પોતાની સોંપણીમાં દિલ રેડી દઈએ!
તમારો પાકો મિત્ર તમને પત્ર લખે ત્યારે તમને કેવું લાગે છે? તિમોથીને પણ એવો જ પત્ર પ્રેરિત પાઊલ તરફથી મળ્યો હશે. એ પત્ર બાઇબલમાં બીજો તિમોથીના નામે ઓળખાય છે. પત્ર મળ્યો ત્યારે તિમોથીએ વિચાર્યું હશે કે કોઈ શાંત જગ્યાએ જઈને એ વાંચે. તિમોથીના મનમાં ઘણા સવાલો થયા હશે: ‘પાઊલની તબિયત સારી હશે ને? શું મારી જવાબદારી સારી રીતે નિભાવવાની તેમણે મને સલાહ આપી હશે? ખુશખબર ફેલાવવાના કામમાં અને શીખવવાના કામમાં સારું કરી શકું એ માટે શું તેમણે કંઈક લખ્યું હશે? અથવા બીજાઓને મદદ કરવા વિશે બીજું કંઈક લખ્યું હશે?’ એ પત્રમાંથી તિમોથીને એમાંના ઘણા સવાલોના જવાબ મળ્યા હશે. એટલું જ નહિ, બીજું પણ કંઈક શીખવા મળ્યું હશે. ચાલો એમાંની અમુક મહત્ત્વની વાતો પર આ લેખમાં ચર્ચા કરીએ.
“હું બધું જ સહન કરતો રહું છું”
પત્રની શરૂઆતના શબ્દોથી તિમોથીને સમજાઈ ગયું કે પાઊલ તેમને ખૂબ પ્રેમ કરે છે. પાઊલે તેમને પત્રમાં “વહાલા દીકરા” કહ્યા હતા. (૨ તિમો. ૧:૨) તિમોથીને એ પત્ર આશરે ઈ. સ. ૬૫માં મળ્યો હતો. એ વખતે તિમોથીની ઉંમર ત્રીસેક વર્ષની હશે. એ સમય સુધીમાં તેમને વડીલ તરીકે કામ કરવાનો ઘણો અનુભવ થઈ ગયો હશે. તેમણે પાઊલ સાથે દસથી વધુ વર્ષ સાથે કામ કર્યું હતું અને તેમની પાસેથી ઘણું શીખ્યા હતા.
પાઊલ ધીરજથી કસોટીઓ સહી રહ્યા હતા, એ સાંભળીને તિમોથીને ઘણું ઉત્તેજન મળ્યું હશે. પાઊલ રોમની કેદમાં હતા અને બહુ જલદી તેમને મોતની સજા થવાની હતી. (૨ તિમો. ૧:૧૫, ૧૬; ૪:૬-૮) પાઊલે પત્રમાં લખ્યું, “હું બધું જ સહન કરતો રહું છું.” (૨ તિમો. ૨:૮-૧૩) એનાથી તિમોથીને સમજાઈ ગયું હશે કે ભલે ગમે એ થાય પાઊલ હિંમત હારશે નહિ. ધીરજ રાખવામાં પાઊલે સુંદર દાખલો બેસાડ્યો છે. એનાથી તિમોથીની જેમ આપણને હિંમત મળે છે.
‘જે ભેટ મળી છે, એને આગની જેમ પ્રજ્વલિત રાખજે’
પાઊલે તિમોથીને સલાહ આપી કે ઈશ્વરની સેવામાં જે સોંપણી મળી છે એને કીમતી સમજે. પાઊલ ચાહતા હતા કે તિમોથીને ‘જે ભેટ મળી છે, એને આગની જેમ પ્રજ્વલિત રાખે.’ (૨ તિમો. ૧:૬, ફૂટનોટ) પાઊલે “ભેટ” માટે જે ગ્રીક શબ્દ ખારિસ્મા વાપર્યો, એ ગ્રીક શબ્દનો અર્થ થાય કે એવી ભેટ જે આપણે કમાવવા ગયા નથી. પણ આપણને મફત મળી છે. એ ભેટ માટે આપણે લાયક ન હતા. તેમ છતાં આપણા પર કૃપા કરીને એ ભેટ આપવામાં આવી. તિમોથીને એ ભેટ ક્યારે મળી? જ્યારે તેમને મંડળની સેવા માટે એક ખાસ સોંપણી આપવામાં આવી ત્યારે.—૧ તિમો. ૪:૧૪.
