પ્રકરણ પાંચ
દુનિયા જેવા ન બનો
“તમે જગતના નથી.”—યોહાન ૧૫:૧૯.
૧. ઈસુએ જીવનની છેલ્લી રાતે શાના પર ભાર મૂક્યો?
ધરતી પર ઈસુના જીવનની છેલ્લી રાત હતી. તેમણે ઈશ્વરને પોતાના શિષ્યો વિષે આ પ્રાર્થના કરી: ‘તમે તેઓને જગતમાંથી લઈ લો એવી વિનંતી હું કરતો નથી, પણ તમે તેઓને તે દુષ્ટથી બચાવો એવી વિનંતી કરું છું. જેમ હું જગતનો નથી, તેમ તેઓ પણ જગતના નથી.’ (યોહાન ૧૭:૧૫, ૧૬) આ પ્રાર્થના શાના પર ભાર મૂકે છે? એક તો, ઈસુને શિષ્યો પર ઘણો પ્રેમ હોવાથી તેમના ભવિષ્યની ખૂબ ચિંતા હતી. બીજું, એ રાતે પ્રાર્થના પહેલાં અમુક શિષ્યોને કહેલા આ શબ્દો ઈસુ માટે બહુ મહત્ત્વના હતા: “તમે જગતના નથી.” (યોહાન ૧૫:૧૯) ઈસુ ચાહતા હતા કે તેમના શિષ્યો કોઈ પણ રીતે પોતાને જગતથી અલગ રાખે.
૨. ઈસુએ જે જગત વિષે વાત કરી એ શું છે?
૨ ઈસુએ જે ‘જગત’ વિષે વાત કરી, એ શું છે? એ જગત એવા લોકોને બતાવે છે, જેઓને યહોવા ઈશ્વર સાથે કોઈ સંબંધ નથી કે તેમને ઓળખતા નથી. તેઓ પર શેતાન રાજ કરે છે. એટલે તેઓ પણ શેતાન જેવા ઘમંડી અને સ્વાર્થી છે. (યોહાન ૧૪:૩૦; એફેસી ૨:૨; ૧ યોહાન ૫:૧૯) એવા લોકોથી બનેલા ‘જગતની મિત્રતા ઈશ્વર પ્રત્યે વેર છે.’ (યાકૂબ ૪:૪) તો પછી જેઓ ઈશ્વરના પ્રેમની છાયામાં રહેવા માગે છે, તેઓ કઈ રીતે દુનિયામાં રહીને પણ એનાથી અલગ રહી શકે? આ પાંચ રીતો આપણને મદદ કરશે: (૧) ઈશ્વરના રાજ્યને વફાદાર રહીએ અને રાજકારણમાં કોઈ પણ રીતે ભાગ ન લઈએ. (૨) જગતના વલણનો સામનો કરીએ. (૩) આપણો પહેરવેશ અને શણગાર શોભે એવા રાખીએ. (૪) આપણું ધ્યાન યહોવાની ભક્તિમાં લગાડેલું રાખીએ. (૫) ઈશ્વરે આપેલાં સર્વ હથિયારો સજી લઈએ. ચાલો આ પાંચ રીતો વિષે વધારે જોઈએ.
ઈશ્વરના રાજ્યને વફાદાર રહીએ, રાજકારણમાં ભાગ ન લઈએ
૩. (ક) ઈસુએ કેમ રાજકારણમાં જરાય ભાગ ન લીધો? (ખ) અભિષિક્ત શિષ્યો કેવી રીતે રાજદૂતો તરીકે સેવા આપે છે? (ફૂટનોટ પણ જુઓ.)
૩ ઈસુએ રાજકારણમાં જરાય ભાગ લીધો ન હતો. એને બદલે, તેમણે પૂરેપૂરું ધ્યાન ઈશ્વરના રાજ્યનો પ્રચાર કરવા પર લગાડ્યું હતું. આ રાજ્ય સ્વર્ગમાંથી શરૂ થવાનું હતું અને ઈસુ એના રાજા બનવાના હતા. (દાનિયેલ ૭:૧૩, ૧૪; લૂક ૪:૪૩) એટલે જ ઈસુ રોમન શાસક પોંતિયસ પિલાતને કહી શક્યા કે “મારું રાજ્ય આ જગતનું નથી.” (યોહાન ૧૮:૩૬) આજે ઈસુના શિષ્યો પણ તેમને પગલે ચાલે છે. તેઓ રાજા ઈસુ અને તેમના રાજ્યને વફાદાર રહે છે. તેઓ આખી દુનિયામાં ઈશ્વરના રાજ્યની ખુશખબર જણાવે છે. (માથ્થી ૨૪:૧૪) એટલે પાઉલે લખ્યું, ‘અમે ખ્રિસ્તના રાજદૂતો છીએ. અમે ખ્રિસ્ત તરફથી આજીજી કરીએ છીએ કે ઈશ્વરની સાથે સમાધાન કરો.’a—૨ કરિંથી ૫:૨૦.
