યહોવાહની સેવા કરવા બીજાઓને મદદ કરો
“અમે . . . તમારે સારૂ પ્રાર્થના તથા વિનંતી કરવાને ચૂકતા નથી. તમે પૂર્ણ રીતે પ્રભુને [યહોવાહને] પ્રસન્ન કરવાને સારૂ યોગ્ય રીતે વર્તો, અને સર્વ સારાં કામમાં તેનું ફળ ઉપજાવો.”—કોલોસી ૧:૯, ૧૦.
“અમે વાડીમાં વાહનમાં બનાવેલા ઘરમાં રહીએ છીએ જેને ટ્રેઈલર કહેવાય છે. લોકોને પરમેશ્વરના રાજ્ય વિષે વધારે જણાવવા અમે સાદું જીવન જીવીએ છીએ. આમ અમે ઘણાને યહોવાહ પરમેશ્વરની ભક્તિ કરવા મદદ કરી છે અને એ અમારા માટે સૌથી મહાન આશીર્વાદ છે.”—દક્ષિણ આફ્રિકામાં પૂરા-સમયની સેવા કરતું એક યુગલ.
૨ ખરેખર, બીજાઓને મદદ કરવાથી આનંદ મળે છે. બીમાર, ગરીબ કે નિઃસહાય લોકોને નિયમિત મદદ કરીને ઘણા આનંદ મેળવે છે. સાચા ખ્રિસ્તીઓ માને છે કે યહોવાહ પરમેશ્વર અને ઈસુ ખ્રિસ્ત વિષે બીજાઓને શીખવીને સૌથી સારી મદદ આપી શકાય છે. જેથી લોકો ઈસુએ આપેલી ખંડણી સ્વીકારીને પરમેશ્વરના સેવક બની શકે અને હંમેશ માટેનું સુખી જીવન મેળવે.—પ્રેરિતોનાં કૃત્યો ૩:૧૯-૨૧; ૧૩:૪૮.
૩ પરંતુ, પરમેશ્વરના ‘માર્ગમાં’ ચાલતા આપણા ખ્રિસ્તી ભાઈબહેનોને મદદ કરવા વિષે શું? (પ્રેરિતોનાં કૃત્યો ૧૯:૯) એમાં કોઈ શક નથી કે તમે તેઓને મદદ કરવા ઇચ્છો છો. પરંતુ તેઓને કઈ રીતે મદદ આપવી એ તમે જાણતા નથી. તમારા સંજોગોને લીધે વધારે મદદ કરી શકતા નથી ત્યારે તમને સંતોષ થતો નથી. (પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૫) આવા સંજોગોમાં તેઓને કઈ રીતે મદદ કરી શકાય એનો જવાબ આપણને કોલોસીઓના પુસ્તકમાંથી મળે છે.
૪ પ્રેષિત પાઊલે કોલોસી મંડળને પત્ર લખ્યો ત્યારે તે રોમમાં કેદી હતા. તેમ છતાં, ભાઈબહેનો તેમને મળી શકતા હતા. પાઊલ જેલમાં પણ પરમેશ્વરના રાજ્ય વિષે લોકોને જણાવતા અચકાયા નહિ. (પ્રેરિતોનાં કૃત્યો ૨૮:૧૬-૩૧) વળી, અમુક ભાઈબહેનો તો તેમની સાથે સજા પણ ભોગવતા હતા. (કોલોસી ૧:૭, ૮; ૪:૧૦) પાઊલને મળવા આવનારાઓમાં એક ઉત્સાહી પ્રચારક, એપાફ્રાસ હતા. તે એશિયા માયનોર (તુર્કી)માં આવેલા એફેસસની પૂર્વે ફુગિયા શહેરમાં રહેતા હતા. કોલોસી મંડળ બનાવવા એપાફ્રાસે સખત મહેનત કરી હતી. તેમ જ તેમણે લાઓદીકિયા તથા હિયરાપોલીસ નજીકના મંડળો માટે પણ મહેનત કરી હતી. (કોલોસી ૪:૧૨, ૧૩) શા માટે એપાફ્રાસ પાઊલને મળવા રોમ ગયા હતા, અને પાઊલના વલણમાંથી આપણે શું શીખી શકીએ?
