-
જે શીખ્યા છો એ જ માર્ગમાં ચાલતા રહોચોકીબુરજ—૨૦૦૨ | સપ્ટેમ્બર ૧૫
-
-
ખોટી અફવા ન સાંભળો
૮ આપણે સત્યમાં જે કંઈ શીખ્યા છીએ એમાં, શેતાન શંકાના બી વાવીને આપણી વફાદારી તોડી નાખવા ઇચ્છે છે. પહેલી સદીની જેમ, આજે પણ ધર્મના ઢોંગીઓ યહોવાહના ભોળા સેવકોનો વિશ્વાસ નબળો પાડવાની કોશિશ કરી રહ્યા છે. (ગલાતી ૨:૪; ૫:૭, ૮) ઘણી વખત તેઓ ટીવી, રેડિયો, છાપું કે ઇન્ટરનેટનો ગેરઉપયોગ કરીને યહોવાહના સાક્ષીઓ વિષે ખોટી વાતો ફેલાવે છે. પાઊલે ચેતવણી આપી હતી કે અમુક લોકો સત્ય છોડી દેશે. તેમણે લખ્યું: “એવો વખત આવશે કે જે વખતે તેઓ શુદ્ધ ઉપદેશને સહન કરશે નહિ; પણ કાનમાં ખંજવાળ આવવાથી તેઓ પોતાને મનગમતા ઉપદેશકો પોતાને સારૂ ભેગા કરશે; તેઓ સત્ય તરફ આડા કાન કરશે, અને કલ્પિત વાતો તરફ ફરશે.”—૨ તીમોથી ૪:૩, ૪.
૯ અમુક લોકોને સત્યના શિક્ષણને બદલે “કલ્પિત વાતો” સાંભળવાની મજા આવતી હતી. તો પછી, આ “કલ્પિત વાતો” શું હતી? પાઊલ કદાચ લોકોની દંતકથાઓ વિષે વાત કરી રહ્યા હોય શકે જે તોબીતના પુસ્તકમાં લખેલી હતી.a એ વાર્તાઓમાં સાંભળવાની એકદમ મજા આવે એવી અફવાઓ કે કૂથલીઓ પણ હોય શકે. ઘણા “પોતાને મનગમતા” ઉપદેશકોનું માનવા લાગ્યા હતા. કદાચ આ ઉપદેશકો પરમેશ્વરના ધોરણોને નીચા પાડતા હતા અથવા મંડળના આગેવાનોની પણ નિંદા કરતા હતા. (૩ યોહાન ૯, ૧૦; યહુદા ૪) ભલે તેઓએ ગમે એ રીતે બીજાઓને ઠોકર ખવડાવી હોય, એક વાત તો ચોક્કસ હતી કે કેટલાક લોકોને પરમેશ્વરના સત્ય કરતાં ખોટી વાતો વધારે પસંદ હતી. પછી તેઓ ધીરે ધીરે સત્યનો માર્ગ છોડીને પરમેશ્વરથી દૂર ચાલ્યા ગયા અને હંમેશ માટેનું જીવન ગુમાવ્યું.—૨ પીતર ૩:૧૫, ૧૬.
૧૦ આપણે કંઈ પણ વાંચવામાં અને સાંભળવામાં સાવચેત રહીને કલ્પિત વાતોથી બચી શકીએ છીએ. દાખલા તરીકે, આજે ટીવી કે મેગેઝિન જેવા માધ્યમો અનૈતિક અને છુટછાટભર્યું જીવન જીવવા ઉશ્કેરે છે. ઘણા લોકો એ માન્યતાને આગળ ધપાવે છે કે ધર્મ જેવું કંઈ નથી અથવા, પરમેશ્વર તો છે જ નહિ. બાઇબલ ઈશ્વરપ્રેરિત છે એ વિષે પણ ઘણા પંડિતો શંકા ઉઠાવે છે. પહેલાં યહોવાહની ભક્તિ કરતા હતા, પણ હવે તેમના વિરોધી થઈ ગયા છે તેઓ શંકાના બી વાવીને સાચા ખ્રિસ્તીઓને ગેરમાર્ગે દોરવા કોશિશ કરે છે. પહેલી સદીના, જૂઠા પ્રબોધકોના ફાંદા જેવા શિક્ષણ વિષે પ્રેષિત યોહાને ચેતવણી આપી: “વહાલાંઓ, દરેક આત્મા પર વિશ્વાસ ન રાખો, પણ આત્માઓ દેવ પાસેથી છે કે નહિ એ વિષે તેઓને પારખી જુઓ; કેમકે જગતમાં જુઠા પ્રબોધકો ઘણા નીકળ્યા છે.” (૧ યોહાન ૪:૧) તેથી, આપણે પણ સાવચેત રહેવાની જરૂર છે.
