ઈસુ અને તેમના વિશ્વાસુ ચાકરને સાથ આપતા રહો
“ધણી . . . તેને પોતાની બધી સંપત્તિનો કારભારી ઠરાવશે.”—માત્થી ૨૪:૪૫-૪૭.
૧, ૨. (ક) શાસ્ત્ર મુજબ આપણા સ્વામી કોણ છે? (ખ) આપણે કઈ રીતે કહી શકીએ કે ખ્રિસ્ત સર્વ મંડળોને દોરે છે?
“તમે સ્વામી ન કહેવાઓ, કેમ કે એક, જે ખ્રિસ્ત, તે તમારો સ્વામી છે.” (માત્થી ૨૩:૧૦) આ શબ્દોથી ઈસુએ તેમના શિષ્યોને બતાવ્યું કે કોઈ માણસને સ્વામી ગણવો ન જોઈએ. તેઓના સ્વામી સ્વર્ગમાંથી તેઓને દોરશે. યહોવાહે ઈસુને આ મોટી જવાબદારી આપી છે. તેમણે ‘ખ્રિસ્તને મૂએલાંમાંથી ઉઠાડ્યો, ને તેને સર્વ મંડળીના શિર તરીકે નિર્માણ કર્યો. મંડળીઓ તો ખ્રિસ્તનું શરીર છે.’—એફેસી ૧:૨૦-૨૩.
૨ ઈસુ ‘સર્વ મંડળીના શિર’ છે. તે સર્વ મંડળોને દોરે છે. એમાં શું થઈ રહ્યું છે, એ બધું ઈસુ જુએ છે. તે એ પણ જાણે છે કે મંડળના દરેક ભાઈ-બહેનની શ્રદ્ધા કેવી છે, તેઓની ભક્તિ કેવી છે. આપણે કેમ પૂરી ખાતરીથી આમ કહી શકીએ? કેમ કે લગભગ ૧,૯૦૦ વર્ષ પહેલાં પ્રેરિત યોહાનને મળેલા પ્રકટીકરણના સંદેશામાં ઈસુએ પાંચ વાર કહ્યું કે ત્યાંના સાત મંડળોમાં શું શું ચાલે છે એ બધું તે જાણે છે. જેમ કે, કેવી બાબતોમાં તેઓ નબળા છે. કેવી બાબતમાં તેઓ સારું કરે છે. એ મુજબ પછી ઈસુએ તેઓને ઉત્તેજન અને સલાહ આપ્યા. (પ્રકટીકરણ ૨:૨, ૯, ૧૩, ૧૯; ૩:૧, ૮, ૧૫) એશિયા માઈનોર, પેલેસ્ટાઈન, સીરિયા, બાબેલોનિયા, ગ્રીસ, ઇટાલી અને બીજાં બધાં મંડળોને પણ આવી જ મદદ મળી હશે. ઈસુની નજરમાં સર્વ મંડળો સરખા જ હતા. કોઈ વધારે વહાલું ન હતું. (પ્રેરિતોનાં કૃત્યો ૧:૮) આજના વિષે શું?
ઈશ્વરનો વિશ્વાસુ ચાકર
૩. આપણે કેમ કહી શકીએ કે ઈસુ શિર છે અને મંડળ તેમનું શરીર છે?
