પાઠ ૩૭
કામ અને પૈસા વિશે બાઇબલમાં શું જણાવ્યું છે?
શું તમને કદી નોકરી-ધંધાને લઈને કે પૈસેટકે ચિંતા થઈ છે? ખરું કે, ઘર ચલાવવાની સાથે સાથે પૂરા દિલથી યહોવાની ભક્તિ કરવી સહેલું નથી. ચાલો જોઈએ કે બાઇબલમાં એ વિશે કઈ સલાહ આપી છે.
૧. બાઇબલમાં કામ વિશે શું જણાવ્યું છે?
ઈશ્વર ચાહે છે કે આપણને આપણાં કામથી ખુશી મળે. બાઇબલમાં લખ્યું છે, “પોતાની મહેનતનો આનંદ માણવો એ સિવાય માણસ માટે બીજું કંઈ સારું નથી.” (સભાશિક્ષક ૨:૨૪) યહોવા પોતે પણ સખત મહેનત કરે છે. આપણે યહોવાની જેમ પૂરા દિલથી કામ કરીએ છીએ ત્યારે, તેમને ખુશી મળે છે અને આપણને પણ સંતોષ મળે છે.
કામ કરવું જરૂરી છે. પણ એ યહોવાની ભક્તિ કરતાં વધારે મહત્ત્વનું ન બની જાય, એનું આપણે ધ્યાન રાખવું જોઈએ. (યોહાન ૬:૨૭) યહોવાએ વચન આપ્યું છે કે જો આપણે તેમની ભક્તિને જીવનમાં સૌથી મહત્ત્વની ગણીશું, તો તે આપણી બધી જરૂરિયાતો પૂરી કરશે.
૨. પૈસા વિશે આપણું વલણ કેવું હોવું જોઈએ?
બાઇબલમાં લખ્યું છે કે “પૈસા રક્ષણ આપે છે.” (સભાશિક્ષક ૭:૧૨) સાથે સાથે એ પણ યાદ અપાવે છે કે ફક્ત પૈસાથી જ ખુશી નથી મળતી. એટલે ઈશ્વર સલાહ આપે છે કે પૈસાનો મોહ ન રાખીએ, પણ આપણી પાસે ‘જેટલું છે એમાં સંતોષ માનીએ.’ (હિબ્રૂઓ ૧૩:૫ વાંચો.) આપણી પાસે જે કંઈ છે એમાં સંતોષ માનીએ છીએ ત્યારે, જરૂર ન હોય એવી વસ્તુઓનો મોહ રાખતા નથી. આમ, આપણે કોઈ કારણ વગર દેવું કરતા નથી. (નીતિવચનો ૨૨:૭) એટલું જ નહિ, જુગાર રમતા નથી અને રાતોરાત અમીર બનાવી દેતી સ્કીમોના ચક્કરમાં ફસાતા નથી.
૩. આપણે કઈ રીતે આપણા પૈસાથી બીજાઓને મદદ કરી શકીએ?
યહોવા ખૂબ ઉદાર છે. તેમની જેમ આપણે પણ ‘ઉદાર બનીએ અને પોતાની પાસે જે છે એ બીજાઓ સાથે વહેંચવા તૈયાર રહીએ.’ (૧ તિમોથી ૬:૧૮) આપણે કઈ રીતે ઉદાર બની શકીએ? મંડળનાં કામ માટે દાન આપી શકીએ. પૈસાથી જરૂરિયાતવાળા લોકોને મદદ કરી શકીએ, ખાસ કરીને મંડળનાં ભાઈ-બહેનોને. યહોવા એ નથી જોતા કે આપણે કેટલું આપીએ છીએ, પણ તે એ જુએ છે કે આપણે કયા ઇરાદાથી આપીએ છીએ. બીજાઓને મદદ કરવા જ્યારે આપણે દિલ ખોલીને આપીએ છીએ, ત્યારે યહોવા ખુશ થાય છે અને આપણને પણ ખુશી મળે છે.—પ્રેરિતોનાં કાર્યો ૨૦:૩૫ વાંચો.
વધારે જાણો
કામ વિશે યોગ્ય વલણ રાખવાથી અને આપણી પાસે જે કંઈ છે, એમાં સંતોષ માનવાથી કેવા ફાયદા થાય છે? ચાલો જોઈએ.
૪. કામ વિશે યોગ્ય વલણ રાખીશું તો યહોવાને મહિમા મળશે
જો યહોવા સાથેની આપણી દોસ્તી એકદમ પાકી હશે, તો આપણે કામ-ધંધા વિશે યહોવાના વિચારો અપનાવીશું. વીડિયો જુઓ. પછી નીચે આપેલા સવાલોની ચર્ચા કરો.
નોકરીની જગ્યાએ જેસનનું વલણ અને વર્તન કેવું હતું? એમાંથી તમને જેસનની કઈ વાત બહુ ગમી?
નોકરી સૌથી વધારે મહત્ત્વની ન બની જાય, એ માટે જેસને શું કર્યું?
