‘તમારી સમજણમાંથી ડગશો નહિ!’
‘ભાઈઓ, અમે તમને વિનંતી કરીએ છીએ કે તમારી સમજણમાંથી ડગશો નહિ.’—૨ થેસ્સા. ૨:૧, ૨.
૧, ૨. આજની દુનિયામાં છેતરપિંડી થવી કેમ સામાન્ય વાત છે? જૂઠી વાતો કઈ રીતે ફેલાવવામાં આવે છે? (શરૂઆતનું ચિત્ર જુઓ.)
આજની દુનિયામાં છેતરપિંડી અને જૂઠાણું એટલાં સામાન્ય થઈ ગયાં છે કે એનાથી કંઈ નવાઈ લાગતી નથી. બાઇબલ સાફ જણાવે છે કે લોકોને છેતરવામાં શેતાન ઘણો ઉસ્તાદ છે અને આખી દુનિયા તેની મુઠ્ઠીમાં છે. (૧ તીમો. ૨:૧૪; ૧ યોહા. ૫:૧૯) દુષ્ટ દુનિયાનો અંત નજીક આવતો જોઈ શેતાન ખૂબ જ ગુસ્સે ભરાયો છે કેમ કે, તે જાણે છે કે તેની પાસે “થોડો જ વખત રહેલો છે.” (પ્રકટી. ૧૨:૧૨) તેથી, દુનિયાના લોકો પર શેતાનની અસર વધતી જોઈને આપણને આશ્ચર્ય ન થવું જોઈએ. એ લોકો ખાસ કરીને યહોવાના ભક્તોને છેતરવાના પ્રયત્નો કરશે.
૨ યહોવાના સેવકો અને તેઓની માન્યતા વિશે સમાચારો, ટીવી પ્રોગ્રામ અને ઇન્ટરનેટ દ્વારા જૂઠી વાતો ફેલાવવામાં આવે છે. પરિણામે, અમુક લોકો ચિંતામાં આવી જાય છે અને એ વાતોને સાચી માનવાની નાદાની કરી બેસે છે.
૩. શેતાનની જૂઠી વાતોથી ન છેતરાઈએ માટે આપણી પાસે શું છે?
૩ શેતાનની આવી જૂઠી વાતોથી ન છેતરાઈએ માટે આપણી પાસે બાઇબલ છે, જે બાબતોને ‘સુધારવા માટે ઉપયોગી છે.’ (૨ તીમો. ૩:૧૬) પાઊલના લખાણ પરથી જોઈ શકાય કે, પ્રથમ સદીના થેસ્સાલોનીકાનાં અમુક ભાઈ-બહેનો એવી જૂઠી વાતોથી છેતરાઈ ગયાં હતાં. પાઊલે તેઓને સલાહ આપી કે ‘તમારી સમજણમાંથી ડગશો નહિ!’ (૨ થેસ્સા. ૨:૧, ૨) પાઊલની એ પ્રેમાળ સલાહમાંથી આપણે શું શીખી શકીએ? આપણા સમયમાં એ સલાહને કઈ રીતે લાગુ પાડી શકીએ?
સમયસરની ચેતવણીઓ
૪. પાઊલે કઈ રીતે થેસ્સાલોનીકીના મંડળનું ધ્યાન ‘યહોવાના દિવસ’ તરફ દોર્યું? આજે, આપણને એ વિશે કઈ રીતે ચેતવવામાં આવે છે?
૪ થેસ્સાલોનીકાના મંડળને લખેલા પહેલા પત્રમાં પાઊલે તેઓનું ધ્યાન આવનાર ‘યહોવાના દિવસ’ તરફ દોર્યું. પાઊલ ઇચ્છતા હતા કે એના વિશે તેમના ભાઈઓ ગૂંચવણમાં નહિ પણ તૈયાર રહે. તેથી, તેમણે તેઓને “અજવાળાના દીકરા” બનવા તેમ જ ‘જાગૃત અને સાવધ’ રહેવા આગ્રહ કર્યો. (૧ થેસ્સાલોનીકી ૫:૧-૬ વાંચો.) આજે આપણે મહાન બાબેલોન એટલે કે જૂઠા ધર્મોના સામ્રાજ્યનો નાશ થવાની રાહ જોઈ રહ્યા છીએ. એમ થયા પછી યહોવાના મહાન દિવસની શરૂઆત થશે. યહોવા પોતાનો હેતુ કઈ રીતે પૂરો કરી રહ્યા છે, એ વિશે આપણી સમજણ વધુ સ્પષ્ટ બની છે. તેથી આપણે યહોવાના બહુ આભારી છીએ. ઉપરાંત, મંડળ દ્વારા આપણને જાગૃત રહેવા વિશે સૂચનો નિયમિત રીતે મળે છે. વારંવાર અપાતી એ ચેતવણીઓને ધ્યાનમાં રાખવી જોઈએ, જેથી યહોવાની ‘સમજણપૂર્વક સેવા’ કરવાનો નિશ્ચય દૃઢ કરી શકીએ.—રોમ. ૧૨:૧.