૪. યહોવાના રાજ્યને વફાદાર રહેવા તેમના બધા જ ભક્તો શું કરે છે? (“શરૂઆતના ખ્રિસ્તીઓ કોઈનો પક્ષ ન લેતા” બૉક્સ જુઓ.)
૪ રાજદૂતો જે દેશમાં સેવા આપે છે, એ દેશના રાજકારણમાં કોઈ દખલગીરી કરતા નથી કે કોઈનો પક્ષ લેતા નથી. તેઓ પોતાના દેશને જ રજૂ કરે છે અને એને વફાદાર રહે છે. ઈસુના અભિષિક્ત શિષ્યો પણ પૃથ્વી પર રાજદૂતો છે, કેમ કે તેઓની ‘નાગરિકતા સ્વર્ગની છે.’ (ફિલિપી ૩:૨૦) તેઓ ઈશ્વરના રાજ્યની ખુશખબર હોંશથી જણાવી રહ્યા છે. ઈસુનાં “બીજાં ઘેટાં”ને એટલે કે પૃથ્વી પર રહેવાની આશા રાખનારા લાખો લોકોને પણ તેઓએ ‘ઈશ્વર સાથે સમાધાન કરવા’ મદદ આપી છે. (યોહાન ૧૦:૧૬; માથ્થી ૨૫:૩૧-૪૦) ઈસુના અભિષિક્ત શિષ્યોને “બીજાં ઘેટાં” પૂરો સાથ આપે છે. આ બંને સમૂહ ફક્ત ઈશ્વરના રાજ્ય માટે જ સેવા આપતા હોવાથી, દુનિયાના રાજકારણમાં જરાય ભાગ લેતા નથી.—યશાયા ૨:૨-૪.
૫. યહોવાના ભક્તો રાજકારણમાં ભાગ નથી લેતા એનું બીજું કારણ કયું છે?
૫ યહોવાના ભક્તો રાજકારણમાં ભાગ નથી લેતા એનું બીજું કારણ પણ છે. આજે જૂના જમાનાના ઇઝરાયલીઓ જેવું નથી, જેઓ યહોવાએ આપેલા દેશમાં એકસાથે રહેતા હતા. યહોવાના ભક્તો આજે દુનિયાના અનેક દેશોમાં રહે છે. (માથ્થી ૨૮:૧૯) એટલે જો આપણે કોઈ રાજકીય પક્ષને ટેકો આપીશું, તો આપણી વચ્ચે સંપ નહિ રહે. (૧ કરિંથી ૧:૧૦) સાફ દિલથી લોકોને જણાવી પણ નહિ શકીએ કે ફક્ત ઈશ્વરનું રાજ્ય સર્વ દુઃખોનો ઇલાજ છે. એટલું જ નહિ, યુદ્ધના સમયે આપણે આપણા જ ભાઈ-બહેનો સામે લડતા હોઈશું. જો એમ થાય, તો આપણે એકબીજા પર પ્રેમ રાખવાની આજ્ઞા પાળી શકીશું નહિ. (યોહાન ૧૩:૩૪, ૩૫; ૧ યોહાન ૩:૧૦-૧૨) ઈસુએ કહ્યું હતું કે તેમના શિષ્યોએ કોઈ પણ સંજોગોમાં એકબીજા સાથે લડવું નહિ. અરે, તેમણે તો ‘દુશ્મનોને પણ પ્રેમ કરવાનું’ શીખવ્યું હતું.—માથ્થી ૫:૪૪; ૨૬:૫૨; “શું હું કોઈનો પક્ષ લઉં છું?” બૉક્સ જુઓ.