કોલોસીઓને અસરકારક મદદ
૫ કોલોસીની સ્થિતિ વિષે પાઊલ સાથે વાતચીત કરવા એપાફ્રાસ ઘણી મુશ્કેલી સહન કરીને રોમ ગયા. તેમણે ભાઈ-બહેનોના વિશ્વાસ, પ્રેમ અને પ્રચારકાર્ય વિષે પાઊલને જણાવ્યું. (કોલોસી ૧:૪-૮) તેમણે કોલોસી મંડળ પર આવી રહેલી કેટલીક અસરો વિષે પણ વાત કરી હશે, જેનાથી તેઓનો વિશ્વાસ ભયમાં મૂકાયો હતો. તેથી, પાઊલે પરમેશ્વર તરફથી પ્રેરણા મેળવીને કોલોસીઓને પત્ર લખ્યો કે જેથી તેઓ જૂઠા શિક્ષણથી બચી શકે. પાઊલે ખાસ કરીને ઈસુ ખ્રિસ્તની મુખ્ય ભૂમિકા પર તેઓનું ધ્યાન દોર્યું.a શું તેમણે ફક્ત મુખ્ય બાઇબલ સત્ય શીખવીને જ મદદ કરી? તેમણે બીજી કઈ રીતે કોલોસી મંડળને મદદ કરી હોય શકે? એમાંથી આપણે શું શીખી શકીએ?
૬ પાઊલે પત્રની શરૂઆતમાં એવી એક મદદ વિષે જણાવ્યું, જેનો આપણે બહુ વિચાર કર્યો ન હોય. આ એવી મદદ છે જે દૂર રહીને પણ કરી શકાય છે જેમ પાઊલ અને એપાફ્રાસે કોલોસી મંડળને દૂર રહીને કરી હતી. પાઊલે કહ્યું: “અમે તમારે માટે પ્રાર્થના કરીએ છીએ ત્યારે હમેશાં આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા ઈશ્વરનો આભાર માનીએ છીએ.” (કોલોસી ૧:૩, IBSI.) હા, કોલોસીના ભાઈઓ માટે અહીંયા ખાસ પ્રાર્થનાઓ કરવામાં આવી હતી. પાઊલ કહેવાનું ચાલું રાખે છે: “તમે સર્વે આત્મિક સમજણ તથા બુદ્ધિમાં દેવની ઇચ્છાના જ્ઞાનથી ભરપૂર થાઓ એ માટે અમે તે સાંભળ્યું તે દહાડાથી તમારે સારૂ પ્રાર્થના તથા વિનંતી કરવાને ચૂકતા નથી.”—કોલોસી ૧:૯.
૭ આપણે જાણીએ છીએ કે યહોવાહ “પ્રાર્થનાના સાંભળનાર” છે. આપણી પ્રાર્થનાઓ તેમની ઇચ્છાની સુમેળમાં હશે તો તે જરૂર સાંભળશે. (ગીતશાસ્ત્ર ૬૫:૨; ૮૬:૬; નીતિવચન ૧૫:૮, ૨૯; ૧ યોહાન ૫:૧૪) પરંતુ, ભાઈબહેનો માટેની આપણી પ્રાર્થનાઓ કેવી હોય છે?
૮ આપણે ઘણી વાર ‘પૃથ્વી પરના સર્વ ભાઈઓનો’ વિચાર કરીને તેઓ માટે પ્રાર્થના કરીએ છીએ. (૧ પીતર ૫:૯) તેમ જ, જે વિસ્તારમાં આફતો કે દુર્ઘટના થઈ હોય ત્યાંના ભાઈબહેનો અને લોકો માટે પણ આપણે પ્રાર્થના કરીએ છીએ. પ્રથમ સદીના ખ્રિસ્તીઓએ સાંભળ્યું કે યહુદાહમાં દુકાળ પડ્યો છે. એ સમયે પોતાના ભાઈઓને મદદ મોકલતા પહેલાં તેઓએ ઘણી પ્રાર્થનાઓ કરી હશે. (પ્રેરિતોનાં કૃત્યો ૧૧:૨૭-૩૦) એ જ રીતે આપણી સભાઓમાં પણ આખી પૃથ્વીના ભાઈઓ માટે વારંવાર પ્રાર્થનાઓ કરવામાં આવે છે. પરંતુ એ જરૂરી છે કે ભાઈબહેનો એને સમજે જેથી તેઓ “આમેન” કહી શકે.—૧ કોરીંથી ૧૪:૧૬.
