ગલા. ૫:૧૯-૨૧) આપણે આ સવાલનો પણ વિચાર કરવો જોઈએ: “યહોવાને ખુશ કરવા શું હું મારા વિચારોમાં સુધારો કરતો રહું છું?” (એફે. ૪:૨૩, ૨૪) નવા સ્વભાવને કાયમ માટે પહેરી રાખવા સખત મહેનત કરવી પડશે, કારણ કે આપણે અપૂર્ણ છીએ. એ માટે આપણે આજીવન મહેનત કરતા રહેવાનું છે. ભાવિમાં, એકેએક વ્યક્તિ નવો સ્વભાવ પહેરી લેશે અને યહોવાના સુંદર ગુણોને પગલે ચાલશે. કલ્પના કરો, એ જીવન કેટલું સરસ હશે!
a બાઇબલ સમયમાં, લોકોને લાગતું કે સિથિયન લોકોમાં સભ્યતા નથી અને એટલે તેઓને ધિક્કારતા.