પાઊલે તિમોથીને ઉત્તેજન આપ્યું કે એ ભેટને ‘આગની જેમ પ્રજ્વલિત રાખે.’ એ શબ્દોથી તિમોથીને યાદ આવ્યું હશે કે ચૂલામાં આગ ઓલવાઈ જાય ત્યારે લોકો શું કરે છે. તેઓ કોલસાને ફૂંક મારે છે, જેથી આગ પ્રજ્વલિત થાય અને કોલસા ધગધગતા રહે. ‘આગની જેમ પ્રજ્વલિત રાખજે’ શબ્દો માટે પાઊલે ગ્રીક ક્રિયાપદ આનાઝોપીરેયો શબ્દનો ઉપયોગ કર્યો. એક ડિક્શનરી પ્રમાણે આ ક્રિયાપદનો અર્થ થાય “સળગાવું કે આગને હવા આપવી.” અથવા “કોઈ કામ માટે ઉત્સાહ અને ઉમંગ બતાવવો.” એટલે પાઊલ તિમોથીને કહેવા માંગતા હતા કે ‘પોતાની સોંપણીમાં દિલ રેડી દે!’ આજે આપણે પણ યહોવાની સેવામાં જે સોંપણી મળે એમાં પૂરા દિલથી કામ કરવું જોઈએ.
“ખજાનાનું રક્ષણ કર”
તિમોથી પોતાના વહાલા મિત્ર પાઊલનો પત્ર આગળ વાંચતા હતા ત્યારે તેમનું ધ્યાન બીજી એક વાત પર ગયું. એનાથી તેમને પ્રચારકામ સારી રીતે કરવા મદદ મળવાની હતી. પાઊલે લખ્યું, “તને સોંપવામાં આવેલા ખજાનાનું આપણામાં રહેલી પવિત્ર શક્તિ દ્વારા રક્ષણ કર.” (૨ તિમો. ૧:૧૪) તિમોથીને કયો ખજાનો સોંપવામાં આવ્યો હતો? કલમ ૧૩માં પાઊલે લખ્યું હતું કે તિમોથીને ‘ખરું શિક્ષણ’ પણ સોંપવામાં આવ્યું હતું. એટલે કે શાસ્ત્રમાં આપેલું સત્ય તેમને શીખવવામાં આવ્યું હતું. (૨ તિમો. ૧:૧૩) એક ઈશ્વરભક્ત તરીકે તિમોથીની ફરજ હતી કે એ સત્ય મંડળનાં ભાઈ-બહેનોને શીખવે અને બીજાઓને પણ એ સત્યનો સંદેશો જણાવે. (૨ તિમો. ૪:૧-૫) એક વડીલ તરીકે તિમોથીની એ પણ ફરજ હતી કે ઈશ્વરના ટોળાની સંભાળ રાખે. (૧ પીત. ૫:૨) ઈશ્વરની પવિત્ર શક્તિ અને શાસ્ત્રની મદદથી તિમોથી બીજાઓને સત્ય શીખવી શકતા હતા. આમ તે ખજાનાનું રક્ષણ કરી શકતા હતા.—૨ તિમો. ૩:૧૪-૧૭.