પ્રાર્થનામાં સ્પષ્ટ બનો
૯ બાઇબલમાં ખાસ બીજાઓ માટે કરવામાં આવી હોય એવી ઘણી પ્રાર્થનાઓ જોવા મળે છે. ઈસુના લુક ૨૨:૩૧, ૩૨ના શબ્દોનો વિચાર કરો. તેમની સાથે ૧૧ વિશ્વાસુ પ્રેષિતો હતા, જેઓને ઘણી મુશ્કેલીઓ આવવાની હતી. તેથી ઈસુએ પરમેશ્વરને પ્રાર્થના કરી કે તેઓ સર્વને મદદ કરે. (યોહાન ૧૭:૯-૧૪) પરંતુ ઈસુએ એકલા પીતર માટે ખાસ પ્રાર્થના કરી. બીજા ઉદાહરણોમાં એલીશાએ પોતાના સેવકને મદદ કરવા પરમેશ્વરને પ્રાર્થના કરી. (૨ રાજા ૬:૧૫-૧૭) પ્રેષિત યોહાને પણ ગાયસની તંદુરસ્તી અને દૃઢ વિશ્વાસ માટે પ્રાર્થના કરી. (૩ યોહાન ૧, ૨) તેમ જ, બીજાઓ માટે પણ ખાસ સ્પષ્ટ પ્રાર્થનાઓ કરવામાં આવી હતી.—અયૂબ ૪૨:૭, ૮; લુક ૬:૨૮; પ્રેરિતોનાં કૃત્યો ૭:૬૦; ૧ તીમોથી ૨:૧, ૨.
૧૦ પાઊલના પત્રો સ્પષ્ટ પ્રાર્થનાઓ કરવા માટે ઉત્તેજન આપે છે. પાઊલે તેમના માટે અને તેમના સાથીદારો માટે પ્રાર્થના કરવા ભાઈબહેનોને વિનંતી કરી. કોલોસી ૪:૨ ૩માં વાંચવા મળે છે: “પ્રાર્થનામાં ખંતથી મંડ્યા રહો, અને તેમાં ઉપકારસ્તુતિ કરીને જાગૃત રહો. ખ્રિસ્તના જે મર્મને સારૂ હું બંધનમાં છું, તે કહેવાને દેવ અમારે સારૂ સુવાર્તાનો ઉપદેશ કરવાનું દ્વાર ઉઘાડે તે માટે અમારે સારૂ પણ પ્રાર્થના કરો.” રૂમી ૧૫:૩૦; ૧ થેસ્સાલોનીકી ૫:૨૫; ૨ થેસ્સાલોનીકી ૩:૧ અને હેબ્રી ૧૩:૧૮નો પણ વિચાર કરો.
