ઈશ્વરનું રાજ્ય આવશે ત્યારે શું જતું રહેશે?
“દુનિયા જતી રહેશે અને એની લાલસા પણ જતી રહેશે, પરંતુ જે ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કરે છે, તે હંમેશાં રહેશે.”—૧ યોહા. ૨:૧૭.
૧, ૨. (ક) આ દુષ્ટ દુનિયા કઈ રીતે એવા ગુનેગાર જેવી છે, જેને મોતની સજા ફટકારવામાં આવી છે? (શરૂઆતનું ચિત્ર જુઓ.) (ખ) આ દુનિયાના નાશ પછી, સ્વર્ગ અને પૃથ્વી પરની દરેક વ્યક્તિ શું કબૂલ કરશે?
આ દૃશ્યની કલ્પના કરો. એક કુખ્યાત ગુનેગારને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. સૈનિકો તેને ફાંસીએ લટકાવવા લઈ જઈ રહ્યા છે. તેઓ જેલની પરસાળમાંથી પસાર થઈ રહ્યા છે. એ ગુનેગાર અત્યારે તો જીવિત અને સ્વસ્થ દેખાય છે, પણ તે મડદા બરાબર છે. કારણ કે, થોડી જ મિનિટોમાં તેની સજા અમલમાં આવશે, તેને ફાંસીએ લટકાવવામાં આવશે અને તેનો શ્વાસ રુંધાઈ જશે!
૨ આ દુષ્ટ દુનિયાની હાલત પણ પેલા કુખ્યાત ગુનેગાર જેવી છે, જેને મૃત્યુદંડની સજા સુણાવી દેવામાં આવી છે. બહુ જલદી એ સજા અમલમાં આવશે, એ હાથવેંતમાં છે. બાઇબલ જણાવે છે કે, આ દુષ્ટ “દુનિયા જતી રહેશે.” (૧ યોહા. ૨:૧૭) યહોવાએ આ દુષ્ટ દુનિયાનો જલદી જ અંત લાવવાનો નિર્ણય લઈ લીધો છે. તેથી, અંત આવશે કે નહિ એવી કોઈ શંકા રહેતી નથી. જોકે, પેલા ગુનેગારને ફટકારેલી સજા અને આ દુનિયાના અંત વચ્ચે એક મોટો તફાવત છે. અમુક લોકોને કદાચ લાગે કે, એ ગુનેગાર જોડે અન્યાય થયો છે. તેને બચાવવા લોકો વિરોધ કરે. પણ યહોવાનો ન્યાય અદ્દલ છે. આ દુનિયાનો અંત લાવવાનો તેમનો નિર્ણય અફર છે. (પુન. ૩૨:૪) ન્યાયદંડ લાવવામાં તે જરાય મોડું નહિ કરે. આ દુનિયાના નાશ પછી, સ્વર્ગ અને પૃથ્વી પરની દરેક વ્યક્તિ કબૂલ કરશે કે, યહોવાનો ન્યાય ખરો અને અદ્દલ હતો. એ વખતે આપણે રાહતનો શ્વાસ લઈશું!
૩. ઈશ્વરનું રાજ્ય આવશે ત્યારે, કઈ ચાર બાબતો જતી રહેશે?
૩ આ “દુનિયા જતી રહેશે” એ વચન પથ્થર પર લકીર છે. પણ, એ “દુનિયા”માં શાનો સમાવેશ થાય છે? એવી દરેક ખરાબ બાબતનો જે સામાન્ય બની ગઈ છે, રોજબરોજના જીવનમાં વણાઈ ગઈ છે. એવી દરેક બાબતનો અંત ખૂબ નજીક છે. એ હકીકત ‘રાજ્યની ખુશખબરનો’ એક ભાગ છે. (માથ. ૨૪:૧૪) આ લેખમાં એવી ચાર બાબતો વિશે જોઈશું, જે ઈશ્વરના રાજ્યમાં જતી રહેશે: દુષ્ટ લોકો, ભ્રષ્ટ સંગઠનો, ખોટાં કામ અને ખરાબ માહોલ. એ દરેકને ધ્યાનમાં રાખીને આપણે આ સવાલોની ચર્ચા કરીશું: (૧) તેઓની આપણા પર કેવી અસર થાય છે? (૨) યહોવા કેવાં પગલાં ભરશે? અને (૩) એના સ્થાને શું આવશે?