૬. યહોવાના ભક્તો સરકાર પ્રત્યે કેવું વલણ રાખે છે?
૬ આપણે પોતાનું જીવન કોઈ માણસ, સંગઠન કે દેશને નહિ, પણ યહોવાને સોંપી દીધું છે. પહેલો કરિંથી ૬:૧૯, ૨૦ કહે છે કે ‘તમે પોતાના નથી, કેમ કે મૂલ્ય આપીને તમને ખરીદવામાં આવ્યા છે.’ જોકે, આપણે ‘કાઈસાર’ એટલે સરકારને એના હક પ્રમાણે માન આપીએ છીએ. બધા કર ભરીએ છીએ. ઈશ્વરે ઠરાવેલી હદ સુધી, બધી બાબતમાં સરકારને આધીન પણ રહીએ છીએ. તોપણ, જે હક ‘ઈશ્વરનો છે એ ઈશ્વરને જ આપીએ છીએ.’ (માર્ક ૧૨:૧૭; રોમનો ૧૩:૧-૭) આપણે તન-મનથી ઈશ્વરની ભક્તિ કરીએ છીએ અને તેમની બધી આજ્ઞાઓ પાળીને તેમને જ વળગી રહીએ છીએ. એ માટે જરૂર પડે તો આપણે પોતાનો જીવ આપવા પણ તૈયાર છીએ.—લૂક ૪:૮; ૧૦:૨૭; પ્રેરિતોનાં કૃત્યો ૫:૨૯; રોમનો ૧૪:૮.
દુનિયાના વલણનો સામનો કરીએ
૭, ૮. દુનિયાનું વલણ કેવું છે અને એ વ્યક્તિમાં કેવા ગુણો પેદા કરે છે?
૭ દુનિયાથી અલગ રહેવા માટે એના શેતાની વલણથી પણ આપણે સાવચેત રહીએ છીએ. પાઉલે જણાવ્યું હતું કે આપણે જગતનું વલણ નહિ, પણ જે ગુણો ઈશ્વર તરફથી છે તે પામ્યા છીએ. (૧ કરિંથી ૨:૧૨) તેમણે એફેસી મંડળને પણ કહ્યું હતું કે ‘તમે આ જગતના વાયુની સત્તાના અધિકારી, એટલે જે વલણ આજ્ઞાભંગના દીકરાઓમાં હમણાં પ્રબળ છે, તે પ્રમાણે પહેલાં ચાલતા હતા.’—એફેસી ૨:૨, ૩.
૮ ‘આ જગતનો વાયુ’ દુનિયાનું વલણ છે. એ આપણને ઈશ્વરની આજ્ઞાઓ તોડવા ઉશ્કેરે છે. આપણામાં “દૈહિક વાસના તથા આંખોની લાલસા” ભડકાવે છે. (૧ યોહાન ૨:૧૬; ૧ તિમોથી ૬:૯, ૧૦) દુનિયાનું વલણ લોકો પર કઈ રીતે ‘અધિકાર’ ચલાવે છે? એ વલણ મનુષ્યની અયોગ્ય ઇચ્છાઓ ભડકાવે છે; ચાલાકીઓ વાપરે છે; લાલચમાં ફસાવવાની વારંવાર કોશિશ કરે છે; અને એનું ઝેરી વલણ બધે ફેલાવે છે. દુનિયાનું વલણ વ્યક્તિમાં ધીમે ધીમે ખરાબ ગુણો પેદા કરે છે. જેમ કે સ્વાર્થ, ઘમંડ, કોઈ પણ કિંમતે નામ કમાવાનો લોભ, મન ફાવે એમ કરવું અને સત્તા સામે થવું.b ટૂંકમાં, દુનિયાનું વલણ ધીરે ધીરે વ્યક્તિના દિલમાં ઘર કરી જઈને, તેને શેતાન જેવા બનાવે છે.—યોહાન ૮:૪૪; પ્રેરિતોનાં કૃત્યો ૧૩:૧૦; ૧ યોહાન ૩:૮, ૧૦.
૯. કેવી રીતે દુનિયાનું વલણ આપણામાં આવી જઈ શકે?