૧૧ રોમમાં પાઊલના સાથી એપાફ્રાસ પણ એ જ રીતે પ્રાર્થના કરતા હતા. તેમના વિષે તે કહે છે: “એપાફ્રાસ જે તમારામાંનો એક છે, . . . તે તમને ક્ષેમકુશળ કહે છે; તે હમેશાં તમારે સારૂ આગ્રહથી પ્રાર્થના કરે છે.” (કોલોસી ૪:૧૨) ‘આગ્રહ’ માટે મૂળ ભાષામાં વાપરેલા શબ્દનો અર્થ “કુસ્તી” થઈ શકે, જેમ અગાઉના સમયમાં અખાડામાં કરવામાં આવતી. શું એપાફ્રાસે આખી દુનિયાના ભાઈઓ માટે અથવા એશિયા માયનોરના ભાઈબહેનો માટે પ્રાર્થના કરી? ના, પાઊલે જણાવ્યું કે એપાફ્રાસે ખાસ કરીને કોલોસીના ભાઈબહેનો માટે પ્રાર્થના કરી હતી. એનું કારણ એ હતું કે એપાફ્રાસ તેઓના સંજોગોથી જાણકાર હતા. જોકે આપણે કોલોસીના ભાઈબહેનો વિષે બધુ જ જાણતા નથી, પણ આપણે એની કલ્પના કરી શકીએ. કદાચ યુવાન લીનસ ફિલસૂફીઓની અસર સામે લડત આપી રહ્યા હશે. તેમ જ રુફસને અગાઉના યહુદી ધર્મથી દૂર રહેવા સખત મહેનત કરવી પડી હશે. પેર્સીસનો પતિ સત્યમાં ન હતો. તેથી તેને પોતાના બાળકોને સત્યમાં ઉછેરવા ડહાપણ અને સહન શક્તિની જરૂર હતી. બીમારીથી રિબાતા આંસુક્રિતસને શું દિલાસાની જરૂર ન હતી? હા, એપાફ્રાસ પોતાના મંડળના ભાઈબહેનોને ઓળખતા હતા. તેઓ વિશ્વાસમાં ટકી રહે અને યહોવાહના માર્ગમાં ચાલતા રહે માટે તેમણે હૃદયથી પ્રાર્થના કરી.
૧૨ શું તમે નોંધ લીધી કે આપણે કઈ એક ખાસ રીતે બીજાઓને મદદ કરી શકીએ? અગાઉ જોયું તેમ, ખ્રિસ્તી સભાઓમાં બધા માટે પ્રાર્થના કરવામાં આવે છે. પરંતુ આપણી પોતાની કે કુટુંબની પ્રાર્થનામાં આપણે સ્પષ્ટ બની શકીએ. આપણે બધા પ્રવાસી નિરીક્ષક કે વડીલોને માર્ગદર્શન મળે માટે પ્રાર્થના કરીએ છીએ. પરંતુ આપણે કોઈ વાર તેઓનું નામ લઈને પણ પ્રાર્થના કરવી જોઈએ. દાખલા તરીકે, આપણા મંડળની મુલાકાત લેનારા સરકીટ નિરીક્ષક કે પુસ્તક અભ્યાસ ચલાવનાર માટે પણ ખાસ પ્રાર્થના કરી શકીએ. ફિલિપી ૨:૨૫-૨૮ અને ૧ તીમોથી ૫:૨૩ બતાવે છે કે તીમોથી અને એપાફ્રોદિતસની તંદુરસ્તી માટે પાઊલે પ્રાર્થના કરી હતી. એવી જ રીતે શું આપણે પણ બીમાર વ્યક્તિનું નામ લઈને પ્રાર્થના કરીએ છીએ?
૧૩ ખરું કે આપણે કોઈના અંગત જીવનમાં માથું મારવું ન જોઈએ. પરંતુ આપણા ખ્રિસ્તી ભાઈબહેનો અને મિત્રો માટે પ્રાર્થના કરવી કંઈ ખોટું નથી. (૧ તીમોથી ૫:૧૩; ૧ પીતર ૪:૧૫) કદાચ એક ભાઈએ પોતાની નોકરી ગુમાવી હોય તો, આપણે તરત તેમને બીજી નોકરી અપાવી શકતા નથી. પરંતુ આપણે તેમની મુશ્કેલી દૂર થાય એ માટે પ્રાર્થના કરી શકીએ. (ગીતશાસ્ત્ર ૩૭:૨૫; નીતિવચન ૧૦:૩) “કેવળ પ્રભુમાં” લગ્ન કરવાનો નિર્ણય કર્યો હોય એવી કોઈ કુંવારી બહેનને શું તમે ઓળખો છો? (૧ કોરીંથી ૭:૩૯) આપણે તે બહેન માટે પણ પ્રાર્થનામાં આશીર્વાદ માગી શકીએ જેથી તે વિશ્વાસમાં દૃઢ રહે. અથવા તો, એક ભાઈએ ભૂલ કરી હોવાથી બે વડીલોએ તેમને બાઇબલમાંથી મદદ આપી હોય શકે. મદદ આપ્યા પછી એ બે વડીલો પોતે એ ભાઈનું નામ લઈને પ્રાર્થના કરે તો કેવું સારું થશે!