૩ ઈસુના મરણ પછી યહોવાહે તેમને ફરી જીવતા કર્યા. સ્વર્ગમાં પાછા જતા પહેલાં, ઈસુ થોડો સમય પૃથ્વી પર રોકાયા. એ દરમિયાન તેમણે શિષ્યોને કહ્યું: “આકાશમાં તથા પૃથ્વી પર સર્વ અધિકાર મને અપાયો છે.” પછી તેમણે કહ્યું: “જુઓ જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું.” (માત્થી ૨૮:૧૮-૨૦) ભલે ઈસુ સ્વર્ગમાં પાછા જવાના હતા, તે હજુ તેમના શિષ્યોને દોરવાના હતા. એટલે પાઊલે એફેસી અને કોલોસી મંડળને પત્રમાં લખ્યું કે મંડળો તો “શરીર” છે. એ શરીરનું શિર કે આગેવાન ખુદ ઈસુ ખ્રિસ્ત છે. (એફેસી ૧:૨૨, ૨૩; કોલોસી ૧:૧૮) કૅમ્બ્રિજ બાઇબલ ફૉર સ્કૂલ્સ ઍન્ડ કૉલેજીસ પુસ્તક કહે છે કે પાઊલ અહીં ગ્રીકમાં અલંકારિક ભાષા વાપરે છે. ‘એ બસ એટલું જ બતાવતું નથી કે શિર અથવા માથું શરીર સાથે જોડાયેલું છે. પણ માથું શરીરને હુકમ દે છે, ને શરીર એ પ્રમાણે કામ કરે છે.’ તો ઈસુ ૧૯૧૪માં સ્વર્ગમાં રાજ કરવા લાગ્યા ત્યારથી તેમણે કયા લોકોને દોર્યા છે?—દાનીયેલ ૭:૧૩, ૧૪.
૪. માલાખીની ભવિષ્યવાણી મુજબ, યહોવાહ અને ઈસુએ લોકોની ભક્તિની તપાસ કરી ત્યારે તેઓને શું જોવા મળ્યું?
૪ આનો જવાબ મેળવવા માલાખીના પુસ્તકમાં એક ભવિષ્યવચન મદદ કરશે. એ વચનમાં ‘પ્રભુ’ યહોવાહ સાથે “કરારનો દૂત” છે. એ દૂત બીજું કોઈ નહિ, પણ સિંહાસન પર બેઠેલા ઈસુ છે. તેઓ બન્ને ‘મંદિરને’ તપાસવા અને એનો ન્યાય કરવા આવ્યા કે કોણ યહોવાહની ભક્તિ કરે છે. આ મંદિર યહોવાહની ‘મંડળી’ છે. એનો ‘ન્યાયકરણનો સમય’ ૧૯૧૮માં શરૂ થયો.a (માલાખી ૩:૧; ૧ પીતર ૪:૧૭) જેઓ સાચા ઈશ્વરને ભજવાનો દાવો કરતા હતા તેઓની અને તેઓની સંસ્થાઓની તપાસ થઈ. યહોવાહ અને ઈસુએ સર્વ ચર્ચ અને એના લોકોનો નકાર કર્યો. કેમ? કારણ કે તેઓ સદીઓથી ઈશ્વર નિંદક શિક્ષણો ફેલાવતા આવ્યા છે. તેઓએ પહેલાં વિશ્વયુદ્ધમાં પણ મોટો ભાગ લીધો હતો. યહોવાહ અને ઈસુએ એક નાના ગ્રૂપની પણ તપાસ કરી. તેઓ ધરતી પર બાકી રહેલા અભિષિક્ત ખ્રિસ્તીઓ હતા. તેઓ અગ્નિપરીક્ષામાંથી પસાર થઈને યહોવાહની કૃપા પામ્યા. ‘તેઓ યહોવાહને ન્યાયીપણાથી અર્પણો ચઢાવનારા’ સાબિત થયા.—માલાખી ૩:૩.
૫. ઈસુની ભવિષ્યવાણી પ્રમાણે ‘વિશ્વાસુ ચાકર’ કોણ પુરવાર થયું?