૯ જો પોતાની સંભાળ ન રાખીએ, તો આપણને પણ દુનિયાના વલણની અસર થઈ શકે. (નીતિવચનો ૪:૨૩) અરે, ખબર પણ ન પડે એ રીતે આ વલણ આપણામાં આવી જઈ શકે. જેમ કે, આપણે એવા લોકોની સંગતમાં આવી જઈ શકીએ, જે સારા લાગતા હોય પણ યહોવાની ભક્તિ કરતા નથી. (નીતિવચનો ૧૩:૨૦; ૧ કરિંથી ૧૫:૩૩) આપણામાં દુનિયાનું વલણ બીજી ઘણી રીતે આવી શકે છે. દાખલા તરીકે, અયોગ્ય મનોરંજન અને હરીફાઈના ઝનૂનથી ભરેલી રમતોથી, ગંદુ સાહિત્ય વાંચવાથી, ઇન્ટરનેટ પર પોર્નોગ્રાફી અથવા ગંદી તસવીરો કે કાર્યક્રમો જોવાથી. તેમ જ, યહોવાને છોડી ગયેલા લોકોના ભ્રષ્ટ વિચારો ઇન્ટરનેટ પર વાંચવાથી. હકીકતમાં, એમાં એવી કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ આવી જાય છે જે શેતાનના વિચારો ફેલાવે છે.
૧૦. આપણે કેવી રીતે દુનિયાના વલણનો સામનો કરી શકીએ?
૧૦ શું આપણે દુનિયાના શેતાની વલણનો સામનો કરીને ઈશ્વરના પ્રેમની છાયામાં રહી શકીએ? હા, કેમ કે ઈશ્વરની આગળ શેતાન અને તેની દુષ્ટ દુનિયા કંઈ જ નથી. (યાકૂબ ૪:૭) દુનિયાના વલણનો સામનો કરવા, આપણે યહોવાએ કરેલી સુંદર ગોઠવણોનો લાભ ઉઠાવવો જોઈએ. જેમ કે બાઇબલ, આપણી સભાઓ વગેરે. યહોવાને મદદ માટે સતત પ્રાર્થના કરીએ. આપણે ઈશ્વરને પ્રાર્થના કરતા રહીએ અને કદીયે તેમનો સાથ ન છોડીએ, એ કેટલું મહત્ત્વનું છે!
આપણા પહેરવેશ અને શણગારમાં મર્યાદા રાખીએ
૧૧. દુનિયાના વલણે કપડાં વિષે લોકો પર કેવી અસર કરી છે?
૧૧ આપણાં કપડાં, આપણો શણગાર અને આપણા શરીરની ચોખ્ખાઈ પરથી દેખાઈ આવે છે કે આપણામાં દુનિયાનું વલણ છે કે કેમ. ઘણા દેશોમાં કપડાંની બાબતે લોકોએ માન-મર્યાદા બાજુએ મૂકી દીધી છે. ટીવી કાર્યક્રમ રજૂ કરતી એક વ્યક્તિના જણાવ્યા પ્રમાણે, આજે ઘણી સ્ત્રીઓનાં કપડાં જોઈને તેઓ જાણે વેશ્યા હોય એવો ખોટો ઇશારો લોકોને મળે છે. એક છાપું જણાવે છે કે આજકાલ તો નાની નાની છોકરીઓ પણ દુનિયાને રવાડે ચઢીને શરીરનો દેખાડો કરે છે. આજે ઢંગ વગરનાં કપડાં પહેરવાનું પણ ચલણ છે. એમાં લોકોનું બંડખોર વલણ દેખાઈ આવે છે અને તેઓમાં સ્વમાન જેવું કંઈ જોવા મળતું નથી.
૧૨, ૧૩. આપણાં કપડાં અને શણગાર વિષે કયા સિદ્ધાંતો ધ્યાનમાં રાખવા જોઈએ?
૧૨ યહોવાના ભક્તો તરીકે આપણો દેખાવ હંમેશાં સારો હોવો જોઈએ. આપણે પોતાની ચોખ્ખાઈ રાખવી જોઈએ અને પ્રસંગને શોભે એ રીતે તૈયાર થવું જોઈએ, જેથી કોઈને ઠોકર ન લાગે. “ઈશ્વરની ભક્તિ” કરનારા કોઈ પણ સ્ત્રી કે પુરુષે હંમેશાં પહેરવેશ અને શણગારમાં “મર્યાદા” જાળવવી જોઈએ અને સમજી-વિચારીને ચાલવું જોઈએ. આપણે આવાં “સારાં કામથી” સુંદર દાખલો બેસાડીએ છીએ. જોકે, એમ કરીને આપણે લોકોનું ધ્યાન ખેંચવા નથી માગતા, પણ ઈશ્વરના પ્રેમની છાયામાં રહેવા માગીએ છીએ. (૧ તિમોથી ૨:૯, ૧૦; યહૂદા ૨૧) ખરેખર, આપણા માટે ખરો શણગાર તો સારો સ્વભાવ છે, “જે ઈશ્વરની નજરમાં બહુ મૂલ્યવાન છે.”—૧ પિતર ૩:૩, ૪.