આજે આપણને પણ સત્યનો ખજાનો સોંપવામાં આવ્યો છે, જે આપણે બીજાઓને પણ શીખવીએ છીએ. (માથ. ૨૮:૧૯, ૨૦) જો આપણે દરરોજ પ્રાર્થના કરીશું અને બાઇબલનો નિયમિત અભ્યાસ કરવાની આદત પાળીશું તો સત્યના એ ખજાનાને કીમતી ગણીશું. (રોમ. ૧૨:૧૧, ૧૨; ૧ તિમો. ૪:૧૩, ૧૫, ૧૬) આપણામાંથી અમુકને બીજી પણ સોંપણી મળી છે. તેઓ વડીલ તરીકે કે પૂરા સમયના સેવક તરીકે કામ કરી રહ્યા છે. આપણા પર ભરોસો રાખીને આપણને એ કામ સોંપવામાં આવ્યું છે. એટલે આપણે નમ્ર રહેવું જોઈએ અને મદદ માટે યહોવા પર આધાર રાખવો જોઈએ. આપણને જે કામ સોંપવામાં આવ્યું છે એને કીમતી સમજીશું અને એને પૂરું કરવા યહોવાની મદદ લઈશું તો, એનું ખજાનાની જેમ રક્ષણ કરી શકીશું.
“એ બધું ભરોસાપાત્ર માણસોને સોંપી દે”
તિમોથી પાસે બીજી પણ એક સોંપણી હતી. પોતે જે કામ કરતા હતા એ તેમણે બીજા ભાઈઓને પણ શીખવવાનું હતું. એટલે પાઊલે તિમોથીને સલાહ આપી, ‘તેં મારી પાસેથી જે સાંભળ્યું હતું, એ ભરોસાપાત્ર માણસોને સોંપી દે; પછી, એ બધું બીજાઓને શીખવવા તેઓ પાસે સારી લાયકાત હશે.’ (૨ તિમો. ૨:૨) પાઊલ જેવા ભાઈઓ પાસેથી તિમોથી જે શીખ્યા, એ તેમણે બીજા ભાઈઓને પણ શીખવવાનું હતું. આજે પણ મંડળની દેખરેખ રાખનાર ભાઈઓએ બીજાઓને શીખવવા મહેનત કરવી જોઈએ. દેખરેખ રાખનાર એક ભાઈને જ્યારે કહેવામાં આવે કે બીજા ભાઈને એ કામ શીખવે ત્યારે તેમણે તેને બધું જ શીખવવું જોઈએ. તેમણે એવું ન વિચારવું જોઈએ કે પોતે બધું જ શીખવી દેશે તો એ ભાઈ આગળ નીકળી જશે. કોઈ ભાઈને શીખવતી વખતે તેમને ઉપરછલ્લું ન શીખવવું જોઈએ. એને બદલે ભાઈને એ રીતે શીખવવું જોઈએ કે જેથી તે પોતાની જવાબદારી સારી રીતે સમજે અને પોતે નિર્ણય લઈ શકે અને ભક્તિમાં આગળ વધી શકે. આમ ભાઈના કામથી મંડળને પણ ફાયદો થશે.
પાઊલે પ્રેમથી લખેલા પત્રને તિમોથીએ વારંવાર વાંચ્યો હશે અને તેમની વાતો પર મનન કર્યું હશે. તેમણે ઘણી વાર વિચાર્યું હશે કે પાઊલે જે સલાહ આપી એને કઈ રીતે પાળશે, જેથી પોતાની સોંપણી સારી રીતે પૂરી કરી શકે.
પાઊલે તિમોથીને જે સલાહો આપી તે આપણે પણ દિલમાં ઉતારવી જોઈએ. આપણને જે કામ સોંપવામાં આવ્યું છે એ એક ભેટ છે. એ કામ કરવા આપણી અંદર ઉમંગને આગની જેમ પ્રજ્વલિત રાખીએ. આપણને સત્યનો જે ખજાનો સોંપવામાં આવ્યો છે એનું રક્ષણ કરીએ. આપણને જે અનુભવ મળ્યો છે અને આપણે જે શીખ્યા છે એ બીજાઓને પણ શીખવીએ. એવું કરીશું તો પાઊલે તિમોથીને આપેલી આ સલાહ આપણે પણ પાળી શકીશું: “તારું સેવાકાર્ય દરેક રીતે પૂરું કરજે.”—૨ તિમો. ૪:૫.