૫ માલાખીની ભવિષ્યવાણી મુજબ, ઈસુએ તેમના શિષ્યોને અમુક બીજી માહિતી પણ આપી. તેમણે જણાવ્યું કે પૃથ્વી પર અમુક બનાવો બનશે. એનાથી તેઓ પારખી શકશે કે તેમનું રાજ અને ‘જગતનો અંત’ ક્યારે શરૂ થશે. સાથે સાથે તેમણે ‘ચાકરવર્ગની’ ઓળખ પણ આપી. એના વિષે ઈસુએ કહ્યું: “તો જે ચાકરને તેના ધણીએ પોતાના ઘરનાંને વખતસર ખાવાનું આપવા સારૂ પોતાના ઘરનો કારભારી ઠરાવ્યો છે, તેવો વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર કોણ છે? જે ચાકરને તેનો ધણી આવીને એમ કરતો દેખે, તેને ધન્ય છે. હું તમને ખચીત કહું છું, કે તે તેને પોતાની બધી સંપત્તિનો કારભારી ઠરાવશે.” (માત્થી ૨૪:૩, ૪૫-૪૭) ૧૯૧૮માં ‘ધણી તરીકે આવીને’ ઈસુએ ‘ચાકરની’ તપાસ કરી. આ કોઈ એક વ્યક્તિ ન હતી, પણ યહોવાહના ભક્તોનું એક નાનું ટોળું હતું. તેઓમાંના બધા સ્વર્ગમાં જવાના હતા. ૧૮૭૯થી તેઓ ચોકીબુરજ મૅગેઝિન અને બીજું બાઇબલ સાહિત્ય તૈયાર કરીને બીજા ભક્તોને ‘વખતસર ખાવાનું આપતા’ હતા. ઈસુએ આ નાના ગ્રૂપને તેમના ‘ચાકર’ તરીકે કબૂલ કર્યું. ૧૯૧૯માં ઈસુએ પૃથ્વી પર તેમની માલમિલકત અને ઈશ્વરભક્તોની દેખરેખ રાખવાની જવાબદારી તેઓને સોંપી.
પૃથ્વી પર ખ્રિસ્તની માલમિલકતનું ધ્યાન રાખવું
૬, ૭. (ક) ઈસુએ તેમના વિશ્વાસુ ‘ચાકરʼની બીજા કયા નામથી ઓળખ આપી? (ખ) ઈસુએ “કારભારી” શબ્દ વાપર્યો ત્યારે તે શું બતાવતા હતા?
૬ ઈસુએ તેમના શિષ્યોને પોતે સ્વર્ગમાં ક્યારે રાજ શરૂ કરશે એ વિષેની ભવિષ્યવાણી કહી હતી. ત્યારે તેમણે પૃથ્વી પર પોતાના રાજદૂત તરીકે કામ કરનારા ‘ચાકરના’ ટોળાં વિષે પણ જણાવ્યું હતું. એના અમુક મહિના પહેલાં ઈસુએ એ ચાકરની ‘કારભારી’ તરીકે પણ ઓળખ આપી હતી. કારભારીની જવાબદારી વિષે વધારે જણાવતા તેમણે કહ્યું: “જેને તેનો ધણી પોતાનાં ઘરનાંઓને યોગ્ય સમયે અન્ન આપવા સારૂ પોતાના ઘર પર ઠરાવશે એવો વિશ્વાસુ તથા શાણો કારભારી કોણ છે? હું તમને સાચું કહું છું કે તે પોતાની સર્વ માલમિલકત પર તેને કારભારી ઠરાવશે.”—લુક ૧૨:૪૨, ૪૪.
૭ મૂળ ગ્રીક ભાષામાં ‘કારભારીʼનો અર્થ થાય, ‘વ્યક્તિના ઘર કે સંપત્તિનો મૅનેજર.’ તો આ કારભારી કોણ હતું? એ ફક્ત અમુક ભણેલા-ગણેલા માણસોનું ગ્રૂપ જ ન હતું, જે બાઇબલમાંથી અમુક રસપ્રદ બાબતો સમજાવી શકે. આ ‘વિશ્વાસુ કારભારીએ’ યહોવાહના સર્વ ભક્તોને ‘વખતસર ખાવાનું,’ એટલે કે બાઇબલનું શિક્ષણ નિયમિત આપવાનું હતું. તેઓએ પૃથ્વી પર ખ્રિસ્તની ‘સર્વ માલમિલકતનું’ પણ ધ્યાન રાખવાનું હતું.
૮, ૯. ચાકર વર્ગને કઈ ‘માલમિલકતનું’ ધ્યાન રાખવાનું કામ સોંપાયું છે?