૧૪ ઘણા ભાઈ-બહેનોને તમે ઓળખતા હશો જેઓને દિલાસો, ડહાપણ, પવિત્ર આત્મા અને એના ફળોની જરૂર હોય. તેઓ માટે પણ તમે પ્રાર્થના કરી શકો. દૂર રહેતા હોવાથી અથવા સંજોગોને કારણે તેઓને પૈસાની કે ચીજ-વસ્તુઓની મદદ કરી શકતા નથી એવું તમને લાગી શકે. પરંતુ તેઓ માટે પ્રાર્થના કરવાનું ભૂલશો નહિ. તમે જાણો છો કે તેઓ યહોવાહની ઇચ્છા પ્રમાણે જીવવા માંગે છે. પરંતુ અંત સુધી ટકી રહેવા તેઓને મદદની જરૂર છે. એ મદદ માટેની ચાવી આપણી પ્રાર્થનાઓ છે.—ગીતશાસ્ત્ર ૧૮:૨; ૨૦:૧, ૨; ૩૪:૧૫; ૪૬:૧; ૧૨૧:૧-૩.
બીજાઓને દૃઢ કરો
૧૫ આપણા કુટુંબ અને મિત્રો માટે ફક્ત હૃદયથી ખાસ પ્રાર્થનાઓ કરવી એટલું જ પૂરતું નથી. એ આપણને કોલોસીઓના પુસ્તકમાંથી સ્પષ્ટ જોવા મળે છે. ઘણા પંડિતોનું માનવું છે કે પાઊલે બોધ અને વ્યવહારુ સલાહ આપ્યા પછી ફ્કત અભિવાદનથી પોતાનો પત્ર પૂરો કર્યો. (કોલોસી ૪:૭-૧૮) તોપણ, આપણે જોયું તેમ કોલોસીઓના પુસ્તકના છેલ્લા ભાગમાં મહત્ત્વની સલાહ મળી આવે છે. એમાંથી પણ આપણે ઘણું શીખી શકીએ છીએ.
૧૬ પાઊલે લખ્યું: “આરિસ્તાર્ખસ જે મારી સાથે જેલમાં છે તે તમને શુભેચ્છા પાઠવે છે. તેવી જ રીતે બાર્નાબાસનો ભાઈ માર્ક (જેના સંબંધી તમને સૂચના મળેલી છે તે જો તમારી મુલાકાત લે તો તેનો આવકાર કરજો). અને ઈસુ ઉર્ફે યુસ્તસ પણ તમને શુભેચ્છા પાઠવે છે. યહૂદીઓમાંથી ખ્રિસ્તી થયેલાંઓમાંથી ફક્ત આ ત્રણ જ ઈશ્વરના રાજને માટે મારી સાથે કાર્ય કરે છે અને તેઓ મને બહુ મદદરૂપ થઈ પડયા છે.”—કોલોસી ૪:૧૦, ૧૧ પ્રેમસંદેશ.
૧૭ પાઊલે આ અમુક ભાઈઓની ખાસ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે તેમની સાથે સુન્નત કરાયેલા યહુદીઓ પણ હતા. રોમમાં સુન્નત થયેલા ઘણા યહુદીઓ હવે ખ્રિસ્તીઓ બન્યા હતા. પરંતુ પાઊલે જેઓના નામ જણાવ્યા તેઓ જ તેમની મદદ માટે આવ્યા હતા. તેઓએ કેવી મદદ કરી હતી? એમ લાગે છે કે તેઓ ખ્રિસ્તી બનેલા વિદેશીઓ સાથે સંગત રાખતા શરમાયા નહિ. તેમ જ તેઓએ વિદેશીઓને પ્રચાર કરવામાં પાઊલને ખુશીથી સાથ આપ્યો હતો.—રૂમી ૧૧:૧૩; ગલાતી ૧:૧૬; ૨:૧૧-૧૪.