૫, ૬. (ક) થેસ્સાલોનીકીઓને બીજા પત્રમાં પાઊલે શાના વિશે લખ્યું? (ખ) ઈસુ દ્વારા યહોવા જલદી જ શું કરવાના છે? આપણે કયા સવાલો પર વિચાર કરવો જોઈએ?
૫ થેસ્સાલોનીકાના મંડળને લખેલા બીજા પત્રમાં પાઊલે તેઓનું ધ્યાન આવનાર વિપત્તિ તરફ દોર્યું. તેમણે જણાવ્યું કે “જેઓ ઈશ્વરને ઓળખતા નથી ને જેઓ સુવાર્તા માનતા નથી” તેઓ પર ઈશ્વરનો ચુકાદો આપણા પ્રભુ ઈસુ લાવશે. (૨ થેસ્સા. ૧:૬-૮) એ પત્રના બીજા અધ્યાયમાં જોવા મળે છે કે એ મંડળનાં અમુક ભાઈ-બહેનો યહોવાના દિવસ વિશે “લાગણીશીલ” બની ગયાં હતાં. કારણ કે, તેઓ એવું માનતાં હતાં કે યહોવાનો દિવસ તેઓના સમયમાં જ આવી જશે. (૨ થેસ્સાલોનીકી ૨:૧, ૨ વાંચો.) એ ભાઈ-બહેનોને યહોવાનો હેતુ કઈ રીતે પૂરો થશે એના વિશે ઓછી સમજણ હતી. પાઊલે પણ કબૂલ્યું, “આપણું જ્ઞાન અપૂર્ણ છે, અને આપણે અપૂર્ણ પ્રબોધ કરીએ છીએ; પણ જ્યારે સંપૂર્ણતા આવશે, ત્યારે અપૂર્ણતા જતી રહેશે.” (૧ કોરીં. ૧૩:૯, ૧૦) યહોવાએ પાઊલ, પીતર અને બીજા વિશ્વાસુ અભિષિક્તો દ્વારા જે ચેતવણીઓ લખાવી, એનાથી એ સમયના ઈશ્વરભક્તો પોતાની શ્રદ્ધા અડગ રાખી શક્યા.
૬ પાઊલે ઈશ્વરની પ્રેરણાથી તેઓની સમજણ સુધારી. તેમણે તેઓને સમજાવ્યું કે યહોવાનો દિવસ આવતા પહેલાં સાચી ભક્તિનો વિરોધ કરનારા અને “અધર્મી પુરુષ” ઊભા થશે.a છેતરાઈ જનારા બધાનો ઈશ્વરના નક્કી કરેલાં સમયે પ્રભુ ઈસુ “નાશ કરશે.” તેઓનો શા માટે એવો ન્યાય થશે? એનું કારણ આપતા પાઊલ જણાવે છે કે તેઓએ ‘પ્રેમથી સત્યનો સ્વીકાર કર્યો નહિ.’ (૨ થેસ્સા. ૨:૩, ૮-૧૦) સારું રહેશે કે આપણે પણ આ સવાલો પર વિચાર કરીએ: મને સત્ય માટે કેટલો પ્રેમ છે? આજે દુનિયા ફરતેનાં મંડળોને બાઇબલ આધારિત સાહિત્ય પહોંચાડવામાં આવે છે. શું એમાં આપેલી નવી સમજણથી હું જાણકાર છું?