૧૧ આ વિષે પાઊલે લખ્યું: “તમારામાં વિશ્વાસ છે કે નહિ, તેની પરીક્ષા તમે પોતે કરો.” (૨ કોરીંથી ૧૩:૫) પાઊલ એમ કહેવા માગતા હતા કે આપણે સત્યના એકેએક શિક્ષણને વળગી રહીએ છીએ કે નહિ એ જોતા રહેવું જોઈએ. જો બીજાઓ મંડળમાં કાન ભંભેરતા હોય તો, શું તમે તેઓનું સાંભળવું પસંદ કરો છો? જો આપણે એમ કરતા હોય તો, ખરેખર પ્રાર્થના કરીને પોતાને વિષે ખાસ વિચાર કરવાની જરૂર છે. (ગીતશાસ્ત્ર ૧૩૯:૨૩, ૨૪) શું આપણે યહોવાહના લોકોમાં એકબીજાની ભૂલો જ કાઢીએ છીએ? પણ શા માટે? શું કોઈના બોલવાથી કે કંઈક કરવાથી આપણને ખોટું લાગ્યું છે? એમ હોય તો, શું આપણે બાબતોને બધી રીતે સમજી વિચારીને જોઈએ છીએ? આ છેલ્લા સમયમાં આપણા પર જે કંઈ દુઃખો આવે એ થોડા જ વખત માટે છે. (૨ કોરીંથી ૪:૧૭) જો મંડળમાં કોઈ આપણને ખોટું લગાડે કે દુઃખ આપે તો, શું આપણે પરમેશ્વરની ભક્તિ કરવાનું છોડી દેવું જોઈએ? બિલકુલ નહિ. આપણને કોઈ દુઃખ પહોંચ્યું હોય તો, એમાંથી રસ્તો કાઢવા આપણે બનતી કોશિશ કરવી જોઈએ. અને બાબતમાં સુધારો ન થાય ત્યાં સુધી એને યહોવાહના હાથમાં છોડી દેવી જોઈએ.—ગીતશાસ્ત્ર ૪:૪; નીતિવચનો ૩:૫, ૬; એફેસી ૪:૨૬.
૧૨ આપણે પોતે અભ્યાસ કરીને અને સભાઓ દ્વારા જે બાઇબલ શિક્ષણ લઈએ છીએ, એની સામે વાંધો ઉઠાવવાને બદલે, ચાલો આપણે ભક્તિભાવમાં મક્કમ થઈએ. (૧ કોરીંથી ૨:૧૪, ૧૫) બાઇબલમાં શંકા ઉઠાવવાને બદલે, આપણે પહેલી સદીના બેરીઆના ખ્રિસ્તીઓની જેમ એનો ઊંડો અભ્યાસ કરવો જોઈએ! (પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૧૦, ૧૧) ચાલો, આપણે બાઇબલનું શિક્ષણ લઈને સત્યના માર્ગ પર ચાલતા રહીએ. એમ કરવાથી આપણે કલ્પિત વાતોને માનીશું નહિ પણ સત્યને વળગી રહીશું.
૧૩ આજે કલ્પિત વાતો અથવા અફવાઓ બીજી એક રીતે પણ ફેલાવવામાં આવે છે, જેનાથી આપણે સાવચેત રહેવું જોઈએ. આજકાલ ઈ-મેઈલ દ્વારા રાઈનો પહાડ કરી દેતી હોય એવી ઘણી વાતો અથવા અનુભવો ફેલાવવામાં આવે છે. જો આપણે જાણતા ન હોઈએ કે એ ખરેખર કોની પાસેથી આવે છે તો, એનાથી સાવચેત રહેવું જોઈએ. આપણે એને તરત જ માની લેવું ન જોઈએ. અરે, કોઈ સારો ખ્રિસ્તી આપણને કોઈ અનુભવ કે માહિતી મોકલાવે તોપણ આપણે સાવચેત રહેવું જોઈએ. શક્ય છે કે તેમની પાસે પણ બધી જ હકીકતો ન હોય. તેથી, જો આપણને કોઈ પણ માહિતી સાચી છે એવી ખાતરી ન થાય ત્યાં સુધી, એને બીજાઓને જણાવવી જોઈએ નહિ કે ઈ-મેઈલ દ્વારા પણ ન મોકલવી જોઈએ. ખરેખર, આપણે “મૂર્ખાઈભરેલા વિચારો અને બેવકૂફીભરી કાલ્પનિક વાતોની નકામી ચર્ચાઓમાં” સમય બગાડવો ન જોઈએ કે એને ફેલાવવી પણ ન જોઈએ. (૧ તીમોથી ૪:૭, IBSI) ખ્રિસ્તીઓ તરીકે આપણી ફરજ છે કે આપણે એકબીજા સાથે સાચું જ બોલીએ. તેથી, આપણે એવી કોઈ પણ બાબતો વિષે વાતો ન ફેલાવવી જોઈએ કે જેમાં ભૂલથી પણ કોઈ જૂઠાણું હોય.—એફેસી ૪:૨૫.
-
-
જે શીખ્યા છો એ જ માર્ગમાં ચાલતા રહોચોકીબુરજ—૨૦૦૨ | સપ્ટેમ્બર ૧૫
-
-
a તોબીત પુસ્તક લગભગ ત્રીજી સદી બી.સી.ઈ.માં લખાયું હોય શકે. એમાં તોબીએસ નામના એક યહુદી વિષે ઘણી દંતકથાઓ છે. એમાં એવું કહેવામાં આવે છે કે તેની પાસે કોઈને સાજા કરવાની અથવા લોકોમાંથી ભૂતો કાઢવાની શક્તિ હતી. તેને એ શક્તિ એક રાક્ષસી માછલીના હૃદય અને પિત્તમાંથી મળી હતી.
-