૧૩ યાદ રાખો, આપણાં કપડાં અને દેખાવથી લોકોના મન પર સાચી ભક્તિ પ્રત્યે સારી કે ખરાબ અસર પડી શકે છે. “મર્યાદા” માટેનો મૂળ ગ્રીક શબ્દ એ વિચાર પણ જણાવે છે કે બીજાઓ માટે આદરભાવ હોવો, તેઓની લાગણી ન દુભાય એનું ધ્યાન રાખવું. આપણે એવું ન વિચારીએ કે ‘હું કેવો દેખાઉં એ મારી મરજી.’ આપણે મન તો લોકોની લાગણી વધારે મહત્ત્વની છે. આપણે તો ચાહીએ છીએ કે યહોવા અને તેમના લોકોને માન મળે. એટલે યહોવાના ભક્તોને શોભે એ રીતે વર્તીએ, ‘જે કંઈ કરીએ તે સર્વ ઈશ્વરના મહિમાને માટે કરીએ.’—૧ કરિંથી ૪:૯; ૧૦:૩૧; ૨ કરિંથી ૬:૩, ૪; ૭:૧.
૧૪. આપણા દેખાવ અને ચોખ્ખાઈ વિષે કેવા સવાલો વિચારવા જોઈએ?
૧૪ પ્રચારમાં કે સભાઓમાં જઈએ ત્યારે આપણાં કપડાં, દેખાવ અને ચોખ્ખાઈ વિષે હજુ પણ વધારે ધ્યાન રાખવું જોઈએ. વિચાર કરો કે ‘શું મારા દેખાવ અને શરીરની ચોખ્ખાઈમાં હું બેપરવા છું? શું એનાથી લોકોનું ખોટું ધ્યાન ખેંચાય છે? લોકો મારી પાસે આવતા અચકાય છે? મારા માટે પોતાની આદતો સુધારીને મંડળમાં ઉપયોગી થાઉં એ મહત્ત્વનું છે કે પછી મારી મરજી પ્રમાણે કરું એ મહત્ત્વનું છે?’—ગીતશાસ્ત્ર ૬૮:૬; ફિલિપી ૪:૫; ૧ પિતર ૫:૬.
૧૫. કપડાં, દેખાવ અને ચોખ્ખાઈ વિષે બાઇબલ કેમ ઘણા નિયમો આપતું નથી?
૧૫ કપડાં, દેખાવ અને ચોખ્ખાઈ વિષે બાઇબલ ઘણા નિયમો આપતું નથી. યહોવા તો આપણી મરજીથી પસંદગી કરવાની છૂટ આપે છે. તે ચાહે છે કે આપણે બાઇબલના સિદ્ધાંતો પર વિચાર કરીએ, “ખરુંખોટું પારખવામાં” સમજણ કેળવીએ અને પોતે સમજી-વિચારીને ખરો નિર્ણય લેનારા બનીએ. (હિબ્રૂ ૫:૧૪) સૌથી મહત્ત્વનું તો, યહોવા ચાહે છે કે આપણે જે કંઈ કરીએ, પ્રેમને લીધે કરીએ. એમાં યહોવા માટે અને લોકો માટે આપણો પ્રેમ દેખાઈ આવવો જોઈએ. (માર્ક ૧૨:૩૦, ૩૧) તોપણ, પહેરવા-ઓઢવાની બાબતે આપણી પાસે હજુ ઘણી પસંદગી રહેલી છે. એની સાબિતી યહોવાના લોકો ભેગા થાય ત્યારે જોવા મળે છે. એમાં તેઓ પ્રસંગને શોભે એવાં જાતજાતનાં કપડાં પહેરીને કેવા સરસ તૈયાર થયા હોય છે!