૮ આ કારભારી કે ચાકરની જવાબદારી શું છે? તેઓએ ઈશ્વરભક્તિ માટે વપરાતી સર્વ ચીજ-વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે. જેમ કે, એમાં વપરાતા મકાન, પૈસા ને માલમિલકતનું ધ્યાન રાખવું. એમાં તેઓનું મુખ્યમથક, દુનિયાની બધી બ્રાંચ ઑફિસ, ઍસેમ્બલી હૉલ ને કિંગ્ડમ હૉલ આવી જાય છે. પણ તેઓ ફક્ત માલમિલકતનું જ ધ્યાન રાખતા નથી. તેઓ આપણી શ્રદ્ધા મજબૂત રાખવા દર અઠવાડિયે મિટિંગ કે સમય-સમય પર ઍસેમ્બલી ને મહાસંમેલનો ગોઠવે છે. આ સત્સંગમાંથી આપણને બાઇબલની ભવિષ્યવાણી વિષે વધુ સમજણ મળે છે. એ પણ શીખીએ છીએ કે કઈ રીતે બાઇબલને દિલમાં ઉતારીને જીવનમાં અમલ કરી શકીએ.
૯ આ કારભારીનું ગ્રૂપ, “રાજ્યની આ સુવાર્તા” અને “સર્વ દેશનાઓને શિષ્ય” બનાવવાના જરૂરી કામ પર પણ ધ્યાન રાખે છે. એમ કરીને તેઓ આ અંતના સમયમાં મંડળના શિર ઈસુએ જે કહ્યું હતું એ પાળવાનું લોકોને શીખવી રહ્યા છે. (માત્થી ૨૪:૧૪; ૨૮:૧૯, ૨૦; પ્રકટીકરણ ૧૨:૧૭) તેઓના પ્રચારથી એક “મોટી સભા” ભેગી થઈ છે. કારભારીનું ગ્રૂપ તેઓનું પણ ધ્યાન રાખે છે. આ મોટી સભા કારભારીના ગ્રૂપને સાથ આપતી રહે છે. ‘સર્વ પ્રજાઓમાંથી આ કીમતી વસ્તુ’ એટલે કે મોટું ટોળું પણ ખ્રિસ્તની ‘સર્વ માલમિલકતમાં’ આવી જાય છે.—પ્રકટીકરણ ૭:૯; હાગ્ગાય ૨:૭.
ચાકરવર્ગમાં આગેવાની લેતી ગવર્નિંગ બૉડી
૧૦. પ્રથમ સદીમાં મંડળો માટે કોણ મહત્ત્વના નિર્ણયો લેતું અને એનું શું પરિણામ આવ્યું?
૧૦ ઈશ્વરના આ વિશ્વાસુ ચાકરના ટોળાં પર ખૂબ મોટી જવાબદારી છે. ભક્તિની બાબતોમાં તેઓએ અનેક મહત્ત્વના ફેંસલા લેવા પડે છે. પ્રથમ સદીમાં એ ટોળાંમાંથી અમુક પ્રેરિતો અને વડીલો યરૂશાલેમમાં ગવર્નિંગ બૉડી તરીકે કામ કરતાં. તેઓ આખા ચાકરવર્ગ તરફથી નિર્ણયો લેતાં. (પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૧, ૨) પછી તેઓ સર્વ મંડળોને પત્રો અને મુસાફરી કરતા વડીલો દ્વારા પોતાનો નિર્ણય જણાવતા. મંડળો ગવર્નિંગ બૉડીના ભાઈઓનું માર્ગદર્શન પૂરા દિલથી સ્વીકારતા. આમ મંડળોમાં શાંતિ ને સંપ વધતા ગયા.—પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૨૨-૩૧; ૧૬:૪, ૫; ફિલિપી ૨:૨.
૧૧. આજે ખ્રિસ્ત કોના દ્વારા મંડળોને દોરે છે? આપણે શું કરવું જોઈએ?