૧૮ પાઊલે કહ્યું એની નોંધ લો: “તેઓ મને બહુ મદદરૂપ થઈ પડયા છે.” (અક્ષરો અમે ત્રાંસા કર્યા છે.) તેમણે અહીં મૂળ ગ્રીકમાં જે શબ્દનો ઉપયોગ કર્યો છે એ બાઇબલમાં ફક્ત આ જ કલમમાં જોવા મળે છે. ઘણા બાઇબલમાં એનું ભાષાંતર “દિલાસારૂપ” કરવામાં આવ્યું છે. પરંતુ, બીજો એક ગ્રીક શબ્દ (પા.રા.કા.લીયો)નું સામાન્ય રીતે “દિલાસારૂપ” ભાષાંતર થાય છે. આ જ પત્રમાં પાઊલે એ ગ્રીક શબ્દ બીજી ઘણી જગ્યાએ વાપર્યો છે, પણ મૂળ ગ્રીકમાં કોલોસી ૪:૧૧માં એ વાપર્યો નથી.—માત્થી ૫:૪; પ્રેરિતોનાં કૃત્યો ૪:૩૬; ૯:૩૧; ૨ કોરીંથી ૧:૪; કોલોસી ૨:૨; ૪:૮.
૧૯ પાઊલે જે ભાઈઓનો ઉલ્લેખ કર્યો તેઓએ ફક્ત દિલાસો જ આપ્યો ન હતો. વળી, કોલોસી ૪:૧૧માં ‘મદદરૂપ થયા’ માટે વાપરવામાં આવેલો ગ્રીક શબ્દ એક એવી દવા માટે પણ વાપરવામાં આવે છે જે તણાવમાં રાહત આપે છે. આઈબીએસઆઈ બાઇબલ જણાવે છે: “તેઓ મને પુષ્કળ મદદરૂપ” થયા. બીજું એક ગુજરાતી બાઇબલ કહે છે: “મને ઘણું પ્રોત્સાહન મળ્યું.” હવે, એ ભાઈઓએ પાઊલ માટે શું કર્યું હશે?
૨૦ પાઊલ કેદમાં ખ્રિસ્તી ભાઈઓને મળી શકતા હતા. તેમ છતાં તે બહાર જઈને પોતાના માટે ખોરાક અને ગરમ કપડાં ખરીદી શકતા ન હતા. તે અભ્યાસ માટે વીંટાઓ ક્યાંથી મેળવતા? તેમ જ લખવા માટે કાગળ કેવી રીતે ખરીદતા હશે? (૨ તીમોથી ૪:૧૩) શું તમને નથી લાગતું કે એ ભાઈઓએ પાઊલની જરૂરિયાતો પૂરી પાડવા અને આવા નાના નાના કામો કરવા પુષ્કળ મદદ કરી હશે? પાઊલ કોઈ મંડળની હાલત જાણવા અને તેઓને ઉત્તેજન આપવા ચાહતા હોય શકે. પરંતુ તે કેદમાં હોવાથી એમ કરી શકતા ન હતા. તેથી ભાઈઓ તેમનો સંદેશો મંડળમાં લઈ જતા અને ત્યાંથી સંદેશો લઈ આવતા હતા. ખરેખર તેઓ કેવા મદદરૂપ હતા!
૨૧ ‘મદદરૂપ થયેલા’ ભાઈઓ વિષે પાઊલે જે લખ્યું એમાંથી આપણને બીજાઓને મદદ કરવાની ઊંડી સમજણ મળે છે. આપણા ભાઈબહેનો યહોવાહના નિયમો પાળવા, સભાઓમાં હાજર રહેવા અને પ્રચારમાં ભાગ લેવા ઘણો પ્રયત્ન કરે છે. એ માટે આપણે તેઓની પ્રશંસા કરવી જોઈએ. પરંતુ, પાઊલ માટે ભાઈઓ “મદદરૂપ” થયા તેમ શું આપણે હજુ વધારે કંઈક કરી શકીએ?