આપણું ધ્યાન યહોવાની ભક્તિમાં લગાડેલું રાખીએ
૧૬. ઈસુના શિક્ષણ અને દુનિયાના વલણ વચ્ચે શું ફરક છે? આપણે કયા સવાલો વિચારવા જોઈએ?
૧૬ ધનસંપત્તિમાં જ સાચું સુખ છે, એવું મનાવીને દુનિયાનું વલણ મોટા ભાગના લોકોને છેતરે છે. જ્યારે કે ઈસુએ કહ્યું હતું કે “કોઈનું જીવન તેની પુષ્કળ મિલકતમાં રહેલું નથી.” (લૂક ૧૨:૧૫) ઈસુ એમ કહેતા ન હતા કે બધું છોડીને આપણે સંન્યાસી જેવું જીવન વિતાવીએ. તેમણે તો એમ શીખવ્યું કે ‘જેઓ ઈશ્વરની વાત સાંભળે છે અને પાળે છે,’ તેઓ સુખી છે. તેમ જ, જેઓની “આંખ નિર્મળ હોય” એટલે કે જેઓનું ધ્યાન ફક્ત યહોવાની ભક્તિમાં લાગેલું હોય, તેઓ સુખી છે. (લૂક ૧૧:૨૮; માથ્થી ૬:૨૨, ૨૩) એટલે આપણે આ સવાલો પર વિચાર કરીએ: ‘ઈસુએ જે શીખવ્યું એમાં શું મને પૂરો ભરોસો છે? કે પછી હું શેતાનથી છેતરાઈ જાઉં છું, જે “જૂઠાનો બાપ” છે? (યોહાન ૮:૪૪) હું મોટા ભાગે શાના વિષે વાત કરું છું? જીવનમાં હું શું કરવા માંગું છું એ વિષે મારા વિચારો અને ઇચ્છાઓ શું બતાવે છે? મેં મારું ધ્યાન શાના પર લગાડ્યું છે?’—લૂક ૬:૪૫; ૨૧:૩૪-૩૬; ૨ યોહાન ૬.
૧૭. યહોવાની ભક્તિ પર જ ધ્યાન લગાડેલું રાખનારાને કેવા લાભ થાય છે?
૧૭ ઈસુએ કહ્યું હતું કે ઈશ્વરનું ‘જ્ઞાન પોતાનાં કાર્યોથી સાચું સાબિત થાય છે.’ (માથ્થી ૧૧:૧૯) જરા વિચારો, યહોવાની ભક્તિ પર ધ્યાન લગાડેલું રાખનારાને કેટલા બધા લાભ થાય છે. જેમ કે, યહોવાની ભક્તિમાં તેઓ તાજગી પામે છે. (માથ્થી ૧૧:૨૯, ૩૦) તેઓ નકામી ચિંતા કરતા નથી, એટલે ઘણાં દુઃખોથી બચી જાય છે. (૧ તિમોથી ૬:૯, ૧૦) જીવન-જરૂરી વસ્તુઓથી જ તેઓ સંતોષી રહે છે. એ રીતે તેઓ પાસે કુટુંબ અને મંડળના ભાઈ-બહેનો માટે વધારે સમય હોય છે. તેઓ નિરાંતે ઊંઘી શકે છે. (સભાશિક્ષક ૫:૧૨) તેઓ બીજાઓને બનતી મદદ કરે છે, એનાથી તેઓને ખૂબ આનંદ મળે છે. (પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૫) તેઓ ‘આશાથી’ ભરપૂર હોવાથી નિરાશ થતા નથી. એટલે તેઓને મનની શાંતિ અને સંતોષ છે. (રોમનો ૧૫:૧૩; માથ્થી ૬:૩૧, ૩૨) આવા આશીર્વાદો કેવા અનમોલ છે!
ઈશ્વરે આપેલાં સર્વ હથિયારો સજી લઈએ
૧૮. શેતાન, તેની હુમલો કરવાની રીત અને આપણા યુદ્ધ વિષે બાઇબલ શું કહે છે?