દુષ્ટ લોકો
૪. દુષ્ટ લોકોની આપણા પર કેવી અસર થાય છે?
૪ દુષ્ટ લોકોની આપણા પર કેવી અસર થાય છે? પ્રેરિત પાઊલે કહ્યું હતું કે, “છેલ્લા દિવસોમાં સંકટના સમયો આવશે, જે સહન કરવા અઘરા હશે.” પછી તેમણે કહ્યું: “દુષ્ટ માણસો અને ધુતારાઓ બીજાઓને છેતરીને અને પોતે પણ છેતરાઈને વધારે ને વધારે ખરાબ થતા જશે.” (૨ તિમો. ૩:૧-૫, ૧૩) આપણાં અનેક ભાઈ-બહેનોએ દુષ્ટ લોકો તરફથી ઘણા જુલમ સહ્યા છે. તેઓ ગુંડાગર્દી, જાતિવાદ અને રીઢા ગુનેગારોનો શિકાર બન્યા છે. એ દુષ્ટ લોકો ખુલ્લેઆમ ગુના કરે છે, તેઓને કોઈનો ડર નથી. બીજા અમુક સારા હોવાનો દેખાડો કરે છે, પણ અસલમાં તો તેઓ વરૂઓ જેવા છે. ભલે આપણે સીધેસીધા એ દુષ્ટોના પંજામાં આવ્યા ન હોઈએ, પણ બાળકો, વૃદ્ધો અને લાચાર લોકો જોડે થતી ક્રૂરતા આપણને પણ અસર કરે છે. એવા ક્રૂર બનાવો વિશે સાંભળીને કે જોઈને આપણા રૂંવાડાં ઊભા થઈ જાય છે. એ દુષ્ટ લોકો જંગલી જાનવર જેવા છે અને વિકૃત માનસ ધરાવે છે. (યાકૂ. ૩:૧૫) પણ બાઇબલ આપણને એક સુંદર આશા આપે છે!
૫. (ક) દુષ્ટ લોકોને કઈ તક આપવામાં આવી છે? (ખ) જેઓ ખોટા માર્ગો છોડવા નથી માંગતા, તેઓનું શું થશે?
૫ યહોવા કેવાં પગલાં ભરશે? યહોવાએ દુષ્ટોને તક આપી છે, જેથી તેઓ પોતાના ખરાબ માર્ગોથી પાછા ફરે. (યશા. ૫૫:૭) આ દુષ્ટ દુનિયા પર સજાની મહોર તો લાગી ગઈ છે, બસ સજા અમલમાં આવે એટલી જ વાર છે. એવા લોકોનું શું થશે જેઓ ખરાબ માર્ગો છોડવા માંગતા નથી અને મહાન વિપત્તિ આવે ત્યાં સુધી માનવીય સરકારોને જ વળગી રહેશે? એવા લોકોનું નામનિશાન મિટાવી દેવામાં આવશે. (ગીતશાસ્ત્ર ૩૭:૧૦ વાંચો.) આજે ઘણા લોકો પોતાની કાળી કરતૂતો પર પડદો નાંખવાનું શીખી ગયા છે. દાવપેચ રમીને તેઓ સજાથી બચવામાં પણ કામયાબ થયા છે. પણ શું તેઓનું પાપ છૂપું રહેશે? (અયૂ. ૨૧:૭, ૯) બાઇબલ જણાવે છે કે, ઈશ્વરની “આંખો મનુષ્યના આચારવિચાર ઉપર છે, તે તેની સઘળી વર્તણૂક જુએ છે. દુષ્કર્મીઓ સંતાઈ શકે એવો કોઈ અંધકાર કે મૃત્યુછાયા નથી.” (અયૂ. ૩૪:૨૧, ૨૨) ખરેખર, યહોવાની નજરથી કંઈ છૂપું નથી, તે બધું જ જોઈ શકે છે. આર્માગેદન વખતે તે દુષ્ટોનો એટલી હદે વિનાશ કરશે કે, તેઓનું ઠામઠેકાણું પણ જડશે નહિ. તેઓનું અસ્તિત્વ કાયમ માટે ભૂંસી નાખવામાં આવશે!—ગીત. ૩૭:૧૨-૧૫.
