વાચકો તરફથી પ્રશ્નો
“તેને એકલાને અમરપણું છે” અને “જેને કોઈ માણસે જોયો નથી, ને જોઈ શકતો પણ નથી.” કઈ રીતે કહી શકાય કે બાઇબલના આ બે વાક્યો યહોવાહને નહિ પરંતુ ઈસુને લાગુ પડે છે?
પ્રેરિત પાઊલે લખ્યું: “જે ધન્ય તથા એકલો સ્વામી છે, જે રાજાઓનો રાજા તથા પ્રભુઓનો પ્રભુ છે, તે નિર્મિત સમયે એ પ્રગટ થવું દેખાડશે. તેને એકલાને અમરપણું છે, પાસે જઈ શકાય નહિ એવા પ્રકાશમાં જે રહે છે, જેને કોઈ માણસે જોયો નથી, ને જોઈ શકતો પણ નથી.”—૧ તીમોથી ૬:૧૫, ૧૬.
બાઇબલ ટીકાકારો દલીલ કરે છે: ‘આ વાક્યો જેમ કે, “તેને એકલાને અમરપણું છે,” તે “એકલો સ્વામી છે” અને “જેને કોઈ માણસે જોયો નથી, ને જોઈ શકતો પણ નથી,” ખરેખર સર્વશક્તિમાન પરમેશ્વરને લાગુ પડે છે. તેમના સિવાય બીજા કોના વિષે વાત કરી શકાય?’ ખરું કે, આ વાક્યો યહોવાહને પણ લાગુ પડી શકે. પરંતુ, ૧ તીમોથી ૬:૧૫, ૧૬ની આજુબાજુની કલમો બતાવે છે કે પાઊલ ખરેખર ઈસુ વિષે વાત કરતા હતા.
પહેલો તીમોથી ૬:૧૪ની અંતમાં પાઊલ “ઈસુ ખ્રિસ્તના પ્રગટ” થવા વિષે જણાવે છે. ત્યાર પછી પાઊલે પંદરમી કલમમાં લખ્યું કે, ‘જે ધન્ય તથા એકલો સ્વામી છે તે નિર્મિત સમયે એ પ્રગટ થવું દેખાડશે.’ એનાથી સ્પષ્ટ ખબર પડે છે કે પાઊલ અહીં ઈસુને પ્રગટ કરવામાં આવશે એના વિષે વાત કરે છે, યહોવાહ વિષે નહિ. તો પછી, “એકલો સ્વામી” કોણ છે? એવું લાગે છે કે ઈસુ આ સ્વામી છે. એવું કઈ રીતે કહી શકીએ? આજુબાજુની કલમો તપાસવાથી જોવા મળે છે કે પાઊલ ઈસુની સરખામણી દુનિયાના રાજાઓ સાથે કરે છે. એના લીધે પાઊલે લખ્યું કે ઈસુ “રાજાઓનો [માણસોનો] રાજા તથા પ્રભુઓનો [માણસોનો] પ્રભુ છે.”a એટલે કે માનવી રાજાઓની સરખામણીમાં ઈસુ ‘એકલા જ સ્વામી’ છે. કેમ કે યહોવાહે ‘તેમને સત્તા, મહિમા તથા રાજ્ય આપ્યા, કે જેથી બધા લોકો, પ્રજાઓ તથા સર્વ ભાષાઓ બોલનાર માણસો તેના તાબેદાર થાય.’ (દાનીયેલ ૭:૧૪) આ કલમથી આપણે જાણી શકીએ કે કોઈ માનવી રાજા આવો દાવો કરી ન શકે.
“તેને એકલાને અમરપણું છે,” શું એ ઈસુને લાગુ પડે છે? આ કલમમાં પણ પાઊલ ઈસુની સરખામણી પૃથ્વીના રાજાઓ સાથે કરે છે. પૃથ્વીના કોઈ પણ રાજા અમર નથી. પરંતુ, ઈસુને અમર જીવન મળ્યું છે. પાઊલે લખ્યું: “આપણે જાણીએ છીએ કે ખ્રિસ્તને મૂએલાંમાંથી ઉઠાડવામાં આવ્યા પછી તે ફરીથી મરનાર નથી; હવે પછી મરણનો ફરીથી તેના પર અધિકાર નથી.” (રૂમી ૬:૯) બાઇબલ પ્રમાણે, ઈસુ જ પહેલી વ્યક્તિ હતા જેમને અમરપણું મળ્યું. વળી, જ્યારે પાઊલે એ કલમમાં અમરપણા વિષે લખ્યું, એ વખતે ફક્ત ઈસુને જ અમર જીવન મળ્યું હતું.
વળી, પાઊલે જો એમ કહ્યું હોત કે ફક્ત યહોવાહ અમર છે તો, તે જૂઠું બોલે છે એમ કહેવાત. કેમ કે, પાઊલે પહેલો તીમોથીના આ શબ્દો લખ્યા, ત્યારે ઈસુને અમર જીવન મળી ગયું હતું. પાઊલ કહી શકે કે, ઈસુને અમરપણું છે કારણ કે દુનિયાના બીજા રાજાઓની સરખામણીમાં ફક્ત ઈસુ જ અમર હતા.
ઈસુને સજીવન કરવામાં આવ્યા પછી તે સ્વર્ગમાં ગયા. આપણે કહી શકીએ કે એ પછીથી ઈસુને “કોઈ માણસે જોયો નથી, ને જોઈ શકતો પણ નથી.” ખરું કે ઈસુના અભિષિક્ત પ્રેષિતો પોતાના મરણ પછી ઈસુને સ્વર્ગમાં જોઈ શકશે. (યોહાન ૧૭:૨૪) પરંતુ પૃથ્વી પરનો કોઈ માણસ ઈસુને તેમના ગૌરવવાન સ્થાનમાં જોઈ શકવાનો નથી. તેથી, આપણે સો ટકા કહી શકીએ કે ઈસુના સજીવન અને સ્વર્ગમાં ગયા પછી ‘કોઈ માણસે તેમને જોયો નથી.’
ખરું કે, ૧ તીમોથી ૬:૧૫, ૧૬ની કલમો પર નજર નાખીએ ત્યારે એવું લાગે કે એ યહોવાહને લાગુ પડે છે. પરંતુ એની આજુબાજુની કલમો અને બાઇબલની બીજી કલમો તપાસવાથી, આપણે જોઈ શકીએ છીએ કે પાઊલ ખરેખર ઈસુ વિષે વાત કરતા હતા.
[ફુટનોટ]
a એના જેવી બીજી ઘણી કલમો છે જે ઈસુને લાગુ પડે છે. દાખલા તરીકે: ૧ કોરીંથી ૮:૫, ૬; પ્રકટીકરણ ૧૭:૧૨, ૧૪; ૧૯:૧૬.