૧૮ જેઓ ઈશ્વરના પ્રેમની છાયામાં રહે છે અને તેમની ભક્તિ કરે છે, તેઓને શેતાન કોઈ પણ રીતે રોકી શકવાનો નથી. શેતાન આપણને સુખી થવા દેવા માંગતો નથી. તે એમ પણ ચાહતો નથી કે આપણે અમર જીવન પામીએ. (૧ પિતર ૫:૮) પાઊલે કહ્યું કે ‘આપણું આ યુદ્ધ રક્ત તથા માંસની સામે નથી, પણ અધિપતિઓની સામે, અધિકારીઓની સામે, આ અંધકારરૂપી જગતના સત્તાધારીઓની સામે, દુષ્ટ દૂતોનાં લશ્કરોની સામે છે.’ (એફેસી ૬:૧૨) “યુદ્ધ” માટેના મૂળ ગ્રીક શબ્દનો અર્થ ‘કુસ્તી’ થાય છે. એ બતાવે છે કે આપણે જાણે શેતાનની સામે કુસ્તી કરવાની છે. ‘અધિપતિઓ,’ ‘અધિકારીઓ’ અને ‘જગતના સત્તાધારીઓ’ જેવા શબ્દો બતાવે છે કે શેતાન અને તેના દૂતો યોજના ઘડીને આપણા પર હુમલો કરે છે.
૧૯. ઈશ્વરે આપેલાં હથિયારો કયાં છે?
૧૯ આપણી લડાઈ શેતાન અને તેના દૂતો સામે છે. તોપણ, આપણે જીત મેળવી શકીએ છીએ. કઈ રીતે? ઈશ્વરે આપેલાં ‘સર્વ હથિયારો સજી લઈને.’ (એફેસી ૬:૧૩) આ હથિયારો વિષે એફેસી ૬:૧૪-૧૮માં વાંચીએ છીએ: ‘સત્યથી તમારી કમર બાંધીને તથા ન્યાયીપણાનું બખતર પહેરીને તથા શાંતિની સુવાર્તાની તૈયારીરૂપી જોડાં પહેરીને ઊભા રહો. સર્વ ઉપરાંત વિશ્વાસની ઢાલ ધારણ કરો, જેથી તમે દુષ્ટના બળતા ભાલાઓ હોલવી શકશો. વળી, ઉદ્ધારનો ટોપ પહેરો, તથા પવિત્ર શક્તિની તરવાર, જે ઈશ્વરનું વચન છે, એ લો. સર્વ પ્રકારે તથા બધો વખત પ્રાર્થના તથા વિનંતી કરો.’
૨૦. સૈનિકની અને આપણી લડાઈ વચ્ચે શું ફરક છે?
૨૦ યહોવાએ આપેલાં એ “હથિયારો” જ્યાં સુધી પહેરી રાખીશું, ત્યાં સુધી ચોક્કસ આપણને રક્ષણ મળશે. દુનિયાના સૈનિકોને યુદ્ધવિરામ દરમિયાન લડવું નથી પડતું, જ્યારે કે જીવન-મરણની આપણી લડાઈ તો કાયમ ચાલુ જ છે. એ ક્યાં સુધી ચાલશે? દુષ્ટ દુનિયાનો યહોવા નાશ કરે અને શેતાન તથા તેના દૂતોને કેદ કરે ત્યાં સુધી. (પ્રકટીકરણ ૧૨:૧૭; ૨૦:૧-૩) એટલે જો કોઈ કમજોરી કે ખોટી ઇચ્છાઓ સામે સખત લડત આપતા હોઈએ તો, હિંમત ન હારીએ. યહોવાને વળગી રહેવા આપણે સર્વએ પોતાના “દેહનું દમન” કરવું પડે છે, એટલે કે એને કાબૂમાં રાખવું પડે છે. (૧ કરિંથી ૯:૨૭) જો આપણે પોતાની ખોટી ઇચ્છાઓ સામે લડત નહિ આપીએ, તો એ શેતાન સામે ઝૂકી જવા બરાબર કહેવાશે.
૨૧. આપણે શેતાન સામેની લડાઈમાં જીતવા શું કરી શકીએ?