સંગતની પસંદગી સમજી-વિચારીને કરીએ
૭, ૮. (ક) પ્રથમ સદીનાં ભાઈ-બહેનોએ કયાં જોખમોનો સામનો કરવો પડ્યો હતો? (ખ) આપણા માટે આજે કયો મોટો ખતરો છે?
૭ ઈશ્વરભક્તો માટે સત્યના વિરોધીઓ અને તેઓના જૂઠા શિક્ષણ ઉપરાંત બીજાં જોખમો પણ છે. પાઊલે તીમોથીને લખ્યું કે “દ્રવ્યનો લોભ સઘળા પ્રકારનાં પાપનું મૂળ છે; એનો લોભ રાખીને કેટલાએક વિશ્વાસથી ભટકી ગયા છે અને ઘણાં દુઃખોથી તેઓએ પોતાને વીંધ્યા છે.” (૧ તીમો. ૬:૧૦) વધુમાં, “દેહનાં કામ”નો પણ સતત ખતરો છે.—ગલા. ૫:૧૯-૨૧.
૮ પાઊલે “જૂઠા પ્રેરિતો” વિશે થેસ્સાલોનીકીઓને ચેતવણી આપી હતી. તેઓમાંના અમુક ‘અવળી વાતો બોલતા હતા,’ જેથી “શિષ્યોને પોતાની પાછળ ખેંચી” શકે. (૨ કોરીં. ૧૧:૪, ૧૩; પ્રે.કૃ. ૨૦:૩૦) ઈસુએ એફેસસનાં ભાઈ-બહેનોનાં વખાણ કર્યાં હતા, કેમ કે તેઓએ મંડળમાં “ભૂંડાં માણસને” ચલાવી લીધા નહિ. પોતાને પ્રેરિત કહેવડાવે એવા જૂઠા માણસોને એફેસી ભાઈ-બહેનોએ “પારખી લીધા” હતાં. (પ્રકટી. ૨:૨) થેસ્સાલોનીકીઓને બીજા પત્રમાં પાઊલે સલાહ આપી કે, ‘હવે, ભાઈઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે અમે તમને આજ્ઞા કરીએ છીએ કે જે ભાઈ આડો ચાલે છે, તેનાથી તમે અલગ રહો.’ પછી, પાઊલે “કામ ન કરે” એવાં ભાઈ-બહેનોનો ખાસ ઉલ્લેખ કર્યો. (૨ થેસ્સા. ૩:૬, ૧૦) જો કામ ન કરે એવી એટલે કે આળસુ વ્યક્તિથી તેઓએ દૂર રહેવાનું હતું, તો કેટલું જરૂરી હતું કે સાચી ભક્તિની વિરુદ્ધ જનારાથી તેઓ ખાસ દૂર રહે! એવી વ્યક્તિઓ સાથે સંગત રાખવી એક મોટો ખતરો હતો. આજે આપણા કિસ્સામાં પણ એવા લોકોથી દૂર રહેવું એટલું જ જરૂરી છે.—નીતિ. ૧૩:૨૦.
૯. નિંદા કરતી કે પોતાના વિચારો જણાવતી વ્યક્તિઓથી આપણે શા માટે સાવધ રહેવું જોઈએ?
૯ દુષ્ટ દુનિયાનો અંત અને મહાન વિપત્તિ નજીક આવી રહ્યાં છે. તેથી, પ્રથમ સદીના ભક્તોને યહોવાએ જે ચેતવણીઓ આપી, એ આપણા માટે વધારે મહત્ત્વની છે. આપણે ઈશ્વર તરફથી મળેલી જે કૃપાને લાયક નથી, એને “વ્યર્થ ન જવા” દઈએ, નહિતર હંમેશાંનું જીવન ગુમાવી દઈશું. (૨ કોરીં. ૬:૧, ઈઝી-ટુ-રીડ વર્ઝન) બાઇબલ જે બાબતો વિશે જણાવતું નથી, એને મંડળમાં આવતી કોઈ વ્યક્તિ પોતાના વિચારો પ્રમાણે સમજવા આપણને કદાચ ઉશ્કેરે. અથવા એવું બને કે એ વ્યક્તિ વડીલોની કે બીજા ભાઈઓની નિંદા કરવામાં આપણને સામેલ કરવા પ્રયાસ કરે. એવી વ્યક્તિઓથી આપણે સાવધ રહીએ.—૨ થેસ્સા. ૩:૧૩-૧૫.