૬. દુષ્ટ લોકોનો વિનાશ થશે ત્યારે, કોણ બચી જશે? એ શા માટે એક ખુશખબર છે?
૬ દુષ્ટ લોકોનો વિનાશ થશે ત્યારે, કોણ બચી જશે? યહોવાએ વચન આપ્યું છે: “નમ્ર લોકો દેશનું વતન પામશે; અને પુષ્કળ શાંતિમાં તેઓ આનંદ કરશે. ન્યાયીઓ દેશનો વારસો પામશે, અને તેમાં તેઓ સદાકાળ રહેશે.” (ગીત. ૩૭:૧૧, ૨૯) એ “નમ્ર” અને ‘ન્યાયી’ લોકો કોણ છે? જેઓ યહોવા વિશે શીખે છે અને તેમની આજ્ઞાઓ પાળે છે, તેઓ નમ્ર લોકો છે. અને જેઓ યહોવાના નીતિનિયમો પ્રમાણે ચાલે છે, તેઓ ન્યાયી લોકો છે. આજની દુનિયામાં દુષ્ટોની સરખામણીએ ગણ્યાગાંઠ્યા જ ન્યાયી લોકો છે. પણ નવી દુનિયામાં, ફક્ત ન્યાયી અને નમ્ર લોકો જ હશે, જેઓ પૃથ્વીને બગીચા જેવી સુંદર બનાવી દેશે. સાચે જ એક ખુશખબર!
ભ્રષ્ટ સંગઠનો
૭. ભ્રષ્ટ સંગઠનોની આપણા પર કેવી અસર થાય છે?
૭ ભ્રષ્ટ સંગઠનોની આપણા પર કેવી અસર થાય છે? દુનિયામાં ફેલાયેલા મોટા ભાગના દૂષણો પાછળ એકલ-દોકલ વ્યક્તિઓનો નહિ, પણ સંગઠનોનો હાથ છે. ધાર્મિક સંગઠનોએ અબજો લોકોને છેતર્યા છે. દાખલા તરીકે, તેઓ ઈશ્વર વિશે જૂઠાણું શીખવે છે અને કહે છે કે બાઇબલ ભરોસાપાત્ર નથી. પૃથ્વી અને માનવજાતના ભાવિ વિશે ખોટી આશા આપીને તેઓ લોકોને મૃગજળ દેખાડે છે. ભ્રષ્ટ સરકારો યુદ્ધ અને કોમી રમખાણોની આગને વધુ ભડકાવે છે. એવી સરકારો લાંચ લઈને અને પોતાના લોકો પર ચાર હાથ રાખીને પોતાની તિજોરીઓ ભરે છે અને બળવાન થતા જાય છે. લાલચુ સંસ્થાઓ પર્યાવરણને નુકસાન પહોંચાડે છે, નૈસર્ગિક સ્રોતનો બગાડ કરે છે અને લોકોનું શોષણ કરે છે. એનાથી અમીરોના ખિસ્સા તો ભરાય છે, પણ બીચારા ગરીબ લોકો વધુ ગરીબીમાં સપડાય છે. સ્પષ્ટ છે કે, દુનિયામાં જોવા મળતી મુશ્કેલીઓ પાછળ ભ્રષ્ટ સંગઠનોનો હાથ છે.
૮. પહાડની જેમ મજબૂત લાગતા સંગઠનોનું શું થશે?