૧૧ પ્રથમ સદીની જેમ, આજે પણ ફક્ત અમુક જ ભાઈઓ ગવર્નિંગ બૉડીમાં સેવા કરે છે. એ ગ્રૂપમાં બધા ભાઈઓ સ્વર્ગમાં જવાની આશા રાખે છે. બાઇબલ જણાવે છે કે આ ગ્રૂપ ઈસુના “જમણા હાથમાં” છે. એનો અર્થ થાય કે ઈસુ ખ્રિસ્ત આ ગ્રૂપને માર્ગદર્શન આપે છે જેથી તેઓ દુનિયાભરમાં થઈ રહેલા પ્રચારકામ અને મંડળોની દેખરેખ રાખી શકે. (પ્રકટીકરણ ૧:૧૬, ૨૦) તેઓમાં એક આલ્બર્ટ ડી. શ્રોડર હતા. તેમણે ઘણાં વર્ષોથી ગવર્નિંગ બૉડીમાં સેવા કરી હતી. તેમણે પોતાની જીવન કહાણીમાં લખ્યું હતું: ‘ગવર્નિંગ બૉડી દર બુધવારે મળે છે. મિટિંગને શરૂ કરવા અમે પ્રાર્થના કરીએ. યહોવાહને વિનંતી કરીએ કે તે અમને માર્ગદર્શન આપે. અમે બનતી બધી મહેનત કરીએ કે જે કોઈ પણ ફેંસલો લઈએ, એ બાઇબલને આધારે હોય.’b આપણે બધાએ આ અભિષિક્ત ભાઈઓ પર પૂરો ભરોસો રાખવો જોઈએ. તેઓ વિષે આપણે ખાસ કરીને પાઊલના આ શબ્દો પાળવા જોઈએ: ‘તમે તમારા આગેવાનોની આજ્ઞાઓ પાળીને તેઓને આધીન રહો; કેમ કે હિસાબ આપનારાઓની પેઠે તેઓ તમારી ચોકી કરે છે.’—હેબ્રી ૧૩:૧૭.
વિશ્વાસુ ચાકરને માન આપીએ
૧૨, ૧૩. શાસ્ત્રમાંથી સમજાવો કે આપણે કેમ ચાકરવર્ગને માન આપવું જોઈએ.
૧૨ આપણે કેમ ચાકરવર્ગને માન આપવું જોઈએ? તેઓનું સાંભળવું જોઈએ? કેમ કે એમ કરવાથી આપણે સ્વામી ઈસુ ખ્રિસ્તને માન આપીએ છીએ. પાઊલે સર્વ અભિષિક્ત ભક્તો વિષે આમ કહ્યું: “જે સ્વતંત્રને તેડવામાં આવ્યો તે ખ્રિસ્તનો દાસ છે. તમને મૂલ્ય આપીને ખરીદવામાં આવ્યા હતા.” (૧ કોરીંથી ૭:૨૨, ૨૩; એફેસી ૬:૬) તેથી આ ચાકરવર્ગ અને ખાસ કરીને તેઓમાં આગેવાની લઈ રહેલ ગવર્નિંગ બૉડીનું માર્ગદર્શન સાંભળીએ ત્યારે, આપણે ખરેખર ઈસુને સાંભળીએ છીએ. ગવર્નિંગ બૉડીના ભાઈઓ દ્વારા ઈસુ પૃથ્વી પરની તેમની બધી મિલકત અને ભક્તોની સંભાળ રાખે છે. તેઓને માન આપવાથી આપણે ‘દેવ બાપના મહિમાને અર્થે કબૂલ કરીએ છીએ કે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે.’—ફિલિપી ૨:૧૧.
૧૩ આ ચાકરવર્ગનું કહ્યું માનવા માટે બીજું એક કારણ પણ છે. બાઇબલ પ્રમાણે સર્વ અભિષિક્ત થયેલા ભક્તો એક ‘મંદિરને’ રજૂ કરે છે. તેઓમાં ‘દેવનો આશીર્વાદ વસે’ છે. તેથી તેઓ “પવિત્ર” ગણાય છે. (૧ કોરીંથી ૩:૧૬, ૧૭; એફેસી ૨:૧૯-૨૨) ઈસુએ આ પવિત્ર મંદિરને રજૂ કરતા અભિષિક્ત ભક્તોને તેમની સર્વ માલમિલકતની દેખરેખ રાખવાનું કામ સોંપ્યું છે. તેથી મંડળમાં અમુક ફેંસલા લેવાનો હક્ક ફક્ત તેઓના હાથમાં જ છે. આ કારણે મંડળોમાં સર્વ તેઓના માર્ગદર્શનને ઈશ્વર પાસેથી આવેલું ગણે છે. એને પવિત્ર ફરજ ગણીને ખુશી ખુશી માને છે. ‘બીજાં ઘેટાં,’ એટલે મંડળના ભાઈ-બહેનો ચાકરવર્ગ અને એમાંથી આવેલ ગવર્નિંગ બૉડીને પૂરો સાથ આપવાને એક આશીર્વાદ ગણે છે.—યોહાન ૧૦:૧૬.