‘શિક્ષણને વળગી રહીએ’
૧૦. થેસ્સાલોનીકાના મંડળને કયા શિક્ષણને વળગી રહેવા વિશે અરજ કરવામાં આવી?
૧૦ પાઊલે થેસ્સાલોનીકાનાં ભાઈ-બહેનોને ‘દૃઢ રહેવા’ અને જે શીખ્યાં એ પાળતાં રહેવાં વિશે અરજ કરી. (૨ થેસ્સાલોનીકી ૨:૧૫ વાંચો.) પાઊલ કયા શિક્ષણની વાત કરતા હતા? દેખીતું છે કે તે જૂઠા ધર્મોના શિક્ષણની વાત કરતા ન હતા. તે તો યહોવાની પ્રેરણાથી પોતે અને બીજાઓએ જે લખ્યું, તેમ જ ઈસુએ જે શીખવ્યું એ શિક્ષણ વિશે વાત કરતા હતા. પાઊલે કોરીંથી મંડળના વખાણ કરતા લખ્યું કે “મેં જે શિક્ષણ આપ્યું છે તે તમે યાદ રાખો છો અને તે પ્રમાણે ચાલો છો તેથી મને આનંદ થાય છે.” (૧ કોરીં. ૧૧:૨, IBSI) એ શિક્ષણ યહોવા તરફથી મળતું હોવાથી ભરોસાપાત્ર હતું.
૧૧. કઈ રીતોએ વ્યક્તિ છેતરાઈ શકે?
૧૧ હિબ્રૂઓને પાઊલે એવી બે રીતો વિશે ચેતવણી આપી જેનાથી વ્યક્તિ પોતાની શ્રદ્ધા ગુમાવી બેસે અને ડગમગી જાય. (હિબ્રૂ ૨:૧; ૩:૧૨ વાંચો.) એ કલમોમાં તેમણે “દૂર ખેંચાઈ જઈએ” અને “દૂર જાય” જેવા શબ્દો વાપર્યા હતા. એનો અર્થ સમજવા ચાલો હોડીનો દાખલો જોઈએ. કિનારે ઊભેલી હોડી ધીમે ધીમે પાણીમાં ખેંચાય ત્યારે ખબર પડતી નથી કે એ દૂર થઈ રહી છે. બીજા કિસ્સામાં, કોઈ વ્યક્તિ ધક્કો મારે ત્યારે પણ હોડી કિનારાથી દૂર જાય છે. હોડીની જેમ બંને કિસ્સામાં વ્યક્તિ પોતાને છેતરાઈ જવા અને સત્યમાં પોતાનો ભરોસો કમજોર બનવા દે ત્યારે શું બને એ જોઈ શકાય છે.
૧૨. કઈ બાબતોને લીધે આપણે ભક્તિમાંથી ફંટાઈ શકીએ?
૧૨ થેસ્સાલોનીકાનાં અમુક ભાઈ-બહેનો છેતરાઈ ગયાં હતાં. આજના ઈશ્વરભક્તો વિશે શું? આજે પણ સમય ખાઈ જાય એવી પ્રવૃત્તિઓ ઘણી ફેલાયેલી છે. જેમ કે, સોશિયલ નેટવર્કિંગ, ઈમેઈલ કે એસએમએસનો અતિશય ઉપયોગ, તેમ જ પોતાના શોખ કે રમતગમતમાં મચ્યા રહેવું. એ બધી પ્રવૃત્તિઓને લીધે વ્યક્તિનું ધ્યાન ભક્તિમાંથી ફંટાઈ શકે અને ઉત્સાહ ઠંડો પડી શકે. પરિણામે, ખરા હૃદયની પ્રાર્થના, બાઇબલ અભ્યાસ, સભાઓ અને પ્રચાર માટે તે સમય નહિ કાઢી શકે. તેથી, આપણી સમજણમાંથી ડગી ન જવા શું કરવું જોઈએ?
ડગી ન જઈએ માટે રક્ષણ
૧૩. બાઇબલમાં ભાખવામાં આવ્યું હતું તેમ આજે ઘણાનું વલણ કેવું છે? આપણી શ્રદ્ધાને શાનાથી રક્ષણ મળે છે?