૮ યહોવા કેવાં પગલાં ભરશે? બાઇબલ જણાવે છે કે, રાજકીય સત્તાઓ જૂઠા ધાર્મિક સંગઠનો પર હુમલો કરશે ત્યારે, મહાન વિપત્તિની શરૂઆત થશે. જૂઠા ધર્મના એ સામ્રાજ્યને બાઇબલમાં વેશ્યા તરીકે રજૂ કરવામાં આવ્યું છે, જે મહાન બાબેલોન કહેવાય છે. (પ્રકટી. ૧૭:૧, ૨, ૧૬; ૧૮:૧-૪) એ ધાર્મિક સંગઠનોને જડમૂળથી ઉખેડી નાંખવામાં આવશે. બીજા ભ્રષ્ટ સંગઠનોનું શું થશે? કદાચ એ સંગઠનો જોવામાં ટાપુઓ અને પહાડો જેવા મજબૂત અને અડીખમ લાગે. પણ યહોવાના રાજ્યને ટેકો ન આપતા દરેક સંગઠનના ચૂરેચૂરા કરી દેવામાં આવશે. (પ્રકટીકરણ ૬:૧૪ વાંચો.) મહાન વિપત્તિનો એ આખરી પડાવ હશે. (યિર્મે. ૨૫:૩૧-૩૩) એ પછી, ભ્રષ્ટ સંગઠનો ભૂતકાળ બની જશે.
૯. આપણે શા માટે કહી શકીએ કે, નવી પૃથ્વી પર બધું વ્યવસ્થામાં હશે?
૯ ભ્રષ્ટ સંગઠનોના સ્થાને કોણ આવશે? આર્માગેદન પછી, શું આ પૃથ્વી પર કોઈ સંગઠન કાર્યરત હશે? હા. બાઇબલ જણાવે છે કે, “ઈશ્વરે આપેલા વચન પ્રમાણે, નવા આકાશ અને નવી પૃથ્વીની આપણે રાહ જોઈએ છીએ, જ્યાં ચારે બાજુ સત્ય હશે.” (૨ પીત. ૩:૧૩) જૂનાં આકાશ અને પૃથ્વી ભ્રષ્ટ સરકારો અને એની પ્રજાને દર્શાવે છે. તેઓનું સ્થાન કોણ લેશે? ‘નવા આકાશ અને નવી પૃથ્વી.’ નવા આકાશ નવી સરકારને રજૂ કરે છે, જેમાં ખ્રિસ્ત ઈસુ અને ૧,૪૪,૦૦૦ અભિષિક્તો સત્તા ચલાવશે. નવી પૃથ્વી ઈશ્વરના રાજ્યની પ્રજાને રજૂ કરે છે. ઈસુ અને તેમના સાથીદારો પૂરેપૂરી રીતે યહોવાને અનુસરે છે, જે વ્યવસ્થાના ઈશ્વર છે. (૧ કોરીં. ૧૪:૩૩) તેથી, ‘નવી પૃથ્વી’ પર બધું વ્યવસ્થામાં હશે. ભલા માણસો આ પૃથ્વીની દેખરેખ રાખશે. (ગીત. ૪૫:૧૬) તેઓ ઈસુ અને ૧,૪૪,૦૦૦ અભિષિક્તોના માર્ગદર્શન પ્રમાણે કામ કરશે. જરા એ સમયનો વિચાર કરો, જ્યારે એક જ સરકાર રાજ કરતી હશે અને એ ક્યારેય ભ્રષ્ટ નહિ થાય.
ખોટાં કામ
૧૦. તમારા વિસ્તારમાં કયાં ખોટાં કામો સામાન્ય બની ગયાં છે? તમને અને તમારા કુટુંબને એની કેવી અસર થઈ છે?
૧૦ ખોટાં કામની આપણા પર કેવી અસર થાય છે? આ દુનિયા બેઈમાની, હિંસા અને અશ્લીલ કામોથી ખદબદે છે. દુનિયાનું મનોરંજન એ બધાને આકર્ષક રીતે રજૂ કરે છે અને યહોવાએ આપેલા સિદ્ધાંતોનો મજાક ઉડાવે છે. (યશા. ૫:૨૦) દુનિયાના લોકોને ઈશ્વરે આપેલાં ધોરણોની કંઈ પડી નથી. તેથી, માતા-પિતાએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે, દુનિયાનો રંગ પોતાને અને બાળકોને લાગી ન જાય. હકીકતમાં, દરેક ઈશ્વરભક્તે યહોવા સાથેના સંબંધનું રક્ષણ કરવા મહેનત કરવાની જરૂર છે.