ચાકરવર્ગને પૂરો સાથ આપીએ
૧૪. યશાયાહે કહ્યું તેમ, બીજા ઘેટાં કઈ રીતે અભિષિક્ત ચાકરવર્ગ પાછળ ચાલતા આવે છે અને કઈ રીતે “મહેનતનું ફળ” આપે છે?
૧૪ યશાયાહની એક ભવિષ્યવાણી જણાવે છે કે બીજાં ઘેટાંમાંના ભાઈ-બહેનો, અભિષિક્ત ભક્તોને જરૂર સાથ આપશે. નમ્રતાથી તેઓનું માર્ગદર્શન સ્વીકારશે. એ ભવિષ્યવાણી કહે છે: “યહોવાહ એવું કહે છે, કે મિસરની મહેનતનું ફળ તથા કૂશનો વેપાર, અને કદાવર સબાઈમ લોકો એ બધાં તારે શરણે આવશે ને તારાં થશે; તેઓ તારી આગળ ચાલશે; તેઓ બેડીઓ પહેરીને ચાલતા આવશે; અને તેઓ તારી આગળ પ્રણામ કરશે, તેઓ તને વિનંતી કરશે, કે કેવળ તારામાં દેવ છે; અને બીજો કોઈ નથી, બીજો દેવ નથી.” (યશાયાહ ૪૫:૧૪) આજે અભિષિક્ત ચાકરવર્ગ અને તેઓની ગવર્નિંગ બૉડી પાછળ આ બીજા ઘેટાં ચાલતાં આવે છે. રાજી-ખુશીથી તેઓ “મહેનતનું ફળ” આપે છે. તન-મન-ધનથી તેઓ અભિષિક્ત ભક્તોને ઈસુએ સોંપેલા જગતભરના પ્રચાર કામમાં સાથ આપે છે.—પ્રેરિતોનાં કૃત્યો ૧:૮; પ્રકટીકરણ ૧૨:૧૭.
૧૫. યશાયાહ ૬૧:૫, ૬ની ભવિષ્યવાણી કઈ રીતે અભિષિક્તો અને બીજા ઘેટાંના ટોળાં વચ્ચેનો સંબંધ બતાવે છે?
૧૫ બીજાં ઘેટાંના ભાઈ-બહેનોને બહુ ખુશી છે કે તેઓ ચાકરવર્ગ અને ગવર્નિંગ બૉડીના માર્ગદર્શન નીચે યહોવાહની ભક્તિ કરી શકે છે. તેઓ માટે સર્વ અભિષિક્ત ભક્તો “દેવના ઈસ્રાએલ” છે. (ગલાતી ૬:૧૬) બીજાં ઘેટાંમાંના ભાઈ-બહેનો જાણે “પરદેશીઓ” છે. તેઓ “યહોવાહના યાજક” અને “દેવના સેવક,” એટલે કે અભિષિક્તોના હાથ નીચે ખુશી ખુશી કામ કરે છે. તેઓ અભિષિક્તો માટે જાણે “ખેડૂત” અને ‘દ્રાક્ષાવાડીના માળી’ તરીકે કામ કરે છે. (યશાયાહ ૬૧:૫, ૬) એટલે કે તેઓ ઉત્સાહથી ચાકરવર્ગનું માર્ગદર્શન સ્વીકારીને દિલથી ઈશ્વરની સરકાર વિષે પ્રચાર કરે છે. સર્વને યહોવાહ વિષે શીખવે છે ને નવા ભક્તોનું ધ્યાન રાખે છે.
૧૬. બીજા ઘેટાંના ભાઈ-બહેનો કેમ દિલથી વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકરને પૂરો સાથ આપે છે?