કોલોસીઓ ૩:૨૩, ૨૪ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:
તન-મનથી કામ કરવું કેમ જરૂરી છે?
કામ કરવું જરૂરી છે. પણ એ યહોવાની ભક્તિ કરતાં વધારે મહત્ત્વનું ન બની જાય, એનું આપણે ધ્યાન રાખવું જોઈએ
૫. સંતોષ રાખવાથી ઘણા ફાયદા થાય છે
ઘણા લોકો વધારે પૈસા કમાવા બનતું બધું કરે છે. પણ ચાલો જોઈએ કે બાઇબલમાં કઈ સલાહ આપી છે. ૧ તિમોથી ૬:૬-૮ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:
બાઇબલમાં કઈ સલાહ આપી છે?
ભલે આપણી પાસે ગુજરાન ચલાવવા જેટલું પણ ન હોય, છતાં આપણે ખુશ રહી શકીએ છીએ. વીડિયો જુઓ. પછી નીચે આપેલા સવાલની ચર્ચા કરો.
ઓછા પૈસા હોવા છતાં એ બે કુટુંબો કેમ ખુશ હતાં?
બની શકે કે આપણી પાસે બધું જ હોય, તોપણ આપણને હજી વધારે જોઈતું હોય. પણ એવો વિચાર ખતરનાક છે. એ સમજાવવા ઈસુએ એક દાખલો આપ્યો હતો. લૂક ૧૨:૧૫-૨૧ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:
ઈસુએ આપેલા દાખલામાંથી તમે શું શીખ્યા?—કલમ ૧૫ જુઓ.
નીતિવચનો ૧૦:૨૨ અને ૧ તિમોથી ૬:૧૦ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:
તમારા માટે શું વધારે મહત્ત્વનું છે, યહોવા સાથેની દોસ્તી કે પછી બહુ બધા પૈસા? તમને કેમ એવું લાગે છે?
પૈસા પાછળ ભાગવાથી કેવી મુશ્કેલીઓ આવી શકે?
૬. યહોવા આપણી જરૂરિયાતો પૂરી કરશે
કોઈક વાર એવું બને કે નોકરીને લઈને મુશ્કેલી ઊભી થાય અથવા ગુજરાન ચલાવવા પૂરતા પૈસા ન હોય. એવા સંજોગોમાં કદાચ યહોવા પર ભરોસો રાખવો અઘરું લાગે. એવું બને ત્યારે શું કરી શકીએ? વીડિયો જુઓ. પછી નીચે આપેલા સવાલોની ચર્ચા કરો.
ભાઈ સામે કેવી મુશ્કેલીઓ આવી?
મુશ્કેલીઓનો સારી રીતે સામનો કરવા તેમણે શું કર્યું?
માથ્થી ૬:૨૫-૩૪ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:
જેઓ યહોવાને પોતાના જીવનમાં પ્રથમ રાખે છે, તેઓને તે કયું વચન આપે છે?
અમુક લોકો કહે છે: “ઘર ચલાવવા બહુ મહેનત કરવી પડે. દર અઠવાડિયે સભામાં ન આવી શકાય.”
કઈ કલમથી તમને ખાતરી થઈ કે, જો યહોવાની ભક્તિને જીવનમાં પહેલી રાખીશું, તો તે આપણી જરૂરિયાતો પૂરી કરશે?
આપણે શીખી ગયા
કામ અને પૈસા જરૂરી છે. પણ એ બધું યહોવાની ભક્તિ કરતાં વધારે મહત્ત્વનું ન બની જવું જોઈએ.
તમે શું કહેશો?
કામ વિશે યોગ્ય વલણ રાખવા તમને શું મદદ કરશે?
તમારી પાસે જે કંઈ છે, એમાં સંતોષ રાખવાથી તમને કેવા ફાયદા થશે?
યહોવાએ વચન આપ્યું છે કે તે પોતાના ભક્તોની જરૂરિયાતો ચોક્કસ પૂરી કરશે. તમે કઈ રીતે સાબિત કરી શકો કે તમને એ વચનમાં ભરોસો છે?
વધારે માહિતી
શું બાઇબલમાં એવું જણાવ્યું છે કે પૈસા ખરાબ વસ્તુ છે?
“શું પૈસા બધી મુશ્કેલીઓનું મૂળ છે?” (jw.org/gu પર આપેલો લેખ)
આપણે કઈ રીતે બીજાઓને મદદ કરવા આપણી માલ-મિલકતનો ઉપયોગ કરી શકીએ? એ વિશે ઈશ્વર શું ચાહે છે એ જાણવા આ લેખ વાંચો.
“બીજાઓને મદદ કરવા વિશે બાઇબલમાં શું જણાવ્યું છે?” (jw.org/gu પર આપેલો લેખ)
શું જુગાર રમવો ખોટું છે?
એક માણસ પહેલાં જુગાર રમતો અને ચોરી કરતો. તેને પોતાનું જીવન બદલવા શાનાથી મદદ મળી?