૨૨ તમે કોઈ એવા બહેનને ઓળખતા હશો જે યહોવાહની વધુ સેવા કરવા કુંવારા રહ્યા હોય. હવે પોતાનું કુટુંબ ન હોવાથી તેમને એકલુ લાગી શકે. શું તમે તેમને સગાઓ કે મિત્રો સાથે જમવા બોલાવો છો? સંમેલનો કે વેકેશનમાં પણ પોતાની સાથે આવવા તમે આમંત્રણ આપી શકો. વળી કોઈક વાર બજારમાં ખરીદી કરવા તમે સાથે મળીને જઈ શકો. એવી જ રીતે વિધવા કે વિધુર અથવા ખાસ કરીને જેઓ પાસે વાહન ન હોય તેઓને પણ તમે મદદ કરી શકો. તમે તેઓના અનુભવમાંથી ઘણું શીખી શકો છો. જેમ કે સારાં ફળોની કે બાળકોના કપડાંની પસંદગી કઈ રીતે કરવી. (લેવીય ૧૯:૩૨; નીતિવચન ૧૬:૩૧) આમ કરીને તમે સારા મિત્રો બની શકશો. એટલું જ નહિ, જરૂર હોય ત્યારે તેઓ તમારી પાસે મદદ માંગતા પણ અચકાશે નહિ. પાઊલને રોમમાં રહેતા ભાઈઓએ જે મદદ અને ઉત્તેજન આપ્યા હતા તેમ, તમે પણ કરી શકો છો. પ્રથમ સદીની જેમ આજે પણ એકબીજાને વિશ્વાસમાં દૃઢ કરવા અને સાથે મળીને યહોવાહની સેવા કરવાથી આપણે આશીર્વાદ મેળવીશું.
૨૩ બીજાઓને મદદ કરવા વિષે આ લેખમાં જે રીતો બતાવવામાં આવી છે એના પર આપણે બધા મનન કરી શકીએ છીએ. આ તો ફક્ત થોડા ઉદાહરણો છે, પરંતુ આપણા ભાઈબહેનો એવા સંજોગોમાં આવે ત્યારે આપણે તેઓને “મદદરૂપ” બની શકીએ છીએ. એનો અર્થ એ નથી કે આપણે સમાજ સેવક બની જઈએ. કોલોસી ૪:૧૦, ૧૧માં જે ભાઈઓનું ઉદાહરણ આપ્યું તેઓનો પણ એવો ધ્યેય ન હતો. તેઓ પ્રથમ ‘પરમેશ્વરના રાજ્યને સારૂ કામ કરનારા’ હતા. તેઓએ જે મદદ આપી એ પરમેશ્વરનું કાર્ય આગળ વધારવા માટે હતી. ચાલો આપણે પણ એવો જ ધ્યેય રાખીએ.
૨૪ આપણે ભાઈબહેનો માટે પ્રાર્થના કરીએ ત્યારે તેઓને મદદ કરવા ઇચ્છીએ છીએ. વળી આપણે ઇચ્છીએ છીએ કે તેઓ ‘દેવ વિષેના જ્ઞાનમાં વધતા જાય.’ (કોલોસી ૧:૧૦) એ સંબંધી પાઊલે બીજું કંઈ જણાવ્યું જે વિષે એપાફ્રાસ કોલોસીઓ માટે પ્રાર્થના કરતા હતા: “દેવની સર્વ ઇચ્છા વિષે પૂરેપૂરી ખાતરી પામીને તથા સંપૂર્ણ થઈને તમે દૃઢ રહો.” (કોલોસી ૪:૧૨) આપણે પણ કઈ રીતે એમ કરી શકીએ? હવે પછીના લેખમાં આપણે એ જોઈશું.