૧૬ વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકરે યોગ્ય સમયે બાઇબલ વિષે સમજણ આપી છે. આજેય સમયસર યહોવાહનું જ્ઞાન આપી રહ્યા છે. બીજાં ઘેટાંના ભાઈ-બહેનો આ ચાકરની બહુ કદર કરે છે. તેઓને ખબર છે કે ચાકરની તનતોડ મહેનત વગર તેઓને બાઇબલ સત્ય વિષે બહુ કંઈ જાણવા મળ્યું ન હોત. પણ કેટલું સારું કે વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર દ્વારા આપણને ખબર છે કે વિશ્વના રાજા બનવા કોણ લાયક છે. યહોવાહનું નામ કેવો મહત્ત્વનો અર્થ ધરાવે છે. તેમનું રાજ્ય શું છે. નવું સ્વર્ગ ને નવી પૃથ્વી શું છે. મૂએલાઓનું શું થાય છે. યહોવાહ ખરેખર કેવા છે. ઈસુ કેવા છે. યહોવાહનો પવિત્ર આત્મા શું છે, એ શું કરી શકે. યહોવાહ અને તેમના ચાકરવર્ગ માટે આપણા દિલમાંથી કેટલી કદર વહે છે! આપણે દુનિયાની છેલ્લી ઘડીઓમાં, અભિષિક્ત ‘ભાઈઓને’ પૂરો સાથ આપી શકીએ છીએ એ કેટલો મોટો આશીર્વાદ કહેવાય!—માત્થી ૨૫:૪૦.
૧૭. ગવર્નિંગ બૉડીએ શું કરવું પડ્યું છે? હવે પછીના લેખમાં શાની ચર્ચા થશે?
૧૭ આજે અભિષિક્ત ભાઈ-બહેનોની સંખ્યા ઘટતી જાય છે. ખ્રિસ્તની માલમિલકત અને ઈશ્વરભક્તોનું ધ્યાન રાખવા દરેક મંડળમાં અભિષિક્ત ભક્ત છે જ નહિ. તેથી ગવર્નિંગ બૉડીએ બીજાં ઘેટાંમાંથી અમુક ભાઈઓને વધારે જવાબદારી સોંપી છે. એ ભાઈઓ હવે બ્રાંચ ઑફિસ, ડિસ્ટ્રીક્ટ, સરકીટ અને મંડળમાં ઘણી જવાબદારી નિભાવે છે. આ ભાઈઓ વડીલો છે. તેઓનું સાંભળવાથી આપણે ખ્રિસ્ત ને તેમના ચાકર વિષે શું બતાવીએ છીએ? હવે પછીનો લેખ આની વધારે ચર્ચા કરશે. (w 07 4/1)
[Footnotes]
a આના વિષે વધુ જાણવું હોય તો આ ચોકીબુરજ તપાસો: માર્ચ ૧, ૨૦૦૪, પાન ૧૩-૧૮ અને માર્ચ ૧૯૯૩ પાન ૧૩.
b ધ વૉચટાવર માર્ચ ૧, ૧૯૮૮, પાન ૧૦-૧૭માં તેમની જીવન કહાણી છપાઈ હતી.
યાદ કરો
• આપણા સ્વામી કોણ છે? શું બતાવે છે કે તેમની નજર સર્વ મંડળો પર છે?
• ‘મંદિરની’ તપાસ થઈ ત્યારે વિશ્વાસુ ચાકર તરીકે કોણ ઓળખાઈ આવ્યું? તેમને કઈ માલમિલકતનું ધ્યાન રાખવાનું કામ સોંપવામાં આવ્યું?
• શાસ્ત્રમાંથી સમજાવો કે આપણે શા માટે ચાકરવર્ગને દિલથી સાથ આપવો જોઈએ.
[Pictures on page 23]
ખ્રિસ્તની સર્વ ‘માલમિલકતની’ “કારભારી” સંભાળ રાખે છે. એમાં પૈસા, મકાનો, શિક્ષણ અને પ્રચારકામ પર દેખરેખ આવી જાય છે
[Picture on page 25]
ઉત્સાહથી પ્રચાર કરીને બીજાં ઘેટાંના ભાઈ-બહેનો વિશ્વાસુ ચાકરને સાથ આપે છે