૧૩ એક વાત હંમેશાં ધ્યાનમાં રાખીએ કે આપણે શેતાનની દુનિયાના “છેલ્લા સમયમાં” જીવી રહ્યા છીએ. તેથી, જેઓ આને છેલ્લો સમય ગણતા નથી તેઓની સંગતથી ખરાબ અસર થઈ શકે છે. આપણા સમય વિશે પ્રેરિત પીતરે લખ્યું, ‘મજાક કરનારા આવશે, જેઓ પોતાની ખોટી ઇચ્છાઓ પ્રમાણે ચાલશે અને કહેશે કે તેના આગમનના વચનનું શું થયું છે? કેમ કે પૂર્વજો ઊંઘી ગયા ત્યારથી ઉત્પત્તિના આરંભમાં સઘળું જેવું હતું તેવું જ રહે છે.’ (૨ પીત. ૩:૩, ૪) બાઇબલને દરરોજ વાંચવાથી અને એનો અભ્યાસ કરવાથી જોઈ શકીશું કે આપણે “છેલ્લા સમયમાં” જીવી રહ્યા છીએ. બાઇબલમાં ભાખવામાં આવ્યું હતું તેમ, સત્યમાં ભેળસેળવાળું શિક્ષણ ઘણા સમય પહેલાં શરૂ થયું અને આજે પણ જોવા મળે છે. વર્ષો પહેલાંનો “અધર્મી પુરુષ” આજે પણ છે અને ઈશ્વરભક્તોનો વિરોધ કરી રહ્યો છે. તેથી, યહોવાનો દિવસ નજીક આવી રહ્યો છે એ ધ્યાનમાં રાખતા આપણે વધુ જાગૃત રહેવું જોઈએ.—સફા. ૧:૭.
૧૪. ઈશ્વરની સેવામાં વ્યસ્ત રહેવાથી શામાં રક્ષણ મળે છે?
૧૪ અનુભવ બતાવે છે કે નિયમિત રીતે ખુશખબર ફેલાવવાનું કામ કરવાથી જાગૃત રહેવા અને સમજણમાંથી ડગી ન જવા રક્ષણ મળે છે. મંડળના શિર ઈસુએ આજ્ઞા કરી હતી કે સર્વ દેશના લોકોને શિષ્ય બનાવીએ અને તેઓને આજ્ઞા પાળતા શીખવીએ. ઈસુની એ આજ્ઞા પાળવાથી શિષ્યોને રક્ષણ મળવાનું હતું. (માથ. ૨૮:૧૯, ૨૦) તેમના માર્ગદર્શન પ્રમાણે કરતા, આપણે ખુશખબર ફેલાવવાના કામમાં ઉત્સાહ બતાવવો જોઈએ. થેસ્સાલોનીકી ભાઈઓ પ્રચાર અને શિષ્ય બનાવવાનું કામ ફક્ત કરવા ખાતર કરતા ન હતા. પાઊલે તેઓને કહ્યું, ‘પવિત્ર શક્તિનું કાર્ય કદાપિ અટકાવશો નહિ; પ્રબોધને કદાપિ મહત્ત્વ વગરનો ગણશો નહિ.’ (૧ થેસ્સા. ૫:૧૯, ૨૦, ઈઝી-ટુ-રીડ વર્ઝન) આજે, જે પ્રબોધનો આપણે અભ્યાસ કરીએ છીએ અને લોકોને જણાવીએ છીએ, એ ખરેખર બહુ રોમાંચક છે!
૧૫. કુટુંબ તરીકેની ભક્તિમાં કયા વિષયોનો સમાવેશ કરી શકીએ?