૧૧. સદોમ અને ગમોરાહ પર આવેલા ન્યાયચુકાદા પરથી આપણને શું શીખવા મળે છે?
૧૧ યહોવા કેવાં પગલાં ભરશે? સદોમ અને ગમોરાહ શહેરમાં ચાલતી દુષ્ટતાનું યહોવાએ શું કર્યું હતું, એ યાદ કરો. (૨ પીતર ૨:૬-૮ વાંચો.) ત્યાંના લોકોના કુકર્મોને લીધે ઈશ્વરભક્ત લોત અને તેમના કુટુંબે ઘણું સહેવું પડ્યું હતું. એ દુષ્ટતાનો અંત લાવવા યહોવાએ એ શહેરોને ભસ્મ કરી દીધા હતા. એમ કરીને, “તેમણે અધર્મી લોકો પર જે આવી પડવાનું છે, એનો નમૂનો બેસાડ્યો” છે. સદોમ અને ગમોરાહ યહોવાના ન્યાયદંડથી બચી શક્યા નહિ. એવી જ રીતે, આ દુનિયા પણ યહોવાના ન્યાયદંડથી બચી શકતી નથી. તેણે ખરાબ કામોની સજા ભોગવવી જ પડશે.
૧૨. નવી દુનિયામાં તમે કયાં કામ કરવાની આતુરતાથી રાહ જુઓ છો?
૧૨ ખોટાં કામના અંત પછી શું? નવી દુનિયામાં, આપણે એવા કામોમાં પરોવાઈ જઈશું જે આપણું જીવન ખુશીઓથી ભરી દેશે. એ ઘડીની આપણે કાગને ડોળે રાહ જોઈ રહ્યા છીએ. એ સમયે આપણે પૃથ્વીને બાગ જેવી રમણીય બનાવીશું. પોતાના માટે અને સ્નેહીજનો માટે ઘરો બાંધીશું. સજીવન થયેલા લાખો ને કરોડો લોકોને આવકારીશું. તેઓને યહોવા વિશે શીખવીશું અને મનુષ્યો માટે યહોવાએ જે બધું કર્યું છે, એ જણાવીશું. (યશા. ૬૫:૨૧, ૨૨; પ્રે.કા. ૨૪:૧૫) એ સમયે, આપણે પોતાનાં કામો દ્વારા યહોવાને મહિમા આપીશું અને સાચો સંતોષ મેળવીશું.
ખરાબ માહોલ
૧૩. એદન બાગમાં થયેલા બંડનું કેવું પરિણામ આવ્યું છે?
૧૩ ખરાબ માહોલની આપણા પર કેવી અસર થાય છે? દુષ્ટ લોકો, ભ્રષ્ટ સંગઠનો અને લોકોનાં ખોટાં કામોને લીધે દુનિયાનો માહોલ સાવ ખરાબ થઈ ગયો છે. યુદ્ધો, ગરીબી, જાતિવાદ, બીમારીઓ અને મરણના પડછાયાથી કોઈ બચી શકતું નથી. એ માટે શેતાન, આદમ અને હવા જવાબદાર છે, કારણ કે તેઓએ યહોવા વિરુદ્ધ બંડ કર્યું હતું. તેઓના બંડની સજા આપણે બધા ભોગવી રહ્યા છીએ.
૧૪. ખરાબ માહોલનું યહોવા શું કરશે?
