પાઠ ૩૧
ઈશ્વરનું રાજ્ય શું છે?
બાઇબલનો મુખ્ય સંદેશો ઈશ્વરના રાજ્ય વિશે છે. શરૂઆતથી યહોવાની ઇચ્છા હતી કે સુંદર પૃથ્વી પર બધા લોકો સુખચેનથી જીવે અને એ ઇચ્છા તે પોતાના રાજ્ય દ્વારા પૂરી કરશે. પણ એ રાજ્ય શું છે? આપણે કઈ રીતે જાણી શકીએ કે એ રાજ્ય હમણાં રાજ કરે છે? એ રાજ્યએ અત્યાર સુધી શું કર્યું છે? એ ભવિષ્યમાં શું કરશે? આ પાઠમાં અને હવે પછીના બે પાઠમાં આપણે એ સવાલોના જવાબ જોઈશું.
૧. ઈશ્વરનું રાજ્ય શું છે અને એના રાજા કોણ છે?
ઈશ્વરનું રાજ્ય યહોવાએ સ્વર્ગમાં કરેલી એક ગોઠવણ છે. તેમણે ઈસુ ખ્રિસ્તને એના રાજા બનાવ્યા છે, જે સ્વર્ગમાંથી ધરતી પર રાજ કરે છે. (માથ્થી ૪:૧૭; યોહાન ૧૮:૩૬) બાઇબલમાં ઈસુ વિશે જણાવ્યું છે કે ‘તે રાજા તરીકે હંમેશાં રાજ કરશે.’ (લૂક ૧:૩૨, ૩૩) ઈશ્વરના રાજ્યના રાજા તરીકે ઈસુ પૃથ્વીના બધા લોકો પર રાજ કરશે.
૨. ઈસુ સાથે બીજું કોણ રાજ કરશે?
ઈસુ એકલા રાજ નહિ કરે. ‘દરેક કુળ, બોલી, પ્રજા અને દેશોમાંથી લોકો રાજાઓ તરીકે’ સ્વર્ગમાંથી પૃથ્વી પર રાજ કરશે. (પ્રકટીકરણ ૫:૯, ૧૦) ઈસુ પૃથ્વી પર આવ્યા ત્યારથી લઈને આજ સુધી લાખો લોકો તેમના શિષ્યો બન્યા છે. પણ શું એ બધા લોકો ઈસુ સાથે રાજ કરશે? ના. એમાંના ફક્ત ૧,૪૪,૦૦૦ લોકો સ્વર્ગમાં જશે અને ઈસુ સાથે રાજ કરશે. (પ્રકટીકરણ ૧૪:૧-૪ વાંચો.) બીજા બધા લોકો ઈશ્વરના રાજ્યના નાગરિકો તરીકે પૃથ્વી પર જીવશે.—ગીતશાસ્ત્ર ૩૭:૨૯.
૩. ઈશ્વરનું રાજ્ય કઈ રીતે માણસોની સરકાર કરતાં ચઢિયાતું છે?
કોઈ શાસક લોકોની ભલાઈ માટે કદાચ ઘણું કરવા ચાહતા હશે, પણ તેમની પાસે એ બધું કરવાની શક્તિ હોતી નથી. એટલું જ નહિ, સમય જતાં તેમની જગ્યાએ બીજા કોઈ શાસક આવે અને તે લોકોનું ભલું ન પણ કરે. પણ રાજા ઈસુ એવા નથી. તેમની જગ્યા અને તેમનો અધિકાર બીજું કોઈ લઈ નહિ શકે. બાઇબલમાં લખ્યું છે: ‘ઈશ્વરે એક રાજ્યની સ્થાપના કરી છે, જેનો કદી નાશ થશે નહિ.’ (દાનિયેલ ૨:૪૪) ઈસુ આખી પૃથ્વી પર રાજ કરશે અને કોઈની સાથે ભેદભાવ નહિ કરે. તે પ્રેમાળ અને દયાળુ છે અને કોઈની સાથે અન્યાય કરતા નથી. ઈસુ લોકોને પણ એકબીજા સાથે પ્રેમ, દયા અને ન્યાયથી વર્તવાનું શીખવશે.—યશાયા ૧૧:૯ વાંચો.
વધારે જાણો
ચાલો જોઈએ કે માણસોની સરકાર કરતાં ઈશ્વરનું રાજ્ય કઈ રીતે અનેક ગણું ચઢિયાતું છે.
૪. ઈશ્વરનું રાજ્ય આખી પૃથ્વી પર રાજ કરશે
ઈસુ ખ્રિસ્ત પાસે કોઈ પણ માનવીય શાસક કરતાં વધારે અધિકાર છે. માથ્થી ૨૮:૧૮ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:
આપણે કેમ કહી શકીએ કે ઈસુ પાસે કોઈ પણ માનવીય શાસક કરતાં વધારે અધિકાર છે?