૧૫ આપણે કુટુંબના સભ્યોને સારા પ્રચારક બનવા મદદ કરવા માંગીએ છીએ. તેથી, ઘણાં ભાઈ-બહેનો કુટુંબ તરીકેની ભક્તિ કરે ત્યારે થોડોક સમય પ્રચારની રજૂઆત વિશે ફાળવે છે. તમે પણ એમ કરી શકો. ફરી મુલાકાત કઈ રીતે કરવી એ વિશે ચર્ચા કરી શકો. તમને આવા સવાલો પર ચર્ચા કરવાથી મદદ મળશે: ફરી મુલાકાતમાં કયા વિષય પર વાત કરીશું જેથી ઘરમાલિકને ચર્ચા કરવી ગમે? ફરી મુલાકાત માટે કયો સમય સૌથી સારો રહેશે? ઘણાં ભાઈ-બહેનો કુટુંબ તરીકેની ભક્તિમાં થોડોક સમય સભાની તૈયારી માટે ફાળવે છે. શું તમારું કુટુંબ એમ કરી શકે? સભાઓમાં ભાગ લેવાથી તમારી શ્રદ્ધા દૃઢ બનશે અને સમજણમાંથી ડગી ન જવા મદદ મળશે. (ગીત. ૩૫:૧૮) બાઇબલ જે વિશે કંઈ જણાવતું નથી, એને પોતાના વિચારો પ્રમાણે સમજી ન બેસવા અને શંકાઓ ન ઉઠાવવા કુટુંબ તરીકેની ભક્તિ બહુ ઉપયોગી છે.
૧૬. સમજણમાંથી ડગી ન જવા અભિષિક્તો પાસે કઈ આશા છે?
૧૬ વર્ષો દરમિયાન, યહોવાએ પોતાના લોકોને બાઇબલની ભવિષ્યવાણીઓની સમજણ આપીને જાણે આશીર્વાદ આપ્યા છે. એના લીધે સારા ભાવિની ખાતરી મળે છે. અભિષિક્તોને આશા છે કે તેઓ ખ્રિસ્ત સાથે સ્વર્ગમાં હશે. એ આશાને લીધે તેઓ પોતાની સમજણમાંથી ડગી જતા નથી. પાઊલે થેસ્સાલોનીકીઓને જે લખ્યું તે આજના અભિષિક્તોને પણ લાગુ પડે છે. તેમણે લખ્યું: ‘ભાઈઓ, તમે પ્રભુને પ્રિય છો, તમારે વિશે સદા ઈશ્વરની સ્તુતિ કરવાને અમે બંધાએલા છીએ કેમ કે, પવિત્ર શક્તિથી અને સત્ય પરના વિશ્વાસથી ઈશ્વરે તમને પસંદ કર્યા છે.’—૨ થેસ્સા. ૨:૧૩.
૧૭. તમને ૨ થેસ્સાલોનીકી ૩:૧-૫ના પ્રેમાળ શબ્દોથી શું ઉત્તેજન મળે છે?
૧૭ પૃથ્વી પર સદા જીવવાની આશા રાખનારાઓએ પણ સમજણમાંથી ડગી ન જવા સખત પ્રયત્નો કરવા જોઈએ. તમને પણ એ આશા હોય તો, થેસ્સાલોનીકીના અભિષિક્તોને આપેલી પાઊલની પ્રેમાળ સલાહ તમારે પણ પાળવી જોઈએ. (૨ થેસ્સાલોનીકી ૩:૧-૫ વાંચો.) એ પ્રેમાળ શબ્દોની આપણે દિલથી કદર કરવી જોઈએ. થેસ્સાલોનીકીઓને લખેલા એ પત્રોમાંથી આપણને ચેતવણી મળે છે કે બાઇબલને પોતાના વિચારો પ્રમાણે સમજવાથી અથવા શંકા ઉઠાવતા વિચારોથી દૂર રહેવું જોઈએ. આપણે છેલ્લા સમયોમાં જીવી રહ્યા હોવાથી, એ ચેતવણીઓની ઊંડી કદર કરવી જોઈએ.
a પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૨૯, ૩૦માં પાઊલે લખ્યું કે મંડળમાં “કેટલાક માણસો ઊભા થશે અને શિષ્યોને પોતાની પાછળ ખેંચી લઈ જવા માટે અવળી વાતો બોલશે.” ઇતિહાસ બતાવે છે કે સમય જતાં, પાદરીવર્ગ અને ચર્ચના સભ્યો વચ્ચે મતભેદો ઊભા થયા. ત્રીજી સદી સુધીમાં તો પાદરીવર્ગ “અધર્મી પુરુષ” તરીકે સાફ દેખાઈ આવ્યો. એ વિશે ચોકીબુરજ, સપ્ટેમ્બર ૧, ૧૯૯૦, પાન ૧૨થી ૧૬ જુઓ.