૧૪ યહોવા કેવાં પગલાં ભરશે? યહોવાએ જે વચનો આપ્યાં છે એનો વિચાર કરો. લડાઈઓને બંધ કરવામાં આવશે. (ગીતશાસ્ત્ર ૪૬:૮, ૯ વાંચો.) બીમારી દૂર કરવામાં આવશે. (યશા. ૩૩:૨૪) મરણને દફનાવી દેવામાં આવશે. (યશા. ૨૫:૮) ગરીબીનો નિકાલ કરવામાં આવશે. (ગીત. ૭૨:૧૨-૧૬) યહોવા આ ખરાબ માહોલની એવી એકેએક બાબતો મિટાવી દેશે, જેણે આપણું જીવન દુઃખોથી ભરી દીધું છે. શેતાન અને તેના દુષ્ટ દૂતોની અસરને પણ નાબૂદ કરવામાં આવશે.—એફે. ૨:૨.
૧૫. આર્માગેદન પછી કઈ બાબતો કાયમ માટે જતી રહેશે?
૧૫ કલ્પના કરો, યુદ્ધ, બીમારી અને મરણ વગરનું જીવન કેવું હશે! ના સૈનિકો, ના હથિયારો. યુદ્ધની કડવી યાદો ભૂલાઈ જશે. દવાખાના, ડૉક્ટર કે નર્સની જરૂર નહિ પડે. મડદાઘર કે કબ્રસ્તાન હશે જ નહિ. ગુનાઓ નહિ હોય. જો ગુનાઓ નહિ હોય, તો શું પોલીસ, સલામતીના સાધનો અથવા તાળા-ચાવીની જરૂર પડશે? શું કોઈ વીમો ઉતારવો પડશે? ચિંતાની ખાઈમાં ધકેલતી દરેક બાબતને કાયમ માટે મિટાવી દેવામાં આવશે.
૧૬, ૧૭. (ક) આર્માગેદનમાંથી બચી જનારા લોકો શું મહેસૂસ કરશે? સમજાવો. (ખ) આ દુષ્ટ દુનિયાના અંતમાંથી બચી જવા આપણે શું કરવાની જરૂર છે?
૧૬ ખરાબ માહોલ જતો રહેશે પછી, કેવી પરિસ્થિતિ આવશે? એ કલ્પના બહાર છે! આ ખરાબ માહોલમાં આપણે એટલાં વર્ષો કાઢ્યાં છે કે, એની ખરાબ અસરો આપણા જીવનમાં વણાઈ ગઈ છે. એ અસરો આપણા ધ્યાનમાં પણ આવતી નથી. દાખલા તરીકે, રેલવે સ્ટેશનની નજીક રહેતા લોકોને ટ્રેનનો ઘોંઘાટ કાને પડતો નથી. કચરાપેટીની નજીક રહેતા લોકો એની દુર્ગંધથી ટેવાઈ જાય છે. પણ, યહોવા આ ખરાબ માહોલને દૂર કરશે ત્યારે, આપણે સાચી શાંતિ અનુભવીશું, રાહતનો શ્વાસ લઈશું!
૧૭ નવી દુનિયામાં શું કોઈ ચિંતા હશે? જરાય નહિ. ગીતશાસ્ત્ર ૩૭:૧૧ જણાવે છે: “નમ્ર લોકો દેશનું વતન પામશે; અને પુષ્કળ શાંતિમાં તેઓ આનંદ કરશે.” આપણે શાંતિમય માહોલમાં જીવીએ એવી યહોવાની અભિલાષા છે. એ જાણીને દિલને કેટલી ઠંડક મળે છે! ચિંતાભર્યા સમયો દૂર થાય ત્યાં સુધી, યહોવા અને તેમના સંગઠનને વળગી રહેવા બનતું બધું કરો. ઉજ્જવળ ભાવિ વિશેની તમારી આશા ખૂબ અનમોલ છે, એને નજર સમક્ષ રાખો. એ આશાને દૃઢતાથી પકડી રાખો. એ વિશે બીજાઓને જણાવો. (૧ તિમો. ૪:૧૫, ૧૬; ૧ પીત. ૩:૧૫) એમ કરતા રહેશો તો, આ દુષ્ટ દુનિયાના અંતમાંથી તમે બચી જશો અને નવી દુનિયામાં કાયમ માટે જીવનનો આનંદ માણશો.