૨૧ આપણે આ લડાઈ પોતાની શક્તિથી જીતી શકતા નથી. એટલે જ પાઊલે કહ્યું કે યહોવાને “હરવખત પ્રાર્થના તથા વિનંતી કરો.” એ સાથે યહોવાનું સાંભળવા આપણે બાઇબલ વાંચીને એમાંથી શીખવું જોઈએ. મંડળના ભાઈ-બહેનો સાથે હળવા-મળવાની કોઈ પણ તક જતી કરવી ન જોઈએ, કેમ કે શેતાન સામેની લડાઈમાં આપણે એકલા નથી. (ફિલેમોન ૧; હિબ્રૂ ૧૦:૨૪, ૨૫) જો આપણે યહોવાએ આપેલી બધી સલાહ પાળીશું, તો શેતાન સામે ચોક્કસ જીતીશું. એટલું જ નહિ, જ્યારે આપણી શ્રદ્ધા વિષે કોઈ સવાલ ઉઠાવવામાં આવે, ત્યારે સારી રીતે જવાબ આપવા તૈયાર હોઈશું.
આપણી શ્રદ્ધા વિષે સમજાવવા હંમેશાં તૈયાર રહો
૨૨, ૨૩. (ક) આપણે કેમ પોતાની શ્રદ્ધા વિષે સમજાવવા હંમેશાં તૈયાર રહેવું જોઈએ? આપણે કયા સવાલોનો વિચાર કરવો જોઈએ? (ખ) હવે પછીનું પ્રકરણ શાના વિષે જણાવશે?
૨૨ ઈસુએ કહ્યું હતું કે ‘તમે જગતના નથી, તે માટે જગત તમને ધિક્કારે છે.’ (યોહાન ૧૫:૧૯) એટલે આપણી શ્રદ્ધાની કસોટી તો થવાની જ. એમ થાય ત્યારે, લોકોને માનથી અને નમ્રતાથી આપણી શ્રદ્ધા વિષે સમજાવવા હંમેશાં તૈયાર રહેવું જોઈએ. (૧ પિતર ૩:૧૫) આ સવાલોનો વિચાર કરો: ‘શું મને પૂરેપૂરી સમજણ છે કે યહોવાના ભક્તો કોઈ વાર લોકપ્રિય વિચારોથી કેમ જુદો જ નિર્ણય લે છે? જ્યારે આવો કઠિન નિર્ણય લેવો પડે, ત્યારે શું મને પૂરો ભરોસો છે કે બાઇબલ અને વિશ્વાસુ ચાકર વર્ગ જે કહે છે એ એકદમ સાચું છે? (માથ્થી ૨૪:૪૫; યોહાન ૧૭:૧૭) યહોવાની નજરમાં જે ખરું છે, એ કરવા હું દુનિયાના વિચારોથી જુદો પડવા તૈયાર છું? એમ કરવામાં શું હું ગર્વ અનુભવું છું?’—ગીતશાસ્ત્ર ૩૪:૨; માથ્થી ૧૦:૩૨, ૩૩.
૨૩ ખરું કે આપણે દુનિયા જેવું વલણ જરાય રાખવું નથી. તોપણ, શેતાન તેની દુનિયામાં પાછા ખેંચી જવા, આપણને ખબર પણ ન પડે એવી રીતો વાપરે છે. આગળ જોઈ ગયા તેમ, શેતાન મનોરંજનનો ફાંદો મૂકીને યહોવાના ભક્તોને ફસાવવા માગે છે. આપણું દિલ ન ડંખે અને તાજગી પણ મળે એવું મનોરંજન કેવી રીતે પસંદ કરી શકીએ? ચાલો હવે પછીના પ્રકરણમાં એ જોઈએ.
a ઈસવીસન ૩૩, પેન્તેકોસ્તના દિવસથી ઈસુ ખ્રિસ્ત અભિષિક્તોની (સ્વર્ગમાં જવા પસંદ થયેલા શિષ્યો) મંડળીના રાજા બન્યા. (કલોસી ૧:૧૩) ૧૯૧૪થી ઈસુને ‘આ જગતના રાજ્ય’ પર રાજ કરવાનો અધિકાર મળ્યો. એટલે આજે પણ અભિષિક્ત શિષ્યો ઈસુના રાજ્યના રાજદૂતો તરીકે સેવા આપે છે.—પ્રકટીકરણ ૧૧:૧૫.
b ચોકીબુરજમાં સપ્ટેમ્બર ૧, ૨૦૦૮ પાન ૨૯-૩૨ અને એપ્રિલ ૧, ૨૦૦૪ પાન ૯ જુઓ. એ યહોવાના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.
c વધારે માહિતીમાં “ધ્વજવંદન, મતદાન અને લોક સેવા” લેખ જુઓ.