માનવીય સરકારો બદલાતી રહે છે અને દરેક સરકાર પૃથ્વીના કોઈ એક ભાગ પર જ રાજ કરે છે. પણ ઈશ્વરના રાજ્ય વિશે શું? દાનિયેલ ૭:૧૪ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:
ઈશ્વરના રાજ્યનો “કદી નાશ નહિ થાય,” એનાથી આપણને કેવો ફાયદો થશે?
ઈશ્વરનું રાજ્ય આખી પૃથ્વી પર રાજ કરશે, એનાથી આપણને કેવો ફાયદો થશે?
૫. માનવીય સરકારો આપણી તકલીફો દૂર કરી શકતી નથી
આપણને કેમ ઈશ્વરના રાજની જરૂર છે? વીડિયો જુઓ. પછી આ સવાલની ચર્ચા કરો.
માણસોના રાજમાં આપણે કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે?
સભાશિક્ષક ૮:૯ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:
આપણને માણસોની સરકારોને બદલે ઈશ્વરના રાજની કેમ જરૂર છે?
૬. ઈશ્વરના રાજ્યના રાજાઓ આપણને સમજે છે
આપણા રાજા ઈસુ આપણી જેમ આ પૃથ્વી પર જીવી ગયા છે. એટલે તે ‘આપણી નબળાઈઓ સમજી શકે છે.’ (હિબ્રૂઓ ૪:૧૫) ઈસુ સાથે રાજ કરનારા ૧,૪૪,૦૦૦ રાજાઓને યહોવાએ પૃથ્વી પરથી પસંદ કર્યા છે. એ વફાદાર સ્ત્રી-પુરુષોને “દરેક કુળ, બોલી, પ્રજા અને દેશોમાંથી” પસંદ કરવામાં આવ્યાં છે.—પ્રકટીકરણ ૫:૯.
ઈસુ અને તેમની સાથે રાજ કરનાર રાજાઓ આપણી લાગણીઓ અને તકલીફોને સારી રીતે સમજે છે. એ વાત જાણીને તમને કેમ રાહત મળે છે?
૭. ઈશ્વરના રાજ્યના નિયમો વધારે ચઢિયાતા છે
સરકારો પોતાના નાગરિકોનાં રક્ષણ અને ભલા માટે નિયમો બનાવે છે. એવી જ રીતે, ઈશ્વરના રાજ્યના પણ નિયમો છે, જે એના નાગરિકોએ પાળવા જોઈએ. ૧ કોરીંથીઓ ૬:૯-૧૧ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:
જ્યારે બધા જ લોકો ઈશ્વરના નિયમોa પાળશે, ત્યારે દુનિયા કેવી હશે?
યહોવા ચાહે છે કે આપણે તેમના નિયમો પાળીએ. શું યહોવા જે ચાહે છે એ વાજબી છે? તમને કેમ એવું લાગે છે?
શાના આધારે કહી શકાય કે જેઓ યહોવાના નિયમો પાળતા નથી, તેઓ પણ બદલાઈ શકે છે?—કલમ ૧૧ જુઓ.
જો કોઈ પૂછે: “ઈશ્વરનું રાજ્ય શું છે?”
તમે કેવો જવાબ આપશો?
આપણે શીખી ગયા
ઈશ્વરનું રાજ્ય યહોવાની એક ગોઠવણ છે, જે સ્વર્ગમાંથી આખી પૃથ્વી પર રાજ કરશે.
તમે શું કહેશો?
ઈશ્વરના રાજ્યમાં કોણ કોણ રાજ કરશે?
ઈશ્વરનું રાજ્ય કઈ રીતે માણસોની સરકારો કરતાં ચઢિયાતું છે?
યહોવા પોતાના રાજ્યના નાગરિકો પાસેથી શું ચાહે છે?
વધારે માહિતી
ઈશ્વરનું રાજ્ય ક્યાં છે? આ લેખમાં વાંચો કે ઈસુએ એ વિશે શું કહ્યું હતું.
“શું ઈશ્વરનું રાજ્ય તમારા દિલમાં છે?” (jw.org/gu પર આપેલો લેખ)
યહોવાના સાક્ષીઓ કેમ માણસોની સરકારોને નહિ, પણ ઈશ્વરના રાજ્યને વફાદાર રહે છે?
ઈસુ સાથે રાજ કરવા યહોવાએ જે ૧,૪૪,૦૦૦ રાજાઓને પસંદ કર્યા છે, તેઓ વિશે બાઇબલમાં શું જણાવ્યું છે?
એક કેદી સ્ત્રીને કઈ રીતે ભરોસો થયો કે ફક્ત ઈશ્વર જ આ દુનિયામાંથી અન્યાય દૂર કરી શકે છે?
“મને જાણવા મળ્યું કે અન્યાયનો અંત કેવી રીતે આવશે” (સજાગ બનો!નો લેખ)