[ફુટનોટ]
a વૉચટાવર બાઇબલ ઍન્ડ ટ્રૅક્ટ સોસાયટી દ્વારા પ્રકાશિત ઈન્સાઈટ ઓન ધ સ્ક્રિપ્ચર્સ ગ્રંથ ૧, પાન ૪૯૦-૧ અને “ઑલ સ્ક્રીપ્ચર્સ ઈઝ ઈન્સ્પાયર્ડ ઑફ ગૉડ ઍન્ડ બેનીફીશીયલ” પાન ૨૨૬-૮ જુઓ.
તમે શું શીખ્યા?
• આપણે પ્રાર્થનાથી કઈ રીતે બીજાઓને મદદ કરી શકીએ?
• અમુક ખ્રિસ્તી ભાઈઓ કઈ રીતે પાઊલને “મદદરૂપ” થયા હતા?
• કેવા સંજોગોમાં આપણે “મદદરૂપ” થઈ શકીએ?
• આપણા ભાઈબહેનો માટે પ્રાર્થના કરવાનો મુખ્ય ધ્યેય શું છે?
[અભ્યાસ પ્રશ્નો]
૧, ૨. આપણે સાચો આનંદ અને સંતોષ કેવી રીતે મેળવી શકીએ?
૩. કોને મદદ કરવાની જરૂર છે?
૪. (ક) પાઊલે કોલોસી મંડળને પત્ર લખ્યો ત્યારે તે ક્યાં હતા? (ખ) એપાફ્રાસ કોણ હતા અને તેમણે શું કર્યું?
૫. પાઊલે શા માટે કોલોસી મંડળને પત્ર લખ્યો?
૬. પાઊલે કોલોસીઓને પત્ર લખ્યો ત્યારે તેમણે શાના પર ભાર મૂક્યો?
૭, ૮. આપણી પોતાની અને મંડળની પ્રાર્થનામાં શાનો સમાવેશ કરવામાં આવે છે?
૯, ૧૦. (ક) કયા ઉદાહરણો બતાવે છે કે આપણે ખાસ પ્રાર્થનાઓ કરવી જોઈએ? (ખ) પાઊલે પોતાના માટે પ્રાર્થના કરવાનું કઈ રીતે ઉત્તેજન આપ્યું?
૧૧. એપાફ્રાસે રોમમાં કોના માટે પ્રાર્થના કરી?
૧૨. આપણે પોતાની પ્રાર્થનાઓમાં કઈ રીતે સ્પષ્ટ બની શકીએ?
૧૩. આપણે કેવી બાબતો માટે પ્રાર્થના કરવી જોઈએ?
૧૪. કઈ રીતે સ્પષ્ટ પ્રાર્થનાઓ બીજાઓને મદદ કરી શકે?
૧૫. શા માટે આપણે કોલોસીના છેલ્લા ભાગમાં રસ ધરાવવો જોઈએ?
૧૬, ૧૭. કોલોસી ૪:૧૦, ૧૧માંના ભાઈઓ વિષે શું કહી શકાય?
૧૮. પાઊલે પોતાની સાથેના અમુક ભાઈઓની કેવી પ્રશંસા કરી?
૧૯, ૨૦. (ક) રોમના ખ્રિસ્તી ભાઈઓએ પાઊલને મદદ કરી એ તેમણે કયા શબ્દોમાં જણાવ્યું? (ખ) કઈ રીતે એ ભાઈઓએ પાઊલને મદદ કરી હશે?
૨૧, ૨૨. (ક) કોલોસી ૪:૧૧ના શબ્દો આપણા માટે કેમ મહત્ત્વના છે? (ખ) પાઊલને ભાઈઓએ જે રીતે મદદ કરી હતી એમાંથી આપણે શું શીખી શકીએ?
૨૩. આપણ સર્વએ કયો ધ્યેય રાખવો જોઈએ?
૨૪. બીજાઓ માટે પ્રાર્થના કરીને તેઓને મદદ કરવાનું મુખ્ય કારણ શું છે?
[પાન ૧૮ પર ચિત્ર]
તમારા કુટુંબ સાથે આનંદ માણવા શું તમે બીજા ભાઈબહેનોને બોલાવો છો?
[ક્રેડીટ લાઈન]
Courtesy of Green Chimney’s Farm